anathaashramthi ghar sudhi books and stories free download online pdf in Gujarati

અનાથાશ્રમથી ઘર સુધી


સરકારી અનાથાશ્રમની વિદાય લેતા વેળા અમનની આંખો ભીની પરંતુ હોઠો પર એક મીઠું સ્મિત વર્તાય રહ્યું હતું. કારણ જ કાંઇક એવું હતું કે સ્મિત અને દુઃખનો અનુભવ એક સાથે થાય. અનાથાશ્રમની ઇમારતમાંથી બહાર નીકળી આશ્રમના ચોકમાં એની આંખ સમક્ષ જે દ્રશ્ય ખડું થયું એ આજ પહેલા એને ક્યારેય અનુભવ્યું નહોતું કે એની કલ્પના પણ નહોતી કરી.

એ દ્રશ્ય જોઇને અમન તો મંત્રમુગ્ધ થઈ ગયો ને વિચારોના વમળમાં ખોવાઇ ગયો. વિચાર કરતા કરતા ત્યાં પહોંચી ગયો જ્યાથી આ બધી વાતની શરૂઆત થઈ હતી. હજુ કાલની જ તો વાત છે કે મારું જીવન બસ કોરા કાગળની જેમ હતું ને આજે અચાનક એમાં આટલા બધા શબ્દો લખાઈ ગયા.

અમનની મનોદશા સમજાય એ માટે આપણે એના ભૂતકાળને જરાક ઝાંખી લઈએ. નાનપણમાં જ મમ્મી-પપ્પાનું કાર અકસ્માતમાં મૃત્યુ થતાં એના કાકા-કાકી એને પોતાને ઘરે રાખવા કે પ્રેમ આપવાને બદલે અનાથાશ્રમમાં છોડી ગયા. ધોરણ સાતમાં અભ્યાસ કરતો ત્યારથી અનાથાશ્રમમાં રહેતો અમન ખુબજ નાની ઉમરે ઘણી વેદના સાથે જીવન જીવવા લાગ્યો.

એણે નાનપણથી જ સ્વીકારી લીધું કે હવે એનું કોઈપણ નથી તો એને બધું આપમેળે જ કરવું પડશે અને જીવનમાં ખુબજ સંઘર્ષ કરવો પડશે. ધીમે ધીમે સમય વીતતાં અમન અનાથાશ્રમમાં બધાની સાથે હળીમળીને રહેવા લાગ્યો. હા ચોક્કસથી મા-બાપની ખોટ એને હમેશાં વર્તાય રહી હતી પરંતુ આશ્રમમાં બધા બાળકોને પણ આજ દુઃખ છે એવું જોતા એને પણ બીજાની જેમ જીવતા શીખી લીધું.

ભણવામાં ખુબજ હોશિયાર હોવાના લીધે નજીકની સરકારી શાળામાં અભ્યાસ શરૂ કર્યો ને જ્યાં સુધી શાળામાં ભણ્યો પ્રથમ, દ્વિતીય કે તૃતીય નંબર પર જ પાસ થતો જેથી એનું આત્મબળ દિવસે ને દિવસે વધવા લાગ્યું. ધોરણ બાર પછી અનાથાશ્રમના ઘણા વિદ્યાર્થી જ્યાં ત્યાં નોકરી કરવા લાગ્યા પરંતુ અમનને તો મન સરકારી ઓફિસર બનવાનું હતું જેથી કોલેજ શરૂ કરી દીધી અને સાથે સાથે અનાથાશ્રમમાં જ સરકારી નોકરીની તૈયારી પણ કરવા લાગ્યો.

આ સમયગાળા દરમિયાન પણ એ હમેશાં અભ્યાસ સાથે સાથે છૂટક કામ કરી લેતો જેથી એને એના અભ્યાસ અને જીવન જરૂરી સાધન ખરીદવામાં મદદ મળી રહે. સમય વિતવા લાગ્યો ને અમનનો કોલેજનો અભ્યાસ પુરો થયો. હવે અભ્યાસ પુરો થતા એની પાસે ઘણો સમય વધવા લાગ્યો માટે એને અનાથાશ્રમમાં જ નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું જેથી એને એના અભ્યાસમાં પુનરાવર્તન પણ થઈ જાય અને બાળકોને પણ શીખવા મળી જાય.

જય જલારામ નામના ભોજનાલયની ટિફિન સેવા ઘરે ઘરે પહોંચતી હતી. એ ઘરે ઘરે ટિફિન પહોંચાડી આપનારમાં એક અમન પણ દાખલ થયો. હવે રોજ ઘરે ઘરે ટિફિન આપવાનું શરૂ જેમાં એને સારા એવા પૈસા પણ મળતા જેથી એ એના પુસ્તકો અને જરૂરી વસ્તુ ખરીદી શકતો હતો. જેથી એને ક્યારેય કોઇની સામે હાથ ફેલાવવાની નોબત નહોતી આવી.

રોજ બપોરે બાર વાગે એટલે સરસ્વતી સોસાયટીમાં રહેતા અમુક વિદ્યાર્થીઓને ટિફિન આપવા પહોંચે. સાયકલ લઇને ટિફિન આપવા જાય ત્યારે હસમુખો ને બોલકો હોવાના લીધે સોસાયટીમાં આવતા જતાં બધા સાથે ખુબજ સારો વર્તાવ કરતો. જ્યાં ટિફિન આપવા જાય એના બે-ત્રણ ઘર છોડીને એક ઘરની બહાર એક દાદી રોજ ખુરશી લઈને બેઠા હોય.

એ રોજ આવતા જતા દાદીને કેમ છો દાદી? તબિયત કેવી છે? જમ્યા કે નઈ? એમ સાયકલ પરથી જ પૂછ્યા કરે. દાદી પણ એને હાથ ઊંચો કરી મોઢાં પર સ્મિત સાથે કહે બેટા......! ઠીક છું. જમી પણ લીધું ને હવે આરામથી બેઠા. રોજ આવતા જતા આ રોજિંદી વાત થઈ ગઈ. એક પણ દિવસ ખાલી ના જાય કે અમન દાદીને કઈ કહ્યા વિના આગળ વધી જાય.

જાણે અજાણે એક એવો સંબંધ થઈ ગયો કે અમન ટિફિન આપવા જાય તો એને મનમાં એમજ હોય દાદી હમણાં દેખાશે. ને પાછા દાદી પણ જાણે એની જ રાહ જોઈને બેઠા હોય અમનને જોતા જ એમના મુખ પર એક અદ્ભુત પ્રકારનું સ્મિત ઉભરાઈ આવે. કહેવાય છે ને કે અમુક સંબધ બાંધવા ના પડે બંધાય જાય એવો જ કાંઇક આ સંબંધ બંધાઈ ગયો.

રોજની જેમ અમન બારના ટકોરે ટિફિન લઈને પહોંચ્યો પણ આજે એની નજર જેમને શોધતી હતી એ દેખાયા નહીં. અમનને મન તો જાણે આભ તૂટી પડયું. એને ઘણા સમય પછી દુઃખની વેદના થઈ જાણે એનાથી કોઈએ કઈ છીનવી લીધું હોય. લાગણીઓના તાર કાંઇક એવા બંધાઈ ગયા હતા કે એનાથી રહી શકાયું નહીં તો એને ઘરના દરવાજે ટિફિન લેવા આવેલ ભાઈને ધીમા સાદે પૂછ્યું આજે પેલા દાદી કેમ દેખાતા નથી?

અરે....! આજે દાદીનો જન્મદિવસ છે. તો અહીંયા એમનું કોઈ રહેતું નથી. એમના બંને દીકરા-દીકરી વિદેશ રહે છે. તો સવારના ઉદાસ થઈને બેઠા છે પેલા ભાઈએ જણાવ્યું.

અને દાદા.....? અમને પુછ્યું.

એતો થોડાક મહિના પહેલાં જ ગુજરી ગયા. ને કદાચ વધુ ઉદાસ એટલે જ હશે કે ગયા વર્ષે દાદા એમના જન્મદિવસ વખતે સોસાયટીવાળાને ભેગા કરીને દાદીનો જન્મદિવસ મનાવ્યો હતો ને આ વખતે કોઈ છે જ નઈ એવું ભાઈએ કહ્યું.

ઠીક છે ભાઈ....! અમને આટલું કહીં વિદાય લીધી.

અમનને મન શું વિચાર આવ્યો કાંઈ ખબર ના પડી કે ત્યાંથી નીકળી અમન સીધો જ બેકરીવાળાને ત્યાં પહોંચ્યો કેક લેવા. બેકરી પહોંચી કેકવાળાને કેક આપવા કહ્યું. કેકવાળાએ કેકના બસો રૂપિયા માંગતા ખિસ્સામાં હાથ નાખીને પૈસા કાઢયા તો એક સો રૂપિયાની નોટ નીકળી. કેકવાળાએ કહ્યું શું નામ લખું....? અમન કાંઇ બોલ્યો નહીં.

ફરી કેકવાળાએ પુછ્યું ભાઈ કેક ઉપર શું નામ લખું? અમન ઉદાસીનતા સાથે બોલ્યો મોટાભાઈ નામ નથી ખબર મને અને તમે કેક પણ રહેવા દો નથી લેવી.

ભાઈએ કહ્યું કેવી વાત કરો છો નામ નથી ખબર? ને અચાનક હવે કેક કેમ નથી લેવી? વાત શું છે એતો જણાવો મને.

અમને બધીજ વાત વિસ્તારપૂર્વક જણાવી સામે ઉભેલા ભાઈની આંખમાંથી આંસુ આવી ગયા ને બોલ્યા મિત્ર તું અનાથાશ્રમમાં રહે છે, દાદીનું નામ પણ નથી જાણતો ને તું એમનો જન્મદિવસ મનાવવા માટે કેક લેવા આવ્યો છે ને પૈસા પણ નથી તારી પાસે છતાં તું અહીંયા સુધી બસ એ દાદીના મુખ પર સ્મિત લાવવા માટે આવ્યો છે. મિત્ર તે સાબિત કરી દીધું કે માનવતા હજું જીવિત છે લે આ કેક મારા તરફથી લઈ જા અને કેક ઉપર હેપ્પી બર્થ ડે દાદી જ લખી આપું છું ને મારા તરફથી દાદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું ભુલાય નઈ બસ.

અમન આટલું સાંભળી બોલ્યો ઠીક છે હું કેક લઈ જાઉં છું પણ આ સો રૂપિયા તમારે લેવા જ પડશે નહિતો મને ખુશી નહીં થાય કે હું દાદી માટે કેક લઈને જઈ રહ્યો છું. તો એ ભાઈએ અમનનું માન રાખી સો રૂપિયા લઈ લીધા પછી અમને ત્યાંથી વિદાય લીધી ને પહોંચ્યો સીધો દાદીના ઘરે.

ઘરે જઈ ડોર બેલ વગાડી. દાદીએ જેવો દરવાજો ખોલ્યો એમની નજરે અમન પડ્યો. અમનને જોઈ હમેશાંની જેમ એમના મુખ પર સ્મિત આવી ગયું. દાદી બોલ્યા બેટા......!તને આજે ક્યાંથી સમય મળી ગયો મારા આંગણે પધારવાનો.

આજે મારા દાદીનો જન્મદિવસ છે તો ઘર આંગણે તો આવવું જ પડે ને એમ કહી દાદીના પગે પડી આશીર્વાદ લીધા. દાદીની આંખ ભીની થઈ ગઈ ને બોલ્યા બેટા.....! તારું નામ પણ નથી જાણતી હું ને તું મારી માટે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે કેક લઈને આવ્યો છે ધન્ય છે તારા મા-બાપના સંસ્કારને બેટા......!

દાદીની વાત વાત સાંભળી અમન રડવા લાગ્યો. દાદી ચિંતામાં મુકાઈ ગયા ને બોલ્યા બેટા શું થયું કેમ રડે છે?

મારું કોઈ નથી દાદી.....! હું અનાથ છું. ને અહીંયા સરકારી અનાથાશ્રમમાં જ રહું છું. દાદી અમન સામે જોઈ રહ્યા ને બોલ્યા બેટા આટલી નાની ઉમરમાં આટલું મોટું દુઃખ તે કેવી રીતે વેઠી લીધું એમ કહી અમનના માથે હાથ મુકી દાદીએ આશીર્વાદ આપ્યા. જેવો હાથ મુક્યો માથે કે અમનના ફોનમાં મેસેજ ટોન વાગી.

મેસેજ ટોન સાંભળતાં ફોન કાઢી જોયું તો ઈમેલ આવેલ હતો. ઈમેલ ખોલતાં જ અમન જાણે ગાંડો જ થઈ ગયો હોય એમ ખુશ ખુશ થઈ ગયો ને દાદીને ગળે ભેટી પડ્યો. દાદી બોલ્યા બેટા શું થયું મને જણાવ તો ખરો.....! દાદી બે મહિના પહેલા મેં સેક્શન ઓફિસરની પરીક્ષાનું ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં હવે હું પાસ થઈ ગયો છું અને હું ક્લાસ વન ઓફિસર બની ગયો છું.

દાદી સાંભળીને ખુબજ ખુશ થઈ ગયા ને બોલ્યા આ વાત પર તો મોઢું મીઠું થઈ જાય. તો અમન બોલ્યો હા એટલે કેક કાપીને જ મોઢું મીઠું કરીએ એમ કહી કેક કાપી જન્મદિવસની ઉજવણી સાથે સાથે અમનની સરકારી નોકરીમાં સફળતાની ખુશી મનાવી.

દાદી મને માફ કરજો હું તમારી માટે કાંઈજ ભેટ ના લાવી શક્યો અમન બોલ્યો.

બેટા......! જે તે કર્યું છે એ કાંઈ ભેટથી ઓછું માને છે તું.....? મારી માટે હવે મારા દીકરા દીકરીને પણ સમય નથી અને તું મારી માટે સમય કાઢીને અહીંયા આવ્યો છે એજ મારી માટે સર્વસ્વ છે. પણ હા એક ભેટ છે જેની હું દિલથી ઇચ્છા ધરાવું છું ને તું ઇચ્છે તો એ આપી પણ શકે છે દાદી બોલ્યા.

અરે.....! બોલોને દાદી....! શું જોઈએ છે તમારે....? જે પાછો હું આપી શકું એવું જ.....! અમને પુછ્યું.

હું ઇચ્છું છું કે તું અનાથાશ્રમ છોડીને અહીંયા મારી સાથે રહેવા આવી જાય. હું તને મારા દીકરા તરીકે સ્વીકારવા ઇચ્છું છું. તારી રજા હોય તો હું રાજીખુશીથી તને આપણા આ ઘરમાં લાવવા ઇચ્છું છું દાદીએ દિલ ખોલી વ્યક્ત કર્યું.

દાદી.....! તમે જે કહીં રહ્યા છો એ મને કાંઈજ સમજાતું નથી. કારણ કે મેં અનાથાશ્રમને જ મારું ઘર માની લીધું છે ને હવે અચાનક આ પરિવર્તન. મને તો આશા પણ નહોતી કે હું ક્યારેય ઘરમાં રહીશ ને તમે મને ઘરમાં દીકરાની જગ્યા આપવાની વાત કરો છો. મારી માટે તો આ સારી વાત કહેવાય કે મને "મા" નો આશરો મળે પણ શું હું સારો દીકરો બની શકીશ એ પ્રશ્ન થાય છે મનમાં માટે હું જ્યાં છું ત્યાં ઠીક છું પણ હા હું તમને આજથી "માં" જ કહીશ ને એનું પાલન પણ કરીશ અમને કહ્યું.

તું પણ ખરો છે હા બેટા.....! મને મા પણ કહે છે અને કહેવું પણ નથી માનતો. જો મને ખરેખર મા માનતો હોય તો કોઈપણ દલીલ વિના મારી સાથે અહીંયા રહેવા માટે આવી જા બસ બીજું કાંઈજ નહીં દાદી હકથી કડકાઈ સાથે બોલ્યા.

ભલે તમે કહો એમ "મા" અમન બોલ્યો.

ઠીક છે તો તું જા અનાથાશ્રમ અને તારો બધો સામાન પેક કરી દે હું સાંજે તને લેવા આવું છું દાદીએ કહ્યું.

વિચારોના વમળમાંથી બહાર આવી અમન ચોકમાં જોવે છે તો આખો અનાથાશ્રમ ભેગો થયેલો એને વિદાય આપવા માટે. નાના મોટા દરેકની આંખમાં અમન માટે પ્રેમની લાગણી અનુભવાઈ રહી હતી. ને વિરહની વેદના જેટલી અમનને હતી એટલી જ કદાચ આશ્રમમાં રહેતા દરેક વ્યક્તિને વર્તાય રહી હતી કેમકે આ આશ્રમ ફક્ત આશ્રમ ના રહેતા એક ઘરમાં પરિવર્તન પામી ગયું હતું.

જેમાં દરેક સભ્યને એકબીજા માટે અઢળક લાગણીઓ બંધાઈ ગઈ હતી. જોતજોતામાં નાના નાના બાળકો બધાજ અમનને ભેટી પડ્યા ને બોલ્યા અમનભાઈ તમે જતાં રહેશો તો અમને ભણાવવા કોણ આવશે? અમન બોલ્યો ચિંતા ના કરો હું અહીંયા જ છું તમને ભણાવવા રોજ આવીશ આટલું સાંભળતાં બાળકો ખુશ થઈ ગયા.

આશ્રમના દરવાજેથી દાદી અંદર પ્રવેશ્યા અને બધાજ બાળકોને એમના જન્મદિવસની અને અમનની નોકરીના શુભ દિવસની મીઠાઈ, ચોકલેટ અને ચવાણું આપ્યું ને બોલ્યા બધા અમનની જેમ ખુબ મન લગાવીને ભણવામાં ધ્યાન આપજો તો કાલે ભાઈની જેમ ઓફિસર બની શકશો.

વિદાય લેતા પહેલા અમન અનાથાશ્રમના છાત્રપાલના આશીર્વાદ લઈ ગળે ભેટી ખુબ રડ્યો અને બોલ્યો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને એક જ દિવસમાં માબાપની છબીમાં એક "મા" મળી જશે. એમના આશીર્વાદ મળતાં જ નોકરી મળી જશે. હું પોતાને ખુબજ નસીબદાર માનું છું કે મારા જીવનમાં હવે બધું સારું થઈ જશે. પરંતુ હું પ્રયાસ કરીશ કે પોતાની જાતને ક્યારેય આશ્રમથી દૂર ના કરું કેમકે આ જ મારું પહેલું ઘર છે જ્યાં મેં જીવનના બધાજ પાઠ શીખ્યા છે.

છાત્રપાલ સાથે વાત કરતા દાદી બોલ્યા તમારો ખુબ ખુબ આભાર કે તમે આટલા બધા બાળકોના પાલનહાર બન્યા છો અને એ પણ ખુબ સારા સંસ્કાર સાથે બાળકોને સાચી દિશામાં વધારી રહ્યા છો ધન્ય છે તમારા જેવા વ્યક્તિત્વને.

ચાલ બેટા......! હવે આપણા નવા ઘર તરફ પ્રયાણ કરીએ દાદી બોલ્યા ને પછી અમન એની નવી જિંદગી તરફ આગળ વધ્યો. કહેવાય છે ને કે સમય બદલાય છે સાચી વાત છે બસ તમારે તમારા ખરાબ સમયને કોસવાને બદલે તમારી જાતને સાચી દિશામાં લઈ જવાની જરૂર છે.



બીજા રસપ્રદ વિકલ્પો