Prinses Niyabi - 30 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 30

નિયાબી, કંજ અને ઝાબી તલવાર લઈ સૈનિકોના સ્વાગત માટે ઉભા હતા. ને સામેથી એક સાથે વીસેક સૈનિકો આવી એમની પર તૂટી પડ્યા. ત્રણેય જણ બરાબર બહાદુરીથી સૈનિકો સાથે લડવા લાગ્યા. સૈનિકો પણ જાય એમ નહોતા. એ પણ બાથ ભીડે એવા હતા. ક્યાંક સૈનિકો ભારે પડતા હતા. તો ક્યાંક નિયાબી. તો ક્યાંક કંજ. તો ક્યાંક ઝાબી. કંજ નિયાબી અને ઝાબીની તલવારના જોરદાર પ્રદર્શનથી ખુશ થઈ ગયો. જોકે પોતે પણ જાય એમ નહોતો. ધડાધડ સૈનિકો ઘાયલ થઈને નીચે પડવા લાગ્યા.

ત્યાં એક તલવાર જોરદાર ગતિ સાથે આવીને ઝાબીના ડાબા હાથને ઘા કરી નીકળી ગઈ. જેના લીધે ઝાબી ડગી ગયો. પણ કંજે તરત જ એ બાજી સાંભળી લીધી. ને એ લોકોએ સૈનિકોને ઉભી પૂછડીએ ભગાડી દીધા. ત્રણેય જણ બરાબર થાકી ગયા હતા. ત્રણેય જીતની ખુશી સાથે નીચે બેસી ગયા. ત્યાંના લોકો ખુશ થઈને તાળીઓ પાડવા લાગ્યા. ને અમુક લોકોતો ચિચિયારીઓ પાડવા લાગ્યા. નિયાબી, કંજ, ઝાબી પણ લોકોની ખુશી જોઈને ખુશ થઈ ગયા.

અમુક લોકો પાણી લઈને એમની પાસે આવ્યા.

એક વૃદ્ધ એક કટોરામાં પાણી અને બીજા કટોરામાં ઔષધ લઈને આવ્યા. એમણે ઝાબીનો ઘા સાફ કર્યો અને એની પર ઔષધ લગાવી.

વૃદ્ધ: દીકરા ચિંતા ના કરતો. થોડા દિવસમાં સારું થઈ જશે. આ ઔષધ ખુબ સરસ છે.

ઝાબીએ હસીને કહ્યું, ધન્યવાદ આપનો.

વૃદ્ધ: ધન્યવાદ તો તમારા લોકોનો દીકરા. આટલા વર્ષોમાં પહેલીવાર કોઈએ આ રાક્ષસો સામે બાથ ભીડી છે. ખુબ સરસ કામ કર્યું તમે. ઈશ્વર તમને સુખી રાખે.

નિયાબીએ વૃદ્ધનો હાથ પકડ્યો અને બોલી, દાદા હવે તમે લોકો નિશ્ચિત થઈ જાવ. આજ પછી યામનમાં કોઈને અન્યાય નહિ થાય. ને તમે લોકો પણ કોઈનો અન્યાય સહન ના કરતા.

આ સાંભળી ત્યાં હાજર બધા ખુશ થઈ ગયા. નિયાબીએ કંજ અને ઝાબીની સામે જોયું. લોકો એમને ઘેરી વળ્યાં હતા. ને કઈ ને કઈ કહી રહ્યા હતા.

ઓનીર, માતંગી અને અગીલા યામનના શસ્ત્રગારમાં પહોંચી ગયા હતા. એમનો ઈરાદો ખોજાલ પાસે કેટલી શસ્ત્રની તાકાત છે એ જોવાનું હતું. એ લોકો છાનામાના અંદર ગયા હતા.

માતંગી: ઓનીર બધું જ છે ખોજાલ પાસે જે બીજા રાજાઓ પાસે હોય છે. કઈ નવું નથી.

ઓનીર ચારેતરફ જોતા જોતા બોલ્યો, હા માતંગી. પણ છતાં આપણે એની સામે લડતાં પહેલા આ બધું જોઈ લેવું જોઈએ. જેથી આપણને સમજ પડે કે એ કેવા હથિયાર ઉપયોગમાં લેશે.

અગીલા: ઓનીર આ જોતા તો કઈ નવું નથી લાગતું. પણ હા એની વરુઓની સેના મુશ્કેલી ઉભી કરી શકે એમ છે. એના માટે કઈ વિચાર્યું છે?

ઓનીર: હા વિચાર્યું છે અગીલા. ચાલો હવે અહીંથી નીકળીએ.

એ લોકો ત્યાંથી નીકળી ગયા. કોઈ સમસ્યા ના થઈ. પણ ત્યાં સૈનિકોને ભાગતા જોઈ એમને નવાઈ લાગી. એ લોકો ધ્યાનથી ભાગતા સૈનિકોને જોઈ રહ્યા હતા.

ઓનીર: લાગે છે કે કઈક થયું છે.

માતંગી: હા આ લોકો કોઈના થી ભાગી રહ્યા છે. એમની હાલત જોઈ લાગી રહ્યું છે......કે......

અગીલા એકદમ ઉત્તેજિત થઈને બોલી, કોઈની સાથે એમની લડાઈ થઈ છે. ને લોકોએ આમને ભગાડ્યા છે. ને એ લોકો કદાચ.......આટલું બોલી અગીલાએ આશ્ચર્ય સાથે ઓનીર અને માતંગી સામે જોયું.

ત્રણેયે એકબીજાની સામે જોયું. કોઈને બોલવાની જરૂર ના પડી કે એ લોકો કોણ હશે. એ ત્રણેય એકસાથે સૈનિકો જે દિશામાંથી ભાગીને આવી રહ્યા હતા એ તરફ દોડ્યા. ત્રણેયના મગજ એકદમ ઉત્તેજિત થઈ ગયા હતા. શુ થયું હશે? સાચે જ એ નિયાબી, ઝાબી અને કંજ હશે? એ લોકો બરાબર હશે ને? આવા કેટલાય વિચારો સાથે એ ત્રણેય દોડી રહ્યા હતા.

જ્યારે એ ત્રણેય ત્યાં પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું જોયું. એ લોકો ગભરાઈ ગયા. ત્રણેય જણ ટોળાને ખસેડતા અંદર ઘુસ્યા. ત્યાં નિયાબી, ઝાબી અને કંજને સહીસલામત જોઈ ત્રણેયે શ્વાસ લીધો.

કંજે ત્રણેયને જોયા એટલે બોલ્યો, ઓનીર તમે લોકો ઠીક છોને?

ઓનીરે પોતાની ધમણને શાંત કરતા કહ્યું, હા કંજ પણ તમે લોકો?

કંજ: અમે ઠીક છીએ.

ઓનીરે નિયાબી પાસે જઈને ધીરેથી પૂછ્યું, રાજકુમારી તમે ઠીક છોને?

નિયાબીએ માથું હલાવી હા કહ્યું.

અગીલા અને માતંગી ઝાબી પાસે ગયા અને એનો ઘા જોઈ અગીલા બોલી, ઝાબી તું ઠીક છેને? આ......

ઝાબીએ હસતા હસતા કહ્યું, અરે કઈ નથી થયું. બસ તલવાર ઘસાઈને નીકળી ગઈ છે.

માતંગી: વધારે વાગ્યું છે?

ઝાબી: ના.

ઓનીરે પરિસ્થિતિ જોતા બીજું કઈ પૂછ્યું નહિ. એણે ચારેબાજુ જોઈને કહ્યું, હવે આપણે જઈએ?

કંજે કહ્યું, હા ચાલો. થોડા આરામની જરૂર છે.

એ લોકો જવા માટે ઉભા થયા. ત્યાં પેલા વૃદ્ધએ નિયાબી પાસે આવી કહ્યું, દીકરા તમે સાવધાન રહેજો. ખોજાલને ખબર પડશે તો એ ચૂપ નહિ રહે.

નિયાબી: દાદા તમે ચિંતા ના કરો. અમે સાવધાની રાખીશું.

પછીએ લોકો ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં કંજે શુ થયું એની વાત ઓનીર, અગીલા અને માતંગીને કરી. એ લોકો મંદિરે પહોંચ્યાતો પંડિતજી એમની રાહ જોઈને જ બેઠા હતા.

આ બધાને જોઈએ એ બોલ્યાં, તમે લોકો ઠીક છોને? મેં સાંભળ્યું કે બજારમાં કોઈની રાજના સૈનિકો સાથે લડાઈ થઈ છે. તો એ તમે....

નિયાબી: પંડિતજી ચિતાની કોઈ વાત નથી. એ અમારી સાથે જ લડાઈ થઈ હતી. પણ હવે બધું ઠીક છે.

પંડિતજી ચિંતામાં આવી ગયાને બોલ્યાં, કઈ ઠીક નથી રાજકુમારી. હવે ખોજાલ તમને જીવવા નહિ દે. આપણે વધુ સાવધાન રહેવું પડશે. એ બહુ ચાલક છે. ગમે ત્યારે ગમે ત્યાંથી હુમલો કરશે.

ઓનીર: કઈ વાંધો નહિ. અમે સાવધાન રહીશુ. હવે તમે આરામ કરો.

પંડિતજીએ હા કહી ત્યાંથી જતા રહ્યા.

એ લોકો બધા શાંતિથી બેઠાં. અગીલા બધા માટે પાણી લઈ આવી.

માતંગી: હું ભોજનની વ્યવસ્થા કરું.

અગીલા: એની કોઈ જરૂર નથી. પંડિતજીએ ભોજન તૈયાર કરીને જ રાખ્યું છે. ચાલ હું પણ આવું. આપણે પીરસીને લઈ આવીએ.

ઝાબી: એની કોઈ જરૂર નથી. બધું અહીં લઈ આવો. સાથે બેસી કરી લઈશું.

માતંગી અને અગીલા હા કહી બધું લાવવા લાગી.

ભોજન કરતા કરતા કંજ બોલ્યો, ઓનીર હવે પછી આપણો સમય યામનમાં કપરો રહેશે. હવે અહીં રહેવું આપણા માટે મુશ્કેલ થઈ જશે.

નિયાબી: કંજ કોઈ વાંધો નહિ. હવે આપણે આ લોકોનો સામનો કરીશું. હવે પીછેહટ કરવી કાયરતા કહેવાશે.

કંજ: અરે....ના ના રાજકુમારીજી હું એવું નહોતો કહેતો. પણ હજુ આપણે ખોજાલ સાથે લડવા માટે કોઈ નક્કર યોજના નથી બનાવી. ને ખોજાલની કાલી શક્તિઓ સામે લડવા માટેની કોઈ યોજના નથી આપણી પાસે.

નિયાબીએ ઓનીર સામે જોયું. એ પણ એનેજ જોઈ રહ્યો હતો. નિયાબીએ પોતાની નજર હટાવી કંજ તરફ જોતા પૂછ્યું, કંજ તને કેવી રીતે ખબર પડી કે અમે કોણ છીએ?

કંજ: રાજકુમારી જ્યારે હું યામન આવ્યો ત્યારે અહીંની સ્થિતિ જોઈ હું રાયગઢ આવ્યો હતો મદદ માંગવા. પણ ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે રાયગઢમાં પણ ઘણું બધું બદલાઈ ગયું છે. ત્યાં મોઝિનો રાજ કરે છે. મેં બે દિવસ ત્યાં રોકાઈને ઘણી બધી માહિતી મેળવી. ને મને મદદની કોઈ આશા ના દેખાઈ એટલે પાછો આવી ગયો. એ પછી હું રાયગઢની માહિતી મેળવતો રહ્યો. ને મને ખબર પડી કે રાયગઢની રાજકુમારીએ પોતાના મિત્રો સાથે મળી મોઝિનોને હરાવી દીધો છે અને હવે એ રાજા છે. હું ફરી રાયગઢ આવ્યો. પણ પરિસ્થિતિ એટલી સારી નહોતી કે હું મદદ માંગી શકું. હું પણ તમારી જીતની ખુશીમાં જે શાહી મિજબાની હતી એમાં સામેલ થયો હતો. ને મેં તમને બધાને ત્યાં જોયા હતા. તમે પોતે રાજકીય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. એટલે હું ફરી યામન પાછો આવી ગયો. પણ એ દિવસે આ લોકોને બજારમાં જોઈ હું ઓળખી ગયો. પણ મને વિશ્વાસ ના બેઠો. ને એટલે હું જાણી જોઈને અગીલાને અથડાયો. જેથી હું નજીકથી ઓળખી શકું. બસ પછી શુ? તમે બધા જાણો છો કે એજ રાત્રે હું તમને મળવા આવી ગયા હતો.

નિયાબી: તો તને ખબર છે કે અમે કોણ છીએ? તો તને એ પણ ખબર હશે કે અમે જ મોઝિનોને હરાવ્યો હતો. એ કોઈ મામુલી વ્યક્તિ નહોતો.

કંજ: ખબર છે રાજકુમારીજી.

અગીલા: તેમ છતાં તને અમારી પર શંકા છે?

કંજ: શંકા નથી. પણ હા ચિંતા જરૂર છે કે કઈ અજુગતું ના થઈ જાય. ખોજાલ કાલી શક્તિઓ જાણે છે એટલે.

ઓનીર: તું એની ચિંતા ના કરીશ. હવે યામનને નાલીન અને ખોજાલના અત્યાચારથી મુક્તિ મળી જશે. બસ હવે જોઈએ ખોજાલ શુ કરે છે?

કંજે હસીને હા કહ્યું. પછી બધા વાતો કરતા ભોજનને ન્યાય આપવા લાગ્યા.

પોતાના સૈનિકોની હાલત જોઈ ખોજાલ ગુસ્સે થઈ ગયો. એ જોરથી બરાડ્યો, કોની હિંમત વધી ગઈ કે મારી સામે ઉભા રહેવાની તાકાત આવી ગઈ? કોણ હતું એ?

સૈનિકો એનો ગુસ્સો જોઈ થરથર કાંપી રહ્યા હતા. કોઈની હિંમત નહોતી કે જવાબ આપે. ને હિંમત પણ કેવી રીતે થાય? પહાડ જેવું મોટું શરીર, મોટી મોટી આંખો અને ભયાનક ચહેરો ધરાવતા ખોજાલને જવાબ આપવો એટલે મોતના મોંમાં હાથ નાંખવા જેવું હતું.

સૈનિકોને ચૂપ જોઈ એ ફરી બરાડ્યો, કોણ હતું એ?

એમાંનો એક જે એમનો મુખ્ય સૈનિક હતો એ બોલ્યો, એ યામનના લોકો નથી. પરદેશી છે. બે યુવાન અને એક યુવતી હતી.

આ સાંભળી ખોજાલે ઝીણી આંખ કરીએ સૈનિક સામે જોયું. સૈનિક બિચારો ડરી ગયો અને બે ડગલાં પાછળ ખસી ગયો.

ખોજાલ વિચાર કરી બોલ્યો, યુવાન હમમમમમ. યુવતીઓ હમમમમમ. યામનમાં પરદેશી મુસાફરો. હમમમમમ.

સૈનિકો હજુ પણ થરથર કાંપી રહ્યા હતા. હવે આ શુ કહેશે? કે કરશે? એની રાહ જોઈ રહ્યા હતા.

ખોજાલે પોતાના હાથ મસળ્યાને પછી બોલ્યો, કોઈ વાંધો નહિ. શોધો કોણ છે આ પરદેશીઓ? અહીં કેમ આવ્યા છે? બધીજ વિગતો મને આપો. જાવ......

સૈનિકોને ખોજાલની વાત સાંભળી નવાઈ લાગી. એક નાનકડું બાળક પણ જો ઉંચા અવાજે બોલે તો એને સજા કરનારો ખોજાલ કેમ આમ બોલી રહ્યો છે? પણ જીવ બચી ગયો એમ વિચારી સૈનિકો ફટાફટ ત્યાંથી નીકળી ગયા.

ખોજાલ ક્યારેય કોઈને માફ નહોતો કરતો. એનું માનવું હતું કે, માફી એટલે ફરી ભૂલ કરવાની પરવાનગી. જો તમે વ્યક્તિને માફ કરી દો એટલે એ એવું સમજે કે કઈ નહિ ભૂલ કરીએ તો માફી મળવાની જ છે ને? એટલે એ બીજીવાર ભૂલ કરી શકે છે. ને એનું જોઈ બીજા પણ શીખી શકે છે. એટલે ખોજાલ કોઈને માફ નહોતો કરતો. ભૂલ કરી એટલે સજા બસ. પણ આજે પહેલીવાર એણે પોતાની પ્રકૃતિ વિરુદ્ધ કઈક કર્યું હતું. ને એનું કારણ હતું યુવતી. એને એ યુવતી જોવી હતી જેણે ખોજાલ સામે લડવાની હિંમત બતાવી હતી.


ક્રમશ...............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED