alyo chadyo webseriesna ravade books and stories free download online pdf in Gujarati

અલ્યો ચડયો વેબસીરીઝના રવાડે

અલ્યો ચડયો વેબસીરીઝના રવાડે
લોકડાઉન માં એક દિવસ સવારમાં અમારા ફ્રેન્ડસ ગ્રુપમાં મેસેજ આવ્યો, "તમારા ભાઇબંધની તબિયત સારી નથી, બધા જલ્દીથી તેને મળવા આવી જાવ." આ મેસેજ વાંચી અમે સૌ ગભરાયા અને બધાને કોરોનાના વિચાર આવ્યો. અમે બધાએ સામે મેસેજ કરી, ફોન કરી શું થયું જાણવા પ્રયત્ન કર્યો પણ હાથ કંઇ ના લાગ્યું. આખરે બધા સોશીયલ ડીસ્ટન્સીંગ સાથે અમારા બિમાર મિત્રના ઘરે ભેગા થયાં.
વોટસઅપ પર મેસેજ કર્યો હતો અમારા મિત્ર અલ્યાના પત્નીએ. અમારો મિત્ર અલય, બસ આટલું જ નામ કાફી છે. અમે પ્રેમથી તેને અલ્યો કહીએ. અલ્યાની તબિયત બગડી તેવા મેસેજ હતા પણ વાસ્તવમાં તેને જોઇને લાગતું ન હતું.
બધાએ દુરથી કોરોના... કે બીજું શું ની પુછપરછ કરી, અલ્યો અમારો ભાઇબંધ છે પણ કોરોના થી તો ડીસટન્સ રાખવું પડે ને. પણ ..પણ ભાભી બોલ્યા, "એમને કોરોના નથી થયો પણ તબિયત સારી નથી."કોરોના નથી સાંભળી તરત બધા ચિંતામુક્ત થઇ અલ્યા નજીક પહોંચી ગયા અને તબિયત અંગે પુછપરછ કરી.
અલ્યો આમ તો સામાન્ય લાગતો હતો પણ તેને શું થયું છે ના એને સમજાતુ હતું કે ના તે અમને સમજાવી શકતો હતો. પણ તેની પત્નીને સમજાઇ ગયું હતું એટલે તે બોલી, "તેમને મગજમાં વેબસીરીઝો ચડી ગઇ છે. મગજ તેમનું બેડ મારી ગયું છે."
ઓહ ....હ એમ વાત છે, અમે બધા બોલી ઉઠ્યા. અમે ઇશારાથી નકકી કર્યુ કે હું તેને શાંતિથી ધીમેધીમે પુછીને વાત બહાર લાવું. મેં શાંતિથી અલ્યાને પુછ્યુ, "શું આ વેબસીરીઝ ..."
"હા. આ લોકડાઉનમાં વેબસીરીઝ જોઇને, કદાચ વધુ પડતી જોઇને માઇન્ડ હેક થઇ ગયું છે, હું મારી જાતને અનકોન્સીયસ ફીલ કરુ છું."
અલ્યાની લેન્ગવેજ સામાન્ય ન હતી. તેની વાત કરવાની સ્ટાઇલ પણ સામાન્ય ન હતી અને તેના ઘરની પરિસ્થિતિ પણ સામાન્ય ન હતી. અમે અલ્યાને તેની તકલીફો, સમસ્યાઓ વધુ જણાવવા કહ્યું.
અલ્યાએ થોડુ વિચારી તેની ગુંચવાયેલી જીંદગીના ગાથા શરુ કરી. "યારો મને પંચાયત વેબ સીરીઝ જોયા પછી મારા ગામની, મારા ગામના ઘરની, મારા ગામની જુની વાતો યાદ આવે છે. રોજેરોજ મને આ શહેરની જફા છોડી ગામડાની નિરવ શાંતિ યાદ આવે છે.મને ગામનું પાદર, તળાવ, કાચા રસ્તા, પંચાયત ઓફિસ નું જુનુ મકાન, ગામનું પતરાવાળુ ઘર બહુ યાદ આવે છે. મને શહેર છોડી ગામ જવાનું મન થાય છે પણ ..."
"પણ શું અલ્યા. આગળ બોલ તને શું થાય છે."મેં પુછ્યું.
"પણ ...મને અમારુ ખેતર યાદ આવે છે અને મારા પિતરાઈ ભાઇઓએ જે અમારી જોડે ચીટીંગ કરીને અમારા ખેતર પડાવી લીધા તે યાદ આવે, પછી બહુ ગુસ્સો આવે અને ..."
"અને ...શું. હવે તેને યાદ કરીને શું કરવાનું."ભાભી બોલ્યા
"હવે તેમને કાયદેસર નોટીસ મોકલીશ."
"પણ ..આવુ બધુ કરવા માટે આપણા પાસે કયાં કોઇ વકીલ.."
"વકીલ ને આપણે ઇલલીગલ વેબ સીરીઝની નિહારીકા સિંહ જેવી તેજ વકીલ શોધી નાંખીશું. પેલા જનાર્દન જેટલી ની બોલતી બંધ કરનાર વકીલ નિહારીકા મળી જાય ને ...તો આપણો કેસ મજબુત થઇ જાય. પણ ...આવી વકીલ ખરેખર..."
મેં કહ્યુ, "અલ્યા આવી વકીલ વેબ સીરીઝ માં જ હોય. ખરેખર આવી વકીલ હશે તોય આપણને મળવી સહેલી નથી એટલે તું એના વિચારો બંધ કરી દે."
મારી વાત સાંભળી માથુ હલાવી આંખો બંધ કરી બોલ્યો, "મને ય ખબર છે પણ મારુ મગજ વેબસીરીઝ જોયા પછી એના જ વિચારો કરે રાખે છે."
થોડી મીનીટ પછી બોલ્યો,"પેલી સમાંતર વેબ સીરીઝના કુમારની જેમ મારે મારુ ભવિષ્ય જાણવુ છે. મારી લાઇફમાં હવે શું થવાનું છે તે જાણવુ છે. લોકડાઉન પતે એટલે મારે સમાંતર વેબ સીરીઝ જેવા જયોતિષને શોધવા છે."
"મને ય કુમારની પત્ની નીમાની જેમ તમે શું કરો છો એ સમજાતું નથી."ભાભી ચા મુકતા મુકતા બોલી ઉઠ્યા.
આ સાંભળી અમે બધા હસી પડ્યા. રાકો બોલ્યો,"ભાભી તમે પણ આ વેબ સીરીઝ જોઇ છે? "
"શું થાય આ પેલુ કાસ્ટ કરી ટીવીમાં ચાલુ કરે એટલે ના છુટકે મારે ય કયારેક જોવી પડે અને વેબસીરીઝ જોઇ જોઇને આમનું મગજ ઠેકાંણે છે કે નહીં તે જોવા તેમની આસપાસ ફરતી રહુ એમાં થોડુ ઘણુ જોઇ પણ લઉં. મગજનો દુખાવો છે આ વેબસીરીઝ બાપા.."ભાભી કંટાળેલા સ્વરે બોલ્યા.
થોડું વિચારી અલ્યો ફરી પાછો બોલ્યો, "આ કોટા ફેકટરી વેબસીરીઝ માં ખરેખર સાચું જ બતાવ્યું છે. ભણવાના નામે ધંધો થાય છે અને છોકરાઆે પર પેરેન્ટ પ્રેસર નાંખે છે, ટીનએજ લાઇફની વાટ લગાડી દે છે. જુઓને મારી જોડે પણ મારા કાકા એ બળજબરીથી, મારી ઇચ્છા જાણ્યા વગર એન્જીનિયરિંગ માં એડમીશન લેવડાવી દીધુ હતું અને ઘરથી દુર હોસ્ટેલમાં ધકેલી દીધો હતો. મારી હાલત જાણવા કોઇએ પ્રયાસ નહોતો કર્યો."
"પણ તું એન્જીનિયર થયો તો તારી લાઇફ સેટલ થઇ ગઇ ને અલ્યા. અને હોસ્ટેલ લાઇફ પણ એન્જોય કરવા મળી એ કેમ ભુલી જાય છે."
થોડુ મનોમન મલકાઇને અલ્યો બોલ્યો, "હા.હોસ્ટેલ લાઇફ માં જમવા સિવાય ...મજા તો હતી જ. તમને બધાને ખબર તો છે જ અમે અમારી હોસ્ટેલમાં હોસ્ટેલ ડેઝ વેબસીરીઝ કરતાં પણ વધુ મોજ મજા કરી હતી. અમે મેસમાં રવિવારે ફિસ્ટ ની મજા લેવા શનિવારે ઉપવાસ કરતા અને રવિવારે ફિસ્ટનો ભુક્કો બોલાવી દેતા અને ફરી રવિવાર આવશે એવી આશા રાખીને આખુ વીક કચરાપટ્ટી ખઇ લેતાં. હોસ્ટેલ ડેઝ વેબસીરીઝ જોઇ જુની યાદો તાજી થઇ ગઇ. જુના ફ્રેન્ડ અને ...વધુ બોલાય તેમ નથી તમે સમજી જાવ આગળ."
અમે તેની વેબસીરીઝની વાતો સાંભળી ચા પુરી કરી પણ તેની આગળની સ્ટોરી જાણવાની ચાહ અધુરી હતી. તે ધીમેધીમે વાતો કરીને હળવો થતો હોય એવુ લાગતું હતું.
ભાભી નાસ્તો સર્વ કરતી વખતે બોલ્યા, "પાછું એમને જોબ છોડી આંત્રપિન્યોર બનવાનું ભુત પેલી ટીવીએફની પિચર્સ વેબસીરીઝ જોઇને ઉપડયું છે."
"અલ્યા, આમ જોબ ના છોડી દેવાય."દેવો બોલી ઉઠ્યો "જોબ વગર ઘરનું અર્થતંત્ર બખડજંતર થઇ જશે."
હવે અલ્યાએ મોટીવેશનની વાત શરુ કરી "આપણે દુરનું નથી વિચારતા, સાહસ નથી કરતા એટલે જ કંઇ વધારે નથી મેળવી શકતા. હું ય કેટલાય દિવસથી આ જોબ, પ્રેઝન્ટેશન, ટાર્ગેટ ના પ્રેશરથી કંટાળી ગયો હતો અને ટીવીએફની પિચર્સ વેબસીરીઝ જોઇ મને મોટીવેશન મળ્યું. દેવા કંઇક કરવા જોખમ લેવું પડે,જોબ પણ છોડવી પડે. આ આંત્રપિન્યોર ને બીજુ બધુ બધાને ન સમજાય." ભાભીની સામે મોં મચકોડીને અલ્યો બોલતો હતો.
"અલ્યા એ બધુ લોકડાઉન પતે પછી શાંતિથી વિચારીને કરજે, પણ હાલ આ આંત્રપિન્યોરના વિચારો સ્થગિત કર ભાઇ." મેં અલ્યાને પીઠ પર હાથ ફેરવતા ફેરવતા સમજાયો.
અમે વાતાવરણ હળવુ કરવા આડીઅવળી વાતો કરી અને અલ્યો ફરી પાછો વેબસીરીઝ પર જ આઇ ગયો, "તમને ખબર છે આપણે જે ટી 20 20 મેચ ઇન્ટરેસ્ટ થી જોઇએ છે, આપણે ક્રીકેટ પાછળ કેટલા ઘેલા છીઅે પણ સાલુ ઇન્સાઇડ એજ વેબસીરીઝ જોયા પછી ખબર પડી કે ટી 20 20 મેચની પાછળ મેચ ફિકસીંગ, ડ્રગ્સ, માફિયા અને કેવો બિઝનેસ ચાલે છે. હવે ટી 20 20 જોવાનું બંધ કરવુ પડશે."
"પહેલા ટેસ્ટ મેચ, વન ડે મેચ, વર્લ્ડ કપ, આઇપીએલ અને 20 20 મેચ જોવામાં ટીવી સામે ચોંટી જતાં હતાં. હવે વેબસીરીઝ જોવામાં આખી રાત ટીવી સામે ચોંટી જાય છે ને દિવસે ઉંઘે છે." ભાભી અકળાઇને બોલી ઉઠ્યા.
"પણ લોકડાઉનમાં શું દિવસ અને શું રાત ...આપણે કયાં.." અલ્યો નિસાસો નાંખતા બોલ્યો.
"પણ આખી રાત સળંગ જોવાનું બે...આવુ તો કેવું .."દીપો બોલ્યો.
"તમે લોકો વેબસીરીઝ જુઓ છો? "
અમે એકસાથે બોલી ઉઠ્યા, "ના.તારી જેટલી અને તારી જેમ નથી જોતાં."
"એટલેજ તમને ખબર ના પડે. સેક્રેડ ગેમ્સ, મિર્ઝાપુર, ઝીંદાબાદ, સ્પેશિયલ ઓપ્સ, બાર્ડ ઓફ બ્લડ, અપહરણ, ક્રીમીનલ જસ્ટીસ, હોસ્ટેજીસ, ધ ફાઇનલ કોલ, કોડ એમ, દિલ્લી ક્રાઇમ, ધ ફેમીલી મેન, ધ રાઇકર કેસ, અસુર, રંગબાઝ, જમતારા, પોઇઝન, 13 મસુરી, પાતાલલોક જેવી વેબસીરીઝ ચાલુ કરો એટલે તેને પતાવી જ પડે.
અમે સમજી ગયા કે અમારો ભાઇબંધ અલ્યો બિમાર નહીં પણ માનસિક બિમાર થયો છે અને એ પણ તેની વેબસીરીઝ ના ચકકરમાં ગોટાળે ચડ્યો છે.
મેં તેને ઉભા થતાં સમજાવ્યુ કે,"જો ધીમે ધીમે આ વેબસીરીઝ જોવાનું ઓછુ કરી દે જે, તને આપોઆપ સારુ ફીલ થશે. લોકડાઉન ખુલે જોબ ચાલુ થશે પછી તું રુટીન લાઇફમાં બધુ ભુલી જઇશ.
અમે બધાએ અલ્યો માનસિક સ્વસ્થ થઇ જાય તેવી આશા સાથે તેને બાય કહીને ઘરે જવા નીકળ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED