સમર્પણ - 6 Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 6

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ અને દિશા બીજા દિવસે જ ફરી બહાર જવાનું ગોઠવે છે. થોડા સમય પહેલાનું દિશાએ પોતાના તરફ ધ્યાન આપવાનું બંધ કર્યું હોવાથી રુચિ, દિશાને ફૂલ મેક્સિ ગાઉન પહેરવા ફરજ પાડે છે. શરીર સૌષ્ઠવની પૂરતી કાળજી લીધેલી હોવાથી દિશા એ પરિધાનમાં ખીલી ઉઠે છે. પાંત્રીસેક કિલોમીટર દૂર આવેલા રિસોર્ટમાં બંને જણા સમયસર પહોંચી જાય છે. ત્યાંના જમવાના સમયને હજુ વાર હોવાથી રિસોર્ટની એક ઊડતી મુલાકાત લઇ લે છે. વિચિત્ર સેલ્ફીઓ પાડી રુચિ, દિશાને ખુશ કરવા બનતા પ્રયત્નો કરે છે. જમીને વાતોએ વળગતા, દિશા પોતાના ઉપર હાવી થયેલા એકલતાના ભયને રુચિ આગળ છતો કરે છે. મા-બાપની ખોટ પૂરતા સાસુ-સાસરાએ પણ દિશાને નવી જિંદગી શરૂ કરવા સલાહ આપી હોવા છતાં તે ક્યાંક રુચિને અન્યાય ના કરી બેસાય એવા ભય થકી તો ક્યાંક સામેના પાત્ર તરફની અણગમતી શરતોના લીધે આગળ વિચારી શકી ના હતી. ઉંમર કરતા સમજણમાં આગળ એવી રુચિ, દિશાને ફરીથી પોતાની જિંદગી જીવી લેવા અને સપનાઓ પુરા કરવા વિનવે છે. પરંતુ ઉંમરના આ ઢોળાવે પોતાની યુવાન દીકરીના સગપણની જ્યાં વાત ચલાવવાનો સમય હોય ત્યાં પોતાની જિંદગી માટે વિચારવાનું દિશાને અયોગ્ય લાગે છે. વાતો નો દોર પૂરો કરતા થોડા મસ્તી-મજાક સાથે આખો દિવસ પૂરો કરે છે.

સમર્પણ...6

બીજા દિવસથી ફરી પોત-પોતાના રોજિંદી ઘાટમાળમાં બંને પરોવાઈ ગયા. દિશા આ રીતે પહેલી વખત રુચિ સાથે દિલ ખોલીને વાતચીત કરી શકી હતી. રુચિ પણ સમજી શકી હતી કે દિશાને એક અજાણ એકલતાનો ડર સતાવી રહ્યો છે, અને પોતાની ઉંમરનું એક કેદ સમુ ઓછાડ એણે જાતે જ ઓઢી લીધું છે. મમ્મીને આ બધામાંથી બહાર લાવી ફરી હસતી કરવાનો મનોમન નિર્ધાર એણે કરી લીધો, એ પહેલાં કરતાં દિશાનું હવે વધુ ધ્યાન રાખતી. કોલેજથી આવતા જ રસોઈમાં થોડી મદદ કરાવતી. બંને સાથે જમતાં અને જમીને નજીકમાં ચાલતા આંટો મારવા પણ જતા. દિશા પણ થોડી હળવી થઈ હતી.
રુચિ, કોલેજમાં એના પપ્પાની જેમ જ બધા જ કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લેતી. અને ભણવામાં પણ હંમેશા અવ્વલ આવતી.
આજે એક ડિબેટ કોમ્પિટિશનમાં એ ભાગ લેવા જઇ રહી હતી. ડિબેટના વિષય હતા...''લવ મેરેજ'', ''લિવ ઇન રિલેશનશિપ'' અને ''એરેન્જ મેરેજ''. પપ્પા-મમ્મીના સફળ પ્રેમ લગ્નની અનેક વાતો એણે સાંભળી-અનુભવી હતી એટલે એણે ''લવમેરેજ'' નો વિષય પસંદ કર્યો હતો. ''એરેન્જ મેરેજ'' ના વિષય માટે બીજા ક્લાસની એક યુવતી, ભારતી ની પસંદગી થઈ હતી. એજ રીતે ''લિવ ઇન રેલેશનશીપ'' માટે રુચિના જ કલાસમાં એક નવા આવેલા યુવક, નિખિલે નામ નોંધાવ્યું હતું.
કોમ્પિટિશન શરૂ થઈ.
હોસ્ટ તરીકે સ્ટેજ પર ઉભેલા યુવકે કોમ્પિટિશન વિશે ટૂંક માં માહિતી આપી, અને ત્રણેય ભાગ લેનારની ટૂંકી ઓળખાણ આપી,
ભારતીએ સ્પર્ધાની શરૂઆત કરી.
ભારતી : ''આપણાં દેશના આ ''એરેન્જ મેરેજ''ના રિવાજને લીધે હજુ પણ ભારત બીજા બધા જ દેશોના મુકાબલે પોતાના સંસ્કારોને સાચવી શક્યું છે.''
રુચિ : ''સમજી વિચારીને કરેલા ''લવ મેરેજ'' થકી લગ્ન સંબંધને વધુ સારી રીતે સમજી શકાય છે.''
નિખિલ : ''વિદેશમાં સ્વાભાવિક ગણાતાં ''લિવ ઇન રિલેશન''ના લીધે અત્યારના યુવક-યુવતીઓ સેલ્ફ ડિપેન્ડેડ રહે છે અને લગ્ન સાચવવાની ખોટી ચિંતાઓથી દૂર રહે છે.''
ભારતી : ''એરેન્જ મેરેજ''માં નાની-નાની વાતોને મોટું સ્વરૂપ આપી દેવાને બદલે વડીલોની આમન્યા જાળવવા બંને પક્ષે થોડું જતું કરાવી લગ્ન વિચ્છેદનું પ્રમાણ ઘટાડાતું હોય છે.''
રુચિ : ''લવ મેરેજ''માં પહેલેથી જ એકબીજાને સારી રીતે ઓળખવાને લીધે. લગ્ન પછી ઉભી થતી ગેર સમજણોમાં ઘટાડો થાય છે તેથી લગ્ન વિચ્છેદનું પ્રમાણ નહિવત્ થઈ જાય છે.''
નિખિલ : ''લિવ ઇન રિલેશન'' માં કોઈની કોઈ જ ખોટી આમન્યા જાળવવાની જ ના હોઈ એક બીજાથી એકદમ ફ્રેન્ક રહી શકાય છે. જેવા હોઈએ એવાનો જ સ્વીકાર થાય છે.''
સળંગ ચાલતી સ્પર્ધામાં બધાજ વિદ્યાર્થીઓ નિખિલ અને રુચિ ની દલીલો ઉપર કોલેજના મેદાનને સિટીઓ મારીને અને તાળીઓ ના ગડગડાટથી ગુંજવી રહ્યાં હતાં. ભારતીની દલીલો નિખિલ અને રુચિની દલીલો સામે નબળી પડી જતાં. ભારતીને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવી. હવે સામ-સામે રુચિ અને નિખિલ હતાં.
નિખિલ : ''''લવ મેરેજ''માં ક્યારેક પાત્ર ખોટું આવી જાય અને કોઈ એકના પરિવાર તરફથી સ્વીકાર્ય કરવામાં આવેલા ન હોય, તો છોકરીની જિંદગી બંને બાજુથી ખરાબ થવાનો ભય રહે છે. પ્રેમ આંધળો છે સામેનું પાત્ર જો યોગ્ય ન નીકળે તો એની અસલિયત એક ચોક્કસ સમય સુધી સામે આવી શકતી નથી.''
રુચિ : ''''લિવ ઇન''માં એકબીજા પ્રત્યે કોઈ જ જવાબદારીઓ ના હોવાને લીધે બંને પાત્રો એકબીજાને બંધાઈ રહેવાનો પ્રયત્ન જ કરતાં નથી, જ્યારે ''લવ મેરેજ''માં પોતે જ પસંદ કરેલા પાત્ર સાથે જીંદગીભરનો સાથ નિભાવવાના વચનના લીધે એકબીજાને વધુ ને વધુ ઓળખવાનું અને જરૂર પડે જતું કરવાનું પણ જાતે જ મન થતું હોય છે.''
નિખિલ : ''''પ્રેમ'' ક્યારેય બાંધી શકાતો નથી. ''એરેન્જ મેરેજ'' હોય કે ''લવ મેરેજ'' કોઈ પણ સંબંધમાં તમને જ્યારે બાંધવામાં આવે છે ત્યારે અમુક સમયે ક્યારેક એમાં ગૂંગળાઈ રહ્યા હોવાનું જણાય છે જેના લીધે માનસિક તાણ, કૌટુંબિક કલેશ વગેરે સર્જાય છે. ''લિવ ઇન''જેવા સંબંધો, પરાણે સંબંધોને સાચવવા કરતા સંબંધોને દિલથી જીવતા શીખવાડે છે.''
તાળીઓના ગડગડાટ સાથે, નિખિલની ચોટદાર દલીલોએ રુચિને પાછળ રાખી એને પહેલા નંબરનો હકદાર બનાવી દીધો. ઇનામ વિતરણ માટે બોલાવવામાં આવતા નિખિલને આ વિષય ઉપર બે વાક્યો સમજાવવાનું કહેવામાં આવ્યું.
નિખિલ : ''ભારત દેશમાં ''લિવ ઇન રિલેશન''ને કાયદાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં સભ્ય સમાજના કોઈ જ કુટુંબમાં એની સ્વીકૃતિ આપાઈ શકી નથી. જો કે, આ વિષય ઉપર ખુલીને વાત થઈ શકતી હોવાથી લોકો પોતાને એજ્યુકેટેડ અને ફોરવર્ડ ગણાવવા માટે આ વિષયને સાથ તો આપે છે, પરંતુ પોતાના કુટુંબનું જ કોઈ વ્યક્તિ આ પ્રમાણેનો સંબંધ રાખે તો સ્વીકારી શકતાં નથી. છતાં હું દરેકના વ્યક્તિગત વિચારોનો આદર કરું છું. આ વિષય ઉપર બોલવાનું હોવાથી મેં મારી કેટલીક વ્યક્તિગત માન્યતાઓને વાચા આપી છે. પરંતુ એનો અર્થ એ નથી કે હું લિવ ઇનમાં જ રહેવાનો છું, ભગવાન જાણે, મારે એરેન્જ મેરેજ કે લવ મેરેજ કરવા પણ પડે..'' (સામે ઉભેલા લોકો સામે જોતાં જોતાં ત્રાંસી નજરે રુચિ સામે જોઈ, સરખી રીતે ઓળાએલાં હોવા છતાં વાળમાં એક અલગ અદાથી હાથ ફેરવી લીધો.)
હાસ્યના ઉછળતા મોજાઓ સહિત તાળીઓના અવિરત અવાજો વચ્ચે નિખિલના દસ-બાર મિત્રોએ નિખિલને સ્ટેજ ઉપર જ આવીને ઉપાડી લીધો અને જીતની ચિચિયારીઓ કરતાં નાચવા કૂદવા લાગ્યા.
રુચિ પોતાની હાર સ્વીકારવાથી દુઃખી ન હતી પરંતુ એ પોતાના વિષયની હાર સાંખી શકતી ન હતી. ''લવમેરેજ'' એણે સજ્જડ રીતે મનમાં ગોઠવેલા હતા. ''લિવ ઇન''ને તો એ નફરત જ કરતી, જ્યારે ''એરેન્જ મેરેજ''માં કોઈ અજાણ્યાને પોતાનું જીવન સોંપી દેવા એ તૈયાર નહોતી.
ઘરે દિશા શાકભાજી સાફ કરતી હતી જમવાનું બનાવી લીધું હતું. રુચિએ આવતાની સાથે જ જમવાની ના પાડી દીધી અને રૂમમાં જઇ, પલંગ ઉપર પડતું મૂક્યું. એનો મૂડ જોતા જ દિશાએ કામ બાજુ પર મૂક્યું. રુચિ પાસે જઈ માથે હાથ ફેરવતા, '' શુ થયું ? કેમ આમ અચાનક ઢીલી પડી ગઈ ? (થોડું વિચારીને) હારી ગઈ સ્પર્ધામાં ? ચાલ્યા કરે બેટા...''
રુચિએ લગભગ રડી પડતાં બધી જ વાત દિશાને જણાવી.
દિશા : ''એમાં શુ થયું ? બેટા દરેકના પોઇન્ટ ઓફ વ્યુ અલગ-અલગ હોય છે. જેને જે યોગ્ય લાગે એ રીતે એ જિંદગી જીવવાને હકદાર છે. આપણે આપણા વિચારો કોઈના ઉપર લાદીને કોઈને ફોર્સ ના કરી શકીએ, બેટા. તું તારી રીતે સાચી જ છો પણ નિખિલની પણ કોઈ વાત ખોટી તો નથી જ. એ તારો હરીફ હતો એટલે ખોટો જ હોય એ જરૂરી નથી.''
રુચિએ દિશાની વાત ધ્યાનથી સાંભળીને મમ્મીને થોડું સ્મિત આપી વળગી પડી, ''મમ્મી તને આટલું બધું સમજાવતાં કેવી રીતે આવડે છે યાર...''
બંને એક લાગણીના આલિંગનમાં વીંટળાઈ ગયા.
દિશાએ રુચિના માથે હાથ ફેરવતા કહ્યું, ''બેટા, દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. ક્યારેય એમને આપણી એક જ નજરથી ઓળખવાની ભૂલ નહીં કરવાની.''
દિશાએ સહેજ અળગી થઈને પ્રશ્નાર્થ નજરે મમ્મી સામે જોયું, ''એટલે ?''
દિશા : ''એટલે એમ, કે મારા, તારા પપ્પા સાથેના લવમેરેજ વિશે તું જાણે છે એટલે એરેન્જ મેરેજ કે લિવ ઇન ખોટું જ હોય એ જરૂરી નથી.''
રુચિ : ''મમ્મી તારી વાત સાચી પણ મારા ક્યાં મુદ્દામાં તને ખોટું હોય એમ લાગ્યું ?''
દિશા : ''મને ખોટું હોય એમ જરાય નથી લાગ્યું, પણ તને જે નિખિલના વિષય ઉપર ગુસ્સો આવ્યો છે એના લીધે હું તને આ સમજાવી રહી છું.''
રુચિ : ''મમ્મી, યા...ર, તું ?... તું લિવ ઇનમાં માને છે ?
દિશા : ''જો બેટા, હું માનું છું એમ ના કહી શકું, પણ જે નવા રીત રિવાજો કે તમારી ભાષામાં નવા ટ્રેન્ડને હંમેશા પોઝિટિવ વિચારો સાથે સમજી વિચારીને જો નિર્ણય લેવામાં આવે તો એમાં કાંઈ ખોટું નથી. દરેક પરિસ્થિતિના પોતાના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા હોય છે, એમાંથી તમે શું ઉઠાવો છો એના પર બધો આધાર રહેલો છે.(રુચિ ના ગાલે હળવી ચપટી ભરતા) સમજી મારી બચ્ચું ?''
ક્યારેક અચાનક નાનકડી બેબી બની જતી મમ્મીને જોઈ રુચિ હંમેશા ખુશ થઈ જતી. અને ગમે તેવો મૂડ હોય એ હળવી ફૂલ થઈ જતી. છતાં મમ્મીની આંખોના ખૂણાની ઉદાસી એ સ્પષ્ટ જોઈ શકતી હતી, અને મનોમન એને વધુને વધુ ખુશ કરવાના કારણો શોધતી રહેતી.
દિશા : ''ચાલ હવે, વાતોથી પેટ નથી ભરવાનું.''
બંને ડાઇનિંગ ટેબલ પર આવી ગયા.

વધુ આવતાં અંકે...