Discovery - the story of rebirth - 13 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૩

‘મૈસુરુમાં આપણે શું કરીશું?’, નીરજે શ્વેતાની સામે જોયું.

નીરજ અને શ્વેતા, એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર બેંગલોરની ફ્લાઇટની પ્રતીક્ષામાં ટર્મિનલના ડાબી તરફના ખૂણામાં આવેલ કોફી સ્ટોરમાં બેઠેલા. નીરજે તેની પસંદીદા અમેરીકન કોફી અને શ્વેતાએ બ્લેક કોફી લીધેલી. બે જણા જ બેસી શકે તેવા ટેબલની ગોઠવણ કરેલી ત્યાં જ તેઓએ બેસવા માટેની પસંદગી ઉતારેલી.

‘ત્યાં જઇને જણાવીશ?’, શ્વેતાએ કોફીનો પ્યાલો ઉઠાવ્યો.

‘ના, આ વખતે મારે જાણવું છે…’, નીરજે શ્વેતાના હાથમાંથી પ્યાલો ઝૂંટવીને પાછો ટેબલ પર મૂક્યો, ‘અહીં આટલી ભાગદોડ, મારઝૂડ થઇ તો પણ મેં કોઇ દિવસ પૂછ્યું નથી કે આ બધું શા માટે? ફક્ત તારા માટે મેં મારા મિત્રને પણ દગો દીધો. મને હક છે એ જાણવાનો કે આટલી બધી ક્રિયાઓ શા માટે કરીએ છીએ?’,

શ્વેતાએ કોઇ જવાબ આપ્યો નહિ. ફરીથી કોફીનો પ્યાલો ઉઠાવી કોફીની મજા માણવા લાગી. નીરજ તેની સામે ઘૂરવા લાગ્યો. આખરે શ્વેતા એવું તો શું જાણતી હતી?

નીરજ થોડે ગુસ્સે થયો, ‘અહીંથી આગળનું કામ તું જાતે જ પૂરૂ પાડજે. મારા કોઇ સહકારની આશા રાખીશ નહિ.’

શ્વેતાએ નીરજનો હાથ પકડી રોક્યો અને બેસવાનો ઇશારો કર્યો, ‘જો નીરજ, તું જે જાણવા માંગે છે, તે મારા છેલ્લાં પાંચ વર્ષની સાધના છે. ઘણી બધી તકલીફો ભોગવી, ઘણી બધી મુશ્કેલીઓ સામે લડી, ઘણા બધા સંબંધોથી વિખૂટી પડી...અને...અને... આજે જ્યારે હું મારી સાધનાનું ફળ મેળવવા જઇ રહી છું, ત્યારે તું આમ કેવી રીતે જઇ શકે?’

‘હવે સફળતા નજીક છે, તો મને જણાવવામાં શું વાંધો છે?’, નીરજ હાથ છોડાવી બેસી ગયો. ‘જો હઠ કરવાનો હક અમારો એટલે કે સ્ત્રીઓનો અને બાળકોનો છે, અને શોભે પણ ખરી. તારા જેવા બાહોશ પુરૂષો હઠ કરતા સારા ના લાગે.’, શ્વેતા હસવા લાગી.

‘તો હું બાળક જ છું, હવે જણાવ...’

‘તો, તું નહિ માને.’

‘હા... હા... હા... નહિ માનું.’

‘તો, સાંભળ...’, શ્વેતાએ કોફીનો એક ઘૂંટ ઉતાર્યો, ‘મને બાળપણથી જ ઇતિહાસમાં ઘણી રુચિ છે. રાજાઓ, રાણીઓ, ભવ્ય મહેલો, વિવિધ પ્રકારની યુદ્ધકળાઓ, રાજનીતિ, અને સૌથી મહત્વ ધરાવતો વિષય એટલે તે જ રાજાઓનો છુપાયેલો ખજાનો. આજથી પાંચ વર્ષ પહેલાં કોલેજ, જ્યાં હું વિનયન પ્રવાહમાં ઇતિહાસનો અભ્યાસ કરતી હતી, તેના એક એસાઇનમેન્ટમાં મારા વિષય વ્યાખ્યાતાએ ટીપુ સુલતાન પર નોંધ બનાવવાનું જણાવેલું. પુસ્તકાલયના ખૂણેખૂણાનો અભ્યાસ કરી બનાવેલી નોંધમાં મને સંતોષ નહોતો. આથી પ્રાધ્યાપકની મંજૂરી મેળવી વધુ અભ્યાસ અર્થે હું મૈસુરુ ગઇ. સંપૂર્ણ માહિતી એકઠી કરી, નોંધમાં જરૂરી એવા સુધારાવધારા કરીને જમા કરાવી. તે વર્ષે હું હતી, યુનિવર્સીટીની ગોલ્ડ મેડાલીસ્ટ.’

‘મારો પ્રશ્ન ફરીથી એ જ છે કે, તો હવે ફરીથી મૈસુરુ કેમ જવાનું?’, નીરજ અકળાયો.

‘શાંત… કુંતીપૂત્ર…શાંત.’, શ્વેતા હસવા લાગી.

‘શાંતી જ તો નથી મળતી... બોલ હવે આગળ ફટાફટ’,

‘હું જ્યારે અભ્યાસ અર્થે મૈસુરુ ગઇ, ત્યારે મારી મુલાકાત એક કાકા જોડે થઇ. જે પુરાતત્વીય વિભાગ દ્વારા થતા ખોદકામની પ્રક્રીયા વખતે ઐતિહાસીક ચીજવસ્તુઓને નુકસાન ન પહોંચે તે અર્થે હંમેશા હાજર રહેતા હોય છે. તેઓ થકી મને જાણવા મળ્યું કે ટીપુ સુલતાનનો પણ એક અમૂલ્ય ખજાનો છે. જે મૈસુરુમાં જ ક્યાંક છે. પરંતુ જગા કોઇ પાકી કરી શક્યું નથી.’, શ્વેતાએ નીરજને થોડી માહિતી આપી.

‘આપણે ખજાનો શોધવા જઇએ છીએ. વાહ... અદ્દભૂત…’, નીરજે જોરથી તાળી પાડી અને આસપાસ બેઠેલા મુસાફરો તેમની સામે જોવા લાગ્યા.

‘શું કરે છે? બેસી જા.’, શ્વેતા ગુસ્સે થઇ એટલે નીરજ બેસી ગયો, શ્વેતાએ વાત આગળ વધારી, ‘તે ખજાનો ક્યાં છે તેની માહિતી મેળવવા માટે મેં મારા જીવનના પાંચ વર્ષ આપી દીધા. એક દિવસ મેં ઇશાનને સ્ટેશન પર જોયો. તેનો ચહેરો આબેહુબ ટીપ સુલતાનને મળતો આવે છે. ઇશાનનું આ વાત પર ક્યારે ધ્યાન ગયું નથી. પરંતુ તેને જોતાં જ મને મૈસુરુ પેલેસમાં રાખેલા ભીંતચિત્રની યાદ આવતી, જેના પર ટીપુને કંડારવામાં આવેલ છે. ઇશાનનો ઇતિહાસ જાણવા મારે તેની નજીક જવું જરૂરી હતું. મુંબઇની રેલ્વેએ મારૂં આ કામ કરી દીધું. તે નવો હતો અને હું તેના માટે નવી હતી. બસ... યોજના બનાવી અને મૂકી, ઇશાન તો અજાણ હતો, તેણે સહજ સ્વીકારી અને મારૂં કામ થઇ ગયું.’

બેંગલોર પ્રસ્થાન કરવા જઇ રહેલા વિમાનની જાહેરાત થતાં શ્વેતાની વાત અટકી.

‘ચાલ હવે! આપણે જ બાકી છીએ.’, શ્વેતાએ તેનો સામાન ઉપાડ્યો.

‘પણ... વાત અધુરી છે હજુ...’, નીરજ તેની પાછળ પાછળ ચાલ્યો.

‘હા... હવે... પછી કયારેક...’

‘પણ ક્યારે?’

‘સમય જ્યારે રેતની માફક વહી ન રહ્યો હોય અને મુઠ્ઠી એટલી સખતાઇથી બંધ હોય કે રેતનો પણ શ્વાસ રૂંધાવા લાગે ત્યારે...’

*****

ઇશાન પરેશના ઘરે જ હતો. ઘડિયાળમાં સવારના સાતના ટકોરા વાગી રહેલા. ઇશાન વિચારોમાં ગરકાઇ ચૂકેલો. પરેશે તેની સામે જોયું, પણ ઇશાનનું ધ્યાન જ નહોતું. ઇશાન બને તેટલી ઝડપથી બની રહેલી ઘટનાઓનો તાળો મેળવવા માંગતો હતો.

‘ચાલ, હિરો...! ચા-નાસ્તા માટે આવી જા.’, પરેશે કીટલી ટીપોઇ પર મૂકતાં કહ્યું.

‘તમારો આભાર... પણ મને કોઇ ઇચ્છા નથી.’

‘જો ભાઇ! જ્યાં સુધી આ શરીર નામના યંત્રમાં બળતણરૂપી ખોરાક ન જાય ત્યાં સુધી તેના માટે સતત કામ કરવું અઘરૂ છે. એક દિવસ તો બધા વિભાગો બંધ થઇ જ જાય. એટલે કોઇ દિવસ ચા-નાસ્તા કે જમવાને નકારવા નહિ. મળતાં જ તૂટી પડવું.’, પરેશ સમજાવતા સમજાવતા અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

‘એવું નથી પરેશભાઇ…, પણ હમણાં જરા મારૂ મન તાળવે ચોંટતું જ નથી. વિચારોની વિશાળ પાંખોની મદદથી મન અંધકારમય ગગનમાં સૂરજના કિરણો થકી નીકળતા અજવાળાની શોધમાં દિશાહીન ગતિ કરી રહ્યું છે.’, ઇશાન છત પરના પંખાને જોઇ રહેલો.

‘વાહ... તું તો ભાઇ દેવદાસ પણ છે.’, પરેશે ફરી મજાક કરી.

‘દેવદાસ... પણ... એટલે તમે શું કહેવા માંગો છો? બીજો કોણ છું?’, ઇશાને શબ્દો પકડ્યા.

‘અરે... હું તો મજાક કરૂં છું. તું યોદ્ધા છે, ચપળ છે, ચતુર છે, એમ જ દેવદાસ પણ છે...’, પરેશે વાત વાળવાનો પ્રયાસ કર્યો.

‘તો પછી. તમે મારાથી આંખો કેમ ચોરી રહ્યા છો? તમે શું જાણો છો, જેની મને પણ જાણ હોવી જોઇએ?’, ઇશાન ખુરશી પરથી ઉઠ્યો અને પરેશની નજીક આવ્યો.

‘એવું કંઇ નથી...’

‘ના! કંઇક તો છે જ...’

‘ઠીક છે. બેસ. ચાનો કપ લે.’, પરેશે ઇશાનના ખભા પર જોર આપી બેસાડ્યો.

‘હવે બોલો...’

‘હા...ભાઇ...! પાંચ વર્ષ પહેલાં મેં મૈસુરુમાં ટીપુ સુલતાનના જીવન પર ઘણો અભ્યાસ કર્યો. મને જાણવા મળ્યું કે ટીપુએ તેનો કિંમતી ખજાનો મૈસુરુમાં જ ક્યાંક છુપાવ્યો છે. જેની શોધ હજુ પણ હું કરી રહ્યો છું. આ સમયગાળામાં જ ડૉક્ટરે મને તારા વિષે અને તું જે ઘડિયાળની તપાસ કરતો હતો તે જણાવ્યું. મને આશા જાગી કે આ જન્મમાં જ હું ખજાનો શોધી નાંખીશ. તે કોઇ દિવસ ધ્યાન આપ્યું નહિ હોય કે તારો ચહેરો ટીપુના ચહેરા સાથે બંધબેસતો છે. વળી તારા સપનાઓ વિષે જાણ્યું. તેથી મને વિશ્વાસ થયો કે તું જ એ વ્યક્તિ છે, જે ટીપુનો પુર્નજન્મ છે અને મને ખજાના સુધી લઇ જઇ શકે તેમ છે.’, પરેશે ચાની ચૂસકી લીધી.

‘બરોબર... તો હવે તમે જાણી લીધું ને કે હું કોઇ ટીપુ કે તેનો પુર્નજન્મ નથી. તો તમારા સપનાનું શું?’, ઇશાને પરેશની આંખોને ધ્યાનથી જોઇ.

‘હવે, કંઇ નહિ... આપણે ભેગા મળીને ખજાનો શોધવા જઇશું. કદાચ ત્યાં પહોંચીને તને કંઇ યાદ આવી જાય... કેમ?’, પરેશે બિસ્કીટ ઉપાડ્યું.

‘વેરી ગુડ...! આપની આશા અને વિશ્વાસને સલામ..., પણ જઇશું ક્યાં?’

‘તારી કર્મભૂમિ, મારી ભવિષ્યભૂમિ, ખજાનાને પેટાળમાં છુપાવીને સમેટાઇ ગયેલી ભૂમિ, તૈયાર થઇ જા, ઇશાન. આપણે આજે સાંજે જ રવાના થઇશું ભૂમિના ગર્ભમાંથી ખજાનારૂપી સંતાનને જન્મ આપવાનો.’, પરેશે તેની આગવી છટામાં કહ્યું.

‘પણ કયાં?’

‘મૈસુરુ’

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED