Right Angle - 33 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 33

રાઈટ એંગલ

પ્રકરણ–૩૩

‘ડોબી એ ચોર નથી હું છું...દરવાજો ખોલ.‘ હજુ તો એ બોલવાનું પૂરુ કરે તે પહેલાં સામેથી અવાજ સંભળાયો, આ સાંળભતા જ કશિશે દોડીને દરવાજો ખોલી નાંખ્યો,

‘ડોબા ફોન કરીને આવવું જોઇએ ને?‘ કશિશને નવાઇ લાગતી હતી કે એ ધ્યેયનો અવાજ કેમ ઓળખી ન શકી.

‘તો સરપ્રાઇઝ ના રહે ને? બારણાં વચ્ચેથી ખસ... જલદી ઘરમાં આવવા દે...‘ધ્યેય ઘરમાં ઝડપથી પ્રવેશ્યો. ને સીધો ટેબલ પર હાથમાં પકડેલું બોક્ષ મૂકીને ખોલ્યું તો એમાંથી કેક નીકળી. ધ્યેય ઝડપથી કેન્ડલ સળગાવી અને કશિશ તરફ જોયું,

‘મેડમ જોઇ શું રહ્યાં છો...જલદી કર...બાર વાગવામાં મિનિટ જ બાકી છે.‘ કશિશને સ્ટ્રાઇક થઇ કે અગિયાર ઓગષ્ટ એની બર્થ ડે છે.

‘હવે દૂર ઊભી ઊભી કેક સામે જ જોયા કરીશ? લે કેક કાપ!‘ કશિશે નજીક આવીને પહેલાં કેન્ડલને ફૂંક મારીને બૂઝાવી અને કેક કાપી એટલે‘ હેપી બર્થ ડે ડિયર કિશુ‘ ધ્યયેનો અવાજ ઘરમાં ગૂંજી ઊઠયો. રુમમાં નાઈટ લેમ્પનો આછો પ્રકાશ હતો. રાતના બાર વાગયા હતા. બધે નીરવ શાંતિ હતી. કશિશ એને જોઇ રહી. ખરેખર આ માણસે એના જીવનના સુખ દુ:ખનો સાથી છે. આજે આ સમયે તે સાવ એકલી છે પણ એનો જન્મદિવસ એ નથી ભૂલ્યો,

‘લે હવે કેક ખવડાવીશ કે મારે એમ જ જોયા કરીશ?‘

કશિશે સહેજ સ્મિત કરીને કેકનો એક મોટો ટૂકડો કાપીને ધ્યેયને ખવડાવ્યો.

‘લુચ્ચા એકલો એકલો ખાય છે તો મને તો ખવડાવ!‘ ધ્યેય એકલો એકલો કેક ખાઇ રહ્યોં હતો એટલે કશિશે બોલી.

‘લે તારો બર્થ ડે અને તારું ઘર અને તારી કેક..પછી મારે શું કામ તને ખવડાવવાની ફોર્માલિટી કરવી જોઇએ!‘

‘તોબા..આ વકીલોને બોલવામાં કોઈ ન પહોંચે!‘ કશિશ બોલી અને બન્ને ખડખડાટ હસી પડ્યા. થોડીવાર સુધી કેક ખાતાં ખાતાં બન્ને વાતો કરતાં રહ્યાં. પછી ધ્યેય ઊભો થયો,

‘ચાલ હવે હું જાઉ...કાલે સવારે મારે કોર્ટમાં જવાનું છે અને તારે ય કોફી હાઉસ જવાનું હશે.‘

કશિશ એને બારણા સુધી મૂકવા આવી, સહેજ ભેંટીને બોલી,

‘થેન્કસ ધી..યુ મેડ માય બર્થ ડે સ્પેશિયલ!‘

‘યુ આર સ્પેશિયલ ફોર મી...એટલે તારા માટે કંઇ પણ કરવું ગમે. સો નો થેન્ક્યુ!‘ ધ્યેય બહુ સાહજિકતાથી બોલ્યો પણ એના અવાજમાં લાગણીઓનું કંપન હતું. કશિશે તે નોટિસ કર્યું. આટલાં વર્ષોની દોસ્તી પછી પહેલીવાર બન્નેના હ્રદયમાં એક અલગ પ્રકારની લાગણીએ જન્મ લીધો હતો. જેનાથી બન્ને અજાણ હોવાનો ડોળ કરી રહ્યાં હતા.

‘બાય ધ વે કિશુ એક વાત પૂછું?‘ ધ્યેયએ એની સામે જોયું,

‘હા..પૂછ ને.‘ કશિશને મનોમન ઈશ્વરને યાદ કરી લીધા. બસ એવો કોઇ સવાલ ધ્યેય ન પૂછે તો સારું. જેનો એને હમણાં જવાબ આપવો ન ગમે.

‘તને ઘર છોડવાનો અફસોસ છે?‘

‘ના...‘કશિશે તરત જ જવાબ આપ્યો. એથી ધ્યેયને જે સવાલનો ઉત્તર જોતો હતો તે મળી ગયો.

‘ગુડ નાઇટ ડિયર!‘ કશિશ હજુ તો ગુડ નાઈટ કહે તે પહેલાં ધ્યેયએ ગાડી મારી મૂકી.

ધ્યેય આજે પૂરપાટ ગાડી દોડાવતો હતો. એના દિલમાં અનેક લાગણીઓના પૂર ઊમટતા હતા. છેલ્લાં કેટલાય દિવસથી એ કશિશ તરફ ખેંચાયા કરતો હતો. પણ એણે પોતાના મન પર કાબૂ રાખ્યો હતો. કશિશ આખરે પરણેલી સ્ત્રી છે, ભલે એના બાળપણની સાથી છે. એના પ્રત્યે જે લાગણી થાય છે તે યોગ્ય ન કહેવાય. પણ આજે કશિશે કહ્યું કે એને ઘર છોડવાનો કોઈ અફસોસ નથી એનો મતલબ એને કૌશલને છોડવાનો પણ કોઈ અફસોસ નથી. હવે ધ્યેય પોતાના દિલની વાત કશિશને કરે તો એ વાજબી કહેવાશે. કશિશ ખુદ જ કૌશલથી દૂર થઇ ગઇ છે. ધ્યેયએ ખુશ થઇને ગાડી ઓર સ્પીડમાં ભગાવી. જાણે લાગણીઓ પકડવા દોડતો ન હોય!

ધ્યેય ગયો પણ કશિશને ઉંધ ન આવી. રહી રહીને એના મનમાં સવાલ થતો હતો કે ધ્યેયએ કેમ પૂછયું કે એને ઘર છોડવાનો અફસોસ છે કે નહી? ધ્યેયના મનમાં શું હશે?‘

કશિશને કોઈ ચોક્કસ જવાબ મળ્યો નહીં પણ ધ્યેયના મનમાં શું હશે તે વિશે જાત જાતની કલ્પના કરવી ગમી. એમ વિચાર કરતાં કરતાં જ એને ઉંધ આવી ગઇ. ઉંધમાં સપનાઓ આવ્યા. અને અચાનક એક સપનું જોઈને એ બેઠી થઇ ગઈ. એના મનમાં સંકોચ થઇ આવ્યો, આવુ સપનું એ જોઇ શકે? ભલે કૌશલને છોડી દીધો છે પણ આવું સપનું આવે તો એ યોગ્ય કહેવાય?

સપનાનો વિચાર પડતો મૂકીને એણે ઘડિયાળમાં જોયું તો સાત વાગી ગયા હતા. ફટાફટ એ તૈયાર થઇ ગઇ. કોફી હાઉસ જવા નીકળી ત્યારે વહેલી સવારનો તડકો સોનેરી પ્રકાશતો હતો. ત્યારે એના મનમાં ઉગ્યું કે ભલે આ સપનું એ જોઇ શકે કે નહીં પણ એને સપનું જોવું ગમ્યું હતું. તે હકીકત સાચી છે. અને જો પોતે ગમતું કરવા માટે જ ઘર છોડ્યું છે તો આ પણ કરી શકે છે ને?

કશિશે ચમકતાં સૂરજની સાખે પોતાની જાતને કહ્યું,

‘આઈ લાઈક ધ્યેય!‘

‘કશિશ પ્રત્યે પોતાને પહેલેથી જ લાગણી હતી? એક ફ્રેન્ડ નહીં પણ એથી વિશેષ?‘ ધ્યેયએ પોતાના મનને સવાલ પૂછયો.

કાલથી એના મનમાં કશિશના વિચારોએ કબજો જમાવ્યો હતો. કશિશને એ બહુ નાની હતી ત્યારથી ઓળખે છે. રાધર એની નજર સામે જ મોટી થઇ છે. ઉદય અને એ પહેલાં ધોરણમાં સાથે ભણતા હતાં ત્યારે જ દોસ્તી થઇ હતી. ત્યારે કશિશ ખૂબ નાની હતી. એટલે ઉદય સાથે એ રમવા આવતી. ત્રણેય સાથે રમતાં–લડતાં–ઝઘડતા અને પાછા ફરી રમતાં. તે ક્રમ લગભગ બે–ત્રણ વર્ષ ચાલ્યો. કશિશ સાત–આઠ વર્ષની થઇ તે પછી આ ક્રમમાં ફેરફાર થયો. કશિશ એમની સાથે રમવાના બદલે એની બહેનપણીઓ સાથે રમતી થઈ. છતાં ધ્યેય ઘરે આવે ત્યારે એની સાથે જ્ઞાન–વિજ્ઞાનની વાતો થતી. બન્ને વચ્ચે માહિતીની આપ લેનો ક્રમ જળવાઇ રહ્યોં. હા, કશિશ એના મિત્ર ઉદયની બહેન હતી. પણ એ સિવાય એના માટે એક દોસ્ત તરીકે વધુ મહત્વ ધરાવતી હતી. કશિશ સાથે બુધ્ધિશાળી દલીલો–વાતો કરવી એને ખૂબ ગમતી.

‘કદાચ પોતે કશિશને મનોમન ખૂબ પસંદ કરતો હતો. એટલે જ આજ સુધી કોઇના પ્રેમમાં એ પડ્યો નથી કે લગ્ન નથી કર્યાં. કદાચ એટલે જ એ કશિશના દરેક સુખ દુ:ખમાં એ સાથે રહ્યોં છે.‘ આ વિચાર ચોકલટે ચગળતો હોય તેમ ધ્યેયએ ચગળ્યા કર્યો.

‘હકીકત જે હોય તે પણ આજે એ કશિશને પ્રેમ કરે છે. માત્ર એક મિત્રની જેમ નહીં પણ કોઇ પુરુષ કોઇ સ્ત્રીને ચાહે એ રીતે એને ચાહે છે.‘ ધ્યેયએ મનોમન આ કબૂલાત કરી લીધી. ડ્રોઇંગરુમના ટેબલ પર ફલાવરવાઝમાં ગોઠવાયેલા રજનીગંધાના ફ્રેશ ફૂલોને એ જોઇ રહ્યો. વર્ષોથી એના ઘરે આ ફૂલો રોજ આવે છે, રોજ રોજ સાંજે મહેંકતા ફૂલોથી એનું ઘર મહેંકે છે તે ગમે છે. પણ આજે ખબર પડી કે એને શું કામ આ ફૂલો ગમે છે કારણ કે આ ફૂલ કશિશને પસંદ છે. ધ્યેય ફૂલોની નજીક આવ્યો અને હાથમાં પકડીને હળવેથી સૂંઘ્યા.

*****

બીજે દિવસે રાતે નવ વાગે કશિશ કોફી હાઉસ બંધ કરી રહી હતી અને ધ્યેય આવ્યો. મનોમન એકબીજાને પ્રેમ કરતાં હતાં પણ બન્ને વચ્ચે રુબરુ પ્રેમની કબૂલાત થઇ ન હતી. જ્યાં શબ્દ બોલતા નથી હોતા ત્યાં આંખો બોલતી હોય છે. પણ તો દિલ તો ચાહતું જ હોય છે કે દિલમાં જે લાગણી છે તે હોંઠ પર આવે. પણ જ્યારે બે જણા વર્ષોથી મિત્ર હોય ત્યારે એ અઘરું થઇ જાય છે, કદાચ સામે વાળી વ્યક્તિના મનમાં એ લાગણી ના હોય તો મિત્ર પણ ગુમાવવાનો વારો આવે.

‘હાય...ઘરે જવાની તૈયારી?‘ કશિશને બધુ સમેટતા જોઇને બોલ્યો.

‘હા,યાર સવારે આઠ વાગ્યાથી આવું છું.. એટલે થાકી જાઉં છું.‘ કશિશ બોલી. ધ્યેય એની સામે પ્રંસશાથી જોઇ રહ્યો. કાલ સુધી આ છોકરી પાણીનો એક ગ્લાસ ભરતી ન હતી અને આજે રોજ બાર કલાક કામ કરે છે.

‘કોફી પીશ?‘ કશિશે પૂછયું,

‘એક શરત પર..હું બનાવું?‘ કશિશ થાકી ગઇ હતી એટલે એને વધુ તકલીફ ના પડે એટલે ધ્યેયએ જાતે કોફી બનાવવાની ઓફર કરી.

કશિશ હસી પડી,

‘જા...બનાવ..!‘ ધ્યેયએ હેલ્પરની મદદથી મશીનમાં કોફી બનાવી. પછી કશિશે હેલ્પરને ઘરે જવા રજા આપી દીધી. ધ્યેય અને કશિશ રોડ પર પડતી મોટી વિન્ડો સામેની ચેર પર બેઠાં. જ્યાંથી આખો રસ્તો દેખાતો હતો. દિવસ દરમિયાન અહીં કોલેજ કેમ્પસ હોવાથી હોવાથી બહુ ચહલપહલ રહેતી હતી પણ અત્યારે પ્રમાણમાં ટ્રાફિક ઓછો રહેતો. લોકો રાતે ફરવા આ બાજુ આવતા. બન્ને ચૂપચાપ રસ્તા પર હરતાં ફરતાં લોકોને જોઇ રહ્યાં. આજ સુધી બન્ને દુનિયાભરની વાતો કરતાં હતા. પણ બન્ને વચ્ચે એક અણકહ્યાં સંબંધની શરુઆતે બન્નેને બોલતા બંધ કરી દીધા હતા. એક બીજાની હાજરીને મનોમન બન્ને માણતાં રહ્યાં અને કોફી સીપ કરતાં રહ્યાં. ત્યાં ધ્યેયને યાદ આવ્યું કશિશને ડિનર કરવાનું બાકી હશે,

‘ડિનર બાકી છે ને?‘

કશિશે હકારમાં માથું હલાવ્યું,

‘ ચાલ જમવા જઇએ!‘

જમતાં જમતાં બન્ને જણાં ખાસ કશું બોલ્યા નહી. ધ્યેય નજર ચૂરાવીને એને તાકતો રહેતો. કેટલી બ્યુટિફૂલ દેખાય છે. પોનીટેલમાંથી છૂટા પડી ગયેલાં વાળ કશિશના ખભ્ભા પર પથરાયા હતા. આંખોમાં અને ચહેરા પર થાક હતો છતાં એના શાર્પ ફીચર્સ ચહેરાને અનોખું સૌન્દ્રર્ય બક્ષતા હતા. કોટનની સીધી સાદી કૂર્તી અને જીન્સમાં કશિશ મોહક દેખાતી હતી.

આ બાજુ કશિશ પણ ધ્યેયની નજર ચૂકવીને એને જોતી હતી. બ્લુ જીન્સ અને ઓફ વ્હાઇટ શર્ટ. માથાં પરના જથ્થાબંધ વાળને બહુ સફાઇથી જેલથી ચીપકાવીને ઓળ્યાં હતા. ક્લિન શેવ્ડ ચહેરામાં એની ફેર સ્કીન વધુ ચમકતી હતી. કૌશલ કરતાં ધ્યેય ખૂબ હેન્ડસમ છે. એટલું જ નહીં કૌશલ કરતાં ધ્યેય એની વધુ કેર કરે છે. કશિશથી મનોમન સરખામણી થઇ ગઇ.

‘ડેઝર્ટમાં કશું મંગાવુ?‘ ધ્યેય એને પૂછયું અને કશિશ પોતાના વિચારમાંથી બહાર આવી,

‘નો.નો...બહુ હેવી થઇ જશે. આમે ય બહુ લેઇટ થઇ ગયું છે.‘

‘ઓ..કે.‘

કશિશના ઘર પાસે ગાડી ઊભી રાખીને ધ્યેય જરાં સંકોચથી બોલ્યો,

‘કિશુ રોજ આપણે ડિનર સાથે કરી શકીએ?‘

‘સ્યોર પણ મારા ઘરે.‘ કશિશે એકદમ સાહજિકતાથી હા કહી દીધી એટલે ધ્યેયનો સંકોચ દૂર થયો.

‘ઓ.કે. ડન...‘ હંમેશાં બન્ને વચ્ચે વાતચીત કરવામાં કોઈ સંકોચ–ક્ષોભ નડ્યો ન હતો. પણ એક નવા સંબંધે બન્ને વચ્ચે સંકોચ ઊભો કરી દીધો હતો. બન્ને મિત્ર તરીકે એકબીજાને ખૂબ પસંદ કરતાં હતા. પણ હવે એકબીજા પ્રત્યે આ નવી લાગણી જન્મી તેના કારણે બન્ને સ્તબ્ધ હતા. બન્ને આ નવી લાગણી સાથે સંબંધ જોડવાની મથામણ કરી રહ્યાં હતા. બન્ને ઉંરમલાયક હતા. તેથી જે લાગણી જન્મી છે તે યોગ્ય છે કે નહીં એના સંદર્ભ પણ વિચારતા હતા. અને સંકોચ કદાચ એને કારણે જ હતો.

બીજે દિવસે સમયસર કશિશના ઘરે ધ્યેય પહોંચ્યો ત્યારે કશિશનું ઘર ફ્રેશ રસોઇની સુગંધથી મહેકતું હતું. કશિશે ટેબલ સજાવી રાખ્યું હતું, એટલે બન્ને સીધાં જમવા જ બેઠાં,

‘વાઉ...વર્ષો પછી આવી ટેસ્ટી રસોઇ જમ્યો હો...!‘ ભાખરી–સેવ ટમેટાનું શાક, વધારેલા ભાત–દહીં અને સલેડના ભોજનને ન્યાય આપીને ખુશ થતાં ધ્યેય બોલ્યો. કાયમ રસોઇયાના હાથનું ખાવા ટેલાવયેલાં ધ્યેયને આજે ગૃહિણીના હાથનું જમવાનું નસીબ થયું હતું.

‘સાચું કહું તો મેં પણ ઘર છોડ્યા પછી આજે પહેલીવાર આટલું બધું બનાવ્યું. બાકી એકાદ વાનગી બનાવીને ખાઈ લઉં છું..કોફી હાઉસ પર મોડું થાય તો મેગી બનાવીને જ ખાઇ લઉ. આજે થોડી વહેલી આવી એટલે આ બધું બનાવી શકી.‘

‘મને લાગે છે કે મારે પણ કૂકિંગ શીખવું જોઇએ.‘ ધ્યેયએ કહ્યું એટલે કશિશ હસી.

‘કેમ વકિલગીરી છોડવી છે?‘ કશિશે મજાક કરી,

‘હવે તું કોફી હાઉસ ખોલે તો મારે ય વિચારવું પડે ને?‘ અને એ વાત પર બન્ને હસી પડ્યા.

‘સારું તો કાલથી વહેલો આવતો જા...હું તને શીખવાડી દઈશ.‘

‘ડન..‘ ધ્યેય તરત હા પાડી દીધી. હકીકત તો એ હતી કે કશિશ થાકીને કોફી હાઉસથી આવે અને પછી ઘરે આવીને આટલી બધી મહેનત કરે તેથી ધ્યેયને લાગ્યું કે એણે રસોઈ બનાવવામાં મદદ કરવી જોઇએ. જેથી કશિશનો ભાર ઓછો થાય. તેથી જ એણે રસોઇ શીખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

(ક્રમશ:)

કામિની સંઘવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED