Right Angle - 6 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 6

રાઈટ એંગલ

પ્રકરણ–૬

કશિશને ફાળ પડી કે કૌશલે કેટલી વાતચીત સાંભળી હશે? પણ ધ્યેયનું હાજરજવાબીપણું કામ આવ્યું.

‘બીજી કંઈ હોય? તારી સાથે ડિવોર્સ લેવાની!‘ અને એ સાંભળીને કૌશલ ખડખડાટ હસી પડ્યો. આ જોઈને કશિશના ચહેરા પર રાહતના ભાવ આવી ગયા. એ પણ હસી. અને મજાકમાં જોડાય,

‘ધ્યેય, તદ્દન સાચી વાત છે, કૌશલ દર મહિને મને એકલી મૂકીને એક વીક માટે જતો રહે છે. આ બહાના પર મને ડિવોર્સ મળે ને?‘

‘મળે તો ખરા પણ થોડું મીઠું–મરચું ભભરાવવું પડે. યુ નો કે એ ત્યાં કામે નથી જતો પણ કામાતુર થઈને કોઈને મળવા જાય છે.‘

કશિશ ખડખડાટ હસી પડી. ધ્યેયને મુક્કો મારતાં કૌશલ બોલ્યો,

‘સાલ્લા, તમારા વકીલ લોકોના તો કામ જ આવા. કોઈના સુખી સંસારમાં આગ ચાંપવામાં તમને વકીલોને લોકોને કોઈ ન પહોંચે!‘

‘બસ ને, અમારી આટલી જ કિંમત કરી તમે! બાકી ઈતિહાસ ગવાહ છે કે ગાંધી થી લઈને સુબ્રમણિયમ સ્વામીના વાઈફ રોકસાના સુધીના વકીલોએ ભારતની સેવા જ કરી છે.‘

‘હા ભાઈ હા, તમને દલીલમાં કોઈ ન પહોંચે.‘ કૌશલે સોફા પરથી ઊભા થતા બોલ્યો,‘ બાય ધ વે કિશુ આજે રાતે રોનકની પ્રી વેડિંગ બેચલર પાર્ટી છે. હું હમણાં અડધા કલાકમાં જ જ ફ્રેશ થઈને જાઉં છુ. રાતે મોડો આવીશ! ‘

‘હજુ તો સવારે આવ્યો અને અત્યારે પાછો પાર્ટીમાં જાય છે?‘ કશિશ નારાજ થઈ ગઈ.

‘મને લાગે છે કે હું જાવ એટલે તમે બન્ને નિંરાંતે ઝઘડી શકો. પછી સોલ્યુશન માટે માટે મારી જરુર હોય તો કહેજો. વકીલ એવા કામ ય કરે.‘ ધ્યેય વાતાવરણ હળવું કરવા બોલ્યો.

‘અરે યાર બેસ ને! ઘણાં સમયે આવ્યો છે.‘ કૌશલે આગ્રહ કર્યો.

‘હું તો રહ્યોં કાચો કુંવારો એટલે આપણે તો જ્યાં ચાન્સ મળે ત્યાં બેસી પડીએ. પણ યાર મારો એક અસીલ સાત વાગે મળવા આવવાનો છે અને સાડા છ તો થવા આવ્યા. અને કશિશે પણ તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હશે. ‘ ધ્યેય અને કશિશની નજર મળી. એમાં ઈશારો હતો કે કૌશલને બધી વાત કહી દેવી. કશિશએ નજરથી જ હા કહી.

‘ઓ.કે. બાય...મળતો રહેજે...‘ કૌશલ બોલ્યો,

‘સ્યોર...બાય!‘

ધ્યેય ગયો એટલે તરત કશિશ મોઢું ચડાવીને બોલી,

‘તે મને સવારે કેમ ન કહ્યું કે તું રાતે પાર્ટીમાં જવાનો છે? ‘ કૌશલે એનો હાથ પક્ડયો અને પ્રેમથી દબાવ્યો,

‘કિશુ, બિલિવ મી...મને ય ખબર ન હતી. બપોરે ફોન આવ્યો કે આજે પાર્ટી ગોઠવી છે.‘

‘હજુ તો કાલે આવ્યો અને પાછો આજે રાતે ય બિઝિ! મારે એક ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે. તે ક્યારે કરું?‘‘ કશિશએ એના હાથામાંથી પોતાનો હાથ છોડાવી લીધો. કૌશલે ફરી એનો હાથ પકડ્યો, અને એના પર કિસ કરી,

‘અરે કાલે સવારે કરજે પ્લિઝ....અત્યારે મને જવાની ઉતાવળ છે ડિયર! અને પાર્ટીમાં જતા પહેલાં મારે મારો મૂડ સ્પોઈલ નથી કરવો.‘ પણ કશિશની નારાજગી અકબંધ રહી, એણે ફરી હાથ પાછો ખેંચી લીધો.

‘પણ તું ત્યાં પીને આવીશ એટલે સવારે મોડો ઊઠીશ અને પછી તરત ઓફિસ ભાગી જઈશ. તારી પાસે ટાઈમ જ ક્યાં છે મારા માટે કે મારી વાત સાંભળવા માટે? ‘ કશિશની નારાજગી જોઈ કૌશલ એને મનાવવાની કોશિશ કરી, એને ભેંટીને બોલ્યો,

‘બસ, કાલે ઓફિસ મોડો જઈશ. અને સવારે પણ વહેલો ઊઠી જઈશ. પછી તારે જે વાત કરવી હોય તે કરજે. અને પછી સાથે જીમમાં વર્ક આઉટ પણ કરીશું.‘

‘પ્રોમિસ?‘ કશિશે વાત પાક્કી કરવા પૂછયું. કશિશની ચિબુક પર કિસ કરતાં કૌશલે કહ્યું.

‘જેન્ટલમેન પ્રોમિસ!‘

‘તું જેન્ટેલ મેન છે?‘ કશિશની આંખમાં તોફાન હતું. તે સમજીને કૌશલે એને જોરથી પોતાની નજીક ખેંચી,

‘કોઈ શક?‘

‘જેન્ટલમેન આમ ડ્રોંઇગરુમમાં લવ ન કરે!‘

‘લે! જેન્ટલમનનું ઘર હોય, એનો જ ડ્રોઇંગરુમ અને એની જ પત્ની હોય તો જેન્ટલમેન જ આવું કરે સમજી!‘

કશિશ કશું બોલવા જતી હતી ત્યાં કૌશલના ફોન પર રીંગ વાગી, કશિશે ફોન પર રોનકનું નામ જોઈને બોલી

‘લો જેન્ટલમેન! તમારા બુલાવા આ ગયા!‘

સાચે એમ જ હતું. કૌશલને એના દોસ્તએ પાર્ટીમાં બોલાવવા માટે જ ફોન કર્યો હતો. કૌશલ અડધાકલાકમાં તૈયાર થઈને નીકળી ગયો અને કશિશના મનમાં દિલગીરી છવાય.

પોતાનીથી ભૂલ તો થઈ ગઈ છે. એસ.પી. પાસે જતા પહેલાં કૌશલને કહી દેવાનું હતું. ઈન્ફેક્ટ સવારે જ કહેવું જોઈએ. કૌશલનો રોમાન્ટિક મૂડ ખરાબ થઈ થાય તો ચાલે પણ જિંદગી ખરાબ ન થવી જોઈ. બન્ને વચ્ચેનો વિશ્વાસ અકબંધ રહેવો જોઈએ. કશિશ આ વાત પર બહુ ગંભીર થઈ ગઈ.. કૌશલના સપોર્ટ વિના તો કેવી રીતે એ લડી શકે?

કશિશ હવે બધી વાત કરવા બેચેન થઈ ગઈ. બસ કાલે કોઈપણ રીતે કૌશલને વાત સરખી રીતે સમજાવવી પડે.

એ ડ્રોઈંગ રુમ અને ફેમિલિરુમ વચ્ચે આંટા મારવા લાગી. પહેલીવાર એણે કૌશલને જાણ કર્યા વિના આવું અંતિમવાદી પગલું ભર્યું હતું.

‘મેડમ, આજે ડિનરમાં શું બનાવું?‘ કૂક આવીને એને પૂછયું અને કશિશના વિચારો અટક્યા, એ ચાલતી ચાલતી ઊભી રહી ગઈ,

‘સાહેબ તો બહાર જમવાના છે...મારે કશું ખાવું નથી. તારે ઘરે જવું હોય તો જા!‘

‘જી..મેમ...‘ કૂક ગયો એટલે કશિશ આટાં મારીને થાકી. એણે ટી.વી. ચાલુ કર્યું. એનો ગમતો પ્રોગ્રામ ટેલિકાસ્ટ થઈ રહ્યો હતો. મેન વર્સિસ વાઈલ્ડ. પણ એમાં ય એનું મન પરોવાયું નહી. થોડું સર્ફિગ કર્યું પણ એકપણ ટી.વી. પ્રોગ્રામ જોવાનું મન ન થયું. એણે ટી.વી. બંધ કર્યુંને બહાર વરન્ડામાં આવી. ચારેબાજુ સૂનકાર હતો. ગાર્ડનમાંથી રાતરાણીની મહેંક પૂરા માહોલને મદહોશ કરતી હતી પણ આજે કશિશના મનને બહેલાવી ન શકી. એ હીંચકાં પર બેઠી. એને જાણે અજાણી શક્તિ એની પાસે ફોન કરવાતી હોય તેમ એણે ફોન કર્યો, સામેથી બે–ચાર રીંગ વાગીને ફોન ઉચકાયો,

‘જય શ્રી કૃષ્ણ પપ્પા!‘

‘જય શ્રી કૃષ્ણ બેટા! કેમ છે દીકરાં મજામા?‘

મહેન્દ્રભાઈ એટલે કે કશિશના પપ્પાની આ ખાસિયત હતી. એ દીકરીને દીકરાં કહીને જ બોલાવતા. જેથી કરીને કશિશને અહેસાસ થાય કે એમના મનમાં દીકરાં–દીકરી વચ્ચે કોઈ ફરક નથી.

‘યસ પપ્પા, આઇ એમ ફાઇન! શું કરતાં હતા?‘ કશિશને શું વાત કરવી છે તે ખબર પડતી નહતી. કારણ કે આખી ય એકશન ઇમ્પલ્સિવ હતી. એટલે જ એ હીંચકા પર બેઠી હતી પણ હીંચકો ચાલતો ન હતો.

‘બસ દીકરાં જમીને હીંચકે બેઠો છું.‘

‘મી ટુ.....‘ કશિશને એ બહુ ગમ્યું. કોઈક રીતે પોતે પપ્પા સાથે જોડાયેલી છે તેવું એણે અનુભવ્યું.

‘કૌશલ આવી ગયો?‘ મહેન્દ્રભાઈએ પૂછયું,

‘હા, પપ્પા એ પાર્ટીમાં ગયો છે.‘

‘ગુડ...તું કેમ ન ગઇ?‘‘

‘પપ્પા, બેચલર પાર્ટી છે.‘

‘ઓહ...બેટા...તો પછી એકલી છે તો અહીં આવી જા! વાત કરવાની મજા આવશે!‘

અને એ સાથે જ કાલની યાદથી કશિશના મનમાં કડવાશ છવાય ગઇ. કાશ પોતે કાલે પપ્પાના ઘરે ગઈ ના હોત તો! તો એને કદી આ વાતની ખબર પડી નહોત! તો કદાચ પોતે આ અંતિમવાદી પગલું ભર્યું ન હોત!

‘કિશું બેટા સાંભળે છે? અહીં આવી જા!‘ મહેન્દ્રભાઈનો અવાજ સાંભળીને કશિશ વિચારમાંથી બહાર આવી,

‘કાલે તો આવી હતી પપ્પા રોજ રોજ થોડું અવાય?‘ એ એમ જ શુષ્ક અવાજે બોલી ગઇ.

‘બાપના ઘરે આવવામા ગણતરી કરવાની હોય દીકરાં?‘ મહેન્દ્રભાઈના શબ્દો સાંભળીને કશિશ ચૂપ થઈ ગઈ.

‘હવે બધી જ ગણતરી કરવી પડે તેવી જ હકીકત સામે આવી છે, પપ્પા...‘ એ મનોમન બોલી. કશિશે થંભેલા હીચકાંને ઠેસ મારી, હીંચકો ચાલ્યો અને એનું હાલડોલક મન સ્થિર થયું,

‘ના, પપ્પા. કૌશલ રાતે બે–ત્રણ વાગે તો ઘરે આવી જશે.‘

‘ઓ.કે. તારી મરજી બેટા!‘

‘લવ યુ પપ્પા!‘ કોઈજ કારણ વિના અનાયાસે કશિશ બોલી પડી. એના અવાજમાં ભારોભાર ગિલ્ટ હતી. પોતે કાલે એમના વિરુધ્ધ કોર્ટે ચડવાની છે તેની ગિલ્ટ!

‘લવ યુ ટુ દીકરાં!‘ બસ તે સંભળાયું એ સાથે કશિશે ફોન મૂકી દીધો. ખબર નહીં હવે આ શબ્દો ફરી ક્યારે સાંભળવા મળશે. કદાચ કદી સાંભળવા મળશે પણ નહીં. બધી વાત જાણ્યા પછી પપ્પાનું શું રિએક્શન હશે? ક્યાંય સુધી કશિશ હીંચકા પર હીચકો ચલાવ્યા વિના ચૂપચાપ બેઠી રહી. એને બેડરુમમાં જઈને સુવાનું મન ન થયું.

મનમાં બહુ ભાર હતો. રાત વધતી જતી હતી તેમ તેમ મન પરનો ભાર વધતો જતો હતો. એણે મનને સ્થિર કરવા માટે હીંચકા પર ઝૂલ્યા કર્યુ. રાતનો ઠંડો પવન ચાલુ થયો હતો. હીંચકાની સુવાળી ગાદી પર એ લાંબી થઈ ગઈ. અને એમ જ એને ક્યારે ઉંધ આવી ગઈ તેની ખબર ન પડી.

એ દૂર પર્વત પર ચડતી હતી. એની સાથે કોઈક હતું. કોણ હતું તે ખબર નહતી પડતી કારણ કે એના ચહેરો પર નકાબ હતો. એ હસતી કૂદતી ખિલખિલાતી પર્વત પર ચડતી હતી, બસ જલદી જલદી ટોચ પર પહોંચીને એણે બધાંને આશ્ચર્યચક્તિ કરી દેવા હતા. એ ચાલી–દોડીને થાકી જતી હતી પણ તો ય ચાલતી હતી કારણ કે એણે ટોચ પર પહોંચવું હતુ. બસ હવે સામે જ મંઝિલ હતી અને ત્યાં કોઈએ એને પાછળથી પકડી લીધી.

‘ઊભી રહે....તારે ત્યાં નથી જવાનું...!‘

એણે પ્રતિકારમાં ચીસ પાડી.

‘ના મારે જવું છે!‘ પણ પેલા હાથોએ મજબૂતાઈથી એને જકડી લીધી.

‘તું છોકરી છે તારે ત્યાં ન જવાય!‘ એણે ખૂબ ફાંફા માર્યા પણ પેલાની મજબૂત પક્ક્ડમાંથી એ હલીચલી ન શકી. બન્ને વચ્ચે ઝપાઝપી થવા લાગી. અને અચાનક એ ઝપાઝપીમાં પેલાનો ધક્કો એને વાગ્યો અને એ ખીણમાં ગબડવા લાગી ત્યાં કોઈના હાથે એને ઝીલી લીધી.

અને કશિશની આંખો ખૂલી ગઇ. એ કૌશલના હાથમાં હતી. એને થોડીવાર સમજ ન પડી કે એ સપનામાં છે કે સાચી દુનિયામાં?

‘કિશુ, હમણાં પડી જતે હીંચકા પરથી....જો હું ટાઈમસર ન આવ્યો હોત તો!‘

અને હવે ખરેખર કશિશ જાગી ગઈ. એને અહેસાસ થયો કે એને ખરાબ સપનું આવ્યું હતું. એણે કૌશલના ગળે હાથ ભેરવી દીધા. કૌશલે એને એમ જ ઉંચકીને બેડરુમમાં આવ્યો. અને હળવેકથી એને બેડ પર સુવડાવી.

‘ હું ખરેખર ખીણમાં પડું તો બચાવી લઈશને મને?‘ કશિશે હળવેકથી પૂછયું. હજુ એ સપનાની ઘેરી અસર હેઠળ હતી.

કૌશલે એને કમ્ફટર ઓઢાડયું. પછી એના કપાળ પર હોઠ અડકાવ્યા,

‘હું તને કશે જ પડવા ન દઉં સ્વીટહાર્ટ! બટ નાવ આઈ આમ ડ્રન્ક.....અને તું મને સમજાય નહીં તેવી પઝલ પૂછે છે. લેટ મી સ્લિપ.‘

કશિશ હજુ કશો જવાબ આપે તે પહેલાં તો કૌશલ વોશરુમમાં જતો રહ્યો. અને પાછો આવીને તરત બેડ પર લંબાવી દીધું. અને એક મિનિટમાં તો એ સુઈ ગયો.

હવે સવારે કૌશલ ઊઠે ત્યાંસુધી રાહ જોવાની છે. એની ઉંધ ઊડી ગઈ. કૌશલ કેવી રીતે રિએકટ કરશે? એ વિચાર સાથે એને આવેલું સપનું જોડાઈ જતું હતું અને એ બેચેન થઈ ગઈ. ક્યાય સુધી એને ઉઘ ન આવી. મોડી રાતે આંખ મિચાય. સવારે ઉંધ ઊડી અને આંખ ખોલી તો વોલ ક્લોક સવારના આઠ દેખાડતી હતી. બાજુમાં કૌશલ ન હતો. એ એકદમ બેડમાં બેઠી થઈ ગઈ.

‘ શું એ મને મળ્યા વિના ઓફિસ જતો રહ્યો? પોતે કૌશલને વાત કરવામાં મોડી પડી ચૂકી છે?‘ અને કશિશ હાંફળીફાંફળી બેડ પરથી ઊભી થઈને દોડી.

(ક્રમશ:)

કામિની સંઘવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED