Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૨

‘સાહેબ, ટીપુ કોઇ બાબતે સંધિ કરવા માંગતો નથી.’, મેડોવે બ્રિટીશ અધિકારીઓની સભામાં જણાવ્યું.

બ્રિટીશ સરકારને ટીપુનું રાજ્ય પડાવવામાં વધુ રસ હતો. આથી જ વોલિસના માર્ગદર્શન હેઠળ મેડોવને ટીપુ સાથે મંત્રણા કરવા મોકલવામાં આવેલો. પરંતુ મંત્રણાનું પરિણામ તેમની ધારણા કરતા અલગ નીકળ્યું હતું. યોજના મુજબ વોલિસ માનતો હતો કે બે આંગ્લ-મૈસુર યુદ્ધ બાદ ટીપુના રાજ્યને ઘણું આર્થિક નુકસાન થયુ હશે, અને તે ભરપાઇ કરવા ટીપુ તેમની સાથે સંધિની ના પાડી શકે તેમ હતું જ નહિ. વોલિસના પાસા ઊંધા પડ્યા હતા. ટીપુનું રાજ્ય કાપડ અને ખેતી ઉદ્યોગના વિકાસને કારણે આર્થિક રીતે તો વિકસીત હતું જ, સાથે સાથે દેશવિદેશમાં નિકાસ પણ કરતું હતું.

‘કોઇ કારણ જણાવ્યું?’, વોલિસે મેડોવ સામે જોયું.

‘ના, મારી મુલાકાત ટીપુ સાથે તો થઇ જ નથી. તેમના સલાહકાર પૂર્ણૈયાએ જ મને ઉત્તર આપી રવાના કરી દીધો.’, મેડોવે ટેબલ પરથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો.

‘એટલે ટીપુને પૂર્ણૈયા પર એટલો બધો વિશ્વાસ છે કે આટલો મોટો નિર્ણય લેવા દે.’, વોલિસે જમણા હાથની આંગળીઓ ટેબલ પર ક્રમબદ્ધ રમાડી.

‘હા! અને એક છે રાવ, તેની પર પણ ટીપુને ખૂબ વિશ્વાસ છે.’

‘બેમાંથી કોઇની પણ કોઇ નાજુક બાબત, જે આપણને મદદ કરી શકે.’, વોલિસે આંખો બંધ કરી ખુરશી પર માથું ટેકવ્યું.

‘ના, પણ…’, મેડોવ અટક્યો.

‘પણ... શું?’, વોલિસે આંખો ઉઘાડી.

‘પણ... ટીપુ બે વર્ષથી એક સ્ત્રી સાથે તેના ચોગાનમાં જોવા મળે છે. જેને તે તેની રાણી બનાવવા માંગે છે.’, મેડોવે વોલિસની આંખોમાં આંખો મેળવી.

વોલિસે તુરત જ મેડોવ પાસે આવી તેના ખભા પર હાથ મૂક્યા,‘વાહ..! આ તો સારા સમાચાર છે. ટીપુ કોઇ સ્ત્રી પાછળ છે. તે સ્ત્રી જ આપણી તાકાત બનશે. ખરીદી લો તેને અને તેની વફાદારીને...’, વોલિસે હાથ ઊંચા કર્યા, ‘ગમે તે હિસાબે તે સ્ત્રીએ આપણી તરફ કરો.’

‘સાહેબ! તે તો વતનને વફાદાર છે અને તેને કોઇ પણ આર્થિક પ્રલોભન આકર્ષી શકે તેમ નથી. ના તે કોઇ સત્તાની ઇચ્છુક છે. આપણા માટે તેને ખરીદવી અઘરી બાબત છે.’, મેડોવે મેળવેલી માહિતી વોલિસને આપી.

‘તે સ્ત્રીનો કોઇ સગો કે જે આપણને કામ લાગી શકે.’

‘હા! તેનો ભાઇ... સોનું જોઇને તો, તેના પિતાને પણ દગો આપી દે તેવો છે.’

‘સરસ! તેને જ આપણું હથિયાર બનાવીશું.’, વોલિસે હાથ ટેબલ પર આત્મવિશ્વાસથી પછાડયો.

‘જેવી તમારી આજ્ઞા, સાહેબ! હું તેને આપણે ત્યાં મંત્રણા માટે આમત્રંણ મોકલાવી દઉં છું.’, મેડોવે તુરત જ ટેબલ પરથી કાગળ લીધો.

‘ના, મેડોવ, આમાં કોઇ કાગળ ના હોય. આપણા એક સિપાઇને મોકલો. કોઇ કાગળ પર પૂરાવા નહિ રાખવાના કે આપણે તેને મળ્યા છીએ. બધું જ વાસ્તવિક પણ શાબ્દિક રહેવું જોઇએ.’, વોલિસે મેડોવના હાથમાંથી કાગળ ખેંચી લીધો.

‘ઠીક છે, સાહેબ!’

‘સારૂં, તે સ્ત્રી અને તેના ભાઇનું નામ શું છે?’

‘તે સ્ત્રી છે રૂક્યા બાનુ, અને તેના ભાઇનું નામ છે, બુર્હાઉદ્દીન શહીદ...’

*****

‘તમે મને ક્યાં સુધી આ રીતે મળશો? આપણે લગ્ન કરી લેવા જોઇએ?’, રૂક્યા બાનુએ ટીપુને કહ્યું.

ટીપુ અને બાનુ, સુલતાન ગઢના પ્રવેશ દ્વારની ઉત્તર તરફ આવેલા ચોગાનમાં બેઠા હતા. ચોગાન ટીપુની પસંદગી મુજબ શણગારેલ હતું. ચોતરફ લીલુંછમ ઘાસ અને વૃક્ષોની હારમાળા, ચોગાનને સુંદરતા બક્ષતા હતા. ટીપુના પસંદીદા પુષ્પો ધરાવતા છોડ અને તે જ પુષ્પોમાંથી આવતી મનમોહક સુગંધ વાતાવરણને ખુશનુમા અને પ્રફૂલ્લિત બનાવી રહેલી. ટીપુ બાનુને આ જ ચોગાનમાં મળતો હતો. ટીપુના આદેશથી સર્જવામાં આવેલ બેઠક ચોગાનમાં બરોબર મધ્યમાં ગોઠવેલી. બેઠક અદ્દભૂત નક્શીકામ અને રંગોની રમઝટ ધરાવતી હતી. આંખો તેની તરફ હંમેશા આકર્ષાયેલી જ રહે તેવી ચમક ધરાવતી હતી. ટીપુએ ફક્ત બાનુને જ તેના પર બિરાજવાની પરવાનગી આપેલી. બાનુ નદીની માફક વહેતી શીતળ આંખોની માલકણ હતી. ચહેરો જાણે કે ટીપુના ખુદાએ સ્વયં ઘડ્યો હોય. પવિત્રતાની ઝાંખી કરાવતો નાનું સરખું નાક, અને પુષ્પોની પાંખડીઓ જેવા નાજુક અને સુંવાળા હોઠ ધરાવતો ચહેરો, થોડા સમય માટે ખુદાને પણ હચમચાવી નાંખે તેવો હતો. સાદા વસ્ત્રોમાં સજ્જ રહેતી બાનુ ટીપુને મળવા આવે ત્યારે સોળ શણગાર કરીને આવતી. ગુલાબ જેવા રંગનો ગળાથી પગ સુધી લાંબો ડગલો ધારણ કરીને આવેલી બાનુ, ટીપુને સુંદરતાની તલવારથી જ મારી નાખતી. પહેલી વાર સુંદરતા નિહાળ્યા પશ્ચાત ટીપુની ઊંઘ હરામ થઇ ગઇ હતી. આખરે એક વર્ષની જહેમત બાદ તેનું ઠેકાણું મળ્યું, અને ટીપુએ બાનુ સાથે મુલાકાત કરવાનું શરૂ કર્યું.

‘બસ, હવે સમય આવી ગયો છે. આપણે બને તેટલા વહેલા પરીણય સંબંધમાં જોડાઇ જઇશું.’, ટીપુએ બાનુનો હાથ હાથમાં લીધો.

‘તો શું વિચાર્યું છે, તમે?’

‘મારી બે રાણીઓ પછી તું ત્રીજી રાણી બનવાની છો. ત્રણેયમાં સૌથી વધુ પ્રેમ હું તને જ કરૂં છું. વહેલી તકે આપણા લગ્નની ઘોષણા કરીશ.’, ટીપુ વાત આગળ વધારી, ‘હજુ બ્રિટીશ સરકાર પાસેથી મારે ઘણા નાના પ્રાંતો છોડાવવાના છે. મૈસુરને ભારતવર્ષના ઇતિહાસમાં ગૌરવ સાથે પ્રસ્થાપિત કરવાનું છે. તું તો જાણે છે કે આર્થિક અને રાજકીય ર્દષ્ટિએ મૈસુર ઘણું વિકસીત છે. તેમ છતાં મરાઠા અને નિઝામનો સહકાર નથી. મારે તેમને પણ એક કરવા છે.’

‘અને તમે આ બધું કરશો કેવી રીતે?’

‘હું અને પૂર્ણૈયા, અમે બન્ને ભેગા મળીને આ કામને પાર પાડીશું.’

‘તમે મને નહિ જણાવો કે તમારી યોજના શું છે?’, બાનુએ ટીપુના હાથ પર આંગળીઓ ફેરવી.

‘તું તો મારી ભાવિ રાણી છે. તને તો કહેવું જ પડશે. પરંતુ યોગ્ય સમય આવશે ત્યારે.’, ટીપુને બાનુની ફરતી આંગળીઓને અટકાવી.

‘એનો અર્થ તમે મને પ્રેમ નથી કરતા...?

‘પ્રેમ તો અપાર છે, પરંતુ દેશનો વિકાસ પહેલા, વ્હાલી.’

‘તો પછી તમે આજે નક્કી કરી લો. હું કે તમારી યોજના... કોણ મહત્વનું છે?’, બાનુ ગુસ્સામાં બેઠક પરથી ઊઠી પાસે આવેલા વૃક્ષ પાસે ચાલી.

‘એવું નથી... મહત્વ બન્નેનું છે. તારૂ તારા સ્થાન પર અને દેશ માટેની યોજનાનું યોજનાના સ્થાન પર... બન્નેને એકસમાન ન ગણી શકાય.’, ટીપુએ હાથ પકડી બાનુને રોકી.

‘તમારી આ રાજકારણીય વાતો મને ગળે ના ઉતરે. હું તો સીધી વાતમાં જ માનું. હું કે દેશ?’, બાનુ એ હઠ પકડી.

‘સારૂં... સારૂં... જણાવીશ પણ આજે નહિ. થોડો સમય પ્રતીક્ષા કરી લે.’

‘ના, હમણાં જ...’

‘ઠીક છે. તારી આગળ હું હાર્યો.’, ટીપુએ બાનુને પાછી બેઠક પર બેસાડી,‘તો સાંભળ, મારી મિત્રતા અફઘાનિસ્તાન અને ફ્રાંસ સાથે છે. ફ્રાંસના અધિકારીઓ અને અફઘાનિસ્તાનનો ઝમાન ખાન મારી મદદે આવવાના છે. તેઓની વિશાળ સેનાના સહારે હું મરાઠા અને નિઝામને આપણી સાથે રહેવા માટે સમજાવીશ, તેમજ તેમની સેના સામે બ્રિટીશ સેના ઘણી નાની છે. વળી બ્રિટીશ પ્રજા વેપારી છે, યોદ્ધાઓ નહિ. આથી યુદ્ધનિતીમાં વધુ પારંગત નથી. તેનો જ ફાયદો ઉઠાવી આ દેશમાંથી તેમનો નિકાલ કરવાની મારી યોજના છે.’

‘લો... આમાં મને કહેવા જેવું શું નહોતું? ખાલી અમથા જ ભાવ ખાતા હતા.’, બાનુ ટીપુની છાતી સરસી વળગી.

ટીપુએ પણ તેને બાથમાં લીધી અને બન્ને સાંજના સૌમ્ય વાતાવરણમાં ખોવાઇ ગયા.

*****