યોગ-વિયોગ - 16 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોગ-વિયોગ - 16

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૧૬

‘‘આજે પૂજામાં જરા વધારે વાર લાગી ગઈ નહીં?’’ વસુમાએ કહ્યું અને જવાબની રાહ જોયા વિના જ પોર્ચમાં ઊભેલી ગાડી તરફ ચાલવા માંડ્યું. વસુમાની પાછળ ત્રણે ભાઈઓ દોરાયા. ચારેય જણ બહાર ઊભેલી ઇન્ડિકા ટેક્સીમાં બેસીને હરકી પૌડી તરફ રવાના થયા.

ગંગાના કિનારે હરકી પૌડી પર ગંગાજીનું મંદિર છે. મંદિરની બિલકુલ સામે ગંગાજીનો પ્રવાહ વાળીને ઊભો કરાયેલો આર્ટિફિશિયલ ઘાટ છે. ઘાટ ઉપર પંડાઓ-બ્રાહ્મણોની સાથે સાથે ગંગાસ્નાન કરવા, પિતૃદોષ નિવારણ અને શ્રાદ્ધ કરવા આવનારા શ્રદ્ધાળુઓની ભીડ બારેમાસ રહે છે.

ગંગાના પ્રવાહમાં વર્ષમાં બે વાર પાણી ધસમસતું વહે છે. પહેલી વાર, જ્યારે મે મહિનામાં હિમાલયનો બરફ પીગળે અને ગંગાના પાણીમાં ભળે. બીજી વાર જ્યારે ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ પડે...

અત્યારે ચાલી રહેલા ચોમાસાને કારણે પ્રવહા દેખીતી રીતે જ વેગવંતો હતો. સૂરજનો ઓફિસ ટાઇમનો તડકો જાણે ઉતાવળે ઉતાવળે ગંગાનાં પાણી પર થઈને દોડતો-હાંફતો આગળ જતો હતો. પાણીનો રંગ સોનેરી, ભૂરો, ક્યાંક નીલ તો ક્યાંક પારદર્શક દેખાતો હતો.

હરકી પૌડી પર શ્રદ્ધાળુઓની ભીડ હતી. માત્ર પંચીયું પહેરીને નહાતા સાધુ- ચણિયા-ચોળીમાં ડૂબકી મારતી સ્ત્રીઓની સાથે સાથે છાતી પર માત્ર ચણિયો બાંધીને નહાઈ રહેલી બે-ચાર સ્નાનસુંદરીઓ...

પણ સૌ અહીં શ્રદ્ધાળુ હતાં- ગંગાસ્નાન કરવા આવેલાં... એટલે ફાઇવસ્ટારના સ્વિમિંગ પુલથી પણ વધુ સ્નાનસુંદરીઓ અહીં હોવા છતાં સૌનું ધ્યાન ઈશ્વરસ્મરણમાં હતું. જોકે અભય અને અલયનું ધ્યાન પોતપોતાની રીતે પોતપોતાની દિશામાં ભટક્યા કરતું હતું.

હરકી પૌડી પર આવીને વસુમાએ આમતેમ જોયું. ગઈ કાલે જે બ્રાહ્મણ સાથે નક્કી કરેલું એ દોડતો આવ્યો, ‘‘નમસ્કાર માજી ! હમ કબ સે ઇન્તજાર કર રહા હૂં...’’

‘‘હા, જરા લેટ હો ગયા...’’

વસુમા અને ત્રણેય દીકરાઓ બ્રાહ્મણે બતાવેલી જગ્યાએ ગોઠવાઈ ગયા. મુખ્ય બ્રાહ્મણની સાથે બીજા ત્રણ બ્રાહ્મણો હતા. એમના અવાજમાં શ્લોકો પઢાવા લાગ્યા. પૂજા શરૂ થઈ ગઈ... ‘‘સ્વસ્તિના ઇન્દ્રૌવૃદ્ધશ્રવાઃ સ્વસ્તિનઃ પુષા વિશ્વવેદાઃ...’’

બ્રાહ્મણે હાથમાં પાણી લઈને સંકલ્પ કરવાનું કહ્યું અને પૂછ્‌યું, ‘‘કોનું શ્રાદ્ધ કરવું છે?’’

ચારમાંથી કોઈએ જવાબ ના આપ્યો. સૌ ચૂપચાપ અન્યમનસ્ક જેવા બેઠા હતાં. વસુમાએ હળવેકથી કહ્યું, ‘‘મારા પતિનું...’’ ચારેય બ્રાહ્મણોની આંખો પહોળી થઈ ગઈ. મંગળસૂત્ર પહેરેલી, ચાંદલો કરેલી આ સ્ત્રી પતિનું શ્રાદ્ધ કરવા આવી છે ? મુખ્ય બ્રાહ્મણે ધીમેથી વસુમાને કહ્યું, ‘‘માજી, મંગલસૂત્ર ઉતારના હોગા...’’

‘‘ક્યું ?’’ વસુમાએ પૂછ્‌યું.

‘‘પતિકે મૃત્યુ કે પશ્ચાત...’’

‘‘આપ અપના કામ કિજિયે.’’ અલયથી રહેવાયું નહીં. એ ક્યારનો અકળાયા કરતો હતો. એને વિધિ-વિધાનમાં અમસ્તીયે શ્રદ્ધા નહોતી અને અહીં બેસીને આવી પૂજા કરવાનું એણે માત્ર વસુમાના સુખ ખાતર સ્વીકાર્યું હતું. ગઈ કાલ રાતનો નીરવનો ફોન એને હજીયે ફરી ફરીને સંભળાઈ રહ્યો હતો. એને સમજાતું નહોતું કે એ સાચું કરે છે કે ખોટું, પરંતુ એના મનમાં સૂર્યકાંત મહેતા પ્રત્યેની નફરતનાં મૂળ એટલાં તો ઊંડાં હતાં કે એને સારા-ખરાબ, સાચા-ખોટાં ને પેલે પાર માત્ર એક જ શબ્દ સંભળાતો હતો- ધિક્કાર...

બ્રહ્મણો મોટા અવાજે શ્લોક ભણી રહ્યા હતા... ‘‘સર્વે જનાઃ સુખીન ભવન્તુ, સર્વે સન્તુ નિરામયા...’’ અલયના કાનમાં એ શ્લોકો જાણે પડઘાઈ રહ્યા હતા. સાથે સાથે એની અંદરનો તાપ એને દઝાડતો જતો હતો...

સાડા ત્રણ વર્ષના અલયને પહેલી વાર સ્કૂલમાં મૂકવા ગયેલી વસુંધરાએ પ્રિન્સિપાલની સામે હળવેકથી નીચી નજરે કહેલી વાત, ‘‘એ અમારી સાથે નથી રહેતા...’’

સ્કૂલમાં ક્લાસમાં જ્યારે જ્યારે ઝઘડો થાય અને વાત મારામારી પર આવે અને અલયની સામે ટકી ન શકાય એવું લાગે છેલ્લા હથિયાર તરીકે વપરાયેલાં ત્યારે મિત્રોનાં ટોણાં અલયને વીંધી નાખતા, ‘‘તારા બાપને બોલાવ... ખબર છે ક્યાં ગયો છે એ ?’’ બ્રાહ્મણોના શ્લોકોની સાથે સાથે એ ટોણા, એ ખડખડાટ હાસ્યો આજે આટલાં વર્ષો્ર પછી ભેગાં થઈને... અલયને વિચલિત કરી રહ્યાં હતાં.

શ્રેયાના પિતાને પહેલી વાર મળવા ગયેલો અલય ઠક્કર સાહેબ સામે બેઠો હતો ત્યારે ખૂબ ઠંડકથી એમણે છોડેલું તીર અલયની નસનસમાં ઝેર ભરી ગયું હતું, ‘‘પછી કંઈ ખબર પડી તારા પપ્પાની ?’’ અને એમને જવાબ આપ્યા વિના એ દિવસે એમના પગથિયા ઊતરી ગયેલો અલય આજે ચાર વર્ષે પણ એમના ઘરે નહોતો જતો.

નીરવના પિતા વિષ્ણુપ્રસાદે એક વાર અલયને કહેલું, ‘‘તારી મમ્મી શોધતી કેમ નથી તારા પપ્પાને...’’ અને અલયે એકદમ કડવાશથી ભરેલા અવાજે સંભળાવી દીધું હતું, ‘‘કારણ કે એ માણસનો શોધવા જેવો છે જ નહીં...’’

આ વાક્યો, આ શબ્દો, આ અને આવા કેટલાય પ્રસંગો અલયને સાપની જેમ ડંખી રહ્યા હતા. અજગરની જેમ ભરડો લઈને એનાં હાડકાંનો ચૂરો કરી રહ્યાં હતાં. વારે વારે ઊભા થઈ જવાની તીવ્ર ઇચ્છા અલયે માંડ માંડ રોકી હતી...

અને સાથે એક સમાંતર ટ્રેકની જેમ એને નીરવનો અવાજ સંભળાયા જ કરતો હતો, ‘‘સૂર્યકાંત મહેતા મુંબઈમાં છે... સૂર્યકાંત મહેતા મુંબઈમાં છે...’’

શ્રાદ્ધની વિધિ ચાલી રહી હતી. હાથ ધોવડાવતો, ફૂલ ચડાવવા, ચોખા ચડાવવા માટે સૂચનાઓ આપતા બ્રાહ્મણની સામે તો ત્રણે દીકરાઓ ચૂપચાપ સૂચનાઓ અમલ કરી રહ્યા હતા, પણ એમની નજર વારે વારે વસુમાના ચહેરા પર જ પડતી હતી. વસુમાના ચહેરા પર એક અજબ સખતાઈ, નિર્ણય થઈ ચૂક્યાની કોઈ અજબ ઓથોરિટી હતી. આ ચહેરા ઉપર પહેરાયેલા મુખવટાની પાછળ ચોક્કસ એક ડૂમો હશે એની ત્રણે ભાઈઓને ખબર હતી. પચીસ પચીસ વર્ષ સુધી જે સ્ત્રીએ એક માણસની પ્રતીક્ષા કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી એ સ્ત્રી માટે એના જીવવાનું અવલંબન પૂરું થઈ રહ્યું હતું. સામે પડેલા પિંડના ત્રણ ભાગ થયા પછી પિતૃલોક, દેવલોક અને ભૂમિલોકમાં ભળી જનારા એ પિંડ સાથેનો સંબંધ પૂરો થવાનો હતો...

મુખ્ય બ્રાહ્મણ વિધિ સમજાવતો હતો અને કહેતો હતો કે, ‘‘આત્મા અવગતને ન જાય અને પિતૃલોકમાં ભળી જાય અને એની મુક્તિ થાય એ માટે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.’’ એણે અચાનક પૂછ્‌યું, ‘‘બહનજી, ષષ્ઠી પિંડ તો કિયા હૈ ના? કૌન સા શ્રાદ્ધ હૈ યે ? દશા, એકાદશા, દ્વાદશા યા ત્રાદશા ?’’ વસુમાએ એની સામે એક કોરી નજર નાખી.

બ્રાહ્મણને સમજાયું કે આ બહેન સવાલ સમજ્યાં નથી. એટલે એણે લંબાવ્યું, ‘‘કૌન સા દિન હૈ યે ? દસવા, ગ્યારવા, બારવા...’’

‘‘ઉસસે ક્યા ફરક પડતા હૈ ?’’ અજયે કહ્યું. એ રડું રડું થઈ ગયો હતો. એની આંખો સામે પિતાનો આછો-પાતળો યાદ હતો એવો વહાલસોયો ચહેરો તરવરી રહ્યો હતો. શ્રીજી વિલાનું ગેટ ખૂલવાનો અવાજ આવે કે તરત જ અજય લેસન પડતું મૂકીને દોડતો. પિતાના ગળે હાથ નાખીને વળગી પડતો. બે પગ ઊંચા લઈ સૂર્યકાંતની કમર પર વીંટાળી દેતો... ઘણી વાર તો સૂર્યકાંત રાત્રે અગિયાર-બાર વાગ્યે આવે તો પણ ગેટ ખૂલવાનો અવાજ આવે કે ઘસઘસાટ ઊંઘતો અજય સફાળો બેઠો થઈને બારણું ખોલવા દોડતો... બારણું ખૂલે કે ઓટલા પર બેઠેલી મા દેખાતી...

આ એ જ મા હતી, જેને દિવસો સુધી અભયે ઓટલા પર બેસીને પિતાની પ્રતીક્ષા કરતી જોઈ હતી. આ એ જ મા હતી, જે રાતોની રાતો રડ્યા કરતી અને અજયને સમજાતું નહીં કે એ માને રડતી કેવી રીતે રોકી શકે ? માના ગળે હાથ ભરાવીને આખી રાત માની જોડે જાગતો અજય એવી ઉંમરમાં હતો કે એને એટલું જ કહેતાં આવડતું, ‘‘રડ નહીં મા, રડ નહીં...’’ એ કહેતા કહેતા એ પોતે પણ રડતો ! એ યાદ આવતા આજે પણ અજયની આંખોમાં આંસુ ધસી આવ્યાં. એ એવડો જ આઠ વર્ષનો અજય થઈ ગયો. એને વિચાર આવ્યો કે એ માના ગળામાં હાથ નાખી દે અને આ સખત ચહેરો કરીને શ્રાદ્ધની વિધિ કરી રહેલી માને આજે કહે, ‘‘રડી નાખ મા, રડી નાખ...પચીસ વરસનાં ભેગાં કરેલાં તારાં આંસુ વહાવી દે ગંગામાં. મને ખબર છે મા, તારે રડવું છે અને છતાંય તું રડતી કેમ નથી ?’’ અજયની વાત જાણે વગર કહે સંભળાઈ હોય એમ વસુમાએ એની આંખમાં જોયું. અજયને માની આંખમાં સહેજ ભીનાશ દેખાઈ- ન દેખાઈ અને વસુમાએ નજર ઝુકાવીને પૂજા કરવા માંડી.

મોટા અવાજે શ્લોકો બોલાઈ રહ્યા હતા, ‘‘નૈનમ છીદન્તી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવકઃ...’’ બ્રહ્મણોના ઊંચા અવાજે પઢાતા શ્લોકોની સાથે સાથે અજયને બીજા પણ કેટલાય અવાજો સંભળાઈ રહ્યા હતા.

અજય માંડ અગિયારેક વર્ષનો હશે અને એક દિવસ એના મિત્રની બર્થ-ડે પાટર્ીમાં કોઈકે એને પૂછ્‌યું હતું, ‘‘તારા પપ્પા શું કરે છે?’’

‘‘ખબર નહીં.’’ અજયની આંખોમાં ક્ષોભ હતો.

‘‘એના પપ્પા એને મૂકીને ચાલી ગયા છે.’’ મિત્રની મમ્મીએ કોઈને કહ્યું હતું.

અજય માંડ અગિયારેક વર્ષનો હશે અને એક દિવસ એના મિત્રની બર્થ-ડે પાટર્ીમાં કોઈકે એને પૂછ્‌યું હતું, ‘‘તારા પપ્પા શું કરે છે?’’

‘‘ખબર નહીં.’’ અજયની આંખોમાં ક્ષોભ હતો.

‘‘એના પપ્પા એને મૂકીને ચાલી ગયા છે.’’ મિત્રની મમ્મીએ કોઈને કહ્યું હતું અને અજય પાટર્ી છોડીને દોડતો ઘરે આવી ગયો હતો. માને વળગીને રડી પડ્યો હતો અને એ દિવસે પહેલી વાર એણે વસુમાને કહ્યું હતું, ‘‘મા, પપ્પાને શોધી કાઢ. ગમે ત્યાંથી શોધી કાઢ...’’ અને વસુમા એક પણ શબ્દ બોલ્યાં વિના ધ્રૂસકે ધ્રૂસકે રડતા અજયની પીઠ પર હાથ ફેરવતા રહ્યાં હતાં !

અજય એલ.એલ.બી. થઈ ગયો અને લગ્ન કરવાની વાત આવી ત્યારે પહેલી વાર કોઈક ઓળખીતાએ બતાવેલી છોકરીના ઘરે એના પિતાએ વસુમાને પૂછ્‌યું હતું, ‘‘એટલે... તમારા હસબન્ડના પાછા આવવાના કોઈ ચાન્સ નથી ?’’

‘‘કંઈ ઝઘડો થયેલો ?’’ છોકરીની માએ પૂછ્‌યું હતું.

‘‘એમનો કોઈ અફેર હશે...’’ છોકરીના કાકા બોલ્યા હતા અને અજય ઊભો થઈને માનો હાથ પકડીને એમના ઘરની બહાર નીકળી ગયો હતો. એ પછી અરેન્જ મેરેજ કરીને લગ્ન કરવાની વાત અભરાઈએ ચડી ગઈ હતી. અમસ્તી પણ અજયની પ્રેક્ટિસ ચાલતી નહોતી એટલે અજય લગ્ન ટાળતો હતો.

જાનકીને પહેલી વાર અનાથ આશ્રમની જમીનના કેસ માટે મળેલા અજયને એક દિવસ જાનકીએ મરીન ડ્રાઈવના દરિયાની પાળી પર કહ્યું હતું, ‘‘તારો ને મારો સવાલ એક જ છે. જનમ આપવા માટે જવાબદાર માણસ આપણને મૂકીને જતો રહ્યો છે.’’ અજય ઘડીભર જાનકીની આંખોમાં જોઈ રહ્યો હતો અને પછી એણે જાનકીનો હાથ પકડીને કહ્યું હતું, ‘‘મને પરણીશ ? હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં...’’

શ્લોકોના ઉચ્ચારણ સાથે વસુમાના હાથ પૂજાની વિધિ કરી રહ્યા હતા, પણ અજયને એમની ખાલી આંખોએ કેટલાંય વર્ષો પાછળ ધકેલી દીધો હતો. અત્યારે પણ અજય એની માને થાંભલા પર માથું ટેકવીને ઓટલા પર બેસીને ઝોકા ખાતી જોઈ રહ્યો હતો. બહાર વરસાદ પડતો હોય, ઉનાળો હોય કે શિયાળો, પિતા ઘરે ના આવે ત્યાં સુધી માને ઊંઘતી ચારમાંથી એકે સંતાનોએ નહોતી જોઈ... ‘‘આજે પચીસ વરસની એ પ્રતીક્ષાના તાંતણે લટકી રહેલા સંબંધને તોડી નાખવા માટે મક્કમ ચહેરે પૂજા કરતી આ સ્ત્રીના મનમાં શું ચાલતું હશે ?’’ અજયના મનમાં વિચાર આવ્યો, ‘‘હાથમાં પાણી લઈને જે સહજતાથી મૂકી દે છે આ સ્ત્રી, એ સહજતાથી છૂટી જતા હોય છે સંબંધો ? ને જો છૂટી જ જતા હોય તો શા માટે એણે પચીસ વરસ સુધી છૂટવા દીધું નહીં કશુંયે...’’ અજયના મનની વાત સમજી ગઈ હોય એમ વસુમાની આંખો ઊંચી થઈ, એમણે અજયની સામે જોયું અને અજય કશું જ નહોતો બોલ્યો છતાં જાણે અજયને એના પ્રશ્નનો જવાબ આપતાં હોય એમ અમણે કહ્યું, ‘‘બેટા, સ્નેહ હોય કે સગપણ, સવાલ શ્રદ્ધાનો છે. એક વાર શ્રદ્ધા ઊઠી જાય પછી શ્રાદ્ધ તો માત્ર વિધિ બની જાય છે. હું સમજું છું કે તમને સૌને એમ લાગે છે કે આની જરૂર નહોતી...’’

‘‘ના મા...’’ અજયે ડૂમો ભરાયેલા અવાજે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો.

‘‘બેટા, લાગણીઓના ગણિત અજબ હોય છે. તમે રકમ ઉમેર્યા્ર જ કરો ને છતાં તાળો મેળવવા બેસો ત્યારે શૂન્ય આવે અને ક્યારેક તમને સમજાય કે મૂળ રકમ કરતાં પણ શેષ વધી ગઈ છે... દીકરા, તમારામાંથી કોઈએ મને પૂછ્‌યું નહીં કે આ શ્રાદ્ધ હું શું કામ કરવા માગું છું? અને એ પણ ગંગાના કિનારે શા માટે ?’’

ત્રણે ભાઈઓની નજર વસુમા તરફ નોંધાઈ. પેલા ચાર બ્રાહ્મણો પણ ભાષા પૂરેપૂરી ન સમજતા હોવા છતાં વસુમાની ધારદાર આંખો અને અવાજમાં રહેલી તીવ્રતા તો સમજી જ શકતા હતા.

‘‘તમે દીકરાઓ છો મારા, તમારામાંથી કોઈકે તો મને પૂછવું જોઈતું હતું.’’

‘‘મા, સવાલ પૂછવાનો અધિકાર તેં અમને ક્યારેય આપ્યો જ નહીં.’’ અલયને નહોતું બોલવું છતાં તેનાથી બોલાઈ ગયું, ‘‘તેં હંમેશાં તને જે ગમ્યું તે જ કર્યું. ક્યારેય અમારી સલાહ કે અભિપ્રાય તેં માગ્યો જ નહીં...’’

‘‘આ ફરિયાદ છે ?’’

‘‘ના મા. ફરિયાદ નથી.’’ અભયે કહ્યું, ‘‘તું બધાના અભિપ્રાય કે સલાહ માગતી રહેત તો અમે જે રીતે ઉછર્યા એ સ્વમાનથી અને એ નિષ્ઠાથી ઉછરી જ શક્યા ન હોત, પણ અમે મોટા થઈ ગયા પછી પણ તેં હંમેશાં તારો નિર્ણય જણાવ્યો...’’

‘‘હા, સાચી વાત છે તમારી.’’ વસુમાના અવાજમાં ગંગાના પ્રવાહ જેટલી સરળતા, નિખાલસતા અને ઠંડક હતી, ‘‘એ અંગે પણ પ્રશ્ન પૂછી જ શકાયો હોત...’’

‘‘મા, અહીં અત્યારે આ વાત...’’ અભય પહેલી વાર એક વાક્ય બોલ્યો, ‘‘શ્રાદ્ધની વિધિ પતાવી લઈએ પછી ગેસ્ટ હાઉસ પર જઈને વાત કરીએ.’’

‘‘ના, આ વાત અહીં જ કરીશું- ગંગાના કિનારે. પિંડદાન કરતાં પહેલાં.’’

‘‘બોલ મા, અમે સાંભળીએ છીએ.’’ અજયે કહ્યું.

‘‘તમને બધાને એમ લાગશે કે પચીસ વરસ સુધી રાહ જોઈને માત્ર અડતાળીસ કલાકના સમયમાં મેં આ સંબંધ પૂરો કરવાનો નિર્ણય શા માટે કર્યો? જાહેરાત છપાયાના માત્ર અડતાળીસ કલાક પછી મેં રાહ ન જોવાનો નિર્ણય કેમ કર્યો ?’’

‘‘મા, આ નિર્ણય તો તારે ક્યારનો કરવાનો હતો. એ માણસ...’’

‘‘અલય, એ માણસ તારા પિતા અને મારા પતિ મટી નથી જતા. મરી જવાથી સંબંધો પૂરા નથી થઈ જતા. માત્ર સંપર્ક પૂરો થાય છે. શરીર હોય ત્યાં સુધી માણસની આશા રહે છે તમને. એક કશું કરશે, કશું કહેશે એવું થયા કરે... અપેક્ષાઓ રહે- સ્નેહની, સમજદારીની... પરંતુ માણસના ગયા પછી માત્ર એક જ વાત બાકી રહી જાય છે અને એ છે સ્મૃતિ !’’ વસુમાની આંખોમાં આટલાં વર્ષોમાં પહેલી વાર ત્રણ દીકરાઓએ ઝળઝળિયાં જોયાં. ભરાઈ આવેલા ગળે એમણે ત્રણેય દીકરાઓ સામે વારાફરતી જોયું, ઘડીભર આંખ મીંચી. છલોછલ ભરાઈ આવેલી આંખોમાંથી બે આંસુ એમના ગાલ પર થઈને સરકી ગયાં. એક ઊંડો શ્વાસ લીધો એમણે, અને કહ્યું, ‘‘બેટા, આજ સુધી અમારો સંબંધ ધબકતો હતો. જીવતો ! શ્વાસ લેતો ! જાણે-અજાણે મને એવી આશા હતી કે તમારા પિતા પાછા ફરશે ક્યારેક... એમની પાસેથી મારું પત્નીત્વ પાછું જોઈતું હતું મારે, સમજો છો ?’’

ત્રણે દીકરાઓ એકીટશે મા સામે જોઈ રહ્યા હતા. વસુમાએ આટલાં ખૂલીને પોેતાના મનની વાત ક્યારેય નહોતી કહી.

‘‘આજે આ શ્રાદ્ધ કરવાનું કારણ એ છે કે હવે મને એમની પાસેથી કોઈ અપેક્ષા નથી. આ તમારા પિતાનું શ્રાદ્ધ નથી બેટા, આ અમારા સંબંધનું શ્રાદ્ધ છે. મારી અપેક્ષાઓનું શ્રાદ્ધ છે. વગર તાંતણે લટકી રહેલી મારી આશાનું શ્રાદ્ધ છે !’’ વસુમાની આંખમાંથી આંસુ સરકી રહ્યાં હતાં. ‘‘અને જાહેરાત છપાયાના અડતાળીસ કલાકની અંદર અંદર આ નિર્ણયનો અમલ કરવાનું કારણ કે હું તમને સૌને મુક્ત કરવા માગું છું, મારા બંધનમાંથી...’’

‘‘મા...!!!!’’ એકમાત્ર અભય સમજી શક્યો વસુમાની વાત.

‘‘બેટા, તમે બધાએ મારો બોજ ઉપાડ્યો છે. મારી લાગણીઓનો, મારી પ્રતીક્ષાનો, મારી આશાનો બોજ તમારા ખભે લાદવાનો મને કોઈ અધિકાર નથી એવું મને રોજ લાગતું, પણ કશુંક કાપીને તોડવું મારો સ્વભાવ નથી... મને હતું કે સમય સાથે વહી જશે બધું ! પણ એવું થઈ શક્યું નહીં. મારી પ્રતીક્ષાનું ઝાડ રોજ રોજ િંસંચાતા મૃગજળથી એવડું મોટું થઈ ગયું કે એના પડછાયામાં તમારા બધાનો સૂરજ ઢંકાઈ ગયો...’’

‘‘મેં તો સૂરજ જોયો જ નથી. મારા નસીબે તો ગર્ભનો અંધકાર આજ સુધી મારી આજુબાજુ વીંટળાયા કર્યો છે મા.’’ અલયનો અવાજ કડવો ઝેર જેવો થઈ ગયો.

‘‘એટલે જ આજે તમારા બધાના ભાગનો સૂરજ અને તમારા બધાના ભાગનું અજવાળું તમને વહેંચી આપવા આવી છું. અહીં ગંગાના કિનારે મારા બધાં પોટલાં વહાવી દેવા છે- મોહનાં, માયાનાં અને કદાચ જો હોય તો, મારા અહંકારનાં પણ...’’

‘‘અહંકાર ?’’ અભયથી પુછાઈ ગયું.

‘‘હા બેટા, તમને એકલા હાથે ઉછેર્યાનો અહંકાર, મા થઈને બાપની જવાબદારીઓ નિભાવ્યાનો અહંકાર, પતિ વિના સંસારનું ગાડું એક પૈડા પર અહીં સુધી ખેંચ્યાનો અહંકાર, હશે જ ! આજે એ બધું જ અહીં ગંગામાં વહાવી દેવું છે. સાવ હળવા અને સ્વચ્છ થઈને પાછા જવું છે. કોરી પાટીની જેમ અને નવેસરથી લખવો છે િંજંદગીનો હિસાબ.’’

‘‘મા, એને માટે આટલું બધું ? છેક હરિદ્વાર સુધી...’’ અજય માની આ અસ્ખલિત વહી રહેલી, વર્ષોથી એના મનમાં દબાયેલી વાતના ઉઘાડથી જાણે માને નવેસરથી ઓળખી રહ્યો હતો.

‘‘તારા દાદાનો આત્મા છે અહીં ગંગાકિનારે. અભયને યાદ હશે, અમે અસ્થિ પધરાવવા આવ્યા હતા અહીં. તારા બાપુ નહોતા આવ્યા. મેં એ દિવસે તારા દાદીને વચન આપ્યું હતું કે આ કુટુંબના કોઈનોય આત્મા હું જીવું છું ત્યાં સુધી અવગતે નહીં જવા દઉં... તારા બાપુ જે રીતે ગયા એ પછી એમનો આત્મા કેટલું ભટક્યો હશે કોને ખબર ?’’ વસુમાનો ડૂમો ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. આંખમાંથી ઝરતાં આંસુ જાણે સૂર્યકાંતની સાથેના સંબંધનું સાચું શ્રાદ્ધ કરી રહ્યાં હતાં.

‘‘ગંગાકિનારે આજે મારે એમના આત્માની શાંતિ માગવી છે. એ જીવતા હોય તો પણ, અને...’’ વસુમાએ વાક્ય અધૂરું છોડીને આંસુ લૂછી કાઢ્યાં. એમનો ચહેરો ફરી એક વાર જાણે હતો એવો થઈ ગયો. એમણે મુખ્ય બ્રાહ્મણની સામે જોયું અને કહ્યું, ‘‘ચલિયે શુરુ કિજિયે...’’

કોફી શોપમાં દાખલ થઈને નીરવે જાનકીને બેસાડી દીધી. પછી એની સામે મિનુ ધકેલ્યું, ‘‘શું લેશો ભાભી ?’’

‘‘નીરવભાઈ ! તમે ફોન કર્યો છે? ત્યાં શ્રાદ્ધ થઈ જશે તો અનર્થ થઈ જશે.’’

‘‘ભાભી...’’ નીરવને લાગ્યું કે હવે સત્ય કહ્યા વિના છૂટકો નથી, ‘‘મેં ફોન કર્યો હતો, પણ અલયે...’’

‘‘ શું કહ્યું અલયભાઈએ?’’ જાનકીના અવાજમાં ધ્રાસ્કો હતો.

‘‘એણે કહ્યું સાડા બાર પછી ફોન કરજે. શ્રાદ્ધ પતી જાય પછી...’’

‘‘એટલે એ વસુમાને કહેવાના નથી ?’’ જાનકી નીરવ સામે ફરિયાદી નજરથી જોઈ રહી, ‘‘એ તો બધું કહે નીરવભાઈ, તમે કેમ માની લીધું ?’’

‘‘નીરવ ! તેં મને કહ્યું નહીં ? મારા ડેડીનું એમના જીવતા શ્રાદ્ધ થઈ જશે ?’’ લક્ષ્મીની આંખો ભરાઈ આવી, ‘‘યુ કાન્ટ ડુ ધીસ...’’ એ ઊભી થવા જતી હતી. નીરવે એનો હાથ પકડીને એને બેસાડી દીધી.

‘‘મને સમજવાનો પ્રયત્ન કરો, હું શું કરી શકું ? ને ભાભી, તમે તો જાણો છો અલયને... મારે એને ખોવો નથી.’’

‘‘પણ ડેડીનું... એમના જીવતા... મારા ડેડી જીવે છે નીરવ !’’ લક્ષ્મીના અવાજમાં એક ગજબ દર્દ ભળ્યું હતું. જે માણસને પોતે પોતાની જિંદગી સોંપવાનો લગભગ નિર્ણય કરી લીધો હતો એ માણસે એને છેતરી હતી...

‘‘પણ વસુમાને ખબર પડશે તો ?’’ જાનકીએ ઘડિયાળ જોઈ. ‘‘શ્રાદ્ધની વિધિ શરૂ થઈ ગઈ હશે...’’

‘‘ફાંસીએ લટકાવી દો મને. બહુ મોટો ગુનો કર્યો મેં.’’ નીરવનો અવાજ એટલો ઊંચો થઈ ગયો કે કોફી શોપમાં બેઠેલા બધાએ એમની તરફ જોયું, ‘‘શ્રાદ્ધ કરવાથી કોઈ મરી નથી જતું. કેટલાય લોકો પોતાના જીવતાં પોતાના શ્રાદ્ધની વિધિ નથી કરતા? અને મને શું કામ ગુનેગાર ઠરાવો છો ? મેં તો કંઈ નથી કર્યું ? લો આ ફોન, લગાવો અલયને અને કહો કે રોકે શ્રાદ્ધની વિધિ...’’

‘‘નીરવભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું હશે અને ઈશ્વરે જેમ ધાર્યું હશે એ સિવાય કાંઈ થઈ નહીં શકે. તમને શું કામ ગુનેગાર ઠરાવીએ ? હું તો અલયભાઈને પણ ગુનેગાર નથી ગણતી...’’ જાનકીની આંખો ભરાઈ આવી. એણે પર્સમાંથી રૂમાલ કાઢીને આંખ ઉપર દાબી દીધો.

‘‘નીરવ, આ સારું નથી થયું. ડેડીને ખબર પડશે તો...’’ લક્ષ્મીને હવે ભય પેઠો હતો કે પિતા નીરવ વિશે શું ધારશે ?

‘‘જો લક્ષ્મી, મેં ફોન કર્યો હતો, પરંતુ અલયની મનઃસ્થિતિ જોતાં જે થયું તે સારું જ થયું. બધાના મનમાંથી એક વાર ધુમાડો નીકળી જાય એ જરૂરી હતું... અને ડેડી મળવાના જ છે વસુમાને...’’

‘‘હા, પણ શ્રાદ્ધ થઈ ગયા પછી...’’

‘‘તો ? તો શું વસુમા એમને ઓળખવાની ના પાડશે ? કે પછી એવું કહેશે કે શ્રાદ્ધ થઈ ગયું છે. હવે તમે અમારા માટે મરી ગયા...’’ નીરવ ખરેખર અકળાઈ ગયો હતો. વસુમાને ન જણાવ્યાનો અપરાધભાવ તો હતો જ એના મનમાં અને એમાં આ બે સ્ત્રીઓ ભેગી થઈને એ જ લાગણી ઘૂંટી રહી હતી.

‘‘હું ને ડેડી જઈશું એ લોકોને એરપોર્ટ લેવા, બસ ?’’ નીરવે લક્ષ્મીને કહ્યું. એણે હજી એનો હાથ પકડી રાખ્યો હતો.

‘‘આપણે ઉપર જઈને ડેડીને કહીએ તો ખરા કે તેં ફોન નથી કર્યો અને ત્યાં શ્રાદ્ધ થઈ ગયું છે.’’

‘‘બે મિનિટ ઊભી રહે, મને વિચારવા દે.’’

‘‘હવે શું વિચારવાનું ? તેં વસુઆન્ટીને નથી કહ્યું તો એટલિસ્ટ ડેડીને તો કહી દે...’’ લક્ષ્મી ઊભી થઈ. નીરવે એનો જે હાથ પકડ્યો હતો એ છોડાવવાનો પ્રયત્ન કર્યા વિના બીજા હાથથી એનો હાથ ખેંચ્યો, ‘‘ઊભો થા, જલદી ઉપર જઈએ અને ડેડીને કહીએ.’’

નીરવે જાનકીની સામે જોયું. જાનકી પણ જાણે લક્ષ્મીની વાત સાથે સંમત હોય એમ ઊભી થઈ ગઈ અને બહારની તરફ ચાલવા લાગી. નીરવ લક્ષ્મીના પકડાયેલા હાથ સાથે લક્ષ્મીની પાછળ ખેંચાતો કોફીશોપની બહાર નીકળી ગયો.

સૂર્યકાંત હજી કશું સમજે એ પહેલાં વૈભવીએ એમની સામે ૪૪૦ વોલ્ટનું સ્માઇલ કર્યું, ‘‘મને ઓળખી ?’’

‘‘જી...’’

‘‘પપ્પાજી, હું વૈભવી... તમારી મોટી વહુ...’’ વૈભવી નીચી નમીને પગે લાગી. સૂર્યકાંતને સમજ ન પડી કે એમણે શું કરવું જોઈએ. એમણે હાથ લંબાવીને એની પીઠ પર આશિષ માટે હાથ મૂક્યો...

વૈભવી ઊભી થઈ. એણે સૂર્યકાંતની આંખમાં જોયું, ‘‘તમે મને ઓળખી નથી...’’ એ હસી, ‘‘જોકે મેંય તમને નહોતા ઓળખ્યા.’’

હવે સૂર્યકાંતને યાદ આવ્યું. શોર્ટસ અને સ્પેગેટી ટોપ પહેરેલી આ જ સ્ત્રીને એમણે શ્રીજી વિલાના ઓટલે જોઈ હતી.

‘‘વૈભવી...’’ સૂર્યકાંતે એનો હાથ પકડી લીધો, ‘‘અંદર આવને બેટા...’’

‘‘આવીશ જ. તમને લેવા આવી છું.’’ વૈભવીએ કહ્યું અને સૂર્યકાંતના સ્વિટમાં દાખલ થઈ...

‘‘તો તાજના સ્વિટમાં રહે છે માણસ... એકલો જ હશે ? હજી પરણ્યો નહીં હોય ? આટલા પૈસા ક્યાંથી કમાયો હશે ?’’ જાતજાતના વિચારો કરતી વૈભવી જઈને સોફામાં બેઠી. એણે સ્વિટમાં નજર ફેરવી. કોઈ સ્ત્રીનાં કપડાં કે બીજી કોઈ નિશાની હોય તો જોવા માટે...

‘‘એકલા જ આવ્યા છો ?’’ વૈભવીએ પૂછ્‌યું.

‘‘ક્યાંથી આવ્યો છું એમ નહીં પૂછે ? ક્યાં હતો આટલાં વરસ એમ પણ નહીં પૂછે ?’’

વૈભવી ગૂંચવાઈ. ‘‘એ તો... મા પૂછશે ને ?’’

‘‘વસુને ફોન કર્યો તમે ?’’

‘‘લાગતો નથી. બધાના ફોન સ્વીચઓફ આવે છે. એટલે જ હું તમને મળવા આવી ગઈ.’’

‘‘પણ તને ખબર કેવી રીતે પડી કે હું અહીં રોકાયો છું ?’’

‘‘જેમને પોતાના માણસોને શોધવા હોય એ ગમે તેમ કરીને શોધી કાઢે...’’ વૈભવીએ પત્તું ફેંક્યું, ‘‘માને પણ તમને શોધવા હોત તો...’’

‘‘વસુ...’’ સૂર્યકાંતે ઊંડો નિઃસાસો નાખ્યો, ‘‘વસુ મને થોડુંક સમજી હોત તો કદાચ જવાની જ નોબત ન આવત. શોધવાની વાત તો દૂર રહી...’’

‘‘પપ્પાજી, જૂની વાતો ભૂલી જાવ અને માને માફ કરી દો.’’

‘‘માફી તો મારે માગવાની છે વસુની, તમારા બધાની...’’

‘‘અમે બધાએ તો તમને ક્યારનાય માફ કરી દીધા છે. બહુ રાહ જોઈ તમારી અમે બધાએ... અમે તો માને બહુ સમજાવ્યાં હતાં કે જાહેરાત આપ્યા પછી તમારી રાહ જોવી જોઈએ, પણ એમણે માન્યું જ નહીં... અડતાળીસ કલાક કંઈ પૂરતો સમય નથી ! નહીં પપ્પાજી ?’’ વૈભવી ધીમે ધીમે સૂર્યકાંતના હૃદયની નજીક સરકતી જતી હતી. એણે ગાંઠ વાળી હતી કે સૂર્યકાંત ઘરના કોઈને પણ મળે, એ પહેલાં પોતાની મુઠ્ઠીમાં એને બંધ કરી લેવા.

‘‘બેટા, વસુ પહેલેથી જ થોડી જિદ્દી છે. પત્ની છે મારી, પણ ક્યારેય એવું સમજી નહીં કે પતિનો અહંકાર છંછેડવાની નહીં, પંપાળવાની વસ્તુ છે.’’

‘‘પપ્પાજી, તમારા ગયા પછી હું તો બહુ વર્ષે આવી આ ઘરમાં, પણ એક વાત કહું તમને, અભય- મારો વર તમને બહુ ચાહે છે. અજયભાઈ પણ ખાસ વાંધો નહીં ઉઠાવે... પણ અલયભાઈ...’’

‘‘અલય એટલે...’’ સૂર્યકાંતના અવાજમાં નહીં જોયેલા દીકરા માટે વહાલ છલકાઈ ગયું.

‘‘એ તમને ધિક્કારે છે.’’ વૈભવી ચેસની એક બીજી ચાલ ચાલી.

‘‘સ્વાભાવિક છે. જે બાપ ગર્ભમાં મૂકીને નાસી ગયો એને માટે પ્રેમ તો કેમ હોય ? પણ મને વિશ્વાસ છે, હું જીતી લઈશ બધાને. બેટા, કરોડો રૂપિયાની સંપત્તિ છે આપણી ન્યૂ યોર્કમાં. આખા અમેરિકામાં ઓફિસિસ છે. દેશ-વિદેશમાં ફેલાયેલો વ્યાપાર છે. હવે દુઃખના દિવસો પૂરા થયા બેટા.’’

‘‘પપ્પાજી, દુઃખના દિવસો પૂરા નથી થયા, શરૂ થયા છે.’’

‘‘હું સમજ્યો નહીં.’’

‘‘મારાં સાસુ તમારુ શ્રાદ્ધ કરવા ગયાં છે પપ્પાજી...’’ વૈભવીએ એક એક શબ્દ ચાવી ચાવીને, તોળી તોળીને સૂર્યકાંતની સામે ગોઠવ્યો, ‘‘આવીને તમને સ્વીકારવાની ના પાડશે તો ?’’

‘‘મને ? સ્વીકારવાની ના કેવી રીતે પાડી શકે ? હું પતિ છું એનો.’’

‘‘શ્રાદ્ધ થઈ ગયા પછી...’’

‘‘પછી શું ?’’ સૂર્યકાંતનો અવાજ અજાણતા જ ઊંચો થઈ ગયો. પચીસ વર્ષ પહેલાંનો અહંકારી, બેજવાબદાર સૂર્યકાંત જાણે આળસ મરડી રહ્યો હતો. પોતાનાથી વધુ સુંદર, વધુ ભણેલી, વધુ હોંશિયાર અને પોતાના પિતાને જીતી લઈને પોતાને નાનો દેખાડનાર પત્નીની સામેના એના બધા જ વિરોધો ફરી એક વાર ધીમે ધીમે જાગી રહ્યા હતા... વૈભવી ઢબૂરાયેલા અંગારા પરથી હળવી ફૂંકો મારીને રાખ ઉડાડી રહી હતી, જાણતા કે અજાણતા એણે સૂર્યકાંતની એ નસ પકડી પાડી હતી જે વર્ષો પહેલાં દુઃખતી હતી અને વર્ષો સુધી દુઃખતી રહી હતી.

‘‘પપ્પાજી, આપણે બધા વસુમાને ઓળખીએ છીએ. એમણે જે નક્કી કર્યું હશે એમ જ કરશે ને ?’’ વૈભવીએ સહાનુભૂતિનું સ્મિત કર્યું.

‘‘જો બેટા, હું મારી મેળે નથી આવ્યો. એણે બોલાવ્યો ત્યારે આવ્યો છું અને હવે એ મારો સ્વીકાર કરે કે અસ્વીકાર એની મને પરવા નથી...’’ સૂર્યકાંત મહેતાનું પુરુષત્વ ફૂત્કારી રહ્યું હતું.

‘‘પપ્પાજી, મારે આવું કહેવું તો ના જોઈએ, પણ એ સ્વીકારે કે નહીં, અમે તો સ્વીકારીએ છીએ ને ? અમે બધા પણ છીએને ઘરમાં ? અમારો કોઈ અધિકાર તમારા પર ? તમારો કોઈ અધિકાર નથી અમારા પર ? લગ્નના સંબંધ કરતાં લોહીનો સંબંધ મજબૂત હોય છે, એટલું તો માનો છો ને ?’’

‘‘એટલા માટે જ આવ્યો છું. વસુ ગમે તે માને અને ગમે તે કરે. મારાં સંતાનોને એમનો અધિકાર મળવો જોઈએ.’’ સૂર્યકાંત મહેતાનું ગળું ભરાઈ આવ્યું, ‘‘હું જાણું છું કે હું મોડો છું, પણ બેટરલેટ ધેન નેવર.’’

‘‘હું પણ એ જ કહું છું.’’ વૈભવીના મનમાં ધીમે ધીમે આખી ચેસ ગોઠવાઈ ગઈ. એણે નક્કી કરી લીધું કે આ માણસની દુઃખતી નસ થોડી થોડી વારે દબાવવી પડશે. એનું દુઃખ એને યાદ કરાવવું, કરાવતા રહેવું એ જ એને જીતવાનો સરળ રસ્તો છે.

એ જ વખતે ડોરબેલ વાગી. સૂર્યકાંત મહેતા ઊઠવા જતા જ હતા કે વૈભવીએ કહ્યું, ‘‘હું છું ને પપ્પાજી... તમે બેસો.’’

વૈભવીએ દરવાજો ખોલ્યો.

‘‘તમે ?’’ જાનકીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

‘‘આવી ગઈ તું ?’’ વૈભવીએ એકદમ આત્મીયતાથી કહ્યું, ‘‘મને હતું જ કે તું આવીશ. એક વાર જાણ્યા પછી પોતાનાઓ લાગણી થોડી રોકી શકે ?’’ પછી સૂર્યકાંતની સામે જોઈને ઉમેર્યું, ‘‘આ જાનકી છે- અજયની વહુ... અનાથ આશ્રમમાં મોટી થઈ છે, પણ ખૂબ સંસ્કારી છે. એકદમ વસુમાની ફેવરિટ વહુ... નહીં જાનકી ?’’

‘‘તમે કહો છો તો હોઈશ જ ને ? આમ પણ આ ફેવરિટ અને નોન-ફેવરિટની ભાષા આખા ઘરમાં તમને જ આવડે છે. મને ને વસુમાને તો આ ભાષા સમજાતી જ નથી ને ભાભી !’’

‘‘ભાભી, તમે અહીં કઈ રીતે ?’’ નીરવે આ ચર્ચા આગળ વધતી રોકવા માટે વચ્ચે સવાલ પૂછી નાખ્યો.

‘‘તમે મને ના કહો એટલે મને ખબર ના પડે ?નીરવભાઈ, તમે મને કહ્યું હોત તો હું અભયને કહી દેત અને વસુમાને સંદેશો પહોંચી જાત. તમે અલયને કહીને ભૂલ કરી નીરવભાઈ... કે પછી જાણીજોઈને અલયને કહ્યું ?’’ વૈભવીએ કાળીનો એક્કો ફેંક્યો અને છેલ્લો હાથ પણ લઈ લીધો.

જાનકી, નીરવ અને લક્ષ્મી હતપ્રભ હતાં.

સૂર્યકાંત વિચલિત.

અને, વૈભવી પોતાની પહેલી જીત પર મુસ્તાક !

(ક્રમશઃ)