K Makes Confusion Kavy thi kavya sudhi ni safar - 2 books and stories free download online pdf in Gujarati

K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - ૨

પ્રકરણ ૧માં જોયું કે..

વિવાનનાં લગ્નમાં વર્ષો પછી ક્રિષા અને કવિથનો ભેટો થાય છે અને ક્રિષા કવિથ પર વર્ષો સુધી ભરેલો ગુસ્સો ઉતારે છે..અને બીજા દિવસે મળવાનો વાયદો કરે છે કવિથ પોતાના ઘરે આવે છે અને ડાયરી ખોલીને ભૂતકાળમાં સરી પડે છે..

પ્રકરણ ૨

આજે એ દિવસ હતો જે દિવસે કવિથે બારડોલી છોડીને પોતાની કારકિર્દી માટે અમદાવાદને પસંદ કર્યું. બારડોલી તાલુકો છોડીને એક મધ્યમવર્ગી ઘરનો મહેનતી છોકરો એશિયાની સૌથી મોટી ગણાતી અને ૧૨ સાયન્સ બી ગ્રુપનાં વિદ્યાર્થી માટે મક્કા મદીના ગણાતી મેટ્રોસિટી અમદાવાદની ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાં પ્રવેશ લે છે. કવિથે 12 સાયન્સ બી ગ્રુપમાં બારડોલી તાલુકાનાં સુરત જીલ્લામાં સેન્ટર રેન્ક મેળવ્યો હોય છે એટલે અમદાવાદની ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવો તેના માટે આસાન હતો...!!! બારડોલી તાલુકાના નગરપાલિકામાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ, આમ જોવા જાવ તો સરકારી કર્મચારીની અડધી જિંદગી બેન્ક લોનમાં પતી જતી હોય છે, એમાં પોતાના છોકરાને સાયન્સ વિષય સાથે ૧૨મું ધોરણ પાસ કરાવવું અને મોંધી દાટ સ્કુલ અને ટ્યુશનની ફી ભરી ભરી પોતાની જાતને ઘસી નાખવી એ કોઈ નાની સુની સ્ટ્રગલ નથી. જોકે આવી સ્ટ્રગલમાં ઘણાબધા મા- બાપની જેમ પ્રવીણભાઈ પણ પાસ થયા હતા. હાઉસવાઈફ તરીકે પોતાના ઘરની જવાબદારી ઉત્તમ રીતે સંભાળી રમીલા બહેને પ્રવીણભાઈનો અનોખો સાથ આપ્યો હતો. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પોતાના છોકરાને એકલો મૂકતાં આજે ગર્વશીલ મા – બાપ ડરી રહ્યા હતા. મેડીકલ કોલેજમાં પ્રવેશ મળતાં જેટલાં ખુશ હતા એટલા જ તેઓ ગમગીન હતા, પોતાના એક ને એક દીકરાને પોતાના ઘરથી ૧૭ - ૧૮ વર્ષ પછી દુર કરતાં કયા મા-બાપ ચિંતાતુર નાં હોય ?

‘જો કવિથ બેટા, રોજે ફોન કરતો રહેજે, ખાવાનું ટાઇમસર ખાઈ લેજે, તારા શરીરનું ધ્યાન રાખજે, ભણવાનું તો રોજ હોય પણ ભણવાની લાઈમાં ભાણાને ભૂલી ના જતો. આ અમદાવાદ છે અને અમદાવાદમાં છેતરાઈ નાં જાય તેનું ખાસ ધ્યાન રાખજે, કઈ હોય તો તરત અમને ફોન કરજે, દોસ્તો બનાવવામાં ધ્યાન રાખજે, ખરાબ સંગતમાં નાં આવી જાય તેનું ધ્યાન રાખજે, આ હવે કોલેજ લાઈફ કહેવાય, કોલેજ લાઈફનાં રંગે રંગાઈ નાં જતો, કોઈ પણ પ્રકારના વ્યસનથી દુર રહેજે, ભગવાન તારા દરેક સપનાં પુરા કરે’ તેવા આશીર્વાદ આપતા અમદાવાદ મુકવા આવેલા રમીલા બહેનની આંખો ભીની થઇ ગઈ.

આખી જિંદગી પોતાના દીકરાના સપનાં પુરા કરવા રાત - દિવસ મહેનત કરનારો એ બાપ પોતાના દીકરાને સલાહનાં રૂપે તો કશુંય કહે તો ન હતો પણ પોતાના દિકરાને એકલો મુકતા આ કઠણ કાળજું આજે ઢીલું પડી ગયું હતું

પ્રવિણભાઈ એ એટલું કીધું કે ‘મુંઝાતો નહી દીકરા જિંદગીના કોઈ પણ તબ્બકે આ તારો બાપ બેઠો છે, ક્યાંય અટકે તો ફોન કરજે ગમે તેવી મુશ્કલીમાં પણ રસ્તો મળી જશે. માણસની જિંદગીમાં એક વસ્તુ બે વાર બને છે એક વાર સપનાં માં અને બીજી વાર હકીકતમાં આ હવે તે જોયેલા સપનાંને હકીકતમાં ફેરવવાનો સમય છે.’ આટલું બોલતાં બોલતાં પ્રવીણભાઈ કવિથને ભેટી પડ્યાં.

એક મા - બાપ તરીકે તેમની ચિંતા યોગ્ય હતી પણ કવિથને તેના ઘરેથી દુર રહેવું પડશે તેનો બિલકુલ અફસોસ ન હતો. તેણે તો મહેનત એટલા માટે કરી હતી કે તે તેની કારકિર્દી અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં બનાવી શકે. ગુજરાતના કર્ણાવતીનગર એવા અમદાવાદમાં પોતાનું નામ કરી શકે, પોતાના અસ્તિત્વને લોકો સામે પ્રસ્થાપિત કરી શકે. તે આવા નાની નાની વાતથી કે ઘરથી દુર રહેવાથી બિલકુલ ડરી જાય કે હતાશ થઇ જાય તેમ ન હતો. પોતાની અંદર એટલો આત્મવિશ્વાસ રાખીને જીવતો હતો કે જીવનનાં કોઈ પણ મુશ્કેલી ભર્યા રસ્તા પર તે એકલો ચાલી શકશે. અમદાવાદ જેવા સિટીમાં તે છેતરાય તેમ ન હતો લોકોને છેતરી શકે તેવો ચપળ અને ચાલાક હતો. કવિથને અમદાવાદમાં હોસ્ટેલમાં મુકીને રમીલાબહેન અને પ્રવીણભાઈ ભારે હૈયે ત્યાંથી બારડોલી જવા માટે રવાના થયા અને કવિથ નામનું પંખી એ આકાશ સમાન અમદાવાદનું સ્વતંત્ર પંખી બની ગયું.

આજનો આખો દિવસ કવિથને હોસ્ટેલમાં તેનો સામાન ગોઠવવામાં ગયો, તથા નાનો નાનો સામાન જે બજારમાંથી લાવવાનો હતો તે લઇ આવ્યો. કાલે તેનો કોલેજ લાઈફનો પહેલો દિવસ હતો તેના રૂમમેટ્સમાં વિવાન પટેલ અને ફેનિલ ગાંધી હતા. બંને જણા પોત પોતાના જીલ્લાના ટોપર હતા એટલે કવીથને રૂમમેટ્સની બાબતમાં કોઈ ચિંતા ન હતી. તે એ જાણીને ખુશ હતો કે તેના રૂમમેટ્સ પણ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટસ જ છે.

જોકે, વિવાન એ એક ભાવનગરનાં બીઝનેસમેનનો એકનો એક દિકરો હતો એટલે, તે પૈસાદાર ઘરમાંથી આવતો હતો તેથી હોસ્ટેલમાં તે મોંઘો સ્માર્ટ ફોન, લેપટોપ, પોતાની કાર બધું જ ભાવનગરથી લઈને આવ્યો હતો.

કવિથ અને વિવાન મોર્ડન યુગનાં મોર્ડન છોકરોઓ હતાં. વિવાનની પર્સનાલીટી તેના પૈસાના જોરે કુદતી હતી. તેણે વેકેશન ટાઈમમાં જિમમાં જઈને તેની બોડીને કોઈ બોલીવુડ ફિલ્મનાં હીરો સમાન બનાવી હતી, વિવાનની હાઈટ, બોડી અને તેનો ચહેરો જોઈ કોઈ પણ છોકરી તેના પર ફિદા થઇ જ જાય તેવી હતી. જ્યારે કવિથ તેની સાપેક્ષે વધુ ડેશિંગ, હેન્ડસમ અને ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ હતો. ગોરો વાન, આછી આવેલી તેની બીઅર્ડ, માપસરનો શરીર બાંધો, તેની હાઈટ અને ગોરા ચેહરા પર તેના કાળા ભૂરા રંગના વાળ તેની હેન્ડસમનેસમાં વધારો કરતા હતા. જયારે કોઈની સાથે વાત કરે તો સામેવાળી વ્યક્તિને તેની સમક્ષ તેની વાતોમાં આકર્ષી નાખવાની એક અદભૂત કેન્દ્રગામી શક્તિ કવિથ ધરાવતો હતો. તેની વાત કરવાની આવડત અને પોતાની જાતને લોકો સામે પ્રસ્તુત કરવાની ખુબી સામે કોઈ ટકી શકે એવું ન હતું. પ્રાચીન રાજકુમારોનો તે મોર્ડન અવતાર હતો તેના ચેહરા પરનું તેજ, પોતાની પરનો આત્મવિશ્વાસ અને પોતાની જાતને ચાહવાની ખુબીઓ તેના વ્યક્તિત્વને ડાયનેમિક બનાવતી હતી. સાયન્સ જેટલું તે ઘોળીને પી ગયો હતો તેટલું જ માન તેને ગુજરાતી સાહિત્ય પ્રત્યે પણ હતું. તે ડિગ્રીથી ડોક્ટર બનવા જઈ રહ્યો હતો અને દિલથી કવિ હતો જેને કવિથનો સમાનાર્થી કહી શકાય. તેને પોતાના દરેક પ્રસંગને કવિતા સ્વરૂપમાં કેદ કરવાની એક વિચિત્ર અને અનોખી આદત હતી. નાનપણથી જ વાંચવાના શોખને કારણે તેનું વ્યક્તિત્વ અને તેની બુધ્ધિક્ષમતા અન્ય લોકોથી થોડું અલગ તરી આવતું હતું.

બીજા દિવસની સવારથી અમદાવાદ ગવર્મેન્ટ કોલેજમાં કવિથની ડોક્ટર બનવાની જિંદગીની શરૂવાત થઇ અને થોડા દિવસો સામાન્ય રીતે વીત્યા પછી જ્યારે કવિથ, વિવાન અને ફેનિલ સાથે કોલેજ કેન્ટીનમાં બેઠો હતો ત્યારે ત્યાં તેમના સિનિયર્સ દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. વિવાનએ તો બંને ને પૂછ્યા વગર જ ફ્રેશર્સ પાર્ટીના પાસ લઇ લીધા હતા અને કવિથ અને ફેનિલને જણાવી દીધું કે

‘આપણે બધા એ મારી કાર લઈને આજ સાંજે ફ્રેશર્સ પાર્ટીમાં જવાનું છે.’

ત્રણેયની એક્ષાઇટમેંટનો પાર ન હતો કોલેજમાં આવ્યા પછી આ એમના માટે પહેલી એવી પાર્ટી હતી. જેમાં લગભગ તેઓ તેમના બધા જ કલાસમેટસને અને સીનીયર્સને મળી શકશે અને એકબીજાને જાણી શકશે.

કવિથ, ફેનિલ અને વિવાન, વિવાનની કાર લઈને ફ્રેશર્સ પાર્ટીમાં જવા નીકળ્યા. અમદાવાદના ઇસ્કોન નજીક આવેલા દેવઆર્ક મોલમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના લગભગ સાત વાગ્યા હતા. વિવાનની ગાડીને બેઝમેન્ટમાં પાર્ક કરીને ત્રણેય જણા પાર્ટી વેન્યુ પર પહોંચી ગયા. આખો પાર્ટી હોલ એ વાઈટ અને રેડ કલરની થીમથી ડીઝાઈન કરવામાં આવ્યો હતો. છોકરાઓ બધા જ વાઈટ શર્ટ અને બ્લયુ જીન્સમાં સજ્જ હતા જયારે છોકરીઓની ખુબસુરતી એ રેડ કલરમાં પ્રકાશિત થતી હતી. રોકિંગ મ્યુઝીકથી આખો હોલ ગુંજી રહ્યો હતો. ડિસ્કો લાઈટ્સ હોલની અને પાર્ટીની હોટનેસમાં વધારો કરી રહી હતી. કોલેજ લાઈફમાં પ્રવેશેલા આ બધા જ બચ્ચાઓને પહેલીવાર રોમાંચિત નાઈટનો અનુભવ થતો હતો. જે ખુબસુરત કોલેજ લાઈફનો ચસ્કો મગજ પર રાખીને કોલેજમાં આવ્યા હતા તે આજે નજરો નજર જોઈ રહ્યા હતા. બધા છોકરાઓ તેમની બેચમાં રહેલી એ ખુબસુરત અપ્સરાઓનાં આજે એક સાથે દર્શન કરી રહ્યા હતા અને છોકરીઓ પણ ડેસિંગ પર્સનાલિટીની શોધ કરી રહી હતી. કોઈ હીરોને રીઝવવા માટે આજે રેડ કલરમાં છોકરીઓ તેમની રોજિંદી જિંદગી કરતાં વધુ સેક્સી લાગી રહી હતી. તેમના યૌવનમાંથી એક આલ્હાદક ખુશ્બુ આવી રહી હતી. રોમાંચિત સોંગ, મ્યુઝીક, લાઈટ્સ, છોકરાઓ અને છોકરીઓની હોટનેસનું સંયોજન એ વાતાવરણને કૌતુકપ્રિય બનાવતું હતું. બધા ફ્રેશર્સ આજે મનમુકીને નાચ્યા હતા. વિવાન, ફેનિલ અને કવિથએ ડાન્સનું એક સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું અને તેના પરિણામે ઓડીયન્સની ચિચ્યારીઓએ તેમને વધાવી લીધા હતા. પાર્ટીના અંતે Mr. Fresher તરીકે કવિથ પટેલ અને Miss Fresher તરીકે ક્રિષા કંથારીયાની પસંદગી થઇ હતી. એ આલ્હાદક સાંજ પછી કવિથ, વિવાન અને ફેનિલ એકદમ ખુશ હતા.

‘કવિથ આજે તો તારી લોટરી લાગી ગઈ’ ફેનિલ એ કહ્યું.

‘કેમ ભાઈ લોટરી એટલે ? શું કેવાં માંગે છે, ફેન્યા હું Mr. Fresher ને લાયક નથી એમ?’

‘નાં, હવે એવું ક્યાં કીધું મેં ?, પણ જો ને યાર તું આજે centre of attraction હતો. આપણી કોલેજની દરેક ખુબસુરત છોકરીઓએ આજે તારો ચેહરો જોઈ લીધો.’

‘બે વિવાન આ ફેન્યાનું છટકી ગયું છે. આપણે જ્યારે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું ત્યારે ફેન્યાએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો ?’ કવિથની આ ટિપ્પણી સાંભળીને વિવાન અને કવિથ જોર જોરથી હસવા લાગ્યા અને સાથે ફેનિલ પણ.

‘પણ જે હોય એ આજે મજા બહુ આવી ગઈ. જીવનમાં પહેલી વાર આવી ખુબસુરત અને લિજ્જતમય સાંજનો અનુભવ કર્યો.’ કવિથએ કહ્યું.

‘હા સાચી વાત કવિથ.’ ગાડીમાં વાતો કરતાં કરતાં તે લોકોની હોસ્ટેલ આવી ગઈ અને વાતો કરતાં કરતાં તે સાંજનો ત્યાં જ અંત આવ્યો.

બીજા દિવસની સવારે વિવાન, ફેનિલ અને કવિથ કેન્ટીનમાં બેઠા બેઠા બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા ત્યાં જ પાછળથી અવાજ આવ્યો .

‘હેલ્લો, Mr. Fresher કેમ છો તમે?’ ‘કેન આઈ જોઈન યુ guys ?’ ક્રિષાએ પાછળથી કહ્યું.

‘યા યા ઓફકોર્સ Miss Fresher.’ કવિથએ ઉમેર્યું.

‘તમારા લોકોનું કાલનું સ્ટેજ પરફોર્મન્સ ઓસમ હતું.’

‘ થેન્ક્સ ક્રિષા’ ત્રણેયએ ક્રિષાનો આભાર માન્યો.

કવિથએ કહ્યું કે ‘આ ડાન્સનો કોરિયોગ્રાફર ફેનિલ હતો.’ કવિથએ વિવાન અને ફેનિલની ઓળખાણ કરાવી.

ક્રિષા એ કહ્યું કે ‘મારું પણ એક નાનકડું ગ્રુપ છે કોલેજમાં, જે લોકો આવતા જ હશે.’

થોડા સમયમાં મિત પટેલ અને શ્રુતિ ભટ્ટ ત્યાં આવી ગયા અને ક્રિષાએ તે બંનેનો ઈટ્રો આ ગ્રુપ સાથે કરાવ્યો. બધાની જીદને માન આપીને એ દિવસે ક્રિષા અને કવિથએ ભેગા થઈને તેમની Mr. Fresher & Miss Fresher બનવાની ખુશીમાં આખા ગ્રુપને પાર્ટી આપે છે.

‘આજે ક્રીશાએ વાઈટ કલરનું સ્લીવલેસ ટોપ અને બ્લયુ જીન્સનું શોર્ટ્સ પહેર્યું હતું. તેના ચહેરાની સ્નિગ્ધ ગોરી ત્વચા સાથે વાઈટ કલરના આ ટોપનું સંયોજન તેની ખુબસુરતીને ભવ્ય બનાવતું હતું. ક્રિષા એ અમદાવાદની અત્યંત આધુનિક મોર્ડન છોકરી હતી તેનું શરીર કમનીય અને લચકદાર હતું. તેનો ચહેરો હંમેશા તાજગી સભર અને ખીલેલો રહેતો હતો. તેના ગોરા ચહેરા પર લાલાશનો પ્રકાશ પથરાયેલો રહેતો હતો. તેની મોટી બદામ આકારની અને ભૂરા રંગની આંખો, લાંબી કાળી ઘેરી પાંપણો, ફૂલ જેવા અને ભરાવદાર કહી શકાય એવા હોઠ અને પાછી તેના પર લાલ રંગની લિપસ્ટિક અને બહુ શાંતિથી કુદરતે બનાવેલું તેનું સીધું અને સુંદર નાક, સિલ્કી સુંદર ખુલ્લા સ્ટ્રેટ કટિંગ વાળ, જ્યારે તે સ્માઈલ આપતી ત્યારે તેના ગાલ પર પડતાં ડિમ્પલસમાં નાં જાણે તેની સ્કુલના કેટલા છોકરાઓ તેમાં પડ્યા હશે. તેના શરીરના વળાંકોમાં એક આલ્હાદક લય હતો અને અદભૂત રીધમ હતી. તેનું આકર્ષક વક્ષસ્થળ, સપાટ પેટ અને એવી જ પાતળી તેની કમર તેના સ્તન યુગ્મને વધુ ઉન્નત અને ભરાવદાર બનાવતા હતા. તે જે ગ્રુપમાં સામેલ થઇ તેના લીધે નાં જાણે કેટકેટલા છોકરાના દિલો બળીને ખાખ થઇ ગયા હશે. ઘણાં છોકરાઓએ પહેલાં જ વીકમાં તેને પોતાના ગ્રુપમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું પણ ક્રીષાએ કવિથ, વિવાનની પર્સનાલીટી અને તે લોકોમાં જોયેલા ટેલેન્ટને લીધે તે ગ્રુપ સાથે જોડાવાનો પોતે નિર્ણય કર્યો હતો. આ રીતે તે દિવસથી ક્રિષા, શ્રુતિ અને મિત એ કવીથ, વિવાન અને ફેનિલના ગ્રુપમાં સામેલ થઇ ગયા અને અમદાવાદની ગવર્મેન્ટ કોલેજ ઓફ મેડિકલનું ફસ્ટ યરનું તે અનોખું અને સ્ટ્રોગ ગ્રુપ બની ગયું.

‘આઈ વોન્ટ કે આજના આ અનોખા દિવસે કવિથ તરફથી કોઈ મસ્ત કવિતા કાં તો ગઝલ થઇ જાય તો આ ટ્રીટનો નશો બમણો થઇ જશે.’ ટ્રીટ આપતાં કવિથ સામે વિવાનએ માંગણી કરી

તે દિવસથી દરેક ગ્રુપના લોકોને ખબર પડી કે કવિથ માં કવિ છુપાયેલો છે તે દિવસથી ક્રિષાએ અને તેના આખા ગ્રુપે કવિથને કવિ કહેવાનું ચાલુ કર્યું.

‘હાથ આપ્યો છે દોસ્તીમાં તો, સાથ હું નિભાવી જાણીશ’,

‘તમારી લાગણીઓને સ્વીકારી, હું મારી પોતાની કરી જાણીશ’

સવાર ઉગી છે નવી દોસ્તીનો પ્રકાશ લઈ ને ઉગવા દો તેને,

અંધકાર હશે ત્યારે હું આ દોસ્તીનું કિરણ ખુદ બની જાણીશ..!!

એટલી બધી ખુશી આપવા માંગું છું હું મારા દોસ્તોને ચાહકોને,

તમારા તમામ ગમને અગ્નિ બની હું પોતે સળગાવી જાણીશ..!!

કવીથની આ કવિતા સાંભળીને બધાં તાળીઓ પાડે છે,

‘વાહ કવિ વાહ...!!’ ક્રિષાએ કવિથને કહ્યું.

****************************

રાતનાં ૨ વાગ્યા હતા અને કવીથને કોઈ તેનો દરવાજો ખખડાવતું હોય એવું લાગી રહ્યું હતું,

‘સર રૂમ નંબર ૧૩ નાં દર્દીની તબિયત ખરાબ હોય એવું લાગી રહ્યું છે’.

કવિથ રૂમ નંબર ૧૩ સાંભળીને સફાળો બેઠો થઇ ગયો. રાતના ૨ વાગે તેના જીવનનાં જુના દિવસો યાદ કરતાં કરતાં તેની આંખો મિંચાઇ ગઈ હતી અને તે હેબતાઈ ગયો.

‘સર, રૂમ નંબર ૧૩ નાં દર્દીની તબિયત ખરાબ હોય એવું લાગી રહ્યું છે’ ‘ઉઠો સર.’ પલ્લવીએ દરવાજો ખખડાવ્યો. (પલ્લવી એ કવીથની હોસ્પિટલમાં કામ કરતી નર્સ હતી)

‘હા, પલ્લવીબેન આઆ....આવું.’ કવિથ તરત જ બેઠો થયો. એક ધબકાર ચુકી ગયો હોય એમ ગાંડાની જેમ મોઢું ધોયા વગર ફટાફટ દાદર ઉતરીને રૂમ નંબર ૧૩ તરફ ભાગ્યો.

“શું થયું અચાનક કવિથને ? એક ડોક્ટરને તો આવા કેસ રોજ આવતાં હોય છે તો રૂમ નંબર ૧૩ સાંભળીને અચાનક ગાંડાની જેમ દોડ્યો ? શું આ રૂમ નંબર ૧૩ માં કોઈ રહસ્ય છે ? કે પછી કવિથ તેના દરેક દર્દી માટે આટલો અને આવી રીતે જ સજાગ થઇ જાય છે, રાતે ઊંઘમાંથી અચાનક સફાળો બેઠો થઇ જાય છે ? જાણીએ આવતા અંકમાં..!

લેખકનાં દિલની વાત : પ્રેમ અને દોસ્તી એ આ દુનિયાની તાકાતવર દવા છે જેને પીવાથી અને પચાવાથી માણસ મનથી સ્વસ્થ રહે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED