અંગત ડાયરી - પાગલ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - પાગલ

અંગત ડાયરી
============
શીર્ષક : પાગલ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ: ૦૭, જુન ૨૦૨૦, રવિવાર

પાગલની વ્યાખ્યા શી?

જેના વાણી, વર્તન અને વિચાર મૂર્ખતાપૂર્ણ હોય એવા વ્યક્તિને પાગલ કહેવાય. મૂર્ખતાપૂર્ણ એટલે કે અવ્યવહારુ, સમાજને માન્ય ન હોય એવા. આપણે કદાચ વાણી અને વર્તનની પરીક્ષામાં તો પાસ થઇ જઈએ પરંતુ વિચારોનો જે ટ્રાફિક આપણા મગજમાં દોડી રહ્યો છે એ જોતા લાગે કે આપણી આસપાસની (આપણા સહિત) એક પણ વ્યક્તિ નહીં હોય જે પાગલ ન હોય. (હુંય જોને પાગલની વાત કરી રહ્યો છું અને તમેય જોને પાગલ વિષે વાંચી રહ્યા છો.) માત્રા વધુ ઓછી હોઈ શકે બાકી પાગલપણું આપણા સૌમાં દોડી રહ્યું છે.

કોઈ પ્રેમમાં પાગલ છે તો કોઈ પૈસા પાછળ પાગલ છે. કોઈ સમાજ સુધારવા પાગલ બન્યા છે તો કોઈ દેશની રક્ષા માટે પાગલ છે. એક ભાઈ ભણવા પાછળ એટલા ડૂબી ગયા કે એની ડાગળી ચસકી ગઈ. એક ભાઈ શેરબજારની ઉથલ પાથલમાં પાગલ થઇ ગયા હતા. કોઈ જાહેર પાગલ છે કોઈ ખાનગી પાગલ છે. એક ચિંતકે સરસ કહ્યું છે : ગાંડાઓ જ ઈતિહાસ રચતા હોય છે, ડાહ્યાઓ તો પછી બેઠા બેઠા એને વાંચતા હોય છે.

વાત વિચારવા જેવી છે.
ઈતિહાસ રચવા માટે ગાંડા તો થવું પડે છે. મેડીકલમાં ભણતા છોકરા-છોકરીઓ રોજના અઢાર-વીસ કે એકવીસ કલાક સુધી વાંચન કરતા હોય છે. એક જાતનું પાગલપન જ કહેવાય ને? મેં સાંભળ્યું છે કે વૈજ્ઞાનિકો ઉલટા સુલટા ચપ્પલ પહેરી ફરતા હોય છે એની એ લોકોને ખબરેય નથી હોતી. અરુણીમા સિન્હા નામની નેશનલ લેવલની પેલી ભારતીય ફૂટબોલ અને વોલીબોલ પ્લેયરને તો તમે નહિ જ ભૂલ્યા હો. ચાલતી ટ્રેને લૂંટારુઓએ એને ફેંકી દીધી. એણે પગ ગુમાવ્યા. સાજી થયા પછી એણે વગર પગે એવરેસ્ટ સર કરવાનો પાગલપન ભરેલો નિર્ણય લીધો. એવરેસ્ટ ચઢનારી પ્રથમ ભારતીય મહિલા આદરણીય બચેન્દ્રી પાલને જયારે એણે પોતાનો દૃઢ નિશ્ચય રજૂ કર્યો. [તમને શું લાગે છે આ વિચાર મૂર્ખતા પૂર્ણ, અવ્યવહારુ અને સમાજ ને અમાન્ય ન કહેવાય? બિલકુલ પાગલ]. પણ બચેન્દ્રી પાલે કૈંક જુદું જ કહ્યું. એમના શબ્દો હતા : માય ચાઈલ્ડ, તે એવરેસ્ટ તો આજે જ સર કરી લીધો, બસ હવે દુનિયાને ક્યારે ખબર પડે છે એ તારીખની જ રાહ જોવાની બાકી રહી. અને હા, ૨૧ મી મે, ૨૦૧૩ સવારે ૧૦:૫૫ વાગ્યે અરુણીમા એવરેસ્ટ પર હતી. એણે ઈતિહાસ રચી નાખ્યો.

ઇતિહાસના પાને લખાયેલા આવા અનેક પાગલોના પરાક્રમો આપણને ફેરવિચારણા કરવા મજબુર કરે છે. પાગલખાનામાં ન હોય અને સમાજમાં ખુલ્લેઆમ ફરતા હોય એવા પાગલોના બે પ્રકાર પાડી શકાય. એક પોઝીટીવ પાગલ અને એક નેગેટીવ પાગલ. દુર્યોધન, શકુનિ એન્ડ કમ્પનીને નેગેટીવ પાગલ ગણી શકાય. પેલી પાગલની વ્યાખ્યાના મૂર્ખતાપૂર્ણ, અવ્યવહારુ અને સમાજને માન્ય ન હોય એવા જ કામ-ધંધા એ ટોળકીએ કર્યા ને? અફસોસ કે આવા નેગેટીવ પાગલોથી આજેય પૃથ્વી મુક્ત બની નથી.

યુદ્ધના મેદાનમાં વચ્ચોવચ બેસી જઈ ‘સિદન્તી મમ ગાત્રાણિ...’ બોલનાર અર્જુન પણ ઓછો પાગલ કહેવાય? પણ લકીલી કૃષ્ણ કનૈયો અર્જુનના રથનો સારથિ હતો. સારથિ શબ્દ જબ્બરદસ્ત છે. એક એવો રથી, એક એવો સાથી જેને તમામ શાસ્ત્રોનો સાર હૃદયસ્થ છે. અર્જુનના બહાને આજના હજારો પાર્થોને જીવન સંગ્રામ છોડી ભાગી જતા રોકવાની અને જિંદગીનો જંગ જીતી જવાની જડીબુટ્ટી ડોક્ટર કૃષ્ણકુમારે શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્વરૂપે વહેતી મૂકી. ખુશીની વાત એ છે કે અર્જુન જેવા પોઝીટીવ પાગલો પણ આજે પૃથ્વીના પટ પર ઢગલા મોઢે જોવા મળે છે. બસ.. કમી છે તો કેવળ કૃષ્ણની.

કૃષ્ણ એટલે કૃષ્ણત્વનું પ્રગટ સ્વરૂપ. કૃષ્ણત્વ એટલે મોટીવેશન. કૃષ્ણએ અર્જુનને મોટીવેટ જ કર્યો હતો ને? તમે જયારે કોઈના શુભ સંકલ્પમાં એની સાથે બે ડગલા ચાલી એને પ્રોત્સાહિત કરો છો ત્યારે તમારી અંદર રહેલું કૃષ્ણત્વ ચાર્જ થવાનું શરુ થઇ જાય છે. (કમનસીબે જેને ને તેને હતોત્સાહ કરી રહેલા આપણે ભીતરી શકુનિત્વને ચિનગારી ચાંપી દેતા હોઈએ છીએ..)

ખેર...
મારા તમારા જેવા પાગલોની ભીતરે બિરાજમાન કૃષ્ણત્વના બીજને સો સો સેલ્યુટ...
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)