Lagniyonu Shityuddh - Chapter 13 books and stories free download online pdf in Gujarati

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 13

પ્રકરણ - 13

દરેક વ્યક્તિ ટેવાયેલું હોય છે બીજાના અંગત જીવનમાં જોવા માટે, પરંતુ પોતાના જીવન તરફ તેઓને એક નજર નાખવાનો સમય પણ નથી હોતો.

દિવસ બદલાયો. સમય બદલાયો પણ અનંત સિવાય બધુ જ સામાન્ય હતું. તે હંમેશા જેવો રહેતો હતો, તેવો આજે ન હતો. તેનામાં કંઈક બદલાયું હતું. કદાચ તે નવી શરૂઆતનો વિચાર હતો. પરંતુ શાની શરૂઆત? શું બાકી રહ્યું હતું ? ન તો એ સ્મિત જે હંમેશા તેના ચહેરા પર રહેતું હતું, ન તો નુપૂર, જે તેના એ સ્મિતનું કારણ એકમાત્ર કારણ હતી.

દરેક વ્યક્તિના જીવનમાં એક સમય તો એવો આવે જ છે કે જેમાં દરેક વ્યકિત વિચારે છે કે તેણે શું કર્યું છે અને શા માટે કર્યું છે. અનંત પણ એ જ પ્રકારની સમાન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. તે પોતાની જાતને વચ્ચે હોવા છતા પણ એકલો અનુભવી રહ્યો હતો અને ખરેખર તે એકલો જ થઈ ચૂક્યો હતો. આજે તે ઓફિસમાં આવ્યો ત્યારથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. પહેલા, તો તેણે એક સાથે મીઠા અવાજમાં આખા સ્ટાફનું ગુડ મોર્નિંગ ગુમાવી દીધું. ગઈ કાલે ઓફિસમાં તેના દ્વારા ઉચ્ચારાયેલા સન્માનજનક શબ્દો સાંભળ્યા પછી લગભગ બધા જ એમ્પ્લોયીઝ તેને ધિક્કારની નજરે જોઈ રહ્યાં હતા. બીજું, નુપૂર દ્વારા તૈયાર કરવામાં આવતું ટુ ડુ લિસ્ટ આજે તેના ટેબલ પર હાજર ન હતું. ત્રીજું, ક્લાઈન્ટ્સ સાથેના તમામ રિક્રુટર્સના અપડેટ્સનું લાઇન-અપ, જે નુપૂર દ્વારા જોવામાં આવતું હતું, આજે એ પણ ગેહરાજર હતું. ફક્ત બે કલાકમાં તે થાકીને હારી ગયો હતો, કારણ કે પોતાના ગુસ્સા અને મનસ્વી વલણના લીધે તે પોતાનો લેફ્ટ હેન્ડ કાયમ માટે ગુમાવી ચૂક્યો હતો.

# # #

અચાનક જ ફોનની રિંગ વાગે છે અને એની સ્ક્રીન પર તાજેતરમાં જ પ્રમોશન પામેલા હિન્દુસ્તાન પેઈન્ટસ લિમિટેડના એરિયા સેલ્સ મેનેજર શ્રી ધ્રુવલ પટેલના આઈફોનની સ્ક્રીન પર એક નામ ફ્લેશ થાય છે – અનંત શાહ. એક બાજુ ફોનની રિંગ સતત રણકી રહી હતી અને બીજી તરફ ધ્રુવલ ફાઇલો અને દસ્તાવેજોના ઢગલાથી ઘેરાયેલો હતો, અને તેથી તેનું ધ્યાન તેના ફોનની સ્ક્રીન તરફ ગયુ જ નહિ. તેણે પોતાની જાતને કામમાં જ વ્યસ્ત રાખીને ફોનનું સ્પીકર ચાલુ કર્યું અને તરત જ તેને થોડોક જાણીતો અવાજ સાંભળવા મળ્યો હતો અને જેવો તેણે અવાજ સાંભળ્યો, તે પોતાને ફોનનું રિસિવર સંભાળવા જેટલો પણ બેલેન્સ ન કરી શક્યો, કારણ કે વર્ષો પછી તેના બેસ્ટ ફ્રેન્ડએ તેને કોલ કર્યો હતો. છેલ્લા ખાસ્સા સમય દરમ્યાન ધ્રુવલે ક્યારેય અનંતને એક વાર પણ સંપર્ક કર્યો નહોતો, અને આ જ સમય દરમ્યાન, ધ્રુવલે વારંવાર અનુભવ્યું હતું કે અનંત ધીમે ધીમે પોતાની જાતને બદલી રહ્યો હતો.

"ઓહ ... !!! હેલો, મિસ્ટર અનંત શાહ, સોરી સોરી મિસ્ટર ચેન્જડ... શુ વાત છે સાહેબ..આજે કઈ રીતે અમારા જેવા ગરીબ માણસને ફોન કરવાનો સમય મળી ગયો તમને....? એક મિનિટ વેઈટ... આશા છે કે તુ કોઈ મુશ્કેલીમાં નહિ હોય...", ધ્રુવલે પોતાના છેલ્લા વાક્યમાં સ્પષ્ટપણે આશંકા વ્યક્ત કરી.

"હા, હું બદલાઈ ગયો છું, અને આ જ બદલાવ – આ જ પરિવર્તને મને દેવાળિયો કરી નાખ્યો છે.", રિસિવરની બીજી બાજુથી એક તૂટક અવાજ આવ્યો.

"અનંત, તુ એક ચોક્કસ, યોગ્ય અને સંપૂર્ણ બિઝનેસમેન બની ગયો છે. એક તો પહેલેથી જ તે મને કેટલા મહિના પછી ફોન કર્યો છે અને એમાંય તે નફા અને નુકસાનની વાતો ચાલુ કરી દીધી. સલામ છે બોસ તને..હકીકતમાં એકવીસતોપોની સલામી આપવી જોઈએ તને અને તારા બિઝનેસ માઈન્ડને..." ધ્રુવલના અવાજમાં નારાજગીની સાથે સાથે મશ્કરીનો પણ રણકો હતો.

"જીવનમાં અમુક દિવસો તમારા માટે હોતા જ નથી કારણ કે જે ક્ષણે તમારું સૌથી પ્રિય પાત્ર તમને આઘાત આપીને જાય ને, એ ક્ષણે તમે જીવતી લાશ બની જાઓ છો." અનંત ધીમેથી બોલ્યો. એના અવાજમાં નિરસતા હતી.

"ઓહ, મિસ્ટર ફિલોસોફર, એવું તો શું થઈ ગયું અને એ તો કહે મને કે પોતાનામાં પરિવર્તન લાવવામાં તે શુ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે ?", ધ્રુવલ હજી પણ અનંતની પરિસ્થિતિઓથી અજાણ હોવાને લીધે ફોન પર હસી રહ્યો હતો.

"ચૂપ કર, હરામી..", બીજી બાજુથી સ્વર તાડૂક્યો. અહીં હું તને મારી પરિસ્થિતિનો કોઈ ઉકેલ શોધવા માટે વાત કરું છું અને તને મજાક સૂજી રહી છે. રામ જાણે કયા ડફોળે તને મેનેજર બનાવ્યો છે? હજી પણ તુ મારા તૂટક શબ્દો અને રડમસ અવાજ સમજી શકતો નથી. છોડ યાર...હવે તો મારી આશાઓએ પણ મારી સાથે વિશ્વાસઘાત કર્યો તો બીજાની તો વાત જ શું કરવી?" અનંત આટલું બોલતા રડી પડ્યો. આજે તેને પહેલી વાર લાગતું હતું કે તેના પ્રોફેશનલિઝમે તેને પોતાના તમામ અંગત વ્યક્તિઓથી દૂર કરી દીધો છે.

"ઓહ, બ્રધર, સોરી બકા, મને હકીકતમાં ખબર નથી કે તુ આટલા સમય પછી આટલો સિરિયસ થઈને કોલ કરીશ. માફ કરજે દોસ્ત, ચાલ, હવે મહેરબાની કર અને હવે કહી દે મને કે શુ થયું છે તને..."

"હમ્મ .... સાંભળ ....", અને એ પછી અનંતે તેને સુરત છોડ્યા પછીથી લઈને આજ સુધીની તમામ બીનાની જાણમ કરી. આ તરફ ધ્રુવલ પણ આશ્ચર્યમાં હતો. એક રીતે કહીએ તો એ આઘાતમાં પણ હતો. તેને એ વાતનું દુ:ખ ન હતું કે તેના જીગરજાન દોસ્તે આટલું બધું થવા છતા અને એક નવી વ્યક્તિ એના જીવનમાં આવવા છતાં પણ તેને કઈં જણાવવું જરૂરી ન સમજ્યુ. દુ:ખ તો એ વાતનું હતું કે એ નવી વ્યક્તિ તેને હંમેશા માટે એકલો મૂકીને ચાલી ગઈ હતી. સાથે સાથે ધ્રુવલ એ વાતનો પણ સ્વીકાર કરતો હતો કે કોઈ પણ છોકરી આટલું બધું સાંભળ્યા પછી અને સહન કર્યા પછી એ સ્થળે ક્યારેય નહિ રોકાય જ્યાં એને પ્રેમ તો દૂર, સન્માનવાચક બે શબ્દ પણ સાંભળવા ન મળે. કોઈ અજાણી છોકરી તમારા પર વિશ્વાસ કરે, તમને એક આદર્શ અને શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે સ્વીકારીને પોતાનો જીવલેણ ભૂતકાળ અને ખાનગી વાતોને તમારી સાથે વ્યક્ત કરે છે, જો તે તમને પસંદ કરવાની શરૂઆત કરે છે, તમને પોતાના મિસ્ટર પરફેક્ટ તરીકે પોતાના જીવનમાં સ્થાન આપવા માંગે છે અને એનાથી પણ સવિશેષ, વિના કોઈ સંબંધે પોતાના જીવનસાથીની જેટલું જ મહત્વ આપે છે, તો પછી તેમાં શું ખોટું છે?

ધ્રુવલે અનંતની તમામ આપવીતી સાંભળીને આ તારણ કાઢ્યું. તેણે અનંતને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો કે "શા માટે એક છોકરીએ તારા જેવા મૂર્ખાને પસંદ કરવો જોઈએ કે ગમાડવો જોઈએ...? પ્રેમ તો તારા માટે બહુ દૂરની વાત છે કારણ કે એ શબ્દને તું પહેલા પણ નથી સમજી શક્યો અને આજે પણ નથી સમજી રહ્યો."

તેણે અનંતને પૂછ્યું,

"તુ છે કોણ દોસ્ત... તારી હસ્તી શુ છે... તુ કઈં ખાસ છે...ના,જરા પણ નહિ...જમીન પર આવી જા દોસ્ત.તુ બસ એક હારેલો માણસ છે.હા, તારો સંઘર્ષ ચોક્કસપણે સાફ અને પવિત્ર છે. તારી મહેનત પણ સરાહનીય છે પણ શુ તુ માને છે કે તુ એક પરફેક્ટ બિઝનેસમેન છે. ના, અનંત ના... જરા પણ નહિ. બિઝનેસની દુનિયાનો સમ્રાટ પોતાની અંગત જિંદગીમાં એક ફેઈલ્યોર છે....ફક્ત એક ફેઈલ્યોર...બિઝનેસના કાવાદાવા અને રાજરમતોએ તને એટલો બધો સંકુચિત અને શોર્ટ ટેમ્પર્ડ બનાવી દીધો છે કે તને વ્યાપાર અને પ્યાર વચ્ચેનો ફરક જ નથી દેખાતો. મારી નજરમાં તો તુ એક મૂર્ખ જ છે."

"પરંતુ, ધ્રુવલ...યાદ કર તુ જ એ વ્યક્તિ છે જેણે એક સમયે મને મારી જાતને બદલવાની ફરજ પાડી હતી અને આજે તુ જ મને મારા આ પરિવર્તન બદલ દોષી કરાર આપી રહ્યો છે. એ તો ઠીક, જે માણસે મને સાચી સફળતા શુ છે એ સમજાવ્યું, એ જ માણસ મને નિષ્ફળતાનો એવોર્ડ સમર્પી રહ્યો છે", અનંતે વળતો પ્રશ્ન કર્યો.

"હા, શત પ્રતિશત સાચું, મે જ ફરજ પાડી હતી, અને આજે મને ભાન થાય છે કે એ મારી સૌથી મોટી ભૂલ હતી, મારી જીદે મારા મિત્રને સંપૂર્ણપણે – નખશિખ બદલી નાખ્યો છે. એક મિત્ર, જે નિષ્કપટ હતો, કોઈને ન તો ઠગી શકે, ન તો હેરાન કરે અને ન તો કોઈ ગંદી મજાક કરી શકે, પણ મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એ પરિવર્તન લાવ્યા પછી હું મારા દયાળુ, ભોળા અને પવિત્ર હ્રદય વાળા મિત્રને ગુમાવી દઈશ. મેં તારી જાતને બદલવાની સલાહ આપી હતી, નહિ કે તારા સ્વભાવ અને તારા વલણને. આજે એ જોઈને આશ્ચર્ય થાય છે કે જે માણસ પોતાના શબ્દોથી લોકોના હ્રદય પર લાગેલા ઘાવ ભરતો હતો, એ જ માણસ આજે એ જ શબ્દોથી લોકો પર આઘાત કરતો થઈ ગયો." ધ્રુવલે તેની ખુરશી પર લંબાવ્યુ અને રીસીવર પર વાત કરી. એના અવાજમાં ભારોભાર અફસોસ વર્તાતો હતો.

'હા તો, હવે મને કહે, હુ શુ કરુ ?'

"અનંત, સૌથી પહેલાં તો તારે એક બ્રેક લેવાની જરૂર છે, એકવાર વિચાર કર"

"શું?"

"ત્રાસ છે યાર તારો તો..સાવ બેવકૂફ છે તુ તો..., શું તે ક્યારેય વિચાર્યું છે કે શા માટે એક અજાણી છોકરીએ તારા પર વિશ્વાસ કર્યો છે. ભલે તે તારો સ્વભાવ જાણે છે છતાં પણ શા માટે તેણે તેના ભૂતકાળને તારી સાથે શેર કર્યો. તે ફક્ત એક જ વાર તેને પોતાની મિત્ર કહી અને તેણે પોતાની આખી જન્મકુંડળી તારી સામે ખોલી નાખી. તે તારા અને તારી કંપનીના દરેક બિઝનેસ ક્રાઇસિસમાં તારી પડખે રહી છે અને તુ ફક્ત એના તને હસાવવા માટેના – તને મરેલામાંથી પુનર્જીવિત કરવાના એક નાદાન પ્રયત્નને લીધે કાઢી મૂકે છે.", ધ્રુવલ અકળાયેલો હતો.

"પરંતુ, તેણે મારી ડાયરી ચોરી કરી છે," અનંતે આ વાત કરી અને ધ્રુવલે તેનો પિત્તો ગુમાવ્યો અને તે અનંત પર ભડક્યો. એનો ગુસ્સો હવે સાતમા આસમાને હતો. તેણે આગળ વાત વધારી...

"ભાડમાં ગઈ તારી એ ડાયરી અને તુ - બંને જણ.... છે શું એ વાહિયાત કાગળના કચરામાં.... માત્ર એક તૂટેલું હૃદય, મૃત લાગણીઓ, મૃત નિખાલસતા, મરી પરવારેલાં સપના અને એક ભાંગ્યાતૂટ્યા ભૂતકાળનો ખંડેર"

"પરંતુ, તે વૈભવી અને મારો ભૂતકાળ હતો."

"આ વૈભવી છે કોણ ? ... હજુ પણ તને એ વાહિયાત છોકરી યાદ છે શુ તેણે આટલા વર્ષોમાં એક પણ એકવાર તારી પાસે કે તારી સામે આવવવાનો પ્રયત્ન કર્યો ખરા...? "

" હા "

"તો પછી, શુ તે એનો તને સંપર્ક સાધવાનો હેતુ જાણવાની કોશિશ કરી....ચોક્કસ કોઈ અર્થહીન કામ હશે એને તારી પાસે અને હું હજુ પણ સમજી શકતો નથી કે તુ વાત જ શા માટે કરી રહ્યો છે તે સ્વાર્થી છોકરી સાથે."

"ધ્રુવલ.. છોડ તુ એને..ગોળી માર.. પહેલા મારી સમસ્યાનું નિરાકરણ લાવ અને મને પણ નથી સમજાઈ રહ્યું કે હું શા માટે નુપૂરની લાગણી સમજી શકતો નથી? "

"કારણ કે, તુ મૂર્ખ છે. તું ક્યારેય તારી પ્રોફેશનલ લાઈફમાંથી બહાર આવ્યો જ નથી."

"પ્રેમ એ કોઈ રિલેશનશિપમાં રહેવું, હાથમાં હાથ પકડીને કે કમરમાં હાથ નાખીને ચાલવું, રોમેન્ટિક મૂવીઝ જોવી, એકબીજાના ખભા પર માથું મૂકીને સૂવું – બસ એટલા પૂરતો સીમિત નથી હોતો દોસ્ત, એ તો આ બધાથી પરે હોય છે. લાગણીઓને શારિરીક સંબંધોની બેડી આપણે આપી છે. બાકી પ્રેમ તો મન અને આત્માથી જોડાયેલો હોય છે. ક્યારેક તુ તેની આંખોમાં જોવાનો પ્રયાસ તો કરજે...સમજી જઈશ કે એ તને કેવો અને કેટલો અનુભવે છે, તારા માટેની તેની લાગણી શું છે અને તે તને કેટલું ચાહે છે. તેને તારા સાથ, સહયોગ અને તારા ચહેરા પરના અનંત સ્મિત સિવાય તારી પાસેથી કોઈ જ અપેક્ષા નથી અને ભવિષ્યમાં પણ નહિ હોય. એક ક્ષણમાં જ, તેણે તેના ભૂતકાળના તમામ પાસા ઉજાગર કરી દીધા હતા. શક્ય છે કે એના મનમાં એવો ડર પણ હોય કે તુ એની સાથે કોઈ દુર્વ્યવહાર કરી શકે છે અથવા તેને બ્લેકમેઈલ પણ કરી શકે છે તેમ છતાં તેણીએ પોતાના જીવનને એક ખુલ્લી કિતાબની જેમ તારી સામે રજૂ કરી દીધી. આંખો બંધ કર અને તેના અવાજને સાંભળવાનો પ્રયાસ કર, તારા જીવનમાં તેના સ્થાનને શોધ અને અનુભવ કર તારા એ વ્યક્તિ માટેના પ્રેમને. ઘણી વખત, મે પહેલા પણ તને મનોમંથન કરવા કહ્યું છે પણ અમુક લોકોને બીજાના અંગત જીવનમાં ડોકિયું કરવાની એવી ટેવ હોય છે કે તેઓ પોતાની જિંદગી તરફ નજર પણ નથી નાખી શકતા. આશા છે કે તુ સમજી ગયો હોઈશ કે હું શું કહેવા માંગુ છું. એક સમય એ હતો જ્યારે મે તારી પાસે એક છોકરીને પોતાના જીવનમાંથી તગેડી મૂકવા જીદ કરી હતી અને આજે એ સમય છે કે તારો એ જ દોસ્ત તારી પાસે એક છોકરીને પોતાની જિંદગીમાંથી ન જવા દેવા જીદ કરે છે...રોકી લે એને દોસ્ત...એ જ તને જીવાડી શકશે..." થોડી ક્ષણો માટે નિરવ શાંતિ ફેલાય છે અને સામે છેડેથી કોલ ડિસ્કનેક્ટ થાય છે.

પોતાની રિવોલ્વિંગ ચેર પર ઝૂલતાં ઝૂલતાં પોતાનો મોબાઈલ ઉપાડે છે અને એક આછકલા સ્મિત સાથે એક મેસેજ ડ્રોપ કરે છે... – બી રેડી ટપ પરફોર્મ યોર રોલ વન્સ અગેઈન....

# # #

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED