એક દિવસ મારે બહારગામ જવાનું થયું. ત્યાં પહોંચ્યા પછી હું તેનો સંપર્ક કરતો હતો પણ તેનો કોઈ જ જવાબ આવતો નહોતો. ઘણી વાર સુધી મેં તેને SMS કર્યા. ફોન પણ કરી જોયા પણ કોઈ જ જવાબ આવતો નહોતો. હું કેમ કરીને તેનો સંપર્ક કરૂ. તેની સખીઓને પણ પુછી જોયું પણ તેઓ દ્વારા પણ કોઈ જ જાણ થતી નહોતી. મારૂં મન ઉદ્વેગ અનુભવતું હતું. છેવટે રાત્રે આશરે ૧૨ કલાકે મં તેને ફોન કર્યો, અને તેના ભાઈ દ્વારા મને જાણ થઈ કે તેના પિતા સ્વર્ગલોક સિધાવ્યા છે. તેના પર આભ તુટી પડ્યું હતું. મારૂં હૃદય પણ ધબકારો ચુકી ગયું અને મારા હાથમાંથી ફોન નીચે પડે ગયો અને હું જ્યાં બેઠો હતો ત્યાં જ બેસી પડ્યો. ઘણી વાર સુધી હું આમને આમ બેસુધ્ધ અવસ્થામાં બેસી રહ્યો. કોઈએ આવીને મને ઢંઢોળ્યો ત્યારે મને જાણ થઈ કે હું આમને આમ ક્યારનોય બેસી રહ્યો હતો. હવે શું થશે અમારા પ્રેમનું? હાલના સમય મુજબ અમારા પ્રેમનું ભવિષ્ય ધુંધળું ભાસતું હતું.
થોડા દિવસો સુધી તો તેની સાથે કોઈ જ વાત ના થઈ અને તેની સાથે કોઈ જ પ્રકારનો સંપર્ક થયો નહોતો. હું પણ સમજતો હતો કે આવી પરિસ્થિતિમાં તેની સાથે વાત થઈ શકે તેમ નહોતી. એવામાં મારી પિત્રાઈ બહેનના લગ્નનો પ્રસંગ આવી ગયો. હું તથા મારા કુટુંબના સર્વે તે પ્રસંગમાં વ્યસ્ત થઈ ગયા હતા. રાત્રે રાસ-ગરબાનો પ્રસંગ હતો પણ મને રાસ રમવાની ઇચ્છા નહોતી. બધા બોલાવતા હતા પણ હું જતો નહોતો. પણ કુટુંબીઓની ઈચ્છાને માન આપી હું થોડી વાર રમવા માટે ગયો. તેવામાં અચાનક જ મારો ફોન રણક્યો. મને એમ કે અત્યારે કોણ મને ફોન કરતું હશે? એમ વિચારી જોયું તો તેનો જ ફોન હતો. હું ખુબ જ ખુશ થયો. તેની સાથે વાત થઈ. પણ તે તો તેના પિતાના સ્વર્ગવાસ થવાના કારણે ખુબ જ રડી રહી હતી. મેં પણ તેને સાંત્વના આપતા રડી લેવા દીધું. તેનું હૃદય હળવું થયા પછી તેની સાથે વાત થઈ.
હું:”તું ચિંતા ના કર. હું દરેક પરિસ્થિતિમાં તારી સાથે જ રહીશ. તારી સંભાળ રાખીશ. ઈશ્વરના દરબારમાં જ્યારે કોઈ સારા વ્યક્તિની જરૂર પડે ત્યારે તે ધરતી પરથી સારા વ્યક્તિઓને પોતાની પાસે બોલાવી લે છે.”
આનાથી વધું હું પણ બોલી શકું તેમ નહોતો. કારણ કે તેના પિતાના સ્વર્ગવાસનું દુ:ખ મને પણ હતું. તે રડે એટલે મારાથી પણ રડાઈ જતું. મારાથી તેનું આ દુ:ખ સહન થતું નહોતુ. પણ ઇશ્વર ઇચ્છા પાસે કોઈનું કંઈજ ચાલતું નથી. એ સમયે હું તેનાથી દુર હોવાને કારણે તેના માટે કંઈજ કરી શકતો નહોતો. એક તરફ બહેનનો પ્રસંગ તો બીજી બાજુ તેના પિતાનો સ્વર્ગવાસ. બંન્ને ઘટના મારા જીવનમાં એક નવો જ વળાંક લાવવાની હતી. એ રાત્રે મેં આ બાબતની વાત મારી માતા સાથે કરી. તેને પણ ખુબ જ દુ:ખ થયું. તેણે મને વિશ્વાસ અપાવ્યો કે હું તારા પિતા સાથે આ બાબતની વાત કરીશ તથા બધું જ હેમખેમ પાર પડે તેવો પ્રયત્ન કરીશ.
પણ તેના પિતાના સ્વર્ગવાસને કારણે તેના લગ્ન માટે તેના કુટુંબમાંથી ઉતાવળ થવા લાગી. હવે મારાથી વધું સહેવાય તેમ નહોતું. મેં એક દિવસ હિંમત કરીને મારા પિતા સાથે વાત કરી. તેમણે મારી વાત શાંતિથી સાંભળી પણ તેમના મત મુજબ જ્યાં સુધી કોઈ છોકરો પગભરના હોય ત્યાં સુધી તેના લગ્ન વિષે વિચારવું યોગ્ય ના કહેવાય. સમાજ શું કહેશે? એકરીતે મને પણ તેમની વાત સાચી લાગી. પણ જો હવે મોડૂં થાય તો અમારા પ્રેમના ભવિષ્ય ઉપર સવાલ ઉભો થાય તેમ હતો.
(શું આપણી વાર્તાના નાયકના પિતા માની જશે? જાણવા માટે નવા ભાગની રાહ જુઓ.)