રાઈટ એંગલ - 35 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 35

રાઈટ એંગલ

પ્રકરણ–૩૫

‘નેકસ્ટ ડેટ કંઇ છે?‘ ધ્યેયએ રાહુલને પૂછયું,

‘જી...દસ સપ્ટેમ્બર..‘

‘ઓ.કે. તે અત્યાર સુધીમાં જે કાંઇ નોટ્સ કે ફાઇલ તૈયાર કરી છે તે બધી મારા ટેબલ પર મૂકી દે જે...હું કાલથી જ તૈયારી શરુ કરી દઇશ.‘

બીજા દિવસથી જ ધ્યેયએ લડાયક મૂડમાં એની તૈયારી શરુ કરી દીધી. પહેલાં તો એણે રાહુલે આ કેસ વિશે જે નોટ્સ તૈયાર કરી હતી તે પર નજર ફેરવી લીધી. આમ તો રાહુલ એની સલાહ મુજબ જ કામ કરતો હતો. પણ અત્યાર સુધી ધ્યેયને આશા હતી કે કોઈકને કોઇક રીતે કેસમાં સમાધાન થશે, કશિશ કદાચ એમને માફ કરી દેશે અથવા તો ઉદય કે મહેન્દ્રભાઇ કોઇક રીતે સમાધાનની ભૂમિકા પર આવશે. પણ કાલે જે ઘટના બની તે પછી આ બધાં સમાધાન કરવા તૈયાર થાય તો પણ હવે ધ્યેય જ સમાધાન કરવાના મૂડમાં ન હતો. એ બધુ સહી શકે પણ કશિશના ચરિત્ર પર કોઈ શંકા કરે તો કોઇ કાળે એમને માફ ન કરે.

રાહુલે કરેલી બધી નોટ્સ અને ફાઇલ ધ્યેય જોઇ ગયો. બધાં પર વિચાર કરીને એણે એક–બે મુદ્દા તારવ્યા. પછી કશિશને ફોન કર્યો,

‘હાય..તું ફ્રી છે તો હું કોફી હાઉસ આવું?‘

કશિશને નવાઈ લાગી. કારણ કે બન્ને જણાં ડિનર તો સાથે જ કરતાં હોય છે એટલે રાતે તો મળવાના જ છે અત્યારે ધ્યેય કેમ કોફી હાઉસ આવે છે?

‘હા...ખાસ રશ નથી...આવી જા.‘

કોર્ટમાં ઉદયના વકીલે કશિશ પર આડેઘડ આરોપ લગાવ્યા અને તે પછી ધ્યેયએ કેસ પોતાના હાથમાં લઇ લીધો, કશિશને તે જોઇને ધ્યેય પર પહેલાથી ખૂબ માન અને વિશ્વાસ હતો હવે તેમાં લાગણી પણ ભળી હતી. ધ્યેય આવે તે પહેલાં કશિશ વોશરુમમાં જઇને ચહેરો પાણીનિ છાલક મારી. સહેજ ક્રીમ લગાવી, હોઠ પર લાઇટ લિપસ્ટિક લગાવી. આંખોમાં સવારે લગાવેલી આઇલાઇનર ઝાંખી થઇ ન હતી છતાં એના પર હળવેથી એક કોટ લગાવી દીધો. વાળ ખોલીને ફરી ઓળી લીધા. લાઇટ યલો ટી શર્ટ અને ઓલિવ ગ્રીન પેન્ટ પર સહેજ–સાજ હાથ ફેરવી લીધો એટલે એકદમ ઇસ્ત્રી ટાઇટ દેખાય. આજસુધી એ આવી રીતે કદી ધ્યેય માટે તૈયાર થઇ ન હતી. પણ એને આજે આમ તૈયાર થવાનું ગમ્યું. મિરરમાં જોઇને પોતાના પ્રિતિંબંબ સામે એક કોન્ફિડન્સ સ્માઇલ ફરકાવતી એ બહાર આવી ત્યારે ધ્યેય આવી ગયો હતો. ધ્યેય વોશરુમ તરફથી કશિશને આવતી જોઇ રહ્યોં,

‘હાય!‘ કશિશ ટહુકી એટલે ધ્યેય સહેજ શરમાઇને નીચે જોઇ ગયો. પોતે કેવો બાઘાની જેમ કશિશને તાકી રહ્યોં હતો તેની કશિશને જાણ થઇ ગઇ. કશિશને એનું આમ નીરખી નીરખીને જોવું ખૂબ ગમ્યું.

‘માલા...બે કપ નેસકેફી લાવ જે ને પ્લિઝ!‘

કશિશે પોતાની હેલ્પરને કહીને ધ્યેયને રિલેક્સ થવાનો સમય આપ્યો. કોફી સીપ કરતાં કરતાં કશિશ બોલી,

‘તારે કશું કામ હતું ને?‘

‘યાહ...‘ધ્યેયએ પોતાની વાત શરુ કરી,

‘હું રાહુલે તૈયાર કરેલી નોટ્સ જોઇ ગયો. બધી વિગતમાં એક કડી ખૂટે છે. આઇ થિન્ક દરેક વ્યક્તિએ એક તો પોતાના ડોકટર અને બીજા વકીલ, આ બન્નેથી કશું છુપાવવું ન જોઇએ.‘ ધ્યેયએ કોફીનો કપ બાજુમાં મૂકયો.

‘હા...તો પૂછ ને...હું કશું છુપાવીશ નહી.‘ કશિશે કોફી સીપ કરતાં ધ્યેય સામે જોઇ રહી.

‘કિશુ...આટલાં બધાં વર્ષો પછી તને કેવી રીતે જાણ થઇ કે તને મેડિકલમાં એડમિશન મળ્યું હતું પણ તારા ભાઇના કારણે તું મેડિકલમાં જઇ ન શકી?‘

ધ્યેયનો સવાલથી કશિશને તે દિવસ યાદ આવી ગયો. કૌશલ ટૂર પર હતો અને પોતે એક દિવસ પિયર રહેવા ગઇ હતી. અને...

કશિશે કપ મોંઢે માંડ્યો. પણ કોફી પૂરી થઇ ગઇ હતી. એણે કપ ટેબલ પર મૂકી દીધો. એણે ઊંડો શ્વાસ લીધો, બારીની બહારથી નજર ફેરવીને ધ્યેય પર ટેકવી,

‘હું કશું છુપાવવા ઇચ્છતી નથી..પણ આજસુધી મને કોઇએ આ વિશે પૂછયું નથી.‘

‘હમમ...‘ ધ્યેયએ એની સાથે સહમત થતા માથું હલાવ્યું, કશિશે ઊંડો નિ:સાસો નાંખ્યો,

‘તેર વર્ષ હું ભ્રમમાં જ જીવી કે મને મેરિટ ઊંચું ગયું હોવાના કારણે એડમિશન નહોતું મળ્યું. કૌશલ ટૂર પર હતો...હું પપ્પાને ત્યાં રહેવા ગઇ હતી. ઉદયભાઇની દીકરી નવ્યા એઇટથ સ્ટાન્ડર્ડમાં ભણે છે. બપોરે હું એની સાથે પપ્પાના રુમમાં બેસીને વાતો કરતી હતી અને એણે કહ્યું કે એને ડોકટર બનવું છે. ત્યારે હું બોલી ગઇ કે મારે પણ મેડિકલમાં જવું હતું, મારા માર્કસ પણ સારા આવ્યા હતા, પણ હું ડોકટર બની ન શકી..ત્યારે નવ્યા બોલી કે ફિયા તમારો સ્કોર તમે કહો છો તેટલો હોય તો તમને એડમિશન મળે જ. કારણકે મારી ફ્રેન્ડના અંકલને તમારી જેટલાં પરસેન્ટેજમાં અમદાવાદની કોલેજમાં એડમિશન મળ્યું હતું. અને હાલ એ અંકલ અમદાવાદમાં જ હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે. મેં એને કહ્યું કે મને કોલ લેટર જ આવ્યો ન હતો. ત્યારે નવ્યાએ દલીલ કરી કે તમારે કોલેજમાં તપાસ કરવી જોઇતી હતી. મેં કહ્યું કે પપ્પા અને ઉદયભાઇએ તપાસ કરી હતી, પણ તે સમયે મેરિટ ઊંચું ગયું હતું એટલે એડમિશન નહીં મળે તેવું કોલેજવાળાએ કહ્યું હતું. એટલે નવ્યાએ પપ્પાને પૂછયું કે તમે સી.જે. મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલને મળ્યાં હતા? નવ્યાએ આ સવાલ પુછયો અને મેં પપ્પા સામે જોયું તો એમના ચહેરા પર અજીબ ભાવ હતા.‘

કશિશ બોલતાં બોલતાં થાકી ગઇ. આ હકીકત એને અપાર દુ:ખ આપતી હતી, પણ કહેવી જરુરી હતી. ધ્યેયએ એના હાથ પર સહાનુભૂતિ ભર્યો હાથ મૂકયો. એના સ્પર્શથી કશિશના બદનમાં ઝણઝણાટી ફેલાઇ ગઇ. આજસુધીમાં બન્નેએ અનેકવાર હાથ મેળવ્યા હતા, એકબીજાને ભેંટયા હતા. પણ હવે સંબંધોના પરિમાણ બદલાય ગયા છે. ધ્યેયના સ્પર્શથી એને પોતાની વાત પૂરી કરવાનું જોમ આવ્યું,

‘મેં જાણી જોઇને નવ્યાને કહ્યું કે એડમિશન લેવા ઉદયભાઇ ગયા હતા. કારણ ક હું જોવા માંગતી હતી કે પપ્પા શું રિએક્શન આપે છે. પપ્પા કશું બોલતાં ન હતા, પણ એમના મૌનમાં ઘણાંબધાં ભાવ હતા. બસ તે પછી નવ્યાને મેં બીજા કામમાં બિઝિ કરી દીધી. અને મને પહેલીવાર ડાઉટ ગયો કે મને મેડિકલમાં એડમિશન ન મળ્યું તેમાં કશુંક રહસ્ય છે. બપોરે પપ્પાને ચા આપતાં મેં પૂછયું,

‘પપ્પા મને મેડિકલમાં એડમિશન મળ્યું હતું?‘

અને પપ્પા કશો જવાબ આપવાના બદલે નીચું જોઇ ગયા મેં બે–ત્રણવાર પૂછયું તો એમની આંખમાંથી આંસુ આવી ગયા. એટલે મેં વધુ કશું પૂછયું નહી. પપ્પા બહાર સાંજે વોક પર ગયા, નવ્યા એની ફ્રેન્ડ સાથે ગઇ હતી, ઘરમાં કોઇ ન હતું ત્યારે મેં પપ્પાનો વોર્ડરોબ ખોલ્યા. ખોલીને બધાં ખાના, ડ્રોઅર વગેરે ચેક કર્યું. પણ કશું મળ્યું નહી. ત્યાં મારું ધ્યાન મમ્મીના જ્વેલરી બોક્સ પર ગયું. મેં તે ખોલ્યું તો એમાંથી મારો એડમિશન લેટર મળ્યો.‘

‘વ્હોટ?‘ ધ્યેય બોલી પડ્યો.‘ એ એડમિશન લેટર ક્યાં છે?‘ ધ્યેયના અવાજમાં ઉત્તેજના હતી,

‘જ્વેલરી બોક્સમાં જ... લેટર મેં વાંચીને ત્યાં જ પાછો મૂકી દીધો.‘

‘વ્હોટ? અરે યાર આ તું મને આજે કહે છે? અરે તારે મને પહેલા કહેવું જોઇએ. એ સૌથી મોટો પુરાવો છે. તું કેમ ગાફેલ રહી શકે? હું ય સાવ ડફર છું કે મેં આ બાબત પર ધ્યાન ન આપ્યું.‘ ધ્યેયએ ટેબલ પર મૂઠ્ઠી પછાડી. ધ્યેયને પણ પોતાના પર ગુસ્સો આવતો હતો. પોતે પણ કેમ આટલી મહત્વની વાત રાહુલને કહેવાનું ચૂકી ગયો?

‘અરે મેં ત્યારે થોડું વિચાર્યું હતું કે હું કેસ કરવાની છું?‘ કશિશે પોતાનો બચાવ કર્યો,

‘હવે એ લેટર મારે કોઇક રીતે મેળવવો પડશે. પણ મેળવવો કેમ? હવે તો હું પણ તારા ઘર જઇ ન શકું અને તું પણ જઇ ન શકે.‘ ધ્યેયએ થોડીવાર જોયા કર્યું વિચાર્યા કર્યું, પછી ચપટી વગાડીને બોલ્યો,

‘તારા પપ્પા ઘરે એકલાં કયારે હોય?‘

‘એવું તો ખાસ બને નહી...આખો દિવસ ઉદયભાઇ શોપ પર હોય અને નવ્યા સ્કૂલે હોય પણ ભાભી તો ઘરે જ હોય ને...‘

‘એ બહાર તો જતા હશે ને...કશે ફ્રેન્ડને મળવા કે કિટ્ટી પાર્ટીમાં?‘ ધ્યયે બોલવાનું પુરું કરે રહે તે પહેલા જ કશિશે બોલી પડી,

‘યસ, દર બુધવારે બપોરે બે થી પાંચ ભાભી કિટ્ટીમાં જાય છે.‘

‘ઓ.કે.‘ આ માહિતી ધ્યેયના કામની હતી.

પછી ધ્યેયએ કશિશ પાસેથી બધી માહિતી મેળવી લીધી. મહેન્દ્રભાઇના રુમમાં ક્યાં કબાટમાં કંઇ જગ્યાએ જ્વેલરી બોક્સ મૂકેલું હોય છે. એણે કેલેન્ડરમાં ચેક કરી લીધું કે આવતો બુધવારે ઓગણત્રીસ તારીખે છે. આ કામ પતાવતા પહેલાં એક–બે બીજા મહત્વનું કામ પતાવવાના છે.

‘હું ડિનર માટે નવ વાગે આવું છું, તે પહેલાં એક–બે કામ પતાવી દઉં.‘ ધ્યેયએ ઊભા થતા કહ્યું,

‘ઓ.કે..‘ કશિશને બાય કહી ધ્યેય નીકળી ગયો.

ગાડીમા બેસીને ધ્યેયએ પહેલું કામ ન્યુઝપેપરના એડિટરને ફોન કરવાનું કર્યુ,

‘તમારી ગુજરાતી ટી.વી. ચેનલમાં કોઇ ઓળખાણ છે?‘ કશિશના કેસના ખબર છાપવામાં પહેલીવાર એડિટરે છબરડો વાળ્યો હતો ત્યારે ધ્યેયએ આટલો નામકિંત વકીલ હોવા છતાં એના પર કેસ ઠોક્યો ન હતો તે યાદ રાખીને એડિટર એની સાથે બહુ સલુકાઇભર્યું વર્તન કરતો હતો,

‘હા...એક બે ચેનલમાં ઓળખાણ છે.‘ એડિટરના જવાબથી ધ્યેય મલક્યો,

‘એક કામ કરી આપો ને...આપણો જે કેસ ચાલે છે ને...એના વિશે થોડો પોઝિટિવ પ્રચાર થઇ શકે? આ ઘટનાને તમે દરેક સામાન્ય સ્ત્રી સુધી પહોંચતી થાય તેવું કરી શકો?‘ ધ્યેયની વાત ધ્યાનથી એડિટર સાંભળતા હતા.

‘હા...ચોક્કસ થઇ શકે...‘

‘બસ તો આવતી દસ તારીખ પહેલાં આ કામ કરી નાંખો...બસ આખા રાજ્યમાં આ કેસ છવાઇ જવો જોઇએ.‘

‘જી...હું મારાથી થાય તેટલાં પ્રયત્ન કરીશ.‘

‘થેન્કયુ સો મચ..!‘ ધ્યેયએ ફોન મૂકતાં પહેલાં એડિટરનો આભાર માનવાનું ચૂકયો નહી.

‘એક કામ પત્યું. હવે બીજું કામ... તે થોડું અઘરું તો છે જે પણ સાથે થોડું સંવેદનશીલ પણ છે. ખબર નહીં કેવી રીતે થશે? હમણાં એ કામ કરવા કરતાં કશિશની ફેવરમાં વાતાવરણ જામે પછી કરવું સારું. તો ધાર્યું નિશાન લાગશે.‘

ધ્યેયએ ડ્રાઇવ કરતાં કરતાં વિચાર્યા કર્યું. પછી એણે નિર્ણય લઇ લીધો. હમણાં આ કામ રહેવા દેવું. પણ એ પહેલા કાલના પેપરમાં એક સમાચાર આવવા જોઇએ. જેથી કરીને એણે જે કામ કરવાનું છે તેમાં સો ટકા સફળતા મળે. એણે ફરી એડિટરને ફોન કર્યો અને કેટલીક માહિતી આપી. ખાસ કહ્યું કે કાલે આવે તેમ કરજો.

*****

સવારે બ્રેકફાસ્ટ કરતાં કૌશલ ન્યુઝપેપરના પાના ફેરવતો હતો અને એની નજર સિટિન્યુઝ પેઇજ પર પડી, હેડલાઇન જોઇને એ ચોંકી ગયો,

‘કશિશ નાણાવટીના ચારિત્ર સામે આંગળી ચીંધવા માટે કોર્ટનો વકીલને ઠપકો!‘ કૌશલ ઝડપથી બધાં સમાચાર પર નજર ફેરવી ગયો. કેસની બધી વિગત સાથે એ પણ માહિતી હતી કે નેકસ્ટ ડેટ દસ સપ્ટેમ્બર છે.

‘ઉદયનો વકીલ આટલી હદ સુધી પહોંચી ગયો? હદ થઇ ગઇ. એ કશિશને સમજે છે શું?‘ એણે ઉદયને ધમકાવવા માટે ફોન હાથમાં લીધો અને એ અટકી ગયો. ક્યાં હક્કથી એ ઉદયને ઠપકો આપી શકે? એણે ખુદ પણ કશિશને ઘરમાંથી કાઢી મૂકી છે. તો એના અને ઉદયમાં ફેર શું? કૌશલને પહેલીવાર ખૂબ પસ્તાવો થયો. પોતે કશિશ સાથે યોગ્ય વ્યવહાર નથી કર્યો. થોડી ધીરજ રાખીને કશિશને સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે આ દિવસ જોવો પડ્યો ન હોત. પોતે આજે આમ એકલો ન હોત.

કૌશલ નાસ્તો પડતો મૂકીને ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થઇ ગયો અને ઓફિસ જવા નીકળ્યો. ગાડીમાં બેઠો કે એની નજર ડેસ્ક પર પડેલાં એના અને કશિશના ફોટો પર નજર પડી.

‘હવે હું બીજું કશું કરી ન શકું પણ કશિશને સપોર્ટ તો કરી શકું ને?‘ બસ આ વિચારથી કૌશલને પોતાના પ્રાયશ્ચિતનો રસ્તો મળી ગયો.

(ક્રમશ:)

કામિની સંઘવી