"વરસાદી સાંજ" ભાગ-7
એટલામાં મિતાંશના સેલફોનમાં રીંગ વાગી. મિતાંશે સાંવરીનો હાથ છોડી ફોન ઉપાડ્યો.( મમ્મીનો ફોન હતો.)
મિતાંશ: હલો, હા મમ્મી બોલ.
મમ્મી: ક્યાં છે બેટા તું, વરસાદ ખૂબ પડે છે એટલે ફોન કર્યો.
મિતાંશ: બસ ઓન ધ વે જ છું મમ્મી, રસ્તામાં બસ ચા પીવા ઉભો હતો. હાફ એન અવરમાં ઘરે પહોંચી જઇશ. વરસાદ ખૂબ છે એટલે ગાડી જરા સ્લોવ ચલાવવી પડશે.
મમ્મી: સારું બેટા, સાચવીને આવજે.
સાંવરી: મીત, ચલો આપણે નીકળીએ બહુ લેઇટ થઇ ગયું છે.
મિતાંશ: ( ઉતાવળ કરતાં...) હા હા, ચલ જલ્દી...
મિતાંશ: (સાંવરીને ગાડીમાં....) સાંવરી સાંભળ, મારી વાતનો જવાબ આપવાની કોઇ ઉતાવળ નથી. તું શાંતિથી વિચારીને જવાબ આપજે.
સાંવરી: મારે મમ્મી-પપ્પાને વાત કરવી પડે. પછી જ હું જવાબ આપી શકું. પણ પહેલાં તમે તમારા મમ્મી-પપ્પાને પૂછી લો કારણકે હું થોડી બ્લેક છું એટલે એમને ગમીશ કે નહિ.
મિતાંશ: મને તું ગમે છે એટલે તેમને પણ ગમીશ જ. અને મમ્મી-પપ્પાએ મને કદી કોઈપણ વાતમાં "ના" નથી પાડી.એટલે મારી આ વાતમાં પણ તેમની "હા" જ હશે.( આટલું બોલીને સ્માઈલ સાથે સાંવરીનો હાથ પ્રેમથી પકડીને દબાવ્યો, વિશ્વાસ રાખ મારી ઉપર) તેમને સમજાવવાની જવાબદારી મારી છે.માય ડિયર. મેરેજ માટે એકલું રૂપ ન જોવાનું હોય. અને મેં પણ તારું રૂપ નથી જોયું. તારું દિલ જોયું છે. તારો સ્વભાવ જોયો છે. તારા ગુણો જોયા છે. આટલા સમયથી તું મારી સાથે છે, તારી સાથે વિતાવેલો મારો બધો જ સમય ખૂબજ સરસ ગયો છે. મારે તારો સાથ જોઇએ છે. તારા જેવી પ્રેમાળ અને કાબેલ છોકરી મળે પછી મારે અને મારા ફેમિલીને બીજું શું જોઈએ ??
સાંવરી આજે ખૂબજ ખુશ હતી. તેને જીવનમાં પહેલી વાર કોઈ સાચો મિત્ર મળ્યો હોય તેવો અનુભવ થયો હતો. જે તેને સમજી શકે તેમ હોય. સ્ત્રીને પોતાના જીવનમાં આટલો પ્રેમ અને આટલું માન આપનાર માણસો બહુ ઓછા હોય છે તેવું તે વિચારી રહી હતી. પ્રેમનો પહેલો અહેસાસ કેવો હોય તે સાંવરી આજે અનુભવી રહી હતી.
સાંવરી ઘરે આવી એટલે મમ્મી તરત બોલી," આવી ગઇ બેટા. "
સાંવરી: હા મમ્મી.
મમ્મી: પલળી ગઇ છું ને બેટા ? ફટાફટ કોરી થઇ જા નહિ તો શરદી લાગી જશે.
સાંવરી: હા મમ્મી.
મિતાંશ પણ આજે ખૂબજ ખુશ હતો. તે લાઇફપાર્ટનર તરીકે ડાહી, સમજુ, ઠરેલ અને ઇન્ટેલીજન્ટ છોકરીની શોધમાં ઘણાં સમયથી હતો. આજે તેની શોધ પૂરી થઇ હતી. પોતાને જે જોઈતું હોય તે મળ્યા પછી પૂર્ણતાનો જે આનંદ થાય તે મિતાંશ અનુભવી રહ્યો હતો.
હવે વાત હતી મમ્મી-પપ્પાને સમજાવવાની તો મમ્મી-પપ્પાએ બાળપણથી અત્યાર સુધીમાં કોઈ દિવસ તેની માંગ પૂરી ન કરી હોય તેવું બન્યું જ ન હતું. પૈસાવાળા ઘરનો દિકરો હતો એટલે ભૌતિક સુખ- સામગ્રી તો તેને માંગ્યા પહેલા જ મળી જતી હતી. અને પર્સનલ કંઈપણ જોઈતું હોય તો તે ક્રેડિટ કાર્ડથી ખરીદી લેતો હતો. હવે તો આખો બિઝનેસ જ તે પોતે સંભાળતો હતો એટલે કોઇની પાસે કંઇ માંગવાનું રહેતું જ ન હતું.
મિતાંશ પણ ખૂબ જ ડાહ્યો, હોંશિયાર અને સમજુ પણ એટલો જ હતો. બાળપણમાં અને કિશોરાવસ્થામાં થોડો તોફાની અને કેરલેસ હતો પણ હવે મેચ્યોર્ડ થયા પછી બિલકુલ ઠરેલ થઇ ગયો હતો. ઇવન લંડનમાં ઓફિસ પણ તેનું જ સાહસ હતું. પપ્પા કમલેશભાઇ તો " ના " જ પાડતા હતા. પણ ઇન્ટરનેશનલ લેવલે બિઝનેસ પહોંચાડવાનું કામ તેણે પોતાની આગવી સૂઝથી કર્યું હતું. એટલે મમ્મી-પપ્પા પણ મિતાંશની કાબેલિયતથી ખૂબ ખુશ હતા. તેમને તો એવી કલ્પના પણ ન હતી કરી કે, મિતાંશ આટલી નાની ઉંમરમાં આટલો સરસ બિઝનેસમેન થશે. મિતાંશને જોઇને આંખ ઠરે એવો ઠાવકો દિકરો હતો મિતાંશ.
એ દિવસે મિતાંશ રાત્રે ખૂબ ખુશ દેખાતો હતો એટલે મમ્મીએ અમસ્તું જ ડાઇનીંગ ટેબલ ઉપર ત્રણેય સાથે જમવા બેઠા ત્યારે કોમેન્ટ પણ કરી, " આજે બહુ ખુશ દેખાય છે બેટા, કોઈ નવો પ્રોજેક્ટ મળ્યો છે કે પછી કોઈ છોકરીને મળીને આવ્યો છે...?? "
મિતાંશના ચહેરા ઉપર અમસ્તું જ સ્માઇલ આવી ગયું હતું. અને સાંવરી એક સેકન્ડ માટે નજર સમક્ષ આવી ગઇ હતી. અને મનમાં વિચારતો હતો કે, આ મમ્મીઓને બધી વાતો ક્યાંથી ખબર પડી જતી હશે..!!
પણ, છોકરાઓને ક્યાં ખબર છે કે, " મમ્મીઓની ઉપર ભગવાન પણ મહેરબાન હોય છે. કારણ કે મમ્મીને ભગવાને ત્રીજું નેત્ર આપેલું હોય છે એટલે તે પોતાના દિકરાઓના અને દીકરીઓના ચહેરા વાંચી લે છે. "
મિતાંશ વિચારતો હતો કે મમ્મી-પપ્પાને વાત કરવાની આ ડાઇનીંગ ટેબલ બરાબર જગ્યા છે.