રાઈટ એંગલ - 34 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 34

રાઈટ એંગલ

પ્રકરણ–૩૪

બીજા દિવસથી કશિશ કોફી હાઉસથી ઘરે આવે તે સમયે જ ધ્યેય એના ઘરે આવવા લાગ્યો. એ કશિશને થાય તેટલી મદદ કરતો. બન્ને સાથે મળીને જમવાનું બનાવતા અને જમતાં. જાત જાતની વાનગી બનાવવાની ટ્રાય કરતાં, ધ્યેય કોર્ટની વાત કરતો, કશિશ કોફી હાઉસ વિશે વાત કરતી. પણ બન્ને એકબીજાને ચાહે છે તે શાબ્દિક કબૂલાત કરતાં ન હતા. પણ બન્નેને એકબીજાની કંપની ગમતી હતી અને બન્ને એથી ખુશ હતા.

એક દિવસ બન્ને રસોઇ કરતાં હતા અને રાહુલનો ફોન આવ્યો, કશિશને યાદ કરાવવા માટે કે ચોવીસ ઓગષ્ટે કોર્ટમાં ડેટ છે અને આપણે પુરાવા રુપે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલની સરતપાસ લેવાની છે તેથી એકવાર એમની સાથે ડિટેલમાં ગાઇડન્સ આપવું જરુરી છે તેથી પ્રિન્સિપાલ ત્રેવીસ તારીખે જ આવી જવાના છે ત્યારે કશિશે હાજર રહેવું જેથી કશિશ અને પ્રિન્સિપાલ બન્નેએ સાથે બધું સમજાવી શકાય. રાહુલે ઈન્ફો આપીને ફોન મૂકી દીધો. બન્ને જમવા બેઠાં એટલે કશિશે પૂછયું,

‘તને શું લાગે છે હું કેસ જીતી જઇશ?‘

‘હમણાં કશું કહેવાય નહીં પણ હાલ જે રીતે કેસ જાય છે તું જીતી શકે, સિવાય કે સામેવાળા કોઇ એવા પુરાવા રજૂ કરે જેથી કોર્ટને ખાતરી થઇ જાય કે તે માત્ર સંપત્તિ માટે કેસ રજૂ કર્યો છે તો કદાચ ઉપર નીચે થઇ શકે.‘ ધ્યેયએ એક વકિલને છાજે તે રીતે આખી પરિસ્થિતિ ક્લિયર કરી. કશિશ આ સાંભળીને ખુશ થઇ. એ કશું કહે તે પહેલાં ધ્યેયના મોબાઈલ પર એના અસીલનો ફોન આવ્યો એ વાત કરવા લાગ્યો ત્યાં,

‘હમમ...હું કેસ જીતી જવાની!‘ કશિશ બોલી તે ધ્યેયએ સાંભળ્યું નહીં. કદાચ સાંભળ્યું હોત તો સારું હતું!

*****

ચોવીસ તારીખે બરાબર અગિયાર વાગે કશિશ કોર્ટમાં હાજર થઇ ગઇ. રાહુલ અને મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ કોર્ટરુમમાં જ હતા. આગલે દિવસે બધી વાત થઇ ગઇ હતી એટલે એ લોકો નંબર બોલાય એની રાહ જોઇને બેઠાં. અંતે સાડબારે એમનો નંબર લાગ્યો. રાહુલે વીટનેસ બોક્ક્ષમાં સીધા કોલેજના પ્રિન્સિપાલને બોલાવ્યા અને એમની સરતપાસ શરું કરી,

‘તમે કશિશ મહેન્દ્રભાઇ શાહ એટલે કે કશિશ કૌશલ નાણાવટીને જાણો છો?‘

‘જી, હું પર્સનલી એમને આજે જ મળ્યો છું. પણ એમના નામનું મેડિકલ કોલેજમાં એડમિશન ફોર્મ આવ્યું હતું તેથી હું એમને નામથી જાણું છું.‘ પ્રિન્સિપાલે બહુ વ્યવસ્થિત જવાબ આપ્યો, રાહુલે બીજો સવાલ પૂછયો,

‘શું કશિશના બારમાં ધોરણ બોર્ડ એક્ઝામમાં એટલાં માર્કસ આવ્યા હતાં જેને કારણે એમને મેડિકલમાં એડમિશન મળી જાય?‘

‘જી....એમનો સ્કોર મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે પૂરતો હતો.‘

‘તો તમે કેમ એમને એડમિશન ન આપ્યું?‘

‘અમે તો એમને શોર્ટલિસ્ટ કર્યા જ હતા. એડમિશન આપવાના જ હતા. પણ કશિશના ફાધર મહેન્દ્રભાઇ શાહ તથા એમના ભાઇ ઉદય શાહ મને પર્સનલી કોલેજમાં મળવા આવ્યાં હતા, અને એમણે મને કહ્યું કે એમની દીકરીને એડમિશન જોઇતું નથી તેથી મેં એમની પાસે લેખિતમાં બાંહેધરી લખાવી હતી કે કશિશને એડમિશન જોઇતું નથી એથી કોલેજ બીજાને આ સીટ આપે છે.‘

પ્રિન્સિપાલ જવાબ આપી રહ્યાં એટલે તરત જ રાહુલે જજને જણાવ્યું,

‘સર એડમિશન જોતું નથી તેવો મહેન્દ્રભાઇનો સહીવાળો લેટર પુરાવા રુપે અમે કોર્ટમાં રજૂ કરી ચૂક્યાં છીએ.‘ જજે એ વાતની નોંધ કરીને બચાવપક્ષના વકીલ તરફ જોઇને કહ્યું,

‘યોર વીટનેસ.‘

નિતિન લાકડાવાલા ઘીમે ઘીમે વીટનેસ બોક્ક્ષ નજીક આવ્યાં. પછી એમણે પ્રિન્સિપાલ ઊભા હતા તે કઠેડા પર હાથ ટેકવીને કહ્યું,

‘પ્રિન્સિપાલ સાહેબ અહીં જે બનાવની વિગત તમે આપી તે ઘટનાને કેટલો સમય થયો હશે?‘

પ્રિન્સિપાલે જરા વિચાર કરીને કહ્યું,

‘જી...તેર–ચૌદ વર્ષ થઇ ગયા હશે.‘

‘દર વર્ષે મેડિકલ કોલેજમાં કેટલાં વિધાર્થી એડમિશન માટે અરજી કરે છે?‘

‘જી...અમારી કોલેજમાં સાતસો સીટ છે તે માટે રાજ્યમાંથી અનેક અરજી આવતી હોય છે. પણ મેરિટ મુજબ એડમિશન મળે છે. અંદાઝે હજાર બારસો કે એથી વધારે આવતી હશે.‘

‘આટલાં બધા વિદ્યાર્થી દર વર્ષે એપ્લાય કરે તેમાંથી તમને આ કશિશ જ કેમ યાદ રહી?‘ નિતિન લાકડાવાલાના સવાલથી પ્રિન્સિપાલને સહેજ મૂંઝવણ થઇ,

‘મને યાદ તો ન હતું, પણ કશિશબહેનના વકિલ મારી પાસે આ કેસને લગતાં ડોક્યુમેન્ટસ મેળવવા આવ્યા એટલે યાદ આવ્યુ. વળી આવો કિસ્સો રેર છે કે કોઇ વિદ્યાર્થીને અમારી મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હોય તો પણ સીટ જતી કરે.‘

પ્રિન્સિપાલના જવાબથી નિતિન લાકડાવાલાની આંખોમાં લુચ્ચાઇ આવી,

‘એવું ય બને ને કે અમુક વિદ્યાર્થીના ચહેરા યાદ રહી જાય?‘

‘હા...એવું બને.‘ પ્રિન્સિપાલે એકદમ સહજતાથી જવાબ આપ્યો. એથી નિતિનભાઇની આંખોમાં શિકારી જેવી લુચ્ચાઇ હતી તે જબાન પર આવી ગઇ,

‘એવું પણ બન્ને ને કે આ કશિશ જેવો હસીન ચહેરો પણ કાયમ માટે યાદ રહી જાય?‘ અત્યાર સુધી બધી ઉલટતપાસ તત્ત્પરતાથી સાંભળી રહેલા રાહુલનો અવાજ આ સાથે જ કોર્ટમાં ગૂજી ઊઠયો,

‘ઓબ્જેકશન માય લોર્ડ...મારા વકિલ મિત્ર બીનજરુરી વિગત પૂછીને જાણી જોઇને મારા અસીલને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પ્રિન્સિપાલ કહી ચૂક્યાં છે કે એમણે આજ પહેલીવાર કશિશ નાણાવટીને જોયા છે છતાં તેઓ ભળતી જ દિશામાં તેમની તપાસ લઇ જઇ રહ્યાં છે.‘

‘માય લોર્ડ હું મારા અસીલ નિર્દોષ છે તે સાબિત કરવામાં માટે જ આ સવાલ પૂછી રહ્યોં છું. પ્લિઝ મને પૂછવાની મંજૂરી આપવામાં આવે.‘

‘ઓબ્જેક્શન સસ્ટેઇન્ડ.‘ જજે ઓબ્જેક્શન માન્ય રાખ્યું એટલે નિતિન લાકડાવાલાએ પોતાનો પ્રશ્ન ફેરવીને પૂછયો,

‘હા..તો પ્રિન્સિપાલ સાહેબ, તમે કશિશ નાણાવટીના કેસમાં આટલો રસ શું કામ લઇ રહ્યોં છો?‘

‘મારી ફરજ છે કે કોઇને થઈ શકે તેટલી મદદ કરવી.‘ પ્રિન્સિપાલ નિતિનભાઇનો સવાલને સમજ્યા વિના જવાબ આપી દીધો.

‘તમારે ત્યાં હજારો વિદ્યાર્થીઓની અરજી આવતી હશે તેમાં તમે દરેકને આ રીતે મદદ કરો તો કેવી રીતે તેમ કોલેજમાં તમારી પ્રિન્સિપાલ તરીકેની ફરજ પૂરી કરો છો?‘ નિતિનભાઇના સવાલથી પ્રિન્સિપાલ બરાબર ગૂંચાવાયા.

‘જી..દરેક વખતે મદદ કરવી શક્ય નથી.‘ એમની ફરજ પર સવાલ ઊઠવવામાં આવ્યો એટલે જે સૂઝયું તે કહી દીધું.

‘માય લોર્ડ પ્રિન્સિપાલ સાહેબના જવાબનો મતલબ થાય છે કે તેઓ દરેક વિદ્યાર્થીને મદદ નથી કરતાં પણ કોઇ ખાસ વિદ્યાર્થીને જ મદદ કરે છે. મારા આરોપીને ખોટા કેસમાં ફસાવવા માટે પ્રિન્સિપાલ સાથે મળીને કશિશ નાણાવટીએ ખોટા આરોપ લગાવ્યા છે અને ખોટા પુરાવા રજૂ કર્યા છે. મને શંકા છે કે કશિશના રુપ પાછળ પાગલ થઇને પ્રિન્સિપાલ એમને મદદ કરી રહ્યાં છે. અથવા તો કશિશ નાણાવટીએ એમને લાંચ આપીને ફોડ્યા છે. પ્રિન્સિપાલ અને કશિશનું આ કાવતરું છે કે ઉદય શાહ અને મહેન્દ્ર શાહની મિલકત પચાવી પાડવી. એટલે કોર્ટને મારી અરજ છે કે પ્રિન્સિપાલના નિવેદનને ગંભીર ગણવામાં ન આવે. નામદાર કોર્ટમાં અનેક કેસ એવા આવ્યા છે જેમાં સ્ત્રીના રુપ પાછળ પાગલ થઇને લોકોએ ખોટા બયાન આપ્યા છે. આ કેસમાં એવું જ હોવાની ગંભીર શંકા છે. કારણ કે હાલ મિસિ નાણાવટી એમના પરિવાર સાથે રહેવાના બદલે એમના મિત્રના ઘરમાં રહે છે. તેથી એમનું ચરિત્ર શંકાના દાયરામાં આવે છે. ‘

નિતિન લાકડવાલાના ગલીચ આરોપથી કશિશ હચમચી ગઇ. કોર્ટ ડિસિપ્લિન ભૂલીને એ પોતાની જગ્યા પર ઊભી થઇ ગઇ,

‘જજસાહેબ...મેં કદી પ્રિન્સિપાલ સાહેબને જોયા નથી. આજે પહેલીવાર એમને મળી છું. અને મારા પર આવા ગલીચ આરોપ લગાવવામાં આવે છે? મને ખબર ન હતી કે હું ન્યાય માંગવા આવીશ તો મારા ચરિત્ર પણ લાંછન લાગશે.. મારે ન્યાય નથી જોતો... ‘ કશિશ આટલું બોલે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.. રાહુલ એને અટકાવી રહ્યોં હતો,

‘પ્લિઝ કન્ટ્રોલ યોર સેલ્ફ...કોર્ટનું અપમાન કહેવાય...આ રીતે ન બોલાય...‘. કોર્ટરુમમાં ગણગણાટ થઇ ગયો. કેટલાક લોકો કશિશની ફેવરમાં બોલવા લાગ્યા તો કેટલાક કશિશની વિરુધ બોલવા લાગ્યા. મહેન્દ્રભાઇ બેબાક થઇને બોલતા હતા,

‘મારી દીકરી પર આવા આરોપ ન લગાવો...એ..ખરાબ છોકરી નથી...‘ બધાંને શાંત કરવા જજે પોડિયમ પર હથોડી ફટકારીને બોલ્યા,

‘ઓર્ડર ઓર્ડર...! પ્લિઝ ડિસિપ્લિન જાળવો.‘

કોર્ટમાં ફરી શાંતિ છવાય એટલે જજ આરોપીના વકિલ નિતિન લાકડાવાલાને ઉદ્દેશીને કહ્યું,

‘તમારા અસીલને બચાવવા માટે તમે કોઈના ચરિત્ર પર લાંછન લગાવો છો તે તમને શોભતું નથી. હું આવા ડેરોગેટરી નિવેદન નોંધવાની પરવાનગી નહીં આપુ. તમે તમારા આરોપીને બચાવવા માટે પુરાવા રજુ કરો...કોઇ સ્ત્રીની ઇજ્જતનું લિલામ ન કરી શકો.‘

નિતિનભાઇને કોર્ટનો ઠપકો મળ્યો એટલે એમણે શરમાઇને પોતાના આરોપ પાછા ખેંચી લીધા. બન્ને પક્ષની સહમતીથી નેકસ્ટ ડેટ દસ સપ્ટેમ્બર રાખવામાં આવી. કેસની કાર્યવાહી તે દિવસ પૂરતી બંધ થઇ. તરત જ કશિશ બહાર ધસી ગઇ,રાહુલ કશું કહે તે પહેલાં તો એ દોડીને સીધી ધ્યેયની ઓફિસ પર પહોંચી અને અને બોલી,

‘મારે કેસ પાછો ખેંચવો છે...મને ન્યાય નથી જોતો.‘

‘મારે કેસ પાછો ખેંચવો છે.‘ કશિશ બોલતાં બોલતાં રડી પડી. કાલ સુધી વજ્ર જેવા સખત મનોબળવાળી કશિશ આજે એકાએક આમ સાવ પડી ભાંગી તેથી ધ્યેય અચરજથી એને તાકી રહ્યો. એ કશું કહે ત્યાં તો શ્વાસભેર દોડતો દોડતો રાહુલ ત્યાં આવ્યો અને એણે કોર્ટરુમમાં જે બન્યું હતું તે કહ્યું.

આ સાંભળીને ધ્યેયનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો, એણે ઉદયને ફોન કર્યો,

‘મેં તને કહ્યું હતું કે લિમિટમાં રહેજે...પણ તારા વકીલે આજે બધી લિમિટ ક્રોસ કરી નાંખી છે. આજસુધી આપણી દોસ્તીની શરમ મેં રાખી હતી. પણ તું કેસ જીતવાના મોહમાં એ ભૂલી ગયો કે સામે તારી બહેન છે. એટલે હવે આજથી હું ભૂલી જાવ છું કે તું મારો દોસ્ત છે. ઉદય શાહ...હવે હારવા માટે તૈયાર રહેજો, કારણ કે આ કેસ હવે હું લડીશ.‘ ઉદય કશો જવાબ આપે તે પહેલાં તો ધ્યેયએ ફોન કાપી નાંખ્યો.

ધ્યેયનો રોષ જોઇને કશિશ રડવાનું ભૂલી ગઇ. એણે જે રીતે ઉદયને ક્લિયર કટ સંભળાવી દીધું તેથી કશિશને થોડી માનસિક રાહત મળી. સાથે સાથે ધ્યેયનો નિર્ણય સાંભળીને કશિશ તાજુબ થઇ હતી તો રાહુલ આશ્ચર્ય ચક્તિ થઇને પૂછી બેઠો,

‘પણ સર તમે તો કહેતાં હતાં ને કે તમે આ કેસ કદી નહીં લડો?‘

‘રાહુલ જો સામેવાળા બધી હદ વટાવી જતાં હોય તો મારે મારા વચન યાદ રાખવાની જરુર નથી. કૃષ્ણ ભગવાને પણ મહાભારતના યુધ્ધમાં હથિયાર હાથમાં નહીં ઊઠવવાનું વચન તોડ્યું હતું કારણ કે કૌરવોએ યુધ્ધના નિયમનું ઉલંધ્ધન કરીને અભિમન્યુને ખોટી રીતે મારી નાંખ્યો હતો. હવે જો ઉદયના વકીલ કેસ જીતવા માટે કશિશની ઇજ્જત સાથે ચેડાં કરે તે હું કેવી રીતે જોઇ શકુ?‘

ધ્યેયનો જવાબ સાંભળીને રાહુલ બોલ્યો,

‘હવે તો કોર્ટમાં ખરાખરીનો ખેલ લડાશે. સર હું પણ તમારી સાથે કોર્ટમાં કાર્યવાહી જોવા આવીશ.‘

હતાશ કશિશની આંખમાં આશાનો ચમકારો થયો. બસ હવે ગમે તેવા આક્ષેપ થાય કે એના ચારિત્ર પર આંગળી ચિંધાય એ હિંમત નહીં હારે. કારણ કે આજથી એની આ અન્યાય સામેની લડતમાં ધ્યેય એની સાથે છે. કદાચ અત્યારે રાહુલ ન હોત તો એ ધ્યેયને ભેંટી પડી હોત!

કામિની સંઘવી

(ક્રમશ:)