Discovery - the story of rebirth - 14 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૪

૧૭૮૮

કંપનીએ ગુંતુરના સરકાર પર નિયંત્રણ મેળવ્યો હતો, જે કંપનીએ નિઝામ સાથેના અગાઉના કરારો હેઠળ પ્રાપ્ત કરેલ. જેના બદલામાં, કંપનીએ નિઝામને કંપની સૈન્યની બે બટાલિયન પ્રદાન કરી. જેના કરણે બ્રિટીશ સૈન્ય મૈસુરની નજીક આવી ગયું. નિઝામે કોઇ પણ પરિસ્થિતીમાં બ્રિટીશરોનું સમર્થન કરશે તેની ખાતરી આપી હતી.

તે જ સમયે ટીપુનો ત્રાવાંકુરના રાજ્ય પર કબજો કરવાના પરોક્ષ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, અને મદ્રાસના પ્રમુખ, આર્ચિબાલ્ડ કેમ્પબલે ટીપુને ચેતવણી આપી હતી કે ત્રાવાંકુર પરના હુમલાને કંપની સાથે યુદ્ધની ઘોષણા તરીકે ગણવામાં આવશે. ત્રાવાંકુરના રાજાએ પણ કોચિનની સરહદ પર કિલ્લેબંધી લંબાવી દીધેલી. વળી, ત્રાવાંકુરના રાજાએ કોચિન કિંગડમનાં ડચ ઇસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી બે કિલ્લા ખરીદીને ટીપુને ગુસ્સો અપાવ્યો.

૧૭૮૯માં ટીપુએ પાનખરમાં કોઈમ્બતુર ખાતે સૈન્ય ઉભું કરવા અર્થે નીડમકોટા પર હુમલો કરવાની તૈયારી શરૂ કરી, જે તેના ક્ષેત્રની સુરક્ષા માટે ત્રાવાંકુરના ધર્મરાજા દ્વારા બનાવવામાં આવેલ સંરક્ષણની એક મજબૂત રેખા હતી. કોર્નવાલિસે, આ નિર્માણનું અવલોકન કરીને, કેમ્પબેલના અનુગામી જ્હોન હોલેન્ડને પુનરોચ્ચાર કર્યો કે, ત્રાવાંકુર પરના હુમલાને યુદ્ધની ઘોષણા માનવી જોઈએ, અને બ્રિટિશે પ્રબળ પ્રતિક્રિયા આપવી જોઇએ.

*****

૧૭૯૦

‘સાહેબ! આપણે ટીપુને હરાવી શકીએ તેમ લાગતું નથી.’, મેડોવે કહ્યું.

મેડોવ અને કોર્નવોલિસ, શ્રીરંગપટમના યુદ્ધ મેદાનમાં ઉત્તર તરફની છાવણીમાં ચર્ચામાં વ્યસ્ત હતા. યુદ્ધના પ્રારંભથી જ મેડોવને શંકા હતી. જે તેણે કોર્નવોલિસ સમક્ષ મૂકેલી.

‘તમને કેમ એવું લાગે છે?’, કોર્નવોલિસ ગુસ્સે થયો.

‘કારણ કે તેઓની પાસે જગાનો લાભ છે.’, મેડોવે ધીમા સ્વરે કહ્યું.

‘તું કહેવા શું માંગે છે?’

‘એ જ કે તેઓ આપણા કરતા ઊંચાઇ પર છે. બીજું તેમની પાસે તોપ છે અને ઊંચાઇએથી આવતા ગોળાની ગતિ વિષે તો તમે જાણો છો.’, મેડોવે સમજાવ્યું.

‘હા, બરોબર છે. પરંતુ કોઇ બીજો રસ્તો પણ હશે, તેના ગઢ સુધી પહોંચવાનો. તેના સૈન્ય માટે ભોજન સામગ્રી કયા માર્ગેથી જાય છે. તે શોધો. આપણે ત્યાંથી હુમલો કરીશું.’, વોલિસે યુક્તિ લગાવી, ‘મને ખબર છે, આ અંધારામાં તીર ચલાવવા બરાબર છે. પ્રયત્ન તો કરીએ.’

‘પ્રણામ! સાહેબ...’, અવાજ તંબુના દ્વાર પરથી આવ્યો. આગંતુકે સંપૂર્ણ તનને ચાદરથી છુપાવેલ હતું. વોલિસ તેને જાણતો હતો.

‘આવ...! ઘણી વાર કરી દીધી, અમારો પ્રસ્તાવ સ્વીકારવામાં...’, વોલિસે આવનાર વ્યક્તિના ખભા પર હાથ મૂક્યો.

‘હા, સુરક્ષાની દીવાલ ઘણી મજબૂત છે. તોડીને અહીં સુધી પહોંચવામાં સમય તો જાય જ ને.’, વ્યક્તિએ મદિરાનો પ્યાલો ટેબલ પરથી ઉઠાવ્યો.

‘શું ખબર છે?’

‘કપ્તાન સાહેબ! ખબર તો છે પણ...’

વોલિસે સિક્કાઓ ભરેલી થેલી તે વ્યક્તિ તરફ ફેંકી.

‘વજન બરોબર છે થેલીનું. સાહેબ! ટીપુ તેના ૪૦૦૦૦ માણસો સાથે શ્રીરંગપટમ છોડી રહ્યો છે. આપની બેગેજ ટ્રેન પર હુમલો કરવાની યોજના છે. બીજી તરફ...’

‘બીજી તરફ શું?’, આ વખતે મેડોવથી રહેવાયું નહિ.

‘બીજી તરફ આપના પુરવઠા અને સંદેશાવ્યવ્હારને આપ સુધી પહોંચવા દેવામાં નહિ આવે. ટીપુ કંઇ પણ કરીને આ કામ કરશે. તમને કોઇ રીતે ગેરમાર્ગે દોરવાની પણ વાત હતી. જે મને યાદ આવતી નથી.’

વોલિસે બીજી થેલી ટેબલ પરથી ઉપાડી.

‘અરે...ના સાહેબ! હું લાલચમાં નથી કહેતો, એવું નથી. હકીકતમાં મને ખબર નથી.’ વ્યક્તિએ જણાવ્યું.

‘સારૂં, અત્યારે જા; અને વધુ સમાચાર સાથે પાછો આવજે.’, વોલિસે જવા માટે તે વ્યક્તિને ઇશારો કર્યો.

‘આ કોણ હતો?’, મેડોવે વોલિસ તરફ જોયું.

‘ટીપુની નજીક અને આપણો ખાસ વ્યક્તિ.’

*****

૧૭૯૨

‘આપણે સંધિ કરીશું તે યોગ્ય રહેશે.’, પૂર્ણૈયાએ ટીપુ સમક્ષ મનની વાત મૂકી.

બ્રિટીશરો અને ટીપુની સેના વચ્ચેના બે વર્ષના સંઘર્ષમાં બંને તરફ ઘણું બધું ગુમાવાયું હતું. ટીપુ વધુ નુકસાન તરફ જવા માંગતો નહોતો. બ્રિટીશ સરકારની પણ તેવી જ પરિસ્થિતી હતી. તે પણ યુદ્ધના વિરામમાં જ તેમનું હિત જોઇ રહ્યા હતા. બંને પક્ષ તરફથી સંધિની વાત છેડવામાં આવેલી. વિચારો અને નિર્ણયો વચ્ચે દ્વંદ્વયુદ્ધ ચાલી રહેલું. ટીપુ અને પૂર્ણૈયા, આ બાબતે જ ટીપુના કક્ષમાં વિચારણા કરી રહેલા.

‘હા, ઘણા બધા સૈનિકો આપણે અને તેઓએ પણ ગુમાવ્યા છે. તેમના સૈનિકોમાં વધુ માત્રામાં તો આપણા રાષ્ટ્રના જ સૈનિકો છે. ભાઇ ભાઇને શહીદ બનાવવા પાછળ પડ્યા છે. તેવામાં સંધિપ્રસ્તાવ કોઇ ખોટી બાબત નથી.’, ટીપુ કક્ષના ઝરૂખામાંથી બગીચામાં બેઠેલી બાનુને નિહાળી રહ્યો હતો.

‘પરંતુ મહારાજ...! સંધિમાં આપણને નુકસાન વધુ છે. તેમની શરતો પ્રમાણે તો આપણી તિજોરી ખાલી થઇ જશે.’, પૂર્ણૈયાએ સંધિ પ્રસ્તાવનો કાગળ વાંચ્યો.

‘તિજોરી ફરીથી ભરતા આપણને વધુ સમય નહિ જાય. પણ જો આપણા સૈન્યબળમાં ઘટાડો હજુ પણ ઘટાડો નોંધાયો, તો રાજ્ય અને રાજાનું પદ બંને જશે. પછી તે તિજોરી બ્રિટીશ સરકારની બની જશે.’, ટીપુએ પ્રસ્તાવના દસ્તાવેજને પૂર્ણૈયા પાસેથી લઇને ટેબલ પર મૂક્યો, ‘વળી આ સંધિથી આપણને ફરીથી તૈયાર થવા માટે સમય મળી રહેશે. આપણું સૈન્યબળ પણ વધારી શકાશે. ત્યાર બાદ યોગ્ય સમયે આપણે બ્રિટીશ સરકાર સાથે યુદ્ધ કરીને સંધિમાં આપણા હાથમાંથી સરકી ગયેલ પૂર્ણ વિસ્તાર પાછા મેળવી લઇશું.’

પૂર્ણૈયા ટેબલ પાસેની ખુરશી પર બિરાજ્યો, ‘મહારાજ...! અત્યારે જો આપણે તેમની આગળ લાંબી લડત આપી શક્યા નથી, તો આજથી થોડા વર્ષો બાદ એ કેવી રીતે શક્ય બનશે?’

ટીપુ કક્ષમાં પૂર્વી દીવાલ પર બનાવેલ તેના ભીંતચિત્ર પાસે ગયો. તેણે ચિત્રમાં બનાવેલ તલવારના હાથા પાસે જરાક દબાણ આપ્યું અને ચિત્ર જમણી તરફ સરકી ગયું. ચિત્રની પાછળ નાની બખોલ હતી અને તેમાંથી એક હથિયાર ટીપુએ બહાર કાઢ્યું, ‘આ હશે આપણે જીત અપાવનાર...’

‘આ શું છે?’, પૂર્ણૈયાની આંખો પહોળી થઇ ગઇ.

‘આ છે, મારી શોધ. સુરોખાર(ગન પાવડર)થી ભરેલ નળાકાર, જેને બનાવવા માટે ધાતુનો ઉપયોગ કર્યો છે. આ તલવાર સાથે બાંધવાથી નળાકાર સ્થિર રહે છે. કોઇ પણ ઘોડાગાડીના ઉપરના ભાગ, અથવા તોપના ઉપરના ભાગ પરથી તેને છોડી શકાય છે. ૯૦૦ મીટરના અંતરમાં સમાયેલા કોઇ પણ વિસ્તાર પર આનાથી વાર કરી શકાય છે.’, ટીપુ હથિયારને ગર્વથી તાકી રહ્યો.

‘તમે આ વાત મને ક્યારેય કેમ ન જણાવી?’

‘પૂર્ણૈયા, દરેક વાતનો નિર્ધારીત સમય અને સંજોગ હોય છે. તે પહેલા કે પછી, તે વાતનો કોઇ અર્થ રહેતો નથી. આથી જરૂર સમયે અને જરૂર પ્રમાણે વાતનો દોર પકડવામાં અને જણાવવામાં જ એક રાજાની છબી દેખાય છે.’, ટીપુએ વાત આગળ વધારી, ‘અને આથી જ આપણે સંધિ અર્થે સ્વીકૃતિ આપી છે.’

‘પરંતુ મહારાજ, સંધિના એક ભાગરૂપે ત્રણ કરોડ તેંત્રીસ લાખ આપવાના થાય છે, અને જ્યાં સુધી બધી શરતોનું પાલન નહિ થાય, ત્યાં સુધી આપણા બે દીકરાઓ તેમના તાબામાં રહેશે.’, પૂર્ણૈયાએ સૌથી અઘરી સંધિ શરત કહી.

‘મારા દીકરાઓ વાઘ છે. તેઓએ આ શરતને મારી આજ્ઞા માનીને સ્વીકારી લીધી છે. ઝાઝો સમય તેમને બ્રિટીશ સરકારના તાબા હેઠળ હું રહેવા પણ નહિ દઉં.’, ટીપુએ તેનું હથિયાર ટેબલ પર મૂક્યું.

‘કેવી રીતે?’

‘ફરી હું એમજ કહીશ, પૂર્ણૈયા...’

‘હા...હા... મહારાજ! દરેક વાતનો નિર્ધારીત સમય અને સંજોગ હોય છે.’

*****

શ્રીરંગપટમ સંધિ

સંધિના ભાગરૂપી બ્રિટીશ સરકાર તરફથી વોલિસે ટીપુ પાસે સંધિ દસ્તાવેજ પર હસ્તાક્ષર લીધા. સંધિની એક શરત મુજબ ટીપુએ બ્રિટીશ સરકારને તેનું અડધું રાજ્ય સોંપી દીધું. ટીપુએ તેના બીજા અને ત્રીજા દીકરાને મરાઠાઓના હરિપંત અને નિઝામ વતી આઝમી-ઉલ-ઉમરાની સાક્ષીમાં વોલિસને સોંપ્યા. જ્યારે ટીપુના બંને દીકરાઓ બ્રિટિશરોની છાવણીમાં પ્રવેશ્યા ત્યારે તેમને ૨૧ તોપની સલામી આપવામાં આવી. બેઉને મેડોવે એક એક ઘડિયાળ ભેટ આપી. બે વર્ષ બાદ જ્યારે ટીપુ સંધિની શરતો પૂર્ણ કરવામાં સફળ થતો દેખાયો, તો બ્રિટીશરો એ બંને દીકરાઓને પાછા મૈસુર ટીપુ પાસે મોકલી આપ્યા.

*****

૧૭૯૪

‘આપણે તેના પુત્રોને પરત કેમ સોંપી દીધા?’, મેડોવ વોલિસ તરફ તાકી રહ્યો.

‘કારણ કે તેના દીકરાઓની આપણને કોઇ જરૂર નથી. યુદ્ધના કારણે થયેલ નુકસાન આપણે તેની પાસેથી ભરપાઇ કરાવી લીધું. રાજકુમારોની જેમ ઉછરેલા બે જવાનના શોખ પૂરા કરવામાં આપણે આપણું નાણું વ્યય કરવાનું નહોતું. આથી જ તેઓ ટીપુ પાસે જતા રહે તેમાં જ આપણને ફાયદો રહેલો. માટે સરકારે જ નક્કી કર્યું કે તાબા હેઠળ રાખેલા રાજકુમારોને પરત સોંપી દેવા.’, વોલિસે સરકારના આદેશની નકલ મેડોવને આપી.

મેડોવે આદેશ વાંચ્યો અને કહ્યું,‘તો હવે..., તેના દીકરાઓ આપણી પાસે હતા તો ટીપુની હરકતો પર આપણું નિયત્રંણ હતું. હવે તેની રમતો આપણી જાણ બહાર રહેશે.’

‘એવું નહિ થાય.’, વોલિસના ચહેરા પર સ્મિત ફરક્યું.

‘કેવી રીતે?’

‘તને યાદ તો હશે, પેલો વ્યક્તિ જેણે આપણને બેગેજ ટ્રેન પર થવાના હુમલા વિષે માહિતી આપી હતી.’, વોલિસે મેડોવ સામે ત્રાંસી નજર નાંખી.

‘હા! યાદ છે. કોણ હતો? તે તમે મને નહોતું જણાવ્યું. એ આપણને માહિતગાર કરશે?’

‘હા, તે આપણું છુપુ હથિયાર છે, ટીપુના રાજ્યમાં...’

‘કોણ છે તે?’

‘બુર્હાઉદ્દીન શહીદ…’

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED