Lagniyonu Shityuddh - Chapter 14 books and stories free download online pdf in Gujarati

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 14

પ્રકરણ - 14

તમે પોતાને એ સ્થળ પર રોકાવા માટે કદી નહિ રોકી શકો, જ્યાં તમારી ઈચ્છાઓ અને તમારા વિચારોને વ્યક્ત કરવા બદલ રોકવામાં આવતા હોય છે.

આંખોમાં આંસુ અને મનમાં ફરી વાર કોઈને પ્રેમ કરવાના પોતાના નિર્ણય પર પસ્તાવો કરી રહેલી નુપૂર પોતાના અપમાનના એ આઘાતને જીરવતાં જીરવતાં, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની વેઈટિંગ રો માં ખુરશી પર બેઠી હતી. તેણે હંમેશ માટે અમદાવાદ છોડવાનું નક્કી કર્યું હતું. છેલ્લા બે દિવસમાં તેણે જે કઈં પણ પોતાની સાથે ઘટતા જોયું તે પછી કોઇ પણ અપમાનનો સામનો કરવા માટે હવે તે પૂરતી સક્ષમ ન હતી. અનંતના કડવા વચનોએ તેને સંપૂર્ણ રીતે તોડી નાખી હતી. પોતાના વ્યર્થ પ્રયત્નોને કારણે, તેને પોતાના પર ધિક્કાર થઈ રહ્યો હતો. હા, ખરેખર, વ્યર્થ પ્રયત્નો, કારણ કે તેના પવિત્ર અને નિષ્કપટ પ્રયત્નોને અનંતે ગંભીર ભૂલ સાબિત કરી નાખ્યા હતા - કોઈનું મન મનાવવાની ગંભીર ભૂલ, કોઈની લાગણીઓ બદલવાની ગંભીર ભૂલ, કોઈનું હૃદય પરિવર્તિત કરવાની ભૂલ. વિચારોના વાવાઝોડાં તેને વધારે ને વધારે અકળાવીને તેને ચીડવી રહ્યાં હતા. હવે, તે જીવનમાં એ સ્તર પર પહોંચી ગઈ હતી કે તેણે હંમેશ માટે પોતાને બદલવાનું નક્કી કરી લીધું હતું. કદાચ તેણે પણ પોતાની જાતને અનંતની જેમ જ પરિવર્તિત કરવાનું નક્કી કરી લીધુ હતું.

"ફ્લાઇટ નંબર, એઆઈ -786 આગામી ચાર કલાક માટે વાતાવરણીય વિક્ષેપ કારણે વિલંબિત કરવામાં આવી છે. ફ્લાઇટ નંબર એઆઈ - 786નો ટેક-ઑફ માટેનો અપેક્ષિત સમય છે રાત્રિના 08.00 વાગ્યા". એસવીપીઆઇ એરપોર્ટના પ્રતીક્ષાલયના સ્પીકર પર જાહેરાત, બાદ નુપૂરને એ પરિસ્થિતિ અને એ જાહેરાત બંને પર ખીજ ચઢી. હવે તે એ સ્થળે એક પળ માટે પણ રોકાવા તૈયાર ન હતી, જ્યાં તેને માન આપવામાં આવતું ન હતું - જ્યાં તેની લાગણીઓને સમજવામાં આવતી ન હતી, જ્યાં તે પોતે ઘણા લોકો દ્વારા ઘેરાયેલી હોવા છતાં પોતાની જાતને એકલી મહેસૂસ કરે. એવું કહેવાય છે કે, "તમે પોતાને એ સ્થળ પર રોકાવા માટે કદી નહિ રોકી શકો જ્યાં તમારી ઈચ્છાઓ અને તમારા વિચારોને વ્યક્ત કરવા બદલ રોકવામાં આવતા હોય છે." સ્થળ અને સંજોગો છોડી જવાની પ્રબળ ઈચ્છા અને પરિસ્થિતિઓ – આ બંને વચ્ચેનું યુદ્ધ નુપૂર માટે ઓર ત્રાસદાયક થઈ રહ્યું હતું. બીજી તરફ વાતાવરણ પણ તેની પરાકાષ્ટાએ પહોંચ્યું હતું. સમગ્ર આકાશ કાળા ડિબાંગ વરસાદી વાદળોથી ઘેરાયેલું હતું, વીજળીઓના ચમકારા અને કડાકા ભડાકાના મોટાં અવાજો નુપૂરના શરીરમાં એક આછી ધ્રૂજારી પ્રસરી રહ્યાં હતા, વરસાદના નાના નાના છાંટા હવે મોટા મોટા ફોરાંનું રૂપ લઈ રહ્યા હતા, ફક્ત દસ જ મિનિટની અંદર, આખું વાતાવરણ પલટાઈ ગયું હતું અને તરત જ મુશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. નુપૂરની હાલત અને અકળામણ વ્યક્ત થઈ શકે એમ ન હતી.

# # #

17.00 PM

નવી સફરની શરૂઆત થઈ ગઈ હતી. નવા પરિવર્તનની યાત્રા, નવા જીવનની શરૂઆત કરવાની યાત્રા, એક નવા દાયકા તરફ આગળ વધવાની યાત્રા.

જ્યારે અનંતએ ધ્રુવલ સાથેની છેલ્લી ચર્ચા બંધ કરી એ વખતે લગભગ 12.30 વાગ્યા હતા. અનંત હવે પોતાના નપૂર સાથેના બેહૂદા વર્તન બદલ દિલથી પસ્તાવો કરી રહ્યો હતો. ધિક્કારી રહ્યો હતો તે પોતાની જાતને... અફસોસ થઈ રહ્યો હતો તેને પોતાની જાતને બદલવા બદલ.... તે હજી અવઢવમાં હતો કે તેણે નુપૂરની પોતાના પ્રત્યેની લાગણીને સમજી જ ન હતી કે સમજવાનો પ્રયાસ કર્યો ન હતો. તે નુપૂરનો ગુનેગાર હતો. તેણે એક એવા નિર્દોષ વ્યક્તિને દુઃખ પહોંચાડવાની પોતાની ભૂલ સ્વીકારી હતી, જે વ્યક્તિને તેણે પોતાના જીવનથી દૂર કરી દેવાની ફરજ પાડી હતી, અને એ પણ એવી વ્યક્તિ જે તેની સાથે ઊંડા પ્રેમમાં હતી. અનંત દ્વિધામાં હતો. સંજોગોને પોતાની તરફેણમાં લાવવા અને પોતાની ભૂલ સુધારવા શું કરવું તે હાલ માટે તેના જીવનની સૌથી મોટી મૂંઝવણ હતી. એક એવો વ્યક્તિ, જે કોઈ પણ સમયે ત્વરિત નિર્ણય લેવામાં માહેર હતો, તે આજે પોતાનો માર્ગ શોધવામાં અસમર્થ હતો. ખરેખર કોઈ નથી જાણતું કે જીવન અને સમય – બંને એક સાથે તમને કઈ દિશા તરફ દોરી શકે છે...

17.30 PM

અચાનક અનંતના નંબર પર એક ફોન આવ્યો. કદાચ તે કોલ વિધાતા તરફથી મળી રહેલા માર્ગદર્શનનું પ્રતીક હતો. અનંતએ કોલ ઉપાડવામાં જરા પણ સમય ન લગાડ્યો, તેથી સ્ક્રીન પર નજર કર્યા વગર જ તેણે કાનની નજીક ફોનને મૂકી દીધો, અને પૂછપરછના લયમાં અનંતમાં એક મીઠો પરંતુ અજ્ઞાત અવાજ સંભળાયો.

"યેસ, હુ ઈસ ધિસ ?", અનંતે પૂછ્યું.

"આ બધા વાહિયાત પ્રશ્ન પૂછવાનું બંધ કરો અને ફક્ત મારા પ્રશ્નનો જવાબ આપો.", મીઠો અવાજ હવે ઘેરો બન્યો.

"શું? તને ખબર છે કે તુ જેમની સાથે વાત કરે છે તે કોણ છે? મારી સાથે આ રીતે વાત કરવાવાળી તુ છે કોણ. કામની વાત કર અને રસ્તો માપી લે પોતાનો.", અનંત એના સ્વભાવવશ કોલ પર જ બૂમાબૂમ શરૂ કરી દે છે.

ફોન પર સામી તરફથી મશ્કરીના અંદાજમાં જોર જોરથી હસવાનો અવાજ આવે છે.

"ખરેખર....જે વ્યક્તિ પોતાનો રસ્તો શોધવા સક્ષમ નથી એવી વ્યક્તિ જ્યારે બીજાને રસ્તો માપતા થઈ જવાની વાત કે ત્યારે હકીકતમાં કેટલું રમૂજી લાગે એ વ્યક્ત કરવું બહુ મુશ્કેલ કામ છે. મિ. અનંત, અત્યારે તમે એવી રસ્તા પર આવીને ઊભા છો કે તમે તમારો પોતાનો રસ્તો પણ શોધી શકતા નથી. તેથી મૂર્ખ બનવાનું અને મૂર્ખ જેવું વર્તન કર્યા સિવાય, મને મારા પ્રશ્નોના જવાબ આપો અને હું જેમ કહું એમ જ કરો" હવે, અનંત ઓળખી ગયો હતો કે તે કોઈ છોકરીનો અવાજ હતો પરંતુ હજી પણ એ અવાજ તેના માટે અજાણ્યો જ હતો.

"આઈ અપોલોજાઈસ પ્લીઝ,.... પ્લીઝ હેલ્પ મી. મને સમજાવો કે હું શુ કરું" હવે અનંતનો અવાજ ગળગળો બની ગયો હતો અને સામી વ્યક્તિને પણ લાગ્યું હતું કે હવે તે નિઃસહાય છે એ પછી તેમણે માર્ગદર્શન માટે વલખાં મારી રહેલા એક માલદાર ભિખારીને મદદ કરવાનું નક્કી કર્યું.

નુપૂર માટે તમારી લાગણી કેવી છે? તે તમારા માટે કેટલું અને કેવું મહત્વ રાખે છે? ફક્ત જવાબ જ આપજો, એક પણ સામો પ્રશ્ર્ન નહીં, નહિતર આ કોલ ડિસ્કનેક્ટ થઈ જશે.", સામી વ્યક્તિએ અનંતને સ્પષ્ટ અવાજમાં ચેતવણી આપી.

"તે મારા માટે શુ મહત્વ રાખે છે તે સમજી કે સમજાવી શકાય તેમ છે જ નહિ કારણ કે એ વાત જો હું સમજી ગયો હોત તો આજે આ દિવસ આવત જ નહિ.",

"તમે તેને પ્રેમ કરો છો?"

"એ જ તો મને ખબર નથી."

"જો તમને ખબર પડે કે તમારી પાસે તેની સાથે પસાર કરવા માટે ફક્ત 24 કલાકનો જ સમય છે, તો તમે તેના માટે શું કરશો?"

"જે કંઈ તે ઇચ્છે છે તે બધું જ... તે જે માંગે છે તે બધું જ તેની આગળ હાજર કરી દઈશ. જો તે મારી જિંદગી માંગી લે, તો હું તેને એ પણ આપી દેવા તૈયાર છે, હું ફરીથી તેના ચહેરા પર એ જ સ્મિતને જોવા માંગુ છું જેના લીધે મારા તમામ દિવસો સુખમય પસાર થતા હતા. હું ફરીથી એનામાં એ જ વિશ્વાસ જગાવવા માંગુ છું જે મારી લીધે એ ખોઈ ચૂકી છે. હા, કદાચ હું એના ઘવાયેલ સ્વાભિમાન પર મલમ નહિ લગાવી શકું પણ એટલું તો આશ્વસ્ત કરી શકું છું કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સાથે આવું વર્તન નહિ થાય. હું છેલ્લાં 48 કલાકમાં કરેલી તમામ ભૂલો માટે તેની સામે પ્રાયશ્ચિત કરવા માંગુ છું," અનંતએ જવાબ આપ્યો

"ભાઈ અનંત, તે છોકરી એટલી પણ સ્વાર્થી નથી કે તે તમારી જિંદગી માંગી લે કારણ કે તેના તો ધબકારા જ તમારા હૃદયમાં ધબકે છે, પણ તમારા જેવા એજ્યુકેટેડ મૂર્ખ તે સમજી શકવા સક્ષમ જ નથી હોતા", અજ્ઞાત વક્તાએ અનંતને એક એવું કડવું સત્ય સંભળાવી દીધું હતું જેનો કડવો સ્વાદ અનંતની જીભ પર આજીવન રહેવાનો હતો.

"શું તમે તમારા જીવનમાં શાંતિ ચાહો છો?"

"હા"

"શું તમે કોઈ એવા વ્યક્તિનો સંગાથ ઇચ્છો છો કે જે જ્યારે જ્યારે પણ તમે ખોટું કરવા જઈ રહ્યા હશો ત્યારે તમને બદલશે?"

"હા"

"શું તમે તે વ્યક્તિને શોધવા માટેની એક નવી યાત્રા પર જવા તૈયાર છો?"

"હા"

"એનો અર્થ એ કે તમે નુપૂર સાથે પોતાની સંપૂર્ણ જિંદગી વિતાવવા તૈયાર છો?" સવાલોના ઉડતા તીરોની સ્પીડ વધી રહી હતી.

"હા"

"તેનો અર્થ એ કે તમે નુપૂરને પ્રેમ કરો, બરોબર ને?"

"અરે....હા, હા, હા..... કરં છું હું એને પ્રેમ અને મરવા પણ તૈયાર છું બટ પ્લીઝ હવે આગળ વાત કરો" અનંત કોઈ ક્વિઝના રેપિડ ફાયર રાઉન્ડની જેમ ઉપરાઉપરી આવી રહેલા પ્રશ્નોથી અકળાઈ ગયો.

"અંતે, તમે મિ.અનંત શાહ હવે તમે સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા છો, હવે તમારી સફર શરૂ થાય છે. નુપૂર અમદાવાદને હંમેશા માટે છોડીને જઈ રહી છે. તેની ફ્લાઇટ રાતે 8.00 વાગ્યા સુધી ડિલે થઈ છે પણ મને એ ખબર નથી કે તે ક્યાં જઈ રહી છે? તમારી પાસે તેને તમારા શહેર અને તમારી જિંદગીમાંથી કાયમ માટે જતા રોકવા માટે ગણતરીના જ કલાકો છે. બધી વ્યવસ્થા થઈ ચૂકી છે પણ હા, તમારી કારની ડેકી તપાસવાનું ભૂલશો નહીં. એરપોર્ટ પર પહોંચ્યા પછી આ નંબર પર મને એક મેસેજ ડ્રોપ કરી દેજો. આગળ શુ કરવું એના માટે પછીથી ગાઈડલાઈન્સ આપવામાં આવશે.", કોઈ અજાણ્યા વેલવિશરે અનંતને પોતાનું છેલ્લું વાક્ય સંભળાવ્યું.

"મદદ માટે આભાર, પરંતુ તમારું નામ ....... ", અને અનંતનું વાક્ય પૂરું થાય તે પહેલા કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.

18.00 PM

અનંતે તેની રિસ્ટ વોચ પર નજર ફેરવી. સાંજના છ વાગ્યા હતા. હવે નુપૂર સુધી પહોંચવા માટે તેની પાસે માત્ર 2 કલાક હતા, અને બહાર વરસાદે રમઝટ બોલાવી હતી. એક પણ ક્ષણ બગાડ્યા વિના, તેણે કારની ચાવીઓ લીધી અને લિફ્ટ તરફ ધસી ગયો, પરંતુ એવું જણાઈ રહ્યું હતું છે કે પ્રકૃતિએ અનંતના આ નિર્ણયને સંપૂર્ણ રીતે તપાસવાનો નિર્ણય લીધો હતો. આજે લિફ્ટ બ્રેકડાઉનના લીધે બંધ હતી. ખીજમાં તેણે પોતાના દાંત કચકચાવ્યા અને દાદરા તરફ પ્રયાણ કર્યું. ફક્ત બે જ મિનિટમાં, બિલ્ડિંગના સાતમા માળથી તે ગ્રાઉન્ડ ફ્લોર પર હતો.તરત જ તેણે તેના ડ્રાઇવરને બૂમ પાડી પણ તે પછી તેને યાદ આવ્યું કે તેણે પોતે જ ડ્રાઈવરને તેની પત્નીની ડિલિવરીના સમયને લીધે ચાર દિવસની રજા આપી હતી.

અગેઇન, પરિસ્થિતિઓ પ્રત્યેના રોષ સાથે, તે પાર્કિંગમાં ગયો, હંમેશની જેમ વગર ભૂલે સીટ બેલ્ટ બાંધીને ફુલ એક્સેલેરેશન સાથે પોતાની કારને ભોંયરામાં બહાર કાઢીને અમદાવાદ એરપોર્ટના રસ્તા પર મારી મૂકી. વસ્ત્રાપુરથી એસવીપીએઆઈ એરપોર્ટ સુધીનું સમયિક અંતર આશરે 40 થી 45 મિનિટ જેટલું હતું, તેથી 18.40 થી 19.00 વાગ્યા સુધી એરપોર્ટ પર પહોંચવા માટેની શક્યતાઓ તો જણાતી હતી, પરંતુ ફરી નસીબનો ફૂટેલો, તે વરસાદના કારણે ટ્રાફિકમાં અટવાઇ ગયો હતો. અકળાઈને અનંત તેની કારને રોડની ડાબી બાજુએ લઈ ગયો અને એને પે-એન્ડ-પાર્ક વિસ્તારમાં પાર્ક કરીને આગળનું અંતર ચાલીને કાપવાનો નિર્ણય કર્યો. તે શક્ય તેટલી વહેલી તકે એરપોર્ટ પર પહોંચવા માટે મોટા ને મોટા પગલાં લઈ રહ્યા હતા. એ સમયે, સાવ સીધો સાદો અનંત એક એથ્લીટ જેવો લાગી રહ્યો હતો. તેના પગલાઓ એકદમ ઝડપી હતા. લાગી રહ્યું હતું કે અચાનક જ કોઈ પ્રકારની ખાસ શક્તિ તેના શરીરમાં વ્યાપી ગઈ હતી જે તેને તેની નુપૂર સુધી – તેની જિંદગી સુધી - તેના અંતિમ મુકામ સુધી લઈ જતી હતી. હવે તેની પાસે એરપોર્ટ પર પહોંચવા માટે માત્ર 90 મિનિટ બાકી હતા. એકાદ બે વાર તો ઉતાવળમાં તે રસ્તા પર લપસી ગયો અને તેને પગમાં વાગ્યું પણ ખરા... આજુબાજુના લોકો એ પણ તરત જ ભેગા થઈને તેને આરામ કરવા માટે સપોર્ટ કર્યો, પરંતુ કોઇને પણ ખબર ન હતી કે તેની પાસે આજે આરામ કરવાની કોઈ જ પળ નથી.

બંને બાજુ સમાન વાતાવરણ જ હતું. નુપૂર તેની ફ્લાઇટની ટેકઓફ માટેની જાહેરાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. તે તેના જીવનના છેલ્લા થોડાક દિવસોની યાદોથી ઘેરાયેલી હતી, જે દરમ્યાન તે પોતાના ઘાતક ભૂતકાળમાંથી બહાર આવી હતી. એ સમયની યાદો, જેમાં તેણે અનંતને તેના કહેવા પૂરતા બદલાયેલા સ્વભાવના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢી લાવવાના ઉદ્દેશ સાથે પોતાનું જીવન ફરીથી જીવવાનું શરૂ કર્યું હતું. નુપૂર તે સાંજને યાદ કરી રહી હતી, જ્યારે અનંતે તેને પ્રથમ વખત સ્પર્શ કર્યો હતો, જ્યારે તેણે નુપૂરના હાથમાં પોતાનો હાથ મૂક્યો હતો, જ્યારે અનંતે તેને કહ્યું હતું કે તેમનો સંબંધ માત્ર બોસ-એમ્પ્લોયી કે બિઝનેસ રિલેશન પૂરતો નહિ, પરંતુ તેનાથી પણ ખાસ છે, એટલે કે મિત્રતાનો છે. પરંતુ બીજી જ ક્ષણે, તેણી પાંપણો પર અટકી ગયેલા આંસુઓને સરકાવીને એ યાદોમાંથી બહાર આવી ગઈ. તેણી જાણી ગઈ હતી કે તે શક્યતાઓ કરતાં વધુ સપના જોઈ રહી હતી. અનંતના પાછા આવવાનું સપનું, પોતાને આગ્રહ કરીને – મનાઈને - ફરીથી પોતાની સાથે પાછું લઈ જવાનું સપનું અને ફરી એકવાર પહેલાંની જેમ જ જીવવાનું સપનું. પરંતુ આ તમામ સ્વપ્ન તેને હવે માત્ર એક મરીચિકા લાગી રહ્યાં હતા. હવે આ બધું એટલું સરળ ન હતું કારણકે તેણીએ આ શહેરને હંમેશ માટે છોડવાનું નક્કી કર્યું હતું. તેમ છતાં તેના હૃદયના કોઈ એક ખૂણામાં એક આશાનું કિરણ જાગતું હતું, જે વારંવાર નુપૂરને કહેતું હતું કે અનંત ફરી વાર આવી શકે છે, પરંતુ હવે રહેવા માટેનું કે રોકાવા માટેનું કોઈ કારણ બાકી રહ્યું ન હતું. તેણીએ સિક્યોરિટી ચેક, લગેજ ચેકિંગ જેવી બાકી રહેતી તમામ કાર્યવાહી પૂર્ણ કરી લીધી હતી. હવે ફ્લાઇટ સુધી પહોંચવા માટે તેણે માત્ર ગેટ નં. 4 માં દાખલ થવાનું બાકી રહ્યું હતું. અચાનક પોતાની જાતને સંભાળીને, તે એક કપ કોફી લેવા ઊભી થઈ, અને અચાનક તેના ફોનની રિંગ વાગી અને તેણીએ કોલ રિસીવ કર્યો.

# # #

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED