Right Angle - 1 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 1

રાઈટ એંગલ

પ્રકરણ–૧

અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર!

ધડાધડ...ધડાધડ...ધડામ! એક પછી એક પંચ પંચિગબેગ પર જોર અને જોશથી વાગે છે જાણે પંચિગબેગને તોડી– ફોડી નાંખવી ન હોય! ગ્લવ્ઝના પણ છોતરાં નીકળી જવાના હોય તેમ ધ્રુજી રહ્યાં છે પણ પંચ મારનારનું ઝનૂન ઓછું નથી થતું. કસકસાવીને બાંધેલી કમરસુધીના વાળની પોનીટેલમાંથી વાળ નીકળીને એના પરસેવે રેબઝેબ ચહેરા પર ચોંટી ગયા છે. નેવી બ્લુ જીમ શોર્ટસ અને રેડ ટીશર્ટ પસીનાથી લથબથ થયું છે. જેમાંથી એનું પ્રપોશનલ બોડી દેખાય છે. એની અણિયાળી આંખોમાં ગુસ્સો છલકાય છે. ચહેરો તમતમી ગયો છે. એના મોંમાથી ગાળ નીકળતા નીકળતાં અટકી જાય છે, એમને ગાળ તો કેમ બોલી શકે? આફટરઓલ એ એના પોતાના છે! બસ એ ગુસ્સામાં ય સભાનતાથી ગાળ ન બોલાતાં એના મોંમાથી શબ્દ સરી પડે છે,

‘બ્લડી હેલ...વીથ યુ...ઓલ....આઈ હેટ યુ....આઈ હેટ યુ ઓલ...! વ્હાય ડીડ યુ ડુ ધીસ ટુ મી?‘ વ્હાય? વ્હાય?‘

એક એક વ્હાય એ બોલતી જાય છે અને તે સાથે એ જોરદાર પંચ પંચિગબેગ પર પડે છે. પંચિગબેગ પર વાર કરતાં અંતે તે થાકતી જાય છે એટલે એના મોંમાંથી હવે વ્હાયના બદલે અસ્પષ્ટ રડવાનો અવાજ નીકળે છે. અને આંખમાંથી ગુસ્સાની જગ્યાએ આંસુ ટપકે છે. હવે એનો હાથ થાક્યો છે, તો પગ લડખડાય છે. એ હાથમાંથી ગ્લવ્ઝ કાઢીને ફેંકે છે. અને જાણે કોઈનો સહારો શોધતી હોય તેમ પંચિગબેગ પર ઢળી પડે છે., પંચિગબેગ એના પસીનાવાળા હાથમાંથી લસરી જાય છે. એ ફરશ પર ફસડાય પડે છે અને પછી ધ્રુસકે ધ્રુસેક રડી પડે છે!

રડી રડીને આખરે આંસુ ય સુકાય જાય છે. ગળામાં તરસનો શોષ પડ્યો છે. કારણ શરીર નીચોવાયેલાં નેપક્નિ જેવું થઈ ગયું છે.. પણ દિમાગમાં શોલા ઊઠે છે. થોડીવાર એમ જ પડી રહે છે. જાણે આ ગુસ્સાના વમળમાંથીં બહાર નીકળવાનો રસ્તો ન શોધતી હોય!

આખરે લડખડાતી એ ઊભી થઈને કોર્નરમાં પડેલાં ફ્રિજ સુધી પહોંચે છે. ફ્રિજમાંથી બિયરની બે–ચાર બોટલ્સ ગટગટાવી જાય છે. પણ પ્યાસ બુઝાતી નથી. પરંતુ નશો એને દિલના બદલે દિમાગથી કામ લેવા માટે ઉશ્કેરે છે. એ જ હાલતમાં એ સેલ ફોન પરથી એક નંબર લગાવે છે, સામેથી પહેલી જ રિંગ પર ફોન ઉપડે છે,

‘ધી! જાગે છે?‘

‘ના,ભાઈ સુતો છું. રાત બાર વાગે આવો સવાલ કરે છે ડોબી?‘

‘તું ડોબો!‘ એ ઉશ્કેરાટમાં જવાબ આપે છે!.

‘તારો વર ડોબો, તારો ભાઈ ડોબો, તારું આખું ખાનદાન ડોબું જા!‘ કાયમ આ મજાક પર કશિશ હસી પડતી એને બદલે સામે છેડે મૌન છવાઈ ગયું તેથી ધ્યેયની ઊંઘ ખરેખર ઊડી ગઈ, એને શક ગયો કે કંઈક લોચો છે.

‘હેય કિશુ, આર યુ ઓ.કે.?‘

સામેથી જવાબમાં સહેજ ગળું ખોંખારવાનો અવાજ આવ્યો,

‘યાહ, આઈ એમ ઓ.કે. મારે કાલે સવારે તને મળવું છે.‘ કશિશના અવાજમાં ભાર છે.

‘નોઓ..ડિયર, કાલે એક ક્રુસિયલ કેસની હિયરિંગ છે. મારે કોર્ટમાં હાજર રહેવાનું છે.‘ રાતે બાર વાગે કશિશ ફોન કરીને મળવાની વાત કરે છે તો પરિસ્થિતિ શું છે તેનો તાગ લેતો હોય તેમ ધ્યેય બોલ્યો.

‘નોઓઓ! મારે કાલે જ મળવું છે. ઈટસ અરજન્ટ.‘ કશિશના અવાજમાં હવે નશાનો અને ગુસ્સાનો ઉશ્કેરાટ ભળ્યો.

‘કેમ ડિવોર્સ લેવા છે? તારા ઘોડારમાંથી ઘોડો છૂટી ગયો છે?‘ કદાચ કશિશનો મૂડ ખરાબ છે એમ સમજીને ધ્યેયએ મજાક કરી, અને આ સાંભળીને કશિશના ચહેરા પર સ્માઈલ આવ્યું,

‘હા, તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળું મારવું પડે તેવી જ વાત છે!‘

‘મોટાભાગે વકીલો પાસે આવા જ કામ આવતા હોય છે! ખાલી તબેલાંને તાળા મારવા માટેના!‘ પોતાના જોક પર ધ્યેય જાતે જ હસ્યો અને તેમાં કશિશનો અવાજ પણ ભળ્યો એટલે ધ્યેયને શાંતિ થઈ કે ચાલો વાત એટલી ગંભીર નથી.

‘ઓ.કે. કાલે કલબમાં મળીએ, પણ એક શરત, પુલ રમવું પડશે.‘

‘ડન. પણ હું જીતીશ.‘ કશિશ બોલી કે તરત ધ્યયે કહ્યું.

‘લુચ્ચી! બટ શાર્પ એટ એટ એઈટ એ.એમ. મને કાલે કોર્ટમાં મોડું પહોંચવુ પોસાય તેમ નથી.‘

‘ઓ.કે.‘ ફોન મુકીને કશિશને ક્ષણેક વિચાર આવી ગયો,

‘શું તે યોગ્ય કરી રહી છે?‘ એના દિમાગ પર બિયરની અસર હતી આખી ય વાતને દિલથી વિચારી શકે તેવી એની હાલત ન હતી. કશિશ જીમમાં પડેલાં સોફા પર જ લાંબી થઈ ગઈને બીજી મિનિટે ઘસઘસાટ ઊંઘી ગઈ.

****

પુલ ટેબલ નજીક ક્યુસ્ટિક લઈને ઊભેલો ધ્યેય એને દૂરથી આવતી જોઈ રહ્યોં. બ્લેક આલ્ફાબેટ પ્રિન્ટ સ્પોર્ટસ લેંગીગસ, પ્લેન બ્લેક ટીશર્ટ પર બ્લેક ગ્લાસીસ અને એના ટ્રેડ માર્ક જેવી લાંબા કાળાવાળની પોની ટેઈલ! અને કપાળ પર ઝુલતી ગોલ્ડન કલરથી હાઈલાઈટ કરેલી લટ! પાંચ ફૂટ પાંચ ઈંચની એની હાઈટ સાથે ઓવરઓલ એ બ્યુટિફૂલ દેખાતી હતી! ધ્યેય એને જોઈ રહ્યો. એ નજીક આવી એટલે બોલ્યો,

‘ગુડ મોર્નિંગ ગોર્જીયસ!‘ કશિશના ચહેરા પર સ્માઈલ આવ્યું.

‘મોર્નિંગ ડોબા!‘

કાલે રાતે વાત કરી ત્યારે એને ડાઉટ હતો પણ કશિશે નજીક આવીને આંખ પરથી ગ્લાસીસ હટાવ્યા એટલે એની સહેજ લાલ અને સૂજેલી આંખો જોઈને ધ્યેયને પાક્કી ખાતરી થઈ ગઈ કે કાલે મેડમ નશામાં જ બોલ્યા હતા . નક્કી આ કોથળામાંથી બિલાડું કાઢશે! સાલ્લા આ શ્રીંમતોને બીજા કામે ય શું સૂઝે!

‘જી, દેવી બુધ્ધિશાળી! તમારો નશો ઊતરી ગયો હોય તો ચાલ ફટાફટ એક ગેમ રમતાં રમતાં તારે જ કહેવું હોય તે કહી નાંખ પછી નીકળીએ. મારે અગિયાર વાગે કોર્ટ પહોંચવું છે. તારી જેમ મારે ઘરે વર નથી જે કમાઇને હું એશ કરું સમજી!‘ ધ્યેય બોલપરથી રેક હટાવીને એક ક્યુસ્ટિક એના હાથમાં પકડાવતા બોલ્યો,

‘લે બ્રેક શોટ તારો!‘

ક્યુસ્ટિકથી હીટ કરવાના બદલે કશિશે મોઢું ફૂલાવીને ઊભી રહી,

‘તારે બહું ઊતાવળ હોય તો જા, મારે રમવું ય નથી ને વાત પણ નથી કરવી! ને બાય ધ વે મેં નહોતું કહ્યું કે મારે પૈસાદાર વર સાથે લગ્ન કરવા છે! સમજ્યો!‘

કશિશના ચહેરા પર હંમેશના જેવાં રમતિયાળપણાંને બદલે ગંભીરતા જોઈને ધ્યેયને થયું પોતે થોડીક વધુ ઊતાવળ કરી નાંખી. કશિશ હર્ટ થઈ ગઈ!

‘ આઈ એમ સોરી કિશુ! ચાલ બસ હવે બોલ!‘

કશિશ બ્રેક પોઈન્ટ લેવા માટે ટેબલ ઝૂકીને હાથની આંગળીઓનો બ્રીજ બનાવ્યો અને તેમાં ક્યુસ્ટિક સેટ કરીને વ્હાઈટબોલને હીટ કરતાં બોલી,

‘મારે પોલિસ કમ્પ્લેન્ટ કરવી છે.‘

‘લે! મેં શું કર્યું?‘ ધ્યેયે મજાક કરી.

‘આઈ એમ સિરિયસ!‘

કશિશ ગંભીર હતી એટલે ધ્યેય પણ ગંભીર થયો.

‘કોની સામે?‘

કશિશ એની નજીક આવીને કોઈને પણ સંભળાય નહીં તેવા ધીમાં અવાજે બોલી. અને તે સાંભળીને જાણે ધરતીકંપ આવ્યો હોય તેમ ધ્યેયના હાથમાં રહેલી ક્યુસ્ટીક સહિત એ આખો ધ્રુજી ગયો,

‘‘વ્હોટ? તું શું કહે છે?

‘બહેરો છે?‘ કશિશ મોટેથી બોલી. એ મોટેથી બોલી એટલે આજુબાજુના ટેબલવાળા એમની સામે જોઈ રહ્યાં.

‘અરે યાર, આમ ચીસો ન પાડ. બટ વ્હાય? એમણે શું કર્યું છે?‘

સવાલ તો પૂછી નાંખ્યો પણ ધ્યેયના મનમાં અનેક સવાલ આવી ગયા. કશિશ સાથે શું કર્યું હશે આ લોકોએ? છેલ્લાં પંદર વર્ષની એની સરકારી વકીલ તરીકેની પ્રેકટિસમાં અનેક કેસ એવા આવ્યાં હતા જેમાં ઘરનાં લોકો જ પોતાના કુંટુંબની સ્ત્રીનું જીવન બરબાદ કરી નાંખ્યું હોય! અનેક વિચારો એને ખળભળાવી ગયા. કશિશ કહે છે તે લોકોને તો એ નાનો હતો ત્યારથી જાણે છે!

ધ્યેયએ ક્યુસ્ટિક ટેબલ પર મૂકીને એ કશિશની નજીક ઊભો રહ્યોં,

‘કિશુ, શું થયું હતું તારી સાથે? ‘

આ સવાલ પૂછતાં ધ્યેયના મનમાં અનેક ખોટા વિચાર આવી ગયા. તેનાથી મનોમન ભગવાનને પ્રાર્થના થઈ ગઈ. હે પ્રભુ હું વિચારું છું તેવું કશું ન થયું હોય!

ધ્યેયે સવાલ કર્યો અને કશિશની આંખમાં આંસુ આવી ગયા. ટેબલ પર ક્યુસ્ટિક મૂકીને એની સામે જોઈ રહી. સાઈડમાં પડેલી ઈઝી ચેર પર જઈને બેઠી. ધ્યેય પણ મૂંગો મૂંગો એની બાજુમાં બેઠો. પછી બે મિનિટ કશિશ સતત બોલતી રહી, એ એને આશ્ચર્ય અને આઘાતથી તાકી રહ્યો.

‘બસ, આઈ વોન્ના સ્યુ ધેમ. મારે તેમની સામે કેસ કરવો છે.‘

‘તું શું કહે છે તેનું તને ભાન છે? આર યુ આઉટ ઓફ યોર માઈન્ડ?‘

‘ભાન તો ત્યારે પડી ન હતી. ખરેખરું ભાન તો હવે આવ્યું છે. સમજ્યો!‘ કશિશનો ઘવાયેલી સિંહણ જેવો ચહેરો ધ્યેય જોઈ રહ્યો. ,

‘ઇમ્પોસિબલ ! અને સૌથી પહેલી વાત તો એ કે પોલિસ તારી કમ્પ્લેન્ટ નોંધવા જ તૈયાર નહીં થાય. આ તને મારી ગેરેન્ટી છે. કારણ કે ટેક્નિકલી આખી ય વાત ખોટી છે. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ મની...તારા ફેમિલિની કેટલી બદનામી થશે તે તને ખબર છે? અને બાય ધ વે તું આ બધું તું શું કામ કરવા માંગે છે?‘

‘એટલાં માટે કે એમને અહેસાસ થાય કે એમણે જે કર્યું તે ખોટું કર્યું હતું. આઈ વોઝ એલિજિબલ! પણ એમના કારણે આઈ એમ જસ્ટ બ્લડી હાઉસવાઈફ. જે મારે ક્યારેય બનવું ન હતું.‘ કશિશ જુસ્સાથી બોલી.

‘બટ યાર, યુ હેવ નાઇસ ફેમિલિ, લકઝુરિયસ લાઈફ એન્ડ અબોવ ઓલ કેરિંગ હસબન્ડ!‘

‘યસ, બટ ઘેટ આઈ ડીડન્ટ વોન્ટ ઘેટ ઇન માય લાઇફ! મારા પર એ થોપવામાં આવ્યું છે એ મારે સ્વીકરાવું પડ્યું કારણ કે મારી પાસે કોઈ બીજો ઓપ્શન ન હતો. અને સૌથી વધુ મહત્વની વાત મારી સાથે જૂંઠું બોલવામાં આવ્યું. ઘે ચીટેડ મી.‘

‘એટલે તારે તેમની સાથે બદલો લેવો છે?‘

‘ના, હું શું કામ આ કરી રહી છું તેનું રિઝન હમણાં નહીં કહું પણ તું વકીલ છે તો મારો કેસ લડ.‘

‘ના,,,હું આ કેસ નહીં લડું. તારા ફેમિલિને હું બદનામ ન કરી શકું.‘

‘તું મારો ફ્રેન્ડ નથી?‘

‘હું પૂરા શાહ ફેમિલિનો ફેમિલિ ફ્રેન્ડ છું.‘

‘એટલે એમ કે તું એમને બચાવવા માંગે છે?‘ કશિશે એની સામે જોઈ રહી.

‘ના, હું તને બચાવવા ઈચ્છું છું. તને ખબર છે જો પોલિસ કમ્પ્લેન્ટ સ્વીકારશે તો પછી તેમનું ઈન્ટ્રોગેશન થશે અને પછી ફાઈલ કોર્ટમાં જશે. તારી જ નહીં તારા પરિવારની બદનામી થશે. મિડિયામાં વાત આવશે. તારો પરિવાર તારો નહીં રહે. બધું વેરવિખેર થઈ જશે! ઈવન કૌશલ પણ આખી ય વાત સમજી નહીં શકે.. કશિશ તું ક્યાંયની નહીં રહે. મારી વાત સમજ...ગાડ્યા મડદાં ઉખેડવાનું છોડને એશ કર ને યાર! તારા જેવી રિચ લાઈફ સ્ટાઈલ ભારતમાં બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે!‘

‘આઈ એમ શોક્ડ ધી! તું ય બીજા પુરુષ જેવો જ છે! જે એવું જ વિચારે છે કે રોટી,કપડાં ઓર મકાન સ્ત્રીની એ જ સૌથી મોટી જરૂરિયાત હોય છે. આઈ એમ સોરી ફોર યુ! મને તારી દયા આવે છે. ‘

કશિશ આવું બોલી એટલે ધ્યેયને ખ્યાલ આવ્યો કે ગાડી ખોટા પાટે ચડી રહી છે.

‘ઓહ કમોન કિશુ...ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, હું ફક્ત તારા ભલાં માટે કહુ છું.‘

‘મારું ભલું કરવું હોય તો મારી સાથે પોલિસ સ્ટેશન આવ!‘

ધ્યેય નિ:સાસો નાંખ્યો.

‘ડિયર! ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ...હું તને એવી કોઈ મદદ નહીં કરી શકું!‘ ધ્યેયએ હાથ ઊંચા કરી દીધાં એટલે કશિશે ઊંડો શ્વાસ લીધો,

‘ હું છેલ્લીવાર પૂછું છું, તું મને એમાં મદદ નહીં કરે?‘

(ક્રમશ:)

કામિની સંઘવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED