વેધ ભરમ - 2 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 2

એક્ઝેટ અડધા કલાક પછી એક જીપ ઉમરા પોલીસ સ્ટેશનની સામે આવી ઊભી રહી. તેમાંથી ઉતરી રિષભ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો એ સાથે જ આખો સ્ટાફ ઊભો થઇ ગયો, અને બધાએ સેલ્યુટ મારી. રિષભે પણ સામે સેલ્યુટ કરી અને પી.આઇની ચેમ્બર તરફ આગળ વધ્યો. તે હજુ ચેમ્બર પાસે પહોંચે તે પહેલા પી.આઇ બહાર આવ્યાં અને તેણે પણ રિષભને સેલ્યુટ મારી અને બોલ્યા.

“પી.આઇ વસાવા ,ઇન્ચાર્જ ઓફ સ્ટેશન, સર” રિષભે વસાવા સાથે હાથ મિલાવતાં કહ્યું “તમારા આખા સ્ટાફને ઝડપથી અંદર બોલાવો.” આટલુ કહી રિષભ ચેમ્બરમાં દાખલ થયો અને પી.આઇની ખુરશીમાં બેઠો.” બીજી મિનિટે સ્ટેશનનો આખો સ્ટાફ તેની સામે ઊભો હતો. રિષભે સીધા જ મુદ્દા પર આવતા કહ્યું “હું રિષભ ત્રિવેદી, એસ.પી સુરત, ડૂમસમાં થયેલ મર્ડર કેસ સોલ્વ કરવા માટે અહી આવ્યો છું. તે સોલ્વ નહી થાય, ત્યાં સુધી મારુ હેડક્વાર્ટર અહીં જ છે. હવે પછી તમારે તમામે મને રીપોર્ટીંગ કરવાનું છે. આ એક અઠવાડીયા દરમિયાન તમારી ડ્યુટી ચોવીસ કલાકની છે તેવુ સમજી લો.” આટલુ બોલી રિષભ થોડુ રોકાયો અને પછી બોલ્યો “તમારે કોઇને કંઇ તકલીફ હોય કે કોઇ ઇમર્જન્સી કામ હોય તો મને જણાવશો, હું જવા દઇશ પણ આ એક અઠવાડીયુ આપણે આપણી સંપૂર્ણ તાકાત આ કેસમાં લગાવી દેવાની છે. ઓકે?”

“યસ સર.” બધાએ કહ્યું.

આ સાંભળી રિષભે હસીને કહ્યું “ઓકે, તો હવે તમે બધા તમારા કામે જઇ શકો છો.” બધા ગયાં એટલે રિષભે પી.આઇ વસાવાને કહ્યું “ક્રાઇમ સીન પર કોણ છે? ચાલો આપણે ત્યાં જવાનું છે.” આમ બોલી તે ચેમ્બરની બહાર નીકળ્યો. તેને આવતો જોઇ ડ્રાઇવરે જીપ પગથિયા પાસે ઊભી રાખી. રિષભ ડ્રાઇવરની બાજુમાં ગોઠવાયો અને પાછળની સીટ પર વસાવા બેઠાં. રિષભે ડ્રાઇવરને કહ્યું “ડુમસ જવા દે.” જીપ પુર ઝડપે ડુમસ તરફ ચાલવા લાગી. સુરતની પ્રગતિમાં સુરતની નજીક રહેલ દરીયાનો ખૂબ મોટો ફાળો હતો. બધી મોટી મોટી કંપનીઓ આ દરીયા કિનારે આવેલ હજીરામા આવેલી હતી. ડુમસ પણ સુરતની પાસે આવેલ બીજો દરીયા કાંઠો હતો. જે એક ફરવાના સ્થળ તરીકે પ્રખ્યાત હતુ. ડુમસ આમ તો દરિયા કિનારાનું નાનુ ગામ હતું પણ હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન થતા સુરતમાં સામેલ થઇ ગયુ હતુ. સુરતના આ દરીયા કાઠે સુરતના પૈસાદાર લોકોએ ફાર્મ હાઉસ બનાવેલા છે. આ ફાર્મ હાઉસ બધા નજીક આવેલા છે પણ આ બધા ફાર્મ હાઉસથી દુર એક ભવ્ય ફાર્મ હાઉસ આવેલુ છે. જો કે તેને ફાર્મ હાઉસ કહેવા કરતા રીસોર્ટ કહેવુ યોગ્ય કહેવાય. આ ફાર્મ હાઉસ દર્શન જરીવાલનુ છે. જેનુ આજે મૃત્યુ થઇ ગયુ છે. ડુમસ પર પહોંચી જીપ દર્શનના હાઉસમાં દાખલ થઇ. ફાર્મ હાઉસ ખૂબ મોટુ હતુ. રિષભને જીપ અંદર દાખલ થતા જ ફાર્મ હાઉસની ભવ્યતાનો ખ્યાલ આવી ગયો. આખા ફાર્મની વચ્ચે મોટુ બે માળનું બીલ્ડીંગ ઊભુ હતું. જીપ અંદર દાખલ થઇ અને અર્ધ ગોળાકાર ડ્રાઇવે પરથી પસાર થતી બીલ્ડીંગ પાસે ઊભી રહી. રિષભ જીપમાંથી ઊતર્યો અને તેણે આજુબાજુ નજર નાખી. આખા ફાર્મહાઉસની ફરતે સાત આઠ ફૂટ ઊંચી દિવાલ હતી. દિવાલને અડીને ઊંચા નાળિયેરીના ઝાડ હતા. ફાર્મહાઉસની બાંધણી પણ ખૂબ સરસ હતી. ફાર્મ હાઉસને બહારથી જોતા જ ખબર પડી જાય કે આ ફાર્મહાઉસનો માલિક ખૂબ જ ધનવાન છે. રિષભ પગથિયા ચડીને બીલ્ડીંગમાં દાખલ થયો. અંદર દાખલ થતા જ એક મોટો કોરીડોર હતો. જેની સામે ખુલ્લી જગ્યા હતી, જે સ્વીમીંગ પુલ સુધી જતી. સ્વીમીંગ પુલ પૂરો થતા સામે ગાર્ડન હતો જેમાં એક ઝૂલો મુકેલો હતો. ઝુલાની બાજુમાં ચાર પાંચ ખુરશી પડેલી હતી. દરવાજાની બાજુમાં જ એક સીડી ઉપર જતી હતી. તે સીડી ચડી રિષભ ઉપર પહોંચ્યો, ત્યાં બે ત્રણ માણસો ઊભા હતા. રિષભને જોતા જ તે લોકો અટેન્સનમાં આવી ગયા. રિષભ રુમમાં દાખલ થયો તો ત્યાં એક યુવાન પોલીસ ઓફિસર ક્રાઇમ સીનનુ નિરિક્ષણ કરી રહ્યો હતો, જે રિષભને જોતા જ અટેન્સનમાં આવી ગયો. રિષભ જોઇ તે ઓફિસરે પાસે આવી, સેલ્યુટ મારી અને બોલ્યો “પી.એસ.આઇ અભય ચૌધરી. સર.”

રિષભે તેની સાથે હાથ મિલાવ્યા અને પુછ્યું “બોડી ક્યાં છે?”

અભયે ઇશારો કરી કહ્યું “અંદર બાથરુમમાં છે. બાથટબમાં સૂતાં સૂતાં હાથની નસ કાપી લીધી છે સર.”

આ સાંભળી રિષભે અભય પાસેથી હાથ મોજા લીધા અને બાથરુમમાં દાખલ થયો. બાથરુમમાં દાખલ થઇ રિષભે જોયુ તો “એક વ્યક્તિ બાથટબમાં પડેલો હતો તેના ચહેરા પર ભય થીજી ગયો હતો. આખુ બાથટબ લાલ પાણીથી ભરેલુ હતું અને પાણી છલકાયને બહાર નીકળતુ હતુ. રિષભે પાસે જઇને એક એક વસ્તુ પર નજર ફેરવી, અને પછી નીચેની ફર્સ પર જોયુ તો એક બ્લેડ પડેલી હતી. રિષભ ધીમે ધીમે આખો ક્રાઇમ સીન મગજમાં ઉતારતો ગયો. રિષભની એક ખાસિયત હતી કે તે ક્રાઇમ સીનને એકદમ શાંતિથી નિહાળતો અને આત્મસાત કરતો, જેથી ક્રાઇમસીન હંમેશા તેના મગજમાં જ રહેતો અને તેને લીધે કેસની કોઇ પણ કળી તેની નજર બહાર રહેતી નહીં. તે જુદા જુદા કેસના ક્રાઇમ સીનને સરખાવી તારણ કાઢી શકતો. અત્યારે પણ રિષભ શાંતિથી ક્રાઇમ સીનની એકે-એક વસ્તુને ધ્યાનથી જોઇ રહ્યો હતો, અને મનોમન નોંધ કરી રહ્યો હતો. દશેક મિનિટ પછી તે બહાર આવ્યો અને તેણે અભયને કહ્યુ “ફોરેંસીક ટીમને બોલાવી કે નહીં?”

“હા, સર થોડીવારમાં પહોંચતી જ હશે.” અભયે કહ્યું.

“ અહીં ફાર્મહાઉસમાં બહાર સીસીટીવી કેમેરા છે, તેનુ ફુટેજ પણ ચેક કરી લે જો અને તેનુ રેકોર્ડીંગની સીડી બનાવી લઇ આવજો.”

“ઓકે સર” અભયે સંમતિ આપતા કહ્યું.

“આ વ્યક્તિ કોણ છે, તે ખબર પડી?”

“હા, સર આ દર્શન જરીવાલ છે. સુરતની એક મોટી હસ્તી છે. બધા જ તેને ઓળખે છે.” અભયે ઓળખાણ આપતાં કહ્યું.

“તેના પરિવારને જાણ કરી?” રિષભે પુછ્યું.

“હા, આ બહાર ઊભા છે, તે તેના કાકા છે.” અભયે માહિતી આપતા કહ્યું.

ત્યારબાદ રિષભે આખા બેડરુમમાં ફરી અને બધી જ વસ્તુ ચેક કરી અને બહાર ઊભેલા દર્શનના કાકાને રિષભે શાંત્વના આપતા કહ્યું “સોરી, પણ આ એક સરકારી પ્રક્રિયા છે એટલે તમને ડેડબોડીનો હવાલો મળતા થોડી વાર લાગશે. તમે નીચે બેસો અહીંનુ કામ પતશે પછી ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી જ તમને ડેડબોડી મળશે. તમને અગવડતા પડે છે તે હું સમજી શકુ છું પણ, આમા હું કંઇ કરી શકુ એમ નથી.” ત્યારબાદ રિષભે અભયને કહ્યું “ચાલો મારી સાથે. અને પછી ત્યાંથી નીકળી ગાર્ડનમાં ગયો. ત્યાં જઇ તેણે અભયને કહ્યું “જો આ કેસ થોડો સેંસીટીવ છે. ફોરેંસીક ટીમ આવે એટલે બાથરુમ, બેડરુમ અને ગાર્ડન તથા ફાર્મહાઉસની આખી જગ્યા ચેક કરાવજો અને જે પણ વસ્તુ મળે તેને ચેક કરવા માટે મોકલી આપજો. બીજુ બાથરુમમાં નીચે એક બ્લેડ પડેલી છે તે ખાસ ચેક કરાવજો.”

“ઓકે, સર.” અભયે કહ્યું.

કામ વગરની ખોટી વાતો નહીં કરવાની અભયની ખાસીયત રિષભને ગમી એટલે તેણે આગળ કહ્યું “ફોરેન્સીક કાર્યવાહી પતે એટલે બોડીને પોસ્ટ્મોર્ટમ માટે મોકલી આપજો. તેના મોબાઇલ અને જે પણ કાગળ મળે તે જમા લઇ લે જો. આ ફાર્મ હાઉસ સીલ કરાવી દે જો. એકાદ કોન્સટેબલને અહી ડ્યુટી પર મૂકી દે જો ” રિષભે ફટાફટ સુચના આપી અને પછી થોડુ રોકાઇને બોલ્યો “પોલીસને કોણે જાણ કરી?”

આ સાંભળી અભયે કહ્યું “અહીના ચોકીદારે સવારે લાસ જોઇને પોલીસને જાણ કરી હતી.”

“એ ચોકીદાર ક્યાં છે? બોલાવો તેને.” અને પછી ત્યાં પડેલી ખુરશીમાં રિષભ બેઠો.

થોડીવારમાં ચોકીદાર તેની સામે ઊભેલો હતો. રિષભે ઊપરથી નીચે સુધી તેને જોયો અને પછી પુછ્યું “તારુ નામ શું છે?”

“શુરપાલ સિંઘ.” પેલા ચોકીદારે ગભરાતા કહ્યું.

“તુ કેટલા સમયથી અહીં નોકરી કરે છે?” રિષભે પુછ્યું.

“લગભગ એક વર્ષ થયું.” ચોકીદારે કહ્યું.

“તારા સાહેબ કાલે અહીં ક્યારે આવેલા?” રિષભે પુછ્યું.

“એતો મને ખબર નથી. કાલે છ વાગાની આસપાસ મારા પર સાહેબનો ફોન આવેલો અને મને ચાવી કુંડામાં મૂકી જતુ રહેવાનું કહેલું.”

આ સાંભળતા રિષભને નવાઇ લાગી એટલે તેણે પુછ્યું “કેમ તું રાત્રે અહીં ચોકીદારી નથી કરતો?”

“સાહેબ, હું તો દિવસ રાત અહીં જ હોઉ છું પણ, ક્યારેક સાહેબનો ફોન આવે છે કે તારે રાત્રે જતુ રહેવાનું છે. ત્યારે હું જતો રહુ છું.” ચોકીદારે એકદમ ધીમા અવાજે કહ્યું.

“કેમ? એવુ તે શું હોય છે કે તારે જતા રહેવાનું હોય છે?” રિષભે આશ્ચર્યથી પુછ્યું.

“એ તો ખબર નહીં સાહેબ. મોટા માણસોના કેટલાય લફડા હોય છે. મારે તો મારી નોકરીથી મતલબ.” પેલા ચોકીદારે ચીલાચાલુ જવાબ આપ્યો.

“ આ પહેલા કેટલીવાર આવુ બન્યુ છે?” રિષભે પુછ્યું.

“આ પહેલા પણ બે ત્રણવાર આવુ થયુ છે.” પેલા ચોકીદારે કહ્યું.

“તને કોઇ શંકા ના ગઇ કયારેય?” રિષભે પુછ્યું.

“સાહેબ શંકા તો જાય પણ જો શંકાનુ સમાધાન કરવા જાય તો નોકરી જાય.” ચોકીદારે સીધો જ જવાબ આપ્યો.

“આ પહેલા ક્યારેય કાઇ અજુગતુ બન્યુ છે? રિષભે કહ્યું.

“ના” ચોકીદારે કહ્યું.

“તે સવારે આવીને શું જોયું?”

“મે જોયુ કે મેઇન ગેટ ખુલ્લો હતો એટલે હું સીધો ઉપર ગયો તો ત્યા પણ બેડરુમનો દરવાજો ખુલ્લો હતો. બેડરુમમાં તો કોઇ નહોતુ પણ બાથરુમમાંથી અવાજ આવતો હતો એટલે હું બાથરુમમાં ગયો. બાથરુમમાં જઇને જોયુ તો સાહેબ ત્યાં બાથટબમાં પડેલાં હતાં અને આખુ બાથરુમ લાલ પાણીથી ભરેલુ હતું. આ જોઇ હું ગભરાઇ ગયો અને બહાર આવી મે પૉલીસને ફોન લગાડ્યો અને સાહેબના ઘરે જાણ કરી.”

“તે ત્યાં કોઇ વસ્તુને હાથ અડાડ્યો હતો?”

“ના સાહેબ હું તો આ જોઇને સીધો જ ત્યાથી બહાર આવી ગયો હતો અને પછી અંદર ગયો જ નથી.” ચોકીદારે કહ્યું.

“તારા સિવાય કોઇ અહી ફાર્મ હાઉસ પર આવે છે?”

“હા, સાહેબ એક કામવાળી બહેન છે, જે રોજ બધી સાફ સફાઇ કરવા આવે છે અને પછી જતી રહે છે.”

આ સાંભળી રિષભે પુછ્યું “કાલે પણ તે આવી હતી?”

“હા કાલે તે સવારે આવી હતી અને બપોર સુધીમાં બધુ કામ પૂરુ કરીને જતી રહી હતી.”

“તારી પાસે તે બહેનના મોબાઇલ નંબર છે?’

“હા” ચોકીદારે ડોકુ હલાવી જવાબ આપ્યો.

“ઓકે. તું તારો મોબાઇલ નંબર અને એડ્રેસ આ સાહેબને લખાવી દે જે. અને તે બહેનનો નંબર અને નામ પણ લખાવી દે જે.જ્યારે બોલાવવામાં આવે ત્યારે પોલીસ સ્ટેશને આવી જજે. અને હા સ્ટેશને જાણ કર્યા વિના શહેર છોડતો નહીં. હવે તુ જઇ શકે છે.” આટલું બોલી રિષભ ઊભો થયો એટલે ચોકીદાર ત્યાથી જતો રહ્યો.

તે ગયો એટલે રિષભે અભયને કહ્યું “આના મોબાઇલની ડીટેઇલ્સ કઢાવજો. તે સાચુ બોલે છે કે ખોટુ તે જાણવુ પડશે. પેલી કામવાળી બહેનની પણ પૂછપરછ કરી લે જે” અને પછી થોડુ રોકાઇને બોલ્યો “આ બંને પાસેથી જેટલી નીકળે તેટલી માહિતી કઢાવજે.”

ત્યારબાદ રિષભ અંદર ગયો. ત્યાં પી.આઇ વસાવા તેની રાહ જોઇને ઊભા હતા. તેની પાસે જઇ રિષભે કહ્યું “ચાલો હવે અહીં આપણી જરુર નથી.” અને પછી જીપમાં બેસી રિષભે કહ્યું “સ્ટેશન પર લઇ લો.”

સ્ટેશન પર પહોંચી રિષભે પી.આઇને કહ્યું “સૌ પ્રથમ તો આ દર્શનની જન્મ કુંડળી કઢાવો. આજે તેના ઘરે તો નહીં જઇ શકાય. એક કામ કરો તેના બિઝનેશની માહિતી મેળવો. તેની ઓફિસ અને બિઝનેશ સેન્ટર પર તપાસ કરવી પડશે.” આટલુ બોલી તે રોકાયો અને પછી તેણે આગળ કહ્યું “પેલા એક કામ કરો. તમે દર્શનના કોલ રેકોર્ડ મેળવો અને તેના જેટલા બીઝનેસ છે તેમાં કામ કરતા માણસોનું લીસ્ટ બનાવો.” આજ સાંજ સુધીમાં આ દર્શનની આખી જનમ કુંડળી મારી સામે હોવી જોઇએ.”

“ઓકે સર, હું હમણા જ આ માટે નીકળું છું.” એમ કહીને વસાવા જવા માટે વળ્યો એટલે રિષભે કહ્યું

“આક કામ કરો આપણા આ સ્ટેશનના અંડરમાં કેટલા પી.એસ.આઇ છે?”

“બે પી.એસ.આઇ છે સાહેબ.” પી.આઇ વસાવાએ કહ્યું.

“ એક તો ત્યાં ક્રાઇમ સીન પર છે. બીજા પી.એસ આઇને બોલાવો.” રિષભે કહ્યું.

આ સાંભળી વસાવા બહાર ગયા અને થોડીવારમાં એક યુવાન સાથે ઓફિસમાં દાખલ થયાં. પેલા યુવાને આવતા જ સેલ્યુટ મારી અને બોલ્યો “પી.એસ આઇ હેમલ જોષી, સર”

“હેમલ તમારે આજથી બધા કામ પડતા મુકી, આ દર્શન જરીવાલની બધી વિગત મેળવવા લાગી જવાનું છે. તમે અત્યારથી જ કામે લાગી જાવ. તમારી સાથે જે પણ સ્ટાફ જોઇએ તે લઇલો પણ મારે સાંજ સુધીમાં દર્શનની આખી જનમ કુંડળી મારા ટેબલ પર જોઇએ.”

“ઓકે સર” હેમલે કહ્યું.

“અને કાઇ પણ જાણવા મળે મને કોંટેક્ટ કરવો. મારો સેલ નંબર લખી લેજો.” ત્યારબાદ હેમલે રિષભનો મોબાઇલ નંબર સેવ કર્યો અને ત્યાંથી નીકળી ગયો. તેના ગયા બાદ રિષભે પી.આઇ વસાવાને કહ્યું “તમે જઇને રિષભના મોબાઇલની છેલ્લા એક મહિનાની કોલ ડીટેઇલ્સ લઇ આવો.” આમ કહી રિષભ આગળ બોલ્યો તે સાંભળી પી.આઇ વસાવા ચોંકી ગયા.

---------------*********------------------------***********-------------------------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM