માણસની ફરજ મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

માણસની ફરજ

મારો રોજની જેમ નોકરીથી છૂટીને ઘરે જવાનો સમય થઈ ગયો, રોજની જેમ ટિફિન,હેલ્મેટ,બૅગ બધોજ સામાન લઈને હું પાર્કિંગમાં પહોંચ્યો. મારી મુસાફરીનું સાથી મારી મોટરસાયકલ મારી રોજની જેમ રાહ જોઈ રહી હતી. એની રાહ પુરી થઇ અને હું થઇ એની પર સવાર નીકળ્યો સુખના સાગર મારા ઘર તરફ. ઘર સુધી પહોંચતા પહેલા જ કડકડાટ વીજળીના કડાકા,આંધી તોફાન જેવો વાયરો શરૂ થયો અને જોતજોતામાં તો ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો.

આગળ રસ્તામાં કઇ પણ દેખાતું બંદ થવા લાગ્યું તો થયું મોટરસાયકલ રસ્તાની બાજુમાં ઊભી કરીને વરસાદ બંદ થવાની રાહ જોઈ લઉં એવો વિચાર આવ્યો કે જોતજોતામાં આવી વરસાદી રાત્રે એકલી રસ્તાની વચ્ચોવચ્ચ એક સ્ત્રી ઉભી હતી તેણીને જોઈ મને મનમાં બીક સાથે ચિંતાનો અનુભવ થયો.

બીકને જરાક હિંમતમાં ફેરવી મોટરસાયકલ બાજુમાં રોકી એમની પાસે ગયો અને મેં પૂછ્યું બેન આમ આટલી મોડી રાત્રે આવા ધોધમાર વરસાદમાં કેમ રસ્તા વચ્ચે ઉભા છો? તેણી કઈ જવાબ આપે એ પહેલાં જ તેણી રડવા લાગી. તેણીને રડતા જોઈ મારી ચિંતા વધી ગઇ મેં ફરીથી પૂછ્યું બેન રડો છો શા માટે? શું થયું છે? અહીંયા કેમ ઉભા છો? તેણીએ રડતાં રડતાં ધીમેથી કહ્યું હું નજીકની શાળામાં શિક્ષિકા છું, શાળામાંથી છુટયા પછી ગરીબ વર્ગના બાળકોને નિઃસ્વાર્થ ભાવે ભણાવવા જાઉં છું પછી ત્યાથી રોજ આ રસ્તા પરથી મારા સ્કૂટર પર ઘરે જઉં છું પરંતુ આજે મારા સ્કૂટરમાં પેટ્રોલ પૂરું થઈ જવાથી હું ઘર સુધી ના પહોંચી શકી અને વરસાદના લીધે અહીંયા રસ્તા પર જ ફસાઈ ગઈ. વરસાદના લીધે મોબાઇલમાં નેટવર્ક પણ આવતું ન હતું ઘરે મારા પતિ અને બાળકો પણ મારી રાહ જોતા હશે અને ચિંતા કરતા હશે અને અચાનક તમે અહીંયા આવીને પૂછવા લાગ્યા તો હું ગભરાઈ ગઈ માટે રડવા લાગી.

આ સાંભળી મેં બહેનને કહ્યું તમે ચિંતા ના કરો બેન હું પણ રોજ આ રસ્તા પરથી જ જાઉં છું અને નજીકના ગામમાં જ રહું છું,અને મને જોઈને ગભરાઈ જવાની જરૂર નથી હું પણ તમારા જેમ જ પારિવારિક માણસ છું મારે પણ ઘરે પત્ની, બેન, દીકરી છે હું તમારી વ્યથા સમજી શકું છું માટે તમે બેફિકર રહો. પછી મેં મારી મોટરસાયકલમાંથી પાણીની બોટલમાં પેટ્રોલ કાઢીને થોડુક એમના સ્કૂટરમાં નાખી આપ્યું. એમનું સ્કૂટર ચાલુ થઇ ગયું પછી જોતજોતામાં વરસાદ પણ બંદ થઇ ગયો પરંતુ અંધારું વધારે હતું તો બહેનને એમના ઘર સુધી મુકવા મારી મોટરસાયકલથી એમની સાથે જ ગયો.

એમનું ઘર આવી ગયું ત્યાંજ ઘરના દરવાજે એક દીકરો, એક દીકરી અને એમના પતિ એમની રાહ જોતા નજરે પડ્યા, પરિવારની આંખોમાં હળવાશ જોવા મળી, સાથે સાથે ચિંતા પણ દેખાઈ રહી હતી, તેમના પતિ પૂછે એ પહેલાં જ બેન એ વાત કરી બધીજ કે મેં કઈ રીતે એમને મદદ કરી. એ ભાઈ ઘરની બહાર આવીને મને ગળે ભેટયા જાણે મારા વર્ષોના મિત્ર હોય એ અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો અઘરો છે કે એમની ખુશી કેટલી હતી કે એમની પત્ની નિરાંતે ઘરે પહોંચી ગઈ. આખા પરિવારે મારો ખુબ આભાર માન્યો ત્યારે મેં ફક્ત એટલું જ કહ્યું કે મેં બસ મારા માણસ હોવાની ફરજ નિભાવી છે બસ એથી વિશેષ કઇ નય એમ કહી મે વિદાય લીધી અને મારા ઘર તરફ પ્રયાણ કર્યું. ઘરે પહોંચતા જ મારો પરિવાર મારી આતુરતાથી રાહ જોતો હતો એમને જોઈને ખુશીનો અનુભવ થયો અને આભાસ થયો કે તે પરિવારને પણ આવો જ અનુભવ થયો હશે.