અ રેસીપી બુક - 12 અંતિમ ભાગ


   તૃષ્ણા એ પોતાની આંખ એક ઝાટકે ખોલી, તેની આંખ નો રંગ બદલાઈ ને કાળા માંથી બ્લૂ થઈ ગયો હતો. તેના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ હતી. તેને પોતાની અંદર એક નવી જ શક્તિ નો અહેસાસ થઈ રહ્યો હતો…. 

શું આ નશીલી દવા ની અસર હતી કે પછી તેને પોતાની સમસ્યા નું સમાધાન મળી ચૂક્યું હતું???? 


**************************************


  નશીલી દવા એ તૃષ્ણા ના અર્ધજાગૃત મનને જગાડી દીધું હતું, તેને પોતાના બાળપણ ની એ બધી જ યાદગીરી, બધી જ શક્તિઓ અને બધી જ વાતો યાદ આવી ગઈ હતી. તૃષ્ણા હવે પોતાને શક્તિશાળી અનુભવી રહી હતી. તે સ્ટોર રૂમ માં ગઈ અને પેલી બે બૂક લઈ આવી. તેણે બંને બૂકસ્ ને એકબીજા પર એવી રીતે ગોઠવી કે બન્ને બૂક ની કળ એકબીજા મા ફસાઈ ને પરિવર્તન નું નિશાન બનાવે, આમ થતાં જ એ બૂક બે માંથી એક જ થઈ ગઈ. તૃષ્ણા હવે એ બૂક નું લખાણ સાફ સાફ વાંચી શકતી હતી. 

     બૂક માં અલગ અલગ શક્તિઓ વિશે માહિતી હતી તેમજ એ શક્તિઓ ને જાગૃત કરવાની વિધિ હતી. તૃષ્ણા ને આમથી 1-2 વિધિ વિશે માહિતી હતી. તૃષ્ણા ની ખુશી ની કોઈ સીમા ના હતી. તેણે બૂક બંધ કરી ને હૃદય સરખી ચાંપી દીધી અને બોલી, " જે કામ પહેલા અધૂરું રહી ગયું હતું તેને પૂરું કરવાનો સમય આવી ગયો છે." 


 ***************************************

સાત દિવસ પછી………… 


     " હેલો સર! હું રેહાના. સર પ્લીઝ મેડમ જોડે મારી વાત કરાવી દો. એ મારો કૉલ નથી લઈ રહ્યાં. પ્લીઝ સર." રેહાના એ કેતન ને કોલ પર કહ્યું. કેતન બોલ્યો," રેહાના. એક મિનિટ શાંત થા, શું થયું? હું અહીં ટુર પર છું, આજે જ નેટવર્ક આવ્યું છે. તૃષ્ણા મારી સાથે નથી. શું વાત છે? " રેહાના બોલી," સર, મેડમ એ અમને લોકો ને કંપની માંથી કોઈ કારણ વીના કાઢી નાખ્યાં છે, ચાર દિવસ પહેલાં. અમે લોકો એ આ મૅડમ ની કંપની માં પહેલેથી ફાળો આપ્યો છે, હવે તે કૉલ નથી ઉઠાવી રહ્યાં. ઘર અને ઓફિસ માં લોક છે. અમારી ત્રણ મહિના ની સેલરી બાકી છે સર!!! મેડમ એ કહ્યું હતું કે વૃદ્ધાશ્રમ નો કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ જશે તો એના એડવાન્સ માંથી બધાં નો પગાર આપી દેશે. પણ આજે મીટિંગ છે ને મૅડમ કૉલ નથી ઉપાડી રહ્યાં. ચાર દિવસ થી કોશિશ કરું છું ખબર નહીં ક્યાં છે મૅડમ. "" શું ચાર દિવસ થી તૃષ્ણા નો અત્તોપત્તો નથી અને તમને લોકો ને તમારા પગાર ની પડી છે!? કાંઈ થઈ તો નથી ગયું ને એને. હું હમણાં જ જે સાધન મળે એમાં નીકળી રહ્યો છું." કેતને ગુસ્સા માં ફોન કટ કર્યો. રેહાના ફોન માં સર મારી વાત તો સાંભળો એમ બોલતી રહી પણ કેતન એ ફોન મૂકી દીધો. રેહાના તૃષ્ણા ને રોજ સવારે ક્યાંક જતાં જોઈ રહી હતી. રેહાના ને ખાતરી હતી કે તૃષ્ણા ને કાંઈ જ થયું નથી, એમાં પણ તૃષ્ણા રોજ નવી નવી ગાડીઓ લઈ ને ફરતી હતી. રેહાના એ તૃષ્ણા ને મળવાની ખૂબ કોશિશ કરી પણ તૃષ્ણા એ બધાં વચ્ચે એનું અપમાન કરી તેને કઢાવી મૂકી. રેહાના ને લાગ્યું કે કેતન ને આ મામલે ખબર હોય, પણ કેતન તો કશું જ નહોતો જાણતો. પણ રેહાના ને તૃષ્ણા ના રંગ - ઢંગ બદલાયેલા લાગી રહ્યાં હતાં. 

***************************************

   કેતન પાછો આવી ગયો સાંજ સુધીમાં, તેણે સૌથી પહેલાં પોલિસ ફરિયાદ નોંધાવા નું વિચાર્યું અને તેણે ગાડી ને પોલિસ સ્ટેશન પર લઈ જવાનું ડ્રાઇવર ને કહ્યું. પોલિસ સ્ટેશન પહોંચી તેણે ઇન્સ્પેક્ટર સાથે ઐપચારીક વાત કરી ને કહ્યું, " સર, મારી ગર્લ ફ્રેન્ડ ચાર દિવસથી ગાયબ છે. હું બહાર હતો ને મારા ફોન માં નેટવર્ક ન હતું. આજે સવારે જ હું જ્યારે મેં હોટલ બદલી તો નેટવર્ક આવ્યું ને પહેલો ફોન એની સેક્રેટરી નો આવ્યો જેને કહ્યું કે ચાર દિવસ થી એની મારી ગર્લ ફ્રેન્ડ જોડે વાત નથી થઈ." ઈન્સ્પેક્ટર બોલ્યા," ઓકે રિલેક્સ! તમે એમના ઘર ના લોકો ને કે એમના ફ્રેન્ડસ્ ને પૂછ્યું? તમે એમને કૉલ કરવાની કોશિશ કરી? તમારી ગર્લ ફ્રેન્ડ વિશે બધી માહિતી આપો. " કેતન બોલ્યો," સર એનું નામ તૃષ્ણા છે. મેં કોઇ ને પૂછ્યું નથી, એના ઘર માં તો કોઇ નથી. હું સૌથી પહેલાં તમારી જ પાસે આવ્યો છું. " ઇન્સ્પેક્ટર બોલ્યા," ઠીક છે, એક કામ કરો. તમે બધી માહિતી હવાલદાર ને બહાર લખાવી દો અને એક અત્યારનો એમનો ફોટો પણ આપી દો. હું અત્યારે જ તમારી સાથે તમારા ઘરે આવું છું તપાસ કરવા. એક વાત કહો! ચાર દિવસ થઈ ગયા કોઈ એ ફરિયાદ કેમ નથી નોંધાવી? " કેતન બોલ્યો," ખબર નહીં સર. મને તો આજે સવારે ખબર પડી ને હું સીધો જ અહીં આવ્યો. " કેતન હવાલદાર ને તૃષ્ણા વિશે ની બધી માહિતી આપી રહ્યો હતો. કેતન ને ફોન માંથી તૃષ્ણા નો એક ફોટો કાઢ્યો અને હવાલદાર ના ફોન માં ટ્રાન્સફર કર્યો. હવાલદાર એ ફોટો જોયો અને તે કેતન ની સામે જોવા લાગ્યો, ફરી ફરી ને એ કેતન સામે જોઈ રહ્યો હતો ને તૃષ્ણા ના ફોટો સામે જોઈ રહ્યો હતો. કેતન સમજી નહોતો શકતો કે હવાલદાર આમ કેમ કરે છે તેણે વિનમ્રતા થી પૂછ્યું, " શું થયું સાહેબ?" હવાલદાર એ પૂછ્યું, " સર પાકું આ જ તમારી ગર્લ ફ્રેન્ડ છે?" કેતન એ આશ્ચર્ય થી ફોટો જોઇ ને કહ્યું, " હા સર. કેમ શું થયું." હવાલદાર એ કહ્યું , " સર તમે બેસો હું હમણાં આવું છું." આમ કહી હવાલદાર, ઈન્સ્પેક્ટર ની ચેમ્બરમાં ગયા. તેણે ઇન્સ્પેક્ટર ને કહ્યું," સર મને એવું લાગે છે કાંઈક ગડબડ છે. " ઈન્સ્પેક્ટર એ કહ્યું," કેમ શું ગડબડ છે?" હવાલદાર એ ઇન્સ્પેક્ટર ના ટેબલ પરથી ન્યૂઝ પેપર લીધું અને બાજુ માં કેતન એ તેને મોકલેલો ફોટા વાડો મોબાઇલ મૂક્યો. અને કહ્યું, " સર આ માણસ આને પોતાની ગર્લ ફ્રેન્ડ કહે છે." ઇન્સ્પેક્ટર બોલ્યા," અરે આ તો તૃષ્ણા જ છે, બહું મોટી કંપની ની માલિક છે આ. આની કંપની નું તો કરોડો માં ટર્ન ઓવર છે. તો શું થઈ ગયું! આ પેલા માણસ ની ગર્લ ફ્રેન્ડ કેમ ના હોય શકે. " 

હવાલદાર એ કહ્યું, " સર આ માણસ કહે છે એની ગર્લ ફ્રેન્ડ ચાર દિવસ થી ગાયબ છે અને આ કાલ ના ન્યૂઝ માં તેનો ફોટો છે કોઇ એ છૂપી રીતે પાડેલો છે. મને આ મેડમ ગડબડ લાગે છે ન્યૂઝ માં પણ એજ લખ્યું છે કે આમની પાસે અચાનક આટલા પૈસા કેવી રીતે આવ્યા. અને કેતન ભાઈ એમ કહે છે છે તૃષ્ણા ની સેક્રેટરી એ કહ્યું કે આ મેડમ એ એની કંપની માં કામ કરતાં લોકો ને ત્રણ મહિના નો પગાર નથી આપ્યો. " ઇન્સ્પેક્ટર એ કહ્યું," અરે હા તપાસ કરવી પડશે. હું કેતન જોડે એના ઘરે જઉં છું તું આ મેડમ વિશે માહિતી એકઠી કર. "  આમ બોલી ઇન્સ્પેક્ટર કેતન પાસે ન્યૂઝ પેપર લઈ ને ગયાં અને કહ્યું," આ જ તમારી ગર્લ ફ્રેન્ડ છે? " કેતન આશ્ચર્ય થી ન્યૂઝ પેપર જોઈ રહ્યો ને એના વિશે નું લખાણ વાંચવા લાગ્યો. અને બોલ્યો," સર આ બધું શું છે મને કાંઈ જ ખબર નથી. "

***************************************

   આ બાજુ તૃષ્ણા ના નવાં ફાર્મ હાઉસ પર……. 


  તૃષ્ણા ઊંઘ માંથી ઉઠી ને પોતાનો ફોન હાથ માં લીધો. ફોન ની સ્ક્રીન પર તેને એક ખૂબ જ ભયંકર ચહેરો દેખાયો. તૃષ્ણા ખૂબ જ ડરી ગઈ ને તેના હાથ માંથી ફોન નીચે પડી ગયો. તે ભાગી ને બાથરૂમમાં ગઈ ત્યાં તેણે અરીસા માં પોતાનો ચહેરો જોયો. તેનો ચહેરો ખૂબ જ ભયંકર થઈ ગયો હતો. હાથ પગ કાળા પડી રહ્યા હતા. વાળ ની આખી આખી લટ તેના હાથ માં આવી રહી હતી. ચહેરા પર ખૂબ જ ગંદી રીતે ચીરા પડી ગયા હતાં ને તેમાંથી લોહી નીકળી ને જામી ગયું હતું. તે સમજી નહોતી શકતી કે આ શું થઈ ગયું કાલ રાત સુધી તો તેનો ચહેરો બરાબર હતો. બૂક માં લખેલી વિધિ કર્યા બાદ તો તે ખૂબ જ સુંદર બની ગઇ હતી. આજે અચાનક શું થયું!!!! 

     તૃષ્ણા એ ધ્રૂજતા ધ્રૂજતા લોકર માંથી બૂક કાઢી અને તેના પન્ના ફેરવી કાંઇ શોધવા લાગી. તૃષ્ણા એ વિચાર્યું, ' પેલા બા જેમણે મને આ બૂક આપી હતી તે જ મારી મદદ કરી શકશે હવે. હું આ બૂક ની મદદ થી એમની જોડે સંપર્ક સાધવાની કોશિશ કરું છું.' 


*************************************

   તૃષ્ણા એ બૂક માંથી એક વિધિ શોધી અને પેલા વૃદ્ધાશ્રમ વાળા બા ને બોલાવ્યા, તૃષ્ણા બોલી, " બા આ શું થઈ ગયું મને. મેં વિધિ તો એકદમ બરાબર રીતે કરી હતી. છતાં આ શું થઈ ગયું મને." બા અટ્ટહાસ્ય કરતાં બોલ્યા, " લાગે છે તું વાત બરાબર સાંભળતી નથી, તે ધન- દોલત, સુખ સાહેબી, રૂપ-સુંદરતા તો દગા થી મેળવી લીધું, પણ તે નિશાન ક્યાં છે તારા હાથ પર. તે નિશાન વિના તું બધું મેળવી તો શકીશ પણ તેનો ઉપયોગ નહીં કરી શકે. " તૃષ્ણા નું આ વાત સાંભળી ને હૃદય જ બેસી ગયું," તે બોલી બા દગો શું કર્યો મેં!! મારો પણ તો હક છે ને!!! હવે હું શું કરું મને કોઈ રસ્તો બતાવો. " બા બોલ્યા," હવે તો એક જ રસ્તો છે, જેની પાસે એ નિશાન છે એને મનાવ, સમજાવ, કાંઈ પણ કર, સામ, દામ, દંડ, ભેદ પણ એને શોધ…. એ જ તારી મુશ્કેલી નો નિકાલ કરી શકશે." આમ બોલી બા અદ્રશ્ય થઈ ગયા. આ સંભાળી ને તૃષ્ણા ને ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તૃષ્ણા કપડા બદલીને પોતાના જૂના ઘરે ગઈ જ્યાં તે કેતન જોડે રહેતી હતી. તે ખાલી બૂક લઈ ને આવી હતી પણ હવે તેને એ પેટી ની જરૂર પણ પડવાની હતી. 


***********************************

    તૃષ્ણા કોઈ જોઈ ના જાય એવી રીતે સ્ટોર રૂમ માં ગઇ અને સ્ટોર રૂમ નો દરવાજો અંદર થી લોક કરી દીધો. ત્યાં જઈ ને તેણે એ બૂક ખોલી જેમાં એક વિધિ લખેલી હતી. આ વિધિ માં પેટી નો ખૂબ અગત્ય નો ભાગ હતો. હકીકત માં આ પેટી કોઈ સાદી પેટી ન હતી. તે એક દરવાજો હતો એક દુનિયા માંથી બીજી દુનિયા માં જવાનો. દાગીના કે જે તે પેટી માં હતાં તેમાં એક જાડું કડું હતું તેમજ એક લોકેટ હતું. આ કડા ને પેટી ના ઢાંકણ માં જગ્યા આપેલી હતી તેમાં બેસાડવાનું હતું અને તે લોકેટ ની મદદ થી, તથા બીજા 2-3 દાગીના ની મદદ થી બીજી દુનિયા નો દરવાજો ખોલી શકાતો હતો. તૃષ્ણા એ બધી વિધિ બરાબર થી સમજી લીધી હતી. તે ખૂબ જ ડરેલી હતી કેમકે આ દરવાજો ખુલવાથી ઘણી બધી મુસીબતો તેની રાહ જોઈ ને બેઠી હતી. તૃષ્ણા આ દરવાજો ખોલવા જ નહોતી માંગતી ન હતી. પણ હવે તે મજબૂર હતી. તૃષ્ણા મન માં ને મન માં ખૂબ જ ધુંધવાયેલી હતી. પણ તેણે વિચાર્યું કે, ' એક વખત પેલું નિશાન મને મળી જાય પછી તો હું બધા ને સારો એવો પાઠ ભણાવીશ!!!!!!! 

     તૃષ્ણા એ પેટી ખોલી ને વિધિ શરૂ કરી, થોડા સમય માં બીજી દુનિયા નો દરવાજો ખુલી જાય છે. પેટી માંથી ખૂબ જ તીવ્ર રોશની આવે છે ને તૃષ્ણા પેટી માં અંદર ખેંચાઈ જાય છે. 


*************************************

      પેટી માં પહોંચતા જ તૃષ્ણા નું શરીર પેલા હતું એવું થઈ જાય છે. તૃષ્ણા એક રૂમ માં પહોંચી જાય છે, આ રૂમ માં ક્યાંય બારી કે દરવાજો હોતો નથી. આખો રૂમ સોનેરી રંગ નો હોય છે જેમાંથી ખૂબ જ સારી ચંપા ની સુગંધ આવી રહી હતી. પણ અહીં આવ્યા પછી તૃષ્ણા ને સારું નહોતું લાગી રહ્યું. ત્યાં જ તેની સામે ઉપર થી એક ભૂરો (બ્લૂ) પડછાયો નીચે ઉતર્યો અને તૃષ્ણા ની બરાબર સામે આવી ને ઊભો રહ્યો. 

      ધીમે ધીમે તે પડછાયો એક શરીર નું રૂપ લેવા લાગ્યો. તૃષ્ણા તે પડછાયા ને જોઈ રહી હતી. તે પડછાયો એકદમ તૃષ્ણા જેવો જ લાગી રહ્યો હતો. પણ તૃષ્ણા ને પહેલા થી જ આ બધી ખબર હોય એમ મન માં ગુસ્સા થી તે કોઈ ભાવ વિના તેને જોઈ રહી. નિશાન નો સોદો કરવા માટે શું બોલવું તે વિચારી રહી હતી. તેને આ રીતે વિચારતા જોઈ ને પડછાયો ખૂબ જ જોર થી હસવા લાગ્યો….. અને બોલ્યો, " કેમ મારી બેન!!! ઓળખાણ પડી કે?? હા… હા…  હા.. હા.." 

         તૃષ્ણા પોતાના ગુસ્સા પર કાબુ કરતાં બોલી, " કૃષ્ણા જો! હવે તું અમારી દુનિયા ની સદસ્ય નથી. હું સીધી વાત કરવા આવી છું, જો બેન હવે તે બૂક પર મારો ને માત્ર મારો અધિકાર છે. તું મને તારું નિશાન આપી દે, એના બદલામાં માં તારે જે જોઈએ તે હું તને આપીશ. "

          કૃષ્ણા અટ્ટહાસ્ય કરતાં બોલી, " મને જે જોઈએ તે તું આપીશ!!! આપી શકીશ?? " કૃષ્ણા તૃષ્ણા ની આસપાસ ફરતા તેના શરીર ને હાથ લગાવતા પૂછી રહી હતી. 

      તૃષ્ણા નો ગુસ્સો હવે સાતમાં આસમાને પહોંચી ગયો હતો, તે બોલી," જો કૃષ્ણા તું મરી ચૂકી છે, તારે આ બૂક નું શું કામ!!! તું સીધી રીતે મને એ નિશાન આપી દે નહીં તો એનું પરિણામ સારું નહીં થાય!" આમ બોલી ને તૃષ્ણા મંત્ર બોલી ને એક આગ ની જ્વાળા કૃષ્ણા પર ફેંકી.

        કૃષ્ણા એ હસતાં હસતાં એ જ્વાળા ને શાંત કરી દીધી. પછી ખૂબ જ ભયાનક અવાજે બોલી, " બાળપણથી તું આ જ તો કરતી આવી છે, મને ડરાવી ધમકાવી મારી શક્તિઓ ને છીનવી લેવાની કોશિશ. તને શું લાગ્યું હું હજુ પણ બાળપણ ની એ કમજોર કૃષ્ણા છું કે જેને તું નિર્દયી રીતે હેરાન પરેશાન કરતી હતી. જેને તું માનસિક અને શારીરિક ત્રાસ પહોંચાડતી હતી." કૃષ્ણા, તૃષ્ણા ની આંખ માં આંખ નાંખી ને ગુસ્સા થી બોલી રહી હતી. જેમ જેમ કૃષ્ણા નો અવાજ ઊંચો થઈ રહ્યો હતો તેમ તેમ તૃષ્ણા કમજોર થઈ રહી હતી. કૃષ્ણા બોલી," તેં આ શક્તિઓ ની લાલચ માં શું શું કર્યું છે યાદ કરાવું તને!!?? અને હવે તું મને જે જોઈએ તે આપવા તૈયાર થઈ છે!!!!! તે મને મારી નાખી!!!!!! મારી હત્યા કરી નાખી. 

  બોલ આપી શકીશ મને મારું જીવન, મારું શરીર, તારા લીધે આપણા મમ્મી ને જીવ આપવો પડ્યો. બોલ લાવી શકીશ મમ્મી ને પાછા…!!!! બોલ…આપણે જોડિયા હતા. મને થયું કે તું મારી મદદ કરીશ, પણ તું એક કમજોર નાનકડી છોકરી પર આટલો ત્રાસ કરતા તને શરમ ના આવી…!!!!!!!!! 


==========================

       તૃષ્ણા, કૃષ્ણા નું આ રૂપ જોઈ ને ખૂબ જ ડરી ગઈ, તેને લાગ્યું હતું કે આ આત્મા ને તે કૈદ કરી ને પોતાનું ધાર્યું કામ કરાવી લેશે. પણ કૃષ્ણા સમય સાથે ખૂબ જ બળવાન થઈ ગઈ હતી. તૃષ્ણા એ આ જોઈ ને  ખૂબ જ પ્રેમ થી કૃષ્ણા ને કહ્યું, " કૃષ્ણા! મારી બેન મને માફ કરી દે. હું ત્યારે નાદાન હતી. મમ્મી વિના હું પણ તો રહી છું ને. હું હાથ જોડી ને મારા બધા ગુના ની માફી માંગુ છું. મને તો આ કાંઈ યાદ જ નથી. મને ખાલી બૂક વાંચી શકવાની શક્તિ જ યાદ આવી. તું મને માફ કરી દે." 

           કૃષ્ણા બોલી," તને શું ખબર મેં આટલા વર્ષો કેવી રીતે કાઢ્યા છે, આપણે જોડિયા હતા એમાં મારો શું વાંક!! પરિવર્તન નું નિશાન તને નહીં મને મળ્યું એમાં મારો શું વાંક!! હું પહેલેથી જ નબળી હતી, આ નિશાન ની શક્તિ ને મારું શરીર ખૂબ મુશ્કેલી થી ગ્રહણ કરી રહ્યું હતું. આપણે જોડિયા હતા તેના કારણે મને બે અલગ અલગ શક્તિઓ મળી હતી. મમ્મી વિચારતા હતા કે જેમ બને એમ જલ્દી મારી બન્ને શક્તિઓ ને બૂક માં સ્થાપિત કરી દે, જેથી કરી ને મારા નબળા શરીર પર વધુ તાણ ના આવે. મારું શરીર નબળું હતું એટલે મમ્મી મારું વધુ ધ્યાન રાખતા હતાં. પણ તારાથી આ બધી વાત સહન નહીં થઈ. આપણે બેઉ એક અલગ ભાષા માં વાત કરી શકતા હતાં, જે ખાલી આપણે બેઉ જ સમજી શકતા હતાં. જેનો તે ખોટો ઉપયોગ મને ડરવાના કામ માં કર્યો. તારા કારણે હું બેહોશ થઈ જતી હતી. ઊંઘ માં તું જ હતી જે મારી શક્તિ મેળવવા મારાં મોં પર તકીયો મૂકી ને મને મારી નાખવાની કોશિશ કરતી હતી. મને જ ડરાવીને, મારી પાસેથી લીધેલી શક્તિઓ થી તું મને નુકશાન પહોંચાડી રહી હતી. મેં જ તને એ દ્રશ્યો બતાવ્યા હતાં જેથી તું મારી પીડા સમજી શકે, અંધારા રૂમ માં ઉંદર જ્યારે તને બટકા ભરી રહ્યા હતા તે પીડા તને કેવી લાગી??? મમ્મી ને તારા પર શંકા થઈ ગઈ હતી, પણ તું મને ઇજા પહોંચાડી ને ભોળી હોવાનું નાટક કરતી. તે દિવસે તો તે હદ જ કરી દીધી, મારા હાથ પગ બાંધી ને મને કુવા માં ડૂબાડી દીધી, તે દિવસે તાવ અને નબળાઈ ના કારણે હું તારો પ્રતિકાર નહીં કરી શકી, હું દવા ના ઘેન માં હતી, બેહોશ નહોતી અને તે મને મારી નાખી!!!!!!! 

      મમ્મી અને પપ્પા આ જોઈ ગયા, તે લોકો મને બચાવવા દોડયા પણ બહુ મોડું થઈ ગયું હતું. તારી આ હરકત થી મમ્મી નું દિલ તૂટી ગયું, તેણે પપ્પા ને બધી વાત કરી અને મારી આત્મા ને લઈ ને તારી અને પપ્પા ની યાદદાસ્ત માંથી મારી બધી યાદો હમેશાં હમેશાં માટે મિટાવી દીધી, અને મને લઈ ને આ પેટી માં આવી ને વસી ગઈ. તારા લીધે મમ્મી ને પપ્પા ને અલગ થવું પડ્યું, તારા લીધે મારે મારા પપ્પા થી અલગ થવું પડ્યું. "

      તૃષ્ણા કાંઈ બોલી શકી નહીં, તે મંત્ર બોલી કૃષ્ણા ને નુકશાન પહોંચાડી અહીં થી નીકળવાની કોશિશ કરે એ પહેલાં તે બેહોશ થઈ ગઈ. 


*********************************

     કેતન, ઈન્સ્પેક્ટર અને રેહાના જોડે ઘરે આવે છે, ત્યાં તૃષ્ણા બેહોશ પડી હોય છે, કેતન તૃષ્ણા નાં મોં પર પાણી છાંટી ને તેને જગાડવાની કોશિશ કરે છે, તૃષ્ણા જાગે છે અને કેતન ને વળગી પડે છે. તે કેતન ને પૂછે છે, "આ ઇન્સ્પેક્ટર સાહેબ અહીં કેમ આવ્યા છે, અને રેહાના તું! મને શું થયું છે?" કેતન, ઈન્સ્પેક્ટર અને રેહાના એકબીજા સામે જોવે છે, કોઈ ને કાંઈ યાદ નથી હોતું કે તેઓ અહીં કેવી રીતે આવ્યાં. 


**********************************

      દોઢ વર્ષ પછી…….. 

     તૃષ્ણા, કેતન અને પોતાના 2 મહિના નાં જોડિયા દિકરાઓ સાથે પોતાના મમ્મી-પપ્પા નાં ફોટા ને વંદન કરતી હોય છે, કેતન કહે છે, " ચાલ હું ઓફિસ જાઉં છું, સાંજે જલ્દી આવી જઈશ." 

        કેતન ના જતાં જ તૃષ્ણા પોતાના બન્ને દીકરાઓ ને લઈ ને સ્ટોર રૂમ માં જાય છે, ત્યાં જઈ ને પેટી ખોલે છે, અને મંત્ર બોલે છે, પેટી માંથી એક શરીર બહાર આવે છે. જેને જોઈ ને તૃષ્ણા બોલે છે, " કેમ છે તૃષ્ણા બેન!! બહુ મજા આવે છે. તને શું લાગ્યું હું તારી ચાલાકી પકડી નહીં શકું? તેં જ્યારથી પેટી ખોલી હતી ત્યારથી હું તારી અંદર જ હતી. તું જે વિચારતી હતી, જે અનુભવતી હતી બધું જ મને ખબર હતી. આ મારી જ યોજના હતી તારા સુધી પેટી પહોંચાડવા માટેની. તે જ્યારે માફી માગવાનું ખોટું નાટક કર્યું ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તને આ બધાં ની સજા તો મળશે જ……એટલે હું આજે તારી જિંદગી જીવું છું અને તું મારી!!!!! " આમ બોલી કૃષ્ણા પોતાના ડાબા કાંડા નું નિશાન તૃષ્ણા ને બતાવી ને પોતાના બંને દીકરાઓ ને લઈ ને પેટી બંધ કરે છે. કૃષ્ણા નાં બન્ને દીકરા ના ડાબા કાંડા પર પણ એવું નિશાન હોય છે…….. 

       હા! દોઢ વર્ષ પહેલાં પેટી માંથી તૃષ્ણા નહી, કૃષ્ણા પાછી આવી હતી……………. 
સમાપ્ત 
તો મિત્રો! આ રેસિપી બૂક નો અંતિમ ભાગ હતો. હા આ ભાગ થોડો લાંબો થઈ ગયો પણ હું સસ્પેન્સ તોડવા નહોતી માંગતી….. 

પ્લીઝ કમેન્ટ કરી ને જણાવો કે તમને મારી આ નાનકડી 12 પાર્ટ ની સ્ટોરી કેવી લાગી…. 

તમારા બધાં નાં પ્રેમ અને સપોર્ટ વિના આ વાર્તા અધૂરી રહેશે….સૌ  વાચક મિત્રો નો દિલ થી આભાર…. 


રેટ કરો અને રિવ્યુ આપો

Patel Reshma

Patel Reshma 4 માસ પહેલા

NUSRATJAHA SHEIKH

NUSRATJAHA SHEIKH 10 માસ પહેલા

Maitri

Maitri 10 માસ પહેલા

Jankhana

Jankhana 11 માસ પહેલા

Saurin Dashadia

Saurin Dashadia 11 માસ પહેલા