Right Angle - 4 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 4

રાઈટ એંગલ

પ્રકરણ–૪

કશિશ ભારે હૈયે પોલિસ સ્ટેશનની બહાર આવી. એને હતું કે આજે એનુ કામ થઈ જશે. એ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે અને તરત એફ.આઈ.આર. થશે અને તરત એનો કેસ કોર્ટમાં ચાલવા લાગશે. બસ એ પછી એને ન્યાય જલદી મળી જશે. પણ અહીં તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો હતો.

પોલિસ સ્ટેશનની બહાર નીકળીને એ ચૂપચાપ પોતાની કારમાં બેઠી. પણ ઘરે જવાનું મન ન થયું. એને નિરાશા ઘેરી વળી. એણે સ્ટિયરિંગ પ ર માથું ઢાળી દીધું. મનમાં વિચારો ચાલુ થઈ ગયા,

‘ધ્યેય સાચું કહેતો હતો. પોલિસ એની ફરિયાદ નોંધશે જ નહી. પણ ભલે આ બન્ને પોલિસવાળા ગમે તે કહેતા હોય પણ કેસ તો બને છે. કોઈક તો કલમ લાગતી હશે ને? આખરે એમણે પોતાની સાથે કેટલું મોટું ચિંટિંગ થયું છે? પણ એ પોતે કહે છે તે ન ચાલે ને! પોલિસ કહે કે કેસ બને છે તો વાત આગળ વધે. હવે તે માટે શું કરવું? ગાંધીરોડના પોલિસ સ્ટેશ જાઉં? ના તે પહેલાં, ધ્યેયને જ પૂછી લેવું સારું.. પણ આજે તો એને ક્રુસિયલ કેસની હિયરિંગ છે, એટલે એ વાત નહીં કરે.‘ કશિશે મોબાઈલમાં ટાઈમ જોયો તો દોઢ વાગ્યો હતો.

ધ્યયને બે વાગે રિસેસ હોય છે, બસ અડધીકલાક રાહ જોઈ લઉં. પછી એને ફોન કરું. પણ આ કામ આજે જ પતવું જોઈએ. ત્યાં કશિશને વિચાર આવ્યો કે ડાયરેક્ટ કોર્ટમાં જ પહોંચીને ધ્યેયને મળી લઉં જ બેટર રહેશે.

આ વિચાર કશિશને ગમ્યો. એ કોર્ટ પહોંચશે ત્યાં તો ધ્યેયને રિસેસ પડી ગઈ હશે. એટલે ફોન કરતાં રુબરું મળવું જ બહેતર રહેશે. એણે ગાડી કોર્ટ પર લીધી. કોર્ટ કેમ્પસમાં પ્રવેશતા જ કશિશના હ્રદયના ધબકારા તેજ થઈ ગયા. એક દિવસ એનો કેસ અહીં લડાશે. પણ એવું બનશે ખરું? ફરિયાદ નોંધાય તો ને? એણે નેગેટિવ વિચારો પર બ્રેક મારીને પહેલું કામ ધ્યેયને ફોન કરવાનું કર્યુ. અડધી કલાકની રિસેસમાં ધ્યેય પાસે વાત કરવાનો બહુ ટાઈમ નહીં હોય!

એણે જલદીથી કોલ લગાવ્યો. સામે પૂરી રીંગ ગઈ પણ કોઈએ ઉપાડ્યો નહી. કશિશે એનું વ્હોટસ એપ ઓપન કરીને ધ્યેયનું લાસ્ટ સીન જોયું તો એ સવારનો સાડા દસનો સમય દેખાતો હતો.

‘ડોબો, સાયલન્ટ મોડ પર જ ફોન મૂકીને બેઠો હોય!‘ એને મનોમન બહુ ગુસ્સો આવ્યો. પણ હવે અત્યારે ગુસ્સો કરવા કરતાં જલદી એને શોધવાની જરુર હતી. ક્યાં બેઠો હશે? એ ક્યાં બેસે છે તે પોતાને ખબર નથી. કશિશને પોતાના પર કાળ ચડ્યો. આટલો ક્લોઝ ફ્રેન્ડ છે પણ પોતાને એ ખબર નથી કે એ કોર્ટમાં ક્યાં હશે? ત્યાં એણે કોર્ટના મેઈન ડોર પાસે એક બોર્ડ વાંચ્યું. બાર એસોસિયેશન રૂમ. કશિશ એ તરફ લગભગ દોડી. બે ને પાંચ તો અત્યારે જ થઈ ગઈ હતી. એણે બાર અસોસિયેશન રૂમ શોધી કાઢયો પણ બહાર બોર્ડ માર્યું હતું,

‘વકીલ સિવાય બીજા કોઈએ અહીં પ્રવેશ કરવો નહી.‘

રિસ્ટવોચમાં જોયું તો બે ને દસ. હવે આ બધું વિચારવાનો સમય નહતો. એણે રુમમાં પ્રવેશીને ધ્યેયને શોધવા માટે નજર ફેરવી. બધાંએ કાળા કોર્ટ પહેર્યા હતા એટલે ઝડપથી કોઈને શોધવા અધરું જ હતું. ત્યાં એની બાજુમાંથી એક લેડી લોયર પસાર થઈ કશિશે એને બોલાવી,

‘ઇક્સક્યુઝ મી, ધ્યેય સુચક ક્યાં મળી શકે?‘

‘યસ, એ કેન્ટિનમાં હશે.‘ પેલીએ જવાબ આપ્યો.

‘થેન્કસ, પ્લિઝ જલદી કહોને કેન્ટિન ક્યાં છે?‘

‘અહીંથી રાઈટ જાવ....સામે જ દેખાશે.‘

કશિશ થેન્કયુ પણ દોડતા દોડતાં બોલી.

રિસેસ ટાઈમ હોવાથી કેન્ટિન ધમધમતી હતી. એણે ઝડપથી નજર ફેરવી. પણ ધ્યેય નજરે પડતો નહતો. બધાં કાળા કોટવાળાને એ ધ્યાનથી જોતી હતી, ત્યાં જ એના નામની બૂમ સાંભળાય,

‘હેય કશિશ.....‘ એણે એ દિશામાં નજર ફેરવી તો એ ધ્યેય હતો. એણે બ્લેક કોટ પહેર્યો નહતો. એટલે સીધી જઈને એ ગિન્નાય,

‘કેમ કોટ પહેર્યો નથી?‘

‘લે તું એ પૂછવા અહિં આવી છે? ગરમી કેટલી લાગે એ.સી. વિના. એ તમને નહીં સમજાય મેડમ! એ માટે શર્ટ પર કાળો કોટ પહેરીને આખો દિવસ પસાર કરવો પડે! બટ વ્હોટ આર યુ ડુંઈગ હિયર?‘

ધ્યેયએ એને ટોન્ટ માર્યો તે અવગણીને એ બોલી, ‘ ‘ડોબા, તારી સાથે કોફી પીવા નથી આવી. તારું કામ છે એટલે આવી છું સમજ્યો!‘

‘ શું કામ છે? જલદી બોલ...મારે રિસેસ પછી બીજો કેસ છે, આઈ હેવ ઓન્લી ફાઈવ મિનિટસ.‘

‘ઓકે. તે કહ્યું હતું તેમ એ લોકોએ મારી એફ.આઈ.આર. નોંધવાની ના પાડી.‘ એની વાત સાંભળીને ધ્યેય ખડખડાટ હસી પડ્યો.

‘મેં તને પહેલાં જ કહ્યું હતું કે આવું જ થશે. બધું ભૂલી જા અને એશ કર.‘ ધ્યેય ઊભા થતાં બોલ્યો.

‘તે શું કહ્યું હતું તે મને યાદ છે...હવે બોલ શું થઈ શકે? મારે એફ.આઈ. આર. તો કરવી જ છે... બસ.‘

ધ્યેય એની સામે જોઈ રહ્યો. કશિશની આંખોની મક્કમતા જોઈને બોલ્યો,

‘તો કરો....અને પછી ભોગવો...બીજું શુ!‘

‘લુક! ડોન્ટ ટવિસ્ટ ધ મેટર...જસ્ટ ટેલ મી હવે શું કરું?‘

‘ગો ટુ, એ.સી. પી..હી કેન હેલ્પ યુ.‘

‘પણ પેલા ઇન્સ્પેક્ટરે તો ગાંધીરોડ પરના પોલિસ સ્ટેશને જવા કહ્યું. કારણ કે ક્રાઈમ ત્યાં બન્યો છે.‘ કશિશે દલીલ કરી.

‘હી ઈઝ રાઈટ. પણ તારી સોશ્યલ પોઝિશનથી એ લોકો તારા કેસમાં પડવાનું ટાળશે અને બીજી વાત એ લોકો પણ તારી વાત નહીં સમજે. એટલે બેટર છે કે તું પોલિસ સુપરિન્ટેન્ડન્ટને જ મળે. જલદી કામ થશે.‘

‘એસ. પી?? ઓહ માય ગોડ! મારે એમને મળવું પડશે?‘ કશિશને આમ ડાયરેક્ટ પોલિસ સુપરિન્ટેન્ડન્ટને મળવાનુ અજીબ લાગતું હતું.

‘બકા, આ તો શરૂઆત છે, તારે તો ન્યાય જોઈએ છે ને? દેખો આગે આગે હોતા ક્યાં હે!‘ ધ્યેયએ એને ટોન્ટ માર્યો એ કશિશને કઠયું.

‘યસ...એટ એની કોસ્ટ. બાય ધ વે થેન્કસ ફોર હેલ્પ!‘ આભાર તો કશિશે માન્યો પણ એને પોતાનો ટોન્ટ નથી ગમ્યો તેનો ખ્યાલ ધ્યેયને આવ્યો એટલે અને સારું લગાડવા બોલ્યો,

‘બાય ધ વે...પેલા લોકોએ તને ફૂટવવા માટે કેસ નોંધ્યો નહીં. બાકી કોઈપણ ગુનો ગમે ત્યાં બન્યો હોય ઝીરો નંબર હેઠળ એમણે કમ્પ્લેન્ટ નોંધવી જ જોઈએ. અને પછી જે એરિયામાં ગુનો બન્યો હોય ત્યાં તે લોકો ટ્રાન્સફર કરી દે.‘

‘ગઘેડા, પહેલાં કેમ ન કહ્યું? તો હું એ લોકોને ફોર્સ કરી શકતે ને?‘ કશિશને ગુસ્સો આવ્યો.

‘તો વાત વધી જતે....હું તારો નેચર જાણું છું. તમે ત્યાં ય ઝાંસીની રાણીની જેમ લડી પડતે.. તો પછી બાવાના બેવ બગડે. સમજી! ચાલ હવે મને જવા દે...મારો ટાઈમ થઈ ગયો.‘

‘હું એસ. પી.ને એ લોકોની ફરિયાદ કરીશ!‘

એની વાત સાંભળીને ધ્યેય ફરી હસ્યો,

‘ફરિયાદ કરવાથી કશું નહીં થાય ડિયર, એ લોકોને એસ.પી. બહુ બહુ તો ઠપકો આપશે! એટલે તારા કામની જ વાત કર તે જ બેટર રહેશે.‘

ધ્યેય એનો કાળો કોર્ટ પહેરીને ચાલતો થયો અને કશિશ એને જોઈ રહી. પછી પોતાની કાર તરફ વળીને તેમાં બેસતાં બોલી,

‘નાવ લેટસ ગો ટુ પોલિસ સુપરિન્ટેન્ડન્ટન!‘

એણે હજુ ગાડી સ્ટાર્ટ કરી ત્યાં એના સેલની રીંગ વાગી. એ ધ્યેય હતો,

‘એક કાગળમાં એપ્લિકેશન લખ પછી પોલિસ સુપરિન્ટેન્ડન્ટને પાસે જજે. નહિંતર કદાચ બહાર એના પી.એ. તને રોકશે. ‘

હજુ તો કશિશ થેન્કયુ કહે તે પહેલાં સામેથી ફોન મુકાઇ ગયો.

‘બિઝિ મેન! પણ મને બરાબર ગાઈડ કરે છે.‘ કશિશને એની ચીવટ માટે માન થયું. હવે પહેલાં તો કોઈ સ્ટેશનરી સ્ટોર શોધવો પડશે. એણે ચાલુ ગાડીએ રસ્તાની બાજુમાં આવેલી દુકાન પર નજર દોડાવીને એક દુકાન દેખાય ત્યાંથી એ ફોર સાઈઝના કાગળ લીધા અને પોતાને આવડે તેવી ફરિયાદ એમાં લખી. અને પછી સડસડાટ ગાડી પોલિસ સુપરિન્ટેન્ડન્ટને ની ઓફિસ તરફ દોડાવી. ત્યારે એના મનમાં અંજપો હતો. એસ.પી. મળશે ખરા? પોતે એમના વિશે ન્યુઝપેપરમાં વાંચ્યું છે કે તેઓ પબ્લિક ફ્રેન્ડલી છે પણ આજે તેઓ શહેર અને એમની ઓફિસમાં હોવા જોઈએ. તો વાત બને. પોલિસ સુપરિન્ટેન્ડન્ટનની કચેરી બહાર ગાર્ડસ ઊભા હતા એમણે કશિશને ઊભા રહેવા હાથ લાંબો કર્યો.

કશિશે ગાડી સાઈડમાં ઊભી રાખી એટલે એની ગાડીની તલાશી લેવાય અને આવવાનું રિઝન પૂછયું અને કશિશે એના જવાબમાં ટૂંકમાં જ આપ્યો,

‘એક અરજી માટે સાહેબને મળવું છે!‘

તલાશી લેવાઇ ગઈ એટલે એની ગાડી અંદર સરખી પાર્ક કરાવીને એક ગાર્ડે રસ્તો ચીંધ્યો,

‘ઉપર જાકે લેફટ ટર્ન લેના...વહી સાહબ મિલિંગેં.‘

કશિશે તેમ કર્યું. એસ.પી.ની ઓફિસ બહાર એક માણસ ઊભો હતો. એણે ધ્યેયએ જણાવ્યું હતું તેમ મળવાનું કારણ પૂછયું. કશિશે ચૂપચાપ લેખિત અરજી પકડાવી દીધી, એટલે અરજી પર અછડતી નજર નાંખીને પહેલાં એ ત્યાં પડેલાં સોફા પર બસવાનો ઈશારો કરતો બોલ્યો,

‘બે મિનિટ બેસો. સાહેબને કોઈ મળવા આવ્યુ છે!‘

કશિશે એક્સાઈટમેન્ટ ઓછું કરવા આજુબાજુ નજર કરી ત્યાં એની નજર નોટિસ બોર્ડ પર ગઈ જેમાં લખ્યું હતું,

‘સવારે ૧૧થી સાંજના ૫ સુધી કોઈપણ વ્યક્તિ વિના સંકોચે પોલિસ સુપરિન્ટેન્ડન્ટન શ્રી શિવકુમાર રાવને મળી શકે છે.‘ તે વાંચીને કશિશને સારું લાગ્યું પણ ઉત્તેજના ઓછી ન થઈ. તે બેઠી હતી ત્યાં બે બીજા માણસો આવ્યા. દેખાવ પરથી તો ખાનદાન માણસો લાગતા હતા. બન્ને જણાં ધીમા અવાજે કોઈ વાતચીત કરી રહ્યાં હતા. કશિશે પોતાની ઉત્તેજના ઓછી કરવા એમની વાતમાં ધ્યાન પરોવવાની કોશિશ કરી.

બેમાંથી એક કહી રહ્યોં હતો,

‘આ દસમો ધક્કો છે, સાહેબ દર વખતે એમ જ કહે છે કે કામ થઈ જશે, પણ હજુ સુધી થયું નથી. ભગવાન જાણે કેટલાં ધક્કા ખવડાવશે! અને ધક્કા ખવડાવ્યા પછી કામ કરશે કે નહીં એની ય કોઈ ખાતરી દેખાતી નથી.‘

એ સાંભળીને બીજો માણસ બોલ્યો,

‘મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે ડાયરેક્ટ કોર્ટમાં જાવ...પણ તમે સમજતા નથી.‘

‘અરે પણ મને શું ખબર કે આ એસ.પી. સાહેબ આમ ધક્કા ખવડાવ્યા કરશે? હું તો લાગવગ લગાડીને આવ્યો હતો. એટલે મને એમ કે કામ થઈ જશે. જો હવે આજે પણ એમ કહેશેને કે આવતાં સોમવારે આવો તો પછી સીધું કોર્ટમાં જ જાવું છે!

આ વાત સાંભળીને કશિશ ગભરાઇ ગઇ. જો આ માણસ સાચું બોલતો હોય તો એસી.પી. પર ભરોસો ન કરી શકાય. કેટલો સમય બરબાદ કરે તે કહેવાય નહી. અને પોતાના કેસમાં તો બધાં કહે છે તેવો સામાન્ય નથી. હવે શું કરવું? પળભર એ મુંઝાય પછી મનોમન નક્કી કરી લીધું, હવે આવી જ ગઈ છું તો એકવાર મળી લેવું. આગે જો હો દેખા જાયેગાં!

કશિશ ઉચાટ જીવે સોફા પર અધૂકડી બેઠી. અને મનોમન એણે ભગવાનને યાદ કર્યા,

‘હે ભગવાન બસ અહીં મારી વાત સંભળાય અને એફ.આર.આઈ. નોંધાય તેવું કરજે.‘ એણે બંધ આંખ ખોલી ત્યાં પોલિસ સુપરિન્ટેન્ડન્ટનની ઓફિસનો દરવાજો ખૂલ્યો અને તેમાંથી બહાર આવતા આદમીને જોઈને કશિશ હેબતાય ગઈ.

એ કૌશલ હતો.

(ક્રમશ:)

કામિની સંઘવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED