મને કેમ વિસરે(શીર્ષક)
જીવનમાં વિટળાયેલા કેટલાક પાત્રોને મે કલ્પનાના રૂપે વાર્તા સ્વરૂપ આપ્યું છે.તેમાના મારી કલ્પનામાં નાનપણમાં જોડાયેલા પાત્રો ને જીવની ડાયરી રૂપે રચી છે..તેમાંથી ન વિસરનારા પાત્રો ને કેટલાક કલ્પના બની ને વાર્તામાં ઘડાયા ને વાર્તા રચાય.*મને કેમ વિસરે રે*
સંજુકોળી ને પૂરી મારા મામાને ત્યાં કામે આવે બન્ને ભાઈ બહેન દિલના ખૂબ ઉદાર,પ્રેમાળું.પૂરી રોજ સવારથી ઘરે આવે.અમને બધાને નવડાવે,તૈયાર કરે ને પોતે પણ એવી તૈયાર થઈને આવે કે લાગે નહિ અમારી વચ્ચે કોળીની દીકરી છે.સંજુ કારખાને કામ કરે એટલે થોડો ગોબરો..ખરો.પણ જ્યારે રજા હોય તો એવો તૈયાર થાય ને પટિયાં પાડે.આ મારી નાનીના શબ્દો હં કે પટિયાં પાડે શે તે ફિલમમાં કામે જવાનો શો કે શું??અને અમે બધા હસી હસીને લોથપોથ થઈ જઈએ.
મારી ઉમ્મર લગભગ અગિયાર બારની વચ્ચેની હશે.હું હવે મોટી છોકરી માં ગણાવા લાગી એટલે પાણી ભરવા જવાનું બંધ થઈ ગયું, હા સાઈકલ ભાડે લઈ મોઢેરા,પાટણ કે હારિજ ભાગી જતી મારા સમોવડિયા ભાઈ બહેન સાથે. તો પૂરીને બહુ ડર લાગે એટલે સંજુને મોકલે.પહેલેથી થોડું સ્વભાવમાં ખરુ કે કોઈ અલગારી કે મસ્ત મૌલી વ્યક્તિ મળે તો તેને પ્રશ્નો પૂછી ને મૂંઝવી નાંખતી . એકવાર મોઢેરાના સૂર્ય મંદિરના ઓટલે બેઠા હતા ,ત્યારે સંજુ ને કોઈએ બોલાવ્યો,” એ હો સંજુડા અઈ ચ્યાંથી અલ્યા??મને જોઈ ને સંજુ મોં પર આંગળી મૂકી બોલ્યો,”જોતો નથી અલ્યા બૂન બેઠી શે ને??હવે મારાથી ન રહેવાયું મેં પ્રશ્નાર્થ ભરી આંખે જોયું.તો એના બાવળના દાંતણથી ઘસેલા સફેદ દાંત ચમકાવી ખૂંધુ હસ્યો.નાની ને લાડકી ભાણી એટલે ગુસ્સે થઈ બોલી,“સાચું બોલ જે સંજુ આવો મવાલી જેવો કેમ છે તારો મિત્ર? અહીં સંજુ મિત્ર સાંભળી બોલ્યો,” બૂન એ તો દોહતાર છે દોહતાર..મિત્ર ત્તિત્ર નહિ. મારા બીજા કામનો ભાગીદાર શે.”
એ દિવસે સમજાયું કે આ એ જ ગામનો છે જે ગામમાં મારા ખાદીધારી નાના રહે છે,જ્યાં વહુઓ ઘૂમટાં તાણે છે ,ને દીકરીઓ ને એકલી અજાણ્યા જોડે ફરવા,કે બસમાં નથી મોકલાતી.તે દિવસે નક્કી કર્યુ કે નાના જોડે ઝઘડી લેવું પણ આ આઘે ઓઢવાનો (લાજ કાઢવાનો )
રીવાજ કઢાવવો ને મામીઓ ને એમાંથી મુક્તિ અપાવવી.
ચાલો એ ફરી ક્યારેક..વાત કરીશું.સંજુને પહેલા તો મિત્ર એટલેજ દોહતાર સમજાવતા દસ પંદર મિનિટ નીકળી ગઈ. ઘરે આવ્યા પછી મન નહોતું માનતું તેથી વચેટમામા જેને ત્યાં કારખાનામાં કામ કરતો હતો ,તેમની પાસે ગઈ.
પૂરી તો આમે ભાઈ વિશે સાચું કહેત નહિ..તેથી મામા ને પૂછ્યું કે તેના મિત્રો આવા કેમ??આશ્ચર્ય એ વાતનું થયું કે મામાએ ગોળ ગોળ વાત કરીને બીજે દિવસે મારૂ જ બહાર જવાનું બંધ કરાવી દીધું.જુઓ કેવો હતો જમાનો..જયાં ગાંધીજીના વિચારો વાળા નાના,નાની હતા.મોટા પાયા પર કારખાના ચાલતા હતા ત્યાં છોકરીઓ ને સ્વતંત્ર વિચારવાની પણ વિટંબણા હતી.
મનની મક્કમ એટલે ધીરે ધીરે પૂરી સાથે સખી બની ગઈ.તેને લખતા શીખવાડવા માંડ્યું ,પણ મનમાં થી પ્રશ્ન ન ગયો.સૂરજ કારખાના સિવાય બીજું શું કામ કરે છે..?કેમ કોઈ કહેતું નથી.પૂરીને રોજ પૂછું તું સરસ કપડાં,ઘરેણાં ક્યાંથી લાવે..તો કહે ભાઈ લાવી દે,બા હાટુ,મોટીબેન હાટુ ને મારે હાટું પણ.હવે અમે આવીએ તો સંજુ ને અમારે ત્યાં આવવાની મનાય.એમ કરતાં એક વરસ વીતી ગયું .હું ફરી વેકેશનમાં ગઈ.સવાલ હતો પણ ઉત્સુકતા ઓછી થઈ ગઈ હતી.એક દિવસ તે અચાનક બજારમાં ચાની લારી પર મળી ગયો.”ચ્યમશો બૂન?” કહેતાતો એની આંખોમાં ખુશી ખુશી છાય ગઈ હતી.હવે સમજતી થઈ ગઈ હતી કે સંજુ લાખ સારો હતો પણ મારે રસ્તામાં તો એની સાથે ન ઊભું રહેવું જોઈએ.એટલે તેને ખબરઅંતર પૂછી ઘરે આવી ગઈ.એ રાત્રે પૂરી સાથે સોડા પીવા જાઉં છું કરી એના ઘરે જ પહોંચી ગઈ.બધા એટલા ખુશ થઈ ગયા કે બૂન આવી ,બૂન આવી.ઘરના કાંસાના પ્યાલામાં લીંબુસોડા આવી ગઈ.તે રાત્રે સંજુ ખૂબ ખીલ્યો હતો.
વાતો વાતો માં તેણે કહ્યું ,”તે ચોર છે,તેને બધા જાણે છે.ધીરે ધીરે તે નાના મોટા હાથ મારતા મારતા મોટી ચોરી કરતો થઈ ગયો છે.”
મને થયું એને ડર નથીપોલીસ,ગામના લોકો ,બહેનો છે એને કોણ પરણશે..?તે પકડાય ગયો તો તેની માનું કોણ..?
તે જાણે મારૂ મન વાંચી લેતો હોય તેમ,આસાની થી બોલ્યો કે ,” બૂન ફિકર નહિ કરવાની, હૌ હારાવાના જ થાહે ,ઈ તો સરકારી માણહોને આપણે ખવડાવેલું શે,ક્યારેક ક્યારેક સરકારની મહેમાનગીરી પણ જઈ આવવું પડેહશે.પણ બૂન અમારા કોળીઓને હંધાય બધા ઓળખે.”
વાત કરતા કરતા ફરી એજ હાસ્ય.
મે કહ્યું ,”તું આ કામ છોડી સારા કામે લાગી જા.”
પણ એ માન્યો નહિ.
મે પૂછેલું,” તો તને ચોરી બે ચાર દિવસ કે પંદર દિવસ કરવા ન મળી તો તું અને ઘરવાળા શું કરો?
તો એણે જે બતાવ્યું તે જોઈ મગજ ચક્રાવે ચઢી ગયું..!ડબ્બાભરીને પૈસા ને જણશો હતી,ને કહે ,”તંઈ વંડામાં કેટલુય શે.”
“વંડા માં?? મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.
“હં કને ત્યાં મને ને મારા ભાગીદાર દોહતારને જ ખબર છે.ચ્યાં ને કેણીકોર દાટ્યું શે એ.”
છતાં પણ મને તો ન જ ગમ્યું ,”મે કહ્યું તું નહિ સુધરે તો હું હવે તારી જોડે વાત નહિ કરૂ.”
તો ઉત્તરમાં પગના અંગૂઠા વડે જમીન ખોતરતો રહ્યોને ,બે હાથની આંગળીઓ વડે..કપડાં પર કંઈક લખતો રહ્યો.પછી ધીરે રહી એક થેલી માંથી નાની ચાંદીની પીન કાઢી મને આપી.
તો મે ખખડાવી કહ્યું ,” ચોરીનું હું કેમ લઉ???” તો પૂરી બોલી ,”બૂન તારા હાટુ તેના કારખાનાના પગાર માંથી લાયો શે..” મારી આંખના આંસુ ન રોકી સકી.
એ વરસ તો યાદગાર રહ્યું.હું આઠમાં માંથીનવમાં ધોરણમાં ગઈ ને ભણવામાં રસ પડતા મોસાળ છુટ્યું.વિજ્યા (માતા)મારી મોસાળગઈ હતી એટલે પાછળથી હું ગઈ હતી.પૂરી પરણી ગઈ હતી.તેની મા ને બેન કામે આવતા.એક સાંજે દોડાદોડ ગામમાં શરૂ થઈ.જાણ થય કે સંજુ રેલ્વેમાં ડબ્બા બહાર લટકતો હતો ને શહેરથી આવતો હતો ,ત્યારે તેનું માથું થાંભલા જોડે અથડાયું ને તે અકસ્માતમાં મૃત્યું પામ્યો છે.હું દોડી ગઈ તો એનો એ જ મિત્ર કે દોહતાર આખા કુટુંબનો સહારો બની પોતાના મિત્રને વિદાય કરવા આગળ હતો,ને સંજુના શબ્દો કાને જોર જોરથી અથડાતા હતા..*બૂન ફિકર નહિ કરવાની હૌ હારાવાના જ થાહે”*એ પછી હું ન તો એની મા બેનને આશ્વાસન આપી સકી ,ન પૂરીને ભેટી સકી.દૂર ઉભી રહી એ દિલના પ્રેમાળુ સંજુ કોળીને વિદાય થતો જોઈ રહી.
ધીરે ધીરે મોસાળ છૂટતું ગયું.પણ પૂરી ને અને સંજુને ક્યારેય ન વિસરી સકી.તેઓ પણ મારી ડાયરીના પાના પર અંકિત થઈ ગયા.
આજે પ્રશ્ન ઉઠ્યો કે *ચોર ની શી હાલત થઈ હશે??ભૂખે મરે ને ત્યારે...સંજુકોળી ફરી કલમમાં વાર્તા રૂપે હાજર થયો.એ કોઈ સગપણ ન છતાં કલ્પના પાત્રો *મને કેમ વિસરે રે..*
(મારી ડાયરીના પાનાંના આ બે પાત્રો ને મળ્યાને મને ૫૨/૫૪ વર્ષો વિતી ગયા છે.સત્ય વાત છે સંજુ નામ બદલ્યું છે,પૂરી નામ સાચું છે.મારા મનના ખૂણે ફરી રહેલા આ બન્ને ભાઈ બહેન ને મારી કલમે મે આપ સૌ આગળ વર્ણવ્યા છે.)
જયશ્રી પટેલ
૨૯/૬/૨૦૨૦