Featured Books
શ્રેણી
શેયર કરો

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 10

પ્રકરણ ૧૦

‘સવારના ૭.૩૦ વાગે ક્રિષાનો મોબાઈલ રણક્યો,

‘હેલ્લો.!! ક્રિષામેમ ?’

‘હા, બોલો હર્ષદભાઈ, (હર્ષદએ ક્રિષાનો શેડ્યુલ મેનેજર હતો).

‘મેડમ, આજે તમારું શુટિંગ શેડ્યુલ છે. જો આજે તમે પોસ્ટપોન્ડ કરવાની વાત કરશો તો ડીરેક્ટર તમને જ પોસ્ટપોન્ડ કરી દેશે અને પછી તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમેજ ડાઉન થઇ જશે એટલે તમે આજે આવો છો ને ?’

‘હા, આજે હું આવું છું...મન ન હતું પણ પોતાને મળેલી આવી મહત્વની તક પણ તે ગુમાવવા માંગતી ન હતી. ‘દરેક પ્રેમમાં તૂટીને પડી ગયેલા અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયેલા માણસને એની જિંદગીમાં ફરી ઉભું થવું પડે છે, નહીતો એ મડદું થઇ જાય છે અને મડદાને બાળવા કે દફનાવા સિવાય આ સમાજ તેની સાથે બીજું કશું જ કરતો નથી.’

ક્રિષા પણ ઉભી થઇ ગઈ મળેલી તકને સફળતામાં બદલાવા માટે. તેનું શેડ્યુલ ગોઠવાઈ ગયું. પોતાની સાથે કવિથની ડાયરી પોતાની બેગમાં રાખી દીધી અને વિચારી લીધું કે જ્યારે શુટિંગમાંથી સમય મળશે એટલે તે અચૂક વાંચશે આખરે તે છેલ્લે કવિથે કહેલી વાત તેને આ કહાનીથી સમજવાની હતી, કવિથે ડાયરી આપતાં કહ્યું હતું કે ‘મારી આ કહાનીથી તને જીવન જીવવામાં મદદ મળશે, બની શકે તને જીવન જીવવામાં હિમ્મત મળશે, તું ફરી ઉભી થઇ શકીશ. મારી આ કહાનીથી તું મારો પ્રેમ સમજી શકીશ’

શુટિંગ વચ્ચે જયારે ક્રિષાને સમય મળ્યો ત્યારે તેણે પોતાની બેગમાંથી કવિથની ડાયરી કાઢી અને શરુ થઇ કાવ્યા કવિથની એ કહાની..!

**

‘આ ઘટનાને લગભગ ૬ મહિના વીતી ગયા. મેડીકલ કોલેજનું મારું બીજું વર્ષ પૂરું થઇ ગયું. મારી અને કાવ્યા વચ્ચે રોજ વાતો થતી, અને વાતો થકી અમે એકબીજા મજામાં છીએ કે કેમ એ અચૂક પૂછી લેતા, અમે એક બીજાના ગુડ મોર્નિગ અને ગુડ નાઈટનાં મેસેજનાં બંધાણી થઇ ગયા હતા. જો તેનો સવારનો ગુડ મોર્નીગનો મેસેજ નાં મળે તો હું બેચેન થઇ જતો અને તેના ગુડ નાઇટનાં મેસેજથી મને નિશ્ચિતપણે ઊંઘ આવવાની શરૂવાત થઇ જતી. આ ઉપરાંત મારે તેને રોજ ઉઠીને કોઈ નવી, તેની એક્ષામ વખતે તેને મોટીવેશન આપે એવી સુંદર વાત મેસેજ થકી, મારી કવિ તથા સાહિત્યની ભાષામાં કહેવી પડતી તો તે ખુશ થઇ જતી અને મને કિસિંગનાં બહુ બધા ઈમોજીસ મોકલી આપતી અને ફોન પર મને બહુ બધા થેંક્યું કહેતી એ વાતથી મને કોઈને મોટીવેશન આપવાની ખુશી મળતી, તો તેને મોટીવેશન મળ્યાની..!! આ ડાયરી સાથે એક વાત પણ અહિયાં જ કનફેસ કરી લઉં છું. મારા મેડીકલની એક્ષામ વખતે તેને એક વાર ફોન કરીને કહ્યું હતું કે મારી એક્ષામની બિલકુલ ૧ કલાક પહેલા મને જ્યારે તારો All The Best નો મેસેજ મળે છે તો હું કોન્ફિડન્ટ ફિલ કરું છું. બસ એ પછી મારી દરેક મિડ ટર્મ અને ફાઈનલ એક્ષામમાં તેના મેસેજ આવી જ જતા. તેને એક દોસ્ત તરીકે મારી સફળતામાં સંપૂર્ણ અને હંમેશા રસ રહેતો હતો. આમ સીધી ભાષામાં કહું તો પેલાથી અમે થોડા નજીક આવી ગયા હતા, તોય હજી ઘણાં દુર હતા.

ફરી અમે બંને લગભગ ફ્રી હતા, અમે એકબીજાને મળવા માટે આતુર હતા એટલે મેં તેને પૂછ્યું કાવ્યા શું આપણે ફરી મળી શકીએ ? તે મારા આ જ પ્રશ્નનાં ઈંતઝારમાં હોય તેમ કોઈ પણ આનાકાની વગર અમારું ફરી કોઈ રજાના દિવસ સિવાય મળવાનું નક્કી થઇ ગયું.

ફરી તેજ સાબરમતી રીવર ફ્રન્ટ, કાવ્યાની પ્રિય જગ્યા, જુન-જુલાઈનો સમય,

***

આજે કવિથની ફિલિંગ હાઉસ નામની હોસ્પિટલ અહી રીવરફ્રન્ટ નજીક છે તેનું એક કારણ એ છે કે આ જગ્યા કાવ્યાની પ્રિય જગ્યા છે, કવિથને આ જગ્યામાં કોઈ અલગ પ્રકારની ફિલિંગનો અહેસાસ થાય છે. તે દવા કરતાંય લોકોને લાગણીઓ દ્વારા ટ્રીટ કરવાનું વધુ પસંદ કરે છે, તેને રીવરફ્રન્ટ નજીકનું આ કુદરતી વાતાવરણ ગમે છે, તે વાતાવરણમાં વિહરતા અનેક પ્રેમી પંખીડાઓ જોવા અને પોતે પ્રેમી બનીને તેમાં વિહરવું તેને પસંદ છે. તેની હોસ્પીટલનાં દરેક રૂમની ડીઝાઈન અમથીજ રીવરફ્રન્ટ દેખાય એમ નથી કરી. કોઈ મરતાં મરતાં જીવતા માણસને ફરી પ્રેમ કરવાનું મન થઇ જાય, તે ફરી જીવન જીવવા, ફરી પ્રેમ કરવા માટે તત્પર થઇ જાય અને તે માટે તે પોતાની ઇનર બિલીફ સીસ્ટમને વધુ સ્ટ્રોંગ બનાવી દે, તે સમજે છે કે તેની દવા કરતાંય વધુ તાકાત માણસની અંદર રહેલી તેની બિલીફ સીસ્ટમની છે.

***

આજે પણ તે મારા કરતાં વહેલા પહોંચી ગઈ હતી, સૂરજનો આછો તડકો હજી બસ ચઢ્યો જ હતો, નદીનું વહેણ ખળખળ કરી વહી રહ્યું હતું, નદી પરથી વાતો પવન તેણીને અડકીને જતો હતો અને મને પવનની ઈર્ષા થતી હતી, તેણી રીવરફ્રન્ટની પાળી પર બેઠી બેઠી તેના પગને હલાવતી હતી, મારો જાણે ઈંતઝાર કરતી હોય, દુરથી જ મને જોઇને તેના ચહેરા પર હાસ્ય પ્રસરી ગયું.

હેય, Mr. K, Mr. K એવી બુમો પાડીને તેનો હાથ ઉંચો કરીને મને બોલાવી રહી હતી. તેણીને જોતા જ મારા રોમે રોમે લાગણીઓની છાલક મારવા લાગી, હર્દયમાં ભરતીના મોજાં ઉઠવા લાગ્યા, મનની હેષાઓની લગામ મારા બિલકુલ કાબુમાં ન હતી, તેને દોડીને જઈને વળગી પડવું હતું. પણ હું તેમ કરી શકું એમ ન હતો. ઉછાળા મારતા મારા મને મારી દરેક ઈચ્છાઓને ત્યાં જ સંકેલી લેવા માટે કહ્યું. આમ ભરપુર ઈંતઝારનાં અંતે મારી આંખો માં શ્રાવણ જળના ટીપા બાઝાવા લાગ્યા. ઋતુ કઈ હતી તેનો ખ્યાલ ન હતો બસ હું ભીંજાતો હતો. મારું દિલ ભીનું ભીનું થઇ ઉઠ્યું. મારા પગમાં ગતિ આવી, મેં પણ હાથ ઉંચો કરીને,

હા, મેં તને જોઈ અને હું જલ્દી જલ્દી આવું છું એમ મેં તેને દુરથી જ ઈશારો કર્યો. ચોમાસાની શરૂવાત હતી, તે કાવ્યા નામના પતંગિયાની આસપાસ ઘણાં પતંગિયાઓ ઉડી રહ્યા હતા. નેવી બ્લયુ કલરના ફ્રોકમાં, સ્લીવલેસ બાય, કમર પર એક ગુલાબી રંગના કૃત્રિમ ફૂલોથી સજ્જ એવો બેલ્ટ તેની ખુબસુરતીમાં વધારો કરતો હતો, બન સ્ટીકથી બાંધેલા વાળ, સાઈડનાં ચહેરા પર આંખોના રસ્તે થઈને હોઠ સુધી આવી રહેલી તેનાં વાળની પાતળી એવી લટ્ટ. પેલા ફ્રોકમાં મેચ થઇ રહેલી તેના હોઠ પરની ગુલાબી રંગની લીપસ્ટિક. ગુલાબી-બ્લયુ, ગુલાબી બ્લયુ એવા ઓલટરનેટ રંગનાં બ્રેસલેટ તેના જમણા કાંડા પર અને ડાબી બાજુ ગુલાબી રંગના પટ્ટાવાળી એક ઘડિયાળ, કોઈ અલગ પ્રકારનાં પરફ્યુમની ખુશ્બુ તેનામાંથી આવતી હતી કદાચ આ પતંગિયાઓ તેની આસપાસ ઉડી રહ્યા હતા તેનું કારણ આ જ હશે એવું મેં અનુમાન લગાવ્યું..!

‘બટરફ્લાય’...હું બોલી ઉઠ્યો..!

‘શું કહ્યું ?’

‘અરે, તું દરવખતે બટરફ્લાય જેવા જ ડ્રેસ પહેરે છે..એટલે તારી આસપાસ બટરફ્લાય ઉડે છે. એટલે મારે તને બટરફ્લાય કહેવું પડશે.’

‘મને બટરફ્લાય બહુ જ ગમે..!! તેણીએ મને કહ્યું.

‘મને પણ એટલે જ હવે તને કાવ્યા નહિ બટરફ્લાય કહેવું પડશે.’

‘હે...આતો વળી કેવું વિચિત્ર નામ છે..નાં નાં તું કાવ્યા જ કહે મને’

‘અરે, વિચિત્ર લોકો સાથે દોસ્તી કરી છે તો વિચિત્ર વાતો અને નામ સહન કરવા પડે..’

‘હાં, હવે મને જોકે બિલકુલ વાંધો નથી..આ એકદમ યુનિક નામ છે..મને ગમેશે..!!’

‘મને પણ..’

‘શું કહ્યું.’

અરે કઈ નહિ..

‘બાય ધ વે..હેય, આજે પણ તું લેટ પડ્યો.’

‘હોય કઈ, તું આજે વહેલી પડી છે મને એવું લાગી રહ્યું છે અને ખરેખર એવું જ છે, આ,

તારી ઘડિયાળ જો, કદાચ તને, મને મળવાનો ઈંતઝાર વધુ છે એમ કહી મેં તેને આંખમારી,

‘બની શકે, અને કેમ નાં હોય આપણે મળ્યા તેને કેટલો બધો સમય વીતી ગયો છે તું જાણે તો છે..

‘હમમમ ખરીવાત કાવ્યા,’

‘લાવ મારી કીટકેટ તેણે મારી પાસે હકપૂર્વક માંગણી કરી..’

‘નથી લાવ્યો, આજે ઉતાવળમાં ભૂલી ગયો..’

‘લો, બસ, આવા ને આવા દોસ્ત મારા..’

‘રૂપિયા વાળી એક્લેર્સ પડી છે, ખાઇશ ?’

‘હા, હવે એ જ ખાવી પડશે ને, પણ એમાંથી હું તને હાફ નહિ આપું.’

‘એવું કેમ ?’

‘બે યાર, આટલી નાની ચોકલેટમાં હું કેવી રીતે હાલ્ફ કરું એટલું તો સમજ આટલો મોટો ભાવિ ડોક્ટર થઈને..’

‘કરવી હોય તો થાય, આ બાજુથી તું ખા અને પેલી બાજુ થી હું,’

‘બહુ ડાહ્યો નાં થા હો..’

‘એટલે નહિ કરે હાલ્ફ ?’

‘નાં, એમ કહી મારા હાથમાંથી હકથી એક્લેર્સ છીનવી લીધી અને તેની સાથે જીવનનો બીજા સ્પર્શનો અનુભવ થયો ને મારા ટેરવે જાગૃત થઇ તે સ્પર્શની સુંવાળી ઈચ્છા.’!

‘ફરી તે શાંત થઈને પેલી રીવરફ્રન્ટની પાળી પર તે નદીના પાણી સમી બેસી ગઈ, હેય MR. K તેણીએ બુમ પાડી અને મારી વિચાર શ્રુંખલાનો અંત આવ્યો અને આવ્યો રે, એમ કહી હું તેની બરાબર બાજુમાં ગોઠવાઈ ગયો.’

‘સુરજ નદીના પાણીને રમાડી રહ્યો હતો, સુરજ અને પાણીની આ લીલાને હું અને તે જોઈ રહ્યા હતા. સુરજનું પ્રતિબિંબ સ્થિર નોહતું, એનો ચળકતો પ્રકાશ અમારા બંનેના ચહેરાને રમાડતો હતો.’

‘કેવું લાગે છે આજે ?’ તેણીએ મને પૂછ્યું...

‘મજા આવે છે આમ એકદમ.’ મેં કહ્યું.

‘શેની ?’

‘આમ, ક્ષણ થંભી જાય, હું જ્યાં છું ત્યાં જ રહું, નથી જોઈતું બીજું કહી, આ આવી રહેલી સુંગધ હંમેશા મને અને મારા નાકને ગમતી રહે, અહિયાં જ આમ વર્ષોવર્ષ..વાતાવરણ ભલે બદલાય પણ વાતાવરણને માદક અને આલ્હાદક બનાવનાર નાં બદલાય...’

‘એટલે ?’

‘એટલે વાતાવરણને માદક અને આલ્હાદક બનાવનાર કુદરત નાં બદલાય.’ મેં વાતને વાળી લીધી.

‘ઓ, કવિ મહાશય ? નીચે ઉતરો વાસ્તવિકતામાં આવો હો...તેણીએ મારી લાગણીઓને અચાનક બ્રેક મારી નહિતો મેં તેણીને મારી તરફ ખેંચીને તેના નાકના ટેરવે મારુ નાક અડાળીને કહી દીધું હોત ખરેખર સુંદર છે સ્થળ અને સ્થળને સુંદર બનાવનાર તું....!!’

‘તેણે મને અટકાવ્યો નહીતો મારા ગરમ ગરમ ઉચ્છવાસો તેના ચહેરા પર પથરાઈ ચુક્યા હોત, તેની ગુલાબી લિપસ્ટિકનો ડાઘો મારા હોઠ પર પડી ચુક્યો હોત..’ પણ હું અટક્યો. નાં તેણીને ખબર હોય એમ તેણીએ મારી લાગણીઓને બ્રેક મારી.’

‘કવિથ, તને નથી લાગતું કે આમ, દરેક માણસે આ વહેતા પાણીની જેમ, બદલાતી ઋતુની જેમ બદલાવાનું છે નહિતો માણસ ગંધાઈ જશે અને ઉબકા આવશે તેને પોતાનાથી.’

‘કેમ ? અચાનક આવી વાત કરે છે તું ?’

‘બસ વિચાર આવ્યો કે આ વહેતી નદીનું પાણી કેટલું સુંદર છે, તેની જગ્યાએ જો ભરેલું ખાબોચિયું હોય અને ૩ - ૪ દિવસ સુધી તે ત્યાં જ પડ્યું રહે તો ગંધાઈ જાય ને ? એમ જો માણસ ત્યાં જ દુઃખી, સુખી અને બદલાવ વગરની પરિસ્થતિમાં પડ્યો રહે તો ? તો તે ગંધાઈ જાય એમ બીજું કઈ નહિ.’

‘બહુ ભારે ભારે વાત કરવા લાગી છે કાવ્યા તું’

‘તારી સંગતની અસર છે’ એમ કહી તે હસવા લાગી.

‘હસતી હોય ત્યારે વધુ સુંદર લાગે છે અને વધુ હસે ત્યારે તું તારા દુઃખને છુપાવે છે.’

‘શેના દુઃખ ?’ મને કોઈ જ દુઃખ નથી ?

‘આજે કહી દે,’

‘અરે, શું કહું પણ, મને કઈ જ દુઃખ નથી,’

‘તારી સાથે તું જુઠું બોલી શકે ?’

‘હું, પારંગત છું લોકોનાં મોઢા ઓળખવામાં.’

‘ડરું છું..; તેણીએ કહ્યું

‘શેનો ડર લાગે પોતાના સામે ?’

‘તું, ચાલ્યો જઈશ તો ?’

‘બસ, આટલો જ કાચો ભરોસો છે આ દોસ્તી પર?’

‘તૂટતી ભેખડની ક્ષણે, ને ગંધાય ગયેલી નદીની પળે તું મારા જીવનમાં ગુલાબનો છોડ બનીને આવ્યો છે, એટલે વધુ ડરું છું.’

‘ડર છોડી દે અને કહી દે જે કહેવું હોય એ, ગુલાબ કરમાઈ જશે એક દિવસ, પણ કવિથ આવા કોઈ ખોખલા કારણોને લીધે નહિ કરમાઈ તારાં જીવનમાંથી, વચન આપું છું.’

‘તેણીનો હાથને મેં મારા હાથમા લીધો, બંને હથેળીઓ વચ્ચે તેના હાથને મુક્યો. તેની આંખો સામે જોયું, મારી પાંપણોને હકારત્મકતામાં પટપટાવી.’

‘તેણીએ તેનાં હાથને મારી હથેળીમાં વાળીને મારી હકારાત્મ્કતા નો હકારાત્મક મૌન પ્રતિઉત્તર આપ્યો. તેણી ને મારા પર ભરોસો થયો..તેણીએ મારા ખભા પર તેનું માથું ટેકવ્યું.’ ‘એક ઊંડો શ્વાસ લીધો. અમે બંને એકબીજાના સ્પર્શમય થયા. અને શરુ થઇ કાવ્યાની જિંદગીની સફર...’

‘કવિથ, આજથી ૨૨ એક વર્ષ પહેલાં મારો જન્મ સુરેન્દ્રનગર જીલ્લાનાં, ધ્રાંગધ્રા તાલુકામાં થયો હતો, મારા બાપુજી ત્યાંની એક કેમિકલ કંપનીમાં એક નાનાં એવા ઈમાનદાર ક્લાર્ક હતાં, મારે કોઈ ભાઈ બહેન નહિ. આ છોકરાઓની આશા રાખતા સમાજમાં હું મારા ઘરમાં એકને એક દિકરી અને....’

‘કાવ્યા બોલતી રહી હું મૌન બનીને સંભાળતો રહ્યો, સાબરમતીનું પાણી ઉછાળા મારતું રહ્યું, અમને ભીંજવતું રહ્યું ...!!’

**

‘મેડમ, શોટ તૈયાર છે. સ્પોટ બોય એ આવીને ક્રિષાને કવિથની ડાયરીમાંથી મુક્ત કરી. કવિથની ડાયરીનું એ પાનું ત્યાંથી ક્રિષાએ વાળ્યું. ડાયરી તેણે પોતાની બેગમાં મૂકી. અને તે વિચારમય શુટિંગ શોટ તરફ આગળ વધી.

આખરે શું કહાની છે કાવ્યાનાં જીવનની ? લાગે છે કે કવિથ કાવ્યા તરફ આકર્ષાઈ રહ્યો છે પણ કાવ્યાની કહાનીમાં કઈક એવું છે જે કવિથને કાવ્યાથી દુર કરી દે શે તો ? કે કાવ્યા પોતાની કહાની પૂરી કરે એ પહેલાં જ ઘટશે તેની સાથે એક આકસ્મિક ઘટના ? મળીએ આવતા અંકમાં..!!

લેખકનાં દિલની વાત :

પ્રેમ એ મૌન સમજી જાય છે, કારણ ?

પ્રેમમાં ક્યાં કોઈ કારણ હોય છે...!!