Featured Books
શ્રેણી
શેયર કરો

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 11

પ્રકરણ ૧૧

સવારે ક્રિષા તેના રૂમમાં સુતી હતી. શ્રુતિએ દરવાજો ખખડાવ્યો.

‘કમ ઇન..’ ક્રિષાએ અંદર આવવા માટે કહ્યું.

‘મારું ક્રિષબાબુ કેમ છે ?’

‘ઓ ડાર્લિંગ કેટલા દિવસો પછી આવી.’ ‘આવ આવ..’ તેણે ક્રિષાને હગ કર્યું અને ગાલ પર ચૂમી આપી.

‘શું કેમ આજ કાલ દેખાતી નથી બેબી.’

‘કઈ ખાસ નહિ યાર બસ હોસ્પિટલમાં રોજ એટલા પેશન્ટ હોય છે કે થાકી જવાય છે. એટલે સમય નથી મળતો.’

‘તું કહે ? કયું મુવી આવી રહ્યું છે તારું ?’

‘મારી જિંદગી પર હવે મુવી બનાવવું જોઈએ એવું લાગે છે. ‘

‘કેમ પાછુ શું થયું ?’

‘કશુંય નથી થયું હવે.’ ‘તને ખબર છે આ કવિથના જીવનમાં કોલેજ સમયમાં કાવ્યા નામની કોઈ છોકરી હતી તને એ વાતનો ખ્યાલ છે ?’

‘નાં બિલકુલ ખબર નથી. તને કેવી રીતે ખબર પડી.’

‘ અરે આ કવિ મહાશયએ એના અને કાવ્યાના જીવનની દરેક વાતો આ ડાયરીમાં નોટ કરી છે. એણે જે રીતે કાવ્યાના વખાણ કર્યા છે એ રીતે તો એવું લાગે છે કે કવિ તેને બહુ પ્રેમ કરતો હશે.’

‘એટલે પ્રપોઝ પણ કર્યું હતું ?’

‘નાં હજી સુધી એવું કઈ વાંચવામાં નથી આવ્યું પણ હવે ખબર પડશે. કવિ એવું કહેતો હતો કે તેની ડાયરી વાંચીને ઇન્સપીરેશન મળશે. પણ હજી સુધી એવું કઈ આવ્યું નથી. ખબર નહિ. હું એ વાંચું છું કાવ્યા ક્યાંની છે ? શું કરે છે તેનું બેક ગ્રાઉન્ડ શું છે ? ત્યાં પહોંચી છું.’

‘હા, તો મારે પણ સ્ટોરી સાંભળવી છે. શ્રુતિએ ક્રિષાને કહ્યું...

અને થોડું બેકગ્રાઉન્ડ આપી એ ક્રિષા અને શ્રુતિ કવિથની ડાયરીના પાનાંઓ વાંચવા તરફ આગળ વધ્યા.

**

‘કવિથ, આજથી ૨૨ એક વર્ષ પહેલાં મારો જન્મ સુરેન્દ્રનગર જીલ્લાનાં, ધ્રાંગધ્રા તાલુકામાં થયો હતો, ધ્રાંગધ્રા શહેરમાં એકદમ વચ્ચે આવેલા શક્તિ મંદિર પાસે આવેલી એક ગલીમાં મારા દાદાનાં દાદાનું નાનકડું એક પુસ્તેની રો-હાઉસ. એ રો-હાઉસમાં મારા બાપુ અને મારા કાકા બંનેનું કુટુંબ રહે. મારા બાપુ ત્યાંની એક કેમિકલ કંપનીમાં એક ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતાં, જ્યારે મારા કાકાને એમનો પોતાનો રેડીમેડ કપડાંનો ધંધો હતો. મારે કોઈ ભાઈ બહેન નહિ. આ છોકરાઓની આશા રાખતા સમાજમાં હું અમારા ઘરમાં એકને એક દિકરી અને ગર્વથી કહું છું મારા મા-બાપે તો છોકરા છોકરી વચ્ચે કોઈ જ પ્રકારનો ભેદ રાખ્યો નથી. મારું ધોરણ ૯ સુધીનું શિક્ષણ શહેરની જ સ્કુલ શિશુકુંજ વિધાલયમાં થયું. એ પછી ૧૦મું ધોરણ ભણવા માટે મારે સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલી સ્કુલમાં એડમીશન લેવાનું થયું અને ૧૦ માં ધોરણથી જ ધ્રાંગધ્રા થી સુરેન્દ્રનગર હું અપ ડાઉન કરવા લાગી. ક્યાંક નાની ઉંમરમાં આટલું દુર સુધી અપ-ડાઉન કરતાં મને અને મારા મા-બાપને થોડો ડર લાગતો પણ મારા સપનાં પુરા કરવા માટે જીવનમાં આટલી તો સ્ટ્રગલ વેઠવી જરૂરી હતી.

એક દિવસ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી સાંજના ચારેક વાગે હું ધ્રાંગધ્રા પાછી ફરતી હતી. આજે ખબર નહિ પણ પહેલીવાર બસ સ્ટેશનમાં રોજ કરતાં ભીડ વધુ હતી. બસ સ્ટેશનમાં સરકાર તરફથી સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા જતી બસોની સંખ્યા પણ વધારી દેવામાં આવી હતી. લોકોની બહુ રોકકળ પણ દેખાઈ રહી હતી. મારી સાથે અપડાઉન કરતી મારી બહેનપણી અને હું બધા થોડા અચંબામાં હતા. આટલી રોકકળ વચ્ચે ૧૦માં ધોરણમાં ભણતી છોકરીઓ વધુમાં વધુ શું વિચારી શકે એ સમજાઈ શકે એમ ન હતું. ખબર નહિ અંદર એક અજીબ પ્રકારનો ડર ઉત્પન્ન થતો હતો. જે ડરને પ્રસ્તુત કરી શકું એવી સમજણ એ વખતે મારામાં ન હતી. આવી વિચિત્ર રોકકળ અમે અમારા જીવનમાં પહેલીવાર જોઈ હતી એટલે કોઈને પૂછી શકીએ એવી હિમ્મત પણ અમારામાં ન હતી. એ જમાનો હજી ઘરેઘરે ઘર દીઠ દરેકની પાસે મોબાઈલ હોય તેવો ન હતો. કોઈ અમીરનાં ઘરે અને સરકારી ઓફિસોમાં બી.એસ.એન.એલનાં ફોન જોવા મળતા હતા. પણ એટલો અંદાજો અમે લગાવી શકીએ એમ હતા કે ક્યાંક કોઈ અજુગતું બન્યું હશે.’

‘પણ શું ?’ એ તો હજી પ્રશ્નાર્થ જ હતો..જેમ જેમ બસ સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા તરફ આગળ વધતી હતી તેમતેમ મારા મનને અનેક નકારાત્મક વિચારો આવી ચુક્યા હતા. ખબર ન હતી કે શું અજુગતું થયું હશે...? મન અને દિલ બેચેન હતું..જેમ કઈ ખરાબ થવાનું હોય અને તેના વાઈબ્રેશન તમે અનુભવી શકો છો એમ જ હા એમ જ..મારું મન-તન આવું કઇક નકારાત્મક અનુભવી રહ્યું હતું.’

‘અમારી બસ ધ્રાંગધ્રા પહોંચી.. હું મારા ઉતરવાના સ્થળે ઉતરી. આજે ત્યાં સન્નાટો હતો..રોજ ધમધમતું રહેતું શહેરની દુકાનો આજે બંધ હતી..મને એ અજુગતું લાગી રહ્યું હતું...આખું ગામ પહેલીવાર આટલું શાંત હતું..જાણે ગામમાં કઈ થયું હોય એવું લાગતું હતું. લોકોની ભીડથી ઉભરતો વિસ્તાર આજે શાંત હતો..સુન્ન હતો.. આ વાત મને વિચારવા મજબુર કરતી હતી.. મારા ઘરની શેરીનાં નાકે હું પહોંચી...શેરીની એકદમ બહાર ત્યાં દેનાબેંક હતી...જે આજે પણ ત્યાં સ્થિત છે.. જનરલી ત્યાં તો લોકોની ભીડ હોતી જ હોય છે પણ આજે એ જગ્યા પણ શાંત હતી.. એક તોફાન પહેલાંની શાંતિ અનુભવાતી હતી. મારા ઘરની ગલીમાં જેમ જેમ હું આગળ વધતી હતી તેમ તેમ મારા પગ પાછાં પડતાં હતા. તે ગલીમાં ડાબી બાજુ વળાંક લઈને જમણી બાજુ વળાંક લેવામાં આવે એટલે છેલ્લું ઘર અમારું હતું. આખરે પાછાં પડતાં મન, શરીર અને પગ સાથે હું મારા ઘર આગળ પહોંચી ત્યાં લોકોની ભીડ ખુબ જ હતી..આજુ બાજુ વાળા લોકો મારા ઘરે ભેગા થયા હતા..તેઓ એક અજીબ નજરે મને આવતી જોઈ રહ્યા હતા. હજી મને કઈ સમજાતું ન હતું.. હું ધીમે ધીમે આગળ વધતી ગઈ..

‘મારી મા અને મારા કાકા તથા મારા કઝીન ભાઈઓ ત્યાં રડતાં બેઠાં હતા..આ બધાંમાં એક વ્યક્તિની ગેરહાજરી મને સાલતી હતી તે વ્યક્તિ એટલે મારા પિતાજી..!! હું આખી ઘટનાંને સમજુ એ પહેલાં મારી એકદમ બાજુમાં પડેલા લગભગ ૫ ફૂટ જેટલા મોટા કોલસા જેવા કાળા રંગના એક પત્થર જેવા પદાર્થ પર મારી નજર અટકી પડી હતી. ઘણાં પ્રશ્નોનાં જવાબ હજી ન હતા મળતા ત્યાં આ એક વધુ પ્રશ્ન મારી સામે આવી ગયો હતો. મારી નજર મારી મા ના ચહેરા પર પડી તે કશુંય બોલ્યા વગર સુન્ન થઇને પડી હતી. માત્ર સ્તબ્ધ શરીર અને ચહેરે તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. મારા કાકી તેની બાજુમાં બેસીને તેને સાંત્વના આપતા હતા. મારા કાકા અને મારા કઝીન ભાઈઓ પેલાં કાળા કોલસા જેવા પથ્થર જેવા પદાર્થની નજીક માથે હાથ દઈને બેઠાં હતા..’

ઓટલા પર સ્તબ્ધ બેઠેલી મારી મા આગળ બેસીને

મેં પૂછ્યું ‘મા કેમ રડે છે અને પિતાજી ક્યાં છે ?’

‘તેણે મને કશુંય કીધું નહિ..’

‘મેં ફરી પૂછ્યું...’

‘તે ફરી કશુંય બોલી નહિ.’

‘મેં તેને તેની હડપચીથી હલાવી ને મોટે થી પૂછ્યું મા....મા.. ‘તને પૂછું છું જવાબ તો આપ પિતાજી ક્યાં છે ?’

‘તેની આંખોમાંથી વહેતી આંસુઓની ધારામાં વધારો થયો..વિખરાયેલા વાળ સાથે, પોતાના માથે ઓઢેલા સાડલાને સંભાળતા સંભાળતા ધીમે પગલે ઉભી થઇ અને પેલા કાળા પદાર્થ જોડે બેસીને હીબકાં ભરીને રડવા લાગી.. ક્યાંક આછું પાતળું મને સમજ આવતું હોય એવું કઈક હું અનુભવી રહી હતી..હું પણ તે તરફ થોડી આગળ વધી’

‘મારી મા નાં ખભે મેં હાથ મુક્યો પેલાં કાળા પથ્થર જેવા પદાર્થ આગળ હું સુન્ન થઇને બેસી ગઈ. મારા કઝીન ભાઈએ મારા ખભે હાથ મુક્યો. એ કાળા કોલસા જેવો પદાર્થ બીજું કોઈ નહિ...સજીવમાંથી સાવ નિર્જીવ બની ગયેલ મારા પિતાજીનું શબ હતું. હા મારા પિતાજી હતા..એ જે કેમિકલ કંપનીમાં કામ કરતા હતા ત્યાં એ જ દિવસે સવારે બોઈલર બ્લાસ્ટ થયો હતો.. હું એજ બ્લાસ્ટની વાત કરી રહી છું જે ૨૦૦૬માં થયો હતો અને સુરેન્દ્રનગર જીલ્લાનો કોઈ કંપનીમાં થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો બોઈલર બ્લાસ્ટ હતો. એવો બ્લાસ્ટ જેણે મારા પિતાજી સાથે અનેક નાનાં મોટા લોકોનો જીવ લઇ લીધો હતો. મારા પિતાજીના શરીરની ચામડી એટલી હદ સુધી બળીને ખાખ થઇ ગઈ હતી કે હું એ દિવસે તેમને ઓળખી શકું એટલી સમર્થ ન હતી. તેમનું શરીર કપડાં સહીત, ચામડી સાથે કાળું કોલસા જેવું થઇ ગયું હતું. જે બાપે મને નાનપણથી મોટી થઇ ત્યાં સુધી મારી આંખમાં આંસુ ન હતું આવવા દીધું...આજે તેનું શબ જોઇને આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી.. આછાં દેખાતા દ્રશ્યમાં આજુબાજુ શેરીના લોકો અને સગા વ્હાલા પણ નજરે પડતા હતા..દુરથી બે લોકો ઠાઠડી લઈને આવતાં મને દેખાતા હતા... તે લોકો પોતાના ઠાઠડી બાંધાવાના અનુભવને કામે લગાડશે. હમણાં એ ઠાઠડીમાં અંતિમ ક્ષણે હું નાં જોઈ શકી એવા મારા પિતાજીનાં દેહને કપડાંમાં વીંટાળી લેશે. તેના પર અબીલ ગુલાલનો છાંટ થશે..દુર રહેલા ટાવરમાં પડતા ૫ વાગ્યાનાં ૫ ડંકા કહી આપતાં હતાં કે સમય અટકતો નથી, ચાલતો જાય છે..માણસ પણ અટકતો નથી બસ તેને પણ ચાલવાનું છે પહેલાં પોતાના પગે અને અંતે ચાર લોકોનાં પગે...’

‘દુર એક ગાડી આવી..મોંઘી દાટ ગાડી..’

‘મેં મારા મા નાં ખભે હાથ મુક્યો અને કહ્યું ‘મા’..

‘તે પેલા શબને જોઈ રહી હતી..કશુંય બોલતી ન હતી..આજે બોલવા ન હતી માંગતી..રડવા માંગતી હતી..તેના સુહાગ..તેના પતિની યાદમાં...તેણે પહેલા મને જવાબ નાં આપ્યો..

‘મેં ફરી કહ્યું મા’..કેમિકલ કંપનીના શેઠ આવ્યા છે..

‘તે ઉભી થઇ...તેનો સાડલો સરખો કર્યો’...

’શેઠને નમસ્કાર કર્યા’..

તેના બંને જોડાયેલા હાથ અને આંખો પરથી તેની વ્યથાનો ખ્યાલ આવતો હતો..

‘મને પણ ખબર ન હતી કે હું તેને સંભાળીશ કે તે મને..’

‘શેઠે પિતાજીના કામની નિષ્ઠાના વખાણ કર્યા..’

‘પણ હવે શું ?’ હું એવું વિચારી રહી હતી..

‘શેઠે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા મૃતકોના પરિવારને ૫ લાખની રકમ આપવાનું નક્કી થયું છે અને ૩ લાખ કેમિકલ કંપની પણ આપશે..’

‘જી..ઠીક છે..’ મા બોલી..!!

‘પૈસાથી ક્યાં કોઈ ગયેલું સ્વજન પાછું મળે છે..’ એવો વિચાર મારા મનમાં ઉઠી નીકળ્યો.. અને આ વિચાર સાથે મારી મગજ ખંડમાં ભરાયેલા વિચાર ધક્કો મારીમારી આગળ આવી રહ્યા હતા.

‘મારા હાથની મસાલા વાડી ચા પી ને તે કંપની જવા અને હું સ્કુલ જવા નીકળતી.. તેમની મરુન રંગની શાલ, રવિવારનાં છાપામાં આવતી લઘુકથા જે હું તેમને વાંચી સંભળાવતી. તેમના પુસ્તકોનો કબાટ, નાની હતી ત્યારે પિતાજી સાયકલની આગલી સીટ પર મને બેસાડી લઇ જતા..અને મોટી થઇ પછી એમના બજાજ સ્કુટર પર આ ચિત્રો તરી આવ્યા ત્યારે થયું હવે ક્યાં આવું કઈ થશે ? હવે ક્યા હશે મારા પિતાજી?’

‘હવે હશે માત્ર અમારી યાદમાં, દિવાલો પર લાગેલા ફોટોમાં હશે, ઉજ્જડ થઇ ગયેલા દિવસોમાં ને સુન્ન થઇ ગયેલી રાત્રીમાં હશે.. મારી મા નાં કોરા કપાળમાં હશે..મારા ખાલી લાગતા હાથમાં હશે.. મારી અંદર ઉદભવેલા એકાંતનાં પ્રશ્નોમાં હશે.’

‘હશે ને ? કવિથ ?’ બોલતા બોલતા અચાનક કાવ્યા... ઝબકી ઉઠી..

‘હે..હું શું બોલી ઉઠી ?’

‘કેટલા વર્ષોથી જે કાવ્યાની અંદર હતું એ..સુકા થઇ ગયેલા આંસુ એ આજે ફરી ભીનાશ પકડી...મેં..એ ભીનાશને પોતાના હાથની આંગળીથી લુંછી..

‘ક્યારેય જીવનમાં કશુંય ટકતું નથી અને કશુંય અટકતું પણ નથી..ચાલી જાય છે જિંદગી..કોઈકની સાથે કોઈક ની વગર..બસ...’

**

ક્રિષાએ ડાયરી બંધ કરી..કશુંય અટકવાનું નથી કોઈનાં વગર..મારે પણ આગળ વધવાનું છે કોઈનાં વગર...!

બોઈલર બ્લાસ્ટમાં થયેલા કાવ્યાના પિતાજીના મૃત્યુ પછી શું વળાંક લીધો કાવ્યાના જીવને ? કેવી રીતે ધ્રાંગધ્રા છોડી પહોંચી અમદાવાદ ? અને આમદાવાદથી હાલ કવિથની હોસ્પીટલમાં ? કોનો સાથ મળશે કાવ્યાના બચપણને ? કે પછી ઠોકર ખાઈને જીવશે..કાવ્યા.. શું ઓસ્ટ્રેલિયા ગયેલા કવિથને તેના મકસદમાં મળશે સફળતા ? કે એવું કઈ બનશે કે જેથી ઓસ્ટ્રેલીયાથી તે પરત જ નહિ આવી શકે ? ક્રિષા ભૂલીને આગળ વધશે કે પછી તે કાવ્યાને મળશે ? મળીએ અનેક પ્રશ્નોનાં જવાબ લઈને આવતા અંકમાં...


**
'તમારાં અભિપ્રાયો અચૂક આપતાં રહો...જે મારાં માટે ટોનિકનું કામ કરશે..! જય શ્રી ક્રિશ્ના..!'
**

લેખકનાં દિલની વાત:

દુનિયા કોઈના વગર અટકતી નથી પણ તેની ખોટ જિંદગીભર સાલે છે..!!