સંબધ Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબધ

"""સંબંધ"""

આરૂષ શું તે ક્યારેય સૂર્ય અને ચંદ્ર ને એક સાથે ઊગતાં અને આથમતા જોયા છે? કેટલાં સુંદર લાગે છે જોને. એક તરફથી રતુંબડો ઢળતો સૂરજ અને બીજી તરફ આછા પ્રકાશ વાળો શિતળ ચાંદ બન્ને કેટલાં સુંદર લાગે છે નહી? શિખા બોલી, પણ જુએ છે તો આરૂષ નું ધ્યાન તેનાં તરફ ના રેહતાં સેલ્ફી લેવામાં વ્યસ્ત હતું. શિખા થોડી હસી અને આરૂષને ત્યાં છોડીને આગળ નાં સિનારિયો જોવા ચાલી ગઈ. કેમકે તે કુદરતને મન ભરીને માણવા માંગતી હતી,હાથ ફેલાવીને કુદરતમાં એકાકાર થવામાં માનતી હતી જ્યારે આરૂષ આસપાસની દરેક વસ્તુને પોતાના ફોનમાં સોરી ફોટામાં એક યાદ તરીકે સંગ્રહ કરવા માંગતો હતો.
આમ જોવા જાવ તો બન્નેના હજુ હમણાં જ લગ્ન થયા હતા, માત્ર બે દિવસ પહેલા. પણ જે પ્રેમ, એક મેક માં ખોવાઈ જવાની તત્પરતા જે સામાન્ય નવયુગલમાં હોય છે તે તેમનાં વચ્ચે નહોતી. અને એટલે જ તો આખી જ કપલટૂરમાં એ બંને એકલા જ મોસ્ટ ઓડ કપલ્સ હતાં. અને કદાચ એ સાચું જ હતું કારણકે તે બંને એકબીજાની નહીં પણ એકબીજાના માતા-પિતાની પસંદ હતા. અને એટલે જ બંને વચ્ચે એક વણબોલ્યો સમજૂતી કરાર થયો હતો જેનું એ બંને ખૂબ જ પ્રમાણિકતાથી પાલન પણ કરતા હતા. લગ્નના બે દિવસ થયા છતાં પણ બને વચ્ચે કોઈ જ પ્રકારનો પતિ પત્ની વચ્ચે હોય છે તેવો સંબંધ નહોતો. શિખા આરુષને પોતાનો એક સારો મિત્ર માનતી હતી, સારો જીવનસાથી...? કદાચ નહીં. તો સામે પક્ષે આરુષ નું પણ કંઇક એવું જ હતું. પણ ખબર નહીં કેમ તેમના માતા-પિતા માટે તો તેમની આ મિત્રતા કંઇક અલગ જ છાપ છોડી ગઇ અને....બસ... તે એ બંને ના લગ્ન માં પરિણમી.
શિખા તો તેમ છતાં એડજેસ્ટ થઈ ગઈ પણ આરુષ હજી પણ આ સંબંધ ને માનવા તૈયાર નહોતો. એવું નહોતું કે તે બીજી કોઈ છોકરી ને પ્રેમ કરતો હતો, પણ તેનું એક સપનું હતું.. કે તેની પત્ની એકદમ અલગ હોવી જોઇએ, સુપર ટેલેન્ટેડ, સુંદર, બધા લોકો બસ એની જ વાતો કરે એ જ્યાં જ્યાં જાય ત્યાં. તેની સુંદરતા ની, ટેલેન્ટ ની... પણ.. આ શું.....? તેને એક એવી છોકરી સાથે લગ્ન કરવા પડ્યા કે જે ટેલેન્ટ માં તો ઠીક છે પણ સુંદરતા ની બાબતે...! અને આજ એક વાત હતી જે આરુષ ને શિખામાં નહોતી ગમતી. પણ હવે શું? ઘણી આનાકાની કરી પણ પપ્પા ની જિદ આગળ આરુષ નું કંઇ જ ન ચાલ્યું, અને આખરે તેને શિખા ની સાથે લગ્ન કરવા પડ્યા.જે છોકરી ને તે ફક્ત એક સારી મિત્ર અને પરિક્ષા સમય ની મદદગાર માનતો હતો તે ,જે છોકરી ને તેણે ક્યારેક ચમચી, કે ટીચરની પૂંછડી કહીને આખા ક્લાસમા ખૂબ હેરાન કરી હતી તે જ છોકરી સાથે હવે તેણે પોતાની આખી જીંદગી વિતાવવાની હતી. તેનાં મોંમાંથી એક મોટો નિઃસાસો નિકળી ગયો.
લગ્ન પછી આરુષ અને શિખા ની દોસ્તીનો અંત આવ્યો હતો કારણકે, તે દોસ્તીનું સ્થાન આજે એક અણગમાં એ લીધું હતું. કદાચ એ નફરત હતી અણગમો નહીં. આરૂષ શિખાથી એટલા માટે નારાજ હતો કે જેવી રીતે તેણે પોતાના પપ્પા સામે આ લગ્ન બાબતે વિરોધ કર્યો હતો તેવો વિરોધ તેણે કેમ ના કર્યો? તે કેમ આટલી ઝડપથી અને આસાનીથી આ લગ્ન માટે માની ગઈ? આખરે તે જાણતી હતી કે તેની પસંદ શું હતી? તે લાઈફમાં શું ચાહતો હતો? છતાં તે રાજી ખુશીથી આ સંબંધ માટે માની જ કેવી રીતે ગઈ . જો તેણે વિરોધ નોંધાવ્યો હોત તો આજે તેમની દોસ્તીમાં જે તિરાડ પડી છે તે કદાચ ના પડત.

શિખા આરુષને સારી રીતે જાણતી હતી અને તે એ પણ જાણતી હતી કે આરુષ તેનાંથી નારાજ હતો અને કેમ? તે પણ તે સારી રીતે જાણતી હતી. પણ આરુષ એ નહોંતો જાણતો કે શિખા તેને કેટલો ચાહતી હતી. બાળપણથી લઈને આજ સુધી જો તેણે કોઈને સાચા દિલથી પ્રેમ કર્યો હોય તો તે આરુષ હતો.અને તે જાણતી હતી કે એકદિવસ તેને તેનો પ્રેમ જરૂરથી મળશે...

શિખા પ્રકૃતિને જોવામાં વ્યસ્ત હતી,તેને આ પર્વતો, આ ઝરણાં અને પર્વત પરથી પસાર થઈ રહેલાં શ્વેત ધૂમ્ર વાદળો બહું જ ગમતા. તે આ બધું જોવામાં એકદમ મશગૂલ થઈ ગયેલી તેને એ વાતનું ધ્યાન જ ના રહ્યું કે તે ક્યારે આ નજારો જોતાં-જોતાં બધાં થી આગળ નિકળી આવેલી અને બીજા બધા કદાચ બસમાં બેસી પણ ગયા હતા, આરુષ પણ.
બસમાં આવીને આરુષ જુએછે તો શિખા તેની સીટ પર નોતી. કદાચ હમણાં આવશે, એમ વિચારીને આરુષ તેણે પાડેલા ફોટોગ્રાફ્સ જોવામાં પડ્યો. ત્યાંજ બાજુની સીટમાં બેઠેલા અંકિત ભાઈ બોલ્યાં કે, " અરે આરુષ ભાભી ક્યાં?" હજી સુધી આવ્યાં કેમ નઈ? અને આ સવાલે આરુષને ખ્યાલ આવ્યો કે અલમોસ્ટ રાત થઈ ગઈ છે અને શિખા હજી બસમાં પાછી નથી ફરી, તેને કઈ થયું તો નઈ હોય ને? આરુષ સફાળો બેઠો થયો અને શિખા ને શોધવા માટે બસમાંથી ઉતરીને ફરી પાછો પિકનિક સ્પોટ પર ગયો. તેણે જોરથી શિખાના નામની બૂમ પાડી, શિખા... અને જાણે પર્વતો પણ તેની આ બૂમમાં સાથ આપી રહ્યાં હતાં અને પડઘો પાડીને શિખાને બોલાવી રહ્યાં હતાં. આરુષને સમજ નોતી પડતી કે તે શિખાને ક્યાં શોધે? આ પહાડો દિવસે જેટલાં સુંદર લાગતાં હતાં રાત્રે તેટલાજ વિકરાળ અને ભયંકર. કદાચ શિખાને કોઈ જંગલી પ્રાણી.....એક પળ માટે આરૂષની આંખમાં ઝળઝળીયાં આવી ગયા, તે રીતસરનો આ કલ્પના કરતા જ થીજી ગયો. તે ગાંડાની માફક શિખાના નામની બૂમો પાડી રહ્યો હતો.
શિખા..... શિખા....
ત્યાંજ અચાનક તેને પહાડોમાંથી એક બીજો પડગો સંભળાયો, " આ.. રુ ..ષ.. " અને પહાડો ફરી ગૂંજી ઉઠ્યા.. આરુષ ઝડપથી અવાજની દિશામાં દોડ્યો જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં થોડુંક આગળ વધે છે તો સામે શિખા આંખોમાં પાણી સાથે ઝડપથી હરણીની માફક દોડતી તેની તરફ આવી રહી હતી, આ એક પળમાં તેમના સંબંધે એક નવો જ વળાંક લીધો, આરુષની સામે એ શિખા નહોતી આવી રહી જેને તે નફરત કરવાની કોશિશ કરતો હતો. પણ એ શિખા હતી જેને તે પ્રત્યેક પળ બસ પોતાની એક સાચી અને પાક્કી દોસ્ત માનતો હતો. અને હવે .....
એક પળમાં આરુષ બધુજ ભુલી ગયો. તેની નારાજગી, તેનો ગુસ્સો અને બસ જઈને સીધોજ શિખાને બાહોમાં ઉંચકીને આલિંગન આપવા લાગ્યો. તે બંન્ને બધુજ ભુલી ગયા, સ્થળ, સમય અને એ પણ કે ટુરના બીજા બધા લોકો પણ તેમને જોઈ રહ્યા હતા અને આ મોસ્ટ ઓડ કપલની મોસ્ટ રોમેન્ટિક પળો ને માણતા જોઈ રહ્યા હતા....

પલક પારેખ.