K Makes Confusion - Kavy thi Kavya sudhi ni safar - 1 books and stories free download online pdf in Gujarati

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 1

યાદ

મારી જિંદગીના દરેક મહત્વ પૂર્ણ કામ હું તમને યાદ કરીને કરું છું...!!! આજે પણ તમને યાદ કરીશ, મારા દરેક મહત્વ પૂર્ણ કામને આસાન બનાવનાર, મારી શ્રધ્ધા જેમના તરફ હંમેશા રહી છે એવા મારા દાદા સ્વ પોપટલાલ. આર. ગોહિલ. તેમને મેં જોયા નથી પરંતુ હંમેશા તેમને મારા અને મારા ભાઈમાં અનુભવ્યા છે..!!

અર્પણ

પ્રેમમાં પડેલાં દરેક લોકોને, પ્રેમમય થવા માટે...!

અભાર વિશેષ....

આ કુદરત, જેને પ્રેમ કરવાનું કદી ભૂલી નાં શકાય..જો કુદરતને પ્રેમ કરવાનું ભૂલી ગયા તો તમે તમને જ ભૂલી ગયા સમજજો.!! આભાર જે તે મારી અને અમારી આસપાસ આપ્યું છે તેના માટે..ખાસ વાત જાતને કુદરતમાં સમર્પિત કરવાથી અદભુત આનંદ આવે છે અને ક્રિએટિવીટી વધે છે..

મૂડી કરતા તેનું વ્યાજ વધુ વ્હાલું હોય છે, જેમને હું સૌથી વધુ વ્હાલો છું એવા મારા બા, મારી જિંદગીનું બીજ રોપનાર મારા મમ્મી-પપ્પા અને મારો નાનો ભાઈ યજ્ઞેશ ગોહિલ જે એક બહુ જ સારો સ્કેચ આર્ટિસ્ટ છે. આમ મારો પરિવાર જેમનો હું હંમેશા આભારી રહ્યો છું અને રહીશ.

કોલેજ પૂરી થાય છે પણ દોસ્તી કદી પૂરી નથી થતી આ સાબિત કરી આપનાર દોસ્તો એટલે શિવાની જોષી,શ્રેયસી પટેલ, વૈશાલી ઠકકર, અપૂર્વ રાજ અને હિમાલય હિંગુ

મારી ઉમરનાં જ મારા લેખક મિત્રો કુંજેશ પટેલ, પાર્થ સુથાર, ઉત્સવ પરમાર નો હું સતત આભારી છું.

મારું પહેલું ડ્રામા હોય કે પછી પહેલી શોર્ટ ફિલ્મ હંમેશા જે મારી સાથે રહ્યો છે એ વ્યક્તિ એટલે ભાવિક ભાવસાર. સમય ભલે બદલાયો પણ તેની મિત્રતામાં ફેર નથી પડ્યો

મારું અર્થિંગ ગ્રુપ જેની પાસેથી હું ઘણું શીખ્યો જેની કોઈ જ સીમા નથી. વિશેષ આભાર પ્રફુલ્લ પંચાલ,આનંદ પારેખ, વિજય દેસાઈ અને મૌલિક શ્રીમાળી.

ઉડીને આંખે વળગે એવું મસ્ત કવર પેજ ડીઝાઈન બનાવી આપનાર દોસ્તનો દોસ્ત એટલે મારો દોસ્ત મિત બક્ષી..થેંક્યું બક્ષી બાબુ.

લગભગ ૧.૫ વર્ષ જેટલું જ્યાં કામ કર્યું પણ અનેક ગણો પ્રેમ મળ્યો એવો સુરજ લિમિટેડનો ક્વોલિટી સ્ટાફ...!! વિશેષ આભાર ચિરાગ નાયક સર, ડી.જે સર, મુકેશ પટેલ..!!

પોતાના બીઝનેસમાં સારું એવું નામ કરી લીધા પછી પણ ક્રીએટીવીટીની કદર કરનારા બે બહુ જ સારા વ્યક્તિત્વ મને મારા જીવનમાં મળ્યા કમલ શાહ સર અને ધવલ ચૌહાણ સર..!

મારા દોસ્તો...!! વિરેન્દ્ર વસાવા, અપૂર્વ રાજ, મિહિર રાજ, હિમાલય હિંગુ, દોસ્ત સોહિલ શેખ.

મારી સ્કુલના ટીચર જેમણે મારા મૂળમાં હંમેશા પાણી રેડ્યું અને મને વૃક્ષ બનાવાવામાં મદદ કરી.

મને દુ:ખ આપનારા અનેક લોકોનો હું સતત આભારી છું કારણ હું દુ:ખ વગર સુખનો અહેસાસ કદી નાં કરી શક્યો હોત.

જાણ્યા અજાણ્યા એ અનેક લોકો કે જેમણે મને જિંદગી શું છે તે સમજાવવામાં પોતાનો ફાળો આપ્યો જિંદગીમાં રહેલ અનેક વાતો અલગ અલગ રીતે મારી સામે લાવ્યા.

લીનોવો..!! મારું લેપટોપ..!! સાચું કહું તો આ બુક પૂરી કરવા મેં પેન અને કાગળનો ઉપયોગ ઓછો પણ મારા લેપટોપનો ઉપયોગ વધુ કર્યો છે તો લેપટોપનો આભાર માનવો રહ્યો.!!

ગુજરાતી ભાષા પર મારું કોઈ ખાસ પ્રભુત્વ નહિ. હું સાયન્સનો વિદ્યાર્થી છું. લખવું એ મને મારા દાદા તરફથી વારસામાં મળ્યું છે. જોકે એમના જેટલું અદભુત લખી શકું એવું હજી શીખી રહ્યો છું..આ લખાણમાં જો કોઈ ભૂલ જણાશે તો એ સહજ મારી જ હશે..તો માફ કરી દેજો.ભગવાન માફ કરે એમ...મારા વાંચક મારા માટે ભગવાન સમક્ક્ષ..!! વાંચક વગર લેખકનું અસ્તિત્વ નથી હોતુ..!!

મને વાંચનાર મારા વાચક મિત્રો તમે આમાં કઈક સાચું અને સારું મેળવશો એવી આશા સહ મારીપહેલી નવલકથાનો પહેલો પ્રયત્ન આપની સમક્ષ મુકતા હું તમારો પણ આભારી છું.

લેખકનાં દિલની દિલથી વાત : દુનિયામાં બહુ ઓછા લોકોને તેમનો પહેલો પ્રેમ મળે છે. પહેલો પ્રેમ મેળવવા માટે અગણિત કષ્ઠ વેઠવું પડે છે એટલે જો પ્રેમ જોઈએ તો અગણિત કષ્ઠ વેઠવા તૈયાર થઇ જાવ અને જો અગણિત કષ્ઠ વેઠવાની તૈયારી નાં હોય તો પહેલો પ્રેમ છોડી દો.

લેખક વિશે...

મારું નામ તો તમે આ પુસ્તકનાં પહેલા પાનાં પર વાચ્યું...હું મૂળ મીકેનીકલ ઈજનેર છું. હાલ માસ્ટર ડીગ્રી ઇન કેડ/કેમ કરી રહ્યો છું. ફિલોસોફી કરવી અને લખવું એ મારો શોખ છે. આ પહેલાં “સંબંધ જિંદગી સાથે” નામનું એક પુસ્તક લખી ચુક્યો છું. જિંદગી વિશેની ફિલોસોફીઓનું સમાવતું આ પુસ્તક અનેક લોકોને મોટીવેશન આપનાર બની રહ્યું, એવા અનેક લોકોનાં અભિપ્રાય પ્રાપ્ત થયા.. તે દરેક લોકોનો આભારી છું જેમણે મારા પહેલા પુસ્તકને વખાણવા લાયક સમજ્યું છે. મૂળ હું ફીલોસોફીનો માણસ છું, નવલકથા કદીય લખી નથી. પણ લખવાની ઈચ્છા થઇ ધીમે ધીમે પાનાં ઓનાં પાનાં ભરાઈ ગયા અને પુસ્તક તૈયાર થઇ ગયું.

-જય ગોહિલ

ગાંધીનગર, ગુજરાત

Mobile No:+917405414315

Email Id: jaygohil13@gmail.com

Instagram id : author_jay_gohil

પ્રસ્તાવના..!!!

આ કહાની કાલ્પનિક કહાની છે..!! તેમાં રહેલા પાત્રોને મેં મારી રોજ બરોજની જિંદગીમાંથી શોધી કાઢ્યા છે. રોજ બરોજની જિંદગીમાં નજર નાખીએ તો ખબર પડે છે કે આપણી આજુબાજુ અનેક લોકો અલગ અલગ ફ્રિકવન્સીમાં જીવતા હોય છે તેમનો રેડિયો જો યોગ્ય ફ્રિકવન્સીએ સેટ થાય તો ખુશ થાય અને જો કોઈ ખરાબ ફ્રિકવન્સીએ સેટ થાય તો દુઃખી થયા કરે. દુઃખી થતાં સમયે એ ભૂલી જાય છે કે રેડિયોની ફ્રિકવન્સી સેટ કરવાનું બટનતો તેમના જ હાથમાં છે. આપણા જીવનનાં ઘણાં સંબંધો લોહીના હોય છે અને જે સંબંધો લોહીના નથી હોતાં તે સંબંધો પ્રેમનાં હોય છે અને એ પ્રેમનાં સંબંધો સમય જતાં લોહીના બની જતા હોય છે અને કદાચ લોહી કરતાં પણ વધારે મહત્વના બની જતાં હોય છે એટલાં બધા મહત્વના કે આપણે તે પ્રેમ માટે આપણી જિંદગીના ઘણાં બધા વર્ષો ત્યાગ કરી દેતાં હોય છે અને છતાંય સામે વાળાને દુઃખ ના પહોંચે તે હેતુસર આપણે તે વ્યક્તિત્વને તેનો અણસાર પણ આવવા દેતાં નથી આખરે તે જ તો જીવનનો સાચો અર્થ છે. “સંન્યાસી ભગવાનને પ્રેમ કરીને તેનું જીવન ગુજારે છે અને સંસારી તેને ચાહનાર વ્યક્તિને ભગવાન સમકક્ષ માનીને તેનું જીવન ગુજારે છે.” બસ ફર્ક આટલો જ છે બાકી બંને પ્રેમનો મતલબ જાણે છે અને પોત પોતાના પાત્રોને સાચો જ પ્રેમ કરે છે."

તમે કોઈને શાંત શબ્દે પ્રેમ કર્યો છે ? આપણા જીવનમાં કોઈ માણસ અથવા કોઈ વ્યક્તિત્વ તેટલું વણાય જાય છે કે તેની હાજરી આપણા સમયને ટૂંકો અને ત્વરિત કરી નાખે છે અને તેની ૫ મહિનાની ગેરહાજરી આપણને ૫ વર્ષ જેવું વ્યતિત કરાવે છે. વિરહ મીઠો લાગે પણ વિરહ ટૂંકો હોય તો...મિલનની રાહનું માધુર્ય અલૌકિક હોય છે પણ આ વિરહ અનંતકાળ માં ફેરવાય જશે એવો ડર આપણામાં ઉત્પન્ન થાય અને એ ડર સત્યની કિનારી ઉપર ઉભો ઉભો આપણી સામે ડોકિયા કરતો હોય, આપણને વધુ ડરાવતો હોય તો કેવું લાગે ? મારે આખી જિંદગી ઝૂરવું પડશે, ઝઝૂમવું પડશે તારા માટે, એવી લાગણીઓનો જયારે ઉદભવ થાય, ત્યારે શું ? ભૂતકાળની યાદો એવો તો ભરડો લે, દિલની નાજુક રગો તૂટતી રહે, સ્મરણો સળગતા રહે અને આ સળગતા સ્મરણોને આંસુ ઠારી શકતું નથી. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન એટલા અને એવા જ સ્મરણો દેજે જેને હું સહન કરી શકું અથવા તું તે સહન કરી શકવાની મને શક્તિ આપી શકે. આ કહાની થોડી આવી વિચિત્રતાઓથી ભરેલી છે. જેમાં પ્રેમ અને વિરહની વિચિત્રતાને અનોખી રીતે વણવામાં આવી છે.

દરેક કહાનીમાંથી માણસને કઈક નવું શીખવા મળતું હોય છે આ કહાની કદાચ એમાની એક હોઈ શકે..!! પ્રેમ એ અતૃપ્ત માણસને તૃપ્ત કરવાનું કામ કરે છે અને દરેક માણસનો પ્રેમ એ તે માણસ તરફથી તો સાચો જ હોય છે પણ તે પ્રેમ પાંગરીને ફૂલ બનશે કે કરમાઈ ગયેલી કળી એ સામેવાળા નાં હકારાત્મક કે નકારાત્મક જવાબ પર આધાર રાખતો હોય છે. નકારાત્મક જવાબ માણસને એકલતામાં મૂકી દે એવું બને..! છતાંય નકારાત્મક જવાબ એ પ્રેમનો અંત નથી અને હકારાત્મક જવાબ એટલે જ પૂરો અને સાચો પ્રેમ એવું પણ નથી.!!

આ કહાનીની ખાસિયતએ છે કે તેમાં દરેક સુંદર પળને કવિતાથી વણવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી ગદ્ય અને પદ્યની ગુંથણી એ નવલકથાને નવું રૂપ આપી શકે. તમારા વાંચનનાં સફરમાં સાકર જેવું મીઠુ કામ કરી શકે.

પ્રકરણ ૧

શિયાળાની શરૂવાત કહી શકાય પણ અહીંયા આજે ટ્રીપલ પોઈન્ટ ભેગા હતા, સવારે ઠંડી લાગતી, બપોરે નર્યો બફારો થતો અને સાંજ પડતા વાદળ ઘેરાઈ જતા, આ અમદાવાદ હતું પણ આખરે માણસોએ કરેલું એ માણસોએ ખુદને ભોગવવાનું જ છે એ અમદાવાદ હોય, દિલ્હી હોય કે પછી ડેન્માર્ક. સાંજનો ૪ - ૪.૩૦ વાગ્યાનો દિવાળી નજીકનો સમય, અમદાવાદ - ઉસ્માનપુરા નજીકનો વિસ્તાર, પોતાની મંજિલ તરફ જવા માટે નાની નાની અને માંડ માંડ જગ્યા શોધી રહેલો અમદાવાદી, ડાબા પગથી સાઈડ આપીને પોતાની રીક્ષાનુ આગળનું વીલ થોડી જગ્યામાં ઘુસાડીને ટ્રાફિકને વધુ જામ કરી રહેલો એ રીક્ષાવાળો, લાલ કલરની ખખડેલી એવી એ.એમ.ટી.એસ. બસને હચકાઓ મારીને ચલાવી રહેલો તેનો ડ્રાઈવર, ફટાકડા વેંચી રહેલો મજુરનો છોકરો, મીઠાઈ ખરીદીને તેના બોક્ષને પ્લાસ્ટિકની થેલીમાં ઉછાળી ઉછાળી લઇ જઈ રહેલો અમીર ઘરનો કોઈ ખુશ છોકરો, ઉચકેલી ગુણમાં છાંયડો ભોગવી રહેલો મજુર, ટ્રાફિકની ટી..ટી..ટી.., ચલણ કાપવાનું માંડી વાળીને, બેઈમાન બની, કટકીની સાથે પ્રદુષણ પણ નાકમાં લઈને કર્મને ખરાબ કરીને અજાણતા ક્યાંક નાની નાની પણ કર્મોથી મોટી ભૂલ કરી રહેલો, ખાખી વર્ધીનો અમદાવાદી ઠોલો. દુરથી ઉપર ઉભો ઉભો આ બધું જોઈ રહેલો ૨૮ વર્ષનો યુવાન ડોક્ટર, પ્રોફેસનલ લાઈફમાં આવ્યા પછી તેનો ફેવરીટ બની ગયેલો આછા ગુલાબી રંગનો ફોર્મલ શર્ટ, ડાર્ક બ્લ્યુ રંગનું પેન્ટ, કોટ વગર શર્ટ પર જ ટાઈ પહેરવાની અનોખી ટેવ સાથે આછા ગુલાબી રંગના શર્ટ પર શોભી રહેલ ચેક્ષ બ્લ્યુ ટાઈ, તેના ગોરા લાલ ચટાક ચેહરાને શોભાવી રહેલ રિમલેસ ચશ્માં અને ફ્રેંચ કટ દાઢી, ડાબા હાથમાં પહેરેલી અરમાનીની બ્લેક મેટલ ફીનીશીંગ વાળી ડેસિંગ વોચ, બ્લેક પોલિશ થયેલાં તેના ફોર્મલ શુઝ. Feeling House, નામની એક ૫ સ્ટાર હોટેલને ટક્કર મારે તેવી અફલાતુન હોસ્પિટલ, એ હોસ્પિટલમાં ખૂણામાં એક અલાયદી કેબિનનાં દરવાજા પર ડો. કવિથ પટેલ (Consultant Physician M.B.B.S , M.D) લખેલી નેમ પ્લેટ, કેબિનમાં સમયનું મહત્વ સમજાવતી સેકન્ડ્સને પણ ડીજિટલમાં દર્શાવતી વોલ વોચ, રૂમને ઠંડું કરી રહેલું મોંઘી બ્રાંડનું એ.સી, બ્લેક રેગ્ઝીનની મોટી ચેર, ચેર પર લટકેલું વાઈટ એપ્રોન, ચોકલેટી કલરનાં ટેબલ પર પડેલું 'Litman'નું સ્ટેથોસસ્કોપ, બ્લડ પ્રેશર માપવાનું યંત્ર, આંખ, નાક, જીભ જોઈ શકાય એવી ઝીણી ટોર્ચ, ટેબલ પર પડેલી Harrisons and Taber જેવી મેડીકલની ગીતા સમાન બુક્સની થપ્પી વચ્ચે ઉડીને આંખે વળગેએવી શ્રીમદ ભગવદ ગીતા, ટેબલની શોભાને મોંઘી બનાવતું મેકબુક , ફેલાયેલી સ્પીરીટની સ્મેલ અને એ કેબિનમાંથી શાંત મને ડો. કવિથ કેબિનની બારીમાંથી, જોઈ રહેલો અમદાવાદની અશાંત ભીડ. હાથમાં કોફીનો મગ, ને કવીથને આનંદ આપતી કોફીની એક એક ચુસ્કી, ત્યાં તેના મોબાઈલ ફોનની રીંગ વાગી..!!

'હેલ્લો..!! જય શ્રી ક્રિષ્ના મમ્મી..!!'
'જય શ્રી ક્રિષ્ના કવિથ બેટા, કેમ છે ?'
'મમ્મી, હું એકદમ મજામાં, તમે અને પપ્પા કેમ છો ?'
'અમે બંને મજામાં છીએ તું કહે આ વખતે દિવાળીમાં તો ઘરે આવે છે ને ? છેલ્લાં બે વર્ષથી તું ઘરે આવ્યો નથી. મારે લોકોને શું જવાબ આપવા બધા તારા લગ્ન વિશે પણ પૂછ પૂછ કરે છે. મારી તો હવે બાપા, જવાબ આપતા આપતા જીભ સુકાય ગઈ છે હો કવિથ.'
કવિથ હસવા લાગ્યો...!!!
'અરે, તને શું લાગે છે હું મજાક કરું છું..!!' રમીલા બહેને થોડા ઊંચા અવાજે કહ્યું..!!
'અરે, મમ્મી લગ્ન માટે હજી ઘણો સમય બાકી છે.' એમ કહી કવીથે રમીલા બેનની વાતને ઉડાવી દીધી. અને કહ્યું કે 'આ વખતે કદાચ આવવાનો મેળ પડે તેમ નથી કારણ કે આવનારી દિવાળીના એક વીક પછી મારે એક કોન્ફરસ અટેન્ડ કરવા માટે ઓસ્ટ્રેલીયા જવું પડે એમ છે.'
'ત્રાસી ગઈ છું કવિથ તારી કોન્ફરન્સથી તો હું.. આ તારી કોન્ફરસવાળાઓને તહેવાર જેવું કઈ હોઈ છે કે નહી કે જયારે હોય ત્યારે દિવાળીની આસપાસ જ ગોઠવી દેતાં હોય છે. મને એમનો નંબર આપ એટલે હું જરા એમને સમજાવું કે કોન્ફરસ ક્યારે ગોઠવાય..!!'

કવિથ ફરી હસવા લાગ્યો..!! 'મમ્મી આવતાં વર્ષે જરૂર આવી જઈશ.'
'ઠીક છે' બોલતા રમીલા બહેન નો સ્વર મંદ થઇ ગયો..!!
'મમ્મી, પપ્પાની તબિયત તો સારી છે ને ? અને તમને કોઈ પૈસાની જરૂર તો નથી ને ? હોય તો મને જણાવી દેજો હું પપ્પાના ખાતામાં ટ્રાન્સ્ફર કરી દઉં' ..
'ના, રે તારા પપ્પાનું પેન્સન જ અમારે ખૂટતું નથી.. આ બસ હવે તું પરણી જાય તો અમારે માથે ટેન્સન ઓછું થાય...!!'
'મમ્મી પાછું તમે ચાલુ નાં કરો...!!'
'હા સારું વાંધો નહિ પણ સાચવીને જજે',
'ભલે મમ્મી', અને 'જય શ્રી ક્રિષ્ના કહી' રમીલા બહેને ફોન મૂકી દીધો.

આ સંસારનો નિયમ જાણે, જેમ જેમ ઉંમરનાં થર આ શરીર પર જામતાં જાય છે તેમ તેમ આ પતિ – પત્ની સંતાનોથી વીંટળાયેલી જીવનની જવાબદારીઓ સભાનપણે વહન કરતા કેવાં ગંભીર થઇ જાય છે. બાળકને મારા કરતાં સારું ભણવાનો છે, હું જે સ્કુલ કે કોલેજમાં ભણ્યો એનાથી ઊંચી જ સ્કુલમાં હું ભણાવીશ એવો આગ્રહ રાખતો એ બાપ ચોરી છુપીથી આખા વર્ષમાં બે શર્ટ અને બે પેન્ટમાં ઓફિસે જતો હોય છે, ચોરી છુપેથી એટલે લખવું પડ્યું કારણ કે મા બોલી શકે છે, કહી શકે છે અને બાપ મૌન હોય છે. ભણવાનું હજી પૂરું થવાના આરે હોય ત્યારે મા - બાપનાં વિચારો સંતાનોને પરણાવા તરફ ચાલ્યા જતા હોય છે. જવાબદારીઓનો બોજો લઇને ચાલેલા તે મા-બાપને જ્યારે આ આપણે બનાવેલો સમાજ સતત બાળકોના લગ્ન વિશે પૂછ પૂછ કરે ત્યારે 'અમારે હજી વાર છે' એમ કહીને જીભ સુકાઈ જતી હોય છે, આ ‘પરણાવાની’ જવાબદારી જલદી પૂરી કરીએ તો ક્યાંક અમે થોડી નિરાંત અનુભવી શકીએ એવા વિચાર સાથે તેઓ જીવતા હોય છે એવી જ કઈ હાલત સાથે જીવી રહેલા રમીલાબહેન અને પ્રવીણભાઈ..!!

આ બાજુ કવીથની કોફી પૂરી થાય છે અને તેનાં મોબાઈલમાં રીમાઇન્ડર વાગ્યું.!
'ઓ સીટ...!! આજે તો વિવાનનાં લગ્નનાં રિસેપ્શનમાં જવાનું છે', 'સારું થયું આ રીમાઇન્ડરે મને રીમાઇન્ડ કરાવી દીધું નહીતો વિવાન આજે મારી નાખત મને.'

ત્યાં જ તે બે મિનિટ માટે વિચારમય બની જાય છે,

'બે યાર ત્યાં પેલી હશે તો' ?! 'હું, નથી ઈચ્છતો કે મારા લીધે તે પાછી દુઃખી થાય અને તે મને કશુંય કહે.' શું કરું જાઉં કે નાં જાઉં ?' 'પણ નહિ જાઉં તો કદાચ વિવાન મારી ધૂળ કાઢી નાખશે.' ' એમ પણ પરમ દિવસે તેના લગ્નમાં પણ ગયો ન હતો તેથી ગઈકાલે તેણે મને બહુ ખખડાવ્યો છે.' 'વિવાન મારો જીગરી છે યાર, કોઈ વ્યક્તિને લીધે હું વિવાન સાથે રીલેશન બગાડું એ કેવી રીતે ચાલે ?' 'કવિથ પોતાના મનને મનાવે છે અને વિવાનનાં લગ્નના રીશેપ્સનમાં જવા માટે વિચારે છે.'

'તેજસ..!! જરા અંદર આવ તો...!! ઇન્ટરકોલ પર ડો. કવીથે પોતાનાં આસીસ્ટન્ટને કોલ કર્યો.'

ઝપાટા ભેર ઉત્સાહી તેજસ હાજર થયો.

'જી સર'
'હું જરા બહાર જાઉં છું, જોકે Dr. Verma તો હાજર જ છે, કઈ ખાસ ઈમરજ્ન્સી હોય તો ફોન કરજે',
'જી સર' કહી તેજસ જતો રહે છે, કવિથ પણ પોતાનાં રૂમમાંથી બહાર આવે છે અને વોર્ડમાં રાઉન્ડ લગાવીને વિવાનનાં લગ્ન રીસેપ્શનમાં જવા માટે નીકળે છે.

*********

વિવાન પટેલ, ભાવનગરનાં રીયલ એસ્ટેટ બિઝનેસમાં જેમનું મોટું નામ છે એવા કાંતિલાલ પટેલનો એકમાત્ર સુપુત્ર, વિવાનનાં ગ્રેજ્યુએશન પછી કાંતિલાલે પોતાનો બીઝનેસ અમદાવાદમાં પણ જમાવ્યો અને અમદાવાદમાં પણ મોટું નામ કર્યું. વિવાને એમ.બી.બી.એસ પ્રેક્ટીકસ છોડીને પોતાનાં પિતાના બીઝનેસને આગળ સંભાળવાનું નક્કી કર્યું અને ગ્રેજ્યુએશન પછીનાં ૨ વર્ષમાં વિવાન પટેલનું નામ નામચીન બીઝનેસમેનની યાદીમાં આવી ગયું. આજે અમદાવાદના એસ.જી હાઈવે પરનાં વૈષ્ણવદેવી સર્કલ પાસે રહેલા એક મોટા પાર્ટી પ્લોટની બહાર ઢગલો મોંધી દાટ ગાડીઓની લાઈન લાગેલી હતી. ઝબકારાઓ મારતી લાઈટ્સથી આખો પાર્ટી પ્લોટ ચમકી રહ્યો હતો. પ્રવેશદ્વાર પર લાગેલી લાલ ઝાઝમ જે શરૂવાતથી સ્ટેજ સુધી મહેમાનોને મનમોહિત કરી રહી હતી. પાર્ટી પ્લોટની વચ્ચે રહેલો ફુવારો, વિવિધ કાર્ટુન કેરેક્ટરસ જે બાળકોને મજા કરાવી રહ્યા હતા. શહેરના જાણીતા ગાયક કલાકારો દ્વારા સુગમ સંગીત ફેલાઈ રહ્યું હતું, ખાવાની વાનગીમાં અનેક જાતનાં સૂપ, સ્ટાટર, અવનવી અનેક ચાટથી શરુ કરી અંતે મનગમતો ડેઝર્ટ (આઈસ્ક્રીમ), આમ જો ગણવામાં આવે તો “૫૬ ભોગ” ઓછો અને આછો પડે એવી અદભુત અને અનેક વાનગીઓ કેટરેસ દ્વારા મહેમાનોને પીરસવામાં આવી રહી હતી. મહેમાનોનાં ચહેરા પર દેખાઈ રહેલુ ‘અહમી’ તેજ અને દોસ્તોનાં ગ્રુપમાં ઉભેલું નવદંપતી વિવાન અને રચના.

વિવાન પોતાના મિત્રોની ઓળખાણ તેની પત્ની સાથે કરાવતો હતો..!!

‘રચના, આ છે ફેનિલ, ફેનિલ ગાંધી, તમે તેને અમારા ગ્રુપનો માઈકલ જેક્શન કહી શકો ખરા, એક્ટીવ પર્સનાલિટી અને કોલેજ પૂરી કર્યા પછી, પોતે એક NGO ચલાવે છે, ગામડાંઓમાં જઈને જ્યાં જ્યાં હેલ્થની સુવિધા નથી ત્યાં જાતે સુવિધા પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. દિલથી બહુ સારો માણસ છે ફેનિલ.’

‘હાય ફેનિલ..!! નાઇસ ટુ મીટ યુ.’ રચનાએ ફેનિલને કહ્યું.

‘આ છે મિત પટેલ, અમારા ગ્રુપનો રેન્કર બોય...!! એક થી ચાર વર્ષમાં દરેક વખતે ટોપ કર્યું છે આ મીત્યા એ.. અમારું પડાખું બચ્ચું , મેડિસિનનાં ઘણાં સબ્જેક્ટ તેના લીધે જ આવડ્યા છે થેન્ક્સ ટુ મિત પટેલ!!’

‘હાય રેન્કર બોય..વેલકમ ટુ અવર રિસેપ્શન.’ રચના એ મિતને આવકાર્યો.

‘શ્રુતિ ભટ્ટ, અમારા ગ્રુપની ફૂડ અને મુવીની સેનાપતિ અને તેના લીધે કોલેજમાં અમે નાં જાણે કેટલા બંક માર્યા છે આખો દિવસ ખાવાની અને મૂવીની વાત જોને શરીર પરથી જ એવું લાગે છે ને તને ?’ વિવાને કહ્યું.

‘બહુ ડાહયો નાં થા વિવાન હો, જો બંક નાં માર્યા હોતને તો આપણી વાત તું રચના ને કેમનો કહી શક્યો હોત ? આ આજે જે કોલેજની ચર્ચા કરે છે એમાં શું લેકચરની વાત કરત ?’ અને આટલું કહેતા કહેતા બધા હસી પડ્યા..!

ગ્રુપના બે લોકો હજી આવ્યા નથી લાગતા..!!

‘માય સેલ્ફ કવિથ, કવિથ પટેલ.’ કવીથે અચાનક પાછળથી આવીને કહ્યું.

‘ફાઈનલી તું આવ્યો ખરો મને બિલકુલ તારા પર ભરોસો ન હતો કે તું આવીશ.’

વિવાન આટલું બોલતા બોલતા કવીથને ગળે વળગી પડ્યો..!! બે જીગરી દોસ્ત ફોન સિવાય રૂબરૂમાં વર્ષો પછી મળ્યાં એવી કોઈ ઘટના.

વિવાન રચનાને કહે છે ‘આ છે મારો પહેલો પ્રેમ..’ અને રચના સહીત બધા હસી પડે છે..!!

વિવાન અને કવિથ નામ અલગ પણ હર્દય એક જ હોય તેવા મિત્રો. કોલેજ સમયથી કવીથની ખુલ્લી કિતાબ એટલે વિવાન. કવિથની જિંદગીમાં કોણ આવ્યું, તેની હાલ શું પરિસ્થિતિ છે એ બધું વિવાનને પૂછો તો જવાબ મળી જાય. કોલેજ પૂરી થયા પછી હજી પણ બંને એક બીજા નાં કોન્ટેક્ટમાં સારી રીતે છે.

‘અરે રચના, કવિથ વિશે તો મેં તને ઘણું કહેલું જ છે. કવીથને કવિથ કહો કે પછી કવિ બધું સરખું..!! અમારા ગ્રુપનો કાન્હો..!! ગોપીઓ આસપાસ મંડરાયે રાખે..!! કવિથ એટલે અમારું ક્રિશ્નાત્વ.!! મોરલી વગરનો ક્રિશ્ના..!!’

‘વિવાન, ક્રિશ્ના ક્રિશ્ના કરવાનું બંધ કર હવે..!!’ કવિથએ આંખો બતાવીને કહ્યું...!!

‘અરે પણ અહિયાં કોઈથી એ સત્ય છૂપું નથી કવિથ...!!’

‘હા, અને એ સત્ય કદાચ હમણાં આવતું જ હશે..!!’ મિત એ ટોણો માર્યો..!!! અને બધા હસવા માંડ્યા...!!

ક્રિષા એટલે કુદરતનો બેસુમાર અદભુત નમુનો..!! બી.એમ.ડબ્લ્યુ કારનો બાઉન્સરે દરવાજો ખોલ્યો, ને વિવાનનાં રીશેપ્શનમાં કરેલી રોશની આછી લાગવા લાગી, બ્લેક રંગના પાર્ટીવેર વેડિંગ ગાઉનમાં ક્રિષાનો ચુસ્ત અને મુલાયમ દેહ વીંટળાયેલો હતો..!! બની શકે કે તેનો દેહ રચતી વખતે આ કુદરતને પણ તેને પૃથ્વી પર મોકલવાનું મન નહિ થયું હોય..!! એના આછા કાળા - ભૂરા- લાંબા- સિલ્કી – સ્ટ્રેટ - ખુલ્લા વાળ હવાને લીધે લહેરાઈ રહ્યા હતા અને તે પોતાના આ અદભુત- સુંદર વાળને હાથથી ખભાની એક તરફના ભાગ તરફ લઇ આવી..!! સમય ખુદ થંભીને આ બધું જોવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું હતું..!!! પૃથ્વીલોકની તે મોડર્ન અપ્સરા હતી. લગ્નનું રીસેપ્શન વિવાન અને રચનાનું હતું પણ વિવાન અને રચના તરફ આવતી ક્રિષા મહેમાનોનું આકર્ષણનું કેન્દ્ર બની હોય એવું બે ઘડી માટે લાગી રહ્યું હતું..!! બે ચાર ટાબરિયાઓએ મેમ- ઓટોગ્રાફ પ્લીઝ કહીને તેની સામે ડાયરી ધરી અને ક્રિષાએ પ્રેમથી તેમને ઓટોગ્રાફ આપ્યા.

ફેનીલે દુરથી જ ક્રિષાને આવતી જોઈ કહ્યું, ‘સત્ય આવતું હશે નહિ આવી રહ્યું છે..!!!’

ફેનિલ અને મિતની આંખો તો ક્રિષાને જોઇને પલક લેવાનું ભૂલી ગઈ હતી..!!!

ક્રિષાએ સૌ પ્રથમ ત્રાસી આંખે કવીથ તરફ ગુસ્સાથી જોયું પછી વિવાન અને રચના તરફ ચાલી ગઈ.

‘હાઈ વિવાન..!!! Congratulations..! જિંદગીના નવા ચેપ્ટર માટે..!!’

‘રચના તમને પણ..!!! કુદરતે લખેલી જીવન રચનામાં વિવાન તમારા દરેક અરમાન પુરા કરશે જ એવી મને મારા દોસ્ત પર ખાતરી છે...!!’

‘થેંક્યું સો મચ ક્રિષા ..!!’ વિવાન અને રચના ક્રિષાને વારાફરતી ગળે વળગ્યા.

‘રચના, આ અમારા ગ્રુપનું એવું વ્યક્તિત્વ જેણે મેડિસિન પછી મોડલિંગ કર્યું અને આજે એ ત્રીજી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવા જઈ રહી છે..!!’ વિવાને કહ્યું.

‘This is so amazing..!! Wow Krisha…!! તારી બે ફિલ્મો મેં જોઈ છે, મજા ફિલ્મ જોઈને પણ પડી હતી અને આજે તને અહિયાં જોઇને પણ પડી... તારી આગામી ફિલ્મ માટે પણ ઓલ ધ બેસ્ટ..!’ રચનાએ કહ્યું

‘Three cheers for you..!! ’ ફેનીલે કહ્યું..!!!

‘રચના, આ છે અમારા વિચિત્ર લોકોનું એક વિચિત્ર કોલેજ ગ્રુપ.’ વિવાન એ રચના ને કહ્યું.

‘ખરેખર ઘણું વિચિત્ર છે અને મજાનું પણ દરેક લોકો કઈક ને કઈક નવું કરી રહ્યા છે this is really an amazing thing.’ રચના એ વિવાનની વાતમાં સુર પુરાવતા કહ્યું.

‘પણ છતાંય મારા અને કવિથ સિવાય કોઈ કોન્ટેક્ટમાં નહિ માંડ માંડ પરાણે કોઈ ફોન કરતુ હશે આતો આપણા લગ્નને લીધે બધા ભેગા થયા બાકી કોનું લશ્કર ક્યા લડે છે એ કોને ખબર છે.’ વિવાની વાત સાંભળી બધા હસવા લાગ્યા.

‘નાના સાહેબ, તમને અને મેડમને કાંતિશેઠ હવે સ્ટેજ પર જવા માટે બોલાવે છે..!!’ વિવાનનાં કેટરેસવાળાં માણસે આવીને તેને કહ્યું..!!

‘So, Guys I am really sorry તમે મારી રિસેપ્શન પાર્ટી એન્જોય કરો, મારે જવું પડશે...!!’

એમ કહી વિવાન અને રચના ત્યાંથી વિદાય લે છે..!! વિવાન અને રચના ની સાથે સાથે ફેનિલ, મિત અને શ્રુતિ પણ અમે હમણાં આવીએ એમ કહી કવિથ અને ક્રિષાને એકલા મુકીને ત્યાંથી જતા રહે છે.

બધાં ત્યાં થી જતાં રહ્યા પછી ક્રિષા કવીથનો હાથ પકડીને ત્યાંથી દુર લઇ ગઈ.

‘અરે મારો હાથ તો છોડ ક્રીષ’ કવીથે કહ્યું.

ક્રિષાએ તેના નાજુક હાથો વડે કવીથનાં બાજુઓ પર એમ જોરજોરથી ઘણાં બધા એવા પણ એમ નાજુક એવા મુક્કાઓનો મારો ચલાવ્યો અને ૨ વર્ષોનો જાણે ગુસ્સો ઉતાર્યો.

‘અરે અરે આટલું બધું કેમ મારે છે મને’ કવીથે કહ્યું.

‘આનાથી પણ વધારે મારનો તું લાયક છે એમ કહી તે કવીથની છાતી સમી ભેટી પડી.’

અને કવીથે તેને બાહોમાં ભરી લીધી.

‘ઓ..ઓ...ઓ.. ક્રીષું..’ શું થયું.

‘કવિ..!!! કેમ છે તું ? કેટલા વર્ષે મળ્યો તું તને ખબર છે ? આવું સાવ કોઈની જોડે થોડું કરાય ? કોલેજ પછી તે તારો ફોન નંબર પણ બદલી નાખ્યો, શ્રુતિ જોડે હું કોન્ટેક્ટમાં છું પણ તેની જોડે પણ તારો નવો મોબાઈલ નંબર ન હતો. મને એવી ખબર પડી હતી કે અમદાવાદમાં તે હોસ્પીટલ ઓપન કરી છે એ રીતે. મેં તને કોન્ટેક કરવાનો બહુ પ્રયત્ન કર્યો પણ લગભગ દરેક વખતે તારી હોસ્પીટલ પરથી મને એવો જ જવાબ મળ્યો કે તું ‘આઉટ ઓફ ઇન્ડિયા’ છે, ખબર નહિ શું કરે છે ઓઉટ ઓફ ઇન્ડીયા જઈને ? કે તે હોસ્પીટલવાળાને કહી દીધું હશે કે આવી કોઈ ક્રિષા નો ફોન આવે તો કહી દેજો કે હું ઓઉટ ઓફ ઇન્ડિયા છું. કોઈ એક બેસ્ટ ફ્રેન્ડ, બીજા બેસ્ટ ફ્રેન્ડ જોડે સાવ આવું વર્તન કરતુ હશે ? ખબર નહિ ક્યાં જનમની તું દુશ્મની નીકાળે છે કવિ. ક્રિષાએ કવિથ પર લગભગ બે વર્ષનો ઉભરો ઠાલવ્યો ને આટલું બોલતા બોલતા ક્રીષાની આંખમાં આંસુ આવી ગયા.

ક્રિષાની આંખમાં આવેલા આંસુને કવીથે તેના હાથે લુંછયા. તેના કપાળ પર એક ચૂમી આપી.

‘અરે અરે ક્રીષું રડીશ નઈ રડે છે શું કામ? અરે રડીશ તો પેલી તારી અપકમિંગ મુવીમાં તારા ચેહરા પર કાળા ડાઘા આવશે અને પછી તને કોઈ ફિલ્મની હિરોઈનમાં નહિ. વિલનમાં લેશે.’ એમ કહી તે ક્રિષાને હસાવવાનો પ્રયત્ન કરે છે.

‘બે જાને યાર એક તો વર્ષો પછી મળવું છે અને પછી આવા વાહિયાત જોક ફેકવા છે જેમાં કોઈને હસવું પણ નાં આવે.’

‘જોકે ક્રીષ મેં મારી હોસ્પીટલ પર બિલકુલ એવું કીધું ન હતું અને મારું આઉટ ઓફ ઇન્ડિયા જવાનાં ઘણા બધા કારણ હોય છે અને લગભગ મહિનામાં એકવાર મારે કોઈના કોઈ કારણે આઉટ ઓફ ઇન્ડિયા જવું પડતું હોય છે એટલે બની શકે હું તને ફોન પર ના મળ્યો હોવ.’

‘મારે તારી જોડે ઘણી બધી વાત કરવી છે, બે વર્ષોની વાત અને ઘણાં બધા સવાલ પણ પૂછવા છે. પણ આજની તારી મારી આ મુલાકાતને અને વિવાનનાં લગ્નનાં રીશેપ્સનને હું એન્જોય કરવા માંગું છું. તું તારો ફોન નંબર આપ મને આપણે કાલે મળીશું આપણી જગ્યાએ અને કાલે તારે આવવું જ પડશે મારો આ ઓર્ડર છે અને તું માનવા બંધાયેલો છે મને એટલી ખબર પડે છે.’ ક્રિષા એ કવીથને આગ્રહ પૂર્વક કહ્યું.

‘સારું આવી જઈશ મારી મા...!!!’

‘તમારી વાતો પૂરી થઇ હોય તો આપણે ડીનર કરીએ.’ શ્રુતિએ આવીને કહ્યું.

‘યા અફકોર્સ પણ વિવાન અને રચના ?’ કવીથે પૂછ્યું.

‘એ લોકોને વાર લાગે એવું છે..લગભગ રીસેપ્શન પતશે એના પછી જ એ લોકો એમની ફેમિલી સાથે જમશે. આપણને જમી લેવા કહ્યું છે.’ શ્રુતિએ કહ્યું..

‘ચાલ જાડી જમવા.’ એમ પાતળી દેખાતી ક્રિષાને કવિથ ક્યારેક ક્યારેક કોલેજમાં જાડી કહીને ચીડવતો એટલે એનો મૂડ થોડો સારો થઇ જાય.

ક્રિષા કવિથનાં મોઢે વર્ષો પછી ‘જાડી’ શબ્દ સાંભળીને ખુશ થઇ ગઈ..

‘હું જાડી નથી હો જાડ્યા’ જે રીતે સ્વાભાવિક પ્રતિઉત્તર આપતી તેમ ક્રિષાએ પ્રતિ ઉત્તર આપ્યો.

તમારા જાડી જાડયાનાં નાટક બંધ થયા હોય તો આપણે જઈએ મને ભૂખ લાગી છે શ્રુતિએ કહ્યું.

હા ચાલો..એમ કહી ક્રિષાએ કવિથનો હાથ પકડ્યો અને બધાં ડીનર કરવા માટે ચાલ્યા.

એ દિવસની સાંજ કવિથ અને ક્રિષા માટે ત્યાં જ પૂરી થઇ. સાંજ તો પૂરી થઇ પણ અનેક પ્રશ્નો છોડતી ગઈ ક્રિષા અને કવીથના મનમાં. શું કાલે કવિથ મારા પ્રશ્નોનો સાચો જવાબ આપશે ? શું કરે છે દર મહીને કવિથ આઉટ ઓફ ઇન્ડિયા જઈને ? આટલા બે વર્ષમાં કવીથે મને બિલકુલ યાદ નહિ કરી હોય ? કાલે ક્રિષા મને શું પ્રશ્નો પૂછવાની છે ? અને પૂછ્શે તો શું હું એને દરેક જવાબ સાચા આપું કે ડીપ્લોમેટીક, વેલ, એતો પ્રશ્નો પર જ આધાર. અને શું એણે સાચે મારી હોસ્પીટલ પર આટલાં ફોન કર્યા હશે ? મને તો તેની કોઈ જાણકારી નથી. કવિથ આ બધા વિચાર તેની કારમાં કરી રહ્યો હતો ત્યાં જ તે પોતાની હોસ્પીટલ પર પહોંચી ગયો. કવિથનું ઘર એ તેની હોસ્પીટલની ઉપર જ હતું. તે રૂમ પર જઈને પોતાની ડાયરી લે છે અને લખે છે..!!

“આજે વિરહની વેદનાને તપાસી છે મેં,

ક્યાંક તે મને બાળી નાં નાખે તો સારું છે..!!

ઉકળતાં દિલના આંસુ આજે મેં જોયા છે,

ક્યાંક તે મને પલાળી નાં નાખે તો સારું છે..!!

મેં સ્વીકારી આ જિંદગી, તેનું કારણ હું પોતે છું,

કોઈ મારા લક્ષને હચમચાવી નાં નાખે તો સારું છે..!!

હા...!!! હું કાયમ છું મારા શબ્દો પર અને રહીશ ‘જ’

કોઈ મારા આ સ્વમાનને ડગાવી નાં નાખે તો સારું છે...!!”

આટલું લખતા લખતા કવિથ તેની ડાયરીના જુના પાનાં ખોલે છે અને આંખો બંધ કરીને એ ભૂતકાળમાં સરી પડે છે..!!!

લેખકનાં દિલની વાત : હું તારો સમાનાર્થી બનવા માંગું છું, તું મારો સમાનાર્થી કદી બની શકે તેમ નથી કારણ આપણે એકબીજાનાં એ અર્થ છીએ જેનો સમાનાર્થી શક્ય નથી, આપણે એક છીએ, એક જ શબ્દ છીએ)

મળીએ આવતા અંકમાં..!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED