એક અનોખી વિદાય.. R.Oza. મહેચ્છા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખી વિદાય..

શરણાઈઓનાં મધુર સુરથી વાતાવરણ સંગીતમય બન્યું છે. ઢોલના ધમકારે બધાંનાં હૈયામાં હરખની સરવાણી ફૂટી છે. ફૂલો અને આસોપાલવનાં તોરણો માંડવે જુલી રહ્યા છે. "સ્વાગત" બંગલો આખો મહેમાનો અને કુટુંબીજનોથી સુશોભિત થઇ ગયો છે જાણે. એમાં સંભળાય છે એક મધુરો ટહુકો.. અરે હમણાં જાન આવી જશે અહીં ગેટ પાસે અત્તરદાની લઈને ઉભા રહી જાઓ.. જાનનો આવાનો આખો રસ્તો ફૂલોથી ભરી દેવાનો હતો હજી થોડી જગ્યા દેખાય છે જુઓ તો.."સ્વાગત"માં જાનૈયાઓનું ભવ્ય સ્વાગત થવું જોઈએ કહી દઉં છું...


સુલોચનાબેન આજે ચાલતા નહોતા જાણે ઉડી રહયા હતાં..!! બધે ફરી ફરીને એમની એકમાત્ર લાડકી દીકરી મિષ્ટીનાં લગ્નમાં ક્યાંય કચાશ નાં રહે એમ સૂચનાઓ આપ્યે રાખતા હતાં.. હંમેશા નીરવ શાંતિ અને આછી ઉદાસીમાં ડૂબેલો રહેતો એ બંગલો આજે વર્ષો પછી ચહેકતો અને મહેકતો બન્યો હતો. સુલોચનાબેનની ખુશીનો કોઇ પાર નહોતો, એમની એકની એક લાડકી દીકરીનાં લગ્ન લેવાયા હતાં આજે.


સુલોચના દીવાન એટલે દીવાન કંસ્ટ્રક્શનનાં માલિક
અને સર્વેસર્વા. વેપારમાં અદબથી લેવાતું એમનું નામ. સુલોચનાબેન કોઇ પણ નવી બિલ્ડીંગ સાઈટ ચાલું કરે
એટલે માણસો એમનાં નામ પર જ પૈસા રોકતાં અને
સમયસર એમને ઘરનો કબ્જો પણ મળી જ જતો.
લેડીઝ કંસ્ટ્રક્શનનાં બિઝનેસમાં નાં ચાલે એ વાત પણ સુલોચનાબેનએ ખોટી પાડી હતી.


પરંતુ આજે સુલોચના દીવાન માત્ર એક માં બનીને જ એમની દીકરી મિષ્ટીના લગ્નનાં પ્રસંગને યાદગાર બનાવવા મથી રહયા હતાં.મુંબઈમાં કેમિકલ ફેક્ટરી અને બિલ્ડર લોબીમાં જેમનો સિક્કો વાગતો એ "ભાવસાર કેમિકલ" અને "ભાવસાર કન્સ્ટ્કશન"નાં માલિક મહેન્દ્રભાઈનાં વચેટ દીકરા સત્યમ ભાવસાર સાથે વરીને એમનાં જીવનની છેલ્લી મૂડી એમની જિંદગીનો આખરી વિસામો એમની દીકરી વિદાય થઇ જશે આજે.જલ્દી જ એમની લાડકી મિષ્ટી સાસરે ચાલી જશે એ પીડા એમનાં માતૃહૃદયને વારે વારે રડાવી રહ્યી હતી. એમને યાદ આવે છે હેમંત દીવાનનાં એ આખરી શબ્દો.


"સુલુ આપણી મિષ્ટીને ખૂબ સુંદર બાળપણ આપજે, અને હાં એક સઁસ્કારી સફળ વ્યક્તિ બનાવજે, મારી કમી મહેસુસ નાં થવા દેતી... એનાં લગ્ન વખતે હું જયાં પણ હોવું આશીર્વાદ આપીશ આપણી લાડકીને..એનાં લગ્ન ખૂબ ધામધૂમથી કરજે તું..કરિયાવરમાં આપણી મિષ્ટીને જોઈએ એ બધું જ આપજે... "

સુલોચનાબેનની આંખો છલકાઈ ગયી હતી પણ એ બોલ્યા હતાં એક વ્હાલભર્યું જુઠાણું.. :- હેમંત તમને કાંઈ નઈ થાય ડોક્ટરે પણ કહયું છે કે જલ્દી જ સાજા થઇ જશો તમે..

હેમંત :- મને ખ્યાલ છે કે મારું નબળું પડી ગયેલું હૃદય છેલ્લા થોડા ધબકારા જ કરી શકશે.. જીવવાની સઘળી આશાઓ ત્યજી દીધી છે મેં હવે, અને સુલુ તારી લાલાશ વાળી સૂજેલી આંખો મને આજે ય તને પહેલી વાર જોઇને વાંચી શકતો હતો એટલી જ હજીય સમજાય છે.કેમ ભૂલે છે તું એ વાત ! બસ મારો પ્રાણ તારામાં અને મિષ્ટીમાં અટવાયેલો છે..માફ કરજે તને વચન આપ્યું હતું જિંદગીભર તને સુખનો સાગર આપીશ... દુખનો ઓછાયો પણ તારાં પર નહી પડવા દઉં એ વચન નિભાવી નથી શકતો...


સુલોચનાબેન યાદોનાં સાગરમાં આમ અફળાતા જ રહેત
પણ ત્યાં જ બહારથી આવતો કોલાહલ એમને ફરી વાસ્તવિકતાની સપાટી પર લઇ આવ્યો. એમણે જોયું
કે બહાર ઢોલ અને શરણાઈનાં સૂરોમાં હવે બેન્ડમાં
વાગતા લગ્નનાં ગીતોની રમઝટ પણ ભળી છે.


એમની લાડકવાયીને વરવા એમનો જમાઈ સત્યમ દબદબાભરી જાન લઈને આવે છે એ ફટાકડાનાં
અવાજોથી સમજી ગયાં સુલોચનાબેન.કેટલાં દિવસોની દોડધામ અને રાતોનાં ઉજાગરા જે દિવસ માટે જે ક્ષણ
માટે એમણે કરેલા એ શુભ ઘડી આવી જ પહોંચી.


ચહેરા પર ફરી ઉત્સાહ અને મુસ્કાન મઢીને કાર્યરત થઇ ગયાં સુલોચનાબેન.. હાલો મિષ્ટિને ફુલહાર માટે લાવવાની હશે ને... !! જલ્દી કરો બધાં એમ બોલતા એ બઁગલામાં ગયાં ત્યાં જ લાગ્યું કે સમય થંભી ગયો છે, સૃષ્ટિ પણ એમની લાડકીને દુલ્હનરૂપે જોઇને અટકી ગયી છે .. !!


મિષ્ટિ સાચે જ નામ પ્રમાણે જ ગુણ ધરાવતી મીઠડી
મધુરી છોકરી હતી.આજે લાલ અને સફેદ પાનેતરમાં
સજેલી મિષ્ટી જાણે આ લોકની હોય જ નહી એટલી
સુંદર લાગી રહી હતી. મિષ્ટિનોં વર્ણ એટલો તો રૂપાળો
હતો કે લાગે જાણે દૂધની ઉજ્વલતા ય ફીકી પડે એનાં
પાસે, આંખોમાં હરણીશી માસુમિયત, હસે તો લાગે અપ્સરાઓનું હાસ્ય પણ ફીકુ પડે એનાં પાસે, અને
મિષ્ટીનેં દિવસમાં સો વાર મમ્મીને સાદ દેવાનું વળગણ
હતું જાણે...


મિષ્ટિએ સાત વર્ષની હતી ત્યારથી ફક્ત એની મમ્મીને
જ ધરતી બની એને સંભાળતા અને એનું આકાશ
બની રક્ષતા જોઇ હતી.એની મમ્મીએ હર ઘડી સાથ
આપીને આજે એને સમાજમાં માનભેર જીવી શકે એવું સિવિલ એન્જીનીયરનુ ભણવા માટે ય ઉત્સાહ આપેલો. મિષ્ટિને ખ્યાલ હતો કે એની મમ્મીએ ફક્ત એની ખુશી
માટે જ વૈવધ્યનાં દુઃખને અંતરમાં દાટીને હંમેશા તાકાત
અને જુસ્સાથી વેપાર અને વ્યહવાર નિભાવ્યા હતાં.
મિષ્ટિને સત્યમ સાથે લગ્ન કરવાં હતાં કેમ કે એની મમ્મીની ઈચ્છા હતી પણ પોતાના ગયાં પછી માં કેમ જીવશે એ
ચિંતા ય હતી એને .


સમય વહેવા લાગ્યો લગ્નની વિધિઓ સુપેરે સંપ્પન થવા લાગી. અને સાંજ ઢળતા સુધીમાં મિષ્ટી અને સત્યમનાં લગ્ન ધામધૂમથી ઉજવાઈ ગયાં. અને જે વિચારથી સુલોચનાબેન કંપી જતાં એ ઘડી ય આવી ગયી. મિષ્ટિની વિદાઈનોં સમય થયો. જાનૈયા ગાડીઓમાં બિરાજી વિદાય થવા લાગ્યાં. સત્યમ અને મિષ્ટી નવું પરણેલું જોડું સુલોચનાબેનને પગે લાગે છે.


સત્યમ :- મમ્મી આશીર્વાદ આપો અમને..


મિષ્ટી :- મમ્મી હું તારાં વગર ક્યાંય નથી જવાની તું
ય મારાં સાથે આવે છે ને...??


સુલોચનાબેન :- મારી લાડકી દીકરી તું તારાં ઘરે સિધાવ
અને આપણા સઁસ્કારોને દીપાવજે હો.. માં કદી દીકરીના સાસરે નાં આવે બેટા... અને મારે અહીં રહી તારાં પપ્પાની અથાગ મહેનતથી ખડા થયેલા અને આખું સુરત જે દીવાન કંસ્ટક્શન પર ભરોસો કરે છે એને પણ સાચવવાનું છે ને.. !!


આખો માહોલ વિદાઈની એ ઘડીમાં ગમગીન બન્યો હતો. મિષ્ટી નુ રુદન અટકતું જ નહોતું. ત્યાં એક નમ્ર પરંતુ મક્કમ અવાજ સંભળાયો.જે સત્યમનાં પપ્પા મહેન્દ્રભાઈનો હતો.


સુલોચનાબેન તમને ખાલી કહેવા ખાતર બેન નથી
કેતો હો.. મનથી બેન માન્યા છે તમને.. હેમંત ફક્ત
તમારો પતિ જ નહોતો મારો ય મહામૂલો ભાઈબઁધ
હતો. જયારે વેપારમાં હું ય શરૂવાત કરતો હતો ત્યારે
અનેક વાર એણે ટેકો આપ્યો છે મને..રૂપિયાની ય મદદ
કરતો પોતે ભીડમાં હોય તો ય મારાં છોકરાઓ ભૂખ્યાનાં
રહે એ માટે પૈસા વ્યાજે લાવીને ય મારાં પરીવારને
જીવાડ્યો છે એ ફરિસ્તા એ..આજે એનાં ઘરમાં અંધારું
કરી.. મારી માનેલી બેનનાં જીવતરનો આખરી સહારો
લઈને મારાં ઘરમાં અજવાળું કરું એવો નગુણો નથી હું.

ભગવાને મને ત્રણ દીકરાઓ આપ્યા છે. બહોળો વેપાર આપ્યો છે. દીકરાઓ ય સંપીને વેપાર કરે છે ઘરને દીપાવે એવી સદગુણી વહુઓ ય મળી છે. મારાં સુખમાં તમે મિષ્ટીની મીઠાશ ય ભેળવી દીધી આજે. પરંતુ હું હવે મારી ફરજ નીભવ્યા વગર રહુ તો નગુણો કહેવાઈશ.


અત્યારે વિદાઈની વિધિ થશે. મિષ્ટી વહુનાં મારાં ઘરે
પાવન પગલાં ય થશે પણ કાલે સાંજે તમારે સ્વાગતમાં
સ્વાગત કરવાનું છે તમારાં દીકરા સત્યમનું... હાં મારાં પરિવારનાં બધાની સંમતિથી અમે નક્કી કર્યું છે કે મિષ્ટી
અને સત્યમ તમારા સાથે જ રહેશે. પરંપરાનાં નામે હું
તમારાં ઘરનાં અજવાળાં ને ઓલવી નઈ શકું. મારો મિત્ર
હેમંત ઉદાસ થાય એવું હું નઈ કરી શકું.


સુલોચનાબેનને લાગ્યું હરખથી એમનું હૃદય બેસી જશે જાણે.મિષ્ટી તો ખુશીથી નાચી રહ્યી જાણે.આ પાવન ઘડીને સહુએ હર્ષોઉલ્લાસ થી વધાવી લીધી.નવપરણિત જોડા પર ગુલાબની વર્ષા થવા લાગી.. એવું લાગ્યું કે જાણે સ્વર્ગમાંથી પિતાએ પણ ખુશીની વધામણી આપી.


સુલોચનાબેન એ હરખથી દીકરી જમાઈને વિદાઈ આપી
અને કાલે પરત આવતાં દીકરી જમાઈના સ્વાગત માટેની કલ્પનાઓમાં ખોવાઈ ગયાં...

R.Oza "મહેચ્છા "