Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૫

શ્વેતા નીરજની સાથે મૈસુરુ પહોંચી ચૂકી હતી. તેઓએ લોકસાગર હોટેલમાં રોકાણ કર્યું, જે મૈસુર પેલેસથી આશરે ૫૦૦ મીટરની દૂરી પર સ્થિત હતી. રૂમ નંબર ૨૦૩, જેની બારીમાંથી દૂરબીનની મદદથી મૈસુર પેલેસ સ્પષ્ટ દેખી શકાય તેવો પસંદ કર્યો. રૂમ નક્કી કર્યા બાદ, ઓળખના પુરાવા તરીકે નીરજ પાસે કશું જ નહોતું. આથી શ્વેતાએ તેનું ડ્રાઇવીંગ લાઇસન્સ આપ્યું. શ્વેતાએ રૂમની ચાવી લેવા માટે હાથ લાંબો કર્યો અને તેના હાથમાંથી લાઇસન્સ સરકી ગયું. તે હજી નીચે નમે તે પહેલાં જ નીરજે લાઇસન્સ ઉપાડી લીધું.

‘આ શું? કોનું લાઇસન્સ છે? ફોટો તારો અને નામ...’, નીરજે લાઇસન્સ જોતાં જ કહ્યું.

‘ઇટ્સ માઇન, ગીવ ઇટ.’, શ્વેતા ગુસ્સે થઇ. તે નહોતી ઇચ્છતી જે નીરજ વધુ તપાસ કરે.

‘નો...! તારે કહેવું જ પડશે. આ શ્યામાના નામ પર કેવી રીતે ઇશ્યુ થયેલ છે. તું તો શ્વેતા છે.’, નીરજે શ્વેતા તરફ અવિશ્વાસ દર્શાવ્યો.

‘અરે...એવું કંઇ નથી. હું શ્વેતા જ છું. અહી કોઇ આપણી સાચી ઓળખ જાણી ન લે, તે માટે મેં આ ખોટો પુરાવો બનાવડાવ્યો છે.’, શ્વેતાએ નીરજના હાથમાંથી લાઇસન્સ છીનવી લીધું.

ગુસ્સામાં શ્વેતા રૂમ તરફ ચાલવા લાગી. નીરજ રીસેપ્શન પર જ ઊભો રહ્યો. પારદર્શક કાચના બનેલા હોટેલના દરવાજા પાસે આવીને માર્ગ પર દોડી રહેલી ગાડીઓ અને તેના અવાજોમાં નીરજ ખોવાઇ ગયો. શ્વેતા પાછળ જોયા વિના જ સડસડાટ રૂમમાં જતી રહી. આશરે અર્ધા કલાક બાદ નીરજ રૂમમાં દાખલ થયો. રૂમમાં માત્ર આછો લાલ પ્રકાશ ફેંકતો બલ્બ ચાલુ હતો. જેના લીધે રૂમ રાતો બની ગયેલો. શ્વેતા બેડ પર આરામ ફરમાવી રહેલી. વ્હાઇટ શર્ટ અને બ્લેક સ્કર્ટમાં અપ્સરા સમું રૂપાળું તન રાતું બની ગયું હતું. પ્રત્યેક ગાથાનો ઇન્દ્ર આ ર્દશ્ય નિહાળી મોહી જાય તેમ હતું.

‘ક્યાં હતો? આપણે બને તેટલી જલ્દી કામ પતાવવાનું છે.’, નીરજના રૂમમાં દાખલ થતાં શ્વેતાએ ખૂબ જ ધીમા અને માદક શ્વરે કહ્યું.

‘બસ નીચે જ લોબીમાં બેઠો હતો, અને તું શું કામ, કામ કરે છે? મને તો એ જ ખબર નથી કે કામ શું છે?’, નીરજ બારી પાસે ગયો.

‘હવે સમય આવી ગયો છે. તને હું બધું કહીશ. તબક્કાવાર....’, શ્વેતાએ કોફીનો કપ નીરજને આપ્યો અને તેની પડખે જ બારી પાસે ઊભી રહી.

‘થેંક યુ ફોર કોફી. બટ...’

‘નો બટ... જસ્ટ શટ.... યોર માઉથ.’, શ્વેતાએ નીરજના હોઠ પર આંગળી મૂકી.

‘શ્યામા... સૉરી, શ્વેતા...! સ્ટોપ’, નીરજે શ્વેતાની આંગળી તેના હોઠ પરથી ખસેડી.

‘ઓહ્હો, ગુસ્સો! તારા ગુસ્સાના ધગધગતા સૂર્યને મારા જેવો ચંદ્ર જો ગ્રહણ ન લગાડી શકે તો આ રૂપ શું કામનું? યુ ઇડિયટ.. ધીસ ઇઝ એન ઓપન ઇનવીટેશન એન્ડ યુ વોન્ટ ટુ વોશ યોર હેડ...’, શ્વેતા, તેણે પહેરલા સફેદ શર્ટના બટન ખોલવા લાગી.

શ્વેતા નીરજ સામે બ્લેક સ્કર્ટ અને બ્લેક બ્રેસીઅર્સમાં હતી. નીરજના કપાળ પરથી પરસેવાની બુંદો ગાલને ભીંજવવા લાગી. તે શ્વેતાથી દૂર જવા માંગતો હતો. પરંતુ તેનું મન શ્વેતા તરફ ખેંચાઇ રહ્યું હતું.

‘શ્વેતા... તું મારા મિત્રની પત્ની છે. અટકી જા. આ આપણા સંસ્કારથી વિરૂદ્ધ છે.’, નીરજે આંખો બંધ કરી.

‘નીરજ...’, શ્વેતાએ ખૂબ જ ધીમેથી માદક અવાજરૂપી તેલ નીરજના કાનમાં રેડ્યું.

નીરજે આંખો ઉઘાડી, સામે કોઇ નહોતું. તેણે રૂમમાં નજર ઘુમાવી, પણ શ્વેતા નજરે ન ચડી. જમીન પર શ્વેતાનું સ્કર્ટ અને તન છુપાવતા પ્રત્યેક વસ્ત્રો વેરવિખેર પડ્યા હતા. તે જાણી ગયો કે શ્વેતા કઇ અવસ્થામાં હતી. તેણે બાથરૂમ તરફ તપાસ કરી. દરવાજો ઉઘાડ્યો, પરંતુ ફક્ત શાવરમાંથી મૂસળધાર થતો પાણીનો વરસાદ અને તેનો અવાજ હતો. શ્વેતા ત્યાં નહોતિ. નીરજ દરવાજો બંધ કરી બેડ તરફ ફર્યો અને તેની ચીખ નીકળી ગઇ,‘શ્વેતા...!’

*****

તે જ દિવસે, સાંજના ૦૫:૪૫ કલાકે

‘ઇશાન! આ તરફ’, પરેશે ઇશાનનો હાથ ખેંચ્યો.

ઇશાન અને પરેશ મૈસુરુના મંદાકલ્લી હવાઇમથકની બહાર નીકળી રહ્યા હતા. ઇશાન પહેલાં ક્યારેય મૈસુરુ આવ્યો નહોતો. આથી પરેશના માર્ગદર્શન હેઠળ જ તેને રહેવાનું હતું. હવાઇમથકની બહારની તરફ જવા માટે તે મૂંઝવણમાં હતો. પરેશે તેનું ધ્યાન ખેંચ્યું અને તેઓ સામાન માટેની હરોળ તરફ ગયા.

‘હા! આવું...’, ઇશાન મથકની દિવાલ પર લગાવેલ મૈસુર પેલેસની છબી નિહાળવામાં વ્યસ્ત બન્યો.

‘સારૂ, જમણી તરફ ખૂણામાંથી બહાર નીકળવાનો માર્ગ છે. હું ટેક્ષી કરી રાખું છું.’, પરેશ માહિતી આપતા આપતા નીકળી ગયો.

દસેક મિનિટમાં જ ઇશાન બહાર આવ્યો. પરેશે ટેક્ષી બુક કરી રાખી હતી અને જવાનું હતું સુવર્ણા કમ્ફર્ટ હોટેલ તરફ; ત્યાં જ પરેશે રૂમ બુક કરી રાખેલો. તેઓની ટેક્ષી હોટેલ તરફ રવાના થઇ.

*****

તે જ સમયે, હોટેલ લોકસાગર

રૂમ નંબર ૨૦૩ તરફ મૈસુર પોલીસ તીવ્ર ગતિથી જઇ રહી હતી. પોલીસ ઇંસ્પેક્ટર, અને તેના સાથે બે પુરુષ કોન્સ્ટેબલ અને એક સ્ત્રી કોન્સ્ટેબલ પણ હતી. હોટેલના મેનેજરે તેમને ફોન કરીને બોલાવ્યા હતા.

‘ક્યારે બન્યું?’,ઇંસ્પેક્ટરે પૂછ્યું.

‘સાહેબ! ખબર નથી... આ તો...’, મેનેજરના હાથ ધ્રુજવા લાગ્યા.

‘શું? આ તો...’, સ્ત્રી કોન્સ્ટેબલે મેનેજર સામે ગુસ્સેથી જોયું.

‘આ તો... અમારો રૂમ સર્વિસ બોય જ્યારે અહીં આવ્યો અને તેણે જોયું કે...’, મેનેજર દ્વારા બોલાતા શબ્દો લથડીયા ખાવા લાગ્યા.

‘અને તમે અમને ફોન કરી દીધો... બરોબર ને?’, ઇંસ્પેક્ટર રૂમની અંદર દાખલ થયો.

રૂમના દરવાજા પાસે જ લોહીના ડાઘ દેખાયા. જેમ જેમ ઇંસ્પેક્ટર પલંગ તરફ આવ્યા, પલંગની જમણી તરફ લોહીથી લથપથ લાલ બનેલો ચહેરો, અને આસપાસ ખાબોચિયું ભરાયેલ હતું. રૂમમાં દાખલ થનાર ઇંસ્પેક્ટર, કોન્સ્ટેબલ અને હોટેલનો મેનેજર દંગ બની ગયા.

‘આનું આઇ.ડી. પ્રુફ લીધેલ છે કે કેમ?’, ઇંસ્પેક્ટરે મોટા અવાજે મેનેજરને પૂછ્યું.

‘હા, રીસેપ્શન પરથી મળી જશે.’, મેનેજર થોથવાયો.

‘શું રીસેપ્શન પરથી મળી જશે... તમારે તેની એક ઝેરોક્ષ કોપી તૈયાર રાખવી જોઇએ. આની સાથે કોણ કોણ હતા...? સામાન શો હતો?..’, ઇંસ્પેક્ટર વધુ ગુસ્સે થયો.

મેનેજર ઝડપથી રીસેપ્શન તરફ ગયો.

‘સાહેબ... આ રૂમની તો કોઇ માહિતી રીસેપ્શન ટેબલ પર નથી.’, મેનેજર જેટલી ઝડપથી ગયો હતો તેટલી જ ઝડપથી પરત ફર્યો.

‘સારૂ, તમે નીચે જાવ.’, તેની તીવ્રતા નિહાળી ઇંસ્પેક્ટરે સ્ત્રી કોન્સ્ટેબલ તરફ જોયું, ‘મને તો આની પર જ શંકા જાય છે.’

‘કેમ એવું? સાહેબ.’, સ્ત્રી કોન્સ્ટેબલે બેડની બાજુમાં જ પડેલા બ્લેક સ્કર્ટને ઉપાડ્યું.

‘ખબર નથી. આઇ થીંક, માય સિક્સ સેન્સ ઇઝ વર્કીંગ.’, ઇંસ્પેક્ટર હસવા લાગ્યો.

‘શું સાહેબ..., તમે પણ’, સ્ત્રી કોન્સ્ટેબલે તેના સાથીઓ સાથે મળીને રૂમ ખંખોળી કાઢ્યો. પરંતુ કોઇ સામાન મળ્યો નહિ.

‘સાહેબ... કોઇ સામાન નથી દેખાતો. આનો અર્થ તો એક જ થાય...’,પુરુષ કોન્સ્ટેબલે ઇંસ્પેક્ટર તરફ જોયું.

‘એમ કે, આની સાથે, જે કોઇ પણ હતું; તે સામાન લઇને ફરાર છે.’, ઇંસ્પેક્ટરે અનુમાન લગાવ્યું.

‘તમારી મેનેજર બાબતની શંકા પર મને વિશ્વાસ બેસવા લાગ્યો છે’, સ્ત્રી કોન્સ્ટેબલે કહ્યું.

‘એ જ તો, મારી શંકા બરોબર જ હોય. હવે તમે એક કામ કરો. આનો ફોટો અને મેનેજર જે કંઇ માહિતી આપે તે મૈસુરુ મિત્રા અને સ્ટાર ઓફ મૈસુર, ન્યુઝ પેપરને આપી દો. કોઇને કોઇ તો, આ ચહેરો ઓળખશે.’, ઇંસ્પેક્ટરે પુરુષ કોન્સ્ટેબલે આદેશ આપ્યો.

‘ઠીક છે. સાહેબ...!’

*****

બીજા દિવસે સવારે, હોટેલ સુવર્ણા કમ્ફર્ટ

‘મહારાજ... મૈસુરુમાં પધારી ચૂક્યા છે, અને પ્રથમ દિવસની ચાની લિજ્જત માણવા તૈયાર છે.’, પરેશે ઇશાન સામે મશ્કરીભરી નજર નાંખી.

રૂમની ગેલેરીમાં બેસીને પરેશ ચાની મજા માણી રહ્યો હતો. તે જ સમયે ઇશાન ત્યાં આવ્યો. ઇશાનને જોઇ પરેશે મજાક શરૂ કરી. ઇશાન ઝરાક પણ મજાકને, સહન કરી શકવા માટે સમર્થ નહોતો.

‘મજાક ના કરશો.’, ઇશાન પરેશની બાજુની ખુરશી પર બેઠો.

ગેલેરીમાંથી માર્ગ પર દોડી રહેલા વાહનો દેખા આપી રહ્યા હતા. સવારનો સમય હોવાને કારણે વાહનોની સંખ્યા ઓછી હતી.

‘સારૂ... સારૂ... લે, ગરમા ગરમ ચાની ચુશ્કી માણ’, પરેશે ચાનો કપ ઇશાન સામે આગળ કર્યો.

‘અહીંના સમાચાર તો જાણીએ. આજનું હવામાન...અહીની વાસ્તવિકતા, હું રીસેપ્શન પરથી પેપર લેતો આવું.’, ઇશાન ઊભો થયો.

‘બેસ... ભાઇ! મેં રીસેપ્શન પર ફોન કરીને કહી દીધું છે. પેપર આપણા રૂમમાં આવતું જ હશે.’, પરેશે ઇશાનનો હાથ ખેંચી બેસાડી દીધો.

એટલામાં જ ડોરબેલ વાગી. પરેશ ઊભો થઇને ગયો.

‘આવી ગયું પેપર... વાંચી લે... અને હા, કંઇ જાણવા જેવું હોય તો કહેજે.’, પરેશે પેપર ઇશાનને આપ્યું અને ચાનો કપ ઉપાડ્યો.

ઇશાન પેપરના પાના ઉલટાવા લાગ્યો. ત્રીજા પાના પર તેની નજર અટકી.

‘કંઇ છે? વાંચવા જેવું.’, પરેશે ઇશાનની ઝીણી થઇ ગયેલી આંખોને નિહાળીને કહ્યું.

‘હા... વાંચવા કરતાં જાણવા જેવું છે.’, ઇશાને તે પાનું પરેશ તરફ કર્યું.

‘લાવ... બતાવ.’, પરેશે જોયું, ‘લોકસાગરમાં ઘાતકી હત્યા અને હત્યા કરનાર ફરાર. આમાં શું જાણવા જેવું છે.’

‘તેમાં દર્શાવેલ ફોટો જુઓ.’, ઇશાને પરેશનું ધ્યાન દોર્યું.

‘કોનો ફોટો છે? આપણે ઓળખીએ છીએ?’

‘હા...!’

‘કોણ છે?’ પરેશે ચશ્માં સરખા કર્યા.

‘નીરજ...’

*****