tamari pase samay ketlo. books and stories free download online pdf in Gujarati

તમારી પાસે સમય કેટલો


શું આપ જાણો છો આપની પાસે જીવન જીવવા કેટલો સમય છે?. ખરેખર જીવનની મહત્વતા શું? તમને જીવવા મળેલો સમય તમારી ધારણા કરતા ઘણો જ ઓછો છે. તમને જીવવા પૂરું આયુષ્ય ભલે મળ્યું હોય, પરંતુ તમે ક્ષણિક જીવન જ જીવો છો. તમે હરેક પળ મૃત્યુની સમીપ પહોંચી રહ્યા છો. જીવનમાં સમય અને મૃત્યુની વાસ્તવિકતા આપ સમક્ષ રજુ કરું છું. આભાર.



વૃદ્ધત્વની સીમાએ પહોંચેલ એક 60 વર્ષનો અમીર વ્યક્તિ, હોસ્પિટલના એક કમરામાં અંતિમ શ્વાસોનો સાક્ષી બની રહ્યો છે. તેનો સંપૂર્ણ પરિવાર ભારે હૈયે પોતાનાં વડીલને વિદાય આપવા કમરામાં હાજર છે. અંતિમ ઘડી નજીક આવી રહી છે. મૃત્યુ સમીપ છે. અથાક પ્રયત્નોના અંતે પોતાના દર્દીના શ્વાસોને લંબાવવાની તમામ આશા અપેક્ષાઓ ડોકટરોએ છોડી દીધી છે.પોતાના જીવનભર એકઠી કરેલી અઢળક સંપત્તિ ખર્ચવા છતાં આ અમીર વ્યક્તિ પોતાના જીવનની એક કલાક પણ લંબાવી નથી શકતો. જે પરિવાર માટે તેણે દિન રાત મહેનત કરી સંપત્તિ એકઠી કરી, તેમ છતાં પણ તે પરિવાર સાથે વધુ જીવવા એક ક્ષણ પણ નહીં ખરીદી શકે. આખરે તેના શ્વાસોનું કાઉન્ટડાઉન પૂર્ણ થવા આવ્યું.
પરંતુ અમીર વ્યક્તિના અંતિમ શ્વાસની ઘડીએ, હોસ્પિટલ બહાર ફૂટપાથ સાફ કરતો 60 વર્ષનો એક વૃદ્ધ સફાઈ કામદાર, પોતાની પાસે કંઈજ સંપત્તિ ન હોવા છતાં તેને પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે, પૌત્રો સાથે બે પળ, એક દિવસ કે વધુ સમય જીવવા મળે છે , એક પણ રૂપિયો કે સંપત્તિનો ખર્ચો કર્યા વિના. એક વૃદ્ધ અમીર વ્યક્તિ તેની અઢળક સંપતિ ખર્ચવા છતાં તે જીવવની એક ક્ષણ પણ જીવવા મેળવી નથી શકતો. જ્યારે તેના જેટલી જ ઉંમરનો એક વૃદ્ધ સફાઈ કામદારને એક પણ રૂપિયો ખર્ચ્યા વિના જીવનની અનેક ક્ષણો જીવવા મળે છે, નિઃશુલ્ક. તો જીવનની ખરી સંપત્તિ કઈ? જીવનની ક્ષણ કે સંપત્તિ ?
જીવનનો મહત્તમ ભાગ તમે જે પ્રાપ્ત કરવામાં વિતાવ્યો એ સંપત્તિ જો તમને જીવનની બે ઘડી વધુ જીવવા ન આપી શકે, તો એ સંપત્તિ પાછળ જીવન વ્યતીત કરવાનો તાત્પર્ય શુ ? કોઈ પણ સત્તા, સંપતિ કે સફળતા પ્રાપ્તિ વિના, જો કોઈ વ્યક્તિ જીવનની અમુક ક્ષણોને વધુ જીવી શકતો હોય, તો એ જીવન નિરર્થક, નિષ્ફળ શા માટે ? ખરો અમીર કોણ ? સંપતિવાન કે સમયવાન ?
સમાજ વ્યવસ્થા અને વ્યક્તિગત સ્પર્ધાના મોહમાં આપણે જીવનને સંપત્તિનો એવો શણગાર કર્યો છે કે આપણે જીવનના વાસ્તવિક લક્ષ્ય અને અર્થેને જ ચુકી ગયા છીએ. આપણા જીવનની ખરી મૂડી એકઠી કરેલી સંપત્તિ નહીં, પરંતુ જીવન અનુભવ કરવા મળેલો સમય છે. કબ્રસ્તાનના કોઈ મડદાને પૂછી જોજો, જે જીવનની એક ક્ષણ જીવવા કઈ પણ કુરબાન કરવા તત્પર હશે.
તમારા પ્રથમ શ્વાસથી અંતિમ શ્વાસ સુધી, પ્રાપ્ત થયેલા સમયમાં પ્રત્યેક ક્ષણનો અનુભવ જ જીવન છે. પરંતુ આ સમયનું રોકાણ તમે ક્યાં કાર્યોમાં કરો છો, એ જ તમારા જીવનની ગુણવતા નિર્ધારિત કરશે.
સામાન્ય રીતે લોકો પ્રાપ્તિના આશયથી પોતાના જીવનના સમયને આ બે પ્રકારના કર્યો કરવામાં વ્યતીત કરે છે.
ધન,સંપત્તિ, સત્તા અને યશ પ્રાપ્તિના કાર્યોમાં અમુક લોકો જીવનસમય વ્યતીત કરે છે. જેનું પ્રેરકબળ સ્વાર્થ, ઈર્ષ્યા, લોભ, લાલચ, અને મોહ છે. જેનાથી વ્યક્તિને શરીર અને મનનું ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે, સંતોષ નહિ.
જ્યારે અમુક લોકો પરિવાર અને સમાજના અસક્ષમ, નિસહાય, નિર્બળ, દુઃખી, પીડિત લોકોના જીવનને સુખમય, પ્રગતિશીલ, અને સમસ્યાવિહીન બનાવવાના પ્રયત્નોમાં જીવનનો સમય વિતાવે છે. જેનું પ્રેરકબળ પ્રેમ, કરુણા, સમર્પણ,સદભાવ અને પરમાર્થ હોય છે. જેનાથી વ્યક્તિને અંતરનો આંનદ અને મનનો સંતોષ પ્રાપ્ત થાય છે.
તમારા જીવનમાં થતા અનુભવો તમારા નિર્ણય અને સમજદારી પર આધાર રાખે છે. તમે જીવનને કેવી રીતે વ્યતીત કરશો એ અનિશ્ચિત છે. પરંતુ તમને જીવવા મળેલો સમય તો પૂર્ણરૂપે નિશ્ચિત છે. અહીં પ્રશ્ન એ નથી કે તમે કેટલું જીવશો, લાબું જીવન કે ટૂંકું જીવન. પરંતુ અહીં મુદ્દાની વાત એ છે કે તમને પ્રાપ્ત થયેલા નિશ્ચિત જીવનસમયને તમે કેવી રીતે જીવો છો.
પરંતુ જીવનમાં પ્રાપ્ત થયેલ નિશ્ચિત સમયમાં કેવી રીતે જીવવું, એ સમજતા પહેલા, ખરેખર સમય વાસ્તવિકરૂપે શુ છે, એ જાણવું અત્યંત આવશ્યક છે.

* ખરેખર સમય એટલે શું ?

ગોળાકાર ઘડિયાળ આકૃતિમાં ગોળગોળ ફરતા ત્રણ કાંટા સમય નથી. એ સમયનું માપન છે. જેમ લીટર પાણી નથી, કિલોગ્રામ કોઈ વસ્તુ નથી, મીટર કિલોમીટર જમીન નથી, તેમ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ વગેરે સમય નથી, સમયનું માપન છે. આપણે ઘડિયાળ અને કેલેન્ડરને જ સમય સમજીએ છીએ. રોજબરોજની ક્રિયાઓને ક્રમબદ્ધ કરવા માટે મનુષ્યે આ ઘડિયાળની વ્યવસ્થા વિકસાવી છે. ઘડિયાળ અને કેલેન્ડર સમય નથી, જીવન નથી. સમયનું બંધારણ ચક્રીય નથી. સમયનો સ્વભાવ સીધી રેખા છે. સતત આગળ વધતી સીધી રેખાનું સતત માપન કરવું અશક્ય છે. તેથી આપણે સમયનું માપન ચક્રીય આકૃતિ થકી કરીએ છીએ. સમય અચળ ગતિએ આગળ ધપે જાય છે. તમે સમયની આગળ પણ ન જઈ શકો. સમયની પાછળ પણ ન રહી શકો. તમે ફક્ત મજબૂરીપૂર્વક સમયની સાથે જીવી શકો.
તમે મહેનત કરો કે આરામ, પ્રયત્ન કરો કે આળસ, સમય તમારા નિર્ણયો કે પરિસ્થિતિઓની રાહ નથી જોતો. તમે રડો કે હસો, ઝઘડો કે પ્રેમ કરો, સુખી થાઓ કે દુઃખી, સમય ક્યારેય થોભતો નથી, ધીમો થતો નથી. સમય પૂર્ણ નિષ્પક્ષરૂપે પોતાની શાશ્વત ગતિએ આગળ ધપે જાય છે. આવનારા ભવિષ્યમાં અનુકૂળ પરિણામ માટે, વર્તમાનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો કે નહીં, એ તમારા પર આધારિત છે, સમય પર નહિ. આજની વીતેલી ક્ષણ ફરી પાછી આવતીકાલે કયારેય આવવાની નથી. સમય ગોળાકાર ગતિ નથી કરતો, એ સીધી રેખામાં આગળ વધે છે. આજે જે કાંટો ઘડિયાળના આંકડા પર છે, ફક્ત એ કાંટો જ આવતી કાલે ફરી એ આંકડા પર આવશે, પરંતુ સમય નહિ. આજે વીતેલી કોઈ ક્ષણ ફરી પાછી ક્યારેય આવતી નથી. ટ્રેનમાં એક સ્ટેશન પરથી પસાર થાય બાદ એવી આશા રાખવી કે એ જ સ્ટેશન ફરી આગળ આવશે, એ જ આપણી અણસમજણ અને સૌથી મોટો ભ્રમ છે.
કોઈ કહે મારી પાસે સમય નથી. તો કોઈ કહે મારી પાસે સમય જ સમય છે. કોઈ કહે મારો સમય ખરાબ છે. તો કોઈ કહે સમય સારો છે. યાદ રાખો, સમય એ કોઈ વસ્તુ કે પદાર્થ નથી કે જેને તમે ગુમાવી શકો, કે જેને તમે એકઠું કરી પાસે રાખી શકો, અને કહો કે મારી પાસે સમય છે. તમારી પાસે માત્ર ભવિષ્યની અનિશ્ચિત કલ્પના છે, સમય નહિ.
કોઈ ક્રિયા કરવા માટે સમય ક્યારેય પણ અનુકૂળ કે પ્રતિકૂળ નથી હોતો, એ ક્રિયા કરવાની તમારી ઈચ્છા જ પ્રબળ કે નિર્બળ હોય છે. સમય ક્યારેય સારો કે ખરાબ નથી હોતો, સમયની એ ક્ષણે તમારી લાગણીઓનો અનુભવ જ સારો કે ખરાબ હોય છે. જીવન જીવવા ક્યારેય સમય વધુ કે ઓછો નથી હોતો. જીવનમાં પ્રાપ્ત કરવાની અપેક્ષાઓ જ વધુ કે ઓછી હોય છે. જીવનની કોઈ ક્ષણે લીધેલા નિર્ણયો અને કરેલા પ્રયત્નો જ તમારા જીવનની ગુણવતા નક્કી કરશે, સમય નહિ. માર્ટિન લ્યુથર કિંગે કહ્યું છે, " યોગ્ય કાર્ય કરવા સમય હંમેશા યોગ્ય જ હોય છે." અનુકૂળતા કે પ્રતિકૂળતા સમયની નહિ તમારી આંતરિક સ્થિતિની હોય છે. જ્યારે તમે વિચારો કે મારી પાસે હજુ સમય છે, એ જ ક્ષણે તમે તમારા હાથમાંથી સમય ગુમાવી બેઠા છો. તમને જીવવા માટે મળેલો સમય તમારા અનુમાન કરતા ઘણો ઓછો છે.

* પરંતુ ખરેખર જીવવા માટે તમારી પાસે સમય કેટલો ?

ધારોકે તમે સામાન્યતઃ 70 વર્ષનું આયુષ્ય ધરાવો છો. આ 70 વર્ષના આયુષ્યમાં તમે,

ઊંઘમાં પ્રતિદિન 8 કલાક, 23 વર્ષ જીવનના વિતાવી દેશો.

નોકરી કામ ધંધામાં પ્રતિદિન 8 કલાક, 23 વર્ષ જીવનના વિતાવી દેશો
.
બ્રશ કરવામાં પ્રતિદિન 10 મિનિટ, 6 મહિના જીવનના વીતી જશે.

જીવનના પ્રથમ 7 વર્ષ અને અંતિમ 5 વર્ષ બેસહરા અને અશક્ત અવસ્થામાં વીતી જશે.

તમારા સંપૂર્ણ 70 વર્ષના આયુષ્યમાં લગભગ 60 વર્ષ જેટલું આયુષ્ય તમે માત્ર ને માત્ર જીવનને ટાકાવવાના પ્રયત્નોમાં જ વિતાવી દેશો.તો ખરેખર તમે જીવો છો કેટલું ? આશ્ચર્યની વાત એ છે કે, વાસ્તવિક રીતે જીવનને જીવવા, અનુભવ કરવા, સપનાઓ સાકાર કરવા, જીવનને મહત્વપૂર્ણ બનાવવા, કંઈક આદર્શ પ્રાપ્ત કરવા માત્ર 10 વર્ષ જેટલો જ આંશિક સમય હોય છે તમારી પાસે. તમે જેટલું માનો છો તેટલું જીવન તમારી પાસે નથી. અહીં તમે જીવનને જીવિત રાખવાના સંઘર્ષ માટે કેટલો સમય ફાળવો છો એ મહત્વપૂર્ણ નથી, એ જરૂરીયાત છે. પરંતુ તમને જીવવા મળેલા અન્ય આંશિક સમયને તમે કેવી રીતે જીવો છો , વિતાવો છો એ મહત્વપૂર્ણ છે.
પરંતુ વાસ્તવિકરૂપે સંઘર્ષ સિવાય, જીવન જીવવા મળેલા આ આંશિક ક્ષણિક સમયને આપણે કેવી રીતે વિતાવીએ છીએ ? આધુનિકતાની આંધળી સ્પર્ધામાં આપણા જીવનની નાવ કઈ દિશામાં જઈ રહી છે ? આપણે આ ક્ષણિક જીવનને કઈ રીતે વેડફીએ છીએ?
ફક્ત બે ઘડીની ખોખલી સહાનુભૂતિ મેળવવા, કોપી પેસ્ટ કરેલા અન્યોના લાગણીશીલ બનાવતી સ્ટેટસોને જોવામાં આપણે જીવનની કિંમતી ક્ષણોને વેડફાએ છીએ. જે લોકો ક્યારેય આપણને મળ્યા નથી, જે લોકો સાથે માત્ર એક ફોલો રિકવેસ્ટનો સંબંધ છે, તે લોકોના બનાવતી ફિલ્ટર્ડ ફોટોને લાઈક કમેન્ટ કરવામાં જીવનની ક્ષણોને વિતાવીએ. સોશ્યલ મીડિયામાં પરસ્પર લાઈક કરવાના રિવાજને મજબૂરીપૂર્વક અનુસરવામાં જીવનની કિંમતી ક્ષણો વેડફાએ છીએ. આપણા જીવનના ભાગરૂપ આપણી સાથે રહેતા સ્નેહીજનો સાથે જીવન અનુભવવાની મૂલ્યવાન ક્ષણોને, પરાયા સોશ્યલમિડિયાજનોને ખુબજ સસ્તામાં વેચી દઈએ. આજે આપણે પરિવારજનોની તુલનાએ ફેસબુક ફ્રેન્ડ્સની વધુ સમીપ છીએ.
આજે ઇન્ટરનેટ પર અન્યોના બનાવતી જીવનને જાણવાની લાલસામાં આપણાં ખુદના વાસ્તવિક જીવનને જોવાનું જ ભૂલી ગયા છીએ. અન્ય લોકો કેવું જીવન જીવે છે, શું વિચારે છે, અન્યો શુ ખાય છે, ક્યાં જાય છે, જીવનમાં શું પ્રાપ્ત કરે છે - અન્ય પારકા લોકોને સતત જાણતા રહેવું, શું એ જ તમારા જન્મ જીવનનું લક્ષ્ય છે ? શું તમારા જીવનની મહત્વતા આટલી ઓછા મૂલ્યની જોઈ શકે? જીવન ટાકાવવા કરેલા સંઘર્ષ બાદ પ્રાપ્ત થયેલું ક્ષણિક જીવન તમે કોના માટે વિતાવવા ઈચ્છો છો ? તમારા માટે કે અન્યો ખાતર ?
સામાન્યરીતે એક વ્યક્તિ દિવસમાં લઘુતમ 3 કલાક મોબાઈલની વ્હાઇટ સ્ક્રીનને જોઈને વિતાવી દે છે. એક મહિનામાં 90 કલાક, વર્ષમાં 1080 કલાક, અને જીવનમાં લગભગ 5 વર્ષ ( બચેલા 10 વર્ષમાંથી ) ફક્ત વ્હાઇટ સ્ક્રીનને જોઈ જોઈ વિતાવે છે. અન્યોની સેલ્ફીઝ, ફિલ્મી પોઝમાં પડેલા નાટકીય ફોટાઓ, કોપી પેસ્ટ કરેલા વિચારો, ખરેખર જે સ્ટોરી છે જ નહીં તેમ છતાં બનાવટી સ્ટોરી જોવામાં 5 વર્ષ વિતાવ્યા બાદ, તમે શું પ્રાપ્ત કરશો ? અત્યાર સુધી તમે શું પ્રાપ્ત કર્યું ? - ઈર્ષ્યા, અફસોસ, સ્વજાતનું અવમૂલ્યન, પોતાના જ જીવન પ્રત્યે ઘૃણા સિવાય કંઈ જ નહીં. કંઈક આદર્શ પ્રાપ્ત કરવા, આવડત વિકસાવવા, સ્નેહીજનો સાથે સ્નેહભરી બે પળો માણવા નવરાશની પળો ન વિતાવી શકીએ ? તમે કેટલો સમય જીવો છો, એ નહિ, પરંતુ તમે કેવી રીતે જીવન જીવો છો એ જ તમારા જીવનની મહત્વતા નક્કી કરે છે. આ ક્ષણિક જીવનને તમારે કેવી રીતે જીવવું, એ નિર્ણય કરવા તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. વિલિયમ પેનએ સુંદર કહ્યું છે, " સમય કે જે ને મનુષ્ય સૌથી વધુ ઈચ્છે છે, પરંતુ મનુષ્ય એ જ સમયનો સૌથી વધુ વ્યય પણ કરે છે."

* પ્રત્યેક ક્ષણ તમારું મૃત્યુ થઈ રહ્યું છે.

તમારા જીવનનો સમય નિશ્ચિત છે. તમારા જીવનના પ્રથમ શ્વાસથી જીવનના અંતિમ શ્વાસ સુધી તમને પૂર્વનિર્ધારીત નિશ્ચિત સમય પ્રાપ્ત થયો છે. તમારું જીવન વધી નથી રહ્યું, ઘટી રહ્યું છે. હરેક પળ તમારા જીવનની ક્ષણો ઓછી થઈ રહી છે. તમારા જન્મના પ્રથમ શ્વાસથી જ જીવનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તમારા અંતિમ શ્વાસે આ કાઉન્ટડાઉન શૂન્ય થશે. પ્રત્યેક ક્ષણ તમારું મૃત્યુ થઈ રહ્યું છે. આ મૃત્યુની પ્રક્રિયા તમારા અંતિમ શ્વાસે જ પૂર્ણ થશે. હરેક પળ આપણે મૃત્યુની સમીપ જઈ રહ્યા છીએ. તમે જ્યારે આ લેખ પૂર્ણ કરશો ત્યાં સુધીમાં તમે સ્મશાનની ચિતાથી 15 મિનિટ નજીક પહોંચી ગયા હશો. આપણા મૃત્યુનું કાઉન્ટડાઉન આપણા નિયંત્રણમાં નથી. પરંતુ આ કાઉન્ટડાઉન શૂન્ય થતા પહેલા જીવનસમયને કેવી રીતે વિતાવવું, એ નિઃશંકપણે આપણા જ નિયંત્રણ છે.
સામાન્ય મનુષ્ય તેના સંપૂર્ણ જીવન દરમિયાન, જન્મના પ્રથમ શ્વાસથી જીવનના અંતિમ શ્વાસ સુધી, સમાન્યતઃ 67,27,68,000 શ્વાસો લે છે. તમારા સંપૂર્ણ જીવન દરમિયાન તમારા શ્વાસોનો આ આંકડો નિશ્ચિત છે. પરંતુ તમારા પ્રત્યેક ક્ષણના શ્વાસે આ આંકડો ઓછો થઈ રહ્યો છે. દર મિનિટે 16 શ્વાસ, દર કલાકે 960 શ્વાસ અને એક દિવસમાં 23,040 શ્વાસોની બાદબાકી થઈ રહી છે. આ લેખના અંતિમ વાક્ય સુધીમાં તમે 250 જેટલા શ્વાસ ગુમાવી ચૂક્યા હશો. તમારી પાસે સમય ક્યારેય હતો જ નહીં, હશે પણ નહીં. પ્રત્યેક ક્ષણ તમારી પાસે માત્ર મૃત્યુ છે. હરેક પળ તમે જ તમારા મૃત્યુના સાક્ષી છો. સમયની ક્ષણભંગુરતાને સમજીને જીવનને પ્રગતિશીલ બનાવવા આ સત્ય આપણે સ્વીકારવું જ રહ્યું.
આજની યુવાપેઢીએ જીવનમાં સમયની મૂળ વાસ્તવિકતા સમજવી અત્યંત આવશ્યક છે. આજે મહત્તમ યુવાનો પોતાની પાસે સમય હોવાના ભ્રમમાં જીવે છે.તેઓ પાસે માત્ર ઘડિયાળના કોઈ આંકડા પર કાંટાના આવવાની એક કલ્પના માત્ર છે, સમય નહિ. આજે આપણે જીવનના મહત્વપૂર્ણ ક્ષણિક સમયને બરબાદ કરીને, સોશ્યિલ મીડિયા અને મનોરંજન કમ્પનીઓને અરબો રૂપિયાનો પ્રોફિટ-નફો કરાવીએ છીએ. તેઓની પ્રગતિ આપણા જીવનની બરબાદી પર આધાર રાખે છે. આજની આધુનિક લહેરમાં, રંગબેરંગી ભ્રામક જીવનની લાલચ આપી, નફાપ્રેમી ઈન્ટરનેટ કમ્પનીઓ, આજની અને ભવિષ્યની આપણી યુવાપેઢીને નિષ્ફળતાના દલદલમાં ધકેલી રહી છે.
પોતાની સ્વજાતને આદર્શ બનાવવા, પરિવાર અને સમાજને ખાતર કંઈક આદર્શ પ્રાપ્ત કરવા, હરેક પણ જીવનને અનુભવવા માટે કુદરતે ફાળવેલા ક્ષણિક સમયને, સોશ્યિલ મીડિયા અને મનોરંજનમાં વિતાવીને , કમ્પનીઓને નફો કરાવીને, તમે જીવનમાં શું પ્રાપ્ત કરશો ? આજ સુધી શુ પ્રાપ્ત કર્યું? તમારા જન્મ અને જીવનનું મૂલ્ય શું?
જ્યારે હું યુવાનોને પોતાના જન્મદિવસને હર્ષોલ્લાસથી ઉજવતા જોઉં ત્યારે મને એક આશ્ચર્ય થાય. મનોરંજનમાં, સોશ્યિલ મીડિયામાં, ટિકટોકમાં વ્યસ્ત રહીને, સ્વજાતને આદર્શ બનાવ્યા વિના, કંઈપણ આવડત પ્રાપ્ત કર્યા વિના, સફળતા પ્રાપ્તિના પ્રયત્નો વિના, પોતાના પરિવાર કે સમાજને કઈ પણ આદર્શ આપ્યા વિના વીતેલા જીવનના એક વર્ષને ઉત્સાહપૂર્વક ઉજવે છે. પોતાના મૃત્યુની એક વર્ષ સમીપ પહોંચવાનો હર્ષોલ્લાસ કરે છે. પરંતુ જ્યારે યુવાનો પોતાના જન્મદિવસે કઈ આદર્શ પ્રાપ્ત કર્યા વિના વીતેલા એક વર્ષનો વિચાર કરતા, મૃત્યુની એક વર્ષ સમીપ આવવાનો શોક મનાવશે, ત્યારે જ પ્રત્યેક યુવાનના અંતરમાં મહાનતાના કોમળ પુષ્પો ખીલશે, એવું હું માનું છું.

" જીવન ગઈ કાલે ન હતું. જીવન આવતી કાલે પણ નથી. જીવન આ ક્ષણે છે. અને મૃત્યુ પણ આ જ ક્ષણે છે "

લેખ વિશે આપના અભિપ્રાયો હંમેશા આવકાર્ય છે. આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર જણાવજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED