"જી, તમે તમારાથી થાય એ કરી શકો છો, મારું પોસ્ટિંગ લદ્દાખમાં થશે તો પણ કામ તો જે અંહી કરું છું એ જ કરીશ. મારા આદર્શો મને મુબારક, એમાં તમારે કશી લેવાદેવા નથી." હોસ્પિટલના બેડ પર પણ ફોનમાં અનિરુદ્ધ એનો ગુસ્સો પ્રગટ કરી રહ્યો હતો.
એનો ફોન લઈ લેતા દાદાજી બોલ્યા, "પહેલી વાત, તારે અત્યારે આરામની જરૂર છે. બીજી કે, બેટા! તારા આદર્શો સાચા છે, પરંતુ હવે તારી સાથે એક સ્ત્રી જોડાવા જઈ રહી છે, તારા આદર્શો તારી અને તારી પત્ની માટે જોખમી ન બને એ જોજે. બી પ્રેક્ટીકલ."
અનિરુદ્ધની તબિયત સારી થઈ ગઈ હતી, આરામ કરવો એને પોષાય તેમ ન હતો કારણ કે નવું પોસ્ટિંગ થયું હોવાથી કામ ખૂબ હતું. અનિરુદ્ધને એક સાથે બે જિલ્લાઓ ના હવાલા મળ્યા હતા, એ ઘેર આવી ગયો.
ઘેર પહોંચતા જ એણે નજર બધી ફેરવી પરંતુ આર્યા દેખાઈ નહીં, ઘરના બધા સભ્યો જમા થઈ ગયા હતા. જે કશું જાણતા ન હતા એ બધાને અનિરુદ્ધની જેમ જ આર્યાની ગેરહાજરીથી નવાઈ લાગી રહી હતી.
"આર્યા ક્યાં છે?"
"હું તો એ છોકરીને પહેલે દિવસે જોઈને સમજી ગઈ હતી કે આના લક્ષણો સારા નથી, એણે પોતે જ અનિરુદ્ધનો ખોરાક બગાડ્યો અને પછી ડર લાગતા જતી રહી હશે." દાદીજીએ કહ્યું.
"બરાબર, પણ મને એથી ઊલટું લાગતું હતું. એ છોકરી અનિરુદ્ધ માટે શ્રેષ્ઠ છે અને એ વાત હું હજી પણ કહી શકું છું. માત્ર એ શા માટે અહીંથી જતી રહી એ બાબતે જ શંકા છે." અનિરુદ્ધના પિતા બોલ્યા.
અનિરુદ્ધ રીવા સામે ફર્યો, "એ તો તારી ખાસ છે ને! કહે, એ ક્યાં ગઈ છે?"
જવાબમાં રીવાએ દાદી સામે જોયું અને પછી નીચું જોઈ ગઈ.
"કોઈથી ડરીશ નહીં, જે સાચું હોય એ જ કહેજે."
"જી ભાઈ, દાદીજીએ એને કહ્યું કે એણે જે કર્યું તે જાણી જોઈને કર્યું છે. આવું કર્યા પછી એણે અહીં ઊભું પણ રહેવું જોઈએ નહીં."
સાંભળતા જ અનિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો, એ ઊભો હતો ત્યાં ટેબલ પર ફ્લાવરવાઝ પડેલો હતો એ એણે જોરથી પછાડ્યો. એ મોટાઓનુ માન જાળવતો પરંતુ દાદી એ જે કર્યું હતું એના કારણે એને ગુસ્સો આવી રહ્યો હતો.
એ પોતાની ગાડીની ચાવી લઇને ચાલતો થયો.
"અનિરુદ્ધ, બેટા તારી તબિયત..." દાદીજીએ કહ્યું પરંતુ અનિરુદ્ધે એમના સામે જોયું પણ નહીં.
"અનિરુદ્ધ, એને લીધા વગર આવતો નહીં." દાદાજીનો પહાડી અવાજ સંભળાયો. દાદીજી નીચે જોઇને ઊભા રહ્યા.
***
અનિરુદ્ધ અંહી આવ્યો હતો એને માત્ર થોડા જ દિવસો થયા હતા પરંતુ એનું નેટવર્ક ખૂબ સારું હતું. એણે પોતાના માણસો ને ફોન કરી દીધા અને થોડી જ મિનિટોમાં એમણે આર્યાના બંધ ફોનનું પણ લોકેશન શોધી કાઢ્યું.
આર્યા ગુજરાત જતી બસમાં બેસી ગઈ હતી, અનિરુદ્ધ એનો રૂટ જાણી ને એની પાછળ ગાડી દોડાવી. અનિરુદ્ધ એ પોતાની ગાડી પુરપાટ દોડાવી અને પેલી બસને વટાવી દીધી, આગળ જઈને ગાડી ઊભી રાખી.
બસ ઊભી રહી ગઈ. ડ્રાઈવર અનિરુદ્ધની ગાડીના બોર્ડ પરથી સમજી ગયો કે એ કલેક્ટર પોતે છે. એ અને કંડકટર નીચે ઊતર્યા. અનિરુદ્ધ બસમાં ચઢ્યો. એણે આર્યાને શોધી કાઢી. બધા માણસો એ લોકો સામે જોઈ રહ્યા, આર્યા શું કહે છે એ સાંભળ્યા વગર અનિરુદ્ધે એનો હાથ પકડ્યો અને એને નીચે ઉતારી.
"માફ કરજો સાહેબ, આ બહેનનો કંઈ ગુનો છે કે તમારે પોતાને આવવું પડ્યું?"
. "હા, એ આતંકવાદી છે અને મારાથી બચીને ભાગી રહી હતી. પણ બધા જ જાણે છે કે અનિરુદ્ધથી ભાગી ને કોઈ જઈ શકતું નથી. હવે તમે લોકો જઈ શકો છો."
એ લોકોના ગયા પછી આર્યાએ કહ્યું,
"સર પ્લીઝ... મને જવા દો, એક અનાથ છોકરી કદી મહેલની રાણી બની ન શકે. અમે તો અનાથઆશ્રમમાં જ શોભીએ. હું નથી ઈચ્છતી કે આપણા બન્નેના લગ્ન તમારા વડીલોની નારાજગીથી થાય."
"પહેલી વાત તો એ કે હું તારો સર નથી, કોઈ પોતાના થનાર પતિને સર કહે? બીજી વાત એ કે હવે પછી તારે આવું કોઈ કામ કરવાનું નથી. કોઈ અનાથ છોકરી કોઈના હૃદયની રાણી બની શકતી હોય તો મહેલની કેમ નહીં?"
"મેં ખરેખર તમારા ભોજનમાં કશું ભેળવ્યું ન હતું."આર્યાએ એકદમ ભોળાભાવે કહ્યું.
"જીવ તો તે મારો કેટલાય દિવસથી લઈ જ લીધો છે.
હવે તું ઝેર ભેળવે તો પણ શું?" કહીને અનિરુદ્ધ હસ્યો
"મને માફ કરજો પણ એક પણ વડીલના આશીર્વાદ વગર તમારી સાથે જોડાઈ ન શકું, વાત તમારા ભોજનમાં બગાડ કરીને તમારી તબિયત ખરાબ કરવાની નથી, વાત છે આપણા સંબંધના સ્વીકારની. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા કોઈપણ વડીલ તમારાથી નારાજ રહે."
"તારી આવી જ વાતો મને તારી સાથે જોડી રાખે છે."
એ આર્યા પાસે ગયો અને એકદમ પ્રેમાળ સ્વરે પૂછ્યું,
"તું આવે છે કે મારે તને ઉંચકીને લઈ જવી પડશે?"
આર્યા શરમાઈ અને ગાડીમાં જઈને બેસી ગઈ.
***
આખરે અનિરુદ્ધ-આર્યાના લગ્ન આવી પહોંચ્યા, દાદીજી હજુ પણ હાર માનવા તૈયાર ન હતા. અનિરુદ્ધે એમનું માન રાખ્યું અને એણે આર્યા સાથે ગેરવર્તન કર્યું છતાં પણ એમને કશું કહ્યું ન હતું.
બધાનો આનંદ ચરમસીમાએ હતો એવી જ રીતે અનન્યાની હતાશા પણ ચરમસીમાએ હતી, એની હતાશાએ એને કંઈ પણ કરવા પ્રેરી.
લગ્ન પહેલાના બધા ફંક્શન શરૂ થઈ રહ્યા હતા, સંગીતનું ફંકશન હતું, આર્યાના અને અનિરુદ્ધના બધા જ કપડા ટોપ ડિઝાઇનર પાસે તૈયાર કરાવ્યા હતા. આર્યા માટે તો આ એકદમ સ્વર્ગની અનુભૂતિ હતી. તેણે પોતાના સ્વપ્નમાં પણ કદી વિચાર્યું ન હતું કે એને આટલો સ્વીકાર અને આટલો આનંદ પણ મળશે.
અનન્યાને આર્યા પ્રત્યે ભલે નફરત હતી પરંતુ એણે સંગીતની ઇવેન્ટનું ડેકોરેશન પોતાનો જીવ રેડીને કર્યું હતું. એના મનમાં હતું કે સંગીત ભલે અનિરુદ્ધ અને આર્યા નું થાય, પણ લગ્ન તો પોતાના અને અનિરુદ્ધના જ થશે. મોટા ઊંચા સ્ટેજ પર એક હિંડોળો બનાવવામાં આવ્યો હતો, કુદરતી ફૂલો વડે સુશોભિત હિંડોળા પર અનિરુદ્ધ અને આર્યા બેઠા.
મહેમાનોનો પાર ન હતો, રાજવી કુટુંબ હોવાને કારણે દેશના અગ્રણી માણસો હાજર હતા તો વળી અનિરુદ્ધના કારણે શ્રેષ્ઠ ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા હતા. જે ક્ષણની કંઈ કેટલીયે યુવતીઓએ રાહ જોઈ હતી એ ક્ષણ આર્યાને પ્રાપ્ત થઈ હતી.
મહેલના મોટા ચોગાનમાં બધા આર્યા માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ આર્યા અને રીવા આવી. કોઇની નજરો આર્યા પરથી હટતી જ ન હતી. આર્યાની ગુલાબી ચામડી સાથે ગુલાબી ચોલી ભળી જતી હતી. તેનું કુદરતી સૌંદર્ય ઘરેણાં સાથે ભળીને ખીલી ઉઠ્યું હતું. જાણે આકાશમાંથી ઉતરેલી કોઈ અપ્સરા કે પરી હોય એમ એ શોભતી હતી.
આર્યા જઈને અનિરુદ્ધ પાસે બેઠી, બંનેની નજરો મળી અને આર્યાની નજરો નીચી નમી.
"યુ આર ધ ફાઈનલ ડેસ્ટિનેશન ઓફ માય લાઈફ. તું નહિ હોય તો હું પણ નહીં હોઉં, તું છે તો હું છું."
"બસ કરો કલેક્ટર સાહેબ, અત્યારે તમને આ શી વાતો સૂઝી છે." આર્યાના ચહેરા પર શરમના શેરડા પડવા લાગ્યા.
"આહ.... આ નવું સંબોધન તો મને ખૂબ ગમ્યું. પણ ધાર કે હું કલેક્ટર ના રહું તો તું મને શું સંબોધન કરશે?"
"મારી સગી નણંદના વીરા.." કહીને આર્યા હસી અને અનિરુદ્ધ પણ હસી પડ્યો.
"તારા માટે એક સરપ્રાઈઝ છે."
"શું.?"
"ત્યાં સામે જો."
આર્યાએ જોયું અને એ ખુબ જ ખુશ થઈ ગઈ કારણ કે માયાબહેન આવ્યા હતા, આર્યાની સખીઓને લઈને. અને લાવ્યા હતા સાથે અપાર શક્યતાઓ જે કંઈક નવીન પરિસ્થિતિ સર્જનાર હતી.
ક્રમશઃ