હું તારી યાદમાં 2 - (ભાગ - ૯) Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તારી યાદમાં 2 - (ભાગ - ૯)

બપોરનો સમય થવા આવ્યો હતો. હું હજુ સુધી મારા કામમાં પડ્યો હતો. સોફ્ટવેર કોર્ડિંગનું થોડું ઘણું કામ પતી ગયું હતું. કમ્પ્યુટર વર્ક છે જ એવું જે ક્યારેક ક્યારેક કરવાવાળા લોકો માટે રસદાયક હોય છે અને દરરોજ આખો દિવસ એના પરજ રહેવાવાળા લોકો માટે ત્રાસદાયક હોય છે. એમા પણ સૌથી અઘરું કામ એટલે કોડિંગ કરવું. જેમાં તમને સૌથી વધુ ફરસ્ટ્રેશન આવે છે. મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને ઘણીવાર એટલી હદ સુધી કંટાળો આવવા લાગે કે ત્યાંથી ઉભા થઈને ક્યાંક બહાર જતું રહેવાનું મન થાય છે. સોફ્ટવેર ફિલ્ડવાળા હમેશા ફ્રી ટાઈમ શોધતા હોય છે. આખો દિવસ ઓફિસમાં કામ કરવાની સાથે ક્યારેક ક્લાયન્ટની ગાળો ખાવાનો વારો પણ આવે છે. એ લોકોનું મન આખો દિવસ કમ્પ્યુટરની દુનિયામાં રહીને ચંચળ થઈ જતું હોય છે. અમને પણ એક એવી જગ્યાની જરૂર હોય છે જ્યાં અમને પણ વેકેશન મળી શકે. અમે પણ કોઈ એવી દુનિયામાં રહી શકીએ જ્યાં ના તો ક્લાયન્ટના કોલ આવે, ના તો બગ્સ આવે કે ના કોઈ ડિસ્ટર્બન્સ. બસ એક શાંત જગ્યા હોય જેને માણી શકીએ પણ એવું ભાગ્યેજ નસીબ થતું હોય છે. એના કારણેજ ક્યારેક ગોવા, દિવ કે આબુની ટ્રીપ માણવાનું મન થઇ જતું હોય છે. લંચનો સમય થઇ ગયો હતો અને સવારે લેટ નાઈટ કામ કરવાના વિચારમાં હું આજે પણ મારું ટિફિન લીધા વગરજ આવ્યો હતો. હું તરત ઓફિસમાંથી બહાર નીકળીને શિખા પાસે ગયો. મેં શિખાને બહાર જમવા માટે જવાનું જણાવ્યું.

શિખા: શુ વાત છે સર. એક્ચ્યુઅલી હું પણ થોડીવારમાં તમારી પાસે જ આવવાની હતી આ જ વાત માટે.
હું: કઈ વાત?
શિખા: એજ કે આજે બહાર જમવા માટે જઈએ. હું પણ આજે ટિફિન નથી લાવી. આજે મારુ એક્ટિવા બગડી ગયું છે એટલે હું સર્વિસમાં મુકવા ગઈ હતી તો લેટ થઈ ગયું અને મારે ટિફિન બનાવવામાં થોડું મોડું થઈ ગયું હતું તો પછી લાવવાનું ટાળી દીધું.
હું: ખૂબ સરસ, તો ચાલ જઈએ.
હું અને શિખા અમારા રૂટિન ટાઈમ અને પ્લેસ મુજબ જમવા માટે ગયા. જમતા જમતા હું મારો મોબાઈલનું વોટ્સએપ ઓપન કરીને બેઠો હતો. મેં વંશિકાની ચેટ કાઢી જેમાં એક દિવસ પહેલા અમારે વાત થઈ હતી. મેં એકવાર માટે એનું ડીપી ચેક કર્યું અને ફેસ પર એક સ્માઈલ આવી. એ સાથેજ શિખા બોલી.
શિખા: એકલા એકલા સ્માઈલ કરો છો ?
હું: અરે કાઈ નહિ જસ્ટ એમજ.
શિખા: મને પણ જણાવો એવું તો શું છે કે તમને હસવું આવે છે?
હું: જસ્ટ વોટ્સએપ ફોરવર્ડ છે. નથિંગ એલ્સ.
શિખા: ઠીક છે.

અમે અમારું લંચ ફિનિશ કર્યું અને ફરીવાર ઓફિસમાં જઈને પોતપોતાના કામમાં લાગી ગયા. જ્યારે વર્કલોડ વધુ હોય છે ત્યારે સમયનું ભાન નથી રહેતું. હું મારા કામમાં એટલો ખોવાઈ ગયો હતો કે સાંજના ૫ વાગ્યાનો સમય ક્યારે થઈ ગયો મને ખબરજ નહોતી રહી. બધોજ સ્ટાફ પોતાનું કામ પતાવીને ઓફિસમાંથી બહાર નીકળવા લાગ્યો. આજે સૌ કોઈ મારી ઓફીસ પાસેથી નીકળતી વખતે મારી નજર સામે જોતું હતું કારણકે થોડા સમય પહેલા હું જ નીકળવામાં પહેલ કરતો હતો અને આજે હું જ સમય પૂરો થઈ જવા છતાં ઓફિસમાં બેઠો બેઠો કામ કરી રહ્યો હતો. બધા લોકોને નવાઈ લાગી રહી હતી કે હું આજે પોતાની જગ્યા પર બેઠો બેઠો આટલું બધું કામ કેમ કરી રહ્યો હતો. જોકે સિનિયર હોવાનો એક ફાયદો પણ હતો કે કોઈ સામે કવેશચન કરવા માટે નહોતું આવતું કે હું કેમ, ક્યારે અને કેટલું કામ કરુ છું. શિખા પણ પોતાની જગ્યા પર બેસીને કામ કરી રહી હતી. આજે શિખા મને ખુબજ હેલ્પફુલ થઈ રહી હતી. થોડીવાર થતા અમારી ઓફિસના હેડ એટલે કે મારા બોસ મારી પાસે આવ્યા અને બોલ્યા.

બોસ :- કેમ રુદ્ર આજે લેટ ? ઘરે જવાનો વિચાર નથી કે શું?
હું :- ના, સર. આજે લેટ ઘરે જઈશ મારુ કામ પતાવીને.
બોસ :- અરે વાંધો નહિ, આપણે એટલી બધી પણ ઉતાવળ નથી. તું આરામથી પણ કામ કરી શકે છે.
હું :- ના, સર. આમ પણ ઘરે કોઈજ નથી એટલે વહેલા જઈને પણ કોઈ ફાયદો નથી.
બોસ:- કેમ તારા મિત્રો તારી સાથે રહે છે ને ?
હું:- હા, પણ એ એમના પ્રોજેકટના વર્કને લીધે વડોદરા ગયા છે તો 3 દિવસ પછી આવશે. હું પણ ઘરે જઈને બોર થાવ છું તો વિચાર્યું કે એ લોકો આવે ત્યાં સુધીમાં 3 દિવસ હું મારાથી બને એટલું કામ પતાવી દઉં.
બોસ:- ઠીક છે, વેલ તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તું કરી શકે છે અને શિખા પણ તારી સાથે જ લેટ સુધી વર્ક કરશે?
હું:- હા, સર. એણે પણ મારી જેમ કામ પૂરું કરવાનું નક્કીજ કરી લીધું છે.
બોસ:- ઓકે, જેવી તમારા લોકોની મરજી. તમે તમારી રીતે કામ કરી શકો છો. બાય ધ વે હું પણ હવે નીકળું છું. યુ ગાયઝ કેરી ઓન યોર વર્ક અને હા જો વધુ લેટ થઈ જાય તો શિખાને ઘરે ડ્રોપ કરી દેજે.
હું: હા, સ્યોર સર.

મિસ્ટર જ્યંત દોયે (મારા બોસ) પોતાનો સમય પૂરો થતાં ઓફિસમાંથી નીકળી ગયા. જ્યંત સર આમતો મરાઠી હતા પણ ઘણા સમયથી ગુજરાતમાં રહેતા હોવાના કારણે તેઓ ગુજરાતી કલચર અપનાવી ચુક્યા હતા અને તેઓ ગુજરાતી બોલી પણ શકતા હતા. તેમના નિખાલસ સ્વભાવના કારણે તેઓ ખૂબ પોપ્યુલર માણસ તરીકે ઓળખાતા હતા અમારા સ્ટાફમાં. આજ સુધી અમારા લોકો સાથે તેમણે બોસ અને કલીગનો સંબંધ રાખવા કરતા એક મિત્ર તરીકેનો સંબંધ વધુ જાળવ્યો હતો જેના કારણે તેઓ અમારા સ્ટાફના એક આદર્શ વ્યક્તિત્વ ધરાવનાર માણસ હતા. ૬ વાગ્યાનો સમય થઇ ગયો હતો અને જ્યંત સર પણ જતા રહ્યા હતા. હવે ઓફિસમાં ફક્ત હું અને શિખા હતા. હું મારુ કામ પતાવી રહ્યો હતો એટલામાં શિખા મારી પાસે કોફી લઈને આવી.

હું:- અરે, તું કોફી કેમ લઈને આવી ?
શિખા:- એક્ચ્યુઅલી મને આદત છે રોજે સાંજે ઘરે જઈને કોફી પીવાની અને એમ પણ આપણે કામ કરી રહ્યા હતા તો ફ્રુસ્ટ્રેશન દૂર કરવા માટે કંઈક જોઈએ.
હું:- હા, તારી વાત સાચી છે. બાય ધ વે થેન્ક્સ ફોર કોફી.
શિખા:- સો કેટલે પહોંચ્યું તમારું કામ?
હું:- બસ ચાલુ જ છે. આવીજ રીતે કામ કરતો રહીશ તો સ્યોર આઈ થિંક હું ૩ દિવસમાં સોફ્ટવેર લોન્ચ કરી દઈશ.
શિખા:- ખૂબ સરસ.
હું:- તે કેટલું કામ કર્યું?
શિખા:- થોડું મોડીફિકેશન થઈ ગયું છે અને થોડું બાકી છે.
હું:- સારું.

(શિખાની આંખોમાં આજે મને એક ચમક દેખાઈ રહી હતી. તે બહારથી ખુશતો રહેતી હતી હમેશા પણ અંદરથી એટલી જ તૂટેલી અને એકલી હતી. શિખાની આ વ્યથા મારાથી વધુ બીજું કોઈ ભાગ્યેજ જાણતું હશે. એ દિવસે શિખા મને પહેલીવાર બાથ ભરીને રડી હતી એનું કારણ હતું આરવ. આરવ સુરત રહેતો હતો અને બંન્ને એકજ કાસ્ટના હતા. બંનેની મુલાકાત એક ટુરમાં થઈ હતી અને ત્યાંજ બંને વચ્ચે મિત્રતા પણ બંધાઈ હતી. બંન્ને જ્યારે પોતપોતાના ઘરે પાછા ફર્યા ત્યારે એકબીજાના મોબાઈલ નંબર એક્સચેન્જ કરીને મિત્રતાના બંધનથી બંધાઈ ચુક્યા હતા. ધીરે-ધીરે આ મિત્રતા નામનો સંબંધ આગળ વધતો ગયો અને પ્રેમના બંધનમાં બંધાઈ ચુક્યો હતો. સમય જતાં બંનેએ એકબીજાના પરિવારને વાત કરી અને પરિવારની સહમતીથી બંનેને એકબીજાના જીવનસાથી બનવા માટેની પરવાનગી મળી ગઈ. શિખા ખુબજ ખુશ હતી કે એને પોતાનો પહેલો પ્રેમજ જીવનસાથી તરીકે મળી ગયો અને આરવ સાથે તેની એંગેજમેન્ટ થઈ. આરવ પણ શિખાને ખૂબ પ્રેમ કરતો હતો. બંનેની જોડી અને એકબીજા પ્રત્યેના પ્રેમથી લાગતું હતું કે જાણે આ બંને એકબીજા માટેજ બન્યા હોય પણ કહેવાય છે કે આખરે થાય છે એ જે નસીબમાં લખ્યું હોય છે અને શિખાના નસીબમાં કદાચ એનો અધુરો પ્રેમ લખ્યો હતો. કંપનીમાં બનતા એક અકસ્માતમાં આરવને હાનિ થઈ અને આરવે પોતાનો જીવ ખોઈ નાખ્યો. એ દિવસે જ્યારે શિખા પર કોલ આવ્યો અને શિખાને આરવના અકસ્માતની જાણ થઈ ત્યારે શિખા મને બાથ ભરીને ધ્રુસકે-ધ્રુસકે રડી હતી. શિખાએ આરવ સાથે પોતાના ચહેરા પરની સ્માઈલ પણ ખોઈ દીધી હતી. ઘણા સમય સુધી શીખા સાવ તૂટેલી હાલતમાજ રહી હતી. એ વાતને ૧.૫ વર્ષ જેવો સમય થવા આવ્યો હતો અને હવે શિખા એ દુઃખમાંથી બહાર નીકળી હતી. પોતાના પ્રેમને ખોવાનું દુઃખ શિખાથી વધુ કોઈ નહોતું જાણતું અને કદાચ એ જ કારણ હતું કે શિખા મને મારો પ્રેમ મેળવવા માટે આટલી બધી હેલ્પ કરી રહી હતી.)

અમારા બંનેની કોફી પુરી થઈ અને શિખા પોતાના ડેસ્ક પર જઈને પોતાનું કામ કરવા લાગી અને હું મારું કામ પૂરું કરવા લાગ્યો. આજે કાંઈક અલગજ ફિલ થઈ રહ્યું હતું. જ્યારે કોઈ સાથે ના હોય અને એકલા હોય, સાથે વર્કલોડ હોય અને એમાં જ્યારે આપણું મન લાગી જાય છે ત્યારે આપણે એમ એટલા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે સમય ક્યાં જતો રહે છે એનો ખ્યાલજ નથી રહેતો. મારી સાથે પણ આજે કાંઈક એવું જ થઈ રહ્યું હતું. હું મારા કામ પર એટલો ખોવાયેલો હતો કે આજે મને વંશિકાની યાદો ડિસ્ટર્બ નહોતી કરી રહી. હું પોતાનાજ કામમાં ખોવાયેલો હતો. કામમાં સમય ક્યાં જતો રહ્યો એની ખબર જ નહોતી રહી. મનેતો આજે ખાવા-પીવાનું પણ ભાન નહોતું રહ્યું. ૯ વાગવા આવ્યા હતા અને શિખા મારી ઓફિસમાં આવી એને આપેલા એક એપનું મોડીફિકેશન એને કમ્પ્લેટલી પૂરું કરી નાખ્યું હતું. શિખા સીધી મારી ઓફિસમાં આવી અને બેસી ગઈ એની પણ મને જાણ નહોતી રહી. મારુ તેના તરફ ધ્યાન ન જતા તેણે સામેથી મને બોલાવ્યો.

શિખા :- સર, ઘરે જવાની ઈચ્છા નથી કે શું ?
હું :- અરે, તું ક્યારે આવી મને ખ્યાલ જ નથી.
શિખા :- જ્યારે તમે તમારી અલગ દુનિયામાં ખોવાયેલા હતા ત્યારે.
હું :- હા, કેટલા વાગ્યા ? અરે ૯ વાગી ગયા ખબર પણ ના પડી આજે તો.
શિખા :- હા, તમને નહોતી ખબર એટલે જ હું તમારી પાસે આવી નહીતો તમે હજી રાતના ૧૨ પણ વગાડી દેત.
હું :- હા, સોરી ચાલો નીકળીએ. હું તને ડ્રોપ કરી દઈશ ઘરે.
શિખા :- અરે, વાંધો નહિ હું રિક્ષામાં જતી રહીશ.
હું :- ના, તને કીધું ને ડ્રોપ કરી દઉં છું ચાલ.
શિખા :- ઠીક છે બોસ.

અમારું વર્ક અહીંયા પોઝ કરીને અને પીસીમાં બધો ડેટા સેવ કરીને અમે લોકો ઓફીસ બન્ધ કરી અને હું અને શિખા નીકળી પડ્યા. શિખા નારણપુરથી આવતી હતી એટલે હું શિખાને તેના ઘરે ડ્રોપ કરવા માટે ગયો. શિખાને તેના ઘરે છોડીને હું જ્યારે મારા ઘરે પહોંચ્યો ત્યારે 10:05 થવા આવ્યા હતા. અમદાવાદનો ટ્રાફિક એટલો બધો હોવાના કારણે ૭ વાગ્યા પછી સિટીમાં નીકળવું એટલે ખૂબ જ કંટાળાજનક હોય છે. મને ભૂખ લાગી હતી પણ શિખાને લેટ થતું હતું એટલે એણે બહાર ખાવાની ના પાડી અને તેના કારણે મેં પણ રસ્તામાં કાઈ ખાધું નહોતું. ઘરે જઈને હું ફટાફટ ફ્રેશ થયો અને મારુ બાઇક ચાલુ કરીને બહાર નીકળી પડ્યો.