જોકર – સ્ટૉરી એક લુઝરની – 37 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોકર – સ્ટૉરી એક લુઝરની – 37

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 37
લેખક – મેર મેહુલ
મહેશકાકાએ મારાં બાપુના મૃત્યુના સમાચાર આપ્યાં.મારાં હાથમાંથી મોબાઈલ પડી ગયો.મને ચક્કર આવતાં હતાં.હું બાઇક પરથી નીચે પટકાયો અને બેભાન થઈ ગયો.
મારી આંખો ખુલ્લી ત્યારે અંધારું થઈ ગયું હતું.હું શંકરકાકાના ઘરમાં બેડ પર સૂતો હતો.મારું માથું ભમતું હતું.મારાં બાપુ હવે આ દુનિયામાં નથી એ જાણી મને આઘાત થયો હતો.અવિરત પણે મારી આંખોમાંથી આંસુ વહેતાં હતા.બધાં મને ઘેરીને ઊભાં હતા.હું કાકીને ભેટીને રડવા લાગ્યો.
“શું થઈ ગયું કાકી મારાં બાપુને?,થોડીવાર પહેલાં તેઓનો ફોન આવ્યો હતો.મારી યાદ આવે છે એમ કહીને તેઓ રડતાં હતાં”હું રડતો રડતો કહેતો હતો.
“શશશશ.. ચૂપ થઈ જા બેટા”કાકી મને સમજાવવાની કોશિશ કરતાં હતાં, “એક દિવસ તો બધાને દુનિયા છોડીને જવાનું જ છે”
“પણ બાપુ જ કેમ કાકી”મેં કહ્યું, “બાપુએ તો કોઈનું ખરાબ નહોતું કર્યું?”
“રડવા દો એને લીલા”શંકરકાકાએ કહ્યું, “રડી લેશે તો મન હળવું થઈ જશે”
હું રડતો રહ્યો.કાકા-કાકીએ ગામડે જવાની વ્યવસ્થા કરી લીધી હતી.અમે જમ્યા-નજમ્યા ગામડે જવા નીકળી ગયાં.
સાત કલાકનો રસ્તો હતો.આ સમય મારાં માટે વર્ષો જેટલો લાંબો લાગતો હતો.એકે એક પળ મારાં માટે દિવસ સમાન બનતી જતી હતી.મારે બાપુનો ચહેરો જોવો હતો.મારી બડી,અરે એનો તો ઘણી ગુજરી ગયો હતો.એ બિચારીએ રડી રડીને પોતાનાં હાલ બેહાલ કરી નાખ્યા હશે.મેં શંકરકાકાને મારી બડી સાથે વાત કરાવવા કહ્યું.તેઓએ મને ઘસીને ના પાડી દીધી.
‘રાતમાં એક ટળીને બીજું થાય એના કરતાં સવારે મળી લેજે.હવે તું જ એનો સહારો છે.તારે હિંમતથી કામ લેવું પડશે’ કાકા મને સમજાવતાં હતા.
કોઈ નજીકની વ્યક્તિ પોતાનાથી દૂર થાય પછી શું વ્યથા થાય એ હું અનુભવી રહ્યો હતો.મારે બાપુનું સપનું પૂરું કરવાનું હતું.તેઓએ છેલ્લીવાર વાત કરી ત્યારે પોતાનું નામ રોશન કરવાની વાત કરતાં હતાં.મારે ત્યારે જ સમજી જવાનું હતું.મારાં બાપુને મારી યાદ નહોતી આવતી.તેઓ છેલ્લીવાર મારી સાથે વાત કરવા માંગતા હતા.
વહેલી સવારે પાંચ વાગ્યે અમે રામગઢ પહોંચ્યા. ગામ જેમ જેમ નજીક આવતું જતું હતું તેમ તેમ મારી હાલત ખરાબ થતી જતી હતી.કાકાએ હેમખેમ કરીને મને ગામનાં દરવાજા પાસે ઉતાર્યો.
હું નીચે ઉતરીને દોડવા લાગ્યો.મારાં પગમાં જોમ આવી ગયું હતું.હું પુરવેગે ઘર તરફ દોડ્યો. એક કિલોમીટરનો રસ્તો મેં ચાર મિનિટમાં કાપી નાખ્યો.મારાં ઘર પાસે પહોંચ્યો તો ગળે રૂમાલ રાખેલાં ગામનાં લોકો નજરે ચડ્યાં.હું એ બધાં લોકોને વીંધીને ઘરમાં ઘૂસી ગયો.
મારી સામે નનામી પર મારાં બાપુનું શબ બાંધેલું હતું.હું તેઓને ભેટીને જોર જોરથી રડવા લાગ્યો.કોઈએ મને અટકાવ્યો,કોઈએ મને ખેંચ્યો.હું પૂરું જોર લગાવી બાપુ તરફ જતો હતો.ગામના વડાઓ મારી પાસે આવ્યાં. તેઓએ મને સમજાવી બાપુના મોંમાં પાણી રેડાવ્યું.
“બડી…મારાં બડી ક્યાં ગયાં” મેં રાડ પાડી.હું બડીને શોધવા લાગ્યો.એ મને ક્યાંય નજરે ચડતાં નહોતાં.
“કોઈ સાંભળો છો”હું ફરી ચિલ્લાયો, “અરે મારાં બડી ક્યાં ગયા?,કોઈ બોલાવો એને.”
શંકરકાકા મારી પાસે આવ્યા.તેઓ કંઈક બોલવાની કોશિશ કરતાં હતાં પણ કદાચ તેઓને શબ્દ નહોતાં મળતાં.
“જૈનીત એ હવે નહિ આવે”શંકરકાકા મહામહેનતે કહ્યું.
“નહિ આવેનો શું મતલબ છે?”હું કાકા સામે બરાડયો.
“તારા બાપુ કાલ સવારથી નહોતાં મળતાં,કાળુકાકાએ તેને ભદ્રાવળ તરફ જોતાં જોયાં હતા.તેઓ પાછાં ફર્યા જ નથી.કાલે રાત્રે મારે ફોન આવ્યો હતો.તેઓને દીપડો ભરખી ગયો દીકરા”કહેતાં કહેતાં કાકા મને ભેટીને રડવા લાગ્યા.કાકા શું બકતાં હતા?,તેઓનું કહેવું એમ હતું કે હું અનાથ થઈ ગયો છું. મારી માંથેથી એકસાથે માતા-પિતાનો છાંયો નીકળી ગયો?
“કાકા તમે શું કહો છો?” મેં પૂછ્યું.
“હા દીકરા આ વાત સાચી છે.મને કાલે રાત્રે જ ખબર પડી ગઈ હતી પણ તને મારે કહેવું ક્યાં મોઢે?કાકાએ કહ્યું.
હું રડવાનું ભૂલી ગયો. મારી આંખોમાંથી આંસુ સુકાઈ ગયાં.મને કંઈ પણ મહેસુસ નહોતું થતું.સૌ મને ઢંઢોળતા હતા.મારી સાથે વાતો કરવાની કોશિશ કરતાં હતાં.હું રોબોટની જેમ હા-ના માં જવાબ આપી ઉભો રહ્યો.
બાપુની અંતિમવિધિ થઈ ગઈ.લોકો આવતાં-જતાં રહ્યાં.કોઈ મને જમવાનું આપી જતું ત્યારે હું થોડું જમી લેતો.પાણી આપે તો પી લેતો અને સુવાનું કહે તો અવાજ કર્યા વિના રડવા લાગતો.સતત સાત દિવસ આવું ચાલ્યું.બાપુ અને બડીનું સાતમું પતી ગયું એટલે શંકરકાકા મને સુરત લઈ આવ્યા.
તેઓનું માનવું હતું,હું ગામડે રહીશ તો વધુ દુઃખ થઈશ. સુરતમાં રહીશ,દોસ્તોને મળીશ તો તેઓની યાદ ઓછી આવશે.જુદાં વાતાવરણમાં હું એ લોકોને ભૂલતો જઈશ એટલે મારી લાઈફ હતીને તેવી થઈ જશે.
કાકા મને મારા બડી-બાપુથી દૂર કરવાની કોશિશ કરતાં હતાં?,તેઓ કદાચ ભૂલી ગયા હતા, મેં કોઈ સ્વજનને નહોતાં ગુમાવ્યા.મારાં માતા-પિતાને ગુમાવ્યા હતાં.મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું હતું.જેનાં માટે હું મહેનત કરતો હતો એ બધું જ.
સુરતમાં આવ્યાના બીજા જ દિવસે કાકાએ મને કૉલેજ જવા કહ્યું.મેં ઘસીને ના પાડી દીધી.તેઓ મારી પાસે આવીને બેઠાં, વહાલથી મારાં માથાં પર હાથ ફેરવતાં તેઓએ કહ્યું, “દીકરા અમે તારાં માતા-પિતા જ છીએ તું એ વાત ભૂલી ના જતો.આજ પછી કોઈ દિવસ પોતાને અનાથ ના સમજતો.તારી બધી જ જવાબદારી અમારાં પર છે.તને આઘાતમાંથી બહાર લાવવો એ મારી ફરજ છે.તું મારી વાત માની લે.ઘરે બેઠો રહીશ તો વધુ દુઃખી થઈશ.અને જે ચાલ્યાં ગયાં છે એ પાછા નથી આવવાના.સારું એ જ રહેશે કે તું તેઓને પોતાનાં દિલમાં રાખીને નવી શરૂઆત કર.તારાં બડી-બાપુ હંમેશા તારી સાથે જ છે”
કાકાની વાત મને સાચી લાગી. વ્યક્તિ એકાંતમાં પોતાનાં ભૂતકાળમાં બનેલી અનિચ્છનીય ઘટનાઓને યાદ કરીને વધુ દુઃખી થાય છે.મેં કાકાની વાત સમજીને કૉલેજ જવાનું નક્કી કર્યું.પોતાનું ધ્યાન ભણવા પર લગાવવાનું નક્કી કર્યું.
હું ગમે તેટલી કોશિશ કરતો હતો પણ મારી નજર સામેથી બડી-બાપુનો ચહેરો હટવાનું નામ નહોતો લેતો.હું યંત્રવત કૉલેજે પહોંચ્યો.દોસ્તોને મળ્યો,તેઓએ મારી સાથે જે ઘટના બની તેનું દુઃખ વ્યક્ત કર્યું.બકુલને ભેટીને હું ખૂબ રડ્યો.બકુલ પણ મારી સાથે રડતો હતો.હું શાંત થયો પછી બકુલે કહ્યું, “નિધિ તારી રાહ જુએ છે.એ આજે જ કૉલેજ આવી છે”
નિધીનું નામ સાંભળી મને થોડી રાહત થઈ.જેને જોઈને મારાં ચહેરા પર સ્મિત આવે એવી વ્યક્તિ હવે ત્રણમાંથી એક જ રહી હતી.નિધિ કૉલેજના ગાર્ડનમાં મારી રાહ જોઈ રહી હતી.હું તેની પાસે જઈ તેને ભેટી પડ્યો. ખૂબ રડ્યો,એણે મને ના રોક્યો.એ પણ મારી સાથે રડતી રહી.
અડધી કલાક પછી હું શાંત થયો એટલે તેણે મને પાણી આપ્યું.
“આટલાં દિવસ તું ક્યાં હતી?” મેં ફરિયાદ કરતાં કહ્યું, “તારી કેટલી જરૂર હતી યાર”
“મને માફ કરી દે જૈનીત”ક્રિશાએ ગમગીન અવાજે કહ્યું, “હું મજબૂર હતી,મને નજરકેદ કરવામાં આવી હતી.”
“તારાં પપ્પાએ જ કરી હતીને તને નજરકેદ?”મેં ગુસ્સે થતાં ઊંચા અવાજે પૂછ્યું.
“હા,તે દિવસે તેઓનો કૉલ આવ્યો ત્યારે આપણને બંનેને એ જોઈ ગયાં હતાં.તું જે દિવસે મળવા આવ્યો ત્યારે હું ઘરમાં જ હતી.પાપાએ મને બહાર ન આવવા ધમકી આપી હતી. મારો મોબાઈલ છીનવી લીધો અને મને સતત સાત દિવસ સુધી ઘરમાં નજરકેદ રાખી”
“હું પળ પળ તને યાદ કરીને રડતી,મારાં જૈનીતના શું હાલત થયાં હશે એ વિચાર મને ડસી ખાતાં.જ્યારે તારા મમ્મી-પપ્પાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે હું વિશ્વાસ નહોતી કરી શકી.જે સમયે તારે મારી જરૂર હતી એ જ સમયે હું તારો સાથ ન આપી શકી.કેટલી ક્રૂર છું હું”
“પપ્પાને એમ જ છે કે તું હજી ગામડે જ છે.આજે મહામહેનતે પપ્પાની રજા લઈ કૉલેજે આવી છું.મને મારાં કાન્હા પર વિશ્વાસ હતો.આપણો પ્રેમ સાચો છે,એ આપણને કોઈ દિવસ જુદાં નહિ થવા દે”
નિધિ મને ભેટીને રડવા લાગી.છેલ્લાં ઘણા દિવસોથી અમેબંને એકબીજાનો ખભો જંખી રહ્યા હતા.આજે અમે બંને દિલભરીને રડ્યા.
(ક્રમશઃ)
ભગવાન કોઈની જિંદગીમાં આવું દુઃખ ના દે,જે સારું કામ કરવાની કોશિશ કરે છે ભગવાન તેની રક્ષા કરે.જૈનીત સાથે જે થઈ રહ્યું હતું એ અસહ્ય હતું.કોઈપણ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં પડી ભાંગે.
જૈનીત આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે?,તેનાં બાપુએ આત્મહત્યા કરી કરી હતી.શું જૈનીત એ આત્મહત્યા પાછળનું કારણ જાણી શકશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226