મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે
સાલું આ 2020નું વર્ષ સાચેમાં ખરાબ છે, સમજાતું જ નથી કે શું થઈ રહ્યું છે. દાવાનળ, કોરોના અને ત્યાર બાદ ચક્રવાત દ્વારા કુદરતે તો આપણને જણાવી દીધું કે મનુષ્ય તું હવે માપમાં આવી જા તો મજા છે, બાકી ક્ષણમાં હું સમગ્ર જગતને મારી ભીંસમાં લઈ એનો વિનાશ કરવાની શક્તિ ધરાવું છું.
બૉલીવુડ માટે આ વર્ષ બદ થી બદતર રહ્યું હોવાનું લાગી રહ્યું છે. ઈરફાન ખાન, રિશી કપૂર અને વાજીદ અલીના અવસાન બાદ આજે બપોરે જે સમાચાર આવ્યા એ ખરેખર હૃદયદ્રાવક છે. જાણીતા બૉલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતે પોતાનાં ઘરે ફાંસીએ લટકીને આત્મહત્યા કરી હોવાનાં સમાચારે ભારતના દરેક બૉલીવુડ ફેનને મોટો આંચકો આપ્યો છે.
ઝી ટીવી પર પ્રસારિત થતી ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી પોતાની કારકિર્દી શરૂ કરનાર સુશાંત સિંહને પ્રથમ બ્રેક મળ્યો ફિલ્મ કાઇપો છે માં. ફિલ્મ હિટ રહી અને સુશાંત સિંહ સુપર હિટ. ત્યારબાદ એમ.એસ ધોની, વ્યોમકેશ બક્ષી, કેદારનાથ અને છેલ્લે આવેલી છીછોરે ફિલ્મમાં પોતાનાં અભિનયના જોહર બતાવનાર સુશાંતસિંહે ત્યારે આત્મહત્યા કરી જ્યારે એ એની ફિલ્મ કારકિર્દીનાં ટોચ ઉપર હતો. આત્મહત્યાનું કારણ જણાવાયું છે ડિપ્રેશન.
હવે તમને પ્રશ્ન થતો હશે કે આટલા બધાં નામ અને સાહ્યબીમાં જીવતા લોકોને વળી ડિપ્રેશન જેવી વસ્તુ હોય ખરી? જવાબ છે હા.
સુશાંતસિંહ રાજપૂત છેલ્લા છ મહિનાથી પોતાનાં ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યાં હતાં. કામનો બોજ, અંગત કારણો અને માનસિક તાણ જેવી વસ્તુઓ ઘણી વખત તમારી ઉપર એટલી હાવી થઈ જાય કે તમે એનાં નીચે ગૂંગળામણ અનુભવો. આગળ પણ ઘણાં બૉલીવુડ સ્ટાર અને ટી.વી કલાકારો આત્મહત્યા કરી ચૂક્યાં છે જેમાં ગુરુદત્ત, જિયા ખાન, બાલિકા વધુ ફેમ પ્રત્યુક્ષા બેનર્જી, વિવેકા બાબાજી વગેરેનો સમાવેશ થાય છે. આ બધાંએ આત્મહત્યા કરી હોવાનાં કારણો અલગ હતા; એ કારણો હતાં પૈસાની તંગી, કામ ના મળવું અને સંબંધોમાં આવેલી ચડઉતર. પણ અહીં આત્મહત્યાનું કારણ સામે આવ્યું ડિપ્રેશન.
અગાઉ દીપિકા પાદુકોણ જાહેરમાં કબૂલી ચૂકી છે કે એને ડિપ્રેશનની સારવાર લીધી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ આ જ કારણથી અમુક સમય ક્રિકેટથી દૂર હતો. આજની મોજશોખ ભરી લાઈફમાં ડિપ્રેશન સામાન્ય બાબત છે એ સ્વીકારવું રહ્યું.
જો તમે પોતે મનોમન કોઈ કારણથી અકળામણ અનુભવો તો એની સત્વરે કોઈ સારા મનોચિકિત્સક જોડે સારવાર કરાવો. મનની આ ગૂંગળામણ મિત્રો અને સ્નેહીજનો સમક્ષ ડર્યા વિનાં ઠાલવો. તમારી માનસિક સમસ્યા અંગે જેટલા વધુ લોકોને જણાવશો એટલા વધુ ચાન્સ છે આવા ડિપ્રેશનમાંથી બહાર આવવાનાં.
હું પોતે પણ બે-ત્રણ વખત એવી પરિસ્થિતિમાં મુકાઈ ચૂક્યો છું જ્યારે હું ખૂબ જ માનસિક તાણ અનુભવતો, એવું લાગતું કે હું આ સમસ્યામાંથી બહાર નહીં આવી શકું..પણ, મારા મિત્રો અને પરિવારજનોની મદદથી હું આ બધાંમાંથી ખૂબ જ સરળતાથી બહાર આવી શક્યો. સાથે મને લેખનને લીધે પણ સારી એવી મદદ પડી.
તો પ્લીઝ આવી કોઈ તકલીફ હોય તો આજે જ સજાગ બનો. કોઈ ખાસ જોડે આવી માનસિક સમસ્યાની ખુલ્લા દિલે વાત કરો. પોતાની જાતને અન્ય વિચારોમાં વાળો જેથી નેગેટિવ વિચારો મનને ઘેરી ના વળે. પોતાની છેલ્લી ફિલ્મ છીછોરેમાં આત્મહત્યા પ્રોબ્લેમનું સોલ્યુશન નથી એવો સંદેશ આપતા સુશાંતસિંહ રાજપૂતે ભલે આ સંદેશો મનમાં ના લીધો, પણ તમારે સૌ એ લેવાનો છે. આવું કંઈ પગલું ભર્યાં પહેલા તમારાં પરિવારજનો અંગે બે ઘડી વિચારજો.
ભગવાન સુશાંતસિંહ રાજપૂતની આત્માને શાંતિ આપે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.🙏🙏🙏🙏💐💐💐