સમર્પણ - 5 Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 5


આગળના ભાગમાં જોયું કે થોડા દિવસથી વધારે જ ગુમસુમ અને વાત-વાતમાં અકારણ અકળાઈ જતી દિશાના મનમાં શુ ચાલી રહ્યું છે એ જાણવા, રુચિ વધુ એક દિવસ ફક્ત બંને માટેનો સમય મળે એ હેતુથી, એક મંદિરે સમય વિતાવવાનો પ્રોગ્રામ બનાવે છે. દિશાના મનની ઘણી બધી વાતો બહાર લાવવા રુચિ જીદ કરીને પણ સવાલોના બાણથી દિશાને વીંધતી જ રહે છે. બહાર જમવાના બદલે અહીં જ સાત્વિક પ્રસાદ લઈ લે છે, જ્યાં એંઠું નહીં મુકવાના નિયમ પ્રમાણે રુચિને થાળીમાં વધેલો અડધો લાડવો ખાઈ જવાની ફરજ પડે છે. રુચિને એ વાત થી અણગમો થતાં જ દિશા પાસે ઉભરો ઠાલવે છે. દિશા પ્રેમથી એ કાર્યની અગત્યતા સમજાવવામાં સફળ થાય છે. એ પછીની વાત-ચીતમાં પણ રીતેષનું નામ આવતાં જ દિશા પોતાની આંખમાં આવતા આંસુ રોકી શકતી નથી. રુચિની બધું જ જાણી લેવાની જીદ સામે નમતું મૂકીને દિશા પોતાની જિંદગીના અને હૃદયના એક-એક પાનાં ખોલવાનું શરૂ કરે છે. માત્ર ત્રણ વર્ષની રુચિને મૂકી રીતેષ અચાનક આવેલાં, એક પક્ષાઘાતના હુમલામાં મૃત્યુ પામ્યો હતો. રીતેષને આપેલાં વચન પ્રમાણે રુચિને ભારતમાં જ ભણાવી વ્યવસ્થિત ઘેર વળાવવાની ઈચ્છા પુરી કરવા, દિશા સાસુ-સસરા પાસે લંડન નહીં જઈ, અહીં જ એકલા રહેવાનું પસંદ કરે છે. વાત-ચીત માં ઘણો સમય વીતી ગયો હોવાથી પરત ઘરે આવવા નીકળે છે પરંતુ રુચિ ની જિજ્ઞાસાઓનો અંત આવતો નથી. સમય સાથે આગળ ના વધી શકવા બદલ દિશાને મીઠો ઠપકો પણ આપે છે. અને આ કપરા સમયમાં દિશાને જોઈતો બધી જ રીતનો સાથ આપી, પોતાને દુનિયાની best daughter બનવા દેવા માટે દિશાને આજીજી કરે છે.

સમર્પણ..5

દિશા : (હળવા સ્મિત સાથે રુચિને જોઈ રહી, ''દીકરી આટલી બધી ક્યારે મોટી થઈ ગઈ ? ) સારું ચાલ, તારી વાત માની લઉ છું, પણ એક કામ કરીએ, એક દિવસ તું રજા લઈ લે અને ક્યાંક બહાર જઈએ, આજની જેમ ફક્ત આપણા બેય માટેનો જ સમય. હવે તો મને પણ મન થાય છે કે તને જ ફ્રેન્ડ બનાવી લઉં.''
રુચિ : ''Wow મમ્મી યે હુઈ ના બાત, એક દિવસ શુ કામ કાલે જ જઈએ આપણે''
સવારે બહાર જવા માટેની જગ્યા નક્કી કરવાનું વિચાર્યુ, આમ જ બંને વાતો કરતાં કરતાં ક્યારે સુઈ ગયા એનું ધ્યાન જ ન રહ્યું.
સવાર થતાં જ રુચિ ઉઠે એ પહેલાં જ દિશાએ ફટાફટ ઘરનાં કામ પતાવી લીધા. રુચિને ઉઠાડી, જવાની જગ્યા નક્કી કરીને પોતે તૈયાર પણ થઈ ગઈ.
રુચિ નાહીને બહાર આવી : ''આ શું ? આજે પણ તારે ડ્રેસ પહેરવાનો છે ? રિસોર્ટ જઈએ છે મમ્મી, કંઈક ઢંગના કપડાં તો પહેર.''
દિશા : 'લે મારે કોને બતાવવાનું છે ? તું તારે નવા પહેરજે તને જે ગમે એ, મારે તો આ જ comfortable છે.''
રુચીએ કાઈ જ સાંભળ્યા વગર એક ફુલ મેક્સિ ગાઉન કાઢી આપ્યું. દિશાએ શરીરની માવજત એવી રીતે કરી હતી કે તે દરેક પ્રકારના કપડાં પહેરી શકતી, અને એને શોભતાં પણ ખરાં. ઘણાં સમયથી એણે એ બધું જ બંધ કરી દીધું હતું. થોડી આનાકાનીને અંતે રુચિની રુચિ મુજબ જ એણે તૈયાર થવું પડ્યું.
ઘરથી પાત્રીસેક કિલોમીટર દૂર આવેલા એક રિસોર્ટમાં એમણે આખો દિવસ વિતાવવાનું નક્કી કર્યું હતું. અગિયારેક વાગ્યે બંને ત્યાં પહોંચી પણ ગયા. ત્યાનું કૃત્રિમ અને કુદરતી વાતાવરણનો સુંદર સમન્વય જોતાં અહીં આવવું સાર્થક જણાયું. એક વાગ્યે બપોરનું જમવાનું હોવાથી ત્યાં સુધીમાં બંનેએ ગેમ ઝોન, સ્વિમિંગપુલ, લાઈબ્રેરી વગેરેની ઊડતી મુલાકાત લઈ લીધી. કાંઈ કેટલાય વિચિત્ર ચહેરાઓ બનાવી રુચિએ ઘણી બધી સેલ્ફીઓ લીધી અને દિશાને પરાણે લેવડાવી પણ ખરી. જમવાનું પતાવી બેય રિસોર્ટના રિસેપ્શન એરિયામાં ખૂણામાં આવેલી બેઠકે ગોઠવાઈ ગયા.
રુચિ : ''ચાલ મોમ, હવે આપણે અહીં આવ્યા છીએ એ વાત કરીએ.''
દિશા : ''ભારે ઉતાવળી તું તો. શાંતિ તો રાખ.''
રુચિ : ''કહે ને મમ્મી, વાત સાંભળવા માટે હું કેટલી તલપાપડ થાઉં છું તને ખબર તો છે, યાર. કહે હવે પ્લીઝ, અચાનક આમ કેમ તારા જીવનમાંથી રસ ઉડી ગયો છે ? હસતી હોય તો પણ તારી આંખોના પાણી કેમ સુકાતા નથી.?''
દિશા શૂન્યમનસ્ક થઈ ફરી પાછી ક્યાંક અંધારામાં ખોવાઈ એમ લાગતા જ ફરી રુચિએ હાથ ખેંચી એને ઢંઢોળી.
રુચિ : ''મમ્મી ક્યાંય ખોવાવા નહીં દઉં તને, હું હંમેશા તારો હાથ પકડી રાખીશ જરૂર પડશે તો ખેંચી લઈશ તને ફરી મારી પાસે''.
દિશા : (આંસુ અને હાસ્ય એક સાથે આજે ખીલી ગયા.) હા ચાંપલી, હું પણ તને એકલી નથી મુકવાની ક્યારેય. ''એકલતા'' સૌથી ખરાબ વસ્તુ છે, રુચિ. તું નાની હતી તો તારી આગળ-પાછળ આ ઉંમર ક્યાં વીતી ગઈ ખબર પણ નથી પડી. પણ...
રુચિ : ''મમ્મી, તે બીજા લગ્ન કર્યા હોત તો તું આજે આમ ગુમસુમ ના હોત ને ?''
દિશા : (થોડું વિચારીને) ''કદાચ હા, પણ બેટા દરેક વસ્તુ આપણે વિચારીએ એમ નથી થતી હોતી. બીજા લગ્ન માટે તારા દાદા-બા એ પણ કહ્યું હતું, પ્રયત્ન પણ કર્યા હતાં. કોઈ ને કોઈ કારણસર હું એમાં ગોઠવાઈ ના શકી. ક્યાંક છોકરી સાથેના સ્વીકારની આનાકાની તો ક્યાંક છોકરી સાથે હોય તો રૂપિયાની માંગણી. ક્યાંક તને સાચવવાની જવાબદારી તો ક્યાંક તને ખોઈ નાખવાની બીક. હું એ બધામાં નવા ઘરે નવા માણસો સાથે તને લઈને નવી જિંદગી શરૂ કરવાના વિચારોને અમલમાં મૂકવા અસફળ રહી. જોકે અહીં મને કોઈ તકલીફ પણ નહોતી. બધા કહેતા કે, ''તું હજી નાની છે નવો સંસાર માંડી લે, પાછલી જિંદગી એકલા જીવવી બહુ અઘરી પડશે.''પણ તારી સાથે તારી જ આસપાસ આ જિંદગી કૂદકે ને ભૂસકે ઠેકડા મારી આગળ વધી ગઈ એનો કાંઈ ખ્યાલ જ ના રહ્યો.
રુચિ : ''મમ્મી, તું તારી જિંદગી જીવવા માટે હજુ પણ કોઈક નિર્ણય લઈ શકે છે, હવે તો હું મોટી થઈ ગઈ છું. મારા લગ્ન થશે પછી તારું શુ ? એ વિચારે મને પણ ક્યારેક બહુ બીક લાગે છે.''
દિશા : ''સાચું કહું ? પહેલેથી હમણાં સુધી મને એમ વિચાર આવતાં કે જે દિવસે તારી વિદાય થશે એ જ સમયે મને હાર્ટ એટેક આવી જશે. તારા વગરની જિંદગી હું કેમ જીરવી શકીશ ? પણ હવે હું એવુ નથી વિચારતી. મને જ્યારે એકલું લાગે ત્યારે એમ પણ વિચારું છું કે તને જ્યારે પણ જરૂર હોય મારી, ત્યારે હું હાજર હોવી જોઈએ.''
રુચિ : ''તને મારી ચિંતા છે આટલા દિવસથી?''
દિશા : ''સાચું કહું ? મને મારી ચિંતા છે હવે. તારા દાદાએ એક વાર ફોનમાં તારા લગ્નની વાત કરી હતી, ત્યારથી એક અજાણ્યો ભય મગજ ઉપર હાવી થઈ ગયો છે. અચાનક મારી ઉંમર મને વર્તાઈ રહી છે. એકલતા મને ચારે બાજુથી ભીંસી રહી છે. ક્યારેક ગૂંગળાઈ જવાય છે. અત્યાર સુધી ખબર તો હતી જ કે તને લગ્ન પછી સાસરે વળાવી પડશે, પણ આ સમય અચાનક સામે આવી જશે એની તૈયારી નહોતી. બે-પાંચ વર્ષમાં તારા લગ્ન હવે લેવા જ પડશે, એ હકીકત મારુ મન સ્વીકારી નથી શકતું. દિલથી તારી ખુશી જ જોવા માંગુ છું છતાં પણ મને તારો-મારો હાથ છૂટતો દેખાય છે ક્યારેક. આ આપણી બંનેની મસ્તી-મજાક, સાચી-ખોટી લડાઈ-ઝગડાં બધું જ ખોવાઈ જશે. તારે નવા લોકોમાં ગોઠવાવું પડશે એટલે તું વ્યસ્ત થઈ જઈશ, પણ હું ?'' (ગળે બાજી ગયેલા ડુમાથી પરાણે સ્વસ્થ થવા પ્રયત્ન કરે છે.)
રુચિ : ''યાર કેમ આમ વિચારે છે? હું ક્યાંય દૂર નથી જવાની, હું તો મારા વર ને પણ કહી દઈશ કે મમ્મી મારી સાથે જ રહેશે.''
દિશા : ''આપણે એવું નથી કરવાનું, સમાજમાં જે થાતું હોય એમ જ થાય. મને એનું.દુઃખ.નથી. પણ હું શું કરીશ એમ વિચારું છું. અત્યારે તો તારા લીધે રાત-દિવસ વીતી જાય છે ખબર નથી પડતી.''
રુચિ : ''મમ્મી, એક વાત પૂછું? તને આટલા સમયમાં કોઈ ગમ્યું જ નહીં ? તને મન ના થયું કોઇની સાથે હરવા-ફરવાનું કે મિત્રો બનાવવાનું ?''
દિશા : (થોડી વાર રુચિ સામે જોઈ રહી, મનોમન એક વિશ્વાસ સાથે વાત આગળ વધારી) ''તારી વાત સાચી છે. બહુ મન થયું મને એ બધું જ કરવાનું. બધા કપલને હાથમાં હાથ નાખી ફરતાં જોતી ત્યારે અનાયાસે મારો હાથ રીતેષના હાથને શોધવા મથી રહેતો. બધા જ સપના તારા પપ્પાએ એવી રીતે પુરા કર્યા છે કે સપનામાં પણ બીજા કોઈ માટે જગ્યા જ બચી નથી. રીતેષની ગેરહાજરીની હકીકત આંખ સામે આવતા જ બધા વિચારોને ખંખેરી હું ફરી તારામાં ગૂંથાઈ જતી.''
રુચિ : '' તું જ કહે છે કે જૂનું ભૂલી ને આગળ વધવું જોઈએ, તો એ તું કેમ નથી સ્વીકારતી ? પપ્પા સાથેનો તારો પ્રેમ જગ જાહેર છે, પણ એમની હયાતી જ નથી હવે, તો તું તારા સપના ફરી ના જીવી શકે ?''
દિશા : ''તું શું કહે છે હું સમજુ છું, પણ આ ઉંમરે હવે એ શક્ય નથી અને શોભે પણ નહીં, આટલા વર્ષ માન-મર્યાદામાં રહીને વિતાવ્યા છે. એજ મોભાના કારણે જ તારા સગપણમાં ઉંચા માથે હું ઉભી રહી શકીશ. એમાં કોઈપણ અડચણની શક્યતાઓ ઉભી થાય એવું હું કાંઈ જ ના કરી શકું.''
વાતો-વાતોમાં જ સાંજના સાડા પાંચ થઈ ગયા. ઘડિયાળ સામે નજર પડતાં જ રુચિ ઉભી થઈને રિસેપ્શન ટેબલ પરથી પાણીની બે બોટલ લઇ આવી. એક દિશાને આપી બીજી પોતે પીધી.
દિશા : ''હવે નિકળીશું ? ખાસી બધી વાતો થઈ આજે તો.''
રુચિ પાણીની ખાલી બોટલો ડસ્ટબિનમાં નાખવા જઇ રહી હતી, કે દિશાએ હાથ પકડ્યો.
દિશા : ''અને...સાંભળ, મને એટલું કહેજે ? ...હું તારી મોમ છું કે તું મારી મોમ છે ?''
બંને ખડખડાટ હસી પડ્યા.

વધુ આવતા અંકે...