Pentagon - 18 books and stories free download online pdf in Gujarati

પેન્ટાગોન - ૧૮


(શેઠ રતનચંદ પોતે ચિત્રકાર હતો અને રૂપાળી સ્ત્રીઓના ચિત્રો દોરી મહારાજને ભેંટ ધરતો બદલામાં મોટું ઈનામ મેળવતો એ બધાને જણાવી રહ્યો છે...)

રતન ચંદે થોડીવાર બોલવાનું બંધ કરી શ્વાસ લીધો, સનાએ એમને પાણી આપ્યું એ પીધા બાદ ફરીથી પોતાની વાત ચાલું કરી.
ગામની ઘણી બધી રૂપાળી સ્ત્રીઓના ચિત્રો મેં બનાવેલા અને એમને મહારાજને ભેંટ ધરી ઈનામ મેળવ્યું હતું. મારી પાસે હવે ખાસ્સી દૌલત જમાં થઈ ગયેલી. જે જે સ્ત્રીઓના હું ચિત્ર બનાવતો એ પછીથી ક્યારેય જોવા ન હતી મળતી એ વિચાર કેટલીક વખત મને અકળાવતો હતો પણ હું એ વખતે રૂપિયા ભેગા કરવાથી આગળ કશું જ વિચારી નહતો શકતો.

એક દિવસ અચાનક મહારાજની તબિયત લથડી હતી અને એ હંમેશા માટે આ મહેલ છોડીને ચાલ્યા ગયેલા. બધાને એમ જ કહેવાયેલું કે હવે શહેરમાં મહારાજ નવું કારખાનું નાખી રહ્યા છે અને ત્યાં જ રહેશે. મહારાજના સૌથી મોટા પુત્ર પણ શહેરમાં જ સ્થાયી થયેલા એટલે મહારાજ ત્યાં રહેવા જાય એમાં કંઈ નવાઈ જેવું ન હતું. હું પણ થોડો સમય અહીંયા રહીને શહેરમાં ચાલ્યો ગયેલો અને ત્યાં સાડીનો વેપાર ચાલું કરેલો. મારી ચિત્રકળા પછીથી સાડીઓ ઉપર ડીઝાઇન કરવા પૂરતી રહી ગયેલી.

કયારેક કયારેક સપનામાં મને તારામતી દેખાઈ જતી, મને એમ કે મહારાજે કદાચ એની સાથે બળજબરી કરી હોય અને એ માટે એ મને ગુનેગાર માનતી હોય એવું બની શકે. જે થઈ ગયું એમાં હું કોઈ ફેરફાર કરી શકું એમ ન હતું અને એટલે મેં તારામતી ભૂલીને, આ ગામને હંમેશા માટે છોડીને શહેરમાં જ કાયમી વસવાટ કરેલો. આ બધી આત્માઓ કે ભૂતાવળ અહીંયા કેમ છે અને એ શું ઈચ્છે છે એ વિશે મને કંઈ ખબર નથી.

“કંઇક તો એવું છે શેઠ જે હજી કહેવાનું બાકી રહી જાય છે! તમે એકવાર શાંતિથી યાદ કરો." જેમ્સ કહી રહ્યો હતો.

“એ ખૂટતી કડી મારી પાસે છે!" ક્યારનોય ચૂપ બેઠેલો કબીર બોલી ઉઠ્યો.

“કબીર..." રવિએ કબીર સામે જોઈને કહ્યું હતું.

“આ વખતે હું કૂવામાં પડ્યો ત્યારે પાણીમાં ન હતો પડ્યો પણ સીધો ગામમાં ઉતરી ગયેલો. આ જ મહેલમાં હું એ છોકરી સાથે ફરતો હતો." કબીર જાણે નજર સામે ભજવાતી ફિલ્મ જોઈને કહી રહ્યો હતો...
હું આ મહેલમાં નોકરી કરતો હતો. મારું નામ કુમાર હતું અને હું ઘોડાની જાળવણી કરતો. કયારેક મહારાજ કહે તો ઘોડાગાડી જોડીને એમને કે બીજા કોઈને લાવવા લઈ જવાનું પણ મારા શીરે રહેતું. મહારાજના એક પિતરાઈ ભાઈ હતા જેમનું એમની પત્ની સાથે એક અકસ્માતમાં મોત થઈ ગયેલું. એમની એક માત્ર નિશાની એવી એક દીકરી ચંદ્રપ્રભા અહીંયા જ મહેલમાં રહેતી. ચંદ્રા મહારાજની કૃપા પર જીવતી હતી. એના માબાપની બધી મિલકત મહારાજે પોતાને હસ્તક કરી લીધેલી અને ચંદ્રાને ઓશિયાળી જિંદગી જીવવા મજબૂર કરેલી.

ચંદ્રા મહેલના બગીચામાં એકલી ફરતી રહેતી. ઘણીવાર મારી પાસે આવતી અને ઘોડેસવારી કરતી. બાળપણમાં સાથે સાથે મોટા થયેલા અમે બંને ક્યારે એકબીજાને પ્રેમ કરવા લાગી ગયેલા એની અમને જ જાણ ન હતી થઈ. ચંદ્રા મારા માટે જીવથી પણ અધિક પ્રિય હતી અને એ પણ મારા માટે ગમે તે હદે જઈ શકે એવી હતી.

એક રાત્રે મહારાજે મને એક સરનામું આપી ત્યાંથી એક સ્ત્રીને મહેલમાં લઈ આવવા કહેલું. હું એ સ્ત્રીના ઘરે ગયેલો. એ ઘર તરામતીનું હતું. એ જ્યારે ઘરેથી નીકળી ત્યારે જ એના ઘરવાળા એ કહેલું,
“કૂવો પુરજે કમજાત પણ ઘરે પાછી ના આવતી!"

તારામતી કેટલુંય રડી હતી. એના એકના એક છોકરાને બાથમાં લેવા પ્રયત્ન કરતી હતી પણ એની સાસુએ છોકરાને અંદર લઇ જઇ દવાજો વાસી દીધેલો. મને એની ઉપર ઘણી દયા આવતી હતી પણ હું શું કરી શકું? હું તો ચિઠ્ઠીનો ચાકર હતો. મહારાજના હુકમ સાથે બંધાયેલો.

તારામતીને મેં મહેલમાં લઇ જઇ એક દાસી પાસે છોડેલી. એ પછી બે દિવસ બાદ જ્યારે હું અને ચંદ્રા કૂવાની પાસે આવેલી ગીચ ઝાડીમાં બેઠા હતા ત્યારે તારામતી ત્યાં ભાગતી આવેલી. એ કૂવામાં પડતું મૂકવાની હતી અને મેં એને પકડી લીધેલી.

“મને મરી જવા દે નાલાયક, તું જ મને અહીંયા ઉઠાવી લાવેલો ને અને હવે મહાત્મા બનવા આયો છ." તારામતી ગુસ્સાથી હાંફતી બોલી હતી.

મેં એને પકડી રાખેલી અને કૂવામાં પડતી બચાવેલી. એણે થોડી શાંત થતાં જ મારા પગ પકડી લઇ મને વિનવણી કરેલી,
“મને અહીંયાથી બહાર લઈ જા. તારી ઘોડાગાડીમાં બેસાડીને આ ગામની બહાર મૂકી આવે. પછી તું છુટ્ટો! આગળનો રસ્તો હું મારી મેળે ગોતી લઈશ. મને લઈ જા ભાઈ આ રાક્ષસ સાથે મારાથી નહિ જીવાય!"
તારામતી ચોધાર આંસુએ રડતી હતી. મને એની ઉપર ઘણીય દયા આવતી હતી પણ મહારાજની સામે થવાની મારી હિંમત ન હતી. ચંદ્રા સાથેના મારા પ્રેમ સંબંધની જ્યારે પણ મહારાજને ખબર પડે ત્યારે મારી મોત નક્કી જ હતી અને હું ઇચ્છતો હતો કે એ દિવસ આવે જ નહિ. ચંદ્રા સાથે ભાગીને ક્યાંક દૂર ચાલ્યા જવાનું હું વિચારતો હતો. મને ખબર હતી કે મહારાજ અને એમના માણસો અમને ગમે ત્યાંથી શોધીને ઠાર માર્યો વગર નહિ રહે અને એટલે જ એ કામમાં ઢીલ છોડે જતો હતો. એવામાં તારામતીની મદદ કરવાનું તો વિચારી શકાય એમ જ ન હતું.

થોડા દિવસો બાદ બીજી એક સ્ત્રીને હું એના ઘરેથી લઈ આવેલો. એક જગ્યાએ હું પહોંચ્યો એ પહેલા જ મહારાજના બે માણસો પહોંચી ગયેલા અને એ ઘરના બધાને મોતને ઘાટ ઉતારી એક સ્ત્રીને મારી ઘોડાગાડીમાં બળજબરી ચઢાવી દીધેલી. એ સ્ત્રી આખા રસ્તે મને ગાળો આપતી રહેલી, એનું રુદન એક ક્ષણ માટેય અટક્યું ન હતું. એ રુદનના પડઘા મારા કાનમાં દિવસો સુધી પડતા રહેલા. મને માનસિક બીમારી થઇ ગયેલી. રોજ રાત પડે મને સ્ત્રીઓની ચીસો, એમના રડવાના અવાજ સંભળાય કરતા. ચંદ્રા પણ મારી તકલીફ જોઈ દુઃખી હતી. એક દિવસ એણે રાતના કંઇ અવાજ સાંભળેલો અને એ એના રૂમની બહાર નીકળી આવેલી. મહેલના છેલ્લા ખૂણે આવેલા એક ઓરડામાંથી અવાજ આવી રહ્યો હતો. સ્ત્રીઓની ચીસો, ભયાનક પીડા ભોગવી રહી હોય એવી એ ચીસો સાંભળી ચંદ્રા ડરી ગયેલી અને છતાંય હિંમત રાખી એણે દરવાજાની એક નાનકડી ફાંટમાંથી અંદર નજર કરેલી. અંદરનું દ્રશ્ય અરેરાટી ભર્યું હતું. એણે જોયું કે એક સ્ત્રી નિર્વસ્ત્ર અવસ્થામાં બેસીને રોટલો ઘડી રહી હતી અને મહારાજ એને જોઈ રહેલા. એણે રોટલાને શેકવાનો ન હતો બસ, ઘડ્યા કરવાનો હતો...તૂટી જાય એટલે ફરી મસળીને ફરી રોટલો ઘડવાનો. જેવી એ થાકે કે રોટલો ઘડવાનું બંધ કરે એના ખુલ્લા બરડામાં એક નેતરની સોટી વિંઝાતી... એ રૂમમાંથી બીજી પણ ચીસો આવતી હતી, સોટીઓ ફટકારવાનો અવાજ આવતો અને પછી સ્ત્રીઓનું રુદન સંભળાતું...."

બીજે દિવસે ચંદ્રા એ મને બધી વાત કરેલી અને કહેલું કે આપણે એ સ્ત્રીઓને છોડાવીને એમને ગામ બહાર મૂકી આવીએ. એની વાત સાંભળી હું બિવાઈ ગયેલો. મહારાજની સામે અવાજ ઉઠાવવાની કિંમત મોત હતી એ હું જાણતો હતો. એ દિવસે મેં એની આગળ ખોટા ખોટા બહાના કરી, પછીથી એમને બચાવી લઈશું એમ વચન આપી પિંછો છોડવેલો.

નવી નવી સ્ત્રીઓ મહેલમાં હું જ લઈ આવતો હતો. ચંદ્રા હવે એ વાતથી મારાથી નારાજ રહેવા લાગી હતી. અમારી વચ્ચેની મુલાકાતો બંધ થઈ ગયેલી. મને એનું દુઃખ પણ હતું અને જીવ બચી ગયો એની ક્યાંક છાના ખૂણે ખુશી પણ હતી. હદ ત્યારે થઈ ગઈ જ્યારે મહારાજના કહેવા પર હું એક સાત આઠ વરસની બાળકીને ઘોડાગાડીમાં બેસાડીને લઈ આવેલો. એ બાળકી જરાય રડતી ન હતી. એતો એની ઢીંગલી સાથે વાતો કરતી, મારી સાથે પણ વાતો કરતી હસતી હસતી મહેલમાં આવેલી. એ છોકરીના માવતર ન હતા અને એના કાકા કાકીએ પોતાનો જીવ બચાવવા આ છોકરીને મહારાજને ધરી દીધેલી. નાનકડી, માસૂમ એ બાળકીને જોઈ મને એનામાં ચંદ્રા દેખાઈ હતી. બાળપણમાં એ પણ એવી જ દેખાતી હતી. આ વખતે મરામાનો માણસ જાગી ગયો અને એ છોકરીને મહેલમાં લઇ જઇ દાસીને સોંપવાને બદલે મેં એને છુપાવીને મારા ઘરમાં રાખી લીધી હતી. દાસી આગળ ખોટું કહ્યું કે, છોકરી બહુ બીમાર છે, તાવથી એનું શરીર તપતું હતું એટલે એના કાકાએ બે દિવસ બાદ લઈ જવાનું કહ્યું છે!"

“મહારાજ એ આખી રાત ગાળો બોલતાં રહેલા. ચંદ્રા મારી ચાલાકી સમજી ગયેલી અને વહેલી સવારે મારા ઘરમાં મને મળવા આવેલી. મેં એ નાનકડી છોકરીને બચાવી હતી એ જોઈ એ રાજી થયેલી અને એણે કહેલું કે મહારાજને બે દિવસ માટે શહેરમાં જવાનું છે. મહેલમાના મોટાભાગના ચાકરો પણ એમની સાથે જશે. એમના દીકરાનું શહેરમાં નવું કારખાનું ચાલું થઈ રહ્યું હતું અને ઘણા મોટા મોટા માણસો ત્યાં મહેમાનગતિ માણવા આવવાના હતા. આ જ એક તક હતી. મહેલમાં રહેલી બધી સ્ત્રીઓને છોડાવવાની અને એ લોકોએ ભાગી જવાની..."
ક્રમશ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED