khuni baehnpani books and stories free download online pdf in Gujarati

ખૂની બહેનપણી

રાત્રિના બાર વાગી ગયા હતા.વાંચીને તમે સુવાની તૈયારીમાં હતા.તમારી રૂમ-પાર્ટનર રીટા તો અગિયાર વાગ્યે સૂઈ ગઈ હતી.અચાનક તમારા રૂમનો દરવાજો કોઈકે ખખડાવ્યો.રાત્રે બાર વાગ્યે હોસ્ટેલમાં રૂમ નો દરવાજો ખખડે એ આમ તો મોટી વાત ના કહેવાય એટલે તમે સાહજિકતાથી દરવાજો ખોલેલો.એક બુકાનીધારી શખ્સ એકદમ રૂમમાં દાખલ થયો અને અચાનક તમારી રૂમ પાર્ટનર રીટાના શરીરમાં ધડાધડ ત્રણ ગોળી ધરબીને તમે કંઈ સમજોએ પહેલાં તો હોસ્ટેલની તમારા રૂમની રસ્તા પર પડતી બાલ્કની કૂદીને ફરાર થઇ ગયેલો,હિના.
તમે બચાવો-બચાવોની બૂમો પાડતા રીટાના શરીરમાંથી વહેતી લોહીની ધારાઓને જોઈ ગભરાઈ ગયેલાં.થોડી ક્ષણો પહેલાં ગોળીઓ છૂટવાની અને હવે તમારી બચાવો-બચાવોની બૂમો સાંભળીને હોસ્ટેલનાં વોર્ડન સહિત બીજી છોકરીઓ દોડી આવેલી, ત્યારે રીટાનું પ્રાણપંખેરું ઊડી ગયેલું અને તમે બેભાન થઈ ગયેલાં.પછી શું બન્યું એ તમને ખબર નથી પણ તમે ભાનમાં આવ્યા ત્યારે પોલીસ ઘટનાસ્થળનું પંચનામું કરી રહી હતી અને રીટાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી થઈ રહી હતી.
રીટાના મમ્મી- પપ્પાને રીટા બીમાર છે તાત્કાલિક આવી જાઓ જયાં રીટાનું પૉસમોર્ટમ થવાનું હતું એ હોસ્પિટલ પર પહોંચવા વૉર્ડને ફોન કરીને જણાવી દીધેલું.પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો રીટાનું ત્રણ ગોળી વાગવાથી મૃત્યુ થયું છે એ સ્પષ્ટ હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગર્લ્સ હોસ્ટેલના વૉર્ડને રીટાની હત્યા અંગે અજાણ્યા શખ્સ સાથે ફરિયાદ નોંધાવેલી.આ હત્યાના એકમાત્ર સાક્ષી તમે હતાં અને પાછા મરનારના રૂમ-પાર્ટનર એટલે પોલીસે તમને જાતજાતના પ્રશ્નો પૂછીને રીટાની હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરતી હતી.
પણ તમે રીટા વિશે ખાસ કશું જાણતા ન હતાં. પોલીસને આ બાબતે પ્રેમ પ્રકરણ કારણભૂત લાગતું હતું.રીટાના પ્રેમ પ્રકરણ બાબતે પણ તમને કયારેય વાત કરી ન હતી.હા,એ કહેતી કે કૉલેજનો એક છોકરો એને હમણાંથી પ્રપોઝ કરવા પ્રયત્ન કરે છે પણ એને એ છોકરામાં રસ નથી.એ કયો છોકરો છે,કોણ છે એની જાણકારી તમને ન હતી. બુકાનીધારી શખ્સનું વર્ણન પણ તમે કરી શકો એમ ન હતાં.કારણકે એ સંપૂર્ણપણે કાળા કપડામાં સજ્જ હતો.
હૉસ્ટેલની સામેની બાજુના રોડ પર આવેલી એક સોનીની દુકાનની ઉપર લગાવેલા સીસી ટીવી કેમેરામાં એ કેદ થયો હતો.અલબત્ત એનો પાછળનો ભાગ જ દેખાતો હતો.કાળાબૂટથી માંડી કાળી બુકાની,બધુય કાળું.
પોલીસે આ સીસીટીવી ફૂટેજ સોની પાસેથી મેળવી લીધા હતા પણ એમાંથી પણ કોઈ વિશેષ તથ્ય મળી શકે છે તેવું લાગતું ન હતું.
પોલીસે રીટાના મમ્મી પપ્પાની પણ પૂછપરછ કરી લીધી હતી. તેમણે પણ કોઈના ઉપર શક હોય તેવું જણાવ્યું ન હતું વળી રીટાએ પણ કયારેય આ બાબતે કોઈ વાત એમને કરી ન હતી.
ઇન્સ્પેક્ટર ચાવડાએ રીટા સાથે કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓ, એની ખાસ બહેનપણી સુષ્મા,હૉસ્ટેલની દરેક છોકરી વગેરેને રીટાની બાબતમાં ખાસી પૂછપરછ કરી હતી પણ તેનું
પરિણામ તો શૂન્ય જ રહ્યું હતું.
ઇન્સપેકટર ચાવડા માટે આ કેસ થોડો પેચીદો હતો પણ ઇસ્પેક્ટર ચાવડા આવા કેસને ઉકેલવામાં માહેર હતા. હોસ્ટેલનો મેઈન ગેટ બંધ હતો,ચોકીદાર પણ દરવાજા પર હાજર હતો તો એ શખ્સ અંદર આવ્યો કેવી રીતે અને જો અંદર આવ્યો તો ચોકીદાર સહીત કોઈના ધ્યાનમાં કેમ ના આવ્યો?વળી સોનીની દુકાન પર લાગેલા કેમેરામાં આવો કોઈ શખ્સ હૉસ્ટેલ તરફ આવતા દેખાયો ન હતો. ઈન્સપેકટર ચાવડા એમ માનતા હતાં કે આ શખ્સ હોસ્ટેલમાં પહેલેથી મોજૂદ હોવો જોઈએ.પ્રશ્ન એ હતો કે હૉસ્ટેલમાં એ કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યો? રીટા સાથે એને શું દુશ્મની હતી?આવા કેટલાય પ્રશ્ન નિરુતર હતાં.
ઈન્સપેકટર ચાવડા વાંરવાર પેલા સીસીટીવી ફૂટેજને ચેક કરી રહ્યાં હતાં,એમને એમ હતું કે જે શખ્સે હત્યા કરી છે એ આમાં દેખાય છે,શક્ય છે એને વારંવાર જોવાથી કંઈ કડી મળે.ગુનેગાર કોઈને કોઈ સબૂત છોડીને જાય જ છે,એવું એમનો અનુભવ કહેતો હતો.સીસીટીવી ફૂટેજ જોયાં પછી એમણે મનોમન કંઈ નકકી કર્યું.
અઠવાડિયા પછી સાબિત થઈ ચૂકયું હતું કે તેની નજીકની બહેનપણી સુષ્માએ જ રીટાનું ખૂન કર્યું હતું.સુષ્મા હૉસ્ટેલમાં જ રહેતી હતી.કૉલેજ બંને સાથે જતાં અને સાથે આવતાં.સૂષ્માએ પોતાની ખાસ બહેનપણીનું ખૂન કર્યાનું કબૂલી પણ લીધું હતું.
ઈન્સપેકટર ચાવડાએ ગર્લ્સ્ હૉસ્ટેલમાં થયેલી હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલ્યો એ જાણીએ હિના.
હોસ્ટેલની બરાબર સામેની બાજુએ આવેલી સોનીની દુકાન પર લગાવેલ સીસીટીવી ફૂટેજમાં કોઈ પુરુષ હોસ્ટેલમાં પ્રવેશ હોય એવું નોંધાયું ન હતું.
હત્યા કરીને બાલ્કનીમાંથી કૂદતા શખ્સના માથાનો પાછળનો ભાગ ઉપસેલો જણાતો હતો,એટલે કે માથામાં અંબોડો વાળેલો હોય કે લાંબા વાળને ચોટી કરી એક સાથે બાંધ્યા હોય એવું લાગતું હતું.એના પરથી ચાવડા એવા તારણ પર આવેલ કે હત્યા કરનાર કોઈ પુરુષ ન પણ હોય,સ્ત્રી પણ હોઈ શકે.
જે ત્વરાથી રુમમાં આવી ગોળી ચલાવી હત્યારો બાલ્કનીમાંથી નીચે કુદ્યો એ મૂજબ એ સ્પોર્ટસ્મેન હોવો જોઈએ.સુષ્મા પણ રીટાની માફક એન.સી.સી. કેડેટ હતી.
ઇન્સપેકટર ચાવડાને પૂછપરછ વખતે સુષ્માનું વર્તન અસામાન્ય લાગેલું.સુષ્માને એની બહેનપણીના આવા હ્દયદ્વાવક મૃત્યુ પછી પણ બહુ દુઃખ લાગ્યું હોય એવું ન હોતું જણાતું.
રીટાના મૃત્યુ પછી જ્યારે હૉસ્ટેલ પર બધા તમારા રુમ પર તમારી બૂમો સાંભળી ભેગા થયાં ત્યારે તે ત્યાં હાજર ન હતી.હૉસ્ટેલમાં પણ એનો પલંગ ખાલી હતો.તે સીધી હોસ્પિટલ પર આવેલી.એની નોંધ ત્યારે ન હતી લેવાઈ પણ હવે બધાને ખ્યાલ આવી ગયો કે એ ખરેખર ગેરહાજર હતી.
જે પિસ્તોલથી એણે ખૂન કર્યું એ એના પિતાની લાયસન્સવાળી રિવૉલ્વોર હતી અને ગયા અઠવાડિયાથી ગુમ હતી.
ઉપરની તમામ બાબતોના અભ્યાસ પરથી ઈન્સપેકટર ચાવડા એવા તારણ પર પહોંચેલા કે સુષ્માએ જ રીટાનું ખૂન કર્યું છે.એમણે આ પુરાવાઓ સાથે. સુષ્માને કડકડાઈથી પૂછતાં એ ભાંગી પડેલી અને એણે ગુનાની કબૂલાત કરી દીધી હતી.
સુષ્માએ રીટાનું ખૂન કેમ કર્યું એ જાણવું છે ને હિના તો એ પણ જાણી લો.રીટાને જે છોકરો પસંદ કરતો હતો એ છોકરો સુષ્માને બેહદ પસંદ હતો.રીટા એ છોકરાને પસંદ નથી કરતી એ સુષ્મા જાણતી હતી.એણે એ છોકરાને એ બાબતની જાણ પણ કરેલી કે રીટા તને પસંદ નથી કરતી.એ છોકરાને એણે પ્રપોઝ કરી 'આઈ લવ યુ'કહેલું.છોકરાએ એની પ્રપોઝલ નકારતાં જણાવેલું કે એ રીટાને જ પ્રેમ કરે છે અને રીટા છે ત્યાં સુધી કોઈ બીજી છોકરી એની જીદંગીમાં નહી આવે.એ જ વખતે સુષ્માએ રીટાને કાયમના માટે ખતમ કરી નાંખવાનું નકકી કરી નાંખેલું.
એક તરફી પ્રેમે નિર્દોષ રીટાનો જીવ લીધો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED