manva mukt thai jaa books and stories free download online pdf in Gujarati

મનવાં મુક્ત થઇ જા.. !!

નંદેશ્વરીમાતાનો જય... !! નંદેશ્વરીમાતાનો જય.. !!

વિશાળ જનમેદની એક સાથે પોકાર પાડી રહી હતી. બધાં ભક્તજનો નમીને હૃદયપૂર્વક વંદન કરી રહ્યાં હતાં. જમણી બાજુએથી અનુયાયીઓ સાથે નંદેશ્વરીદેવી આવી રહ્યાં હતાં.
શ્વેતવસ્ત્રોમાં સજ્જ અને શણગાર રહિત વદન હોવાં છતાં
એ સાધ્વીને જોતાં જ સહજ નમન થઇ જાય એવી પવિત્ર આભા હતી માતા નંદેશ્વરીની. આટલાં લોકો એમનાં દર્શન માત્રથી ધન્યતા અનુભવતા પરંતુ નંદેશ્વરીદેવીનાં ચહેરાં પર ગર્વની એક રેખા ય નહોતી અંકાયેલી.

એક વર્ષમાં એક જ વાર માતા નંદેશ્વરી જાહેરમાં આવતાં અને યોજાયેલ શિબિરમાં હૃદયને શીતળતા બક્ષતી એમની વાણીમાં ભક્તસમુદાયને પ્રભુનાં ગુણોનું પાન કરાવતાં. એમનાં અનુયાયીઓ આ સમયની કાગડોળે રાહ જોતાં રહેતાં..!!

નંદેશ્વરીદેવી ઉંચા મંચ પર માતા ગાયત્રીની વિશાળ છબીને નમન કરીને શ્વેત આસાન પર બિરાજ્યાં.માઈકમાં એમણે ઓમકારનું ઉચ્ચારણ કર્યુ ત્યાં તો જરાક જે અવાજ થતો
હતો એ ય સમી ગયો.

નંદેશ્વરીદેવીની ઉંમર કદાચ તો ત્રીસ વર્ષ આસપાસ હશે પણ સંયમી જીવન, સાત્વિક ખોરાક, ધ્યાન, કીર્તન અને પ્રભુનાં સતત સાનિધ્યમાં રહેવાથી એમની ઉંમર જાણે વધવાને બદલે ઘટી રહ્યી હતી. ગૌર વર્ણ, લાંબા કેશ, સુંદર મુખ, સંમોહક આંખો સાક્ષાત દેવીએ અવતાર લીધો હોય એવો પ્રભાવ હતો નંદેશ્વરીદેવીનો.વીણાનાં સુરો હોય એવો પવિત્ર મધુર અવાજ માઇકમાંથી રેલાયો..

"મારો વહાલો કણ કણમાં છે.. એમની દયા આપણા પર વરસતી હર પળ પળમાં છે.. બસ જરુર છે તો ફક્ત મનની દ્રષ્ટિથી એમનાં હોવાની અનુભૂતિ કરવાની.પ્રભુને પામવા માટે બહાર જગતમાં શોધવાને બદલે તમારાં અંતર્મનમાં ઝાંકો.. એમને એક બાળક માતાને પુકારે એટલા પ્રેમથી પુકારો.એ જરુર તમારી પડખે હોવાની અનુભૂતિ થશે.આ નાશવંત દુનિયામાં સઘળું છળથી ભરેલું છે.. બસ એક પ્રભુ જ છે
જે ક્યારેય તમને દગો નઈ આપે."

માણસો ધ્યાનપૂર્વક સાંભળીને માતા નંદેશ્વરીનાં પ્રવચનને અંતરમાં ઉતારી રહ્યાં હતાં. નંદેશ્વરી દેવી પણ ભક્તો પર
નજર ફેરવતાં ઈશ્વરની મહત્તા વર્ણવી રહ્યાં હતાં. ત્યાં જ ત્રીજી હરોળમાં એક ખૂણામાં એમની નજર પડી અને એમને લાગ્યું કે એમનું હૃદય એક ધબકારો ચુકી ગયું...!!

એક દાયકા જેટલો સમય વિતી ગયેલો પણ એમની આંખો હજી ક્ષણમાં ઓળખી ગયી એ ચહેરાને..!!હાં એ કેયુર જ હતો.. કેયુર જેનાં કારણે વર્ષો પહેલાં પોતે જયારે ફક્ત એક યુવતી નંદિની હતાં ત્યારે એમણે પોતાનો જીવ દેવાનો
નિષ્ફ્ળ પ્રયત્ન કરેલો.અને એક વૃધ્ધ સાધુએ તેને બચાવી લીધેલી ત્યારે. હૃદયમાં ઉઠેલાં આ વંટોળને શાંત કરવાં એમણે બાજુમાં થોડે દૂર બેઠેલાં અને એમનાં પ્રવચનની વચ્ચે તેઓનાં ઈશારા માત્રથી કીર્તન ગાતાં કીર્તન વૃંદને આંખોની પાપણોં ઝુકાવી કીર્તન ગાવા કહયું.અને પોતે આંખો બંધ કરી ધ્યાન મુદ્રા ધારણ કરી લીધી, પરંતુ મન હજી અશાંત જ હતું એમનું.

એમને આંખોનાં પરદા પાછળ યાદ આવ્યો એ સમય જયારે
એ ફક્ત એક સામાન્ય દુન્યવી જીવ એવી નંદિની હતાં.અઢાર
ઓગણીસની નાસમજ ઉંમર હતી ત્યારે. એ ઉંમરમાં વાસ્તવિકતા સાથે જોડાણ બહું નબળું હોય છે. સપનાંઓનાં
માળા ગૂંથવાનું અને એક પ્રેમભીનો મધુર સાથ એ જ ધ્યેય
લાગતું હોય એવી નાજુક ઉંમરમાં નંદિનીને પણ પ્રેમનો ભ્રમ
થયી ગયેલો કેયુરના સાનિધ્યમાં.

પણ એક દિવસ બધી જ પ્રેમની કસમો તોડીને, લગ્નનાં વચનને તરછોડીને, એનાં હૃદયને અસહ્ય આઘાત આપીને કેયુર કોઇ ફોરેનવાસી પૈસાદાર કન્યાને વરી ગયો. નંદિની જેવી લાગણીશીલ છોકરી માટે આ સહન કરવું શક્ય જ નહોતું.

નંદિનીએ એક ભયાનક નિર્ણય લીધો, પાછલી રાત્રીએ જયારે
આખું જગત સૂતું હતું એ ટ્રેનનાં પાટા પાસે પહોંચી અને ધસમસતી આવતી ટ્રેન નીચે જંપલાવીને એ જીવનને પૂરું
કરવાં જ જતી હતી એક વૃધ્ધ સાધુંએ એનો હાથ પકડી
એને પાટા પરથી બહાર ખેંચી લીધી.

નંદિની એ બહું કાલાવાલા કર્યા બાપજી, મને જવા દયો હું નથી જીવવા માંગતી પણ એ સન્યાસીએ એનો હાથ ટ્રેન ગયી ત્યાં સુધી મજબૂત પકડી જ રાખ્યો.

ટ્રેન ગયી પછી એ ફક્ત એટલું બોલ્યાં.. " બેટા, જીવન ઈશ્વરએ આપેલું વરદાન છે,એને આમ વેડફાય નહી,સમજુ
છું તને કોઇ મોટો આઘાત લાગ્યો હશે,પરંતુ દગો દેનાર એક સ્વાર્થી પામર માણસ છે, જયારે જીવન દેનાર ખુદ પરમ
કૃપાળુ પરમેશ્વર છે. આજે એણે ફરી તને જીવન બક્ષ્યું છે હવેનું તારું શેષ જીવન પ્રભુ અર્થે સમર્પિત કર બેટા.!!

નંદિનીને આ વૃધ્ધ સાધુની કહેલી વાતો સીધી હૃદય સોંસરવી
ઉતરી ગયી. પછી એ સાધું સાથે એમનાં આશ્રમ પર જ ગયી
સન્યાસ લીધો અને શાસ્ત્રોનું અધ્યયન કર્યુ, ધ્યાન અને પ્રભુમાં જ ખુદને લિન કરી દીધી નંદિનીએ અને એ વૃધ્ધ સાધુનાં આશીર્વાદ અને પ્રભુકૃપાથી એ આજે નંદિની મટીને માતા નંદેશ્વરી રૂપે અનેક માયામાં ભટકેલાં મનુષ્યો માટે ઈશ્વરનાં
અસ્તિત્વની દીવાદાંડી બનીને ઊભાં હતાં.

એમણે પોતાનાં મનને ટોક્યું, યાદ છે ને એ નંદિની તો મૃત્યુ
પામી હતી એ પરોઢે. હવે જે છે એ ફક્ત ઈશ્વરની કૃપાથી જીવિત આત્મા છે. મનમાં ઉઠેલાં તોફાની મોજાને સમાવી
ફરી નંદેશ્વરીદેવીએ એમનાં આશીર્વચનોની લહાણી ભક્તો
માટે કરવાં લાગ્યાં.

સાંજ ઢળી ત્યારે આરતી કરી નંદેશ્વરીદેવી વ્યાસપીઠ પરથી નીચે ઉતર્યા ત્યાં ભીડમાંથી મહામહેનતે રસ્તો કરી એનાં તરફ આવવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કરતો કેયુર દેખાણો. પણ નંદેશ્વરી દેવીની આસપાસ એમની સુરક્ષા માટે નિમાયેલા ખાસ ભક્તો એને આવવા દે એમ ક્યાં શક્ય હતું..!! એમણે પાસે ચાલતાં
પોતાનાં અત્યંત વિશ્વાસુ એવાં રમાતાઈને કાન પાસે જઈને કાંઈક કહયું અને એમનાં માટેની ખાસ કારમાં બેસીને જતાં રહ્યાં.

અર્ધો કલાક પછી એ એમનાં સાદા બેઠાં ઘાટનાં આશ્રમનાં
એક છેડે આવેલા નિવાસસ્થાનમાં હતાં ત્યાં રમા તાઈએ આવીને કહયું દેવી એ વ્યક્તિને મુલાકાત માટે લાવવામાં આવ્યાં છે.શ્વેત સાદી સાડી જ ધારણ કરતાં નંદેશ્વરી
બેઠક રૂમમાં આવ્યાં સામે ઉભડક એક ખુરશી પર બેઠેલો
કેયુર તેને જોતાં જ ઉભો થઇ ગયો, એની ઝુકેલી આંખોમાંથી
આંસુ ટપકી રહ્યાં હતાં. એ માંડ માંડ એટલું બોલ્યો કે નંદિની પ્લીઝ મને માફ કરી દે... હું.. હું.. ઘરનાંઓનાં દબાણમાં આવીને અને વિદેશમાં વસવાના સપનાથી લલચાઈને તારી સાથે મોટો દગો કરી બેઠો.

નંદિની થોડીવાર મૌન રહી પછી બોલી, કેયુર હવે તારી સામે દેખાય છે એ ફક્ત નંદિની જેવું શરીર જ ધરાવે છે. બાકી નંદિની તો વર્ષો પહેલાં જ મુક્ત થઇ ગયેલી તારાં કરેલા દગાથી, તે પહોચાડેલા આઘાતથી, ઉલ્ટાનું જો નંદિની જીવત તો કદાચ ફક્ત તને પામી શકત પણ આજે નંદેશ્વરી બનીને હું
ઈશ્વરની અપાર કૃપાને પામી શકી છું. તે તરછોડેલો નંદિનીનો
હાથ ઈશ્વરે થામી લીધો. હું તો અંતકરણથી આભારી છું તારી.

બસ હૃદયનાં એક ખૂણામાં એક વાક્ય હતું તારાં માટે કે હાં કેયુર મેં મન વચન કર્મથી તને માફ કર્યો છે... !!

બસ હવે તું કોઇ પણ દુખને તારાં હૃદયમાં નાં રાખતો અને
બની શકે તો ઈશ્વરનાં માર્ગ પર ચાલવા પ્રયત્ન કરજે.. !!
નંદિની પાછળ ફરીને ત્યાંથી અંદર તરફ ચાલવા લાગી એને લાગ્યું કે હાં આજે વર્ષોથી હ્ર્દયના એક ખૂણામાં સંગ્રહી રાખેલું અને ફક્ત કેયુર માટે જ હતું એ વાક્ય એ ક્ષમાનું દાન પણ દેવાઈ ગયું એને... !! હવે સાચાં અર્થમાં સંપૂર્ણપણે એ સંસારનાં બધાં જ બંધનોથી મુક્ત બની હતી.. !!

R.Oza " મહેચ્છા "


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED