Pentagon - 13 books and stories free download online pdf in Gujarati

પેન્ટાગોન - ૧૩

પ્રોફેસર નાગ અને હેરી સાથે થોડી વાતો કરી, ભય લાગે એવું ભયંકર બળેલા ચહેરા વાળી યુવતીનું દૃશ્ય જોઈને બધા એમના ઓરડામાં સુવા ગયા ત્યારે આવતી કાલે શું થશે એ જાણવા આતુર હતા. એ રાત્રે શિયાળની લારી, કૂતરાના ભસવાનો અવાજ અને જીવડાઓની રાતભર ચાલું રહેતી ગુંજન સિવાય બીજી કોઈ ખાસ ઘટના ન હતી ઘટી.

સવારે બધા વહેલા ઊઠીને તૈયાર થઈ નીચે આવ્યા ત્યારે પ્રોફેસર નાગ અને હેરી મોર્નિંગ વોક માટે બહાર ગયેલા હતા. રઘુ રસોડામાં નાસ્તાની તૈયારી કરી રહ્યો હતો. સના મોબાઈલમાં જોઈ રહી હતી. ચારે ભાઈબંધ સનાની સામેની ચાર ખાલી ખુરશીમાં ગોઠવાયા.

“આજે ગરમી વધારે હોય એવું લાગે છે." સાગરે કહ્યું અને પાણીનો ગ્લાસ ઉઠાવ્યો.

“અરે યાર મારે ચિલ્ડ વૉટર જોઈએ છે." એક ઘૂંટડો પાણી પી સાગરે ગ્લાસ પાછો મૂક્યો અને ઠંડુ પાણી લેવા રઘુને બૂમ પડ્યા સિવાય પોતે જ ઊઠીને રસોડા તરફ ગયો.

રઘુ અવળો ફરીને ચા ગાળી રહ્યો હતો. સાગરે એક બાજુએ પડેલું ફ્રિઝ જોયું અને ત્યાં જઈને ફ્રિઝનો દરવાજો ખોલ્યો, દરવાજો ખોલતા જ એના મોઢામાંથી રાડ નીકળી ગઈ...

ફ્રિઝની અંદર પ્રોફેસર નાગ અને હેરીના કપાયેલા માથા પડેલા હતા, જે સાગર સામે જોઈ હસી રહ્યા હતા.

“શું થયું?"

કબીર, રવિ અને સન્ની ત્રણે રસોડામાં ભાગ્યા અને સાગરને બધાએ સાથે જ પૂછ્યું.

કંઇ બોલ્યા વગર સાગરે ફ્રીઝ તરફ આંગળી ચીંધી. એ ત્રણેની આંખો પણ અંદરનું દ્રશ્ય જોઈ ફાટીને ફાટી જ રહી ગઈ.

“ગુડ મોર્નિંગ પ્રોફેસર! હે હેરી!"

સનાનો અવાજ સાંભળી બધા ચોંક્યા હતા. સામેથી પ્રોફેસર અને હેરીનો અવાજ સાંભળી વધારે ચોંક્યા અને ફરી ફ્રિઝામાં નજર કરી. હજી અંદર પડેલા બંને માથા એમની સામે જોઈ હસી રહ્યા હતા.

“કાંય જોઈએ છે માલિક?" રઘુએ કહ્યું ફ્રિઝ પાસે આવીને ઊભો રહ્યો. કોઈએ કંઈ જવાબ તો ના આપ્યો પણ વચ્ચેથી ખસી ગયા. રઘુએ હેરીનું માથું ઉઠાવ્યું અને એને એક પ્લેટમાં મૂકીને ચાલવા લાગ્યો

“આ શું કરે છે બે!" સન્નીએ કહ્યું.

ચારે જણાં એમની જગ્યાએ પાછા આવ્યા અને ખુરશીમાં ગોઠવાયા. બધાની નજર એમની સામે બેસીને નાસ્તો કરી રહેલા પ્રોફેસર નાગ અને હેરી ઉપર જ હતી. રઘુ એક પ્લેટમાં તરબુઝ ટુકડા કાપીને લઈ આવ્યા અને એને બધાની વચ્ચે ટેબલ ઉપર મૂકી.

“આ એ હાલ લઈને ગયો તો એના ટુકડા કરીને લાવ્યો!" સન્નીએ કહ્યું અને બાકીના ત્રણેય ચૂપ ચાપ એની સામે જોઈ રહ્યા.

“તમે લેશો?" હેરીએ તરબૂઝની પ્લેટ ઉઠાવતા પૂછ્યું અને ચારે જણાએ એકબીજાની સામે જોઈ નકારમાં ડોકું ધુણાવ્યું.

બધાની સામે ચાના કપ અને પરાઠા મુકાઈ ગયેલા. સન્નીને એની ચાના કપમાં રાત વાળી બળેલા ચહેરા વાળી યુવતી દેખાઈ અને એ ચા સામે જોઈ બેસી રહ્યો હતો.

“શું થયું તું ચા કેમ નથી પી રહ્યો?" હેરીએ પૂછ્યું.

“ચાના કપમાં..." સન્ની આટલું બોલ્યો અને એ ભયાનક ચહેરો ગાયબ થઈ ગયો એટલે એ ચૂપ થઈ ગયો.

“એ બધા ભ્રમ છે. તમે જેમ ડરશો એમ વધારે વિચિત્ર વસ્તુઓ જોવા મળશે. અહીં હાજર આત્મા એની હાજરી પુરાવવા પ્રયત્ન કરશે જ પણ આપણે એનાથી બીવાનું નથી, એનો મુકાબલો કરવાનો છે." પ્રોફેસર નાગે તરબુઝનો એક ટુકડો મોઢામાં મૂકતા કહ્યું, “આપણે કબીરને પેલી છોકરી દેખાય અને ફરી એની સાથે વાત કરે ત્યાં સુધી રાહ જોવી પડશે."

બધાનું ધ્યાન કબીર તરફ હતું. કબીરને બધું થોડું અકળાવનારૂ લાગી રહેલું પણ એનેય ફરીથી પેલી છોકરીને મળવાની, એને જોવાની ઈચ્છા જોર કરી રહી હતી. બપોરનું ભોજન પત્યા બાદ બધાએ સાથે મળીને મહેલ જોયો. એક એક ઓરડો સારી રીતે જોવાયો. ઠેર ઠેર લાગેલા જાનવરોના મૃત શરીરના પૂતળા અને બહુમૂલ્ય ચિત્રો ભવ્ય લગતા હતા. એક ચિત્ર આગળ આવીને પ્રોફેસર અટક્યા હતા.

ઘેરદાર ઘાઘરા અને ઓઢણીમાં શોભી રહેલી સ્ત્રી વલોણું વલોવી રહી હતી. એક પળ માટે પ્રોફેસરને ત્યાંથી વલોણાંનો અવાજ આવેલો, એ વલોણું જાણે સાચેસાચ ફરી રહ્યું હતું. એમાંની સ્ત્રી હસી ન હતી રહી પણ એના ચહેરા પર પ્રસન્નતા હતી. એણે પહેરેલા સોનાચાંદીના આભૂષણ ચમકી રહ્યા હતા. એના હાથની બંગડીઓની મીઠી ખનખન અનુભવી શકાતી હતી.

“શું થયું પ્રોફેસર? કેમ ઊભા રહી ગયા?" કબીરે પ્રોફેસર પાસે આવીને પૂછ્યું.

“આ ચિત્રમાં કંઇક ખાસ છે, આપણે એને અનુભવી શકીએ છીએ પણ જોઈ નથી શકતા."

“હમમ...આ મહેલમાં એવું ઘણું છે!" કબીર સહેજ હસ્યો હતો. જ્યારથી આ મહેલમાં પગ મૂક્યો ત્યારથી કબીર આ જ વાત કહેવા પ્રયત્ન કરી રહેલો પણ કોઈને સમજાવી ન હતો શકતો! એને પ્રોફેસરની વાત સાંભળી સારું લાગ્યું.

લગભગ બધી જગ્યાએ ફરી લીધા બાદ, સનાએ ગોઠવેલાં લોકોને ડરવવવા માટેના સાધનો પણ જોઈ લીધા બાદ બધા થાક્યા હતા. સનાએ પ્રોફેસર સાથે કોઈક જૂની કોલેજની વાત ઉખેળી અને બીજા બધા કમને એ સાંભળી રહ્યા હતા. અચાનક રવિએ કહ્યું કે,

“કબીર...! પ્રોફેસર આ ચાલવા લાગ્યો! એણે નક્કી ફરી પેલી યુવતી જોઈ."

“એને જવા દો રોકવાનો નથી. આપણે એની પાછળ જઈશું." પ્રોફેસરે કહ્યું અને બધા કબીરની પાછળ પાછળ કૂવા સુધી પહોંચી ગયા.

“એ હવે કૂદી પડશે!" સાગરે પ્રોફેસર ના કાનમાં કહ્યું.

“કૂદી જવા દો." પ્રોફેસરે કહ્યું અને એ જ વખતે કબીર કૂવામાં કૂદી પડ્યો.

“બચાઓ... બચાઓ... રવિ, સાગર... કોઈ છે?"
પાણીમાં પડતાં જ કબીર ભાનમાં આવી ગયો અને બૂમો પાડવા લાગ્યો.

“કબીર તું કૂવામાં કેમ કૂદી પડ્યો?" પ્રોફેસરે પૂછ્યું.

“પેલી છોકરી આ પાણીમાં દેખાતી હતી. એની પાછળ,"

“એ છોકરી હવે ક્યાં ગઈ? કદાચ એ પાણીમાં જ છે કબીર અને એ તને બોલાવી રહી છે."

“હું શું કરું?"

“એક ઊંડો શ્વાસ લે અને પાણીમાં એક ડૂબકી લગાવ. ત્યાં કદાચ પાણીમાં એ યુવતી દેખાઈ જાય" પ્રોફેસરે કહ્યું અને હકારમાં માથુ હલાવી કબીરે ઊંડો શ્વાસ ખેંચ્યો અને પાણીમાં ઊંડી ડૂબકી લગાવી...

ઊંડે સુધી ડૂબકી લગાવી કબીરે પાણીમાં આંખો ખોલી અને ચારેબાજુ નજર કરી. કૂવામાં અંધારું હતું અને પાણી એટલું સાફ પણ ન હતું. કબીરને કંઈ દેખાતું ન હતું પણ અચાનક એની નજર સામે અજવાળું પથરાઈ ગયું અને કબીરના આશ્ચર્ય સાથે એ અજવાળામાં, એ દુધિયા પ્રકાશમાં કબીરને એ યુવતી દેખાઈ...

આ વખતે એણે સફેદ ડ્રેસ પહેર્યો હતો. એના કપડામાંથી પણ સફેદ અજવાળું પથરાઈ રહ્યું હતું. એ કબીર સામે જોઈ હસી રહી હતી. એની આંખોમાં નકરો પ્રેમ જ છલકાઈ રહ્યો હતો. કબીરને થયું મરવું પણ પડે તો મંજૂર પણ આ આંખો સામે જોવાનું બંધ નહિ કરું. એ યુવતીએ કબીર તરફ એનો હાથ લંબાવ્યો. એના હાથમાં કંઇક હતું. સ્ત્રીઓના આભૂષણ જેવું કશુંક. કબીરે એ ઘરેણું પોતાના હાથમાં લીધું અને પેલી યુવતીએ કહ્યું,

“તારામતી..."

કબીરે બોલવાનો પ્રયત્ન કર્યો પણ એના મોઢામાં પાણી જવા લાગ્યું અને એનાથી બોલાયું નહિ. ફરી શ્વાસ લેવા એ ઉપરની સપાટીએ આવ્યો. આ વખતે એક બીજું આશ્ચર્ય એની રાહ જોઈ રહ્યું હતું. કૂવાનું પાણી વધી રહ્યું હતું અને છેક ઉપર સુધી કૂવો ભરાઈ ગયો હતો. આ વખતે કબીરને બહાર નીકળવા કોઈની મદદની જરૂર ન હતી! એ જાતે જ બહાર આવી ગયો અને એના હાથમાં પકડેલ ઘરેણું પ્રોફેસર સામે ધરી કહ્યું,

“તારામતી!"

ક્રમશ....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED