પેન્ટાગોન - ૧૬ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેન્ટાગોન - ૧૬

(શેઠ રતન ચંદ સાથે પ્રોફેસર નાગ અને બાકીનું યુવા ટોળું એમની વાતોમાં મશગુલ હતું ત્યારે અચાનક બધાનું ધ્યાન ગયું કે કબીર ત્યાં હાજર ન હતો. એને શોધવા બધા કૂવા તરફ ગયા ત્યારે ત્યાં પણ કબીર દેખાઈ ન હતો રહ્યો...)

“કબીર...કબીર..." કૂવામાં મોબાઈલની ફ્લેશ લાઈટ નાખી સાગર, રવિ અને એમની સાથે જેક પણ બૂમો પાડી રહ્યો હતો.

“શું થયું?" પાછળથી આવેલ પ્રોફેસરે પૂછ્યું.

“કબીર કૂવાના પાણીમાં દેખાઈ નથી રહ્યો. એ કોઈ મુસીબતમાં તો નહિ હોય?" સાગરે કહ્યું.

“આજ પહેલા આવું નથી થયું. કબીર જેવો પાણીમાં પડે કે તરત ભાનમાં આવી બચાવ માટે બૂમો પાડતો હોય!" રવિએ પ્રોફેસર સામે જોઈ કહ્યું.

“આપણે થોડીવાર રાહ જોઈએ." પ્રોફેસરે શાંતિથી કહ્યું અને જેક સામે નજર કરી, એ નજરને ઓળખી જેક તરત ત્યાંથી ગયો અને એક વીડિયો ગેમ જેવું યંત્ર લઈ આવ્યો.

“થેંક યું જેક." પ્રોફેસરે એ યંત્ર પોતાના હાથમાં લીધું અને એની ઉપરનું બટન ઓન કર્યું તરત એની ઉપર લાલ પીળી લાઈટ થવા લાગી અને “બીપ...બીપ.." અવાજ આવવા લાગ્યો.

“ઓહ્ માય ગોડ! જબરદસ્ત નેગેટિવ એનર્જી અહીંયા હાજર છે. કોઈ એક નહિ પણ ઘણી બધી આત્માઓ અહીંયા હાજર છે અને એ બધી હાલ એક્ટિવ થઈ છે!"

“પણ પ્રોફેસર એમને જોઈએ છે શું? કબીરને જ એ કેમ પકડે છે?" રવિએ પૂછ્યું.

“કોઈ પણ અતૃપ્ત, ભટકતી આત્મા એવી વ્યક્તિની શોધમાં હોય છે જે એની વાત સાંભળી શકે. કેમ એની ખબર નથી પણ અહીંયા કબીરે એ આત્માની પોકાર સાંભળી છે અને એ આત્મા કબીર થકી એની અને એની સાથેની બીજી આત્માઓની મુક્તિ માટે કબીર પાસે મદદ માંગી રહી છે. એ આત્માઓ કબીરને કોઈ નુકશાન નહિ પહોંચાડે."

બધા ઉચાટમાં ઉભા રહી સતત કૂવાના પાણીમાં નજર કરી રહ્યા હતા. ક્યાંય કોઈ હિલચાલ દેખાતી ન હતી. હેરીએ કૂવામાં પડીને તપાસ કરી જોવા પ્રોફેસરની રજા માંગી પણ પ્રોફેસરે એને ના કહી, કબીર સિવાય કોઈ પણ કૂવામાં જઈ આત્માઓના કાર્યમાં ખલેલ પહોંચાડે તો એના પ્રાણ જવાની પૂરી શક્યતા હતી. પ્રોફેસરે એમનું યંત્ર હેરીને આપ્યું અને એ નીચે પલાંઠી વાળીને બેસી ગયા. એમની આંખો બંધ હતી, બંને હાથ ગોઠણ ઉપર ટેકવેલા અને એ એમના ફફડી રહેલા હોઠ જણાવી રહ્યા હતા કે એ કોઈ મંત્રજાપ કરી રહ્યા હતા.

લગભગ અડધો કલાક પસાર થઈ ગયો હતો. બધાના જીવ ઊંચા નીચા થઇ રહ્યા હતા અને એ જ વખતે કૂવાના પાણીમાં એક જોરદાર ઉછાળો આવેલો, ગેસ પર રાખેલી તપેલીમાંથી જેમ દૂધ ઉભરાઈને બહાર આવે એમ કૂવાનું પાણી બહાર આવી રહ્યું હતું...

એ પાણીના ફોરાં થોડે ઊંચે સુધી ઉડી રહ્યા હતા અને એમાંથી રંગબેરંગી પ્રકાશ આવી રહ્યો હતો. બધાની નજર આ કૌતુક જોવામાં વ્યસ્ત હતી ત્યારે અચાનક આવેલા એક સ્ત્રીના કટાક્ષ ભર્યા તીણા અવાજે બધાને ચમકાવી મૂક્યાં,

“જો રતન ચંદ હું કેવી દેખાઉં છું? તું મારું ચિત્ર બનાવ!"

કૂવાના મથાળા ઉપર પાણીના ફોરામાં જ્યાં રંગબેરંગી પ્રકાશ પથરાઈ રહ્યો હતો ત્યાં હવે એક સ્ત્રીની અકૃતીએ આકાર લીધેલો અને એ રતન ચંદને સંબોધીને કહી રહી હતી. એ ગામઠી વસ્ત્રોમાં સજ્જ સ્ત્રી ખરેખર સુંદર હતી પણ થોડીક જ ક્ષણોમાં એનો સુંદર ચહેરો બિહામણો બની ગયો. એના ચહેરા પરની ચમકતી ચામડીના લીરે લીરા ઉડી ગયા, કરોળિયાનું જાળું એના ચહેરા પર પથરાયુ હોય એમ લાલ નિશાન ઉપસી આવ્યા અને ત્યાંથી લોહી ફૂટી નીકળ્યું, ધીરે ધીરે કરીને લોહીની સાથે લીલા અને કાળા રંગનું પ્રવાહી પણ ઝરવા લાગ્યું, એ સ્ત્રીનો સુંદર ચહેરો મીણની જેમ પીગળી રહ્યો હતો...અને એ હસી રહી હતી.

ત્યાં હાજર બધા ધ્રુજતા હતા છતાં કોઈ જાદુઈ શક્તિએ બાંધી રાખ્યા હોય એમ એમની જગ્યાએથી હાલી પણ ન હતા શકતા...

એ સ્ત્રીની પાછળ એક બીજી સ્ત્રી અને એની પાછળ એક બીજી, ત્રીજી, ચોથી એમ છ સ્ત્રીઓ એ કૂવાના મથાળે દેખાઈ રહી હતી. એ બધી પહેલા સુંદર અને પછી બિહામણી, ચીતરી ચઢે એવી લાગી રહી હતી. એ દરેક જણી રતન ચંદને સંબોધીને કંઈ કહી રહી હતી...

“એ ચિત્રકાર જો મારું આ રૂપાળું શરીર, છે ને અપ્સરા જેવું, એનું ચિત્ર બનાવ!"

“એ હું વલોણું વલોવું ત્યારે મારું ચિત્ર બનાવ, વલોણાંની સાથે મારું એક અંગ અંગ પણ અમળાઈ રહેલું દેખાય એવું ચિત્ર બનાવજે!"

“લે મુ રોટલો ઘડું, મારી રેશમ જેવી ઉઘાડી પિંઠ અને એની ઉપર લટકી રહેલી કામખાની દોરી જોઈ કોઈને પણ એ ખેંચવાની ઈચ્છા થવી જોઈએ..."

“હાલો બેનડીઓ આપણે ગરબે ઘૂમીએ, ગોળ ગોળ એવું ઘૂમીએ કે આપણા ઉપર ઉડેલા ઘાઘરા નીચે જરાક જરાક દેખાતા પગ જોઈ આ મુવો શૃંગારિક ચિત્ર બનાવી શકે. આપણે રૂપાળા દેખાઈશું તો કોક આનું ચિત્ર ખરીદશે નહિતર આ ભિખારી જેવો આખી જિંદગી ભીખ માંગીને જ ખાતો રહેશે..."

એક જબરજસ્ત અટ્ટહાસ્ય અને બધી સ્ત્રીઓએ જોગણીઓની જેમ રાસડા લેવાનું ચાલુ કર્યું...એમની એકમેકને અપાતી તાળીઓના તાબોટા બધાની છાતીના પાટીયા બેસાડી દેવા પૂરતા હતા.

શેઠ તો જાણે પૂતળું બની ગયેલો. જીવનની આ ઘડીએ, આટલા વરસો બાદ એનું પાપ એને અહીંયા પહોંચશે અને જુવાનીમાં જોયેલ ગામડાની સ્ત્રીઓના ગરબા એને આજ રાત્રે, એ પણ કૂવાના થડા પર, હવામાં અધ્ધર લટકી રહેલી આત્માઓના રૂપમાં ફરી જોવા મળશે એવું કોણે વિચારેલું...!

અંદરથી જબ્બર પરપોટા સાથે પાણી જોશથી બહાર ફેંકાઈ રહ્યું હતું, પાણીની સાથે સાથે કેટલોક કચરો અને કબીર પણ બહાર ફેંકાઈ ગયા. બધા દોડીને કબીર પાસે ગયા અને એને તપાસ્યો. એ હાલ બેભાન હતો. સાગર, સન્ની અને રવિ એને ઉઠાવીને અંદર લઇ ગયા. બરોબર એ જ વખતે કૂવા ઉપર રચાયેલી લીલા સમાપ્ત થઈ ગઈ. બધે અચાનક અંધકાર વ્યાપી ગયો! બધા હવે ભાનમાં આવી ગયા હતા. જે દૃશ્ય એમની આંખોએ જોયું એ સાચું હતું કે સપનું? જો એ સપનું હતું તો બધાને એક સાથે જેવી રીતે દેખાયું?

શેઠ રતન ચંદની નજર કૂવાના પાણી સાથે બહાર આવી, અંધારામાં પણ ચમકી રહેલી એક વસ્તુ તરફ ગઈ અને એમણે આગળ વધી એને ઉઠાવી લીધી. એ એક પાયલ હતી. છૂટી છૂટી ઘૂઘરીઓ વાળી પાયલ.

સનાની નજરે એક કડું પડ્યું, જેક અને હેરીને કમરબંધ જેવું એક મોતી ભરેલ ઘરેણું દેખાયું એની સાથે ત્યાં ટોર્ચ વડે તપાસ કરતા બીજા પણ ઘણા ચાંદી, મોતી અને લાખના ઘરેણાં મળી આવ્યા... એ બધાને ભેગા કરી એક કોથળીમાં ભર્યા અને એ જ વખતે પ્રોફેસરે એમની આંખો ખોલી કહ્યું, બધા અંદર ચાલો.

બધા પાછા મહેલના વિશાળ દીવાનખંડમાં આવીને બેઠા હતા. જે જે વસ્તુઓ, ઘરેણાં કૂવામાંથી મળેલા એને એક ટોકરમાં પાણી ભરી એમાં નાખી દેવાયેલા અને સના, હેરી એ દરેક ઘરેણાં ને પાણીમાં ધોઈ એક ટેબલ પર ગોઠવી રહ્યા હતા.

“રતન ચંદ તમારે હજી ચૂપ રહેવું છે? જે પાપ તમારાથી થઈ ગયું એ આપણે બદલી નથી શકવાના પણ હાલ તમે આ ભટકી રહેલી આત્માઓની મદદ કરી કંઇ સારું કામ ચોક્કસ કરી શકો છો!" પ્રોફેસર નાગે વાતની શરૂઆત કરી.

“મારાથી બહુ મોટી ભૂલ થઈ ગયેલી, શરૂઆતમાં અજાણતા થયેલી ભૂલ અને પછી રૂપિયાની લાલચમાં આવી મેં જાણીને નકરું પાપ કરેલું. મેં એની સજા પણ ભોગવી છે! વરસો લગી હું મનોમન પીડાતો રહ્યો છું. મારી કળા, મારું ચિત્રકામ પણ મેં છોડી દીધેલું પણ મારા પાપે મને ક્યારેય ના છોડ્યો. આજે મેં જોયું, સાંભળ્યું એના પછી પણ હું ચૂપ રહીશ તો મર્યા બાદ પણ મને મુક્તિ નહિ મળે. હું તમને બધી હકીકત જણાવીશ."

થોડીક વાર મૌન રહી, જાણે હાલ જ ભૂતકાળ નજર સામે જોઈ રહ્યો હોય એમ એણે એની વાત ચાલું કરી. કબીર ભાનમાં આવી ગયેલો, એ પણ એના દોસ્તો સાથે શેઠ રતન ચંદની વાત સાંભળવા બેઠો હતો.

સોનાપુરનો આ મહેલ ના જાણે કેટલા વરસોથી આ મહેલમાં ઘટેલી દરેક સારી ખોટી ઘટનાનો સાક્ષી રહ્યો હતો. કાશ એ બોલી શકતો હોત તો એનો એક એક પથ્થર ચીસ પાડી પાડીને એની પીડા વ્યક્ત કરત... હાલ એ પણ મુંગો રહી શેઠ રતન ચંદની એ વખતની વાત સાંભળી રહ્યો હતો જ્યારે એ ફક્ત રતન કે રતનીયો હતો...
ક્રમશ....