એક કેક્ટસનો પ્રેમ.. R.Oza. મહેચ્છા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક કેક્ટસનો પ્રેમ..

શનિવારની ઢળતી બપોર છે.. સાંજ આવું આવું કરી રહી છે ત્યારે "હેમંતવીલા " ના પોર્ચમાં એક વ્હાઈટ મર્સીડીઝને ઔર ચમકાવતો શોફર એકદમ સલામ કરે છે એની મેમસાબને.
બંગલાના બધાં નોકરોની મેમસાબ એટલે શિવાંગી હેમંત ધોળકિયા.

શિવાંગી પગથિયાં ઉતરી રહી છે એણે સિફોનની આકાશી સાડી પહેરી છે જેમાં સિલ્કના દોરાથી ગુંથેલા તારલા છે અને એમાં વચ્ચે મઢેલા સાચા મોતી, શિવાંગીનું ચન્દ્રસમુ મુખ અને સોનેરી અને બ્રાઉન રેશમી લાંબા કેશ જોનાર કહી જ ઉઠે કે આકાશ ધરતી પર ઉતરી આવ્યું છે.

પાછળ જ દેખાય છે હેમંત ધોળકિયા.ધોળકિયા ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ઘર તથા ફેક્ટરીના હેમંતસર. ઑફ વ્હાઈટ સુટને બ્લુ ટાઈ આંખો પર જાણીતી બ્રાન્ડના ગોગલ્સ ને મોઢામાં સળગતી સિગરેટ સાથે.બેય કારમાં બેસે છે અને સર સૂચના આપે છે ન્યૂ માર્કેટ કે પાસ કે એક્સિબિઝન મેં લે લો . ગાડી ઉભી રહે છે ને બેય પેઈંટીગ એક્સિબિશન માં દાખલ થાય છે.

આમ તો હેમંત ધોળકિયા એટલે નખશીખ બિઝનેસમેન
એમને અને કલાજગતને કોઈ લાગે વળગે જ નહિ. પણ એમના નવા બંધાયેલા આલીશાન બંગલાની રોનકને વધારવા માટે કોઈ એ સૂચવ્યું કે થોડાક જાણીતા આર્ટિસ્ટના પિક્ચર લગાવો તો શાન વધી જાય એટલે એ ધંધામાં થી જરાક વહેલા પરવારીને શિવાંગીને સૂચના આપે છે "શિવુ આજે એક પ્રદર્શનમાં જવાનુ છે પેલા માલપાનીએ કીધું કે કોઇક મોટા આર્ટિસ્ટનું એક્સિબિશન લાગ્યું છે તો થોડા પેઇન્ટિંગ ખરીદીને ડ્રોઈંગહોલમાં સજાવી દે. "

શિવાંગી તો કોલેજકાલથી જ કલા અને સાહિત્યની શોખીન એટલે એ ધ્યાનથી પેઇન્ટિંગને જોવા લાગી. જ્યારે હેમંત તો
ત્યાંય મોબાઈલમાં બિઝનેસની વાતો ને સલાહોમાં જ રચ્યોપચ્યો રહયો . અને પછી જરાક વારમાં જ "શિવુ આ લે મારું ક્રેડિટકાર્ડ એમાં 10 લાખ ની બેલેન્સ છે પણ તું લાખમાં જ પતાવી લે જે બને તો. અને તારા માટે હરિને કહી કાર મોકલી દઉં છું પતાવીને ઘરે જતી રહેજે. " એમ કહી કાંઈક ધંધાના કામે નીકળી જાય છે.

શિવાંગી જેમ જેમ ચિત્રોને જોતી જાય છે એમ એમ એને કાંઈક પરિચિત હોઇ આ પનિહારીના ચિત્રના વણાંકથી કે પછી ઢળતી સાંજના આકાશી રંગોથી એમ લાગે રાખે છે ત્યાં છેલ્લે એ જોવે છે એક કેક્ટસનું કુંડુ અને એમાં ઉગેલા કેક્ટસના પેઇન્ટિંગને.

અરે !આ તો એ જ કુંડુ ને એજ એજ કેક્ટસ જે એણે કોલેજના છેલ્લા દિવસે અભિનવને હાથમાં પકડાવી દીધું હતું આંસુભીની આંખે. એ યાદથી અત્યારે ય એની આંખો ભીની થવા લાગે છે.

યાદ આવવા લાગ્યા એ વર્ષો જયારે એ કોલેજમાં હતી. હીરાલાલ ઝવેરીના બે સંતાનમાં એક માત્ર લાડકી દીકરી કોલેજના કેટલાય જુવાનિયા જેના આવવાની રાહ જોવા જ કોલેજ આવતા અને હાઈ હિલને લચકતી ચાલે સિલ્ક કે સિફોન શર્ટ અને બ્લુ જીન્સમાં કે સ્કર્ટમાં લહેરાતી મદહોશ કરતી શિવાંગીના દર્શનથી જેમનો ફેરો સફળ થયો માનતા એવા ગણી ય ના શકાય એટલા જુવાનિયા હતા કોલેજમાં.

પણ શિવાંગી ને તો ગમતો કોલેજમાં ય જેના પેઈન્ટિંગ્સ નોટિસ બોર્ડ પાસેના એક્ટિવિટી બોર્ડમાં લાગતા જે ભણવામાં ય હંમેશા મોખરે રહેતો.નાટકો હોઈ ત્યારે ય જેના લખેલા પાત્રો ભજવવા બધાંને ગમતા અને કોલેજમાં સહુથી અલગારી એવો અભિગમ એક જ એવો છોકરો હતો જેને શિવાંગી પસંદ કરતી હતી. પેલું નાટક "જુવાની સંભાળીને" એમાં ય શિવાંગી સંવાદો બોલતી ત્યારે એ અભિગમને સામે જોઈ કેવી ખીલી ઉઠતી.

શિવાંગી એ કેટલીયવાર એની આંખોથી અને વાતોમાં અભિગમને દર્શાવવાની કોશિશ કરી કે એ તેને પસંદ કરે છે.
પણ આમ તો સમજદાર અને ચપળ અભિગમ જાણે કાંઈ સમજતો જ ના હોઇ એમ મૌન રહેતો. બસ એની આંખોમાં નિરાશા ઉતરી આવતી શિવાંગી પ્રેમ દર્શાવાનો પ્રયત્ન કરે ત્યારે. પછી તો એક દિવસ લાસ્ટ યર ની પરીક્ષા પહેલા એણે એક દિવસ અભિગમને લાઈબ્રેરીમાં વાંચતા જોયો ને ધીરજ ખૂટી ગયી. સામે થી જ જઈને કહ્યું" અભિગમ તું મને બહું જ ગમે છે, હું... હું... પ્રેમ કરું છું તને... તારા સાથે મારી જિંદગી વિતાવવાના સપના રોજ રાત્રે જગાડે છે મને. તું સમજે છે ને બધું?? "

ત્યારે ય થોડી ક્ષણો અભિગમ એણે તાકતો રહ્યો પછી નજર ફેરવીને બસ એટલું બોલ્યો "શિવાંગી બધાં સપના હકીકત બનવા માટે નથી સર્જાયા હોતા.. કેટલાક સપના તૂટવા માટે જ હોઇ છે!! "

શિવાંગી આવા કડવા શબ્દો સહન ના કરી શકી એંને તો હતું કે અભિગમ ખુશીથી ઝુમી ઉઠશે. કેટલુંય બોલશે કે હા શિવાંગી હું ય તને ચાહું છું એના બદલે એટલો શાંત ને ગંભીર કેમ રહ્યો અભિગમ... એ ત્યાંથી ઉભી થઇ ભાગી ગયી પછી તો...

પરીક્ષા માંડ પુરી થઇ શિવાંગીથી ને એ દરમ્યાન જ એના પપ્પા એ હેમંત સાથે એના લગ્ન નક્કી કરી નાખ્યા. શિવાંગી રાહ જોતી રહી પણ અભિગમ સામે આવતો તો બસ એની આંખો ભીની થઇ હોઇ એમ લાગતું, કાંઈ બોલતો નઈ એ બસ એકબાજુ ઉભો રહી જતો આડું જોઈને...

કોલેજનો છેલ્લો દિવસ આવી ગયો પણ અભિગમ કાંઈ જ બોલ્યો નઈ અને ગુસ્સા ને અપમાન ના ભાવોમાં સળગતી શિવાંગી અભિગમ ના હાથ માં એક કેક્ટસનું કુંડુ થમાવીને બોલી ગયેલી કે અભિગમ તું ય આવો જ છે, બરછટ અને
લાગણીના ફૂલ કદી જેમાં ના આવે એવા કેક્ટસ જેવો...

કાશ ત્યારે શિવાંગીએ પ્રયત્ન કર્યો હોત અભિગમના એ
મૌનને સમજવાનો... એની ભીની આંખોમાં તરતી એ મજબૂરી પાછળના અઢળક પ્રેમને સમજવાનો... એ નજર ફેરવી લેતો ત્યારે ટપકતા ગરમ આંસુને જોવાનો... કાશ કાશ એ સમજી શકી હોત કે એક ગરીબ પરિવાર જેમાં 3 બહેનો, બીમાર પિતા, બીજાના ઘરે વાસણો માંજીને ઘર ચલાવતી માં, સાંજે ટ્યુશન કરી ભણવાનો ખર્ચો અને ઘરમાં મદદ કરતો અભિગમ પણ એને બેહદ પ્રેમ કરતો હતો. કાશ શિવાંગી સમજી શકત કે અભિગમ ચૂપ રહેતો કેમ કે એ જાણતો હતો કે અઢળક સંપત્તિમાં ઉછરેલી શિવાંગી આ દારુણ ગરીબી નહિ સહન કરી શકે.

કાશ અત્યારે ય પાછળ એક બાજું ઉભો રહી એને આજે ય આંસુભીની આંખે નીરખી રહેલા અભિગમને પાછળ વળીને જોઈ શકત પણ આજે ય એ ત્યાં એ યાદો થી ભાગીને બહાર નીકળી ગયી અને જતી રહી એના માટે હેમંત ધોળકિયાએ મોકલેલી કારમાં બેસી એના બંગલા ભણી હેમતવિલા તરફ..

હજી લગ્ન કર્યા વગર જ શિવાંગીની યાદોમાં ચિત્રો દોરતા પ્રખ્યાત ચિત્રકાર બની ગયેલો અને કેક્ટસના ઉપનામથી ચિત્રો દોરતો અભિગમ કાશ આજ તો કહી શકત કે હા શિવાંગી હું તને પ્રેમ કરું છું ખૂબ જ પ્રેમ કરું છું કોલેજના પહેલા દિવસે તને જોઈ ત્યારથી તને અને ફક્ત તને જ ચાહું છું હું પુરા દિલથી.....

R.Oza "મહેચ્છા "