પ્રિંસેસ નિયાબી - ભાગ 33 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિંસેસ નિયાબી - ભાગ 33

બાહુલ વિશે સાંભળી રાંશજ નવાઈ પામ્યો હતો. એણે નાલીન સામે જોયું ને બોલ્યો, તમે અંગરક્ષક બાહુલ વિશે વાત કરો છો? આટલા વર્ષો પછી કેમ?

નાલીન: રાંશજ બાહુલનો દીકરો કંજ યામનમાં આવી ગયો છે. એની સાથે બીજા પાંચ લોકો પણ છે. ને આ લોકોએ યામનમાં રહી યામનના નિયમો સામે બાથ ભીડી છે. શુ તમે એને ઓળખો છો? એના વિશે કઈ જાણો છો?

રાંશજ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. એ વિચારમાં પડી ગયો. પછી બોલ્યો, હું બાહુલના પરિવારને જાણતો હતો. એનો એક દીકરો હતો એ પણ મને ખબર છે. પણ એ જીવિત છે કે નહિ એની મને કોઈ ખબર નથી.

નાલીન ચિંતિત સ્વરે બોલ્યો, રાંશજ જો ખરેખર એ બાહુલનો દીકરો હશે તો?

નાલીનને આમ ચિંતિત જોઈ રાંશજ બોલ્યો, રાજાજી તમે શા માટે ચિંતિત થઈ રહ્યા છો? ભલેને બાહુલનો દીકરો જીવતો હોય. એ આપણું કઈ બગાડી શકે એમ નથી. આજે તમારી સત્તા છે. તમે રાજા છો. જે ઈચ્છો એ કરી શકો છો. ને ખોજાલ તો છે જ.

રાંશજની વાત સાંભળી નાલીન ટટ્ટાર થઈ ગયો. એના ચહેરાના ભાવ બદલાવા લાગ્યા ને બોલ્યો, બરાબર છે. મને શુ ફર્ક પડે છે? હું તો રાજા છું? જે ઈચ્છું એ કરી શકું છું. મારે ડરવાની કોઈ જરૂર નથી. પછી એ થોડીવાર ચૂપ રહ્યો. પછી પાછો બોલ્યો, પણ રાંશજ એ કંજ બાહુલ જેવો જ હશે તો? ખોજાલ એના પર ખૂબ ગુસ્સે થયો છે. હમણાં તો મેં ખોજાલને કંઈપણ ના કરવા કહ્યું છે. પણ આગળ શુ?

રાંશજ: તમે બિલકુલ ચિંતા ના કરો. હું માહિતી એકત્ર કરું છું. ખરેખર શુ વાત છે? એ જાણવાનો પ્રયત્ન કરું છું. પછી તમને હકીકત જણાવું.

નાલીન: હા રાંશજ જલ્દી. તમે એ કંજની દરેકે દરેક માહિતી ભેગી કરો. એની સાથે કોણ છે? એ પણ જાણો. એનો ઈરાદો શુ છે?

રાંશજ: જી અવશ્ય. પછી રાંશજ ત્યાં થી નીકળી ગયો. પણ એના ચહેરા પર એક અજબ ખુશી હતી. જે સ્પષ્ટ તો નહોતી જોઈ શકાતી પણ ખુશી હતી ખરી. રાંશજ ત્યાં થી નીકળી સીધો મંદિરે ગયો. મંદિરમાં પંડિતજી હાજર નહોતા એટલે એ એમની પ્રતીક્ષા કરતો ત્યાં રોકાયો.

થોડા સમયમાં પંડિતજી આવ્યા. એ રાંશજને જોઈ સીધા એની પાસે ગયા ને બોલ્યાં, રાંશજ? તમે અહીં?

રાંશજ: પ્રણામ પંડિતજી.

પંડિત: જી પ્રણામ રાંશજ. બોલો શુ મદદ કરી શકું?

રાંશજ: પંડિતજી ક્યાંક બેસી શાંતિથી વાત થઈ શકે?

પંડિત: હા અવશ્ય. આવો મારા કક્ષમાં જઈએ. પછી બંને પંડિતજીના ઓરડામાં ગયા.

પંડિતે બેસવાનો ઈશારો કરતા કહ્યું, બેસો રાંશજ. હું પાણી લઈ આવું.

રાંશજ બેસતાં બોલ્યો, એની કોઈ જરુર નથી. તમે બેસો મારે વાત કરવી છે.

પંડિતજીએ એના ચહેરાના ભાવ જોઈ પૂછ્યું, કઈ સમસ્યા છે?

રાંશજે પંડિત સામે જોઈ કહ્યું, કંજ.

પંડિતજી બેસતાં બોલ્યાં, ઓહ...તો તમને પણ જાણ થઈ ગઈ.

રાંશજ એકદમ બોલ્યો, એટલે આ વાત સાચી છે? ને હાલ એ યામનમાં છે?

પંડિતજી: હા રાંશજ કંજ યામનમાં છે. એના પોતાના ઘરે છે.

રાંશજ એકદમ ઉભો થઈ ગયોને બોલ્યો, પંડિતજી હજુ સમય નહોતો આવ્યો કંજનો યામનમાં આવવાનો. હજુ એ ખોજાલ સાથે બાથ ભીડી શકે એટલો તાકતવર નથી. તમે મને કહ્યું કેમ નહિ? તમે એનો જીવ જોખમમાં મુક્યો છે.

પંડિત: શાંત થઈ જાવ રાંશજ. આ જ સમય યોગ્ય છે. ને એ મેં કે તમે નક્કી નથી કર્યો. એ ખુદ ભગવાને નક્કી કર્યો છે. ને ભગવાનની કોઈ વાતમાં માણસનું કઈ ચાલતું નથી એ તો તમે જાણતા જ હશો?

રાંશજ નીચે બેસતાં બોલ્યો, પંડિતજી કંજ એક જ આપણી અને યામનની આશા છે. ને એને કઈ થઈ ગયું તો? આપણી આશાઓ પર પાણી ફરી વળશે.

પંડિત: તમે ચિંતા ના કરો. ભગવાને એનો પણ રસ્તો શોધી દીધો છે. હવે કંજ એકલો નથી. એની સાથે રાયગઢની રાજકુમારી નિયાબી અને એના મિત્રો પણ છે.

રાયગઢની રાજકુમારી? રાંશજ અચરજ સાથે બોલ્યો.

પંડિત: હા રાંશજ રાયગઢની રાજકુમારી. ફરી એકવાર યામનની મદદે રાયગઢનો રાજા આવ્યો છે. હવે યામનને આ પાપીઓથી મુક્તિ મળી જશે. પછી પંડિતજીએ રાંશજને જે પણ કઈ બન્યું એની દરેકે દરેક વિગત કહી સંભળાવી.

પંડિતજીની વાત સાંભળી રાંશજ ખુશ થઈ ગયો. એતો અવાક થઈ ગયો. એની આંખો છલકાઈ આવી.

એની સ્થિતિ જોઈ પંડિતજી બોલ્યાં, રાંશજ તમે ઠીક તો ને?

રાંશજે આંખો સાફ કરતા કહ્યું, હા પંડિતજી. હું એકદમ ઠીક છું. ખૂબ ખુશ છું. ને આ ખુશીના આંસુ છે. તમે આટલા વર્ષો પછી કઈક સારી ખબર આપી. હું ખુબ ખુશ છું.

પંડિતજીએ સ્મિત સાથે કહ્યું, હા લાગી રહ્યું છે.

રાંશજ: પંડિતજી તમને ખબર છે ને કે યામનની મુક્તિ માટે કેટલા સપના જોયા છે. કેટલું બલિદાન આપ્યું છે. વર્ષોથી પોતાના રાજાને બંધીગ્રહમાં એક લાચાર વ્યક્તિની જેમ જોયા છે. દેશ પ્રત્યેની વફાદારી નિભાવવા ઘણા પાપ પણ ઈચ્છા ના હોવા છતાં કર્યા છે.

પંડિતજી: હા રાંશજ હું જાણું છું. પણ તમે ચિંતા ના કરો હવે એવું કરવાની જરૂર નહિ પડે.

રાંશજ: પંડિતજી તમને ખબર છે જ્યારે રાજા માહેશ્વરને ખબર પડી કે એમનો દીકરો એમના હાથમાં થી છટકી રહ્યો છે. ત્યારે એમણે મને નાલીનનો મિત્ર બની એની સાથે રહેવાનો હુકમ કરી દીધો. એ ઈચ્છતા હતા કે હું સતત નાલીનની સાથે રહું. જેથી એના કર્યો પર નજર રાખી શકાય અને જરૂર પડે ત્યાં એને રોકી કે ટોકી શકાય. મેં રાજાના આદેશનું પાલન કર્યું. ઈચ્છા ના હોવા છતાં નાલીનના ખોટા અને અયોગ્ય કામોમાં સાથ આપ્યો. પોતાની નજર સામે રાજાનું અપમાન અને દુર્દશા જોઈ. યામનના લોકોની સાથે અન્યાય કરી એમના ક્રોધનો શિકાર બન્યો. યામનની પ્રજાના હૃદયમાં મારા માટે નફરત પેદા કરી. બાહુલ જેવા મહાન યોદ્ધાની મદદ ના કરી શક્યો. ના કરવાના કામો કર્યા. ને બધું મેં નાલીનનો વિશ્વાસ મેળવવા કર્યું. પોતાના રાજાની આજ્ઞાનું પાલન કર્યું. ને સતત પોતાને કોષ તો રહ્યો. ને કઈ મળ્યું નહિ. ભગવાન પણ મને માફ નહિ કરે.

પંડિતજીએ ઉભા થઈ રાંશજના ખભા પર હાથ મુક્તા કહ્યું, રાંશજ તમે કઈ ખોટું નથી કર્યું. તમે માત્ર તમારા રાજાની આજ્ઞાનું પાલન કર્યું છે. તમે પોતાના દેશ માટે તમારી વફાદારી સાબીત કરી છે. ને પ્રજાનું શુ છે? જ્યારે પ્રજા તમારી સચ્ચાઈ જાણશે ત્યારે એજ પ્રજા તમને દુવાઓ અને આશીર્વાદથી નવડાવી દેશે. ને ભગવાન તો બધું જાણે છે રાંશજ. એ ક્યારેય કોઈને અન્યાય નથી કરતો. ને હવે તમે દુઃખી ના થાવ. બધું સારું થઈ જશે.

રાંશજે પોતાને સંભાળતા કહ્યું, ભગવાન કરે ને તમારી વાત સાચી પડે. પણ પંડિતજી કંજ ને સાવધાન રહેવું પડશે. નાલીનને એના વિશે ખબર પડી ગઈ છે. એ ડરેલો છે. પણ એ કંજને છોડશે નહિ. કંજની માહિતી એકઠી કરવાનું મને જ કહ્યું છે.

પંડિતજી: તો કઈ નહિ જે સાચું છે એ કહી દો. માત્ર એક વાત છોડીને.

રાંશજે નવાઈ સાથે પૂછ્યું, કઈ વાત?

પંડિતજી: રાયગઢની રાજકુમારીની. નાલીન કે ખોજાલને ખબર ના પડવી જોઈએ કે કંજની સાથે રાયગઢની રાજકુમારી અને એમના સાથીઓ છે. કેમકે એ જાણ્યા પછી નાલીન સતેજ થઈ જશે. ને કદાચ રાજા માહેશ્વરના જીવને જોખમ વધી જાય. જો તમે પરવાનગી આપો તો કંજને રાજા માહેશ્વર વિશે જણાવી દઈએ.

રાંશજ: હા અવશ્ય. હવે જો આરપારની લડાઈ લડવી જ છે તો તૈયારીઓ તો કરવી જ પડશે ને? તમે કંજને જાણ કરો. ને એને કહેજો સાવધાન રહે. ને એમના મિત્રોને પણ સાચવે. આશા છે કે આ બધા ભેગા મળીને યામનને બચાવી લે. એક નવી આશા ભરી સવાર ઉગે. બાકી હું જે કઈ હશે તે જાણ કરીશ. હવે મને રજા આપો.

પંડિતજી: અવશ્ય રાંશજ. હું પણ કંજ સાથે વાત કરી તમને જાણ કરું.

પછી બંનેએ એકબીજાનું અભિવાદન કર્યું. ને છૂટા પડ્યા.

ક્રમશ..............