Yog-Viyog - 17 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 17

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૧૭

દિલ્હી-મુંબઈની જેટ એરવેઝની ફ્લાઈટ મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પણ લેન્ડ થઈ ત્યારે રાતના સાડા દસ થવા આવ્યા હતા. બપોરે શ્રાદ્ધ પતાવી, જમી અને એ જ એ.સી. ઇન્ડિકા ટેક્સીમાં વસુમા અને ત્રણ ભાઈઓ હરિદ્વારથી દિલ્હી આવવા નીકળ્યા હતા. દિલ્હીથી સાડા આઠની જેટ એરવેઝની ફ્લાઇટ પકડીને એ લોકો મુંબઈ ઊતર્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. શહેર આખું વરસાદમાં તરબોળ હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો...

એરપોર્ટના અરાઈવલ ટર્મિનલની બહાર ઉતાવળે નીકળીને અભયે ચારે બાજુ જોયું. ‘‘વૈભવી પાસે ફ્લાઇટની વિગતો હતી જ એટલે એ લેવા તો આવી જ હશે !’’

એ જ વખતે પાછળ પાછળ અલય, અજય અને વસુમા આવી પહોંચ્યાં... લેવા આવનારાઓની ભીડ અને એક પછી એક લેન્ડ થતી જતી ફ્લાઇટને કારણે ભીડ ખાસ્સી હતી. અભયે ઊંચી ડોક કરીને ચારે તરફ તપાસવાનો પ્રયાસ કર્યો. વૈભવી ક્યાંય દેખાઈ નહીં. આમ પણ બપોરની વાત પછી અને શ્રાદ્ધને કારણે બધાના મન જાણે ઉદાસ હતા. કોઈ પણ અહીં વધુ રોકાઈને રાહ જોવાના મૂડમાં નહોતું જ.

‘‘ભાભી નથી આવ્યાં ?’’ અજયે અભયને પૂછ્‌યું.

‘‘દેખાતી તો નથી.’’ અભયે કહ્યું.

‘‘ચાલો ઘરે જતા રહીએ. ટેક્સી બોલાવું ?’’ અલયને તો અમસ્તાય વૈભવીની ગાડીમાં જવામાં કોઈ રસ નહોતો, પણ શ્રેયા કેમ ના આવી એ વાતે એને નવાઈ જરૂર લાગી હતી. જોકે આજે આખા દિવસમાં એણે ફોન ચાલુ જ ના કર્યો. એને શ્રેયા સાથે વાત કરવાની ઇચ્છા થઈ હતી બે-ત્રણ વાર, પણ શ્રાદ્ધની વિધિએ અને મા સાથે થયેલી વાતચીતે એટલો તો લાગણીવશ કરી નાખ્યો અલયને કે એને ડર લાગતો હતો કે શ્રેયા સાથે વાત કરતાં કદાચ રડી પડાય તો ? જે માણસને એણે જોયો નહોતો, જે માણસ સાથે એનો કોઈ સંબંધ નહોતો એવું એ વારંવાર ઠસાવીને કહેતો હતો, જેનું નામ એ પોતાના નામની પાછળ લખવાની પણ ના પાડતો હતો એ માણસના શ્રાદ્ધની એના પર આવી અસર થશે એવી અલયને પોતાનેય કલ્પના નહોતી...

કોણ જાણે કેમ એનું મન રહી રહીને ઉદાસ થઈ જતું હતું. દિલ્હી આવવા નીકળ્યા ત્યાં સુધી અલયના મનમાં ક્યાંક ખૂબ ઊંડે પણ એવી ઇચ્છા ધરબાયેલી હતી કે સૂર્યકાંત મહેતા આવે. એનું વેર, એનો ધિક્કાર, એની નફરત એ દેખાડી શકે ! સૂર્યકાંત મહેતાને એ જ રીતે નકારી શકે પોતે, જે રીતે એમણે નકાર્યું હતું એના અસ્તિત્વને... આ બધું કરવા માટે કેટલાં વર્ષોથી રાહ જોતો હતો અલય, અને દિલ્હી જતાં પહેલાં વસુમાની સાથે સાથે એણે પણ માની લીધું હતું કે સૂર્ય્રકાંત મહેતા નહીં આવે અને એમના નહીં આવવાની વાત સ્વીકારવાથી અલયનું વેર નપુંસક બની ગયું હતું. હવે એ કોને નફરત કરશે ? કોને ધિક્કારશે ? કોની સામે પકડી રાખશે પોતાના વિરોધો ? આજ સુધી તો માની પ્રતીક્ષાને ઢાલ બનાવીને બહુ લડ્યો હતો અલય, પણ હવે તો માએ જ પ્રતીક્ષા કરવાનું છોડી દીધું તો બાકી શું રહ્યું ?

અને હવે આવ્યો હતો એ માણસ !

‘‘નસીબદાર છે એ પણ...’’ અલયે મનોમન વિચાર્યું, ‘‘બધાએ એને માફ કરી દીધો. શ્રાદ્ધ કરીને જાણે મેં પણ છોડી દીધો એને. એ પછી પહોંચ્યો છે... એના ગુનાઓનો હિસાબ તો અમે કરી નાખ્યો સવારે. હવે એ સામે આવીને ઊભો રહે તો શું કહીશ હું ? મારો ધિક્કાર, મારી ફરિયાદો, મારી તકલીફો કેમ એટલી ને એટલી તીવ્ર નથી રહી ! એ માણસના નામથી મારું રુંવેરુંવું ઝેરથી ભરાઈ જતું હતું ! મારું લોહી ગરમ ગરમ થઈને શરીરમાં ફરવા માંડતું હતું. માથાની નસ ફાટીને ગુસ્સો બહાર નીકળી જશે એવો ત્રાસ થતો હતો એના નામ માત્રથી... અને આજે એ આવી ગયો છે એવું જાણ્યા પછી પણ કેમ કશું થતું નથી મને? મેં એને માફ કરી દીધો છે કે મારું વેર હવે નપુંસક થઈ ગયું છે...’’ અલય શૂન્યમાં જોતો વિચારી રહ્યો હતો.

‘‘ અહીં ઊભા રહીને રાહ જોવાનો કોઈ અર્થ નથી. કદાચ ભૂલી ગઈ હશે વૈભવી...’’

‘‘એવું તો ના બને, ટ્રાફિકમાં ફસાઈ હોય કદાચ. ફોન કરું ?’’ અભયે દાંત પીસ્યા, અને વૈભવીને મનોમન બે ગાળ દીધી. પછી પોતાનો ફોન ઓન કર્યો...

એણે પણ સવાર પછી ફોન ચાલુ જ નહોતો કર્યો. પહેલાં વિચાર્યું હતું કે પ્રિયાને ફોન કરીને મનાવી લઈશ.

ગંગાકિનારે શ્રાદ્ધની વિધિ કરતાં અને ગંગામાં ડૂબકી મારતાં કોણ જાણે એના મનને શું થઈ ગયું, એને સૌથી પહેલો વિચાર પ્રિયાનો આવ્યો. ગંગાના કમર સમાણા પાણીમાં ઊભા રહીને બ્રાહ્મણના કહ્યા પ્રમાણે અર્ધ્ય આપતા અભયને જાણે સૂર્યકાંત મહેતા સાક્ષાત નજર સામે દેખાયા.

‘‘બેટા, જે ભૂલ મેં કરી એ જ તું કરીશ ?’’ ગંગાનું ઠંડું પાણી અભયને થથરાવી ગયું. ‘‘એટલે સમજ્યો નહીં બાપુ...’’

‘‘બેટા, લગ્ન તો એક બંધન છે. સામાજિક પરંપરા અથવા સંસ્થા માત્ર. જેને સ્નેહ કર્યો, જેણે શરીર સોંપી દીધું એને આમ અધવચ્ચે મૂકી દઈશ ?’’

‘‘તો શું કરું બાપુ ? મારે સામાજિક જવાબદારીઓ છે. પત્ની છે, બાળકો છે...’’

‘‘બેટા, એ તારી જવાબદારી નથી ? પત્ની પાસે તો કાયદેસરનો મોભો છે, ઘર છે, તારાં સંતાનોની માતા હોવાનું ગૌરવ છે, પણ આની પાસે શું છે ? એણે કશુંયે માગ્યા વિના તને બધુંયે આપ્યું બેટા... તારી ફરજ એની કાળજી લેવાની છે. એ પણ તારી જવાબદારી જ છે.’’

‘‘બાપુ, તમે તો કહો છો, પણ મા...’’ અભયે ગંગામાં માથાબોળ સ્નાન કરી રહેલાં વસુમા તરફ જોયું. એમની આંખોમાં કોઈ ગજબની મુક્તિ અને શાંતિ હતી. એમના ચહેરા ઉપર એક અગત્યનું કામ પૂરું થયાનો સંતોષ હતો.

‘‘માને ખબર પડે તો શું થાય ?’’ અભયને વિચાર આવ્યો અને એ પાણીમાં પણ વસુમાથી ઊંધો ફરી ગયો... ‘‘બાપુ, હું પણ નથી ઇચ્છતો કે હું એ છોકરીને છેહ દઉં, પણ હું સંતાનની જવાબદારી સ્વીકારી શકું એમ નથી.’’

‘‘તો ના સ્વીકારીશ, પણ એને કહે, એને સમજાવ તારી મજબૂરી. ભાગી જવાથી પ્રશ્ન વધુ ગૂંચવાશે. તું એ જ ભૂલ કરી રહ્યો છે, જે મેં આજથી વષોં પહેલાં કરી હતી...’’

અભય હાથમાં પાણી લઈને સૂર્યને અર્ધ્ય આપતો રહ્યો, પણ સાથોસાથ એણે નિર્ણય કર્યો કે એ પ્રિયાને એની મરજી પૂછશે અને પ્રિયા તમામ પરિસ્થિતિ સમજીને પણ જો બાળકને જન્મ આપવા માગતી હશે તો પોતે એની પડખે ઊભો રહેશે...

અને એ વિચારે એણે પ્રિયાનો ફોન કરવાનું ટાળ્યું હતું. એણે નક્કી કર્યું હતું કે ભલે ગમે તેટલા વાગે, પોતે રાત્રે જ જઈને પ્રિયાને એના ફ્લેટ પર મળશે. એની સાથે વાત કરશે. એને એટલું વહાલ કરશે કે એ ગઈ કાલે રાતની વાત ભૂલી જાય.

હરિદ્વારથી નીકળ્યા ત્યારથી અભયના મનમાં એક જ વાત ઘૂમરાયા કરતી હતી અને એ હતી પ્રિયાના સુખની વાત.

પ્રિયા જે કહેતી હતી એ કદાચ સાચી વાત હતી. અભય પાસે પોતાની જિંદગી હતી, પોતાનું કુટુંબ, પોતાનું ઘર, પણ પ્રિયાએ તો અભયને જ પોતાની જિંદગી બનાવી દીધી હતી. આટલો ગાંડો પ્રેમ કરતી સ્ત્રીને પોતે શું આપ્યું હતું ? અભય હરિદ્વારથી દિલ્હી સુધી પાંચ કલાકમાં ભાગ્યે જ બે વાક્ય બોલ્યો હશે. એનું મન સતત પ્રિયામાં હતું...

એણે એરપોર્ટ ઉપર વૈભવીને ફોન કરવા માટે જેવો ફોન ઓન કર્યો કે એને અપેક્ષા હતી કે પ્રિયાના બે-ચાર મેસેજિસ હશે, જેમાં એણે પોતાના મનની પીડા અને લાગણીઓ કદાચ કડવાશ સાથે પણ વ્યક્ત કરી હશે... પરંતુ ખૂબ નવાઈ લાગી અભયને. એક પણ મેસેજ નહોતો !

‘‘બહુ ચિડાઈ છે !’’ અભયે વિચાર્યું અને પછી વૈભવીના બદલે પહેલાં પ્રિયાનો નંબર ડાયલ કર્યો. એનો ફોન બંધ હતો ! અભયને ફાળ પડી. પ્રિયા ક્યારેય ફોન બંધ નહોતી કરતી ! પણ અત્યારે વધુ સમય વેડફી શકાય એમ નહોતું, એટલે અભયે વૈભવીનો નંબર ડાયલ કર્યો...રિંગ વાગતી રહી. કોઈ ફોન ઉપાડતું નહોતું !

એણે ફરી ફરીને ત્રણ વાર નંબલ ડાયલ કર્યો. ત્રણેય વખત રિંગ વાગતી રહી, રિંગ પૂરી થઈને ફોન કપાઈ ગયો ત્યાં સુધી કોઈએ ફોન ઉપાડ્યો નહીં !

‘‘ટ્રાફિકમાં ફસાઈ લાગે છે. ફોન પણ નથી લેતી.’’ અભયે કહ્યું.

અલયે એની સામે અર્થસૂચક નજરે જોયું અને પછી કહ્યું, ‘‘ટેક્સી લઈ આવું ?’’

કોઈ કશું ના બોલ્યું અને ટેક્સી લેવા કાઉન્ટર તરફ આગળ વધી ગયો.

ટેક્સીના કાઉન્ટર પાસે જઈને અલય થોડી વાર એમ જ ઊભો રહ્યો, ‘‘શ્રેયા કેમ નહીં આવી હોય ? સૂર્યકાંત મહેતા ઘેર પહોંચ્યા હશે? ઓહ ગોડ ! એ ઘરે હશે તો માને કેમ સંભાળીશ ?’’ અલય પોતાના જ વિચાર પર હસી પડ્યો, ‘‘માને ક્યાં સંભાળવી પડે એમ છે ? એણે જ અમને સંભાળ્યા છે આટલાં વર્ષો, અને આજે પણ એ જ અમને સંભાળીને પાછા લઈ આવી...’’

અલયનું મન વસુમા પ્રતિ શ્રદ્ધાથી ભરાઈ ગયું અને આંખો ભીની થઈ આવી !

અલય ચૂપચાપ અન્ય મનસ્ક જેવો ઊભો હતો. શૂન્યમાં તાકી રહ્યો હતો. કોણ જાણે કેટલા અને શું શું વિચારો ચાલતા હતા એના મનમાં... ત્યાં પાછળથી આવીને એના ગળામાં બે હાથ વીંટાયા...

‘‘ફોન બંધ કરી દે એટલે સંબંધ પૂરો નહીં થાય ડબ્બા... હું તો તારા ગળામાં બાંધેલો ઘંટ છું...’’

‘‘મને હતું જ કે તું આવીશ.’’

‘‘તે આવું જ ને ! તારી રાહ જોઈ જોઈને થાકી ગઈ.’’

‘‘આમ થાકી જઈશ તો િંજદગી કેમ ચાલશે ? હજુ તો ઘણી રાહ જોવાની છે તારે .’’

‘‘જોઈશ, હજી દસ વર્ષ રાહ જોઈશ, પણ ફોન ચાલુ રાખીને, સમજ્યો ? ફોન કેમ બંધ કર્યો હતો એમ કહે...’’

‘‘ખબર નથી. મારું મન બહુ ઉદાસ હતું.’’

‘‘તો સૌથી પહેલો મને ફોન કરવો જોઈએ ડબ્બા... મૂડ ખરાબ હોય ત્યારે વીથ-ડ્રો કરવાની ટેવ ક્યાંથી પડી તને ?’’

‘‘એ બધી વાત પછી કરીશું, અત્યારે બધા રાહ જુએ છે...’’

‘‘હા ચલ, હું ગાડી લાવી છું...’’ શ્રેયા ઊંધી ફરીને આગળ ચાલવા લાગી. અલયે એનો હાથ પકડ્યો, શ્રેયાએ પાછળ જોયું.

‘‘પેલો ઘેર છે ?’’

‘‘કોણ નીરવ ? એણે તો મને દિવસથી ફોન જ નથી કર્યો. મને તો એમ હતું કે તું બહારગામ છે એટલે ચાન્સ મારીને ડેટ કરીશ એની સાથે, પણ ફોન જ નથી ઉપાડતો તારો દોસ્ત...’’

‘‘ઓહ ! એટલે આને કાંઈ ખબર નથી.’’ અલયથી રાહતનો ઊંડો શ્વાસ લેવાઈ ગયો.

બંને જણા અજય, અભય અને વસુમાની પાસે આવ્યા. શ્રેયા નીચી નમીને પગે લાગી.

‘‘અરે બેટા, તું ?’’

‘‘મને જોઈને નવાઈ ના લાગવી જોઈએ તમને...’’

‘‘હા.’’ વસુમા હસી પડ્યાં, ‘‘તારો અલય અડતાળીસ કલાક પછી ગામમાં પાછો આવે તો એ ઘેર પહોંચે ત્યાં સુધી તારાથી રાહ ન જ જોવાય... ખબર છે મને.’’

‘‘મા, હું તો તમને પણ મિસ કરતી હતી.’’ શ્રેયા શરમાઈ ગઈ.

‘‘હા, એ ખરું !’’ વસુમાએ એના માથે હાથ ફેરવ્યો, ‘‘તું પાછી રોજ મને મળે ખરી ને ! એટલે મિસ તો કરે જ ને !’’ અભય અને અજયના ચહેરા પર પણ નાનકડું સ્મિત આવી ગયું. ઘરના બધા શ્રેયાની અલય માટેની ઘેલછા જાણતા. ખાસ કરીને વસુમા શ્રેયાને ખૂબ ચાહતાં. કદાચ એટલા માટે કે એ સમજતાં હતાં આ છોકરીની પ્રતીક્ષા, એની તરસ અને એનો તરફડાટ...

બધા શ્રેયાની ગાડી તરફ ચાલી નીકળ્યા. શ્રેયાએ આગળનો દરવાજો ખોલીને વસુમાને બેસાડ્યાં. સામાન ડેકીમાં મૂકીને અલય બે ભાઈઓની બાજુમાં ગોઠવાઈ ગયો. ગાડી એરપોર્ટનો રસ્તો છોડીને હાઈવે પર વળી ત્યારે ત્રણે ભાઈઓના હૃદયના ધબકારા વધી ગયા હતા. અલબત્ત, ત્રણેય પાસે જુદાં જુદાં કારણો હતાં !

‘‘તમે મને ના કહો એટલે મને ખબર ના પડે ?નીરવભાઈ, તમે મને કહ્યું હોત તો હું અભયને કહી દેત અને વસુમાને સંદેશો પહોંચી જાત. તમે અલયને કહીને ભૂલ કરી નીરવભાઈ... કે પછી જાણીજોઈને અલયને કહ્યું ?’’ વૈભવીએ કાળીનો એક્કો ફેંક્યો અને છેલ્લો હાથ પણ લઈ લીધો.

‘‘એટલે તેં અલયને ફોન કર્યો હતો ?’’ સૂર્યકાંતે પૂછ્‌યું.

નીરવના દાંત ભીંસાઈ ગયા, ‘‘આ બાઈ !!!’’ એણે સૂર્યકાંતની સામે જોઈને બની શકે એટલો અવાજ પર કાબૂ રાખીને સલૂકાઈથી કહ્યું, ‘‘જી, કર્યો હતો, પણ ફોન બંધ મળ્યો.’’

‘‘ઓહ !’’ વૈભવીએ નીરવની સામે જોયું, એક સ્મિત કર્યું, ‘‘મને પણ ફોન બંધ જ મળ્યા. બધાના...’’ અને સૂર્યકાંતની સામે જોઈને ખૂબ લાગણીવશ અવાજે ગળગળા થઈને કહ્યું, ‘‘શ્રાદ્ધ કરવા ગયા હતા, ફોન તો બંધ જ કરી દે ને !’’

‘‘આપણે ઘરે જઈએ ?’’ જાનકી અકળાઈ ગઈ હતી.

‘‘હા, હા.’’ વૈભવીએ ખૂબ લાડભર્યા અવાજે સૂર્યકાંતની સામે જોઈને કહ્યું, ‘‘ચલો પપ્પાજી, તૈયાર થઈ જાવ.’’ ને લક્ષ્મી સામે જોઈને ઉમેર્યું, ‘‘મને તમારું નામ નથી ખબર... પણ તમેય... ચાલો બધા ઘરે જઈને સાથે જમીએ. નીરવભાઈ, તમે આવો છો ને ?’’

થોડીક ક્ષણો માટે સાવ સોપો પડી ગયો. જાનકીનું મગજ ફાટફાટ થતું હતું. એને ઘણું કહેવું હતું. એનું ચાલે તો એ અહીં જ વૈભવી સાથે ઝઘડી નાખત, પણ એની બુદ્ધિ અને એની કુનેહ એને રોકતા હતા...

એણે હજી પરિસ્થિતિનો તાગ લેવાનો હતો. વૈભવી અહીં ક્યારની આવી હતી. એણે સૂર્યકાંત સાથે શું વાત કરી હતી એ બધું સમજ્યા વિના પરિસ્થિતિમાં કૂદી પડવું કુહાડી પર પગ મારવા જેવું થશે એની જાનકીને ખબર હતી. આટલાં વર્ષ વૈભવી સાથે રહીને જાનકી એટલું તો જાણતી જ હતી કે વૈભવીને પરિસ્થિતિ સંપૂર્ણપણે પોતાના કાબૂમાં લઈ લીધી હશે અને એવા સમયે કંઈ પણ કરવું કે બોલવું પોતાની વિરુદ્ધ જશે.

‘‘પપ્પાજી, આવો છો ને ?’’ વૈભવીના ચહેરા પર એ જ ૪૪૦ વોલ્ટનું સ્મિત હતું.

‘‘મારે તો ઓફિસ જવાનું છે.’’ નીરવે કહ્યું.

‘‘પણ તું તો લંચ સુધી ફ્રી હતો ને બેટા ?’’

‘‘હા ડેડી, પણ...’’ નીરવ થોથવાઈ ગયો, ‘‘એક ફોન આવી ગયો, મારે જવું પડશે.’’ જાનકીએ નીરવ સામે એ રીતે જોયું , જાણે કહેતી હોય કે, ‘‘ આ પરિસ્થિતિમાં મને એકલી મૂકીને ભાગી જશો ?’’

‘‘આઈ એમ સોરી ભાભી.’’ નીરવે જાણે જાનકીની વાતનો જવાબ આપી દીધો.

‘‘આજે તમે બધા અહીં આવી જ ગયા છો તો આપણે અહીં જ જમી લઈએ. હું કાલે આવીશ.’’ સૂર્યકાંતે સમય માગવાનો પ્રયત્ન કર્યો, ‘‘વસુના આવ્યા પછી.’’

‘‘પપ્પાજી, મા ગયાં છે, ઘર થોડું લઈ ગયાં છે ? અને શ્રીજી વિલા તો તમારું, પોતાનું ઘર છે...’’ વૈભવીએ સૂર્યકાંતના અહમને હળવી ફૂંક મારી.

‘‘મારું નથી એ ઘર. દેવશંકર મહેતાએ વસુંધરા મહેતાના નામે કયુર્ં છે.’’ સૂર્યકાંત મહેતા બોલ્યા અને જાનકીએ વૈભવી સામે એવી રીતે જોયું જાણે એને કાચી ને કાચી ખાઈ જવા માગતી હોય. વૈભવીએ જાનકીની સામે એક સ્મિત કર્યું, જેનો અર્થ હતો, ‘‘જોઈ લે... હું શું કરી શકું છું તે !’’ પછી સૂર્યકાંત મહેતાની સામે રડું રડું થતાં અવાજે કહ્યું, ‘‘જૂની વાતો ભૂલી ન શકાય પપ્પાજી ?’’

‘‘જૂની નથી આ વાત. છેલ્લાં પચીસ વર્ષ દરમિયાન રોજે રોજ આ વાત મને તસુ તસુ કોરતી રહી છે. મારી અંદર દેવશંકર મહેતાનો એ ચહેરો કોતરાઈ ગયો છે., એમની ચિત્તાને અગ્નિદાહ આપવાનો ઝૂંટવાયેલો મારો અધિકાર અને મારી નાનકડી ભૂલના બદલામાં મને અપાયેલો જાકારો રોજેરોજ મને યાદ કરાવતા રહ્યા છે કે વસુએ મારી સાથે અન્યાય કર્યો છે...તમારાં વસુમાને ઘણું સહન કરવું પડ્યું, માનું છું, પણ મેંય ઓછું નથી સહ્યું...’’ લક્ષ્મી અચાનક પિતાની નજીક આવી ગઈ. એણે પિતાનો હાથ બાવડામાંથી પકડી લીધો અને એમના ખભે માથું મૂકી દીધું. એની આંખમાંથી પિતાની પીડા જોઈને આંસુ સરકી પડ્યાં.

‘‘હું સમજું છું પપ્પાજી.’’ વૈભવી એક પછી એક પ્યાદા મારતી જતી હતી... એ ચેકમેટ આપવા માટે કટિબદ્ધ હતી અને જાનકી વસુમાના આવતાં પહેલાં પરિસ્થિતિ કોઈ રીતે વણસે નહીં એવો મરણિયો પ્રયાસ કરવા માગતી હતી.

‘‘પણ પપ્પાજી, તમારી ફરિયાદો કે પીડાની વાતચીત થઈ શકી હોત, તમે ક્યારેય કહ્યું હતું માને ?’’ જાનકીએ અનિચ્છાએ દલીલમાં ઊતરવું પડ્યું.

‘‘બેટા, તમને નહીં સમજાય આ બધું, પણ એક વાત કહી દઉં, મારી પાસે મારા પોતાનાં કારણો છે. મારું કુટુંબ, મારું ઘર, મારું શહેર અને મારી પત્નીને મૂકીને ચાલી જવાનાં... બાકી કોઈનેય એમ ગોઠવાયેલી જિંદગીમાંથી ચાલી જવું ગમે ?’’

‘‘પપ્પાજી, દરેક બુદ્ધિશાળી માણસ પાસે પોતાના બચાવ માટે સો કારણો હોય જ...’’

‘‘બચાવ ?’’ સૂર્યકાંત મહેતાનો અવાજ ઊંચો થઈ ગયો, ‘‘હું બચાવ કરીશ ? ને એ પણ મારાં સંતાનો સામે ? બેટા, તમે શું જાણો છો ? તમે તો મારા ગયાનાં કેટલાંય વર્ષો પછી એ ઘરમાં પ્રવેશ્યાં. તમારી પાસે એ જ ચિત્ર છે, જે તમને દેખાડવામાં આવ્યું. અજય તો બહુ નાનો હતો...’’

‘‘પણ અભય તો મોટા હતા ને ? એમને યાદ છે બધું, એમણે અવારનવાર મને કહ્યું છે તમારા વિશે, તમારા વહાલ વિશે, તમારી તકલીફો વિશે...’’ વૈભવી જાનકી સામે જોઈને ફરી હસી.

‘‘પપ્પાજી, માએ તમારી બહુ પ્રતીક્ષા કરી છે. ખૂબ ચાહ્યા છે તમને... નહીં તો પચીસ વર્ષે પણ આવી રીતે જાહેરાત આપીને બોલાવવાનું કોઈ કારણ છે ?’’

‘‘છે બેટા...’’ સૂર્યકાંત જાણે જાનકીની કોઈ વાત સ્વીકારવા જ નહોતા માગતા. નીરવને પણ લાગ્યું કે જાનકી કારણ વગરની દલીલોમાં ઊતરી રહી છે. આનાથી પરિસ્થિતિ વણસી જશે. હવે માંડ આઠ કલાક બાકી હતા વસુમાને પાછા ફરવામાં, ત્યારે પરિસ્થિતિ સાચવી લેવી જોઈએ, એમ વિચારીને નીરવે જાનકીને કહ્યું, ‘‘ભાભી, હું પાર્લા સુધી જાઉં છું, તમને ઉતારી દઉં ?’’

‘‘હું પણ ગાડી લઈને આવી છું, અને ઘરે જ જવાની છું. હું લઈ જઈશને જાનકીને... સિવાય કે એને મારી સાથે આવવામાં વાંધો હોય અથવા અહીં પપ્પાજી સાથે જમવામાં વાંધો હોય...’’

‘‘મને શું વાંધો હોય ?’’ હવે જાનકી પાસે કોઈ રસ્તો નહોતો.

‘‘તો હું નીકળું ?’’ હવે નીરવ પાસે પણ કોઈ રસ્તો નહોતો.

‘‘જમીને જાને પ્લીઝ...’’ લક્ષ્મીએ સાવ નબળો, પણ આગ્રહ કર્યો.

‘‘ના, ફરી ક્યારેક.’’ નીરવે કહ્યું અને આગળ ચર્ચા થાય એ પહેલાં તાજના સ્વીટ ૧૦૧૧માંથી વીજળીની ઝડપે બહાર નીકળી ગયો.

બહાર નીકળીને સૌથી પહેલાં નીરવે ઘડિયાળ જોઈ. ૧૨ ને ૪૦.. ‘‘માય ગોડ ! આ બધી માથાકૂટમાં કેટલો સમય નીકળી ગયો !’’ નીરવને વિચાર આવ્યો, ‘‘પરિસ્થિતિ આટલી હદે ગૂંચવાઈ જશે એવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું. કોણ જાણે વસુમાના નસીબમાં શું લખ્યું છે? આ માણસ ગયો ત્યારેય પાછળ ગૂંચવાડો મૂકતો ગયો, સવાલો છોડી ગયો અને હવે આવ્યો છે તોય સાથે ગૂંચવણો અને સવાલો લઈને આવ્યો છે...’’ લિફ્ટની સામે ઊભેલો નીરવ ઝનૂનથી અલયનો નંબર ડાયલ કરી રહ્યો હતો. અલયનો મોબાઈલ સ્વીચઓફ હતો.

ડોક્ટર પારેખના ક્લિનિકમાંથી નીકળીને ઘરે જવા માટે રાજેશ અને અંજલિ ગાડીમાં બેઠાં એ પછી લગભગ દસ મિનિટ અંજલિ સાવ ચૂપ હતી. એક પણ અક્ષર બોલ્યા વિના એ ડાબી બાજુ બારીની બહાર રસ્તો જોયા કરતી હતી. આખરે રાજેશથી ના રહેવાયું. પોતાના ખોળામાં મૂકેલા અંજલિના બે હાથમાંથી એક હાથ ઉપર એણે હાથ મૂક્યો, ‘‘બેબી, શું વિચાર કરે છે ક્યારની ? ડોક્ટરે કહ્યું છે ને તને- મન આનંદમાં રાખવાનું... પ્રિયાનો જે પ્રોબ્લેમ હશે એ આપણે સોલ્વ કરીશું, પણ તું ઉદાસ ન થા. પ્લીઝ... તને ખબર છે ને ? તને ઉદાસ જોઈને મને કંઈનું કંઈ થઈ જાય છે...’’ પછી જોક મારવાનો પ્રયત્ન કર્યો, ‘‘રાક્ષસનો જીવ પોપટમાં હોયને, એમ મારો જીવ તારામાં છે, સ્વીટહાર્ટ !’’ અંજલિએ બારી તરફથી નજર રાજેશ તરફ ફેરવી. રાજેશે સ્મિત કર્યું અને ઉમેર્યું, ‘‘ખરેખર કહું છું...’’

‘‘રાજેશ, આ પ્રિયાના બચ્ચાનો બાપ કોણ હશે ?’’

‘‘જે પણ હોય, પણ એક બેજવાબદાર અને લંપટ માણસ હશે એ નક્કી.’’

‘‘પણ પ્રિયા તો ખૂબ પ્રેક્ટિકલ અને હોશિયાર છોકરી છે. આવા માણસમાં કઈ રીતે ફસાઈ હશે ?’’

પોતાના હાથમાં પકડેલો અંજલિનો હાથ રાજેશે જરા દબાવ્યો, ‘‘બેબી, મેં તને કહ્યુંને, આવું બધું વિચારવાનું છોડી દે. જે થયું તે, આપણે તેની મદદ કરીશું, તેની સાથે રહીશું. તું દુઃખી નહીં થા. એના નર્સિંગહોમનું બિલ પણ હું ચૂકવી દઈશ, બસ !’’ રાજેશે અંજલિને સુખી કરવાનો પ્રયત્ન કરી જોયો.

‘‘રાજેશ, પુરુષો આવા જ હોય...બેજવાબદાર, અય્યાશ અને જુઠ્ઠા... પોતાના જ શબ્દોની િંકમત ના હોય એમને... એક વાર સ્ત્રી સમર્પણ કરી દે પછી એની િંકમત કોડીની થઈ જાય એમના માટે. એનાં સુખ-દુઃખ, એના ગમા-અણગમાની કોઈ િંચતા ના રાખે.’’ અંજલિના મનમાં પિતા અને શફીના ચહેરા તરવરી રહ્યા હતા... એની આંખો સામે માનો ચહેરો અને મરીન ડ્રાઈવના દરિયાની સામે ઊભેલો શફ્ફાક અખ્તર સજીવ થઈ આવ્યા હતા... એના અવાજમાં એક તીવ્ર કડવાશ ઊભરાઈ આવી, ‘‘ઓલ મેન આર અલાઇક !’’

‘‘હું પણ એવો છું ?’’ રાજેશે અંજલિની આંખોમાં જોયું. ‘‘તું મારા વિશે પણ આવું જ ધારે છે, ડાર્લિંગ ? હું તારા ગમા-અણગમાની, સુખ-દુઃખની પરવા નથી કરતો ? તું મને મળી ગઈ એ પછી તારી કિંમત મારા માટે કોડીની છે ?’’ રાજેશ જાણે ઘવાઈ ગયો હતો.

‘‘એવું નથી કહ્યું મેં.’’ અંજલિએ વાત બદલવાનો પ્રયત્ન કર્યો, ‘‘હું જનરલ પુરુષોની વાત કરું છું.’’

‘‘ડાર્લિંગ, હું જનરલ પુુરુષોની વ્યાખ્યામાં નથી આવવા માગતો... હું તને ખૂબ ચાહું છું અને જાણું છું કે હું તારા કરતાં ઘણી બધી બાબતોમાં ઊતરતો છું. તારા જેટલો દેખાવડો નથી, તારા જેટલું ભણેલો નથી, તારી જેમ કલા કે સંગીતનું જ્ઞાન નથી મને, મારો ટેસ્ટ પણ કદાચ તારા જેટલો સારો નથી... પણ એક વાત કહું ?’’ રાજેશનો અવાજ ભીનો થઈ ગયો હતો. એના હોઠ બોલતા બોલતા થરથરી રહ્યા હતા. છાતીમાં ભરાઈ આવેલી કોઈ વાતને જાણે એ ખાળી રહ્યો હતો.

‘‘તું મારી જિંદગી છે. ઈશ્વરે તને લખી દીધી મારા નસીબમાં એ પછી એટલો તો તૃપ્ત થઈ ગયો છું કે ઈશ્વર પાસે બીજું કંઈ માગવાની હિંમત નથી થતી, સ્વીટહાર્ટ ! બહુ મોટી વાત નથી કરતો, પણ આજે વાત નીકળી છે એટલે તને કહું છું કે જિંદગીમાં ક્યારેય પણ અજમાવી જોજે મારા પ્રેમને... તને નિરાશા નહીં થાય.’’

અંજલિ જોઈ રહી રાજેશની સામે. કેટલી સરળતાથી કેટલી મોટી વાત કહી હતી આ માણસે. ‘‘આઈ લવ યુ’’ના ત્રણ શબ્દો નહોતા કહ્યા અને છતાં પોતાના પ્રેમની વાત કેટલી સાદાઈથી અને કેટલી સચ્ચાઈથી કહી હતી એણે !

‘‘રાજ...’’ અંજલિએ રાજેશના હાથ ઉપર પોતાનો હાથ મૂકી દીધો, ‘‘આઈ લવ યુ.’’

‘‘આઈ લવ યુ ટુ સ્વીટહાર્ટ ! લગ્નનાં પાંચ વર્ષ પછી પણ મને તું એટલી જ અદભુત, એટલી જ અઘરી અને એટલી જ બેનમૂન લાગે છે, જેટલી મેં તને પહેલી વાર જોઈ અને તું મને લાગી હતી... તું નહીં માને, પણ હું રોજ ભગવાનના મંદિરે જઈને એક જ પ્રાર્થના કરતો રોજ- મને મારી અંજલિ આપી દો... પછી તમારી પાસે ક્યારેય, કશું નહીં માગું...’’

અંજલિએ રાજેશના ખભે માથું મૂકી દીધું, ‘‘રાજ...’’ અંજલિનો અવાજ જાણે ખળખળ વહી નીકળ્યો હતો.

‘‘સબ કુછ ખુદા સે માંગ લિયા, એક તુજકો માંગ કર,

ઊઠતે નહીં હૈ હાથ, મેરે ઇસ દુઆ કે બાદ...’’ અંજલિએ નવાઈથી રાજેશની સામે જોયું, ‘‘આ સામે લખ્યું છે હોર્ડિંગ પર...’’ રાજેશે કહ્યું અને હસી પડ્યો.

ગાડી સિગ્નલ પર ઊભી હતી.

અંજલિએ સામે નજર કરી.

શફ્ફાક અખ્તરના મુંબઈમાં યોજાનારા કાર્યક્રમની જાહેરાત હતી. અપંગ બાળકો માટેનો ચેરિટેબલ કાર્યક્રમ હતો એ ! અને, રાજેશે હમણાં જ જે લાઈન કહી એ શફ્ફાક અખ્તરના મુસ્કુરાતા ચહેરાની ઉપર લખી હતી...

‘‘કેવી નવાઈની વાત છે, જેને ખોઈ દીધો એના ફોટા ઉપર લખેલી લાઈનો જેને મેળવ્યો છે એ બોલે છે ! ’’ અંજલિના મનમાં વિચાર આવ્યો અને આંખમાં આંસુ પણ ધસી આવ્યા.

‘‘જાન, રડ નહીં. મેં કહ્યુંને તને, તું જેમ કહીશ એમ કરીશ હું પ્રિયા માટે...’’

‘‘રાજેશ, એટલો પ્રેમ નહીં કરો કે મારાથી સહન ના થાય !’’ અંજલિએ ફરી એના ખભે માથું મૂકી અને આંખો મીંચી દીધી, જાણે શફ્ફાકનો ચહેરો જોવાની ઇચ્છા ના હોય એમ... અને ઈશ્વરે પણ એની વાત માની લીધી હોય એમ સિગ્નલ ચાલુ થયો અને ગાડી નીકળી ગઈ.

શ્રેયાની ગાડી એરપોર્ટનો રસ્તો છોડીને હાઈવે પર નીકળી ત્યારે અલય કોઈ પણ રીતે વસુમાને જણાવવા માગતો કે સૂર્યકાંત મહેતા મુંબઈમાં આવી ચૂક્યા છે. એની હિંમત નહોતી થતી એ વાત કાઢવાની....

શ્રેયા એક પછી એક જોક મારી રહી હતી. એક માત્ર અજય એના જોકના પ્રતિભાવ પર ખડખડાટ હસી રહ્યો હતો. વસુમા સ્મિત કરી રહ્યાં હતાં વચ્ચે વચ્ચે... અજય બારીની બહાર જોતો કેટલી ઝડપથી વૈભવીને ચક્કરમાં નાખીને પ્રિયાના ઘરે પહોંચી શકાય એની ગણતરીઓ ગણતો હતો. એને ફરી એક વાર ફોન કરવાનું યાદ આવ્યું.

એણે મોબાઈલ કાઢીને પ્રિયાનો નંબર ડાયલ કર્યો. ફોન સ્વીચઓફ હતો !

ગાડી શ્રીજી વિલાના ગેટ પાસે આવી ગઈ. શ્રેયાએ ઝટકાથી ગાડી રોકી અને વસુમાને કહ્યું, ‘‘મેડમ, તમારું ઘર આવી ગયું !’’

‘‘થેન્ક્યુ...’’ વસુમાએ પણ એટલી જ હળવી શૈલીમાં જવાબ વાળ્યો, ‘‘શું આપવાનું અમને અહીં પહોંચાડવા બદલ...’’

‘‘તમારો દીકરો આપી દો.’’ શ્રેયાએ કહ્યું અને ફરી ખડખડાટ હસી પડી.

‘‘એ તો આપેલો જ છે ને !’’ વસુમાએ કહ્યું, ‘‘તું લઈ નથી જતી.’’

‘‘લઈ જઈશ, લઈ જઈશ, મારી પાસે એટલી બચત તો ભેગી થવા દો... તમારો દીકરો મને મોંઘો પડે છે. બેન્કમાં લોન માટે અપ્લાય કર્યું છે મેં... પાસ થશે એટલે લઈ જઈશ !’’

‘‘ઉધાર લઈ જા, હપતે હપતે ચૂકવજે.’’ વસુમાએ પણ સામે મજાક કરી અને ગાડીનો દરવાજો ખોલીને ઉતરવા માંડ્યું. શ્રેયાએ એમનો હાથ પકડી લીધો, ‘‘ઉધાર લઈ જાઉં બે કલાક ?’’

‘‘અરે ! બે દિવસ લઈ જા !’’ વસુમાએ કહ્યું અને હસીને ઊતરી ગયાં. પછી ઝૂકીને ગાડીની બારીમાંથી શ્રેયાની સામે જોઈને ઉમેર્યું, ‘‘એ જ્યાં હશે ત્યાંથી પાછો જ આવશે, ખોટો રૂપિયો છે મારો !’’ અને શ્રીજી વિલાના ગેટ તરફ ચાલવા માંડ્યું.

વરસાદ ઓછો થયો હતો, પણ હજી ઝરમર વરસી રહ્યો હતો. સામાન અજય અને અભયે લઈ લીધો. અલય વસુમાના પગ પાસે પડેલી નાની હેન્ડબેગ લેવા દરવાજો ખોલીને ઝૂક્યો કે શ્રેયાએ એનો હાથ પકડીને નજીક ખેંચ્યો. અસાવધ અલય લગભગ શ્રેયાની ઉપર પડ્યો. શ્રેયાએ એના ગાલ ઉપર એક ચૂમી ભરી, ‘‘આવે છે ને જાન? તારી મા પાસેથી ઉધાર લીધો છે તને...’’

‘‘તારો ત્રાસ છે.’’ અલયે કહ્યું, ‘‘તને રોમાન્સ સિવાય કંઈ સૂઝતું જ નથી.’’

‘‘બે દિવસે મળ્યો છે, બીજું શું સૂઝે ?’’ અને, અલયના શર્ટનો કોલર પકડી એને નજીક ખેંચ્યો અને ફરી એક ચૂમી ભરી લીધી, ‘‘બે દિવસનો બેકલોગ ક્લિયર કરવાનો છે. જા, અંદર જઈને જલદી પાછો આવ... હું રાહ જોઉં છું.’’

‘‘ઓપ્શન નથી.’’ અલયે કહ્યું અને હસીને શ્રેયાના માથામાં હાથ ફેરવ્યો, ‘‘સાવ પાગલ છે તું.’’

‘‘તારી પાછળ...’’ શ્રેયાએ અલયની હડપચી પકડીને એનો ચહેરો ફેરવી હોઠ ચૂમી લીધા.

ગાડીનો અવાજ સાંભળીને શ્રીજી વિલાનો દરવાજો ખૂલ્યો હતો. જાનકી અને વૈભવી બંને ઓટલા પર આવીને ઊભાં હતાં. ઓટલા ઉપરનો એક માત્ર યલ્લો લેમ્પ ચાલુ હતો. એમાંથી આછું અજવાળું ઓટલા પર રેલાઈ રહ્યું હતું. ગેટ ખોલીને કંપાઉન્ડમાં દાખલ થતાં વસુમાએ આછા અંધારામાં જાનકી અને વૈભવીના ચહેરા જોયા.

કોણ જાણે કેમ, પણ વસુમાને લાગ્યું કે બંને ચહેરા એમને કંઈક કહી રહ્યા છે, એક એવી વાત જે સાંભળ્યા પછી એમની મનઃસ્થિતિ બદલાઈ જવાની છે.

સામાન્ય રીતે બહારગામથી પાછાં ફરેલા કોઈ પણ માણસ વર્તે એમ ન વર્તીને વસુમાએ એક સરસરી નજર બંનેના ચહેરા પર નાખી. ઓટલાનાં પગથિયા ચડતાં નજીક ઊભેલી જાનકીના ખભે હાથ મૂક્યો અને ઘરમાં દાખલ થઈ ગયાં. જાનકી સામેથી આવતા અજય તરફ આગળ વધી. વૈભવી ત્યાં જ ઊભી રહી, અભયની રાહ જોઈને...

એક પણ અક્ષર બોલ્યા વિના વસુમા ઘરમાં દાખલ થયાં અને સીધાં સૂર્યકાંતના ફોટા પાસે ગયાં. એમના હાથમાં પકડેલી એમની પર્સમાંથી એમણે સુખડનો હાર કાઢ્યો અને પંજા પર ઊંચાં થઈને ફોટાને પહેરાવી દીધો...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો