Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 5

પ્રકરણ - 5

અમુક વાર તમારો

એટિટ્યૂડ

જ તમારું સર્વસ્વ બની જાય છે,

અને તે કરવું જરૂરી છે ....

"છેવટે મે શોધી જ લીધું ...", ઉત્સાહિત અવાજ સાથે ધ્રુવલે ચીસ પાડી.

"શું છે યાર,સવાર સવારમાં બખાડા કરે છે ને કોને શોધી લીધી તે ?", ધ્રુવલના ખોળામાં જ સૂઈ રહેલા અનંતે પોતાના ચેટ્સને સ્ક્રોલ કરતાં કરતાં ચિડાઈને પૂછ્યું.

"તારી ડ્રીમ ગર્લ, મૂરખા", ધ્રુવલે અનંતની મજાક કરી.

"વૈભવી ??", અનંત એ નામ બોલતા જ શરમાઈ ગયો અને મિસાઈલની ગતિએ ધ્રુવલના હાથમાંથી એનો ફોન છીનવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તેવું કરી ન શક્યો.

સમયનાં ઘણા લાંબા અંતરાલ પછી ધ્રુવલ અને અનંત એક બગીચામાં ફરવા નીકળ્યા હતા. ધ્રુવલ અને અનંત બંને એકબીજાની પાછળ આખા બાગમાં દોડાદોડ કરી રહ્યા હતાં અને જાહેરમાં તેમને બંનેને લોકો આશ્ચર્યજનક રીતે જોઈ રહ્યા હતા અનંત તેના મોબાઇલમાં વૈભવીના એફબી પ્રોફાઇલને જોઈ રહ્યો હતો. ધ્રુવલ તેને હેરાન કરવા એને વધુ ને વધુ પોતાની પાછળ દોડાવી રહ્યો હતો અને અનંત તેની પાછળ ગાંડાની માફક દોડી રહ્યો હતો.છેવટે, અનંત થાકીને એક બાંકડા પર બેસી ગયો. ધ્રુવલ એના ચહેરા પરના ગુસ્સા અને અકળામણનાં હાવભાવ સ્પષ્ટપણે જોઈ રહ્યો હતો અને અકળામણ કેમ ન થાય, જે વ્યક્તિને છેલ્લા કેટલા સમયથી શોધી રહ્યો હતો એ પોતાનાથી હાથવેંત દૂર હોવા છતાં, એને જોઈ શકતો ન હતો.

"શું થયું વ્હાલા, બસ આટલામાં જ થાકી ગયો ??? શું તને લાગે છે કે તમારી બંનેની મિત્રતા લાંબા સમય સુધી ચાલવા માટે આટલું જલદી થાકી જવું પૂરતું છે? ", ધ્રુવલે પૂછ્યું.

"મતલબ, તુ કહેવા શુ માંગે છે ?" અનંતે પૂછ્યું

"એ જ કે તારી ડ્રીમ ગર્લે તારી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી છે", ધ્રુવલે આંખ મારીને અનંતને કહ્યું.

"શું ? કેવી રીતે? ક્યારે ? કોણે રિક્વેસ્ટ મોકલી એને ? ", અનંતે એક જ શ્વાસમાં અનંત પ્રશ્નો પૂછી લીધા.

"ડફર ... તુ આજકાલ એના વિચારોમાં એટલું બધુ ખોવાયેલો રહે છે કે તને એ પણ ખબર નથી રહી કે હું તારા ફોનનો ઉપયોગ કરી રહ્યો છું અને તુ મારો....બબૂચક માણસ", ધ્રુવલે આંખ મારી.

"સાલા નાલાયક ...", અનંતે બૂમ પાડીને ધ્રુવલના હાથમાંથી પોતાનો સેલન છીનવી લીધો અને વૈભવીના પ્રોફાઈલ પિક્ચરને તાકી રહ્યો..

"ખુશ રહો પ્રેમી પંખીડાઓ.... તમારી સ્વપ્નની છોકરીએ તમારી મિત્રતાની વિનંતી સ્વીકારી છે", ધ્રુવલે તેમને માહિતી આપી હતી.

"ઓહ, તે મહાન છે!", અનંતે મજાક કરી.

# # #

વૈભવી પલંગ પર આડી પડીને નવા ફ્રેન્ડ બનેલા વ્યક્તિને મેસેજ મોકલવા કે નહીં તે વિશે વિચારી રહી હતી. તે દુવિધામાં હતી, કારણ કે તે પોતે એક છોકરી હતી. આ વાત તેને એક છોકરાને સામેથી મેસેજ મોકલવા બદલ વિચિત્ર લાગતી હતી. આમ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં મોટા ભાગની બંદિશો છોકરીઓ અને મહિલાઓ માટે જ હોય છે. પુરુષપ્રધાન દેશની આ એક જ દુહાઈ છે કે એમાં સ્ત્રીઓને ફક્ત ઘરકામ કરવા, બાળકો સાચવવા, ફેરવવા અને દિવસને અંતે શારીરિક જરૂરિયાતો સંતોષવા જ પૂરતી જ પ્રાધાન્યતા આપવામાં આવે છે. આ ચાર કામ દરમિયાન કોઈ નિયમો કે મનાઈહુકમો લાગુ પડતાં નથી કેમ કે આ ચાર કામો જ એવા છે જ્યા એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ સત્યને વગર પુરાવાએ સ્વીકારી લેવામાં આવે છે. હા, સફળતા – એક પુરુષના અહમની, એના સંતોષની, એની જરૂરિયાતોની પૂર્તિની, એના અહેસાસની – એ અહેસાસ કે એ હજી પણ પોતાની સ્ત્રી પર હાવી થઈ રહ્યો હોય છે. પરંતુ એને એ વાતની જાણ સુદ્ધાં નથી હોતી કે એના અહંમનો આ સંતોષ એને એની સ્ત્રીની નજરમાંથી ઊતરતી કક્ષાનો સાબિત કરી રહ્યો છે.

દરમિયાન તેણે એક નોટિફિકેશન ટ્યુન સાંભળી. તે ટ્યુન એના FB મેસેન્જર પરના મેસેજની હતી. તેણે આશ્ચર્ય સાથે મેસેન્જર ખોલ્યું અને પછી અચાનક જ એના ચહેરા પર એક આછેરું સ્મિત રેલાયું.. તે એક અજાણ્યા છોકરાનો મેસેજ હતો, અનંતનો, જેણે તેને એ ગોઝારી વરસાદી સાંજમાં ચાલવામાં મદદ કરી હતી. વૈભવીને તેનું નામ તો ખબર ન હતું, પરંતુ તેણીએ અનંતને તેના પ્રોફાઇલ પિક્ચરમાંથી ઓળખી લીધો.

"હાય .. !! ઓળખાણ પડી? ", તે પોપઅપમાં એક મેસેજ હતો.

"હા, અનંત શાહ", વૈભવીએ ટૂંકો જવાબ આપ્યો.

"ઓળખવા બદલ આભાર", અનંતે ફરી મેસેજ કર્યો.

"હું એ અજાણ્યા વ્યક્તિને કેવી રીતે ભૂલી શકું જેણે મને ભયંકર વરસાદી રાતમાં મદદ કરી હોય."

"ઓહ, એ તો ઠીક છે ... પરંતુ હજુ પણ અજાણ્યા, આ વાત કઈં હજમ ન થઈ" ??, અનંતના સવાલમાં મજાકનો રણકો હતો.

"ઉમ્મ ... હવે નહીં પરંતુ હજુ પણ થોડુંક તો આજાણ્યું ખરા જ. કારણ કે આપણે હજુ સુધી એક પણ વાર મળ્યા નથી .. ઘણા લાંબા સમયથી."

"હમ્મ .. વાતમાં પોઈન્ટ તો છે બોસ, પણ...", અનંતે અર્ધ ઉત્તર આપ્યો.

"બાય ધ વે,મિસ્ટર અનંત, શું કરી રહ્યાં હતાં તમે ?", તેણે પૂછ્યું.

"કઈં ખાસ નહિ, બસ તમને યાદ કરી રહ્યો હતો. .." અનંતે કેટલાક ઇમોજીસ સાથે રિપ્લાય આપ્યો.

"ઓહો, મને યાદ કરો છો, ??"

"હા જી ..."

"કોઈ ખાસ કારણ" ??

"અમુક આસ મિત્રોને યાદ રાખવા માટે કોઈ કારણની જરૂર હોતી નથી."

"ઓહ, એવું ....તો મિસ્ટર શાહ, તમને કોણે કહ્યું કે હું તમારા માટે ખાસ મિત્ર છું અને તમે એ સ્વીકારી પણ કેવી રીતે લીધું?"

"એક એવી વ્યક્તિ જે એક અજાણ્યા વ્યક્તિને ભૂલી નથી શકતી જેણે તેને ફક્ત એક જ વાર વરસાદી રાતમાં મદદ કરી હતી – તમારા દ્વારા જ ઉચ્ચારાયેલા આ શબ્દો જાણ્યા પછી શું તમે ખરેખર એમ માનો છો કે મારે તમને આ પ્રશ્નનો જવાબ આપવો જોઇએ?", અનંતે તીક્ષ્ણ પ્રશ્ન કર્યો.

"અદભૂત .."

"શું ??? હુ ??? "

"હાહાહાહાહા ... તમારો એટિટ્યૂડ ... તમે નહિ. ..."

"તે સમયની સાથે જેમ જેમ અનુભવો થયા એમ એમ પ્રાપ્ત કર્યો છે", અનંતે ઉમેર્યું.

"તો શુ એ ખરેખર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે ??"

"હા, ચોક્કસ .. અમુક સમયે તમારો એટિટ્યૂડ જ તમારું જીવન બની જાય છે અને તે થવું જરૂરી છે.", અનંતે આ વાક્યને અવતરણમાં મોક્યું હતું જેથી વૈભવીને સમજાય કે અનંતના જીવનમાં એનો એટિટ્યૂડ શુ મહત્વ રાખે છે.

"ક્યારે ??"

"ખાસ કરીને આ ક્ષણે જ્યારે તમે કોઈના મનમાં તમારી છાપ ઊભી કરવા માગો છો."

"તો તમે મને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો ??"

"શાયદ ... !!!"

"ખરેખર !!! હું ઈમ્પ્રેસ્ડ છું. યુ આર સક્સેસફુલ હિયર.", તેણીએ જવાબ આપ્યો.

# # #

આ પ્રકારની ઘણી વાતચીત તેઓ બંને લાંબા સમય સુધી કરતા રહ્યાં અને હવે તેમની મિત્રતા નવ મહિના કરતાં વધુ સમય પૂર્ણ કરવાના આરે હતી. નવા શહેરમાં ધ્રુવલ પછી વૈભવી એવી બીજી વ્યક્તિ હતી કે જેના પર અનંત વિશ્વાસ કરતા શીખ્યો હતો. શીખવું શબ્દના ઉપયોગનું પ્રયોજન એ કે જે સંજોગોમાં અનંત અમદાવાદ છોડીને નીકળ્યો હતો, એને પોતાના અને પારકાંની પરખ થઈ ગઈ હતી. અમુક ઘટનાઓએ એને જીવતેજીવ મૃતપ્રાય બનાવી દીધો હતો. પોતાની લાગણીઓ, પોતાનો અરમાન, સ્મિત – આ બધું એણે હદયના એવા ખૂણામાં દફન કરી દીધું હતું કે કબરને કોઈ ખોલી શકે એમ ન હતું. ફક્ત ધ્રુવલ જ એવી વ્યક્તિ હતી કે જે આ દફન થયેલા લાગણીઓને અનુભવી શકતો હતો પરંતુ અનંતની મનોસ્થિતિ અને ઈચ્છાને માન આપીને હરફ સુદ્ધાં ઉચ્ચારતો ન હતો. છેલ્લા અમુક સમયથી અનંતને એ જ્યારે વૈભવી સાથે વાત કરતી વખતે સસ્મિત જોતો ત્યારે ખૂબ જ ખુશ થતો અને ઈશ્વરને પ્રાર્થના કરતો કે એનો મિત્ર હંમેશા આમ જ રહે પરંતુ ખબર નહિ કેમ એના અંતરમાં એક અજીબ પ્રકારનો ઉચાટ રહેતો. એને હંમેશ ડર રહેતો કે અચાનક કોઈ એવી ઘટના ન બને કે જે તેની ખીલી રહેલી લાગણીઓને પોતાના તાપથી બાળીને ભસ્મ કરી દે. ધ્રુવલની કુંડળીનો આઠમા ભાવનો ગુરુ તેને હંમેશા આ વાતનું ઈન્ટિયૂશન આપતો.

# # #