છેદ - વિચ્છેદ Falguni Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેદ - વિચ્છેદ

અરે, કહું છું સાંભળો છો? લાલાનાં મમ્મી, ક્યાં છો, અરે તમે હરખથી રડી પડશો ને એવા સારા સમાચાર લ‌ઈને આવ્યો છું " શિવરાજ ભાઈ ડેલીએ હીંચકા પર બેસતાં બેસતાં તારાબેનને ઘરમાં શોધવાની કોશિશ કરી...

"આ રહી , ક્યાં જાય આટલો મોટો સાપનો ભારો ઉપાડી ઉપાડીને. હવે ભગવાન મને ઉપાડી લે તો સારું.... બાકી મરનારા તો ન્યાલ થઈ ગ્યાં.આંઈ પંડે ૪-૪ છોકરાં જણ્યાં છે ને એકેય છોડી નથી ને છતાંયે મુઈ આ કાળી ગળે વળગાડી ને તમારા ભાઈ મોટે ગામતરે ઉપડી ગ્યાં. " તારાબેન રોજ આ કડવાં પ્રવચનો શિવરાજ ભાઈ ને માથાં માં મારતાં....

ડેલી માં દૂર ખૂણામાં ઉભી ઉભી મનીષા જમીન પર દડ બડ - દડ બડ આંસુ સારતી એનાં અભિશાપ ને સાંભળી રહી હતી...

શિવરાજ ભાઈ નાં મોટાભાઈ જયરામ ભાઈ ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલા. નાની ઉંમરે જ એમની પત્ની પણ ટી.બી માં મરી ગયેલા.જયરામ ભાઈ જતાં જતાં એમની દિકરી મનીષાની જવાબદારી ઘણો જ વિશ્વાસ હૈયે રાખી ને શિવરાજ ભાઈ ને સોંપતા ગયા..એ ભગવાન નાં માણસ , પણ તારાબેન એટલે સાવ વિચિત્ર ....ચાર દિકરા ને જનમ શું આપ્યો , અભિમાન નો પાર નહીં...!! તોછડાઈ તો એમની જીભે જ શોભે.

નાનપણ થી જ નિર્દોષ મનીષા ઉપર એટલાં બધાં દુઃખોનો વરસાદ વરસ્યો હતો કે એને હવે લાગણી , પ્રેમ, વ્હાલ, સમ્માન આ બધાં સાવ ક્ષુલ્લક લાગતાં હતાં.

ને એમાંય પિતાનાં મર્યા પછી અહીં આવીને એ તદ્દન નિર્જીવ દેહ થઈ ગઈ હતી.એનાં હ્રદય ની લાગણીઓ પુરાણી વાવની જેમ સુકાઈ ને અવાવર થઈ ને કાળમાં ક્યારે ગરકાવ થઈ ગ‌ઈ એ એને પણ યાદ નથી હવે તો....!!!

સવારથી સાંજ આખા ઘરનાં વૈતરાં , ખેતરના કામ, આસપાસ પડોશી નાં ટાપાટૈયાં કરીને એ થાકી ને લોથપોથ થઈ જાતી. તારાબેન એને ધોળે દહાડે તારાં દેખાડવામાં કોઈ કચાશ નો રાખતા...

એમ તો મનીષા દસ સુધી ભણેલી , ડાહી , શાંત ને કામગરી ખરી પણ કામણગારી નહીં, એટલે એને માટે વર ને સારૂં ઘર શોધવા માટે શિવરાજ ભાઈ ને કપરૂં થયું... રંગમાં થોડી શ્યામ ને અનાથ એટલે કોઈ પરણવા માટે હા પાડતું જ નહીં.

છેવટે શિવરાજ ભાઈ એ તો બીજ વર /વિધુર નાં પણ માંગા આવકાર્યા પણ કોઈની મનીષા ને સ્વીકારવાની તૈયારી નહોતી.

ત્યાં જ એક દિવસ બજાર માં શિવરાજ ભાઈ ને દલસુખ મળી ગયો. ખબર‌અંતર પૂછતાં તેમણે મનીષા માટે છોકરો ધ્યાનમાં હોય તો બતાવવાની વાત કરી...

ને દલસુખે તકનો લાભ લેતાં કિધું કે ,"મારો ભત્રીજો જગત છે જ ને વળી, તમે કાં એને ભૂલી ગ્યાં??? તમારી મનીષા રાજ કરશે રાજ... ખોરડું તો સુખી છે ને ...કરો કંકુના તમતમારે."

"પણ એને તો હ્રદયમાં છેદ છે ને , ઈ ક્યાં હંધાયું છે હજી લગણ..ના , મારી છોડી દુઃખે થાય." શિવરાજ ભાઈ ચિંતા થી બોલ્યાં.

"જુઓ ભાઈ, ૨૫નો તો થઈ ગયો ઈ એવા દલડે ને હજી યે આવરદા લાંબી હશે ઈ કોને ખબર..!!??

ને ઈ કાળી માટે તમે કેટલા શોધ્યાં ? કોઈ એ ક્યાં હા પાડી? વિચારજો જરાં બાપા હો.." દલસુખે પાસો ફેંક્યો

ને તારાબેન નું રૌદ્ર સ્વરૂપ નજર સામે આવતાં જ એમણે થોડું વિચારીને સગાઈ માટે હા ભણી દીધી.

ને ઘરે આવી ને તારા બેનને આ સમાચાર આપ્યાં..

તારાબેન ને તો જાણે પાંચમો દિકરો જણ્યો હોય એટલો હરખ થ્યો.આખા ગામમાં વાત ફેલાઈ ગઈ ...

ને દલસુખે પણ આ વાત ઘરે આવી ને જગત ને કરી.

જગતને આ સાંભળી ને પહેલાં તો ખૂબ જ દુઃખ થયું પણ પછી નજર સામે મનીષા અને એની દુઃખદ સ્થિતિ આવતા જ ઈ ગાયબ થઈ ગ્યું... એનાં ચહેરા પર અનેરો આનંદ છવાઈ ગ્યો....ઈ દલસુખકાકા ને પગે પડયો...

મનીષા ને તો આ સમાચાર સાંભળીને કોઈ જ ફરક ના પડ્યો. એને મન તો શું આ જિંદગી ને શું પેલી જિંદગી??

જાણે કૃષ્ણ જેવી સ્થિતપ્રજ્ઞતા એના જીવનમાં આવી ગ‌ઈ હોય એમ એણે કાકાનો નિર્ણય માથે ચડાવ્યો.....!!

એક જ મહિનામાં તો સાદાઈથી લગ્ન પણ લેવાઈ ગ્યાં.

લગ્ન ની પહેલી રાતે જગત ઓરડે આવ્યો ને એણે મનીષા ને ઉદાસ ને નિસ્તેજ જોઈ....ઈ સમજી શક્યો એનાં હાવભાવ અને કમને કરેલા લગ્ન નાં વિરોધ ને.

હળવેકથી જગત મનીષા ની પાસે આવ્યો...ને એનો નવવધૂ નો સુંદર સજેલો ચહેરો એણે નજર મિલાવી ને પ્રેમ ભરી નજરે જોતો જ રહ્યો.મનીષા એની સામે રડી પડી...

મનીષા નો હાથ પકડી ને ઉષ્મા ભરેલાં સ્પર્શે ચુંબન કરતાં કહ્યું, " મનીષા, ભલે મને હ્રદય માં છેદ રહ્યો પણ ઈ છેદવાળું દલડું કાયમ તારૂં જ રહેશે ને હું આજથી તારા બધાં જ દુઃખો નો ઈ છેદ ઉડાડવા ની કોશિશ માં રહીશ...

મને ગામડીયાં ને ઝાઝું કાંઈ બોલતાં નહીં આવડે પણ તને આખી જિંદગી સાચવીશ જરૂર".
ને મનિષા પરણી ને પોતાની સાથે લાવેલા બધાજ પૂર્વ ગ્રહોનો વિચ્છેદ કરીને જેમ ધસમસતી નદી ઉછળતા દરિયાનાં પ્રેમ માં ગરકાવ થઈ જાય ને એમ ઈ જગતનાં પ્રેમાલિંગન માં સમાઈ ગઈ....
-ફાલ્ગુની શાહ ©