બીજા દિવસે નક્કી થયા મુજબ બધા બહાર નીકળ્યા અને કામે લાગ્યા.
નિયાબી: માતંગી આપણે યામનની લોક વ્યવસ્થાઓ થી શરૂઆત કરીએ. જોઈએ કે યામનમાં લોકો માટે શુ શુ સુવિધાઓ છે?
માતંગી: જી રાજકુમારી.
એ લોકો એ પાણીની વ્યસ્થાથી શરૂઆત કરી. યામનમાં સરસ મોટા તળાવો અને કુવાઓ હતા. લોકો કોઈપણ તકલીફ વગર એનો ઉપયોગ કરી રહ્યા હતા. ખેડૂતો પણ પોતાની ખેતી માટે એનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યાં સરસ મોટા બે ઔષધાલયો પણ હતા. જેમાંનું એક લોકો માટે ને બીજું રાજમાં કામ કરતા સૈનિકો, સેનાપતિઓ અને બીજા લોકો માટે હતું. ત્યાં સરસ વ્યવસ્થાઓ હતી. કોઈપણ સમસ્યા ત્યાં નહોતી.
યામનમાં સરસ મોટી પાઠશાળાઓ હતી. જ્યાં બાળકો જુદી જુદી વસ્તુઓનો અભ્યાસ કરી રહ્યા હતા. ત્યાં દરેક કોમના અને દરેક જગ્યાના બાળકો ખુશી ખુશી ભણી રહ્યા હતા. આ ત્રણ વસ્તુ જોઈ ઝાબી, નિયાબી અને માતંગીને કઈક પણ અજુગતું ના લાગ્યું. બધું એકદમ બરાબર હતું. પેલા પંડિતજીએ કહ્યું હતું એવું કઈ એમને લાગ્યું નહિ. એ લોકો આગળ વધ્યા.
ઓનીર અને અગીલાએ લોકોની કામ કરવાની જગ્યાએ થી શરૂઆત કરી. સૌથી પહેલા એમણે અસ્ત્રશાળા જોઈ. જ્યા અલગ અલગ પ્રકારના અસ્ત્રો બનાવવામાં આવતા હતા. પણ સુરક્ષાના કારણે તેઓ અંદર જઈને જોઈ ના શક્યા. એ પછી તેઓએ નાના નાના કામો કરતા લોકોને જોયા. એ લોકો પોતાનું કામ ખુબ શાંતિ અને એકાગ્રતાથી કરી રહ્યા હતા. બજારોમાં લોકોને જોઈતી બધીજ વસ્તુઓ મળી રહી હતી. લોકો ખરીદી પણ કરી રહ્યા હતા. વેપારીઓ અને હાટડીઓવાળા બુમો પાડી પોતાની વસ્તુઓની ખૂબીઓ બતાવી લોકોને ખરીદવા માટે આકર્ષિત કરી રહ્યા હતા.
કંઈપણ અજુગતું હતું નહિ. બધું જ બરાબર હતું.
ઓનીર: અગીલા તને કઈ અજુગતું લાગે છે?
અગીલા: ના ઓનીર કંઈપણ નથી લાગતું.
ઓનીર: તો શુ પેલા પંડિતજીની વાત ખોટી હશે?
અગીલા થોડો વિચાર કરી બોલી, ના ઓનીર મને નથી લાગતું. એ આપણા જેવા મુસાફરોની સામે ખોટું શા માટે બોલે? આપણી પાસે એમને શુ અપેક્ષા હોય? પણ તને શુ લાગે છે?
ઓનીર: તારી વાત બરાબર છે. મને નથી લાગતું કે એ સાધુ મહારાજ ખોટું બોલતા હોય. પણ ખબર નહિ કેમ એમની વાતો સાથે આ માહોલ કઈ જોડાતો નથી. ક્યાં તો આપણે જે જોઈ રહ્યા છીએ એ સાચું છે. ક્યાં તો જે દેખાય રહ્યું છે એ માત્ર દેખાડો છે. પણ હકીકત કઈક અલગ છે. તને શુ લાગે છે?
અગીલા: મને પણ એમ જ લાગે છે. પણ ચાલ આગળ જોઈએ.
એ લોકો આગળ વધવા લાગ્યા. ત્યાં અચાનક સામેથી એક વ્યક્તિ દોડીને એમની તરફ આવી રહ્યો હતો. એણે એનો ચહેરો કપડાથી ઢાંકેલો હતો. એના હાથમાં તલવાર હતી. ને એની પાછળ પાંચ સાત સૈનિકો પણ તલવાર લઈને દોડી રહ્યા હતા. એ વ્યક્તિ ઓનીર અને અગીલાને ધક્કો મારી આગળ વધવા લાગ્યો. સૈનિકો પણ એની પાછળ દોડવા લાગ્યા. ધક્કો વાગવાના કારણે અગીલા નીચે પડી ગઈ. ઓનીરે એને ઉભી કરતા પૂછ્યું, બરાબર છે ને? કઈ વાગ્યું તો નથી ને?
અગીલા: ના ઓનીર હું ઠીક છું. પણ આ કોણ હતું?
ઓનીર: કોઈ ચોર હશે. કઈક ચોરી કરી હશે એટલે સૈનિકો એની પાછળ દોડી રહ્યા છે.
આ સાંભળી એમની બાજુમાં ઉભેલો એક વૃદ્ધ આદમી એકદમ ગુસ્સામાં બોલી પડ્યો, ચોર નથી એ. એક સાચો સિપાહી છે.
વૃદ્ધની વાત સાંભળી ઓનીર અને અગીલા નવાઈ પામ્યા.
અગીલા: એ સિપાહી છે તો ચોરની જેમ મોં કેમ છુપાવ્યું છે? ને આમ ભાગી કેમ રહ્યો છે?
વૃદ્ધએ આંખો કાઢી અગીલા સામે જોયું ને પૂછ્યું, તને ખબર છે કે એ ચોર છે? તું એને જાણે છે?
અગીલા: ના નથી ખબર અને જાણતી પણ નથી.
પેલો વૃદ્ધ ગુસ્સે થતા બોલ્યો, તો શા માટે એને ચોર કહે છે? કોઈને પણ જોઈને એના માટે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. પછી એ વૃદ્ધ ચાલતા ચાલતા બોલતા હતા, જોયા જાણ્યા વગર બિચારાને ચોર બનાવી દીધો. ખબર તો છે નહિ ને બોલે છે. પછી એ એમજ બોલતા બોલતા ચાલવા લાગ્યા.
ઓનીર અને અગીલા પ્રશ્નવાચક દ્રષ્ટિએ એકબીજાની સામે જોવા લાગ્યા. તેઓ ત્યાં બાજુમાં મીઠાઈની હાટડીએ ઉભા રહ્યા ને મીઠાઈ ખાવા માટે ખરીદવા લાગ્યા. પેલો મીઠાઈવાળો બધું સાંભળી ગયો હતો. એણે મીઠાઈ આપતા ઓનીરને પૂછ્યું, પરદેશી છો?
ઓનીરે મીઠાઈ લેતા કહ્યું, હા.
મીઠાઈવાળો: એટલે જ ખબર નથી કે એ કોણ હતો? તમે અહીં કોઈને પણ એ વ્યક્તિ વિરુદ્ધ કંઈપણ કહેશો તો આમ જ સાંભળવું પડશે.
ઓનીર અને અગીલાને એની વાતમાં રસ જાગ્યો. ઓનીરે પૂછ્યું, કેમ? એની હરકત જોઈને તો એ ચોર જ લાગતો હતો.
મીઠાઈવાળો: શાંત થાવ પરદેશી. વધુ કઈ બોલશો નહિ. એ કોઈ ચોર નહોતો. એ તો યામનનો મદદગાર, તારણહાર છે. આ યામનમાં એના સિવાય બીજો કોઈ બહાદુર બચ્યો નથી જે રાક્ષસો સામે લડે.
અગીલા: રાક્ષસો? ક્યાં છે રાક્ષસો? ને રાક્ષસો સામે લડનારને આમ ભાગવું કેમ પડ્યું?
મીઠાઈવાળો: બેન તમે પરદેશી છો એટલે નહિ સમજો. બસ એટલું જાણી લો કે એ કોઈ ચોર નહોતો.
ઓનીરને કઈક અજુગતું લાગ્યું એટલે એ બોલ્યો, માફ કરશો ભાઈ અમે અજાણ છીએ એટલે ભૂલ થઈ ગઈ. હું આમના તરફથી ક્ષમા માંગુ છું.
મીઠાઈવાળો: કઈ નહિ ભાઈ હું સમજુ છું. કદાચ હું પણ તમારી જગ્યાએ હોવ તો એમજ સમજુ.
ઓનીરે ખૂબ સાવધાની અને જાણવાના ઈરાદાથી પૂછ્યું, ભાઈ એ મદદગાર કોણ હતો?
મીઠાઈવાળાએ હસીને કહ્યું, કંજ.
ઓનીરને નામ જાણી આનંદ થયો. પણ આગળ એણે કઈ પૂછ્યું નહિ. એણે વિચાર્યું, હું પંડિતજીને પૂછીશ. એ તો જાણતા જ હશે. પછી ઓનીરે પેલા ભાઈનો આભાર માન્યો અને ત્યાંથી આગળ ચાલ્યા.
અગીલા: તને શુ લાગે છે? એ ભાઈ જે કહેતો હતો એ સાચું છે?
ઓનીર: હા અગીલા એ સાચું કહેતો હતો. અહીં જરૂર કઈક છે જે દેખાતું નથી. પણ કઈ નહિ આપણે હવે મંદિરે જઈએ. ઘણું મોડું થઈ ગયું.
સાંજે એ લોકોએ જે કંઈપણ જોયું એની ચર્ચા કરી. પણ કઈ અજુગતું નહોતું એક સિવાય. ને એ હતું ઓનીર અને અગીલાને અથડાયેલો કંજ.
ઝાબી: તો હવે આગળ શુ કરવું છે?
નિયાબી: સૌ પ્રથમતો આપણે પંડિતજી પાસે જઈએ. ને એમને પૂછયે કે એમણે કહેલી વાતો સાથે આપણે જે જોયું એ કેમ અલગ પડે છે? પછી આગળ વિચારીશું.
ઓનીર: હા પહેલા આપણે પંડિતજીને મળીએ. કદાચ કઈક મળી જાય.
એ લોકો પંડિતજી પાસે ગયા. એ મંદિરના ઓટલે બેસી રૂની વાટ બનાવી રહ્યા હતા. પંડિતજી એ એમને જોઈ આવકાર્યા અને બેસવા માટે કહ્યું.
નિયાબી: પંડિતજી.......
પણ નિયાબી કઈ કહે એ પહેલાજ એ બોલ્યાં, હું જાણું છું તમે શુ પૂછવા ઈચ્છો છો. મારી કહેલી વાતો અને તમે જોયેલી પરિસ્થિતિ અલગ અલગ છે એમજ ને?
બધાએ પંડિતજી સામે જોયું. પણ કોઈ કઈ બોલ્યું નહીં.
પંડિતજીએ સરસ સ્મિત કરતા કહ્યું, ઘણીવાર આંખે જોયેલું સાચું નથી હોતું. પણ સચ્ચાઈને જોવા માટે જે દેખાતું હોય એનું ઉંડાણ તપાસવું પડે.
ઓનીર: પંડિતજી આ કંજ કોણ છે?
પંડિતજીએ ઓનીરની સામે જોયું ને પૂછ્યું, સૌથી પહેલા તમે મને કહો કે તમે કોણ છો? કોઈ પરદેશી કે પછી??????
પરદેશી છે પંડિતજી. પણ જાણીતા પરદેશી છે. પોતાના કહેવાય એવા પરદેશી છે.
બધા જોવા લાગ્યા કે કોણ બોલ્યું? ચારેતરફ જોયું પણ કોઈ હતું નહિ.
ઓનીર: કોણ છે? સામે આવો?
પંડિતજીએ હસીને કહ્યું, એ સામે આવી જશે. પહેલા તમે તમારી સાચી ઓળખ આપો.
ઓનીરે નિયાબી સામે જોયું. બધા નિયાબીને જોઈ રહ્યા હતા.
નિયાબી સમજી ગઈ કે આ લોકો કેમ એને જોઈ રહ્યા છે. કેમકે એની પરવાનગી વગર કોઈની ઓળખ છતી થઈ શકે એમ નહોતું. એટલે નિયાબીએ પંડિતજી સામે જોયું ને બોલી, હું નિયાબી રાયગઢ.....
રાયગઢના રાજકુમારી નિયાબી. ને હવે રાયગઢના રાજા નિયાબી, ફરી કોઈક બોલ્યું.
નિયાબી ઉભી થઈ ગઈને બોલી, સામે આવી જાવ. જો વાત જ કરવી હોય તો સંતાવાથી કોઈ ફાયદો નથી. અમે પણ મદદગાર છીએ.
પંડિતજીએ ઉભા થઈ પોતાનું માથું નિયાબી સામે નમાવી અભિવાદન કર્યું.
ત્યાં એક ઝાડ પરથી એક યુવાન કૂદીને નીચે આવ્યો. એનો ચહેરો ઢાંકેલો હતો. ઓનીર અને અગીલા એને જોઈ ખુશ થઈ ગયા.
અગીલા તરત જ બોલી, કંજ? રાજકુમારી આ કંજ છે.
કંજે પોતાના ચહેરા પર ઢાંકેલું કપડું હટાવી દીધું અને નમીને રાજકુમારીનું અભિવાદન કર્યું.
બધા એને જોઈ રહ્યા. પચ્ચીસેક વર્ષનો ખડતલ યુવાન હતો એ. એની આંખોમાં જોરદાર તેજ હતું. એની ભુજાઓ જોઈ લાગતું હતું કે ભલભલાને પછાડી દે એવી એની તાકાત હશે. દેખાવે સોહામણો લાગે એવો હતો. એ હસતા ચહેરે વારાફરતી બધાને જોવા લાગ્યો. એના ચહેરા પર એક અજબનું આકર્ષણ હતું.
ક્રમશ...............