સુખની દુકાન
નવનીત પટેલ
આજે લક્ષ્મીપ્રસાદ બપોરની ચા પીને વહેલા તૈયાર થઈ ગયા અને તેમના ઘરથી દોઢેક કિલોમીટર દુરની સરકારી નિશાળનાં દરવાજે હાથમાં ચાનાચોર ગરમની પેટી લઈને પહોંચી ગયા. વિચારોના વમળમાં લક્ષ્મીપ્રસાદ આનંદનાં હિંડોળે ઝૂલવા લાગ્યા. ‘કેવી કુદરતની મહેરબાની છે! જીવનની ઢળતી સંધ્યાએ પણ આ ધોકળું કામ કરીને પરસેવાની કામાણી પર સ્વમાનભેર જીવે છે. એકનો એક દીકરો કે જે આ બાપને એક પળ પણ વિલો નો’તો મુકતો, તે કભાળજા ઘરમાં આવવાથી તેને લઈને કાયમને માટે અમને મૂકીને ઘર છોડીને ચાલ્યો ગયો. છતાં પણ હું ખુબ જ ખુશ છું કે કુદરત જે કંઈ કરે છે તે આ જન્મના કર્મો પૂરા કરવા માટે જ કરે છે. હસતા-હસતા કે રડતા-રડતા કર્મો તો પૂરા કરવા જ પડશે એમાં તો છૂટકો જ નથી, તો પછી શા માટે હસતે મોઢે પૂરા નાં કરીએ...?’
લક્ષ્મીપ્રસાદનાં વિચારોના વમળમાં એકાએક વણાંક આવ્યો અને પોતે બાળપણમાં આવી જ એક સરકારી નિશાળમાં ભણતા હતા અને માસ્તરે શીખવેલ ‘કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહેવાનો’ જીવન મંત્ર આજે પણ તેને કામ લાગી રહ્યો છે તેવા વિચારોનાં વહેણમાં લક્ષ્મીપ્રસાદ તણાવા લાગ્યા. નિશાળની રીશેષ પડવાનો બેલ સાંભળીને લક્ષ્મીપ્રસાદની વિચારધારા તૂટી...
નાના-નાના ભૂલકાઓ ચનાચાચા-ચનાચાચા કરતા લક્ષ્મીપ્રસાદને વળગી પડ્યા. લક્ષ્મીપ્રસાદ મુખ પર મુક્ત હાસ્ય રેલાવતા બધાને પ્રેમથી ચનાચોર ગરમ આપવા લાગ્યા. એક છોકરાએ ચનાચોર ગરમ લેવા માટે ખોટો સિક્કો આપ્યો, તો પણ લક્ષ્મીપ્રસાદનાં ચહેરાની એક પણ રેખા બદલાઈ નહિ અને પેલા છોકરાને ખબર પણ ના પડે તે રીતે ખોટો સિક્કો પોતાના ગજવામાં નાખીને કોઈ ભેદભાવ રાખ્યા વગર તેને પણ બીજા જેટલા જ ચનાચોર ગરમ આપ્યા. નિશાળની બારીમાંથી દેસાઈ સાહેબ આ તમાશો જોઈ રહ્યા હતા... આમતો તેઓ ઘણીવાર લક્ષ્મીપ્રસાદને બારીમાંથી નિરીક્ષણ કરતા બેઠા રહેતા પણ આજે તેઓ બહાર આવ્યા અને તેના મિત્ર જોશી સાહેબને સાથે લેતા આવ્યા.
લક્ષ્મીપ્રસાદની પાસે આવી બંન્ને સાહેબોએ ચાનાચોર ગરમ લીધા અને ખાતા-ખાતા વાતોએ વળગ્યા. દેસાઈ સાહેબે ઘણા દિવસોથી તેના મનમાં ઘોળાયા કરતો પ્રશ્ન લક્ષ્મીપ્રસાદને પૂછી જ નાખ્યો, ‘લક્ષ્મીપ્રસાદ, તમને કેટલાય છોકરાઓ ખોટો સિક્કો આપીને ચનાચોર ગરમ લઇ જાય છે, તો પણ તમે તેને કેમ આપો છો...? તમને તમારા ધંધામાં ખોટ નથી જતી...? આ બધા ખોટા સિક્કાનું શું કરો છો...?’ દેસાઈ સાહેબે બધા પ્રશ્નોનો વરસાદ એક સાથે જ વરસાવી દીધો. લક્ષ્મીપ્રસાદે શાંત ચિતે હસતે મુખે જવાબ આપ્યો, ‘સાહેબ હું પણ એક દિવસ બાળક હતો અને મને એક ખોટો સિક્કો કોઈ જગ્યાએ ચાલી જાય તો કેવું સારું એવું થયા કરતુ અને કોઈ દુકાને ચાલી જાય ને તેના બદલામાં વસ્તુ મળી જાય તો તેનો આનંદ ખુબ આવતો માટે હવે મને એવું લાગે છે કે બીજાને સુખ આપવાથી મારી પાસે પણ સુખ જ રહે છે, અને એટલે જ મેં આ ચાના મસાલા સાથે સુખની દુકાન કાઢી છે’
‘પણ આનાથી તો વિદ્યાર્થીઓને ખોટું કરવાની વૃતિને પ્રોત્સાહન મળેને ? અને તમને પણ નુકસાન થાયને ધંધામાં ?’ દેસાઈ સાહેબે લક્ષ્મીપ્રસાદની વિચારસરણીનો તાગ મેળવવા માટે સમો પ્રશ્ન કર્યો.
થોડું હસીને લક્ષ્મીપ્રસાદ ગળું સાફ કરતા બોલ્યા, ‘સાહેબ મને થોડી ખોટ જવાથી કંઈ ઝાઝો ફરક નથી પડવાનો પણ પેલા બાળકને તેનો સિક્કો ખોટો છે તેમ કહીને રીશેષમાં નાસ્તાથી વંચિત રાખવાથી તેને બહુ દુ:ખ થાત. અને મારી પાસેતો આવા કેટલાય ખોટા સિક્કાઓ છે એમાં એક વધારે. હું બધા ખોટા સિક્કાઓ ભેગા કરું છું’
દેસાઈ સાહેબ અને જોશી સાહેબ બંને આ ગરીબની ઈમાનદારી અને સમજણ પર આફરીન થઇને એકબીજા સામે જોઈ રહ્યા. રીશેષ પુરી થવાનો બેલ પડ્યો, લક્ષ્મીપ્રસાદે તેની ચના મસાલેની પેટી બંધ કરવાની તયારી કરવા માંડી. અને બંન્ને શિક્ષકો પોતે આજે કોઈ મોટો પાઠ શીખ્યા હોય તેમ હરખાતા-હરખાતા નિશાળમાં દાખલ થયા.
લક્ષ્મીપ્રસાદ તેની પેટી લઈને થોડે દુર આવેલા બગીચામાં ગયા. ત્યાં તેને થોડા ઘરાકો મળ્યા. પણ હજુ થોડા બચેલા ચના ખપાવવા માટે લક્ષ્મીપ્રસાદે દરિયા કિનારા તરફ પગ ઉપાડ્યા. આજે દરિયા કિનારે ભરતીને લીધે ઝાઝા લોકો આવ્યા નો’તા. તેથી ત્યાં પણ બહુ ઘરાકી ના મળી. છતાં પણ લક્ષ્મીપ્રસાદ ચહેરા પરનાં એ જ આનદ સાથે ઘરે આવ્યા. ઘરે ગૌરીબેન રાહ જોઈને જ બેઠા હતા. હાથ-મો ધોઇને બંન્ને સાથે જમવા બેઠા. જમી લીધા પછી લક્ષ્મીપ્રસાદે ગૌરીબેનને કાલે ચનાં નહિ બનાવવાનું કહ્યું. ગૌરીબેને પ્રશ્નાર્થ નજરે લક્ષ્મીપ્રસાદ સામે જોઈને પૂછ્યું, ‘કેમ કાલે ચના વેંચવા નથી જવાનું ? તબિયત તો સારી છે ને તમારી ?’ લક્ષ્મીપ્રસાદે હસીને કહ્યું, ‘‘ના, હવે ‘કાલથી’ નથી જવાનું’’
‘કંઇક સમજાય એવું બોલોને, આમ ગોળ-ગોળ કેમ કરો છો, મને તો કંઈ ખબર નથી પડતી’ ગૌરીબેને થોડો રોષ વ્યક્ત કરતા કહ્યું. લક્ષ્મીપ્રસાદ આરામ ખુરશીમાં લંબાવતા બોલ્યા, ‘હવે આ જીવનની ઢળતી સંધ્યાનો સૂર્ય ડૂબી રહ્યો છે, ક્યારે અંધકાર છવાઈ જશે તે કહેવાય નહિ’ ગૌરીબેનને કંઈક અમંગળ થવાનું હોય તેવા ભણકારા વાગવા માંડ્યા, તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને કહ્યું, ‘આવું શું બોલો છો ? તમને કંઈ થવાનું નથી’ લક્ષ્મીપ્રસાદે માત્ર હાસ્યથી જ પ્રત્યુત્તર આપ્યો.
રાત્રે લક્ષ્મીપ્રસાદ તો ઘસઘસાટ ઊંઘી ગયા પણ ગૌરીબેનને મનમાં વિચારો ઘોળાયા કરતા હતા કે કોઈદી’ નહિ ને આજે કિશોરના બાપુએ આવું કેમ કહ્યું...! આટ-આટલા દુખના ડુંગરો ઘસી પડ્યા હતા તો પણ સમતા નહી ગુમાવનાર અને હાસ્યને મુખ પરથી નહિ છોડનાર આમ અચાનક જીવનની ઢળતી સંધ્યાનો સુર્ય ડૂબી રહ્યાની વાતો કેમ કરવા માંડ્યા...!! મળસ્કે વિચારોને ખંખેરીને ગૌરીબેન પણ ગાઢ ઊંઘમાં સરી પડ્યા.
સવારે ગૌરીબેન રોજ કરતા થોડા મોડા ઉઠ્યા હતા, આજે ચણા શેકવાના ન હતા એટલે કામ ઓછું હતું. ચા બનાવીને ગૌરીબેન લક્ષ્મીપ્રસાદને ઉઠાડવા તેની પથારી પાસે ગયા, માથા પર હાથ મૂક્તા જ મો માંથી રાડ પડાઈ ગઈ, ‘ઓહ, તમને તો તાવ છે. કે’તાય નથી... હું ડોક્ટરને બોલાવીને હમણાં જ આવી’ કહીને ગૌરીબેન જલ્દીથી પડોશની ચાલીમાં રહેતા ડૉ.રાધેભાઈને બોલાવી લાવ્યા. ડોક્ટર પણ આ કુટુંબનાં જ એક સભ્ય હોય તેમ ગૌરીબેનની સાથે જ જલ્દીથી આવ્યા. આવીને લક્ષ્મીપ્રસાદને તપસ્યા અને કહ્યું કંઈ ચિંતા જેવું નથી સામાન્ય તાવ છે, આ દવા આપું છું એ લેવડાવી લેજો અને સાંજે આ બીજી ગોળી આપી દેજો.
ડોક્ટર તો તેનું કામ પતાવીને ચાલ્યા ગયા. લક્ષ્મીપ્રસાદે ગૌરીબેનને પાસે બોલાવીને કહ્યું ‘મને ઉભો કરીને મંદિરની પાસે લઇ જા ને..’ ગૌરીબેને ટેકો આપીને લક્ષ્મીપ્રસાદને ઘરના ખૂણામાં રાખેલ ભગવાનના મંદિર પાસે બેસાડ્યા. મંદિરમાં શ્રી રામચંદ્રજીનો લક્ષ્મણજી, જાનકીજી અને હનુમાનજી સાથેનો એક માત્ર ફોટો હતો. તેની સામે હાથ જોડીને લક્ષ્મીપ્રસાદ બેસી રહ્યા, લક્ષ્મીપ્રસાદે ગૌરીબેન પાસે ચનામસાલાની પેટીમાં એક ડાબલો રાખે છે તે આપવાનું કહ્યું. ગૌરીબેને તે ડાબલો આપ્યો, તેમાંથી લક્ષ્મીપ્રસાદે અત્યાર સુધી જેણે-જેણે ખોટા સિક્કાઓ આપ્યા હતા તે બધા બહાર કાઢ્યા અને ભગવાન સામે ધર્યા, એવામાં દરવાજા પર ટકોરા પડ્યા, પણ ગૌરીબેન લક્ષ્મીપ્રસાદનાં આ કાર્યને એવા મગ્ન બનીને જોઈ રહ્યા હતા કે તેને દરવાજો ખખડવાનો અવાજ પણ ના સંભળાયો. લક્ષ્મીપ્રસાદે બધા ખોટા સિક્કા ભગવાનના ચરણોમાં અર્પણ કરીને હાથ જોડી મસ્તક નમાવીને પ્રાર્થના કરતા કહ્યું, ‘હે કરુણાનિધાન, આજ દિવસ સુધી મને લોકોએ જેટલા ખોટા સિક્કાઓ આપ્યા છે તે મેં સંઘરી રાખ્યા છે, આજે તને વિનંતી કરું છું કે તું પણ આ એક ખોટા સિક્કાને સંઘરી લેજે’ અને લક્ષ્મીપ્રસાદે ભગવાનના ચરણોમાં મસ્તક નમાવી કાયમને માટે આંખ બંધ કરી દીધી.
ગૌરીબેન તો સાવ શૂન્યમનસ્ક સ્થિતિમાં જોઈ જ રહ્યા. દરવાજે ફરી એકવાર ટકોરા પડ્યા. ગૌરીબેને આંખમાં આંસુ સાથે દરવાજો ખોલ્યો. દેસાઈ સાહેબ, જોશી સાહેબ અને બીજા ત્રણ-ચાર જણ લક્ષ્મીપ્રસાદને મળવા માટે આવ્યા હતા. ગૌરીબેને અંદર આવવાનું કહ્યું, લક્ષ્મીપ્રસાદ હજુ એ જ સ્થિતિમાં ભગવાનના ચરણોમાં પડ્યા હતા. દેસાઈ સાહેબે તેની સાથે આવેલા ટ્રસ્ટીઓને કહ્યું, ‘જોઈ સાહેબ, આ ખાનદાની માણસની ખાનદાની. આ વ્યક્તિએ આખી જીંદગી લોકોના ખોટા સિક્કાઓ ચાલવી લીધા છે તો શું કુદરત આવા સાચા સિક્કાને નહિ ચલવે...?’ ગૌરીબેન હું લક્ષ્મીપ્રસાદને સારી રીતે ઓળખું છું તેઓ અમારી નિશાળ પાસે જ ચણા વેંચવા આવે છે અને અત્યારે તેના છેલ્લા વચનો પણ અમે દરવાજે ઉભા રહીને સાંભળ્યા છે અને હવે મને આ મહાન માણસના સદાય સુખ પાછળનું રહસ્ય પણ સમજાઈ ગયું છે, તેની ‘સુખની દુકાન’
બધાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા અને એક મહાન વ્યક્તિનું સમાધિ મરણ થયું તે બધાયે નજરે નિહાળ્યું તેનો ગર્વ અનુભવવા લાગ્યા.
***