મૃત્યુ પછીનું જીવન—૨૯
આપણે ગયાં અંકમાં જોયું કે કેશુભાની ગાડી માં બેસી રાઘવ રશીદના બંગલા પર પહોંચે છે અને એને ખુબ આઘાત લાગે છે, જયારે એ જાણે છે કે એનો સૌથી ખાસ માણસ કેશુભા રસીદનો રોકેલો માણસ છે, હવે આગળ વાંચો......
૧૫ બાય ૧૫ ની વિશાળ ઓફિસનાં કોર્નર પર, વોલ સાઈઝની બારી માંથી આવતાં સૂર્ય કિરણો, વોલ પર લગાવેલી પેઈન્ટીન્ગસ પર પડતાં જ નિયોન કલર્સથી બનાવેલાં એ ત્રણ પેઈન્ટીન્ગસ વધુ ઝળકી રહ્યાં. ત્રણેય પેઈન્ટીન્ગસ એક હરોળમાં લગાવેલાં હતાં. પહેલું પેઈન્ટીન્ગ ઘોડાઓની દોડમાં એક સૌથી આગળ દોડતાં ઘોડાનું હતું. બીજું પેઈન્ટીન્ગમાં ગાંધીજી, સરદાર અને નહેરુનાં હેન્ડમેડ સ્કેચ હતા. અને ત્રીજું પેઈન્ટીન્ગ થોડું અલગ હતું; મોટાં વિશાળ ખડક જેવા પથ્થરોની વચ્ચેથી નીકળતું નાનું ઝરણું અને એની આજુબાજુમાંથી નીકળતી નાની, એકદમ લીલી વેલની કુંપણ...આ ત્રણ પેઈન્ટીન્ગસ વાળી વોલને અડીને સોફા રાખવામાં આવ્યાં તા. અને સામે સેન્ટર ટેબલ પર ફ્લાવર પોટમાં સજાવેલ તાજા ઓર્ચિડસ સુગંધ ફેલાવી રહ્યાં તા.
આવતાંની સાથે જ સામેની વોલ પર મુંબઈ પોલીસનો લોગો અને અને નીચે સત્યમેવ જયતેનું સિમ્બોલ ચમકી રહ્યું તું. એક વિશાળ ટેબલ પાછળની ચેર પર શરીર અક્કડ રાખીને બેઠેલ,મજબુત બાંધો અને સોહામણો ચહેરો ધરાવતાં, ખાખી યુનિફોર્મમાં સજ્જ એસીપી સુજીત રોય , ચેર આમથી તેમ ફેરવતાં ફેરવતાં સામે આવેલાં યુવકને આવકારતાં બોલ્યો,
“અરે, સમીરબેટા...તું ? સુજીતનું અક્કડ શરીર નરમ થઇ થોડું આગળ ઝૂક્યું. કાલે રાત્રે જ આવ્યો હું દિલ્હીથી, અને સાંભળ્યું કે...પછી અટકી ગયો. ''ઘણો અફસોસ થયો ,શોકસભા પણ હાજર રહી ન શક્યો. આવ બેસ, બોલ, શું મદદ કરી શકું તારી?’’
સમીરે આવતાંની સાથે જ સુજીતનાં હાથમાં એક રીપોર્ટ પકડાવ્યો અને ચેર પર બેસતાં બોલ્યો,
“અંકલ , હવે બધું તમારા જ હાથમાં છે, પાપાનું સમ્માન કહો કે પાપાની ધરોહર કહો કે અમારું ઘર...હમણાં નહી સચવાશે તો આ બધું રસ્તા પર આવી જશે...”
સુજીત એકીટશે સમીર સામે જોતો રહ્યો, કંઈ સમજવાની કોશિશમાં અને પછી સમીરે આપેલાં રીપોર્ટ પર નજર ફેરવતો રહ્યો.
“તો આ ફોરેન્સિક લેબનાં રીપોર્ટ અનુસાર મોર્ગેજ પેપર્સ પર કરાયેલ સિગ્નેચર રાઘવની નથી, પણ તમારા પાર્ટનર કેશુભાની છે !”
“હમમ, હવે આગળનો દિશા તમે જ બતાવો,અંકલ.”
“ઠીક છે, સમીર...તું આ રીપોર્ટ મુકીને જા, લેટ મી થીંક અબાઉટ ઈટ.”
સમીર માટે મંગાવેલ ચા પીને એ જવા ઊભો થયો. એના વર્તન પરથી દેખાતું હતું કે એ સુજીત સાથે એટલો ક્લોઝ નથી. પણ પોલીસ ડીપાર્ટમેંટમાં એનાથી વધુ કોઈ પર એને ભરોસો નહોતો; કારણ બીજા બધાં સાથે કેશુભાએ સારા સંબંધ બનાવ્યાં હતાં ,એ લોકો એ રીપોર્ટને ગાયબ પણ કરી શકે . પણ એને ખબર હતી કે એ.સી.પી. સુજીત પાપાના નાનપણનાં દોસ્ત હતાં.
સમીર ઊભો થઈને સુજીત સાથે હેન્ડ શેક કરી નીકળ્યો. ગરદન સહેજ સાઈડ પર ઝુકાવી ‘‘બાય અંકલ’’ કહીને દરવાજા તરફ જતાં સમીરને જોઇને સુજીત ચોંકી ગયો, એને એક સેકન્ડ એમ લાગ્યું કે જાણે એનો લંગોટીયો દોસ્ત રાઘવ જઈ રહ્યો છે. એ જ ગરદન સહેજ સાઈડ કરીને બોલવાની સ્ટાઇલ, એ જ ચાલ , એ જ ઉમળકો...આ સમીર હતો કે રાઘવ? દીકરામાં બાપની ઘણી આદતો અનાયાસે આવી જતી હોય છે. એણે દરવાજો છોડીને જતાં સમીરને ફરી આંખો ચોળીને ધ્યાનથી જોયો. એને કેમ જાણે રાઘવના હોવાનો આભાસ થતો હતો? એને ખુબ જ તીવ્રતાથી રાઘવની યાદ આવી ગઈ, એ નિર્દોષ દોસ્તીની ....કદાચ એની જીંદગીનો એક માત્ર એવો સંબંધ, જેમાં કોઈ જ સ્વાર્થ નહોતો. ફરી આજે એ અનમોલ પળો એને યાદ આવી રહી હતી. અને જાણે પથ્થર બની ગયેલી આંખોના એક ખુણે લાગણીનું એક બુંદ ઉપસી આવ્યું.
એણે કેટલાય વર્ષોથી કોઈ સાથે વ્યક્તિગત સંબંધ જ ન રાખ્યાં, પોલીસની જોબને લીધે કે કોઈ અન્ય કારણ થી; ખબર નહીં કેમ, પણ વર્ષોથી દિલના દરવાજા એકદમ જોરથી બંધ કરી રાખ્યાં તા, જ્યાં કોઈને આવવા નહીં દેતો. હીના સાથે પણ એક અંતર રાખીને રહેતો એ. અને અચાનક કોઈ આ દરવાજાઓ જોર જોરથી ઠોકી રહ્યું હતું...
પણ એ. સી. પી.ની પોસ્ટ પર પહોંચ્યા પછી એક માણસને લાગણીશીલ બનવાનો અધિકાર નથી રહેતો જાણે...દિલ્હીથી આવ્યાં પછી ઘણું કામ માથે ચઢી ગયેલું..એ આખો દિવસ કામમાં ખોવાયેલો રહ્યો. છેક મોડી રાત્રે ઘરે આવ્યો, ટેબલ પર ઢાંકેલી થાળી અવનમાં ગરમ કરી જમી લીધું. ઘણી વાર એ મોડો આવતો,તો કોઈને ઉઠાડતો નહીં.
સુજીત એ રાત્રે ઊંઘી ન શક્યો. પલંગ પરથી ઉઠીને આવ્યો લાઈબ્રેરીમાં. એની ખાસ રોકીંગ ચેર પર બેઠો. સમજી ન શકયો કે દિવસ આખો એ આમ બેચેન કેમ રહ્યો, કંઇક એને હલાવી રહ્યું છે, પરેશાન કરી રહ્યું છે, આ શું થાય છે ? આ લેવલ પર પહોંચવા માટે એણે ખુબ જ સ્ટેબલ માઈન્ડ અને સ્ટ્રોંગ બોડી બનાવ્યું તું. દિવસ ભરની નાની મોટી ઘટના ક્યારેય એને હલાવી શકતી નહીં .અને આજે આમ...એ રોકીંગ ચેર પર ઝૂલતો રહ્યો આંખો બંધ કરીને...બે પાંચ મિનિટ....અને અચાનક એ પહોંચી ગયો, નાનપણની યાદો નાં ઝૂલા પર...જ્યાં એ રાઘવ, મોના, હીના, સલીમ ....બધા જ સાથે એક મોટાં લાંબા પાટિયાના હીંચકા પર લાંબા લાંબા ઝૂલા ખાઈ રહ્યાં હતાં. અને બા અંદરથી જોર જોર થી બુમો પાડી રહી હતી, ‘બસ કરો હવે...’ પણ સૌ બાળપણની એ અવિસ્મરણીય હીંચકાવાળી ઉડાન માણવામાં વ્યસ્ત હતાં. અને સુજીતનાં શરીરને ઠંડી હવા જેવો મખમલી મીઠો અહેસાસનો અનુભવ થયો. એને સારું લાગ્યું. હવે ખ્યાલ આવ્યો કે બાળપણની યાદો જોર જોર થી દરવાજા ઠોકી રહી તી ...અને સવારથી એનું દિલ રાઘવને યાદ કરવા એને મજબુર કરી રહ્યું તું. સમીર ગયો , પછી એ કામમાં વ્યસ્ત તો થઇ ગયો, પણ અંદરથી કશું પલળતું તું,ઉગતું તું, પેલી ઓફિસની પેઇનટીંગ માં દેખાતી કુંપણ જેવું...... જેને એ બહાર નહોતો આવવા દેતો; પણ લાગણીઓ, પાણી, કુદરત ...ગમે ત્યાંથી રસ્તો કરી ઉગી જ નીકળે છે , માણસ એને રોકી નથી શકતો...!
એને રાઘવ યાદ આવી રહ્યો તો ,આજે .મરતા પહેલાં મારા લંગોટીયા દોસ્તને મળી પણ ન શક્યો હું. અને હવે અફ્સોસ કરવાં સિવાય કઈ જ નથી, મારા હાથમાં..! અરે કેટલાં વર્ષો હું દૂર રહ્યો. યાદ પણ નથી કેમ અને ક્યારે , હું એની સાથે કોઈ હરીફાઈમાં પડી ગયો. જે થયું, ડેસ્ટીનીનાં ખેલ હતાં, એમાં એનો તો કોઈ વાંક જ નહોતો. એને હીના અમારા લગ્ન પહેલાં ગમતી તી, પણ લગ્ન પછી એણે ક્યારેય હીના તરફ જોયું પણ નથી. તો હું શું કામ એની સાથે હાઇડ એન સીક રમતો રહ્યો? કદાચ હીના સામે, હું રાઘવ થી આગળ છું, રાઘવ કરતાં સારો છું કે એનાથી વિશેષ છું ..એમ બતાવવાની કોશિશમાં એવો વ્યસ્ત થઇ ગયો કે હીનાને પ્રેમ કરવાનું પણ ભુલી ગયો. હીનાને મેં મેળવી તો લીધી, પણ એ ક્યાં જોયું કે એ મારી સાથે શરીરથી છે કે મનથી પણ ?
ઓ ભગવાન ....! મેં આ શું કર્યું? મિત્ર પણ ગુમાવ્યો અને પ્રેમીકા પણ ...હવે કઈ રીતે મારા આ દોસ્તનું ઋણ ચુકવું, સમજાતું નથી..રાત્રે ૨ વાગ્યા સુધી સુજીત રોકીંગ ચેર પર ઝૂલતો રહ્યો...પછી કંઈ રસ્તો મળ્યો હોય એમ, સવારે સમીરને ફોન કરવાનું નક્કી કરી બેડરૂમમાં જઈ સુઈ ગયો....
--અમીષા રાવલ
ALL RIGHTS RESERVED OF THIS BOOK
@UNDER TRADE MARK .
THOSE WHO WILL COPY THIS,
WOULD BE UNDER LEGAL ACTIONS.