પેશન્ટ નંબર ૨૦૩... Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેશન્ટ નંબર ૨૦૩...

પેશન્ટ નંબર ૨૦૩...


સફેદ ચાદર, સફેદ દીવાલો અને સાથે વાગતો મશીનોનો સતત ટું....ટું..ટું... અવાજ અને ક્યાંક ડોક્ટર કે નર્સના આવવાથી તેમના પગથી ખસેડાઈને ખુલતા દરવાજાનો અવાજ. છેલ્લા છ કલાકથી આ અવાજો જ મારું આખું વિશ્વ બની ગયા છે. હું એક વ્યક્તિ, એક સ્ત્રી, એક માતા મટીને આજે માત્ર રહી છું તો “પેશન્ટ નંબર ૨૦૩”.છેલ્લા બે દિવસથી જ્યારથી હું આ કેર સેન્ટરમાં આવી ત્યારથી મારું નામ શીતલમાંથી બદલાઈને આ ક્યારે થઇ ગયું તે મને ખબર જ નાં પડી.અરે આ બીમારી મને ક્યારે લાગુ પડી તેજ ખબર નાં પડી તો નામ તો શું?


આખરે જીંદગી પાસેથી મેં શું માંગ્યું હતું. એ જ જે દરેક સ્ત્રી માંગે છે. એક સુંદર ઘર,પરિવારઅને પ્રેમાળ પતિ . બસ મારી પણ આટલી જ ઈચ્છાઓ છે જે ઈશ્વરે પૂરી પણ કરી હતી. અરે હતી કેમ કહું છુ? પૂરી કરે છે,અને આગળ પણ કરતા રહેશે. આખરે એક સ્ત્રી માંગી-માંગીને બીજું શું માંગવાની.અને હું થોડી મરી જવાની છુ! હું તો અહી જ છુ અને રહીશ મારા દીકરા પાસે, અરે એક દિવસ પણ જાતે તે પોતાનો નાસ્તો નથી બનાવી શકતો તો આ બે દિવસમાં તેણે શું ખાધું-પીધું હશે? હે ભગવાન બળ્યો આ રોગ ક્યાંથી મને વળગ્યો!.


છેલ્લી પંદરેક મિનિટથી મારો શ્વાસ કઈક વધારે જ ફૂલવા લાગ્યો છે.નર્સે આવીને વેન્ટીલેટર પર કૈક જોયું થોડી વારે જુકી-જુકીને મારા હૃદય પાસે પોતાનો હાથ ફેરવવા લાગી છે. પછી થોડી વાર થઈને ડોક્ટરને બોલાવીને મારી પાસે બોલાવી લાવી ડોક્ટર પણ ચિંતિત થઈને મારી સામે જોઈ રહ્યાં છે. વારે ઘડીએ મારી નાડી તપાસે છે ક્યારેક કઈક નળીઓ મારા મોં વાટે તો ક્યારેક નાક વાટે દાખલ કરેછે. શું કરું ખુબ દુખે છે. પણ જેવી થોડી હિલચાલ કરુછું કે તરતજ નર્સ મારું માથું એકદમ જ પકડીને મને સ્થિર કરેછે,ક્યારેક થાયછે કે હમણાજ આ બધી નળીઓ અને આ સોયના ઠોયા ખાઈને જીવવા કરતા મરી જાઉં તો સારું. પણ મારું દુઃખ તો જુઓ મારવાનું પણ અઘરું લાગેછે જ્યારે નજર સામે આંખો બંધ હોવા છતાં મારો દીકરો,મારા પતિ અને ,મારું ઘર આવે છે.શું કરું તેમને મારી આદત છે કે મને તેમની હું નથી જાણતી પણ એટલું તો જાણું જ કે અત્યારે હું જિંદગીના એક એવા ઢોળાવ પર છુ જ્યાંથી સામેજ મને મારો વર્તમાન દેખાય છે જ્યાં મારે પહોચવું છે તે રાહ દેખાયછે. પણ જેવી પગ ઉપાડું છુ તેવી જ જાણે એક મોટી ખીણમાં ગરક થઇ જાઉં છુ અને એવા ઝટકા સાથે પટકાઈ જાઉં છુ કે ઉભી થવા ચાહું પણ થઇ નથી શકતી.


ડોક્ટર કોઈની સાથે વાત કરી રહ્યાં છે અને પાછા આવીને નર્સ સાથે વાત કરે છે કહેછે, “તેઓ કહેછે જો બહુજ ક્રિટીકલ હોયતો હટાવીલો બાકી શું થાય આમે હવે બચવાના ચાન્સેસ બહુ ઓછાંછે .છતાં પણ હજી એકાદ કલાક રાહ જુઓ શું કંડીશન છે રીપોર્ટ કરો પછી હટાવી લઈએ,અને ફેમીલીવાળાને પણ જણાવી દેજો કે પેશન્ટ ઇસ ક્રિટીકલ . ઓકે .”


ઓકે. નર્સ બોલી. અને મારી તરફ જોઇને બોલી, બિચારી....


શું…? બિચારી…? પણ કેમ આનો મતલબ શું? હું બિચારી નથી. હા હું બિચારી ક્યારેય હોઈ શકું પણ નહિ. મેં નર્સને આ કહેવા માટે જેવું મોં ખોલ્યું કે આ શું? મારા શબ્દો ગળામાં જ સુકાઈ ગયા છે. હું ઘણો બોલવાનો પ્રયત્ન કરુછું, હાથ પછાડું છું, પગ ઉંચો કરુછું, અરે આખી ઉંચી થઈને પછડાવ છુ પણ પેલી નર્સ જાણે પોતાના ચોપડા સિવાય બીજું કઈ જોતી જ નથી મને જુએ છે અને ચોપડો જુએ છે.


મારી ગુંગળામણ હવે ખુબ વધી ગઈ છે.શબ્દો જાણે મારા ગળામાં ભરાઈ પડ્યાછે પણ એકમાત્ર હુંકાર સિવાય મારા ગળામાંથી કઈંજ નીકળતું નથી. હું સતત હુંકાર કરી કરીને નર્સને હું જીવિત છુ તેની સાબિતી આપી રહીછું. અચાનક મારા હુંકારની સાથે-સાથે મશીનમાં પણ કઈક વિચિત્ર અવાજ આવવાનો શરુ થયો છે. આ અવાજ સાંભળતા જ નર્સ ડોકટરના નામની બુમો પાડીને તેમને બોલાવવા દોટ મુકેછે. ત્યાંજ મારી ગુંગળામણ ઓર વધી જાયછે. જાણે કઈ કેટલાય વખતનો ધરબાઈ રહેલો ડૂમો અત્યારે મારા ગળામાંથી બહાર નીકળવા માટે ચિત્કાર કરી રહ્યો છે. મારે રડવું છે, હસવું છે, ચીસો પાડીને, પગ પછાડીને જીદ કરવી છે. પણ .... પણ હું કઈંજ કરી શકતી નથી.


અચાનક મને મારા પ્રત્યેક અંગમાં ખેચાવ થવા લાગ્યો છે. લાગેછે કે જાણે કોઈ મારા અંગોને સખતાઈથી તોડી રહ્યું છે. હું મદદ માટે નર્સની સામે જોઉછું, પણ ત્યાંજ મારી આંખો જાણે ઘોર અંધકારમાં હિલોળા ખાઈ રહી છે જ્યાં તેજ ઘેરા અંધકારના વલયો સિવાય કઈંજ નથી દેખાતું. નર્સ વારંવાર મને ઝંઝોળે છે. ડોક્ટર મારા ગળામાં, મારા હૃદય પર એક તીવ્રતાથી કૈક ગસેછે. હું... માત્ર હુંકાર સિવાય કઈંજ કરી શકતી નથી...


અને આખરે... બધુજ શાંત થઇ ગયું. મારા અંગોમાં ખેચાવ અને આંખોનો અંધકાર, અરે હું તો બોલી પણ રહી છું જુઓ. અને સ્વસ્થ પણ છુ. આ પલંગમાંથી પોતાની રીતેજ તો ઉભી થઇ છુ જુઓ.


અરે આ નર્સ હજી ચોપડો લઈને કેમ ઉભી છે? અને અહી કોણ કપડું ઓઢીને પડ્યું છે? બિચારું કોઈક મરી ગયું લાગે છે. ભગવાન તેને શાંતિ આપે...


અરે... આ પેશન્ટ ૨૦૩ના કોઈ સગાને બોલાવો આજેજ લઇ જાય તો આ બેડ ને સેનીટાઈઝ કરીને બીજા પેશન્ટને સુવડાવી શકાય. અરે ભાઈ ક્યા ગયા? જલ્દી કરો હજી બીજા રાહ જોઈ ઉભા છે. નર્સ બોલીને રૂમમાંથી નીકળી ગઈ.